Saturday, October 12, 2013

ધર્મના નામે ઝઘડા શાના? ચિન્હથી જો ધર્મ અલગ પડતો હોય તો ચાંદ અને સિતારા તો ઔં કારમાં પણ છે........

આંખોમાં અજીબ પ્રકારની બેચેની વર્તાઈ રહી હતી, સામે દેખાતી તમામ વસ્તુ ધૂંધળી દેખાતી હતી, ઘણા જ પ્રયત્નો કરવા છતાં મનનો ગુસ્સો ચહેરા પર અને આંખોમાં દેખાઈ આવતો હતો, પશ્ચિમ દિશામાં નમાજ પઢવા, અલ્લાહની ઈબાદત કરવા બેઠા હતા પણ મન વ્યગ્ર અને અશાંત હતું. એકાકી જીવન વ્યતીત કરતા અને ભાગ્યેજ કોઈની સાથે વાત કરતા "ખાન સાહેબ" તરીકેની ઓળખ ધરાવતા ગુજરાતના એક નાનકડા ટાઉન કહી શકાય એવા શહેરમાં, શહેરની ભીડભાડથી દૂર છેવાડાના મકાનમાં, મગરીબની નમાઝ અદા કરી રહેલ 65 વર્ષની વય વટાવી ચુકેલા ઇનાયતખાન હાજી તમે આજે દુઃખી, વ્યથીથ, વ્યગ્ર અને ગુસ્સામાં હતા.

દેશની સેવામાં એક ફૌજી જવાન તરીકે યુવાની પસાર કરી ચુકેલા ઇનાયતખાન, આજે તમે નિવૃત જીવન જીવતા હતા અને ઇન્ડિયન આર્મી તરફથી મળેલી જમીન પર નાનકડું મકાન બનાવી થોડીક જરૂરિયાત માટે ઘણી જ વધારે કહી શકાય તેવી પેન્શનની આવકમાંથી, પાક કુરાને-શરીફના નિયમોનું પાલન કરીને પાંચ વખતના ચુસ્ત નમાઝી તરીકે જીવન પસાર કરી રહેલ હતા.

રોજ સવારે વેહલા ઉઠીને "ફઝલ"ની નમાજ અદા કરીને નજીકમાં આવેલ બગીચામાં ચાલવા જવું, ત્યાં તમારી ઉમરના વ્યક્તિઓ સાથે થોડોક સમય બેસવું, બાદમાં બાગની નજીક આવેલ નથ્થુકાકાની કીટલી પર ચા નાસ્તો કરવો, ઘરે આવવું, ઘરની આગળ બનાવેલ નાના બગીચામાં જાતે ઉછેરેલા ફૂલ-છોડને પાણી પાવું, બપોરના ભોજન માટે બસ સ્ટેશન પાસે આવેલી લોજમાં જવું, બપોરના સમયમાં છાપું તથા ધાર્મિક પુસ્તકો વાંચવા અને  તેમાં કહેલ વાતને સમજવા પ્રયાસ કરવો અને સાંજે ફરીથી ચાલવા જવું અને રસ્તામાં મળતા નાના છોકરાઓને ગોળી-બિસ્કીટ આપવા, મોડી સાંજે ઘરે પરત આવી ટી.વી. પર સમાચાર જોવા અને રાત્રે માત્ર દૂધ પીને "ઈશા"ની નમાઝ અદા કરી સૂઈ જવું એ તમારો નિત્યક્રમ હતો ઇનાયતખાન હાજી.

નિવૃતિના પાછલા પાંચ વર્ષમાં લગભગ તમે તમામ ધર્મના પુસ્તકો વાંચી નાખ્યા હતા અને વાંચન પછીના મનનથી ઇનાયાતખાન તમે એટલું સમજી શકતા હતા કે દરેક ધર્મની ભાષા અલગ અલગ ભલે હોય, વાતની રજૂઆત ભલે અલગ અલગ હોય પણ ભાવાર્થ એક જ છે, "કર ભલા તો હોગા ભલા." "ન્યાય-નીતિથી જીવવું અને હક-હલાલનું ખાવું." "હરામનું ખુદાના દરબારમાં ક્યારેય માફ નથી થતું." "ખાખસે પેદા હુએ હૈ, ખાખ મેં મિલ જાના હૈ." "ગદ્દારી, ચાહે વો કીસીસે ભી કી હો, ખુદા કે દરબારમેં કભી માફ નહિ હોતી." બસ ધર્માંધ દુનિયાને સમજાવવાની તાકાત હવે બાકી રહી ન હતી, પાક કુરાને શરીફની આયાતોનું ખોટું અર્થઘટન કરતા કેટલાક કાજીઓ, મોલવીઓ અને આવા લોકોની વાતનું અંધાળું અનુકરણ કરતા નવયુવાનોને જોઇને તેમના દ્વારા ખુદાના નામ પર ખુદાને માટે કરવામાં આવતા ના-પાક કામથી આંતરિક રીતે બહુ જ દુઃખી હતા.

45 વર્ષની વયે ફૌજમાંથી નિવૃત થયા બાદ એક પ્રતિષ્ઠિત કંપનીમાં ચીફ સિક્યોરીટી ઓફિસર તરીકે 15 વર્ષ નોકરી કરી હતી. પરિવારમાં પોતાનું કહી શકાય તેવું કોઈ હવે હતું નહિ. તમે ફૌજમાંથી નિવૃત થયા હતા અને કંપનીમાં ચીફ સિક્યોરીટી ઓફિસર તરીકે જોડાયા હતા એ સમયે વર્ષ 2002 માં ગુજરાતમાં ગોધરાકાંડની ના ભૂલી શકાય એવી ગોઝારી ઘટના બની ગઈ હતી અને મુસ્લિમ સમાજ પર કલંક કહી શકાય તેવા કેટલાક લોકોએ નિર્દોષોને ટ્રેનમાં જીવતા સળગાવી દીધા હતા અને આ ઘટનાના પ્રત્યુત્તર સ્વરૂપે ફાટી નીકળેલા તોફાનોમાં તમારો પરિવાર તમે ગુમાવી ચુક્યા હતા. ત્યારબાદના શરૂઆતના દિવસો અત્યંત આક્રંદ અને દુઃખદ પસાર થયા. ધીમે ધીમે વ્યતિત થતા સમયે કુદરતના આઘાત પર માલમનું કામ કર્યું અને એ પછીનો સમય વાંચન-મનનમાં પસાર થવા લાગ્યો. સતત વાંચન અને ચિંતનના કારણે એક સમયનો ઝનૂની સ્વભાવ શાંત, ધીર અને ગંભીર સ્વભાવમાં તબદીલ થઇ ગયો.

અમરનાથ યાત્રા હમણાં જ શરુ થઇ હતી. બાબા બર્ફાનીના દર્શને સમગ્ર દેશમાંથી આવતા દર્શનાર્થીઓના કારણે જ જમ્મુ-કાશ્મીરના મુસલમાન કોમના લોકોની ઘર-ગૃહસ્થી ચાલતી હતી અને આ હકીકત દરેકને ખબર હતી. પણ આ વખતે, ખબર નહિ કેમ? કોણ જાણે કોના કેહવાથી? જમ્મુના એક મુસ્લિમ સમાજના આગેવાને ટીવીના માધ્યમથી નિવેદન કર્યું કે, "હિન્દુઓએ અમરનાથયાત્રા પર સમજીને જ આવવાનું બંધ કરી દેવું જોઈએ. કારણકે જમ્મુ -કાશ્મીરમાં હવે મુસલમાન કોમ બહુમતીમાં છે." થોડા દિવસો પહેલા,  આવા જ એક આગેવાને નિવેદન આપ્યું હતું કે, "માતા વૈશ્નાવદેવીની યાત્રા બંધ કરી દેવી જોઈએ." અને તમે ખુદ ઈનાયતખાન વિચારતા હતા કે, તમે જેટલા આતંકવાદીઓને પકડ્યા હતા કે દેશની રક્ષા કાજે માર્યા હતા તે બધામાં એક પણ હિંદુ વ્યક્તિ ન હતો. ધર્મના નામ પર કરવામાં આવતી જેહાદથી વ્યથિત ઇનાયતખાન જેહાદનો સાચો અર્થ સમજવા રોજ પ્રયત્ન કરતા હતા. કુરાનેશરીફના સતત વાંચનથી જેહાદનો અર્થ ઇનાયતખાન તમારા મત મુજબ પોતાની અંદરની શેતાની વૃત્તિઓની સામેનું યુદ્ધ થતો હતો નહિ કે બીજાની સામે કોઈ ભૌતિક ચીજ બાબતે લડાઈ કરવી. ટીવી પર રોજ-બરોજ આવતા સમાચારોથી ઇસ્લામ ધર્મનું અનર્થઘટન કરતા, આવા અનર્થઘટનોને અનુસરતા, કોઇ પણ કારણ વગર કત્લેઆમ કરતા-કરાવતા  લોકોને મનોમન એક સવાલ સદા પૂછી લેતા કે, "કુરાનેશરીફમાં ખુદાને રહેમદિલ શહેનશાહ કહેવામાં આવેલ છે તો પછી આ રહેમદિલ શહેનશાહ કયામતના દિવસે તમારા દ્વારા કરવામાં આવેલા આવા બેરહેમ કૃત્યોને માફ કરશે?" "અરે કુરાનેશરીફમાં ખુદાને રબ્બ-ઉર-આલમીન કહેલ છે જેનો અર્થ થાય છે સમગ્ર દુનિયાનો ખુદએ. જો ખુદા સમગ્ર દુનિયાનો હોય તો પછી દુનિયાના તમામ ધર્મો પ્રત્યે ખુદાને સમભાવ છે એમ થાય અને જો એમ જ હોય તો પછી કયા અધિકારથી ઇસ્લામ ધર્મ સિવાયના તમામ ધારકોના લોકો કાફિર કહેવાય? અને ઇસ્લામને માનનારાઓને અન્ય ધર્મના લોકોને મારવાનો, હેરાન કરવાનો, અરે જે દેશમાં પેદા થયા તેની સાથે ગદ્દારી કરવાનો, આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો અધિકાર કઈ રીતે મળી ગયો?"  અરે, અખંડ હિન્દુસ્તાનને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે કેટલાય હિંદુઓ અને મુસલમાનોએ બલિદાન આપ્યું છે તેમની વચ્ચે ધર્મનો ભેદ નહતો તો પછી જેમના બલીદાનોથી આઝાદી મળી તેમના વારસદારો વચ્ચે ધર્મના નામ પર દંગા-ફસાદ, ઝઘડા કેમ? શું આવા દંગા-ફસાદોથી ખાન અબ્દુલ ગફારખાન, અશ્ફ્ફાક ઉલ્લા ખાન, બદરુદ્દીન તૈયબજી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, મોહંમદ રમઝાનખાન, વગેરે જેવા કંઈ કેટલાય હિન્દના સપૂતોની રૂહ કાંપી નહિ ઉઠતી હોય? બીજના ચંદ્ર ઉપર સિતારાનું નિશાન ઇસ્લામનું ધર્મ ચિન્હ છે તો હિન્દુઓના ઓમકારમાં પણ બીજના ચંદ્ર પર સિતારો છે અને હિન્દુસ્તાનના પૂર્વ છેડે આવેલ ભગવાન જગન્નાથના મંદિર પરના કળશ પર પણ બીજના ચંદ્ર પર સિતારાનું નિશાન છે. અરે, રાજપૂત સમાજમાં પણ ચંદ્રવંશી રજપૂતો પોતાના કપાળમાં બીજના ચંદ્રના આકારનો ચાંલ્લો-તિલક કરે છે.

કંઈ કેટલીયે વખત ઇનાયતખાન તમે ચિત્કારી ઉઠતા કે દુનિયામાં હિન્દુસ્તાન જ એક એવો દેશ છે જ્યાં મુસલમાન લોકોને હજ કરવા જવા માટે સબસીડી આપવામાં આવે છે. તેમજ હિન્દુસ્તાન એક જ એવો દેશ છે જે અમન અને શાંતિના દેશ તરીકે પ્રખ્યાત છે. પણ, આજે એ જ દેશમાં કેટલાક ધર્માંધ મુસલમાનો દ્વારા  કરવામાં આવતી આતંકી પ્રવૃત્તિઓથી માત્ર હિંદુઓ નહિ પણ સાચા દેશપ્રેમી મુસલમાનો પણ હેરાન-પરેશન છે.

કદાચ હજી પણ વૈચારિક ક્રાંતિ આવવાની બાકી છે.....  બસ એ જલ્દી આવે.... જેથી વધુ નિર્દોષ લોકોની ધર્મના નામે બલી ચઢી ના જાય..... અલ્લા હાફીસ.... ખુદા સબ સલામત રખ્ખે........

આશિષ એ. મેહતા
Creative Commons License
ધર્મના નામે ઝઘડા શાના? ચિન્હથી જો ધર્મ અલગ પડતો હોય તો ચાંદ અને સિતારા તો ઔં કારમાં પણ છે........ by આશિષ એ. મેહતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

Saturday, October 5, 2013

મિત્રોની યાદો

એમ નથી કે નથી મળ્યું કશું અમને મિત્રો તરફથી,
એમ છે કે મળ્યું છે ઘણું બધું અમને મિત્રો તરફથી,

ફરક હતો માત્ર થોડો જ એમને ઓળખવામાં,
બાકી ઘણું કહી ગયા મિત્રો ને ઘણું આપી ગયા,

આપ્યો છે ઘણી યાદોથી મહેકતો કોથળો એમણે,
ખોલતા જ સુગંધિત કરી જાય છે એમની યાદો અમને,

ક્યાંક મુખ પર સ્મિત રેલાવી જાય છે યાદો એમની,
તો ક્યાંક ફરી આંખો ભીંજવી જાય છે યાદો એમની,

નહતી ખબર અમને કે નહતી ખબર એમને,
કે આમ જ છુટા પડી જઈશું કહી ફરી મળીશું ,

એ જ મિત્રોને ફરી મળવાનું ઘણું મન થાય છે,
પણ સમય, સંજોગ અને સંસાર વચ્ચે રહી જાય છે,

મળ્યા "ગૌરવ" સ્વપ્ન મહેલમાં ફરી એ જ મિત્રોને,
સ્વપ્ન તુટતા મિત્રોના વિયોગે આંખોમાંથી અશ્રુ વહી જાય છે.


ગૌરવ એમ. શુકલ
Creative Commons License
મિત્રોની યાદો by ગૌરવ એમ. શુકલ is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.