Saturday, March 27, 2021

મારો પ્રેમ સદાય તું

મારી રાહ પણ તું, મંજિલ પણ તું,
મારો સાથી પણ તું, હમસફર પણ તું,

મારી આશ પણ તું, ભરોસો પણ તું,
મારો શ્વાસ પણ તું, વિશ્વાસ પણ તું,

મારી યાદ પણ તું, ફરિયાદ પણ તું,
મારી ફરિયાદની યાદોમાં પણ તું,

ભલેને ના દેખાય ખુલ્લી આંખે તું,
તોય સદા સાથે હોવાનો એહસાસ તું,

મારું અસ્તિત્વ પણ તું, વ્યક્તિત્વ પણ તું,
મારા હયાત હોવાનો પુરાવો પણ તું,

ભલે સ્થાન ન આપે તારા જીવનમાં મને તું,
મારા હૃદયમાં તું, જીવન અને સ્મરણમાં પણ તું,

બોલ્યા વગર સદાય વ્યક્ત કર્યો છે જે
"આશિષ" એ મારો પ્રેમ સદાય તું.


આશિષ એ. મહેતા



Creative Commons License



મારો પ્રેમ સદાય તું by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, March 20, 2021

મારી કેસ ડાયરી : દીપક-સુહાની

પ્રિય વાંચકમિત્રો,


ગુરુવારની સાંજે ચિંતનનો મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન ઉપર અજયભાઈ ઓફીસ નામ ફ્લેશ થયું અને ચિંતને ફોન રીસીવ કર્યો અને હેલ્લો કહ્યું. એના અંદાજ મુજબ જ સામે છેડે પંક્તિ હતી, “હેલ્લો, ચિંતન સર એક મિનીટ હોલ્ડ કરો, સાહેબ વાત કરવા માંગે છે.” એટલી સુચના આપી અજયભાઈને લાઈન આપી. 

“હેલો ચિંતન, શુક્રવાર અને શનિવારનું શું શીડ્યુલ છે તારું? અનુકુળતા હોય તો આવ આવતીકાલે, ભરૂચ એક મીટીંગમાં જવાનું છે તો ત્યાંથી આગળ સિલવાસા જતા આવીએ શનિવારે સાંજે અગર રાત્રે પરત.”

“સાહેબ, માર્કેટીંગ પર્સન છું એટલે બહુ વાંધો નથી આવતો. કાલે કેટલા વાગે અને ક્યાં આવી જાઉં?” ચિંતને પ્રત્યુત્તર આપ્યો.

"ઓકે. સવારે ૬.૦૦ વાગે તારા ઘરે તને લેવા આવીશ.” અજયભાઈએ સૂચના આપી અને ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે શાર્પ ૬.૦૦ વાગે અજયભાઈ એમની સફેદ ફોર્ચ્યુનર કર લઇ ચિંતનના એપાર્ટમેન્ટના ગેટ પાસે પહોંચ્યા અને ચિંતન પણ એમની રાહ જોઇને જ ઉભો હતો. ડ્રાઈવર સીટ પર અજયભાઈ અને એમની બાજુની સીટમાં અભીજાત હતો. પાછળની સીટમાં ચિંતન ગોઠવાઈ ગયો અને ફોર્ચ્યુનર એક્ષપ્રેસ હાઇવે તરફ આગળ વધી. ટોલ ટેક્ષ ભરપાઈ કરી ગાડી આગળ વધી અને લગભગ ૧૦૦-૧૨૦ની સ્પીડ પર વડોદરા તરફ આગળ વધી રહી હતી. ગાડીમાં ધીમા અવાજે ઓલ્ડ ઈઝ ગોલ્ડ સોંગસ વાગી રહ્યા હતા. વડોદરા ક્રોસ કર્યા બાદ એક હોટલ પર ચા-નાસ્તાનો હોલ્ટ કરી ભરૂચ તરફ આગળ વધ્યા. લગભગ ૧૦.૪૫ વાગે અજયભાઈ એમની કાર સાથે ભરૂચ જીલ્લા અદાલતના કેમ્પસમાં દાખલ થયા. અગાઉની ગોઠવણ મુજબ ત્યાં અજયભાઈના એક જુનિયર હાર્દિક દવે હાજર હતા. કોર્ટ કાર્યવાહીમાંથી આશરે ૧.૩૦ વાગે ફરી આગળની યાત્રા શરૂ થઇ. હાઇવે પરની એક હોટલમાં જમવાનું પતાવી આગળ વધ્યા સિલવાસા તરફ. સાંજે આશરે ૫.૦૦ વાગે કાફલો અજયભાઈ અને અભિજાતના કોલેજના મિત્ર શેખરના સિલવાસાના આલીશાન બંગલામાં બેઠા હતા.

ગરમાગરમ મેથીના ગોટા અને ચાને ન્યાય આપ્યા બાદ વધુ સમય ના બગડતા અજયભાઈએ શેખરને પૂછ્યું, “તારા મિત્ર કેટલા વાગે આવશે?” 

"બસ તૈયારી." આશરે ૫.૩૦ વાગ્યાની આસપાસ એક કાર આવી શેખરના બંગલાની બહાર ઉભી રહી અને એમાંથી ચાલીસેક વર્ષની આસપાસનું એક દંપતી વીલા મોઢે ઉતારીને કંઈક ક્ષોભ સાથે બંગલામાં દાખલ થયું. શેખરે આવનારનો પરિચય કરાવતા અજયભાઈને કહ્યું, “આ મારા મિત્ર દીપક અને એમના પત્ની સરિતા.” 

અજયભાઈએ દીપક સાથે હેન્ડશેક કર્યા અને કીધું, “કોઈ જ પ્રકારની મૂંઝવણ રાખ્યા વગર જે હોય એ જણાવો. તમે શેખરના મિત્ર એટલે અમારા પણ મિત્ર. આ મારી ટીમ છે, આ અભિજાત અને આ ચિંતન.”

“સર, વાત જાણે એમ છે કે....." થોડા કચવાટ સાથે દીપકભાઈએ વાતની શરૂઆત કરી, “હું પહેલા અમદાવાદમાં જ રહેતો હતો અને ત્યારે લગ્ન પણ ન હતા થયા. કોલેજમાં હતો ત્યારે પહેલી વખત સુહાનીનો પરિચય થયો, એ મારાથી એક વર્ષ સીનીયર. જોડે જ બસમાં આવવા જવાનું થયું હતું. એક જ સ્ટેન્ડથી બસ પકડતા અને આવ-જા કરતા. પરિચય પ્રેમમાં પરિણમ્યો. અમે લગ્ન પણ કરવા માંગતા હતા, પણ મારા મમ્મી-પપ્પાને જ્ઞાતિ બાધ હતો. હું એક્નુંએક સંતાન એટલે મમ્મી-પપ્પાની ઉપરવટ જવાનો પ્રશ્ન જ ન હતો અને અમારા લગ્ન માટે એ માન્યા નહીં. હું અને સુહાની અમારા સંબંધમાં તમામ મર્યાદા વટાવી ચુક્યા હતા. હું મારા મમ્મી-પપ્પાની ઉપરવટ જઈ લગ્ન નહીં કરું એ વાતની મેં સુહાનીને સ્પષ્ટતા કરી દીધી હતી, એ પછી જ અમે અમારા સંબંધમાં આગળ વધ્યા હતા. મારી કોલેજ પૂરી થઇ ત્યાં સુધી અમારા સંબંધ રહ્યા. એ પછી મારા પપ્પાએ એમના એક મિત્રની ફેકટરીમાં મને અહીંયા સિલવાસા નોકરી લગાડી દીધો. અમદાવાદ છૂટી ગયું અને સુહાનીને પણ ધીમે-ધીમે ભૂલી ગયો. સમય પસાર થયો અને મેં સરિતા સાથે લગ્ન કરી લીધા. દશેક વર્ષ પસાર થઇ ગયા. નોકરી સાથે કમીશનનું નાનું નાનું કામ કરતા કરતા મેં મારો પોતાનો ધંધો કર્યો અને પ્રભુ કૃપાથી સફળ પણ થયો. ગયા વર્ષે એક બિઝનસ કોન્ફરન્સમાં મુંબઈ જવાનું થયું. ત્યાં સુહાની મળી ગઈ. એ કોઇ કંપનીની મેનેજર તરીકે આવેલ હતી. એક ફોર્મલ હાય હેલો કરી હું મારા કામમાં લાગ્યો. બીજા દિવસે ફરી અમે મીટીંગમાં ભેગા થઇ ગયા. એણે મારી કંપનીનો પોર્ટફોલિયો માંગ્યો અને મેં આપી દીધો. એ દિવસે સાંજે એણે મને ડીનર પર જોડાવાનું આમંત્રણ આપ્યું. બસ એના આમંત્રણનો સ્વીકાર કર્યો એ જ મારાથી ભૂલ થઇ ગઈ. સાંજે ડીનર પછી એક ડ્રીંક અમે જોડે લીધું અને પાછા હોટલ પર આવી ગયા. મને એક જ ડ્રીંકમાં કંઈક વધુ અસર થઇ ગઈ હતી. કદાચ એણે મારા ડ્રીંકમાં કંઈક મીલાવી દીધું હશે. અમે હોટલમાં આવ્યા અને સુહાની મને એના જ રૂમમાં લઇ ગઈ. હું ત્યાં જ સુઈ ગયો. બીજા દિવસે સવારે ઉઠ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું મારા રૂમમાં નથી. બાથરૂમમાં પાણીનો અવાજ આવતો હતો. થોડીવારે સુહાની બહાર આવી અને મને કહ્યું, “થેંક્યુ, મારી સાથે રાત વિતાવવા બદલ અને મેં આ યાદગાર રાતને મારા મોબાઈલમાં રેકર્ડ કરી લીધી છે.” મેં મોબાઈલ જોવા માંગ્યો પણ એણે મને ના આપ્યો. એ પછી સુહાનીના અવાર-નવાર મેસેજ અને ફોન કોલ આવવા લાગ્યા. મારે અનિચ્છાએ પણ એની સાથે સમય પસાર કરવા જવું પડતું. સરિતા સાથે જુઠ્ઠું બોલવું પડતું અને અવારનવાર અમદાવાદ કે મુંબઈ સુહાની બોલાવે ત્યાં જવું પડતું. એણે મને બ્લેકમેઈલ કરીને પૈસા પણ પડાવ્યા છે. એની માંગણી મુજબના પૈસા મેં એના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. હું થાકી ગયો એટલે મેં સરિતાને આખી વાત જણાવી અને સરિતા સાથે ચર્ચા કર્યા પછી શેખરને અને શેખરે તમને અહીં બોલાવ્યા."

“બસ આટલી જ વાત. જુઓ દીપકભાઈ, જરાય ગભરાવાની જરૂર નથી. સુહાની તમને કોઈ પણ રીતે બોલાવે તમારે મળવા જવાની કે વધારાના પૈસા આપવાની જરૂર નથી. રહી વાત પોલીસ કેસ કે કોર્ટ કાર્યવાહીની તો એનાથી ગભરાવવાની જરૂર નથી. જયારે થાય ત્યારે જોઈ લઈશું. હા, બસ તમે જે જે તારીખે સુહાનીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરેલ છે એની યાદી તૈયાર કરી રાખજો." અજયભાઈએ પોતાની વાત પૂરી કરી.

થોડી વાર બીજી આડી અવળી વાતો કરી દીપક અને સરિતા એ વિદાય લીધી. શેખરના બંગલે રાત્રે ડીનર લીધા પછી અજયભાઈ, અભિજાત અને ચિંતન ગેસ્ટ રૂમમાં હતા. ચિંતને પૂછ્યું, “સાહેબ, શું લાગે છે આ દીપકભાઈની વાતનું?”

“જો ચિંતન, આ દુનિયામાં કોઈ સત્ય નથી બોલતું. બધા જ અર્ધસત્ય બોલે છે. દીપકનું પણ એવું જ છે. સુહાનીને જોઈ એનો જુનો પ્રેમ જાગી ઉઠ્યો અને એણે પેરેલલ સંસાર માણવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈક રીતે સરિતાના ધ્યાનમાં આ વાત આવી ગઈ એટલે એણે પોતે હની ટ્રેપનો ભોગ બન્યો હોવાનું સરિતાના મનમાં ઠસાવી દીધું. સુહાનીએ દીપકને બ્લેક મેઈલ કર્યો જ નથી કે પૈસા પણ નહીં પડાવ્યા હોય. આખી વાતમાં સરિતા કશું જ બોલી નથી એ વાત તેં નોંધી જ હશે. બીજું, જો સુહાની દીપકને બ્લેક મેઈલ કરવા માંગતી જ હોય તો એણે જયારે દીપક કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે જ કંઈક પગલા લીધા હોત. ચાલ રાત બહુ વીતી ગઈ છે. સુઈ જા."

બીજા દિવસે બપોરે લંચ લઈને શેખરના ઘરેથી પ્રેમ પૂર્વક વિદાય થયા અને રાત્રે અમદાવાદ પરત આવ્યા.


આશિષ એ. મહેતા



********************************************************************************************
********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : દીપક-સુહાની by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, March 13, 2021

આમ ક્યારેક મળતા રહેજો...

આમ ક્યારેક મળતા રહેજો,
થોડુક કંઇક સાચું કહેતા રહેજો,
મળશો તો જાણતા રહીશું એકબીજાને,
જાણીશું તો જ ઓળખીશું એકબીજાને,
સમય નથી આપતો સમય ક્યારેય કોઈને,
જેટલો મળે સમય એટલો સારી વાતોમાં વિતાવશો,
આમ ક્યારેક મળતા રહેજો,
થોડુક કંઇક સાચું કેહતા રહેજો.



આશિષ એ. મહેતા



Creative Commons License



આમ ક્યારેક મળતા રહેજો... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, March 6, 2021

કભી કિસીકો મુક્કમિલ જહાં નહિ મિલતા.....

"કભી કિસીકો મુક્કમિલ જહાં નહિ મિલતા, કહીં જમીં તો કહીં આસમાં નહિ મિલતા"


"રવિયા, જો અને તો થી જ ભરેલી જિંદગી છે આ....."

અમદાવાદથી રાજકોટ હાઇવે પર રંગીલા શહેર રાજકોટ તરફ ટાટા નેક્શન જાણે હવા સાથે વાતો કરી રહી હોય એમ દોડી રહી હતી. કારની મ્યુઝિક સિસ્ટમમાં ધીમા અવાજે મુકેશ અને લતાના ગીતો વાગી રહ્યા હતા. કારમાં પચાસની નજીકની ઉંમરે પહોંચેલ બે મિત્રો અને એમની વાતો સિવાય અન્ય કોઈની હાજરી ન હતી.

રવિ ત્રિપાઠી, મૂળ અમદાવાદનો જ છોકરો પણ શાળા જીવન પૂર્ણ કરી વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો અને આજે આશરે પાંત્રીસ વર્ષ પછી અમદાવાદ પરત આવેલો. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યાં મોટેલના ધધામાં ઝંપલાવ્યું. મહેનત અને તકદીરે તેને સાથ આપ્યો અને રવિ ઓસ્ટ્રેલિયામાં ખુબ જ સારું કમાયો અને પાંત્રીસ વર્ષ પછી વતનમાં પરત આવ્યો હતો. એની સાથે જે ગાડી ચલાવી રહ્યો હતો એ રવિનો સ્કૂલ ટાઇમનો જીગરજાન મિત્ર અવિનાશ વ્યાસ, અમદાવાદના પ્રતિષ્ઠિત બિઝનેસમેનમાં જેની ગણના થાય એ. શાળા છોડ્યા બાદ પણ શરૂમાં પત્ર દ્વારા અને મોબાઈલ આવતા બંને જણ ફોન દ્વારા સતત સંપર્કમાં રહેતા.

રવિ, એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો તેજસ્વી અને મહેનતુ છોકરો. એના માતા-પિતાનું અકસ્માતે મૃત્યુ થયેલ અને એ એના દાદી સાથે રહેતો. બીજું કોઈ નજીકનું સગું નહીં. શાળામાં કાયમ પ્રથમ નંબર લાવે અને એના જ ક્લાસમાં એની સાથે ભણતો અવિનાશ, અભ્યાસમાં એ પણ હોશિયાર. બંને વચ્ચે કાયમ એકાદ-બે માર્કનો જ ફેર પડે, જોડે જ શાળાએ જવાનું, ટિફિન પણ જોડે જ કરવાનું અને સાંજે હોમવર્ક અને રમવાનું પણ જોડે જ. બસ એક જ ફેર, રવિની આર્થિક સ્થિતિ થોડી નબળી એટલે અવિનાશના પિતા રવિના અભ્યાસનો ખર્ચ ઉપાડતા. અવિનાશ અને રવિ બંને એક-બીજાની મનની વાત પણ સમજી જાય એટલા અંગત મિત્રો.

અવિનાશને જેટલી સારી મિત્રતા રવિ જોડે હતી એટલી જ સારી મિત્રતા તન્વી જાની જોડે પણ હતી. તન્વી પણ અવિનાશની સ્કૂલમાં અને એના જ ક્લાસમાં ભણે અને અવિનાશની જ સોસાયટીમાં રહે. તન્વીને અવિનાશ પ્રત્યે એક વિશેષ લગાવ. તન્વી એના ટીફીનમાંથી અવિનાશને રોજ આગ્રહ કરી જમાડે. તન્વી અને અવિનાશને ઓળખતા બધાને એમ જ હતું કે આ બંને વહેલા-મોડા લગ્ન કરી જ લેશે. શાળાજીવન પૂર્ણ થયું અને રવિની કારકિર્દીથી પ્રભાવિત એક સજ્જને એને ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ માટે મોકલી દીધો અને લગભગ પાંત્રીસ વર્ષો પછી રવિ એના વતન એટલે કે સતત ધબકતા અને જાગતા અમદાવાદ શહેરમાં આવ્યો હતો. અવિનાશ એને એરપોર્ટ ઉપર લેવા ગયો હતો અને સીધો જ એના ઘરે લઇ ગયો હતો.

સમયના પ્રવાહમાં રવિને જયારે સમાચાર મળ્યા કે અવિનાશે કોઈ અવની સાથે લગ્ન કરી લીધા ત્યારે રવીને એના કાન ઉપર ભરોસો નહતો બેઠો, પણ જયારે લગ્નના ફોટાગ્રાફસ જોયા ત્યારે માનવું જ પડ્યું. એક જ સવાલ સાવ નિરુત્તર રહ્યો કે અવિનાશે અવની સાથે કેમ લગ્ન કર્યા? જેનો જવાબ આપી શકે એવો એક માત્ર વ્યક્તિ અવિનાશ પોતે જ હતો અને આ સવાલ ફોન પર કે અન્ય કોઈની પણ હાજરીમાં પૂછવો રવિને યોગ્ય ના લાગ્યો.

અવિનાશના ઘરે અવનીએ ખુબ જ સારી રીતે રવિને આવકાર્યો અને અવનીનો સ્વભાવ પણ ખુબ સારો. અવિનાશના પૂરા પરિવારનું ધ્યાન ખુબ જ સારી રીતે રાખતી અને અવની અને અવિનાશને પણ એક બીજા સાથે ખુબ જ સારું બનતું. રવિને સમય જ ના મળ્યો સવાલ પૂછવાનો અને આજે અચાનક જ અવિનાશે રવિને  વહેલી સવારે પૂછ્યું, "તારે કંઈ ખાસ કામ ના હોય તો ચાલ મારી સાથે રાજકોટ મારે એક મિટિંગ છે, પછી ફોઈના ત્યાં અને બહેનને મળવાનું છે અને આવતીકાલે પાછા આવી જઈશું. આમ પણ હું એકલો જ જઈ રહ્યો છું. તું જોડે હોઈશ તો કંપની રહેશે." ભાવતું હતું અને વૈધે કીધું. રવિ પોતાનો સવાલ પૂછવાની તક શોધી રહ્યો હતો અને એને એ તક મળી ગઈ. રવિ તૈયાર થઇ ગયો અને આજે સવારે રવિ અને અવિનાશ બંને અવિનાશની ટાટા નેક્શનમાં રાજકોટ તરફ જઈ રહ્યા હતા.

વાતની શરૂઆત અવિનાશે જ કરી, "રાજકોટ કંઈ જ કામ નથી, પણ હું જાણું છું કે તારે મને કંઈક પૂછવું છે."

"તો તને એ પણ ખબર જ હશે કે મારે શું પૂછવું છે." રવિએ જવાબ આપ્યો.

"મને કેવી રીતે ખબર હોય? હું ભગવાન કે સાઈકોલોજીસ્ટ નથી." નાટકીય સ્મિત સહીત અવિનાશે જવાબ આપ્યો.

એ સાથે જ રવિએ અવિનાશના ખભા પર જોશથી ધબ્બો માર્યો અને કીધું, "હવે બોલવા માંડ અને આ ક્યા ફોઈ? કારણકે તારે કોઈ ફોઈ નથી એ હું જાણું છું."

"પહેલાં દર્શન હોટલ પર ચા-નાસ્તો કરી લઈએ, પછી વાત કરીએ."

દર્શન હોટલ પર ચા-નાસ્તો કરી બંને ચોટીલા તરફ આગળ વધ્યા અને વાત પણ આગળ વધી.

રવિ, તને ખબર જ છે કે મારા ખાસ મિત્ર તરીકે તું અને તન્વી બે જ હતા અને આપણે ત્રણે જણ સ્કૂલમાં જોડે જ ભણ્યા. મારી અને તન્વી વચ્ચે પહેલાંથી જ નક્કી હતું કે લાઈફમાં સેટ થઇ જઈએ પછી ઘરે વાત કરી અને પરિવારની સંમતિ મેળવીને જ લગ્ન કરવા, ત્યાં સુધી માત્ર મિત્ર જ. તું ઓસ્ટ્રેલિયા ભણવા જતો રહ્યો એ જ વર્ષે તન્વીના પપ્પાને હાર્ટ એટેક આવ્યો. તન્વીના પપ્પા બચી ના શક્યા અને તન્વીના કાકાએ ધંધામાંથી પણ એમને જુદા કર્યા. એક હસતો રમતો પરિવાર એકદમ જ વિખરાઈ ગયો. તન્વીને ભણાવવા એના મમ્મી નોકરી કરવા લાગ્યા. પણ આફત જયારે આવે ત્યારે ચારે બાજુથી આવે છે એમ એક દિવસ તન્વીના મમ્મી નોકરીથી ઘરે આવવા બસમાં ચઢી રહ્યા હતા એ સમયે જ બસ વાળાએ બસ આગળ વધારી અને તન્વીના મમ્મી પડી ગયા અને માંડ માંડ પાછળ પૈડામાં આવતા રહી ગયા, પગે ફેક્ચર થયું. નસીબ સારા કે મારા પપ્પા પાછળ જ હતા એ તરત જ એમને દવાખાને લઇ ગયા. દવા કરાવી અને પાટો બંધાવ્યો અને મારા ઘરે જાણ કરી. મારા મમ્મી મને ઘરનું ધ્યાન રાખવાનું કહી ટિફિન લઈને દવાખાને ગયા. ચાર-પાંચ દિવસ સુધી દવાખાને રહ્યા પછી તન્વીના મમ્મી ઘરે આવ્યા.

રવિ, ગામ હોય ત્યાં ઉકરડો હોય જ એ કહેવત ખાલી સાંભળી હતી, પરંતુ તે સમયે આ કહેવત અનુભવી પણ ખરી. આપણી સોસાયટીના નાકે નવરી બજાર જેવા બેસી રહેતા મગનકાકાએ પપ્પા અને તન્વીની મમ્મીને લઈને વાતો ઉડાડવાની શરૂ કરી અને અફ્વાના પડીકા અમારા ઘર સુધી અને તન્વીના ઘર સુધી પણ આવ્યા. "ગામના મોઢે ગરણા ના બંધાય." .....

ચોટીલા આવ્યું, તને ખબર છે અંહિ લાલા રઘુવંશીનું કાઠિયાવાડી બહુ જ ફેમસ છે. એક બીજી વાત એના મલિક મનસુખભાઇ શેઠ જાતે આગ્રહ કરી કરીને જમાડે .. ચાલ જમી લઈએ.

"યાર, સાચે જ આટલું સરસ જમવાનું અને આટલી વાજબી કિંમત... આજ ખાસિયત છે આપણા દેશની અને કેટલા આગ્રહથી જમાડ્યા....  હવે આગળ બોલ... "

અવિનાશે કાર સ્ટાર્ટ કરી અને વાત પણ...

"... મારા મમ્મી પરિસ્થિતિ જાણી ગયા અને એમને એક રસ્તો બતાવ્યો... પંદર દિવસ પછી ભારતીય સંસ્કૃતિમાં જ આવે છે એ વિશિષ્ઠ તહેવાર ઉજવવાનું મારા પપ્પા અને તન્વીના મમ્મીને જણાવ્યું.

શ્રાવણ મહિનાની પૂનમ-રક્ષા બંધન. તન્વીના મમ્મી પૂજાની થાળી અને રાખડી સાથે અમારા ઘરે આવ્યા અને ખાસ મગનકાકાને જય શ્રી કૃષ્ણ કહીને મારા ઘરે આવી મારા પપ્પાને રાખડી બાંધી. પપ્પા પણ ખુશ થઇ ગયા અને પપ્પા અને તન્વીના મમ્મીના કહેવાથી તન્વીએ મને પણ રાખડી બાંધી. બસ મિત્ર તરીકેના સંબંધમાં એક નવો સંબંધ ઉમેરાઈ ગયો ભાઈ-બહેનનો. શરૂ શરૂમાં બહુ અજીબ લાગ્યું પણ ગોઠવાઈ ગયા. એ પછી મારા પપ્પાએ જ તન્વીના લગ્ન એક ડૉક્ટર જોડે કરાવી આપ્યા અને મેં અવની સાથે લગ્ન કર્યા.

સામાન્ય રીતે ભાઈ-બહેન હોય એ એકબીજાના સારા મિત્રો હોય છે અમારા કિસ્સામાં સારા મિત્રો ભાઈ-બહેન બન્યા છીએ. તન્વીને ખબર છે તું મારા ઘરે રોકાયો છે અને આપણે અત્યારે રાજકોટ જઈ રહ્યા છીએ.

મિટિંગ પતે પછી આપણે મારા ફોઈ એટલે તન્વીના મમ્મીને જ મળવા જવાનું છે. એ તન્વી અને એના ડૉક્ટર પતિ સાથે રાજકોટમાં જ રહે છે.

"આ હિસાબે જો તન્વીના પપ્પાને હાર્ટ એટેક ના આવ્યો હોત તો અવિનાશ કદાચ તમે તમારા સંબંધમાં આગળ વધ્યા હોત એમ જ ને ....."


"રવિયા જો અને તો થી જ ભરેલી જિંદગી છે આ, જે થાય એ સારા માટે જ થાય એમ જ માનીને જીવવાનું બહુ નહીં વિચારવાનું સમજ્યો....."

"લે, આ ગ્રીનફિલ્ડ ચોકડી આવી ગઈ. રંગીલા શેહર રાજકોટમાં તારું સ્વાગત છે મારા દોસ્ત રવિ"



આશિષ એ. મહેતા



Creative Commons License



કભી કિસીકો મુક્કમિલ જહાં નહિ મિલતા.....   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/