Sunday, February 26, 2023

કાળચક્ર ભાગ-૫

 

કાળચક્ર ભાગ-૫

સંયમની વાત પૂર્ણ થઈ એ સાથે જ એના ફોનની રીંગ વાગી. સ્કીન ઉપર નામ ફ્લેશ થયું. જય એમ. પી.

એમ.પી. શબ્દ સાંભળતા રાજનીતી સાથે સંકળાયેલ વ્યક્તિઓના મગજમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ શબ્દ આવે, મેડીકલના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓના મગજમાં મેડીકલ પ્રેક્ટિશનર શબ્દ આવે અને ભૂગોળ સાથે સંકળાયેલ વ્યક્તિઓના મગજમાં ભારતની મધ્યમાં આવેલ રાજ્ય મધ્યપ્રદેશ ધ્યાનમાં આવે.

મધ્યપ્રદેશ એના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે તેની સાથે સાથે તેના વિવિધ જિલ્લાની ખાસીયતો માટે. રતલામ એ એની તીખી રતલામી સેવ માટે જાણીતું છે તો ઈન્દોર એની કચોરી માટે,  જબલપુર નર્મદાનદીના ધુંઆધાર ધોધ માટે, ભોપાલ એ રેલવે ખાતાના મધ્યઝોનનું જંકશન છે તો ઉજ્જૈન એ રાજા વિક્રમાદિત્ય અને મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત છે. છીંદવાડાથી શરૂ કરીને ડિંડોરી અને ઉમરીયા સુધીનો પટ્ટો ભૂગર્ભ કોલસાના જથ્થા માટે પ્રખ્યાત છે. આજ મધ્યપ્રદેશના ખારગોન, બુરહાનપુર અને બૈતુલ તેમાં આવેલ જંગલો માટે પ્રખ્યાત છે. મધ્યપ્રદેશનું ઉજ્જૈન શહેર, ક્ષિપ્રા નદીના કિનારે વસેલું ઉજ્જૈન શહેર. રાજા વિક્રમાદિત્યની રાજધાની અને મહાકાલની નગરી. દેવાધિદેવ મહાદેવ સ્વયં પોતે ત્યાં બિરાજમાન છે.  ઉજ્જૈન મહાકાલ મંદિરની પરોઢની ભસ્મ આરતી જોવા માટે અને એનો લાભ લેવા માટે રોજ કેટલાય ભક્તો વહેલી પરોઢે ભસ્મ આરતીનો લાભ લેવા લાઈનમાં ઉભા રહેતા હોય છે. ક્ષિપ્રા નદીના સામા કિનારે સંયમે ફાર્મ માટે જગ્યા શોધવાનું કામ સોંપ્યુ હતું જય તિવારીને. જયનો જ ફોન હતો.

સોહન રાવની સામે સંયમે જોયું અને સોહન રાવ ચેમ્બરની બહાર નીકળી ગયો.

ફોન ઉઠાવી સંયમે કહ્યું, યસ જય.”

સર, જય મહાકાલ, આપને કહ્યા મુજબની જગ્યા ઢુંઢી લીધી છે. આપ વીડીયોકોલ કરો મૈં જગ્યા ઉપર જ છું તો આપને જગ્યા બતાવી દઉં. આપ ઓન લાઈન એક બાર જોઈ લો પછી આપને યોગ્ય લાગે તેમ. હિંદી ગુજરાતી મીક્ષ ભાષામાં જયે વાત કરી.

ઓકે.” કહી ફોન કટ કરી સંયમે ફોન એના લેપટોપ સાથે કનેકટ કરી જયને વિડીયોકોલ કર્યો. થોડીક ક્ષણો પછી સામા છેડે ફોન રીસીવ થયો અને લેપટોપની સ્ક્રીન ઉપર જયનો ચહેરો દેખાયો. મજબૂત બાંધાનો આશરે ૩૦-૩૫ વર્ષનો યુવાન, કપાળમાં કંકુનું ઉભુ તિલક ક્લીન શેવ અને બ્લેક મૂછો આંકળા ચઢાવીને રાખી હતી. તેલ નાખી ઉભું ઓળેલું માથું એના લાંબા ચહેરાને વધુ લાંબો દેખાડી રહ્યો હતો.

સર,  જય મહાકાલ. મેરે પાછળ કી જે જમીન છે તે હમેં મળી જાય તેમ છે. હોલ્ડ કરો કેમેરા ચેન્જ કરીને બતાઉં. કહીને જયે મોબાઈલનો બેક કેમેરા વ્યુ સિલેક્ટ કર્યો અને સંયમની સામે પ્રાકૃતિક હરિયાળા રંગે રંગાયેલી જમીન દેખાઈ આવી. સર, યહાં સે એક સો એકડ જમીન મીલ શકે તેમ છે. એક છોટા મંદિર પણ છે. મહાદેવનું અને આગળ નાની પહાડી છે. આપ કહેતા હતા કે પ્રાકૃતિક જેટલું જ્યાદા હોય તેટલું સારૂ. સ્ક્રીન ઉપરના દ્રશ્યો બદલાતા જતા હતા એટલે સંયમે અનુમાન લગાવ્યું કે જય ચાલતા ચાલતા વાત કરી રહ્યો હશે. સર, આ છે એ મંદિર જેની હું બાત કરતો હતો. સંયમની સ્ક્રીન ઉપર એક જુનું પુરાણું મહાદેવનું મંદિર હતું એની બાજુમાંથી ઝરણું પસાર થઈ રહ્યું હતું. સંયમને આ જગ્યા કંઈક પરિચીત લાગી. સંયમને એવું લાગ્યું કે આ જગ્યાએ એ રહેલો છે. આ મંદિરમાં એણે પૂજા કરી છે.

મંદિરની પાછળથી પહાડી ઉપર ચઢો તો. અનાયાસે સંયમે જયને સૂચના આપી. જી સર કહીને જય મંદિરની પાછળ તરફથી પહાડી ઉપર ચઢવા લાગ્યો. ચઢાણ બહુ કપરું ન હતું અને પગદંડી બનાવેલ હતી એટલે જયને ચઢવામાં બહુ વાર ન લાગી. થોડી વાર પછી પહાડીની ઉપર જય ચઢી રહ્યો હતો અને  વડનું એક ઝાડ સ્ક્રીન ઉપર દેખાતા સંયમે કહ્યું, યહાંસે રાઈટ ટર્ન કરકે થોડા આગે બઢો તો તીન કાલે પથ્થરોસે બની એક ગુફા હશે. એકાએક એનાથી  બોલી જવાયું, સંયમને પણ ખબર ન પડી કે આ ગુફાની વાત એના મોઢે કેમ આવી. સામે જયને પણ નવાઈલાગી કે, સંયમ આ જગ્યાથી કેવી રીતે પરિચીત છે. જય આગળ વધ્યો. તળેટીમાં મંદિર પાછળ જ્યાંથી તે ચઢ્યો હતો તેનાથી લગભગ પાછળ સુધી પહોંચ્યો હશે અને એની સામે ત્રણ વિશાળ કાળા પથ્થર નજરે ચઢ્યા જે ઘાસથી ઢંકાયેલા હતા. સંયમે કહ્યું, અંદર જઈને જુ તો ધૂણીની શું હાલત છે.?”

સર, અંદર કેવી રીતે જવું. રસ્તો બંધ છે.

ઓકે હું આવું ત્યારે રૂબરૂ વાત આવતા અઠવાડીયે આવુ છું. કહી સંયમે ફોન કટ કર્યો.

જયને ધૂણી વિશે કેમ એનાથી પૂછાઈ ગયું એની સંયમને પણ ખબર ન પડી. એ પોતે જ પોતાના દ્વારા આપવામાં આવેલી સૂચનાઓથી વિચારે ચઢી ગયો.

સંયમ વિચારોમાં ખોવાઈ ગયો હતો. એ મહાદેવનું મંદિર એને ખૂબ જ પરિચિત લાગી રહ્યું હતું. એ પહાડી, ઝરણું વડનું ઝાડ બધું જ. સંયમને એવું લાગી રહ્યું હતું કે, આ બધી જ જગ્યા ઉપર એણે વર્ષો કાઢ્યા છે ઘણા  બધા વર્ષો. જ્યારે હકીકતમાં સંયમ જાણતો હતો કે એ આજ પહેલા ક્યારેય ઉજ્જૈન રાત રોકાવવા ગયો જ નહતો અને એ પણ નદીના સામા કિનારે તો ક્યારેય નહિ.

સંયમ વિચારોમાં હતો. દરવાજા ઉપર ટકોરા પડ્યા અને સંયમની વિચારધારા તૂટી. યસ સંયમે કહ્યું અને સોહન રાવ અંદર દાખલ થયો.

બોલ સોહન.”

સર, સ્ટાફની ઈચ્છા છે કે, આપ બહાર આવો તો કેક કટ કરીએ.

ઓકે કહીને સંયમ એની ચેરમાંથી ઉભો થઈને બહાર આવ્યો.

બહાર એનો સ્ટાફ એના આવવાથી ખુશ દેખાઈ રહ્યો હતો.

ઓફિસના વર્ક સ્ટેશનમાં એક ટેબલ ઉપર એક કેક ગોઠવવામાં આવી હતી. ચોકલેટ કેક, જેની ઉપર વ્હાઈટ ક્રીમથી લખેલું હતું, હેપ્પી બર્થ ડે. બાજુમાં એક કાર્ડ હતું. જેમાં લખ્યું હતું. વીશ યુ મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે, હેપ્પી બર્થ ડે ટુ ધ વર્લ્ડસ મોસ્ટ કેરીંગ બોસ. સંયમ ખુશ થઈ ગયો. કેક ઉપર, એને બહાર આવતો જોઈને સોહને કેન્ડલ પ્રગટાવી હતી તે તેણે ફૂંક મારીને ઓલવી અને કેક કટ કરી. સમગ્ર ઓફિસ સ્ટાફે તાલીઓ પાડી અને હેપી બર્થ ડેનું જીંગલ ગાયું. કેક કટ કરી એક પીસ જાતે જ પોતાના મોઢામાં મૂકી એણે થેંક્યુ કહી બધાનું અભિવાદન કર્યુ અને સોહનને કેક સ્ટાફમાં વહેંચવાની સૂચના આપી. એના ખિસામાં રહેલો ફોન રણકી ઉઠ્યો એટલે એણે ફોન હાથમાં લઈ એની સ્ક્રીન સામે નજર કરી, ફીલીપ નામ ફ્લેશ થઈ રહ્યું હતું. લંચમાં જોડે મળીએ છીએ બધા એક્સક્યુઝમી ફોર નાવ કહીને એ પોતાની ચેમ્બરમાં ગયો.

Sunday, February 19, 2023

કાળચક્ર ભાગ -૪

 

કાળચક્ર ભાગ  -૪

આટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયા હશે....? સંયમ વિચારતો રહ્યો અને વળી પાછું સંન્યાસીનું કહેલું વાક્ય એના કાનમાં ગુંજી ઉઠ્યું... બંધ આંખે જે દેખાય છે તે સત્ય છે અને ખુલ્લી આંખે જે દેખાય છે તે ભ્રમ છે. હું આવી ગયો છું સંયમનાથ....

રાજેશે એની રોજની આદત મુજબ કાર ટેપમાં અંબા સ્તુતી વગાડવાની શરૂ કરી એટલે સંયમ એના વિચારોમાંથી બહાર આવ્યો. કાર તેના નિયત માર્ગે આગળ વધી રહી હતી. જુહુ તરફથી ગાડી બાંદરા તરફ આગળ વધી રહી હતી. બાંદરા, ભારતની આર્થિક રાજધાની મુંબઈનો વધુ એક પોશ વિસ્તાર. કોઈ એક સમયે ત્યાં ગોદી હતી જેમાંથી માલ લોડિંગ અનલોડિંગની કામગીરી કરવા સારૂ ક્રેઈનનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થતો હશે અને ક્રેઈનને ગામઠી બોલીમાં વાંદરા તરીકે સંબોધવામાં આવતા.તે વાંદરા શબ્દ ઉપરથી આ વિસ્તારનું નામ બાંદરા પડ્યું હોવાનું કહેવાય છે. બાંદરા વિસ્તારમાં આવેલ એક આલીશાન કોમર્શીયલ બિલ્ડીંગનો ત્રીજો માળ એટલે સંયમ ત્રિવેદીની માલિકીની ત્રિવેદી ઈન્ડસ્ટ્રીઝની ઓફિસ. પાર્કિંગમાં ગાડી ઉભી રહી એટલે સંયમ ગાડીમાંથી ઉતરીને બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના ફોયરમાં દાખલ થયો. સિક્યોરીટીએ સલામ મારી સામે સંયમે એના સ્વભાવ મુજબ સ્મિત આપ્યું અને લીફ્ટ તરફ આગળ વધ્યો. ઉપરના માળ તરફથી લીફ્ટ નીચે આવી રહી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવીને લીફ્ટ અટકી, લીફ્ટમેને સંયમને જોઈને ગુડમોર્નિંગ સર કહી અભિવાદન કર્યું અને ત્રીજા માળનું બટન દબાવ્યું. સંયમે પણ સામે ગુડમોર્નિંગ કહ્યું અને લીફ્ટમા દાખલ થયો. ત્રીજા માળે લીફ્ટ ઉભી રહી અને સંજય લીફ્ટમાંથી બહાર આવ્યો. લીફ્ટની સામે જ વુડન ફુલ હાઈટનો ડોર હતો જેની ઉપર બ્રાસના લેટરથી લખેલું હતું ત્રિવેદી ઈન્ડસ્ટ્રીઝ. એક આત્મ સંતોષ સાથે સંયમ ત્રિવેદી એની ઓફિસમાં દાખલ થયો. આજે ઓફિસનો સમગ્ર સ્ટાફ મેઈન હોલમાં હતો. લગભગ બધાએ એક સાથે જ ગુડમોર્નિંગ સર કહ્યા પછી હેપી બર્થ ડે કહ્યું એક પછી એક દરેક સ્ટાફ મેમ્બર પાસેથી શુભેચ્છા મેળવાત મેળવતા પોતાની ચેમ્બરમાં ગયો. ઓફિસમાં સંયમ દાખલ થયો એની પાછળ પાછળ જ એના પી.એ. તરીકે ફરજ બજાવતો સોહન રાવ ચેમ્બરમાં દાખલ થયો. સંયમે એક નજર સોહન તરફ કરી અને પછી એના ટેબલ ઉપર રહેલું એનું લેપટોપ ઓન કરી,  એક વેબસાઈટનું એડ્રેસ નાખી આઈ ડી અને પાસવર્ડ એન્ટર કર્યા અને એ સાથે જ સ્ક્રીન ઉપર ફેક્ટરીના સી.સી.ટી.વી. લાઈવ થઈ ગયા. સ્ક્રીન ઉપરના દ્રશ્યોને એક પછી એક ઝુમ કરીને ધ્યાનથી સંયમ જોઈ રહ્યો હતો. એ દ્રશ્યો હતા. ગીરમાં આવેલ ત્રિવેદી ફાર્મના જ્યાં મધમાખી ઉછેર કેન્દ્ર હતું. મધમાખીઓનો ઉછેર અને સંવર્ધન કરીને મધ એકત્રીત કરીને વેચવામાં આવતું હતું. એ દ્રશ્યો જોતા જોતા અનાયાસે સંયમને એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદીની વાત યાદ આવી ગઈ. બેટા, મધ કોઈ બનાવી નથી શકતું મધમાખીઓ સિવાય અને મધના પણ અલગ અલગ પ્રકાર છે. મધમાખીઓ જે ફૂલાની પરાગરજ એકત્રિત કરે છે એની સાથે પોતાની લાળ ભેળવીને એનો સંગ્રહ મધપૂડામાં કરે. મધ જે ફૂલોની પરાગરજમાંથી બનાવેલ હોય તે મુજબ તેના ગુણ આવે. શુઘ્ઘ મઘ આશરે 3000 વર્ષ સુધી બગડતું નથી એવું કહેવાય છે. માણસે તંદુરસ્તી જાળવવા રોજ એક ચમચી મધ, ગાયના દુધમાં ભેળવીને પીવું જોઈએ અને સાથે એક ચમચી હળદર પાવડર પણ ભેળવી દેવાનો. રોજ સવારે આવું નવશેકું દૂધ પીવાથી શરીરની ચામડીની ચમક રહે, ચરબી વધે નહિ અને હળદર લોહી શુધ્ધ કરે. યુવાનીમાં પોતાના પિતાની આ વાતને ધ્યાને લઈને સંયમે સરકારી સબસીડીનો ઉપયોગ કરીને ગીરમાં ત્રિવેદી ફાર્મની સ્થાપના કરી અને શુધ્ધ મધના વેપારમાં પ્રવેશ કર્યો હતો. સંયમે ત્રિવેદી ફાર્મની ઓફિસના કેમેરા વ્યુને ફુલ સ્ક્રીન કર્યો. એની અપેક્ષા મુજબનું જ  દ્રશ્ય એને જોવા મળ્યું. ત્રિવેદી ફાર્મ એ માત્ર મધમાખી ઉછેર કેન્દ્ર નહિ પરંતુ સંયમ ત્રિવેદીનું વતનનું ઘર હતું. આ શહેરી ભીડભાડથી દૂર, પ્રકૃતિની વચ્ચે પ્રદૂષણ મુક્ત ઘર અને એના ઘરની આગળનો ભાગ એટલે ત્રિવેદી ફાર્મની ઓફિસ. સ્ક્રીન ઉપરનું દ્રશ્ય જોઈને સંયમના ચહેરા ઉપર સંતોષનું સ્મિત આવ્યું. એક વડીલ કાઠિયાવાડી ચોયણી અને ઉપર પહેરણ પહેરીને બેઠા હતા. કપાળમાં ત્રિપુંડ હતું આંખો ઉપર નંબરના ચશ્મા હતા કાળી જાડી ફ્રેમના સ્કેર શેપના ચશ્મા પહેરીને પાટ ઉપર પલાઠી વાળીને બેઠેલ એ વડીલ કંઈક વાંચી રહ્યા હતા. પુસ્તકની જાડાઈ ઉપરથી સંયમે અંદાજ લગાવ્યો કદાચ ભાગવત ગીતાજીનો પાઠ કરી રહ્યા હશે. પોતાનો ફોન હાથમાં લઈને એને પિતાજી લખેલો નંબર ડાયલ કર્યો. નજર સ્કીન ઉપર જ રાખી થોડીક ક્ષણ પછી સ્કીન ઉપર દેખાતા વડીલની બાજુમાં રહેલ ફોનની સ્ક્રીન ચમકી એમણે ફોન ઉઠાવ્યો અને સામેની તરફ લાગેલા સી.સી.ટી.વી. તરફ જોઈને કહ્યું,

જય અંબે ભાઈ, જન્મદિવસની શુભેચ્છાઓ.

જય અંબે બાપુજી, આપ અને બા કેમ છો. તબિયત સારી છે ને?”

હા બેટા બધું જ સમુ સુથરુ છે. મહાદેવ અને મા ની દયા છે. તું જણાવ સ્મિતાવહુ અને બંને બાળકો કેમ છે? આ અઠવાડિયામાં આવે ત્યારે બધા ભેળા આવો તો સારૂ રહેશે.

હા બાપુજી પ્રયત્ન કરીશ બા ક્યાં છે.?”

 એ આપું એને. હશે ક્યાંક કામમાં.” કહીને સ્કીન ઉપર દેખાતા વડીલે પોતાની પલાઠી છોડી ધીમેથી ઉભા થયા અને સાદ પાડ્યો,

કહુ છું સાંભળો છો.?” ફોનના સામા છેડે આ જ સાદ અને આજ લહેકામાં બાળપણથી સાંભળીને મોટા થયેલા સંયમના ચહેરા ઉપર આજે અનાયાસે સ્મિત આવી ગયું. સ્કીન ઉપરના સી.સી.ટી.વી. વિઝ્યુઅલ એક પછી એક ફેરવતા સંયમે રસોડાના સી.સી.ટી.વી.નું વિઝ્યુઅલ ફુલ વ્યુમાં કર્યું. બા રસોડામાં હતા અને ધીમા પગલે એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદી રસોડામાં દાખલ થઈ રહ્યા હતા તે તેણે જોયું.

લો ભાઈનો ફોન છે. સાડીના પાલવથી હાથ ફટાફટ લૂછીને બે હાથે એ વૃધ્ધાએ ફોન હાથમાં પકડી કહ્યું બેટા, જય અંબે જન્મદિવસની શુભેચ્છા બેટા, ભગવાન તને સો વરહનો કરે. આવો છો ને આ શનિ-રવિ આંયા બધાય. જો જે હોં ના ન પાડતો. ફોનના સામા છેડેથી શબ્દ દ્વારા અસ્ખલિત રીતે વરસી રહેલ લાગણીની ભીનાશ સંયમની આંખોના ખૂણામાં દેખાઈ આવી. હા બા આવી જાશું. તમે બોલો કંઈ લાવવાનું છે.?”

ના ભાઈ તમે આવો બધાય એટલે ઘણું. લે તારા બાપુજીને આપું હોં અને બધાય તબિયત સાચવજો અને સરખું ખાજો પીજો છોકરાવને દુધ પીવડાવજે રોજ હળદર અને મધ વાળું. લે આવજે બેટા જય અંબે કહીને ફોન એ વૃધ્ધાએ બાજુમાં ઉભેલા અને મા-દિકરાનો સંવાદ સાંભળી મલકી રહેલા વૃઘ્ઘને આપ્યો એ વૃઘ્ઘે ફોન કાને લગાવી કહ્યું બોલો ભાઈ, બીજું કંઈ ?”

ના બાપુજી શનિવારે આવું એટલે મળીએ. જય અંબે.”

જય અંબે ભાઈ કહીને સામે છેડેથી ફોન કટ થયો એટલે સંયમે પણ ફોન કટ કર્યો. સંયમનો આ રોજીંદો ક્રમ હતો અને એનો પી.એ. સોહન રાવ આનાથી માહિતગાર હતો. સંયમે જેમને ફોન કર્યો હતો એ વૃધ્ધ એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદી અને જે વૃધ્ધા હતા તે સંયમના માતા સુશીલાબેન ત્રિવેદી.

ફોન પતાવીને સંયમે સોહન તરફ જોઈને કીધું. આજે ઓફિસમાં લંચ બધાએ ભેગા કરવાનું છે તેની સૂચના આપી દીધી છે ને.?” જી સર અને કોન્ફરન્સ રૂમમાં લંચની વ્યવસ્થા ગોઠવાઈ પણ ગઈ છે.

ઓકે ગુડ.

સંયમની વાત પૂર્ણ થઈ એ સાથે જ એના ફોનની રીંગ વાગી. સ્કીન ઉપર નામ ફ્લેશ થયું. જય એમ. પી.

Sunday, February 12, 2023

કાળચક્ર ભાગ – 3

 

કાળચક્ર ભાગ – 3

મનમાં આવેલા વિચારોને ખંખેરીને સંયમ ત્રિવેદીએ પૂજા માટેનું પિતાંબર ધારણ કર્યું અને ઉપર ઉપવસ્ત્ર અને પોતાના રૂમમાંથી બહાર આવી નીચે પૂજાના રૂમમાં ગયો.

પૂજાના રૂમમાં જોશી કાકા રોજના નિયમ મુજબ હાજર જ હતા. રોજના નિયમ મુજબ મોગરાના ફૂલ થાળીમાં તૈયાર રાખેલ હતા. ગંગાજળનો લોટો ભરેલો હતો અને પૂજાની થાળી તૈયાર હતી.  સંયમ ત્રિવેદીએ પૂજાના રૂમમાં દાખલ થતા જ સંયમે જોશી કાકાને સ્મિત સાથે કહ્યું, જય અંબે કાકા, તમે હવે રોજ આટલા વહેલા ન ઉઠો તો ચાલે.

અરે બેટા, આ જ તો કામ હવે મારા ભાગે રહ્યું છે. બાકી તો તે મને બધા જ કામ અને જવાબદારીમાંથી નિવૃત કરી નાખ્યો છે. કહીને જોશી કાકા પણ હસી પડ્યા.

પૂજાના રૂમમાં દાખલ થઈને સંયમ ત્રિવેદીએ એની રોજીંદી પૂજાની શરૂઆત કરી. સમસ્ત નદીઓના પવિત્ર જળનું ધ્યાન ધરીને, ગંગાજળ ભરેલા તાંબાના લોટા ઉપર જમણો હાથ ઢાંકી, તેનું આહ્વાન કર્યું,

ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી નર્મદા............કુર્યાત સદા મંગલમ્

ત્યારબાદ, સ્થળ અને દેહ શુધ્ધિ મંત્ર ..ઓમ્ અપવિત્ર પવિત્રો વા......ભ્યન્તરઃશુચિ... નો જાપ કરી પોતાના દેહ અને સ્થળ ઉપર પાણીનો છંટકાવ કર્યો. એ પછી રોજીંદા નિયમ મુજબ  ભગવાનને સ્નાન કરાવી નવા વસ્ત્રો અર્પણ કર્યા. ગણેશ વંદના, હનુમાન ચાલીસાના પાઠ કર્યા, શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરી છેલ્લે પોતાના કૂળદેવી આરાધ્ય મા અંબાની પૂજાની શરૂઆત કરી. સપ્ત શ્લોકી દૂર્ગાપાઠ, ભગવતી સ્તુતી અને સિદ્ધ કુંજિકા સ્ત્રોતના પાઠ કર્યા. એ પછી માતાજીના ચરણ ફરીથી ગંગાજળથી ધોઈ તે પાણીને પોતાની બંને આખોમાં આંજીને પોતાના સ્થાન ઉપર પદ્માસન લગાવી શ્વાસોશ્વાસ નિયંત્રિત કરીને રોજના ક્રમ મુજબ ધ્યાન સાધનાની શરૂઆત કરી. થોડીક જ મિનીટો પસાર થઈ હશે અને ફરીથી સવારે જોયેલા દ્રશ્યો દેખાવા લાગ્યા. એ જ  બધી ગંદકી, એમાંથી ઉપર ઉઠવું ફરી નીચે જોવું ફરી ઉપર તરફ ગતિ કરવી, એ જ સુંદર બાગ બગીચા, ઝરણા, એ જ દૂધમલ સફેદ હંસો ફરીથી એ જ મોતી હાથમાં લેવા અને એને ફરીથી એ જ બુલંદ અવાજ સંભળાયો ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ.. સંયમ ત્રિવેદીની ધ્યાન સમાધિ ખૂલી ગઈ. આસન છોડીને એ ભગવાનને પગે લાગીને બહાર આવ્યો અને પોતાના રૂમમાં ગયો અને પૂજાના વસ્ત્રો બદલીને ટ્રેક પેન્ટ અને ટી શર્ટ ધારણ કર્યા. બંગલાના સેકન્ડ ફ્લોર ઉપર આવેલ આવેલા પર્સનલ જીમમાં વર્ક આઉટ શરૂ કર્યું. અડધો કલાક પરસેવો પાડ્યા પછી ફરીથી પોતાના રૂમમાં આવી કપડા ચેન્જ કરી ફરીથી ફ્રેશ થઈને કમરથી નીચે ટોવેલ વીંટીને બહાર આવ્યો. પૂરા કદના અરીસાની સામે તૈયાર થવા ઉભો રહ્યો. અઠ્ઠાવન વર્ષે પણ, નિયમીત કસરત યોગ અને પ્રાણાયામના કારણે શરીર સૌષ્ઠવ જળવાઈ રહ્યું હતું. ૩૪ ઈંચની કમર અને  ૫૬ ઈંચની છાતી શરીરને પરફેક્ટ વી શેપ આપતી હતી. છાતી ઉપરના વાળ એની મર્દાનગીમાં વધારો કરતા હતા. ડાબા ખભા ઉપરથી જમણી તરફ ઉતરતી જનોઈ એની દિક્ષિત બ્રાહ્મણ તરીકેની ઓળખ આપતી હતી. પૂરા ચાર આંગળ મોટું કપાળ, અણિયાળુ નાક, હોઠ અને નાકની વચ્ચેની ઘાટી મૂછો જેમાંના થોડાક વાળ સફેદ થઈ ગયા હતા જે વધતી જતી ઉંમરના પૂરાવા રૂપ હતા. પાણીદાર આંખો, ચહેરા ઉપર એક ચુંબકીય સ્મિત રમતું રહેતું છતાં પણ એનો ચહેરો એના ગંભીર સ્વભાવની ચાડી ખાઈ આપતો હતો. કાન પાસેના વાળ અને માથાના ઘટતા જતા વાળમાં પણ સફેદી દેખાઈ આવતી હતી. પોતાના શરીરને નિહાળાતા સહજ પણે જ એનું ધ્યાન  એની છાતીના ડાબા ભાગ તરફના લાખા (બર્થ માર્ક) તરફ ગયું. જન્મથી જ એના શરીરે છાતીના ભાગે આ લાખું હતું એક વિશીષ્ઠ આકારનું લાખું ડાબી તરફ જાણે કે અડધું ત્રિશુળ હોય અને જમણી તરફ અડધો શંખ હોય તેવો આકાર હતો. જેમ જેમ સંયમ મોટો થતો ગયો તેમ તે આ આકાર પણ સ્પષ્ટ થતા ગયા હતા. સહેજભાવે એ લાખા ઉપર સંયમે હાથ ફેરવ્યો અને પછી ફોર્મલ પેન્ટ શર્ટ પહેરી, મોબાઈલનું ચાર્જિંગ બંધ કરી, મોબાઈલ હાથમાં લઈ, બ્રેકફાસ્ટ કરવા માટે નીચે ઉતર્યો ત્યારે ઘડિયાળમાં સવારના આઠ વાગ્યાના ટકોરા પડ્યા હતા. નીચે એનો પૂરો પરિવાર અને જોશી કાકા હાજર હતા. નીચે આવીને એણે સહુથી પહેલા જોશી કાકાને ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા. આજે એનો જન્મદિવસ જે હતો. જોશી કાકાએ એના માથે હાથ મૂકીને અંતરથી આશીર્વાદ આપતા કહ્યું, ઈશ્વર તારું કલ્યાણ કરે ભાઈ. ત્યારબાદ સ્મિતાએ સંયમને એક હગ આપી અને કહ્યું, વીશ યુ મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે માય લવ હેપી બર્થ ડે. થેંક્યુ માય સ્વીટહાર્ટ કહીને સંયમે સ્મિતાના કપાળમાં એક ચુંબન કર્યું બંને બાળકો, પુત્ર શ્યામ અને પુત્રી વિશ્વાએ પણ એમના પિતા સંયમને પગે લાગીને જન્મદિવસની શુભેચ્છા પાઠવા જવાબમાં સંયમે બંનેને પોતાની છાતી સરસા ચાંપીને બંનેનો આભાર વ્યક્ત કર્યો અને પછી સંયમે ડાઈનીંગ ટેબલ ઉપર રોજના નિયમ મુજબ સંયમે હેડ ઓફ ધ ફેમીલીની ચેર ઉપર બેઠક લીધી એના જમણા હાથે સ્મિતા અને ડાબા હાથે એનો અને સ્મિતાનો મોટો પુત્ર શ્યામ અને એના પછી નાની દિકરી વિશ્વા અને વિશ્વાની સામે અને સ્મિતાના જમણા હાથે જોશી કાકા, ત્રિવેદી પરિવારના જૂના અને વિશ્વાસુ મેનેજર અને હવે વડીલ. જોશી કાકાએ મહારાજ એવી બુમ પાડી જે પરિવારના મહારાજ (કૂક) માટે સંદેશો હતો કે બ્રેકફાસ્ટ સર્વ કરો. સામેથી કિચનમાંથી અવાજ આવ્યો જી કાકા અને એ અવાજની પાછળ પાછળ, મહારાજ પણ દેખાયા ટ્રોલીમાં પરિવાર માટે હળદર ઈલાયચી વાળું નવશેકું દુધ, ચા અને ગરમા ગરમ બટાકાપૌંઆના નાસ્તા સાથે. પરિવારનો નિયમ હતો કે સવારે દરેકે નાસ્તામાં હુંફાળુ દુધ લેવું વિશ્વાને દુધ પીવું ગમતું ન હતું તો પણ પિતા તરીકે સંયમે આ નિયમ બનાવ્યો હતો જે દરેક માટે ફરજીયાત હતો. એટલે વિશ્વા મોઢું બગાડીને પણ રોજ દુધ પી લેતી હતી. બ્રેકફાસ્ટ પતાવી સંયમે એના મોબાઈલમાં સ્ટોક માર્કેટની એપ્લીકેશન ખોલી, વોચલીસ્ટ, પોર્ટ ફોલિયો અને ફંડ ચેક કર્યા. ડાઈનીંગ ટેબલ ઉપર બેઠા બેઠા જ એણે એપ્લીકેશન થ્રુ કેટલાક સોદા નાખ્યા અને ગણતરી કરી. જો એનો અંદાજ આજે પણ સાચો પડે તો આજે અઢીથી ત્રણ લાખનો ફાયદો થશે તેવું એનું અનુમાન હતું. બ્રેકફાસ્ટ પતાવીને શ્યામ અને વિશ્વા એમના રૂમમાં ચાલ્યા ગયા સંયમે સ્મિતાને કહ્યું, સાંજની તૈયારી શું છે? આજે માત્ર આપણા પરિવારજનો અને આપણા સ્ટાફ સાથે પાર્ટી કરવી છે. જો ગીફ્ટ લાવવાની બાકી હોય  તો તું દરેક માટે આજે ભૂલ્યા વગર ગીફ્ટ લાવી દેજે. સ્મિતાએ પણ સ્મિત કરીને કહ્યુ, બધું જ તૈયાર છે અને તમે આ જ સૂચના આજે પહેલા પણ ત્રણ વખત આપી ચૂક્યા છો. સાંજે તમે સમયસર આવી જજો. કહીને સ્મિતા ઉભી થઈ અને સંયમની બ્રીફકેસ લેવા ગઈ. ઓકે ડાર્લીગ કહીને સંયમ પણ ઊભો થયો અને ડ્રોઈંગ રૂમમાં આવી ડ્રાઈવર રાજેશને ફોન કર્યો. ત્રિવેદી મેન્શનમાં કામ કરતા દરેક વ્યક્તિને તેના પરિવાર સાથે રહેવાની સગવડ ત્રિવેદી મેન્શનના સર્વંટ ક્વાટરમાં કરવામાં આવી હતી અને આ ક્વાટરમાં કામ કરનાર પરિવારના દરેક સભ્યને માથે ત્રિવેદી મેન્શનના કોઈના કોઈ કામની જવાબદારી હતી.  સ્મિતા બ્રીફકેસ લઈને આવી અને સંયમને હાથમાં આપી. સંયમે સ્મિતાને એક હગ કરી બાય જયઅંબે કહ્યું અને ડ્રોઈંગરૂમમાંથી બહાર આવી એના ઓફિસ શુઝ પહેરી પોર્ચમાં આવ્યો ત્યારે ડ્રાઈવર રાજેશ ગાડી લઈને આવી ગયો હતો. આર્થિક રીતે તો કોઈપણ ગાડી એના માટે પરવડે એવી હતી પણ મુંબઈના ટ્રાફિકમાં સરળતાથી ફરી શકાય તે માટે સંયમ વેગન આર ગાડી વાપરતો હતો મીલ્કી વ્હાઈટ વેગન આર સી.એન.જી. મોડલ.. સંયમની ગાડી ગેટની બહાર નીકળી અને સામે જ સંયમને ગયા વર્ષે એને જન્મ દિવસે જે સાધુ-સંન્યાસી દેખાયા હતા. સંયમને જતો જોઈને જાણે તે હસી રહ્યા હોય તેવું સંયમને લાગ્યું એ કંઈક બોલ્યા પણ ખરા. ગાડીના કાચ બંધ હતા તો પણ સંયમને એવું લાગ્યું કે જાણે એ સન્યાસી કહી રહ્યા હતા, બંધ આંખે જે દેખાય છે તે સત્ય છે અને ખુલ્લી આંખે જે દેખાય છે તે ભ્રમ છે. હું આવી ગયો છું સંયમનાથ.... ગેટની બહાર ગાડી એના નિયત રસ્તે આગળ વધી ગઈ હતી. સંયમે પાછળ જોયું પણ ત્યાં પેલા સંન્યાસી  ન હતા. આટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયા હશે....? સંયમ વિચારતો રહ્યો અને વળી પાછું સંન્યાસીનું કહેલું વાક્ય એના કાનમાં ગુંજી ઉઠ્યું... બંધ આંખે જે દેખાય છે તે સત્ય છે અને ખુલ્લી આંખે જે દેખાય છે તે ભ્રમ છે. હું આવી ગયો છું સંયમનાથ....

Sunday, February 5, 2023

કાળચક્ર ભાગ ૨

 

 કાળચક્ર ભાગ ૨

એ જ વાક્ય હતું ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ. એ સાથે એનું મન થોડું ખાટું થઈ ગયું પણ મનના વિચારોને ખંખેરીને એ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો.

મુંબઈ ભારત દેશની આર્થિક રાજધાની. કહેવાય છે કે, માતા મુમ્બાદેવીના નામ ઉપરથી આ શહેરનું નામ કાળક્રમે મુંબઈ પડ્યું જેનું અંગ્રેજોએ બોમ્બે કરી નાખ્યું. મુંબઈનું એક નામ મોહમયી પણ છે અને મુંબઈ શહેર ખરેખર મોહ પમાડે તેવું જ છે.  સ્ટોક માર્કેટના કિંગ પણ મુંબઈમાં છે તો અંધારી આલમના ડોન પણ મુંબઈમાં છે. રોજે રોજ કેટલાય યુવાનો પોતાની આંખોમાં સફળતા થવાના શમણાં લઈને મુંબઈમાં આવે છે, સંઘર્ષ કરે છે અને પોતાની રીતે જીવવાનો પ્રયત્ન  કરે છે. પણ મુંબઈમાં આવનારા દરેક સફળ નથી થતા. જો ટકાવારની દ્રષ્ટિએ જોઈએ તો પોતાની આંખોમાં સફળતાના શમણાં લઈને આવનારાઓ પૈકી કદાચ પાંચ ટકા લોકો જ સફળ થતા હશે. બાકીના લોકો મુંબઈની ભાગદોડ ભરી જીંદગીથી ટેવાઈને યુઝ ટુ થઈ જાય છે અને મુંબઈમાં જ સ્થાયી થઈ જાય છે. નાની નાની ઓરડીઓની જેને સ્થાનીક બોલીમાં ખોલી કહે છે તેવી ઓરડીઓની ચાલીમાં વસી જાય છે તો કેટલાક પોતાનું કિસ્મત અંહિયા નહિ લખ્યું હોય તેમ માનીને પોતાના વતન ભેગા થઈ જાય છે. મુંબઈમાં રોજેરોજ આવું આવાગમન ચાલુ જ રહે છે. મુંબઈ એની ચોપાટી માટે ફેમસ છે અને બંગલામાંથી બીચ દેખાય તેવા દરિયા કિનારે આવેલા બંગલાઓ માટે પણ.

જુહુ... મુંબઈનો એક આર્થિક સમૃધ્ધ વ્યક્તિઓની વસાહત વાળો વિસ્તાર. આ વિસ્તારને ચીરીને એક રોડ આગળ બીચ તરફ જઈને બીચને પેરેલલ વળતો હતો. આ જ રસ્તા ઉપર છેલ્લે એક આલિશાન બંગલો હતો. ત્રિવેદી મેન્શન. રોડ ઉપર આગળ વધતા જનાર વ્યક્તિને ડ્રાઈવર સાઈડ બીચ તરફ એક બંગલો દૂરથી જ દેખાઈ જાય. લગભગ બાર ફૂટની લાલ ઈંટો વડે ચણેલી એક દિવાલ દેખાય એ જ ત્રિવેદી મેન્શન. જેમ નજીક આવો એમ ખબર પડે કે આ દિવાલ સાધારણ દિવાલ નથી. પણ દિવાલ ઉપર કલાત્મક કોતરણી કરવામાં આવી છે અને સાથે સાથે દિવાલની ઉપર તરફ બે ફૂટની તાર ફેન્સીંગ કરેલી છે. એક બોર્ડ મારેલુ છે એ દિવાલની ફેન્સીંગ ઉપર, લાઈવ વાયર જે સૂચવે છે કે આ તારની ફેન્સીંગમાં ઈલેક્ટ્રીક કરંટ ચાલુ છે. દિવાલની ઉપર નિયત અંતરે નાઈટ વિઝન સાથેના સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરેલ છે. જેનું મોનેટરીંગ દિવાલની અંદર તરફ આવેલ સિક્યોરીટી કેબીનમાંથી કરવામાં આવે છે. કેમેરા પણ એટલા આધુનિક છે કે, ફૂલ સ્પીડમાં પસાર થતી ગાડીનીનંબર પ્લેટ અને તેમાં આગળ અને પાછળ બંગલાની દિવાલ સાઈડ બેઠેલ વ્યક્તિના ચહેરા સ્પષ્ટ દેખી શકાય. રોડની પેરેલલ લગભગ ૩૦ ફૂટ સુધી આ દિવાલ ચાલી રહી હતી. દિવાલની મધ્યમાં એક વિશાળ કમાન આકારનો ગેટ હતો. લગભગ બાર ફૂટની ઉંચાઈ અને આઠ ફૂટની પહોળાઈ વાળો લોખંડનો ગેટ હતો. ગેટમાં સામાન્ય અવર જવર માટે વચ્ચેથી એક નાનો દરવાજો હતો જેમાંથી ટુ વ્હીલર સાથે સરળતાથી અંદર આવી અથવા બહાર નીકળી શકાય તેવી વ્યવસ્થા હતી. એક વોચમેન ગેટ ઉપર કાયમ હાજર રહેતો હતો. અને એની પ્રાથમિક જરૂરીયાતો માટે ગેટની અંદર ડાબી તરફ બનાવેલ સિક્યોરીટી કેબીનમાં વોશરૂમની સગવડ હતી અને એક નાના રેસ્ટ રૂમની પણ. સિક્યોરીટી કેબીનમાં આખા બંગલામાં બહારની તરફ નાંખવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાનું મોનેટરીંગ અને રેકોર્ડીંગ થતું હતું. ગાડીઓના આવવા-જવા માટે વિશાળ ગેટના વચ્ચેની તરફથી બંને તરફના પહેલા પહેલા હિસ્સા ખોલવામાં આવતા હતા.  ગેટ તરફથી અંદર આવો એટલે બંને તરફ સુંદર ગાર્ડન આવે અને ગાર્ડનને ચિરતો એક રસ્તો બંગલા તરફ આગળ વધે અને બંગલાના પોર્ચ એરીયા તરફથી આગળ વધી ડાબી તરફ વળીને બંગલાની નીચેના ભાગે બનાવવામાં આવેલ પાર્કિગ એરીયા તરફ આગળ વધે. પોર્ચ એરીયાની જમણી તરફ સ્ટાફ ક્વાટર્સ તરફ જતો રસ્તો હતો. રસ્તાની બાજુમાં પેરેલલ સ્ટાફ ક્વાર્ટર હતા અને સ્ટાફ ક્વાટર્ર પૂરા થાય તે પછી ગાર્ડન આવતું હતું.  બંગલાના રહેવાસીઓ અને આમાંત્રિતો પોર્ચ પાસે આવી ત્યાંથી સીધા બે પગથીયા ઉપર ચઢે એટલે ત્રિવેદી મેન્શનના પ્રથમ ફોયર આવે, માર્બલ ફ્લોરીંગ મઢેલું રાઉન્ડ શેપનું ફોયર જે રસ્તાથી બંગલાના દરવાજા તરફના સીધા રસ્તે ખુલ્લુ હતું અને એ ફોયરના સર્વન્ટ ક્વાટર તરફ જતા રસ્તાની તરફના ભાગે માર્બલનો ઓટલો બનાવવામાં આવ્યા હતા જેની ઉપર ગાદી મૂકવામાં આવી હતી. અને પાર્કિંગ તરફ જતા ભાગે હિંચકો હતો જેની સામે એક ટીપોઈ અને બે આરામ ખુરશી હતી. ગોઠવણી સ્પષ્ટ હતી જે મહેમાનોને બંગલાની અંદર બોલાવવાના ન હોય તેમની સાથે આ ફોયરમાં જ મુલાકાત કરવામાં આવતી હતી. એ પછી એક પગથિયું ઉપર તરફ બંગલાનો મેઈન દરવાજો આવે. આઠ ફુટની હાઈટનો સીસમના લાકડાનો દરવાજો અને એ દરવાજા ઉપરનું નકશીકામ બંગલાના વૈભવની ઝાંખી કરાવતું હતું. એ દરવાજામાંથી અંદર પ્રવેશો એટલે ડાબી બાજુ એક નાનો પેસેજ આવે જેમાં ગોઠવવામાં આવેલ એક શુ રેકમાં ઘરના સભ્યોના બહાર પહેરવાના અને ઘરમાં પહેરવાના જૂતાની ગોઠવણી કરવામાં આવેલ હતી અને જમણી તરફ એક નાનો વોશ એરીયા હતો. એટલે ઘરમાં દાખલ થતા પહેલા હાથ પગ ધોવાની સગવડ કરવામાં આવી હતી એ પછી આગળ ઘરનો વિશાળ ડ્રોઈંગરૂમ આવે. લગભગ વીસ વ્યક્તિઓ સહેલાઈથી બેસી શકે તેવી ગોઠવણી વાળા એ ડ્રોંઈગરૂમની મધ્યમાં ઉપર તરફ વિશાળ રજવાડી ઝુમ્મર લગાવવામાં આવ્યું હતું. મરૂન, બ્લ્યુ અને ક્રીમ કલરના પડદા બારીઓ ઉપર લગાવેલા હતા જે ઘરને રજવાડી લુક આપતા હતા. ડ્રોઈંગ રૂમની ભવ્યતા પૂરી થાય ત્યાં જ વિશાળ ડાઈનીંગ ટેબલ જેની બંને તરફ રજવાડી નકશી કામ કરેલી આઠ આઠ ખુરશીઓ હતી અને સામ સામેના છેડે આવી જ એક એક એમ કુલ અઢાર વ્યક્તિ એક સાથે જમી શકે તેવું ડાઈનીંગ ટેબલ. એના પછી કિચન વીથ સ્ટોર રૂમ એક સામાન્ય માણસનું ઘર હોય તેટલું મોટુ  કિચન હતું. કિચન કમ સ્ટોરની બાજુમાં પૂજા રૂમ હતો. જેમાં સેવનના લાકડાનું મંદિર હતું. મંદિરમાં મધ્યમાં મા અંબાની આરસની પ્રતિમા હતી સાથે શિવજી, ગણપતિજી, ભૈરવ અને હનુમાનજી મહારાજની પ્રતિમા હતી. કિચન કમ સ્ટોરની બાજુમાં એક દરવાજો હતો જે પાર્કિંગ રેમ્પ પૂરો થાય તે બાજુ ખૂલતો હતો અને જેમાંથી સ્ટાફને આવવા-જવાની પરવાનગી હતી. ડ્રોઈંગ રૂમ પૂરો થાય અને ડાઈનીંગ એરીયા શરૂ થાય તે જગ્યાએ એક સીડી હતી જે પહેલા માળ ઉપર જતી હતી. સીડીની નીચે એક નાનો વોશ એરીયા બનાવવામાં આવ્યો હતો. પહેલા માળ ઉપર કુલ ચાર બેડરૂમ હતા. સીડી પૂરી થાય તેની બાજુમાં એક સીડીની સામેની તરફ એક અને વચ્ચેના ભાગે ફોયર પછી બાજુ બાજુમાં બે. વચ્ચેના બે બેડરૂમમાંથી ડાબી તરફનો બેડરૂમ એટલે સંયમ ત્રિવેદીનો પર્સનલ બેડરૂમ કમ સ્ટડી રૂમ અને તેની બાજુનો બેડરૂમ એ સંયમ અને તેના પત્ની સ્મિતાનો રૂમ. સંયમ ત્રિવેદીના પર્સનલ બેડરૂમમાંથી તેના અને સ્મિતાના બેડરૂમમાં જઈ શકાતું હતું. સીડીની બાજુનો બેડરૂમ એ સંયમ અને સ્મિતાના પુત્ર શ્યામનો અને સામેનો બેડરૂમ એ સંયમ અને સ્મિતાની પુત્રી વિશ્વાનો. શ્યામના રૂમની બાજુમાંથી સેકન્ડ ફ્લોર ઉપર જવા માટેની સીડી હતી. સેકન્ડ ફ્લોર ઉપર  બે ગેસ્ટરૂમ, પર્સનલ જીમ અને લાયબ્રેરીની વ્યવસ્થા હતી. તેની ઉપર ટેરેસ હતું.

ફરી એલાર્મ વાગ્યું એટલે સંયમે શાવર કોક બંધ કરી ટર્કીશ ટોવેલથી પોતાનું શરીર સ્વચ્છ કરવાનું શરૂ કર્યું. બહાર આવીને એલાર્મ બંધ કર્યું ફરીથી એના કાનમાં પેલા શબ્દો ગુંજી ઉઠ્યા, ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ. મનમાં આવેલા વિચારોને ખંખેરીને સંયમ ત્રિવેદીએ પૂજા માટેનું પિતાંબર ધારણ કર્યું, મોબાઈલ ચાર્જમાં મૂક્યો, અને ઉપર ઉપવસ્ત્ર અને પોતાના રૂમમાંથી બહાર આવી નીચે પૂજાના રૂમમાં ગયો.