Sunday, June 26, 2022

આનંદ પ્રિયા ભાગ - 9

 

ભાગ-9

ફોરમનો અર્થ થાય સુગંધ..

અંત્યોદય ઉત્થાન યોજના, રાજકીય પાર્ટી દ્વારા આવી એક યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તેના પ્રચાર અને પ્રસારની જવાબદારી વોર્ડમાં વી.એસ.ને સોંપવામાં આવી. વી.એસ.ની જોડે જોડે જ હું જતો હતો. મારા જ વિસ્તારની ઘણી બધી સોસાયટી, શેરીઓ અને ફ્લેટ જે મેં જોયા તો ન હતા પણ તેના નામ પણ મને ખબર ન હતી તે તમામથી ધીમે ધીમે હું રાજકીય પ્રવૃત્તિના કારણે પરિચીત થતો ગયો હતો. પટેલ વાસ, જે વિસ્તારમાં હું રહેતો હતો તેના ગામતળનો એક વાસ, હાલ તો મોટે ભાગે ત્યાં ભાડુઆત રહે છે. ફોરમ આવી જ એક ભાડુઆત. વી.એસ.ને એક સ્થાનીક આગેવાને એના વિશે માહિતી આપી, જરૂરીયાત વાળી સ્ત્રી છે, એકલી રહે છે અને નોકરી કરી જીવન પસાર કરે છે. સારા વર્ણની (જ્ઞાતિની) છે એટલે સામે ચાલીને માંગશે નહિ પણ જો તમારાથી કંઈ થઈ શકતું હોય તો... જમાનાના ખાધેલ વી.એસ. એ એના વિશેની બાકીની માહિતી જાણી અને પછી મને કીધું, હું દર મહિને તને રાશન કીટ અને જીવન જરૂરી વસ્તુઓની કીટ આપીશ. આ બેન તારા સમાજની છે એટલે તું જઈને એને સમાજ વતીથી આપી આવજે. તારે કેવી રીતે આપવી તે તારો પ્રશ્ન?” પહેલી વખત એને કીટ આપવા એને ઘરે ગયો એને બહુ જ સમજાવવી પડી કે આ કોઈ ઉપકાર નથી. આપણા સમાજના લોકોએ સર્વે કર્યો અને સમાજની યોજના મુજબ આ કીટ આપી રહ્યો છું. ઘણી સમજાવટ પછી એણે કીટ લીધી. એ હતી અમારી વાતચીતની શરૂઆત.

એ પછી દર મહિને એને મળવાનું થયું. સ્ત્રીના એક બીજા સ્વરૂપનો પરિચય થયો. ફોરમે પોતાની જાતની આસપાસ કડક વર્તનનું એક એવું આવરણ બનાવી લીધું હતું કે એની સાથે કામ સિવાય કોઈ વાતચીત કરતું ન હતું. પણ એ આવરણની અંદર એક કોમળ, લાગણીશીલ અને પતિથી પીડીત સ્ત્રી છુપાઈને બેઠી હતી. એક સ્ત્રી જે કોઈના ખભે માથું મૂકીને રડીને મન હળવું કરવા માંગતી હતી પણ એના પોતાના લોહીના સંબંધોના તમામ ખભા પારકા થઈને ઉભા હતા.

ફોરમ સાથેના પરિચયનો એ લગભગ ચોથો કે પાંચમો મહિનો હશે. હું એના ઘરે રાશનકીટ આપવા ગયો હતો. એ દિવસે એના ઘરે દરવાજો ખખડાવ્યો ખાસી વાર પછી દરવાજો ખૂલ્યો ફોરમનો ચહેરો કહી આપતો હતો કે એ રડી રહી હતી અને મોઢું ધોઈને સ્વસ્થ થવામાં વાર લાગી એટલે દરવાજો ખોલવામાં સમય લાગ્યો.

બધું બરાબર તો છે ને.?” અનાયાસે મારાથી પૂછાઈ ગયું.

આવો બેસો પછી વાત... પહેલી વખત એના ઘરે ગયો જુના જમાનાનું મકાન એટલે રોડ ઉપરથી સીધું જ દેખાય એ રીતે હું ચોકમાં બેઠો. ફોરમે એની જીવન કહાની કહી. સંસારમાં દુઃખ સામે ઝઝુમતા લોકોની કમી નથી. ફોરમ એમાંની જ એક હતી.  બસ એક વિચાર આવ્યો......

Sunday, June 19, 2022

આનંદ પ્રિયા ભાગ - 8

 

ભાગ-8

હું વિચારી પણ નથી શકતો કે મારા ખાસ મિત્રોએ મારાથી વાત છુપાવી રાખી હોય, આનંદે અને કર્મણે બંને એ મને પારકો ગણ્યો. શિલ્પા, આનંદ પ્રેમમાં હતો અને એ વાત કર્મણ જાણતો હતો પણ આનંદે કર્મણને મને જણાવવાની ના પાડી હતી. આનંદે મને પારકો ગણ્યો.

ડોક્ટર સમીર લાગણીના આવેશમાં બોલી રહ્યો હતો અને એના મુખમાંથી વાણીની સાથે આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહી રહ્યો હતો.

રીલેક્સ ડીયર, તમને નથી જણાવ્યું તો એની પાછળ કંઈક કારણ તો હશે જ ને. ચાલો ફ્રેશ થઈ જાવ. આનંદભાઈની ડાયરીમાં હજુ ઘણા રહસ્યો સામે આવશે એવું મને લાગે છે. શિલ્પાએ સમજદાર પત્ની તરીકે ડોક્ટર સમીરને સાંત્વના આપી.

આંખોમાંથી ઉંધ ગાયબ થઈ ચૂકી હતી. શિલ્પાએ મેઈન લાઈટ ઓફ કરીને ડીમલાઈટ ચાલુ કરી, ડોક્ટર સમીર પથારીમાં પડ્યા અને આંખો બંધ કરી, પણ મનના વિચારોને કેવી રીતે બંધ કરવા તે મેડીકલ સાયન્સમાં ભણાવવામાં નથી આવતું. ...

સવારે શિલ્પાએ ડોક્ટર સમીરને ઉઠાડ્યો ત્યારે સવારના સાડા સાત થઈ ગયા હતા. સમીરનો ચહેરો કહી આપતો હતો કે, રાત્રે ઉંઘ પૂરી થઈ નથી.

બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ ઉપર ડોક્ટર સમીર પહોંચ્યો ત્યારે કર્મણ ન દેખાતા એણે અનુમાન લગાવ્યું કે કર્મણ વહેલો નીકળી ગયો હશે. પણ એના આશ્ચર્ય વચ્ચે, કર્મણ નાઈટ ડ્રેસમાં જ ડાઈનીંગ ટેબલ ઉપર આવ્યો. કર્મણનો ચહેરો પણ એના ઉજાગરાની ચાડી ખાતો હતો.

સમીરભાઈ, આને કંઈક સમજાવો અને કંઈક દવા આપતા જાવ. કાજલે કહ્યું. રાત્રે મોડા સુધી રડ્યા છે અને સારી રીતે નથી સૂતા. સવારે કહે માથું દુઃખે છે.

સમીરે અને કર્મણ બંનેએ લગભગ એક જ સમયે એક બીજાની સામે જોયું. બંને એક બીજાનો ચહેરો જોઈ સમજી ગયા...

કર્મણને દવા આપી સમીર હોસ્પિટલ જવા નીકળ્યો અને જતા જતા એણે શિલ્પાને કીધું, આજે મહારાજને કહેજે સાંજે બાજરીના રોટલા, રીંગણનો ઓળો, લસણની ચટણી, છાશ બનાવે.

કર્મણ, કાજલ, શિલ્પા અને સમીર બધાના ચહેરા ઉપર સ્મિત રેલાઈ ગયું. સમીરે, કર્મણની પસંદગીનું મેનું બનાવવાનું કીધું હતું.

રાત્રે ડાઈનીગં ટેબલ ઉપર સમીર અને કર્મણ બંને તેમના પરિવાર સાથે જમવા બેઠા. જમીને સમીર અને કર્મણ, સમીરના રૂમમાં ગયા અને આનંદની ડાયરી ગઈકાલે જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ વાંચવાની શરૂ કરી.

પ્રેમિકા જો પત્ની સ્વરૂપે મળે તો શ્રેષ્ઠ, પત્ની જો પ્રેમિકા બની જાય તો ઉત્તમ પણ પત્ની મળે એ પ્રેમિકા કે મિત્ર કંઈપણ ન બની શકે અને ટીકાકાર બની જાય તો પુરૂષનું જીવન કાણા વાળી હોડી જેવું બની જાય.

જેની સાથે લગ્ન કરવાના સપના જોયા તે પોતે જ એક સ્વપ્ન બની ગઈ અને દૂર દેશ ચાલી ગઈ. ગધા પચીસીની ઉંમર વીતી ગઈ. પપ્પાનો ધંધો ધીમે ધીમે સંભાળી લીધો હતો. સમીર તું મેડીકલમાં માસ્ટર ડિગ્રી મેળવવામાં પડ્યો હતો અને કર્મણ એની એમ.બી.એ.ની ડિગ્રીને માર્કેટના અનુભવથી ધારદાર બનાવી રહ્યો હતો. 28 વર્ષની ઉંમરે મારા દૂરના કાકા મારા માટે એક સંબંધ લઈને આવ્યા. પરિવારમાં એમના સિવાય કોઈ વડીલ ન હતું. પ્રેમ વગરના લગ્ન થઈ ગયા મારા આશા સાથે, આશા જે હંમેશા નિરાશાની જ વાતો કરતી, દરેક વાતમાં ન કારો કરતી, શંકાશીલ સ્વભાવ વાળી. લગ્ન થઈ ગયા અને લગ્નના છ મહિનામાં જ એ પિયર જતી રહી અને પછી સીધી છૂટાછેડાની નોટિસ આવી ગઈ. એ છ મહિના હું તમારા બંનેના સંપર્કમાં નિયમીત ન હતો. આશા સાથેનું લગ્ન જીવન છૂટાછેડાથી પૂર્ણ થયું અને ફરીથી હું મારો ધંધો અને મારૂ કામ... પણ એ છ મહિનામાં મને જે અનુભવ મળ્યા, વ્યક્તિની નકારાત્મક માનસિકતાનો પરિચય મળ્યો તે મારા માટે મહત્વનો બની રહ્યો.

મારા છૂટાછેડા બાદ, જીવન એક પધ્ધતિમાં ગોઠવાઈ ગયું. શક્ય હોય ત્યાં સુધી દરેક ટુરમાં હું જતો. બંને ટાઈમ જમવાનું ઓફિસમાં જ રાત્રે સૂવા ઘરે જવાનું અને સવારે તૈયાર થઈને પાછા ઓફિસ જતા રહેવાનું.. એ સમયે વી.એસ. મારા રાજકીય ગુરૂ મારા જીવનમાં આવ્યા. ધંધાની સાથે સાથે ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાયો ત્યારે જાણ્યું કે, મારા કરતા પણ વિષમ પરિસ્થીતીમાં જીવતા-ઝઝુમતા ઘણા લોકો છે. એવા કેટલાય મધ્યમ વર્ગીય પરિવાર છે જે શરમના માર્યા માંગી પણ નથી શકતા અને સહન પણ નથી કરી શકતા. આવા વ્યક્તિઓને મદદ કરવા માટે મેં અને વી.એસ. બંનેએ ભેગા થઈને એક ટ્રસ્ટ ખોલ્યું છે. તમે જ્યારે મારા મકાનનું પઝેશન વી.એસ.ને આપશો તે સમયે વી.એસ. તમને ટ્રસ્ટ વિશે વાત કરશે અને તમારા બંનેના નામ એમાં ટ્રસ્ટી તરીકે દાખલ કરવાની ફોર્માલીટી એ પૂરી કરી નાખશે અને હા, મારૂં મકાન મેં વી.એસ.ને  જ વેચ્યું છે.

હવે તમને મારા જીવનમાં આવેલ વધુ એક સ્ત્રી પાત્રનો પરિચય કરાવું..ફોરમ..

કર્મણ તું તારી મહેનતથી પોતાનો આગવો ધંધો શરૂ કરી ચૂક્યો હતો અને ડોક્ટર સમીર પોતાની ખાનગી પ્રેક્ટિસ... તમારા બંનેના લગ્નમાં હું ખૂબ નાચ્યો હતો. તમારા બંનેના પ્રસંગો મને આ ડાયરી લખી રહ્યો છું ત્યારે પણ જાણે વીડીયો જોતો હોઉં તે રીતે યાદ છે. સમય, સમયની રીતે પસાર થતો ગયો. તમે બંને તમારા સંસારમાં પડી ગયા અને આપણું મળવાનું અનિયમીત થઈ ગયું. તો પણ લગભગ મહિને એકાદ વખત આપણે મળી લેતા. તમને મળું ત્યારે એવું લાગે જાણે શ્વાસમાં ઓક્સિજન નહિ, જીવવાની હિંમત અને હામ ભરાઈ ગયો હોય.

જીવનના ચાલીસમાં દાયકામાં પ્રવેશ થઈ ચૂક્યો હતો. ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ દરમ્યાન જ મારો પરિચય થયો ફોરમ સાથે...

Sunday, June 12, 2022

આનંદ પ્રિયા ભાગ - 7

 

ભાગ-7

 

અલા, તમે બંને તો સીરીયસ થઈ ગયા... જો આમ જ સોગીયું મોઢું કરીને વાંચવાની હોય તો આ ડાયરી અંહિથી આગળ વાંચવાની જ બંધ કરી દો...

કર્મણે સમીરના રૂમમાં ડાયરી આગળ વાંચવા માટે બુકમાર્ક વાળા પાનાની પછીનું પાનું ખોલ્યું. સમીર અને કર્મણ બંને આનંદ સાથેની મજાક-મસ્તીને લઈને થોડા ડિસ્ટર્બ થઈ ગયા હતા.. અને આજે કર્મણે પાનું વાંચવાની શરૂઆત કરી અને પહેલી જ લીટી જાણે કે આનંદ સમીર અને કર્મણની મનોદશા સમજતો હોય, જોતો હોય એ રીતે લખી હતી.

મારા જવાનો અફસોસ ના કરો. યાર, તમારી જોડે વીતાવેલી દરેક પળો મારા માટે યાદગાર અને ઓક્સિજન જેવી હતી..

ચાલો મૂળ વાત ઉપર આવું.

કોલેજ લાઈફ એ બેચલર લાઈફનો બેસ્ટ ટાઈમ પીરીયડ કહેવાય. સ્કુલ લાઈફ પૂર્ણ થઈ, સમીર એની ઈચ્છા મુજબ મેડીકલમાં ગયો અને હું અને કર્મણ કોમર્સ કોલેજમાં.. કર્મણે એની ઈચ્છા મુજબ ધંધો શીખવાનો શરૂ કર્યો અને હું પણ મારા પપ્પા જોડે ટુર્સ એન્ડ ટ્રાવેલના ધંધામાં લાગ્યો.

એ સમયગાળામાં આપણું મળવાનું લગભગ અનિયમીત થઈ ગયું હતું. સમીર તો એની મેડીકલ બુકમાં જાણે ખોવાઈ જ ગયો હતો. હું અને કર્મણ નિયમીત મળતા.

બસ એ સમયગાળામાં મને સ્ત્રીના એક નવા સ્વરૂપનો પરિચય થયો. વિશીતા આ નામ પણ સાચું નથી પણ કર્મણ સમજી જશે...

સેકન્ડ યરની શરૂઆતમાં થયેલો પરિચય સેકન્ડ યર પૂર્ણ થતા ગાઢ બની ગયો હતો. હા, વિશીતા અને મારી મિત્રતામાં પ્રણયનો રંગ ઘુંટાવા લાગ્યો હતો. એક બીજાને લઈને અમે સીરીયસ હતા. થર્ડ યર પૂર્ણ કર્યા બાદ મેં મારા ઘરે જાણ કરવાનું નક્કી કર્યું હતું. પણ, તમે બંને જાણો છો તેમ..થર્ડ યર મારા માટે લાઈફનું ટર્નીંગ યર બની ગયું. ચારધામની ટુર હતી પપ્પા અને મમ્મી બંને ગયા. પપ્પાનો તો બીઝનસ હતો અને મમ્મીએ પણ વિચાર્યું કે, પપ્પાને મદદ પણ થઈ જાય અને જાત્રા પણ થઈ જાય. પપ્પા અને મમ્મી બંને નીકળ્યા. તે દિવસે હું બંનેને પગે લાગ્યો, મમ્મીએ મને કીધું એ શબ્દો મને બરાબર યાદ છે, બેટા હવે તું મોટો થઈ ગયો છે. તારુ અને ઘરનું ધ્યાન રાખજે. તું બહુ ડાહ્યો છે અને સમજદાર પણ.

પપ્પા અને મમ્મીએ મને ગળે લગાડ્યો અને ટુર લઈને નીકળ્યા. ત્યારે મારી અને પપ્પા બંનેની પાસે મોબાઈલ હતા. પપ્પા અને મમ્મી ટુરમાં ગયા તે પછી રોજ અમે મોબાઈલ ઉપર વાત કરતા હતા. ટુર 15 દિવસની હતી. ટુરનો 11 મો દિવસ હતો એ.. હું  પપ્પાના ફોનની રાહ જોઈને થાકીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે ડ્રાઈવરનો ફોન આવ્યો.. અને સમાચાર આપ્યા  કે બસ ખાઈમાં પડી ગઈ એ સમય રહેતા કૂદી ગયો અને માત્ર એ જ બચી ગયો હતો..... સમાચાર જાણીને હું હેબતાઈ ગયો, એ દિવસોમાં આ સંસારમાં, પરિવારમાં હું એકલો જ રહી ગયો હતો. એ દિવસો મારા જીવનના ખરાબમાં ખરાબ દિવસો. તમે બે અને વિશીતા ત્રણ જણાએ મને સંભાળી લીધો. પસાર થતા દિવસો ઝખમ ઉપર મલમ લગાવતા ગયા. જીવન ધીમે ધીમે થાળે પડતું ગયું. ધંધો મેં સંભાળી લીધો હતો અને થર્ડ યર જ્યાં ત્યાં પતી ગયું. મારે પપ્પા-મમ્મી તો રહ્યા નહિ..વિશીતાના પપ્પાને વિશીતાએ અમારા પ્રણય સંબંધની વાત કરી. વિશીતાના પપ્પાએ સ્પષ્ટ ના પાડી. કારણ એક, મારા પરિવારમાં હું એકલો જ, બીજું અમારી જ્ઞાતિ અને સમાજ અલગ અને ત્રીજું અને મહત્વનું વિશીતા આર્થિક રીતે ઘણા જ સધ્ધર પરિવારમાંથી હતી.

ભાગીને લગ્ન કરવાનો મારો ઈરાદો ન હતો. અર્થ એ નથી કે, હું કાયર હતો પણ એ સમયે વિચાર એવો આવ્યો કે હું તો એકલો રહી ગયો. હવે જો મને કંઈ થાય તો વિશીતાને એના પિતાના ઘરનો સહારો પણ ન રહે. વિશીતા સાથે લગ્નનો વિચાર પડતો મૂક્યો. મેં મારો નિર્ણય વિશીતાને જણાવ્યો અને સમજાવ્યો. એ સાંજે અમે ખૂબ રડ્યા.

વિશીતા અને હું અલગ થયા. પણ એક વચન સાથે, વિશીતાને જ્યારે પણ મારી જરૂર પડે એ મને યાદ કરશે એક મિત્ર તરીકે, અને મારે મારાથી બનતી મદદ કરવાની..

વિશીતાના લગ્ન થઈ ગયા એના જ સમાજના એક સી.એ. સાથે અને એ ફોરન જતી રહી. બસ પછી ક્યારેય અમે મળ્યા નથી અને અમારી વચ્ચે કોઈ જ પ્રકારનો સંપર્ક ન રહ્યો. હા વાયા વાયા મને એના ખુશી ખબર મળતા રહેતા.

હમઉમ્ર સ્ત્રી મિત્ર હોવાનો એક ફાયદો કહું, જે મેં અનુભવ્યો, હમઉમ્ર સ્ત્રી મિત્ર હોય તો બોલવાની સભ્યતા, ડ્રેસિંગ સેન્સ, જનરલ નોલેજ જેવા ગુણો આપોઆપ ડેવલપ થાય.

હા, એક વાત જરૂર કહીશ, આપણા સમાજની એક નબળી માનસિકતા, મંદિરમાં રાધા-કૃષ્ણની મૂર્તિની પૂજા કરનાર આપણો સમાજ એક હમઉમ્ર સ્ત્રી અને પુરૂષની મિત્રતાને સ્વીકારી નથી શકતો.

તને, ખબર હતી, આનંદના પ્રણય સંબંધની?” ડોક્ટર સમીરે કર્મણને આગળ વાંચતો અટકાવીને પૂછયું

હા, પણ આનંદે તને કહેવાની ના પાડી હતી. એણે કહ્યું હતું કે, જે પ્રણય સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકાઈ ગયુ છે તેની કોઈ જ ચર્ચા કરવી નથી. કર્મણે કહ્યુ.

મતલબ, આનંદ તારી વધુ નજીક હતો. મારે એવું જ સમજવાનું ને. કંઈક અણગમા સાથે ડોક્ટર સમીરે કર્મણને કીધું.

ના એવું નથી. તારી સાથે આ વાતની ચર્ચા કરીને આનંદ તારૂ ધ્યાન તારા મેડીકલ અભ્યાસથી ડાયવર્ટ કરવા નહતો માંગતો. ચાલ રાત બહુ વીતી ગઈ આગળ કાલે વાંચીશું. કર્મણે ડાયરીના પાના ઉપર બુકમાર્ક મૂકીને ડાયરી બંધ કરી.

કર્મણ ઉભો થઈને રૂમની બહાર નીકળ્યો અને સામેના બેડરૂમમાં ગયો એને આવેલો જોઈને, શિલ્પા (ડોક્ટર સમીરની પત્ની) સમીરના રૂમમાં ગઈ. સમીરની આંખોમાંથી ઉંધ ગાયબ હતી અને ચહેરા ઉપર અણગમો દેખાઈ આવતો હતો. શિલ્પાએ સમીરને કહયું, ડોક્ટર સાહેબ, સૂઈ જાવ હવે આવતીકાલે સવારે તમારે ઓપીડી માટે પણ જવાનું છે. .. અને રૂમની ડીમલાઈટ ચાલુ કરી અને લાઈટ બંધ કરી..

Sunday, June 5, 2022

આનંદ પ્રિયા - ભાગ - 6

 

ભાગ-6

બીજા દિવસની સવારે ડોક્ટર સમીરના ઘરે વાતાવરણ સહેજ હળવું હતું. યશ અને રાજ બંને ગાર્ડનમાં રમી રહ્યા હતા. ડાઈનીંગ ટેબલ ઉપર ડોક્ટર સમીર અને કર્મણ બંને બ્રેક ફાસ્ટ માટે ગોઠવાઈ ગયા હતા.

 યાર અઘરુ થઈ પડશે. આનંદની ડાયરી વાંચીને સમજવાની પણ છે ખાલી વાંચવાની હોય તો અલગ વાત છે. તું તારી ઓપીડી પતાવીને રાત્રે ઘરે આવે ત્યારે લગભગ 10 થયા હોય અને હું પણ લગભગ એટલા જ વાગે ઘરે આવું છું. એ પછી હું ફ્રેશ થઈને પરવારીને તારા ઘરે આવું પછી માંડ એક કે બે કલાક મળશે. કર્મણે મુંઝવણ રજૂ કરી.

પણ વાંચવી તો છે જ .. એક કામ કર કર્મણ, આનંદની ડાયરી આખી વંચાઈ ન જાય ત્યાં સુધી તુ અંહિયા જ રહી જા. રોજ રાત્રે આનંદની ડાયરી વાંચીશું આપણે જે આનંદને જાણતા ન હતા તે આનંદને વાંચીને સમજીશું.  ડોક્ટર સમીરે ઉપાય સૂચવ્યો.

કર્મણે કાજલની સામે જોયું અને કાજલે હામી ભરી એટલે કર્મણ કહ્યુ ઠીક છે. કાજલ આજે ઘરેથી તું આપણો જરૂરી સામાન-કપડાં લેતી આવજે.

ચાલો સાંજે મળીએ કહીને કર્મણ એની ઓફિસ જવા નીકળ્યો અને ડોક્ટર સમીર એના ક્લીનીક પર જવા.

----------------------------------

રાત્રીના આશરે 10.30 વાગે ભોજન બાદ ફરીથી ડોક્ટર સમીરના રૂમમાં કર્મણે આનંદની ડાયરી વાંચવાની શરૂ કરી. આગલા દિવસે જ્યાંથી અટક્યા હતા ત્યાં બુકમાર્ક મૂકેલ હતો. કર્મણે આગળ વાંચવાની શરૂઆત કરી.

સ્ત્રીના બીજા સ્વરૂપ સાથે પુરૂષનો પરિચય બાલ્યાવસ્થામાં જ થઈ જાય છે. બહેન તરીકે, બહેન મોટી હોય તો મા સમાન અને નાની હોય તો દિકરી સમાન ગણાય આવું ક્યાંક વાંચ્યુ હતું. મારી કોઈ સગી બહેન કે ભાઈ તો હતા નહિ અને કોઈ કાકા કુટુંબ કે બીજા કોઈ ખાસ સગા પણ હતા નહિ એટલે બાલ્યાવસ્થામાં તો મને સ્ત્રીના આ બીજા સ્વરૂપનો પરિચય ન થયો પણ આપણે ત્રણે એટલે હું – આનંદ, કર્મણ અને સમીર જ્યારે આઠમા ધોરણમાં એક જ શાળામાં ભણતા હતા તે સમયે એટલે કે આપણી કિશોરાવસ્થામાં મને સ્ત્રીના આ બીજા સ્વરૂપનો પરિચર થયો. તમે બંને પણ એને ઓળખો જ છો. હું સાચું નામ નથી લખતો પણ તમારું અનુમાન સાચું જ હશે એની ખાતરી આપુ છું. આપણે ત્રણે જણાએ 10 માની બોર્ડની પરીક્ષા આપી તમે બંને તમારા મામાના ઘરે ગયા અને હું મારો પરિવાર અમારા વતન ગયા હતા. પપ્પાના ગામડાના ઘરનું રીપેરીંગ ચાલતુ હતું એટલે ત્યાં લગભગ એકાદ મહિનો રોકાયો. એ સમયે અમારા મકાનની બાજુના મકાનમાં, પોતાના મામાના ઘરે રહેવા આવી હતી..આશીની. મારાથી બે વર્ષ ઉંમરમાં મોટી... એ મારા પપ્પાને મામા કહેતી. શરૂઆતમાં મારી સાથે કોઈ ખાસ વાતચીત નહિ. પણ પછી તો અમારી વાતો ચાલતી તે છેક મોડી રાત સુધી ...ત્યારે મને સમજાયું કે સંબંધો માત્ર લોહીના જ નથી હોતા. લાગણીઓના તાણા-વાણાથી ગુંથાયેલા પણ હોય છે. એ સમયે મોબાઈલ ફોન તો હતા નહિ. પણ અમે બંનેએ એક બીજાને અમારા લેન્ડલાઈન નંબરો આપ્યા. વેકેશન પત્યું આપણું રીઝલ્ટ આવ્યું. હંમેશની જેમ સમીરનું રીઝલ્ટ સહુથી સરસ પછી કર્મણનું. સમીરે સાયન્સ લીધું અને મેં અને કર્મણે કોમર્સ. સમીરની ઈચ્છા ડોક્ટર બનાવાની, કર્મણની બિઝનસમેન બનવાની અને હું... હા હા હા મારું ક્યાં કંઈ નક્કી જ હતું. ..

પણ તમને યાદ છે. આપણે દર રવિવારે નિયમીત મળવાનું નક્કી કર્યું હતું. આવા જ એક રવિવાર તમે બંનેએ મને પૂછયું હતું કે, અલા ગામડે શું કરીને આવ્યો?” હું સ્પષ્ટ જવાબ નહતો આપી શક્યો. કદાચ હું પોતે પણ એ વખતે સ્પષ્ટ નહતો કે આશીની પ્રત્યેની મારી લાગણી ઉંમરના કારણે થતું આકર્ષણ છે કે ખરેખર લાગણી છે....પણ, એ પછીની રક્ષાબંધન અને આ ડાયરી તમે વાંચો છે તેના બે વર્ષ પહેલાની રક્ષાબંધન સુધી આશીનીની રાખડી આવી જ જાય. એણે રાખડી મોકલી અને મને બહેન મળી ગઈ.. એની કોલેજ પતી અને લગ્ન થયા ત્યાં સુધી લગભગ દર શનિવારે અણે મારી સાથે ફોન ઉપર વાત કરી.. એની પસંદ-ના પસંદ, વાંચન, શોખ ... એના લગ્નના બાદ એની લાઈફમાં આવેલ સમસ્યા અને બીજી અનેક વાત.

આશીની એ સ્ત્રીનું મને મળેલ બીજું સ્વરૂપ કે જે મને એક બહેન તરીકે અને એક મિત્ર તરીકે મળી...લાગણીનો પ્રવાહ જેમાં સ્નેહ હતો... હેત હતું...

તમને જે પ્રશ્ન થયોને કે, છેલ્લા બે વર્ષથી રક્ષાબંધન ઉપર આશીનીની રાખડી કેમ નહિ આવી? તો કહી દઉં કે આશીની બે વર્ષ ઉપર આ સંસાર છોડીને ચાલી ગઈ..ખામી એના પતિમાં હતી એટલે એ માતૃત્વ ધારણ ન કરી શકી અને માતા નહિ બની શકવા બદલ એના ઉપર એના સાસરી પક્ષ તરફથી કરવામાં આવતો અત્યાચાર સહન કરવાની એની હદ આવી ગઈ હતી. એક સવારે એણે પોતાની જાતને જ ગળાફાંસો આપી દીધો અને આ દુનીયા છોડી દીધી. ત્યારે મને સ્ત્રીના નેગેટીવ શેડનો પણ પરિચય થયો. સ્ત્રી જો લાગણીની મૂર્તિ છે તો સ્ત્રી  ઈર્ષાની પણ મૂર્તિ છે. પેલી કહેવત છે ને કે, સ્ત્રીની દુશ્મન એ સ્ત્રી જ છે. આશીનીના કેસમાં આશીનીની આત્મહત્યા પાછળ સહુથી વધુ કોઈ જવાબદાર હોય તો તે તેની સાસુ હતી.

આશીની એ મારા જીવનપથની બીજી સ્ત્રી, બીજા ક્રમે આવતી આનંદપ્રિયા,  જે મારા માટે મારી બહેન પણ હતી અને એક મિત્ર પણ..

કર્મણે બુકમાર્ક પાછું ગોઠવીને ડોક્ટર સમીર સામે જોયું.

યાર આ માણસ... આને સરળ કહેવો કે રહસ્યમય? એ કાયમ મને પૂછતો કે ફર્ટીલીટીના પ્રોબ્લેમ માટે સારા ડોક્ટર કયા અને હું એને કહી દેતો કે, ***, તારે શું કામ છે.? તું રહ્યો એકલો ફક્કડ ગીરધારી. પણ આનંદે સ્પષ્ટતા ન કરી કે, એ કોના માટે પૂછે છે.. આપણે એવું જ સમજતા રહ્યા કે આનંદ આપણને બધી જ વાતો કહે છે પણ એણે ઘણુ બધુ આપણને નહતું કીધું. ડોક્ટર સમીરે કહ્યું.

આજે આટલેથી આગળ નથી વાંચવું. મૂડ ઉતરી ગયો.. ખરેખર આપણે પણ આનંદને હેરાન કર્યો એવું મને ફીલ થાય છે. પણ એ આના નામ મુજબ જ આનંદથી જીવ્યો...

Sunday, May 29, 2022

આનંદપ્રિયા : ભાગ-5

પ્રેમ શબ્દની વ્યાખ્યા મારા માટે બહુ વિશાળ છે. પ્રેમ એટલે પામવું નહીં, પરંતુ પ્રેમ એટલે ત્યાગ, સમર્પણ. જેને તમે પ્રેમ કરો છો એને હરહંમેશ ખુશ જોવાની તાલાવેલી, હ્રદયના ઉંડાણથી જેની ખુશી માટે સતત અવિરત પ્રાર્થના થતી રહે તે પ્રેમ. પ્રેમ માત્ર વ્યક્તિ સાથે નહીં, તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલો હોવો જોઈએ તેવું હું માનું છું. મારા જીવનકાળમાં અનેક સ્ત્રીઓનો પ્રેમ મને મળ્યો અને આ બધી જ સ્ત્રીઓને મેં દિલથી ચાહી છે. આ તમામ સ્ત્રીઓ વિશે તમને આ ડાયરીના માધ્યમથી જણાવીશ. મારા જીવનકાળના પ્રવાહમાં આવેલી આ સ્ત્રીઓ એ જ આનંદપ્રિયા...

સ્ત્રી, નારી, કેટલા અઢળક વિશેષણોની સ્વામિની.. કોમલાંગી, વાત્સલ્યમૂર્તિ, સહનશીલતાની દેવી.. નારાયણી, શક્તિ સ્વરૂપા... અને બીજા કેટલાય..

એક પુરૂષના જીવનના દરેક તબક્કામાં કેટકેટલા વિવિધ સ્વરૂપે સ્ત્રી સંકળાયેલી અને રહેલી છે. આ સંસારમાં કર્મના લેખાજોખા પૂરા કરવા આવવાનું સ્ત્રી વગર શક્ય જ નથી. બાળકને સહુથી પહેલા અનુભવ જે સ્ત્રીનો થાય છે તે છે એની જન્મદાત્રી, એની માતા. ગર્ભમાં રહેલ બાળકને અંદાજ પણ નથી હોતો કે એની જન્મદાત્રી એની કેટકેટલી કાળજી કરે છે. બાળકને સહુથી પહેલો જે અવાજ સંભળાય છે તે હોય છે એની જનેતાના હ્રદયના ધબકારાનો. મારા જીવનમાં આવેલી સહુથી પહેલી સ્ત્રી એટલે મારી માતા.

હું ખુશનસીબ છું કે મને માતાનો પ્રેમ મળ્યો. ઘણા બધા લોકો આ સંસારમાં એવા છે જેમને જન્મ પછી માતાનો સ્નેહ, વાત્સલ્યભાવ ગુમાવી દેવો પડે છે. આમાં કદાચ એ માતાનો પણ વાંક નહિ હોય, મજબૂરી હશે. પણ જવા દો એ વાત. મારી માતા શૈલ્યા. એનો જેટલો આભાર માનું તેટલો ઓછો. એક મધ્યમ વર્ગીય પરિવારની દિકરી અને એક મધ્યમ વર્ગીય પરિવારમાં પરણીને પુત્રવધુ તરીકે આવી. મારી માતા શૈલ્યા અને પિતા કૌશલના લગ્નના પાંચ વર્ષ પછી મારો જન્મ થયો. પિતા કૌશલનો ટુર્સ એન્ડ ટ્રાવેલનો ધંધો, નાના પાયા ઉપર. માતા-પિતાએ બંનેએ પૂરા લાડ-કોડથી મને ભણાવ્યો મોટો કર્યો. મને હજુ પણ યાદ છે શાળાના એ દિવસો... શાળાએથી ઘરે આવી બહાર રમવા જવાનું, પછી ઘરે આવીએ ત્યારે મા કહે, હાથપગ ધોઈને જમવા બેસી જા. પછી તારે ભણી-ગણીને મોટા સાહેબ બનવાનું છે.

આજે આ લખતા વિચાર આવે છે કે એવા પણ બાળકો હશેને જેમને આવા પ્રેમાળ વાક્યો સાંભળ્યા જ નહીં હોય. એવા પણ બાળકો હશે કે જેમને સાવકી માતા મળી હશે જે કદાચ કટુ વાક્યોનો અસ્ખલિત પ્રવાહ વર્ષાવતી હશે. એવા પણ બાળકો હશે કે જેઓ ઘરની પરિસ્થીતીના કારણે શાળાએ ભણવા માટે પણ નહીં જઈ શક્યા હોય અને એવા પણ બાળકો હશે કે જેમને એમની માતા પ્રેમ તો કરતી હશે પણ આખો દિવસ કાળી મજૂરી કરીને સાંજે ઘરે આવતી હોય ત્યારે પ્રેમની અભિવ્યક્તિની શક્તિ જ એ માતામાં નહીં રહી હોય.

કન્સ્ટ્રકશન સાઈટ ઉપર, ઝાડના છાંયે કાથીના દોરડા ઉપર ફાટેલા કપડાના ઝુલામાં કુદરતના ખોળે સૂતેલા બાળકો, જેમની માતા દિવસભર પેટનો ખાડો પૂરવા મજૂરી કરી રહી હોય તેમના કરતા તો હું ખૂબ જ નસીબદાર છું અને આ બાબત અંગે હું ઉપરવાળાનો આભાર માનું છું કે મને માતા મળી, માતાનો સ્નેહ મળ્યો અને પ્રેમ પણ..

તો એક સ્ત્રી પાત્ર જેને હું ચાહું છું તેમાં સહુથી પહેલું નામ આવે મારી માતાનું કે જેના કારણે જ મારૂં અસ્તિત્વ છે. હું વિચારૂં છું કે જો મારા માતા-પિતાએ મને આ દુનિયામાં આવવા જ ન દીધો હોત તો?"

આપણે એની મજાક ઉડાવતા રહ્યા કે આનંદ, તું કેટલાના ચક્કરમાં છે? એ તો કહે. પણ એના આ વિચારો વાંચ્યા પછી મને પોતાને હું વામણો લાગી રહ્યો છું. કર્મણે ડોક્ટર સમીરને કહ્યું.

ડોક્ટર સમીરની આંખો વરસી રહી હતી.

આનંદ, બહુ ઉંડો નીકળ્યો. આપણી જોડે હસી-મજાક કરતો. આપણે બંને જણ આનંદને પૂછતા રહ્યા કે, તું કોના પ્રેમમાં છે?” ત્યારે એ હંમેશા કહેતો કે, કેટલા નામ આપું...?” અને આપણે હસી પડતા. પણ, આ વાંચ્યા પછી અફસોસ થાય છે કે આપણે એને ખોટો હેરાન કરતા હતા. કર્મણે વાતનો દોર આગળ ચલાવતા ડોક્ટર સમીરને કહ્યું.

દરવાજે ટકોરા પડ્યા અને ઘડિયાળમાં રાત્રીના 11.30 નો એક ટકોરો પડ્યો.

કર્મણે દરવાજો ખોલ્યો. શિલ્પા અને કાજલ બંને દરવાજે ઊભા હતા. ડોક્ટર સમીરને રડતો અને કર્મણને પરાણે રડવું અટકાવી રાખેલ જોઈ આનંદ સાથેની મિત્રતાને સમજતી બંને સખીઓએ તેમના જીવનસાથીને કહ્યું, બાકીનું પછી વાંચજો.

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-5   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Sunday, May 22, 2022

આનંદપ્રિયા : ભાગ-4

 કર્મણે ડાયરી ઉઠાવી અને સમીરને બતાવી. સામાન્ય ડાયરી કરતા કદમાં સહેજ મોટી ડાયરી હતી.

યાર, આ માણસને શું કહેવું?” ડોક્ટર સમીરે સહેજ અકળામણ સહિત કહ્યું, એની પાસે સમય બહુ નથી એ એણે મને પણ જણાવ્યું નહતું. બધી જ વ્યવસ્થા કરતો ગયો અને છેલ્લે આ ડાઈંગ ડેકલેરેશન-કમ-વીલની સી.ડી.

સાચી વાત છે, પણ એક વાત માનવી પડે. એ એની મસ્તીથી જીવ્યો એના નામ મુજબ જ. જીવ્યો ત્યારે પણ આનંદમાં અને જીંદગીના છેલ્લા દિવસો પણ એણે આનંદીત રહીને જ પસાર કર્યા. કર્મણે કહ્યું.

એક કામ કરીએ. આ ડાયરી મારા ઘરે લઈ જઈએ અને આનંદે જેને આ ફ્લેટ વેચ્યો છે તેને ફ્લેટનું પઝેશન લેવા અંગે જાણ કરી દઈએ. ડોક્ટર સમીરે કહ્યું.

ના, ઉતાવળ ન કરીશ. પહેલાં આનંદની ડાયરી વાંચી લઈએ. આનંદની બીજી ચીજ-વસ્તુઓનું શું કરવું તેની આનંદે કોઈ સ્પષ્ટતા સી.ડી.માં નથી કરી.કર્મણે કહ્યું.

હમ્મમ, સાચી વાત છે. તારું વેપારી દિમાગ બરાબર જ વિચારે છે. એક કામ કરીએ, હાલ ડાયરી મારા ઘરે લેતા જઈએ અને પછી આગળની વાત.  ડોક્ટર સમીરે કહ્યું.

આનંદનું ઘર વ્યવસ્થિત બંધ કરી બંને ડોક્ટર સમીરના ઘરે આવ્યા ત્યારે સાંજના લગભગ 4.00 વાગ્યા હતા. બંનેના ધર્મપત્નીઓ શિલ્પા અને કાજલ બંને ડોક્ટર સમીરના ઘરે જ હતા. ડોક્ટર સમીરના બંગલાના ડ્રોઈંગ રૂમમાં ચારે જણા બેઠા હતા. મહારાજે આવીને ચારે જણ માટે ચા ટીપોઈ ઉપર મૂકી. કર્મણના હાથમાં ડાયરી જોઈ કાજલે પૂછયું., આ ડાયરી આનંદની છે?”

હા, એણે જે વાતો અમને નથી કીધી એ આ ડાયરીમાં છે એવું એ કહીને ગયો છે. આનંદના ઘરે એની સી.ડી. જોઈ. તમે બંને પણ એ સી.ડી. પછીથી જોઈ લેજો.કર્મણે ટુંકમાં જવાબ આપ્યો અને ચાનો કપ ટીપોઈ ઉપરથી ઉઠાવી સી.ડી. ટીપોઈ ઉપર મૂકી.

બાકીના ત્રણેએ પણ ચા ના કપ ઉઠાવ્યા.

પહેલાં આ ડાયરી અમે બે જણ વાંચીશુ અને જો તમને જણાવવા જેવું હશે તો જ કહીશું. કર્મણે આદેશાત્મક સ્વરે કહી દીધું અને સમીર, કર્મણ અને આનંદની મિત્રતાથી પરિચીત શિલ્પા અને કાજલે કોઈ જ વિરોધ કે દલીલ વગર પોતાની સંમતિ દર્શાવી દીધી.

ડોક્ટર સમીર ચા પીને સાંજના ઓ.પી.ડી. માટે હોસ્પિટલ ગયો અને કર્મણ આખા દિવસના બિઝનસનું રીપોર્ટીંગ લેવા એની ઓફિસે ગયો.

ડોક્ટર સમીરના ત્યાં શિલ્પા અને કાજલ બંને રહ્યા. શિલ્પાએ સાંજની રસોઈ અંગે મહારાજને જરૂરી સૂચનાઓ  આપી.

--------------------------------------

રાત્રે આશરે 9.00 વાગે ડોક્ટર સમીરના ઘરે ડાઈનીંગ ટેબલ ઉપર ડોક્ટર સમીર, કર્મણ, શિલ્પા, કાજલ, યશ અને રાજ જમવા બેઠા. કોઈ જ ખાસ વાત નહીં. જમવાનું પતાવીને ડોક્ટર સમીર અને કર્મણ, ડોક્ટર સમીરના રૂમમાં આનંદની ડાયરી લઈને બેઠા. ડોક્ટર સમીરે કહ્યું, કર્મણ, તું જ વાંચ. મારુ કામ નથી આ વાંચવાનું.

કર્મણે ડાયરી હાથમાં લીધી અને પહેલું પાનું ખોલ્યું

પહેલા પાના ઉપર મરોડદાર અક્ષરે લખેલું હતું.

શ્રી ગણેશાય નમઃ અને બાકીનું પાનું કોરૂં હતું.

બીજા પાને તારીખ લખેલી હતીઃ તારીખઃ 01-03-2021

હું આનંદ, જ્યારે તમે આ ડાયરી વાંચતા હશો ત્યારે આપણે ત્રણમાંથી તમે બે જ રહ્યા હશો. મારી પાસે હવે લગભગ વધીને ત્રણ થી ચાર મહિના છે. મારા રીપોર્ટ્સ મેં મારી રીતે કરાવી લીધા છે. મને બોનમેરોનું કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજનું. જીવનની સાથે જ જે નિશ્ચિત છે તે મૃત્યુની નજીક હું જઈ રહ્યો છું. નામ આનંદ છે અને આનંદથી જીવ્યો છું.

હું અને તમે બંને, આપણે ત્રણે, આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે પહેલી વખત મળ્યા અને ઈશ્વરકૃપાથી સારા મિત્રો તરીકે આજ સુધી સાથે જ રહ્યા. તમે બંને મને પૂછતા રહ્યા કે, મારી પ્રિયતમા કોણ અને હું વાતને હસી નાખતો હતો. આજે તમને મારા જીવનપથમાં આવેલ સ્ત્રી કે જેને મેં ચાહી છે, પૂજી છે, જેનું સર્વદા કલ્યાણ અને હિત ઈચ્છયું છે તે તમામ વિશે જણાવું છું. યા તો એમ કહો કે મારી પ્રેમગાથા લખી રહ્યો છું. તો વાંચો આનંદની જીવન કહાની આનંદની કલમે... આનંદપ્રિયા..

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-4   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Sunday, May 15, 2022

આનંદપ્રિયા : ભાગ-3

આનંદ 48 વર્ષની ઉંમરે આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો. પાછળ છોડીને ગયો હતો એની પોતાની માલિકીનું એક મકાન, એક કાર, બે બેંક ખાતા, જે બંને જોઈન્ટ હતા, એક સમીર સાથે અને એક કર્મણ સાથે. સ્થાનીક રાજકારણમાં સક્રિય હતો એટલે લોકો માટે કરેલા ઘણા બધા કાર્યોની યાદી.

આનંદના ઘરની નજીકના કોર્પોરેશનના એક હોલમાં એની શોકસભા યોજાઈ ગઈ. આનંદે એના નામ મુજબ આનંદ વહેંચવાનું જ કામ કર્યું હતું એટલે ઘણા બધા લોકો આવીને પુષ્પાંજલી અર્પણ કરી ગયા. આનંદના ફુલ સાઈઝના ફોટાની એક બાજુ એના કાકા, એની બાજુમાં ડોક્ટર સમીર, એ પછી કર્મણ, એ પછી સ્થાનીક રાજકીય આગેવાનો બેઠા હતા. તો આનંદના ફોટાની બીજી બાજુ આનંદના કાકી, ડોક્ટર સમીરની પત્ની શિલ્પા, એની બાજુમાં કર્મણની પત્ની કાજલ એ રીતે બેઠા હતા. શોકસભા પૂર્ણ થયા બાદ વિધી-વિધાનમાં ડોક્ટર સમીર અને શિલ્પાનો પુત્ર – યશ અને કર્મણ અને કાજલનો પુત્ર રાજ બંને બેઠા. ઘરમેળે બારમા-તેરમાની વિધી પૂર્ણ કરી.

રીત-રિવાજની વિધી પૂર્ણ થયા બાદ, આનંદના ઘરે સમીર અને કર્મણ એક બપોરે ભેગા થયા. આનંદની સુચના મુજબ, એણે હોસ્પિટલમાં ડોક્ટર સમીરને આપેલ સી.ડી. આનંદના હોમ થીયેટરમાં પ્લે કરી અને સી.ડી.માં શું હશે એ અંગે વિચારતા, અનુમાનો લગાવતા, સમીરે કર્મણની સામે જોયું અને એ જ ક્ષણે અવાજ આવ્યો,

અલ્યા, કેમ આમ સોગિયા મોઢા કરીને બેઠા છો? હું જતો રહ્યો છું, તમે નહિ... મોજ કરો ને.... અને નક્કી જ હતું ને કે આપણા ત્રણમાંથી મારે જ પહેલા જવાનું.

આનંદના હોમ થીયેટરમાંથી રૂમના ચારે તરફ લગાવેલ સ્પીકરમાંથી આનંદનો અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો અને ટી.વી.ના સ્ક્રીન ઉપર આનંદનો હસતો ચહેરો દેખાઈ ઉઠ્યો. ટી.વી.ના સ્ક્રીન ઉપર આનંદ હાલ જ્યાં કર્મણ બેઠો હતો તે જ ખુરશીમાં બેઠેલ દેખાઈ રહ્યો હતો.

આનંદનું એ જ નિખાલસ હાસ્ય રૂમમાં ફરી ગુંજી ઉઠ્યું.

અલ્યા, તમે બંને આમ મૂડલેસ ના રહેશો. તમારા ઉતરેલા મોઢા જોવા મને નથી ગમતા.

ટી.વી.ના સ્ક્રીન ઉપરથી આનંદ બોલી રહ્યો હતો. કર્મણ અને સમીર સમજી શકતા ન હતા કે આ રેકોર્ડીંગ છે કે આનંદ લાઈવ બોલી રહ્યો છે.

યાર, જીવનનું આ પરમ સત્ય છે. જવાનું તો આપણે બધા એ જ છે. હું પહેલા જતો રહ્યો અને એ પણ નક્કી હતું, હું કહેતો જ હતો ને કે મારે પહેલા જવાનું છે તો આટલું દુઃખ શેનું? હવે તમે બંને હસો તો જે વાત કહેવાની છે એ કહી દઉ.

ખરેખર, કોઈકે કીધું છે ને કે , બહુ ઓછા વ્યક્તિઓના જીવનમાં એ ક્ષણ આવે છે જ્યારે આંખમાં આંસુ હોય અને ચહેરા પર સ્મિત હોય. સમીર અને કર્મણ બંનેના જીવનની આવી જ ક્ષણ ચાલી રહી હતી.

ચાલો, આટલા સ્મિતથી પણ હાલ કામ ચલાવી લેવું પડશે. જો સાંભળો, આ મારું લાઈવ રેકોર્ડીંગ મેં જાતે પૂરી સ્વસ્થતાથી કર્યું છે. હું જાણું છું કે મારી પાસે હવે બહુ દિવસો નથી, એટલે મારી અંતિમ ઈચ્છાઓ આ રેકોર્ડીંગ દ્વારા તમને કહી રહ્યો છું. મારી કાર મેં કર્મણના નામે ટ્રાન્સફર કરવા આપી દીધી છે. તમે આ રેકોર્ડીંગ જોતા હશો ત્યારે અથવા એની નજીકના દિવસોમાં કારની આર.સી. બુક કર્મણના ઘરે પહોંચી ગઈ હશે. આ મકાનનું વેચાણ થઈ ગયું છે અને એનો વેચાણ દસ્તાવેજ પણ. ડોક્ટર સાહેબ, આટલા નવાઈ ન પામશો. મારા અવસાનના સમાચાર જે વ્યક્તિને તમે ફોનથી આપેલા તેના નામ ઉપર જ આ મકાનનો દસ્તાવેજ છે. તમારે બંને જણાએ આ મકાનનો કબજો મારી પ્રથમ માસિક પુણ્યતિથીએ એને આપવાનો છે. આ રેકોર્ડીંગની એક સી.ડી. એની પાસે પણ છે. એ મારા રાજકીય ગુરૂ-માર્ગદર્શક છે. આ મકાનના જે પૈસા આવ્યા તે મારા બંને બેંક ખાતામાં સરખા હિસ્સે ભરાવી દીધા છે. બંને બેંક ખાતાની માહિતી તમને છે જ. કર્મણ અને સમીર, બેંક ખાતામાં જે રકમ છે તે યશ અને રાજ માટે છે.

અને હવે જે વાત તમારે જાણવી હતી તે માટે આ ટી.વી. ની નીચેના કેબિનેટનું પહેલું ડ્રોઅર ખોલો. એમાં ડાયરી છે. વાંચી લેજો. આવજો."

ટી.વી. સ્ક્રીન બંધ થઈ ગઈ અને રૂમમાં ફરીથી શાંતિ પ્રસરાઈ ગઈ.

કર્મણે ઉભા થઈને આનંદના બતાવ્યા મુજબ ટી.વી. કેબીનેટની નીચેનું ડ્રોઅર ખોલ્યું. એમાં એક ડાયરી હતી, સામાન્ય ડાયરી કરતા કદમાં થોડી મોટી...

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-3   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, May 7, 2022

આનંદપ્રિયા : ભાગ-2

આઈ.સી.યુ.ના બેડ નંબર-1 ઉપરના પેશન્ટના શરીર સાથે લાગેલ ટયુબસ્, વીગો, કેથરેટર અને બીજા ઈક્વીપમેન્ટ્સ નર્સિંગ સ્ટાફ દૂર કરી રહેલ હતો. પેશન્ટનું નામ હતું આનંદ અને એના મેડીકલ ફોર્મમાં પરિવારના સ્વજન તરીકે સહિ હતી ડોક્ટર સમીરની.

હોસ્પિટલ સ્ટાફે આનંદનું ડેથ સર્ટીફીકેટ તૈયાર કર્યું અને આનંદના પાર્થિવ શરીરને સફેદ વસ્ત્રમાં બાંધી બાકીની ફોર્માલીટીમાં લાગ્યા. ભારે મને અને ધીમા પગલે ડોક્ટર સમીર અને કર્મણ બંને ઉભા થયા. આનંદના પરિવારમાં બીજા તો કોઈ હતા નહીં. એ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલ વ્યક્તિ હોઈ ડોક્ટર સમીરે આનંદના મોબાઈલમાંથી આનંદે જણાવેલ નંબર ડાયલ કર્યો અને આનંદના ઘરે ભેગા થવાની જાણ કરી.

હોસ્પિટલની ફોર્માલીટી પૂર્ણ કરી, આનંદના પાર્થિવ શરીરને લઈને કર્મણ અને ડોક્ટર સમીર આનંદના ઘરે ગયા. બંનેની ધર્મપત્નીઓ ત્યાં પહોંચી ગઈ હતી. આનંદના ઘરની એક ચાવી ડોક્ટર સમીરના ઘરે રહેતી હતી એટલે કોઈ તકલીફ ન પડી. ધીમે ધીમે, રાજકીય કાર્યકરો, આડોશી-પાડોશી આવી ગયા. મેઈન હોલમાંથી સોફા અને ડાઈનીંગ ટેબલ ખસેડી લેવામાં આવ્યા અને જગ્યા કરવામાં આવી. સ્થાનિક કાઉન્સીલરો, વોર્ડ પ્રમુખ અને રાજકીય પક્ષના શહેરના આગેવાનો-અગ્રણીઓ આવવા લાગ્યા. આનંદના પાર્થિવ શરીરને નવડાવી, અંતિમ યાત્રા માટે તૈયાર કરી એના ઘરના મેઈન હોલમાં આવનારના દર્શનાર્થે રાખવામાં આવ્યો. આનંદના પરિવારમાં નજીકના તો કોઈ સગા હતા નહીં. દૂરના એક કાકા-કાકી હતા તે આવી ગયા. અંતિમયાત્રા શરૂ થઈ અને મુક્તિધામમાં આનંદના પાર્થિવ દેહને ડોક્ટર સમીર અને કર્મણે જોડે મુખાગ્નિ આપ્યો અને આનંદનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો ત્યાં સુધી મુક્તિધામમાં બેસી રહ્યા. આનંદના કાકા અને રાજકીય આગેવાનો સાથે મળીને આનંદની શોકસભાની ગોઠવણ કરવામાં આવી. આનંદના અસ્થિફુલ લઈને ડોક્ટર સમીર અને કર્મણ આનંદના ઘરે આવ્યા અને બહાર જાળીની ઉપરના ભાગે અસ્થિફુલ ભરેલી કુલડી સાચવીને બાંધી દીધી અને આનંદની શોકસભાની કામગીરીમાં લાગ્યા.

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-2   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/