Saturday, January 29, 2022

અલખના ઓટલે દાસબાપુ – ૨

 

                                                            દાસ બાપુ – ૨

અનિમેષ નયને, એ થોડી વાર સુધી દાસ બાપુ ની સામે જોઈ રહ્યો જાણે એના ભૂતકાળને જોઈ રહ્યો હોય. દાસ બાપુ ની આંખોમાંથી નીતરતા લાગણી ભીના દ્રષ્ટિપાત ને વશ થઇ ને એ બોલ્યો, “મારું નામ કૃણાલ, ગુજરાતના રાત-દિવસ ધબકતા રહેતા શહેરનો વતની. જીવનથી થાકી ગયો છું અને આત્મહત્યા કરવી એ પાપ છે એવું મને મારા બા-દાદા એ શીખવાડ્યું છે એટલે આત્મહત્યા કરવી નથી.”

ચહેરા પર એક માયાળુ સ્મિત સાથે દાસ બાપુ બોલ્યા, “હમમ આગળ..”

“એક માધ્યમ વર્ગીય પરિવાર, મારા માતા અને પિતાનું હું એક માત્ર સંતાન. મારા માતા-પિતાએ એમની ક્ષમતા મુજબ મને ભણાવ્યો અને હું કોમર્સમાં ગ્રેજ્યુએટ થયો. સારી નોકરી પણ મળી ગઈ અને ઘરમાં ખુશીનો માહોલ રહેવા લાગ્યો. પણ, બહુ લાંબો સમય નહિ, સમાજમાંથી જ એક આગેવાન અમારા ઘરે, મારા માટે માગુ લઇને આવ્યા. સમાજ એક જ હતો અને કન્યાના પિતાથી મારા પિતા પરિચિત હતા એટલે સગાઇ નક્કી થઇ ગઈ અને થોડ સમય બાદ અમારા લગ્ન પણ થઇ ગયા. એક બેડરૂમ હોલ કિચન ના મકાનમાં અમે ચાર વ્યક્તિઓ સાથે રહેવા લાગ્યા. શરૂઆતમાં તો કોઈ ખાસ તકલીફ નહિ પડી બે વર્ષ શાંતિ પૂર્ણ પસાર થયા. ઈશ્વર કૃપાથી મારી પત્ની- સુનયનાને સારા દિવસ રહ્યા સાતમા મહીને એનું સીમંત અમારી આર્થિક મર્યાદામાં અમે ઉજવ્યું અને સુનયના સમાજના રીવાજ મુજબ એના પિયર ગઈ. બસ ત્યારપછીથી જ મારી જીંદગીમાં અશાંતિના સર્જનની શરૂઆત થઈ.

સુનયના તરફથી રોજ કંઇક અને કંઇક નાની મોટી માંગણી થવા લાગી અને હું મારી ક્ષમતા મુજબ એની બનતી માંગણી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો ગયો. પુરા મહીને એને એક પુત્ર-રેહાનને જન્મ આપ્યો અને અમારા પરિવારમાં ફરી આનંદ છવાઈ ગયો. રેહાન છ મહિનાનો થયો અને સુનાયનાનું જીયાણુ કરી અમારા ઘરે લાવ્યા. ખબર નહિ કેમ? પણ સુનયનાનો સ્વભાવ અને વર્તન સાવ જ બદલાઈ ગયું. પુત્ર ને લઇને એ થોડી વધુ પડતી પઝેસીવ વર્તવા લાગી, જે ઘર એને સ્વર્ગ સમાન લાગતું હતું એ જ હવે એને નાનું પાડવા લાગ્યું અને મોટા ઘરની માંગણી થઇ જે પૂર્ણ કરવી મારા માટે લગભગ અશક્ય હતી. રેહાન ના કપડા તો બ્રાન્ડેડ જ જોઈએ, આ કંપનીનું બેબી ઓઈલ અને પાવડર જોઈ એ જ, વગેરે જેવી માંગણીઓ થવા લાગી અને આવી માંગણી પૂરી કરવા પાછળ મારી મોટા ભાગની આવક ખર્ચવા લાગી સરવાળે પરિણામ એ આવ્યું કે, ઘરખર્ચ માટે ઉધાર ઉછીના લેવાની નોબત આવી ગઈ અને ધીમે ધીમે દેવાનો ડુંગર મોટો થવા લાગ્યો. એક સમયે એવો આવ્યો કે સુનયના અને મારા વચ્ચે બોલવાના સંબંધો પણ પૂર્ણ થઇ ગયા, એક જ છત નીચે અમે બંને ઔપચારિક જીવન જીવવા લાગ્યા. ઘરનું વાતાવરણ રોજે રોજ બગડતું જતું હતું અને હું ખર્ચા પુરા કરવા, દેવું ચુકવવા દોડતો રહેતો હતો એટલે સુનયનાની ફરિયાદોમાં એક નવી ફરિયાદનો ઉમેરો થયો, “સમય નથી આપતા...”. અમારા બે માણસો વચ્ચે નિયમિત કકળાટ થવા લાગ્યો, હું વાસ્તવિકતાની અને વર્તમાનની વાત કરું અને સમા પક્ષે લક્ઝુરીયસ લાઈફ સ્ટાઈલની વાત આવે અને એમાં એક દિવસ હું બોલવામાં સંયમ ગુમાવી બેઠો અને બોલી ગયો કે, “તારા બાપના ત્યાં રાજમહેલ નથી.” સુનયના એ ગુસ્સામાં સામે જવાબ આપ્યો કે, “મારા બાપ ના ત્યાં રાજમહેલ નથી પણ તારા બાપ ની જેમ ભૂખમરો પણ નથી.” બસ મેં એ દિવસે સુનયનાને એક થપ્પડ મારી દીધી. સુનયના અઢી વર્ષના રેહાનને લઇને એના પિતાના ત્યાં ચાલી ગઈ અને હું પણ ઘરની બહાર નીકળી ગયો મોડી રાત્રે પરત ફર્યો. સુનયનાના પિતાનો ફોન હતો એવું મારા મમ્મી એ જણાવ્યું અને કહ્યું કે, “ફોન ઉપર બહુ બોલાચાલી થઇ છે.” હું નિરાશ થઇ ને બેસી ગયો.  મારા પિતાજી એ કીધું, “બેટા, બહુ ચિંતા ના કરીશ. એક પિતાનો આક્રોશ છે એટલે બોલી ગયા. બે ત્રણ દિવસમાં બધું થાળે પડી જશે.”

“બે દિવસના બદલે ચાર દિવસ થઇ ગયા. ના સુનયના આવી ના એના આવવાના કોઈ સમાચાર.

છઠ્ઠા દિવસે વકીલની નોટીસ આવી, ખાધા-ખોરાકી નો દાવો, દહેજની માંગણી, ઘરેલું હિંસા ની ફરિયાદ કેમ દાખલ ના કરવી એ બાબતની.. અને બીજા બે દિવસ પછી પોલીસ ઘરે આવી, મારી પત્ની પર હાથ ઉપાડવાના દહેજની માંગણી અને શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુના બદલ મારી ધરપકડ કરવામાં આવી અને સાથે સાથે મારા માતા-પિતાની મને મારા ગુનાહિત કૃત્યો અને કાવતરામાં સાથ આપવા અંગે એમની પણ ધરપકડ કરવામાં આવી. એક પૂરી રાત અમે પોલીસ લોક-અપમાં ગુજરી અને બીજા દિવસે અમને કોર્ટે જમીન પર મુક્ત કર્યા. અમે ઘરે પરત આવ્યા ત્યારે જે સોસાયટીમાં હું સન્માન પૂર્વક આવ-જા કરતો હતે એ જ સોસાયટીમાં દાખલ થવાનું, જાણે કે ભેંકાર સ્મશાનમાં દાખલ થતો હોવું એવું લાગ્યું.

સન્માન પૂર્વક આખી જીંદગી જીવેલા મારા માતા-પિતા ઘોર અપમાન અનુભવી રહ્યા હતા. એ રાત્રે અમે કોઈ જમ્યા નહિ હા, મોડી રાત્રે પોલીસ લોક-અપ માં રહેવાનું અપમાન સહન ન કરી શકવા બદલ મારા મમ્મી એ મચ્છર મારવાની દવા પી લીધી અને જીવતર ટૂંકાવી મને અને મારા પિતાને એકલા મૂકી અનંતની વાટે પ્રયાણ કયું.”..

.... વધુ આવતા અંકે...


આશિષ એ. મહેતા

********************************************************************************************


Creative Commons License



અલખના ઓટલે, દાસ બાપુ - ૨    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, January 22, 2022

અલખના ઓટલે દાસબાપુ - ૧

અલખના ઓટલે

પ્રસ્તાવના :--

જીવનના સફરમાં મને વ્યવસાયિક અનુભવોની સાથે સાથે અનેક વિવિધ સંતો-મહંતો, સાધકોનો પરિચય થયો છે. ઘણા એવા સંસારિક વ્યક્તિઓનો પરિચય પણ થયો છે જેઓ સામાજિક જવાબદારી નિભાવવાની સાથે સાથે આત્મકલ્યાણના માર્ગ પર પણ આગળ વધતા હોય. આવા જ અનુભવોને મારી કલમથી રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ એટલે “અલખના ઓટલે”.

અનેક વિવિધ સાધુ, સંતો અને સાધકોની પાસેથી જાણેલી ઘટનાઓનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરેલ છે. હા, આવા આત્મ જાગૃત વ્યક્તિઓનું સુચન માનીને એમના નામ અને આશ્રમની માહિતી નથી લખી.

આશા છે કે, સંસારની વ્યથામાં અટવાયેલ લોકોને આવા ઉદાહરણોથી એક માર્ગદર્શન મળશે. 


 દાસ બાપુ -૧

“આટલું બધું વિચારવાનું જરૂર નથી, મનમાં જે હોય, જે આવે એ મુજબ કહી નાખ, મન હળવું થઇ જશે તો કોઈક રસ્તો મળી જ જશે.”

દરિયા કિનારાની નજીક અને માનવ વસાહતથી દૂર આવેલ “આપણું ઘર” નામના આશ્રમમાં દાસ બાપુ એમની સામે બેઠેલ એક આધેડ વયના વ્યક્તિને કહી રહ્યા હતા કદાચ સમજાવી રહ્યા હતા.

માનવ જીવનની ભીડ ભાડ અને ભાગદોડ થી દૂર આવેલ આપણું ઘર આશ્રમ એટલે પૂજ્ય શ્રી દાસ  બાપુનો  આશ્રમ. દાસ બાપુ ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે નામ હતું ચરણદાસ, આયુર્વેદમાં માસ્ટર ડિગ્રી ધરાવતા વૈધ અને આઈ.એ.એસ. ઓફિસર તરીકે સરકારી વિભાગમાં નોકરી કરતા ઈમાનદાર અધિકારી, લગ્ન પણ કર્યા અને સંતાનો પ્રત્યેની એક પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવી સેવા નિવૃત્ત થયા. હિંદુ ધર્મના વર્ણાશ્રમ મુજબ પતિ અને પત્ની બંને એ સમાજ સેવા અને સન્યાસી જીવન જીવવાનો નિર્ણય લીધો. સંતાનો એમના ગૃહસ્થ જીવનમાં ગોઠવાઈ ગયા હતા. સરકારી ઉચ્ચ અધિકારીને મળતી ભૌતિક સુખ સગવડો વચ્ચે પણ આંતરિક ફકીરી જાળવી રાખેલ અને જીવને શિવ સાથે જોડવાના પ્રયત્ન પણ.

પરિવારની રજા લઇ સન્યાસ જીવન શરૂ કરવાનો નિર્ણય અમલમાં મુક્યો એ સમયે એમના અર્ધાંગીની પણ એમની જોડે જ આવ્યા અને દલીલ કરી હતી કે, અગ્નિની સાક્ષીએ ફેરા લીધા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માર્ગે સાથે જ રહેવાના તો તમને એકલા કેમ જવા દઉં? પત્નીની આવી દલીલ સાંભળી, ચરણદાસ એમની ગૃહ લક્ષ્મી સાથે આધ્યાત્મ જીવન જીવતા શિવ પ્રાપ્તિ અર્થે ચાલી નીકળેલ અને પોતાના વતનથી દૂર અહીં જયારે વસવાટ શરૂ કર્યો ત્યારે તો આ જગ્યાએ એક નાનું શિવાલય જ હતું, લગભગ અપૂજ્ય અવસ્થામાં અને આસપાસ કેવળ જંગલ હતી. બસ, પ્રકૃતિની વચ્ચે માનવ ભીડભાડથી દૂર આ જગ્યા દંપતીને ગમી ગઈ અને શિવોપાસનાની શરૂઆત કરી એ વાતને પણ આજે બે દાયકાનો સમય વ્યતીતી થઇ ગયેલ. આ બે દાયકાના સમયમાં ઘણું બદલાઈ ગયું. આસપાસની જગ્યા થોડી સાફ સૂફ કરી રહેવા માટેની નાની નાની કુટીરો બનાવવામા આવી હતી. ચરણદાસ નામ ભુલાઈ ગયું હતું અને દાસ બાપુ લોક જીભે ચઢી ગયેલ. આધ્યાત્મ ઉન્નતી સાથે આજુબાજુના ગામ ના લોકોનો આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરવાનું શરૂઆત કરેલ આથી, થોડા જ સમયમાં દાસ બાપુની ખ્યાતી ફેલાવવા લાગેલ. સમાયંતરે, એમના રહેઠાણની જગ્યાને “આપણું ઘર” નામ આપવામાં આવેલ અને એ જગ્યા દાસ બાપુના આશ્રમ તરીકે પ્રસ્થાપિત થઇ ગઈ. આશ્રમમાં જેને રોકાવવા આવવું હોય આવી શકે અને પોતાની આધ્યાત્મિક ઉન્નતી માટે ધ્યાન-સાધના કરી શકે. કોઈ ખાસ ચોક્કસ નીતિ નિયમો નહિ.

દાસ બાપુ ના આશ્રમમાં આવે એને આજે લગભગ દશેક દિવસ થયા હશે. આ દશ દિવસ દરમ્યાન એણે કોઈની જોડે કોઈ ખાસ વાત નતી કરી. પોતાનું નામ સુધ્ધા પણ જણાવેલ ન હતું. બસ એનું મન થાય ત્યારે, એનું મન થાય એટલો સમય શિવાલયના એક થાંભલે પીઠ ટેકવીને બેસી રહે, નજર તો શિવલિંગ તરફ હોય પણ જાણે કઈ બીજી જ દુનિયામાં જોઈ રહ્યો હોય એવી રીતે. આશ્રમના નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિને કોઈ જ પૂછપરછ કરવાની મનાઈ હતી, માત્ર દાસ બાપુ જ આશ્રમ માં રહેનાર વ્યક્તિ પાસે આઈ કાર્ડ જોવા માંગતા અને તેની નોંધ આશ્રમના રજીસ્ટરમાં કરતા, જેનો આશય સરકારી કામકાજમાં ક્યારેક મદદરૂપ થઇ શકાય તેટલો જ.

આજે, મોડી સાંજ સુધી એ શિવાલયમાં બેસી રહ્યો હતો, કંઈક વિચારતો, અસમંજસમાં, કંઈક દ્વિધામાં અને પછી રાતના સમયે એ આવીને દાસ બાપુની સામે નીચે બેઠો હતો અને દાસ બાપુ એ કીધું, “આટલું બધું વિચારવાનું જરૂર નથી, મનમાં જે હોય, જે આવે એ મુજબ કહી નાખ, મન હળવું થઇ જશે તો કોઈક રસ્તો મળી જ જશે.”

.... વધુ આવતા અંકે...

 

આશિષ એ. મહેતા



Creative Commons License



અલખના ઓટલે, દાસ બાપુ - ૧    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, January 15, 2022

મારી કેસ ડાયરી : રીશી, રીશીતા અને રીશીકા

પ્રિય વાંચકમિત્રો,

“સમય પોતાની અંદર અનેક રહસ્યો સમાવીને બેઠો છે અને સમય યોગ્ય સમયે જ આવા રહસ્યોને ઉજાગર કરે છે.” કોફીની એક ચૂસકી લીધા બાદ અજયભાઈએ વાત કહી.

ડિસેમ્બરના મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું. શનિવારની સાંજ હતી અને અજયભાઈની ઓફીસના કોન્ફરન્સ રૂમમાં ડાયરો જામ્યો હતો. અજયભાઈ, અભિજાત, ચિંતન અને હમણાં હમણાં જ અમેરિકાથી આવી અમદાવાદમાં પોતાની સ્વતંત્ર આઈ.ટી. કંપની કે જેની ઓફીસ અજયભાઈની બાજુમાં જ હતી તેના માલિક અને અજયભાઈનો કઝીન કેયુર હળવાશની પળોમાં બેઠા હતા. કેયુર, ઉમરમાં અજયભાઈ કરતા લગભગ ૧૫ વર્ષ નાનો અને હાલમાં જ અમેરિકાથી આવેલ એટલે ચિંતને એની ખેંચવાના મૂડમાં પૂછેલું કે, “ત્યાં કેટલા અફેર કર્યા કે સીરીયસ પ્રેમ કર્યો હતો?” જેના જવાબમાં કેયુરે કહેલ કે, "પૈસા કમાવા ત્યાં ગયો હતો, બસ એ જ કામ કર્યું."

કેયુરનો જવાબ સાંભળીને ચિંતને અજયભાઈની સામે જોયેલ અને એના જવાબમાં અજયભાઈએ કહ્યું કે, “પ્રેમની કોઈ ચોક્કસ પરિભાષા નથી. જેટલા વ્યક્તિ એટલી વ્યાખ્યા.”

વર્ષોથી અજયભાઈની સાથે પરિચયમાં હોઈ ચિંતનને અંદાજ આવી ગયેલ કે અજયભાઈના અનુભવના ભાથામાં પ્રેમની લાગણી વિશેની પણ કોઈ ઘટના છુપાયેલી છે. એટલે ચિંતને અજયભાઈને કહ્યું કે, “સાહેબ થવા દો. કોઈ નવી વાત જાણવા મળશે.”

જેનો જવાબ આપતા અજયભાઈએ કોફીની એક ચૂસકી લઇ કહ્યું, “સમય પોતાની અંદર અનેક રહસ્યો સમાવીને બેઠો છે અને સમય યોગ્ય સમયે જ આવા રહસ્યોને ઉજાગર કરે છે.”

“વાત એ સમયની છે જયારે આ ઓફીસ મેં નવી નવી શરૂ કરેલી. એ સમયે કોઈક ના રેફરન્સથી મારા પર ફોન આવેલ અને રૂબરૂ મળવાનો સમય માંગેલ. મેં સમય આપેલ અને એક સાથે લગભગ સાત–આઠ જણા ઓફિસમા આવેલ. ત્યારે હું અને અભિજાત બે જ જણા ઓફિસમાં રહેતા. આવેલ વ્યક્તિઓમાં બે ટ્વીન્સ બહેનો, એમના માતા-પિતા, એક હેન્ડસમ છોકરો અને તેના માતા-પિતા અને સાથે કોઈ એક બીજા વ્યક્તિ હતા. એમના સાચા નામ મને તો યાદ છે પણ મારે કહેવા નથી. બે ટ્વીન્સ સિસ્ટરને રીશીતા અને રીશીકા કહીશું અને પેલા હેન્સમ છોકરાને રિશી. બંને પરિવાર વચ્ચે વર્ષો જુનો પારિવારિક સંબંધ. ત્રણે જણા રિશી, રીશીતા અને રીશીકા કદાચ પાંચમા ધોરણથી કોલેજ સુધી જોડે જ ભણીને મોટા થયેલ. યુવાની પોતાની સાથે ઘણી બધી લગણીઓના પ્રવાહ સાથે લઇને આવે છે અને જે આ પ્રવાહને જાળવી નથી શકતા એ યુવાનો કે યુવતીઓ ભૂલ કરી બેસે છે. બસ રિશી, રીશીતા અને રીશીકા પણ આવી જ લાગણીઓની વચ્ચે અટવાતા હતા. હતું એવું કે, રીશીતા અને રીશીકા બંનેને રિશી સાથે જ લગ્ન કરવા હતા, જયારે રિશી બેમાંથી કોઈને નારાજ કરવા માંગતો ન હતો. કાયદાકીય રીતે આ તો શક્ય નથી જ. બસ, કોઈના મારફતે મારા વિષે જાણ્યું અને મને મળવા આવી ગયેલ. એ સમયે એમની વાત સાંભળી મને પણ મનમાં મુંજવણ થઇ આવી હતી, કે શું જવાબ આપું?  આંખો બંધ કરી  થોડી વાર શાંત ચિત્તે બેસી રહ્યો, પછી બધાને આ કોન્ફરન્સ રૂમમાં બેસાડી, ચેમ્બરમાં રિશી, રીશીતા અને રીશીકાને અલગ અલગ વાત-ચીત કરી અને મને જવાબ મળી ગયો. બંને વડીલ દંપતીને બોલાવ્યા એમને રિશી અને રિશીતા અથવા રિશી અને રીશીકાના લગ્ન સામે વાંધો હતો જ નહિ પરંતુ બંને છોકરીઓ રિશી જોડે જ લગ્ન કરવા માંગે છે એ વાત સામે વાંધો હતો.

આખરે બધાને આ જ રૂમમાં ભેગા કર્યા રિશી, રિશીતા અને રીશીકાને જણાવ્યું કે, તમારી વચ્ચે એક ઘનિષ્ટ મિત્રતા છે, તમે એક-બીજાના પ્રેમમાં નથી. મારી વાત એ સમયે એમના મનમાં ના બેઠી અને હાલ કદાચ તમારા મનમાં પણ નહિ બેસતી હોય, લગભગ અડધા કલાકની સમજાવટના અંતે રિશી, રિશીતા અને રીશીકા માની ગયા કે તેઓ સારા મિત્રો તરીકે આખી જિંદગી સાથે રહી શકે છે પણ તેમની વચ્ચે લગ્ન જીવન શક્ય નથી. પેલા બંને વડીલોની આંખોમાં સંતોષની લાગણી જોવા મળી. બસ, એ સાંજે માનવ સ્વભાવની વિચિત્રતાનો એક યાદગાર અનુભવ મને થયેલ.”

બાકીની કોફી પૂરી કરી કપ ટેબલ પર મુક્યો અને અજયભાઈએ ચિંતનની સામે જોયું.

“પ્રેમની વ્યાખ્યા અનેક છે પણ એની વિવિધ વ્યાખ્યા પૈકી મને ગમતી વ્યાખ્યા અનુસાર, પ્રેમ એટલે નિર્મળ, નિષ્કલંક, નિસ્વાર્થ લાગણીનું ઝરણું, જેમાં સામેના વ્યક્તિ પ્રત્યે તેના ગમા-અણગમા, તેની પસંદ-નાપસંદનું માન જાળવવામાં આવતું હોય, સામે કઈ મેળવવાની કે પામવાની કોઈ જ અપેક્ષા ના હોય તેવી લાગણી. પ્રેમ એટલે પામવું નહિ પણ આપીને કે ત્યાગીને ખુશ થવું તે, પ્રેમ એટલે સામેના વ્યક્તિની કાળજી કરવી, એની ખુશીમાં ખુશ થવું. ક્યારેક તો મને ખુદને પણ નવાઈ લાગે કે, એ દિવસે મેં એમને આવી રીતે સમજાવી દીધેલ.”

“માની ગયા સાહેબ, તમે સફળ વકીલ તો છો જ સાથે સારા ફિલોસોફર પણ.” ચિંતને કહ્યું.

કોન્ફરન્સ રૂમની કલોકમાં સાતના ટકોરા થયા અને અજયભાઈએ કહ્યું. બીજું કઈ કામ ના હોય તો નીકળીએ.

હાજર બધાએ સહમતી આપી અને અજયભાઈ એ રામજીને બોલાવી ઓફીસ વસ્તી કરવાની સુચના આપી.

 

આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License




મારી કેસ ડાયરી : રીશી, રીશીતા અને રીશીકા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, January 8, 2022

એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજા

“તમે તમારા મનમાં શું સમજો છો? અમે તમને બેવકૂફ લાગીએ છીએ?”

શહેરની કમિશ્નર ઓફ પોલીસની કચેરીના પ્રથમ માળ ઉપર આવેલ કોન્ફરન્સ હોલમાં ત્રણ ટેબલ એક હરોળમાં ગોઠવી ડાયસ બનાવવામાં આવેલ હતું અને એની પાછળની તરફ ખુરશીમાં એડીશનલ સેક્રેટરી હોમ ડીપાર્ટમેન્ટ, આઈ.જી., ડી.આઈ.જી., સી.પી., જોઈન્ટ સી.પી. બેઠા હતા અને ટેબલની સામે બીજી તરફ પૂરી વર્દીમાં સજ્જ એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજા ઉભા હતા, પૂરી અદબથી, શાંત ચહેરે.

--------------------------------------------------------------------

સંસારમાં સત્ય અને અસત્ય બંનેનું અસ્તિત્વ છે એ જ રીતે સારા અને ખરાબ બંને તત્વો, ગુણો એક બીજાની સાથે જ રહેલ છે. માહિતી અધિકારનો કાયદો વ્યક્તિને કોઈ પણ વિષય અંગે પૂરી અને સાચી માહિતી મેળવવાનો અધિકાર આપે છે તો સામે કેટલાક તકવાદી વ્યક્તિઓ આ જ કાયદાનો દુરુપયોગ કરી પોતાનો સ્વાર્થ સાધવાની પ્રવૃત્તિ પણ કરે છે.

--------------------------------------------------------------------

લગભગ પંદર દિવસ પહેલા એક સ્થાનિક રાજકીય આગેવાને એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજાને શા માટે નોકરીમાંથી બરતરફ નથી કરવામાં આવ્યા એની માહિતી રાજ્યના ગૃહ ખાતા પાસેથી માંગી હતી અને એના જ અનુસંધાને ગૃહ વિભાગમાંથી એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજાની ફાઈલ મંગાવવામાં આવેલ હતી. એ ફાઈલમાંથી બે વાત ઉડીને આંખે વળગે એવી હતી. એક – હિતેન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ નજરે મુશ્કેલ લગતા અનેક કેસ એમની તર્ક શક્તિ અને આવડતના આધારે ઉકેલી નાખ્યા હતા અને બીજું એમને જે કોઈ કેસ ઉકેલ્યા એમાંથી વીસ જેટલા આરોપીઓ એક ચોક્કસ કોમના હતા જેઓ દરેકને હિતેન્દ્રસિંહ જાડેજાએ પગના, જાંઘના કે ઢીંચણના ભાગે ગોળી મારી હોય અને રીપોર્ટમાં બતાવેલ હોય કે, “આરોપીએ ભાગવાનો પ્રયત્ન કરતા ગોળી મારવાની ફરજ પડી.” આ જ વાતનો ખુલાસો પૂછતી વખતે, એડીશનલ સેક્રેટરી હોમ ડીપાર્ટમેન્ટ કે જે પોતે આરોપીના સમાજના હતા એમને પોતાની સત્તાનો ઉપયોગ કરી એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ઇન્ક્વાયરી બેસાડી હતી અને એ ઇન્ક્વાયરી દરમ્યાન જ ઊંચા અવાજે પૂછી બેઠા, “તમે તમારા મનમાં શું સમજો છો? અમે તમને બેવકૂફ લાગીએ છીએ?”

--------------------------------------------------------------------

 

એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ પાસેના એક ગામના સૂર્યવંશી રાજપૂત જાડેજા પરિવાર, વિરભદ્રસિંહ જાડેજાના મોટા પુત્ર, પૂરી છ ફૂટ હાઈટ, કસાયેલ શરીર, સાયનસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, શરીર સૌષ્ઠવ અને તીવ્ર બુદ્ધિમત્તાનો સમન્વય. પ્રથમ પ્રયત્નમાં જ જી.પી.એસ.સી. પરીક્ષા પાસ કરી પોલીસ ખાતામાં નોકરી જોડાયા. શાળા જીવનનો એન.સી.સી.નો અનુભવ અને એ એન.સી.સી. તાલીમ કાળ દરમ્યાન એમનો પરિચય થયો હતો આર્મીના નિવૃત મેજર જયકૃષ્ણ ચૌહાણ સાથે. મેજર સાહેબે એક ચોક્કસ કોમને લઇ ને કરેલ એક વાત એમને યાદ રહી ગઈ હતી. “..... કોમનો ઉપયોગ પોલીટીકલી બહુ થાય છે. દેશ વિરોધી કે સમાજ વિરોધી પ્રવૃત્તિ હોય આ કોમનો એમાં સિંહ ફાળો છે. એમને બચાવવા મોટા મોટા વકીલો, નેતાઓ હાજર અને તૈયાર હોય છે.”

હિતેન્દ્રસિંહ જાડેજા પોલીસ ખાતામાં નવા નવા નોકરીએ જોડાયા ત્યારની એક ઘટના એમની આંખો સામે તરી આવી. પોસ્ટીંગ અમદાવાદ રૂરલના એક નાના ટાઉનમાં. એ સમયે લુંટનો ગુનો બન્યો. હિતેન્દ્રસિંહ જાડેજાએ તપાસ આદરી. ગુનેગાર પકડાઈ ગયો અને કેસ ચાલ્યો પણ ખરો. પરંતુ, બનાવ રાત્રીના સમયે બનેલ અને આરોપીને ફરિયાદીએ ઓળખી બતાવ્યા હતાં, પણ, બચાવ પક્ષના વકીલની દલીલ હતી કે રાત્રીના સમયે અંધારામાં બનાવ બનેલ હોઈ આરોપીને બેનિફિટ ઓફ ડાઉટનો લાભ મળવો જોઈએ. આ દલીલ ઉપર આરોપીને નિર્દોષ છોડી મૂકવમાં આવેલ. એ પછી અનેક અનુભવો થયા અને અનુભવોના નીચોડ સ્વરૂપ એમને પણ લાગ્યું કે મેજર ચૌહાણની વાત સાચી છે.

એ પછી અનેક સ્થળે નોકરીના ભાગ રૂપ ટ્રાન્સફર આવી. દરેક જગ્યાએ પૂરી નિષ્ઠાથી ફરજ બજાવી, પણ એક ફેર પડી ગયો. ગુનાની તપાસ દરમ્યાન, જે આરોપીના નામ સામે આવે એમની પૂરી કુંડળી કાઢી લેવાની. જો આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોય તો એની ધરપકડ સમયે એને પગમાં એક નિશાની આપી જ દેવાની.

--------------------------------------------------------------------

“યુ મસ્ટ આન્સર ટૂ મી.” રૂમની શાંતિને ચીરતો એડીશનલ સેક્રેટરી હોમ ડીપાર્ટમેન્ટનો અવાજ ફરી હોલમાં ગુંજી ઉઠ્યો અને હિતેન્દ્રસિંહ જાડેજા જાણે વર્તમાનમાં આવ્યા.

“સર, એવરી ટાઇમ આઈ હેવ સબમીટેડ માય ફૂલ રીપોર્ટ. મારી ફરજ મેં પૂરી નિષ્ઠાથી નિભાવી છે અને મને નવાઈ તો એ વાતની લાગી રહી છે કે એક ઉચ્ચ કક્ષાના અધિકારી, એક સાવ અભણ કહી શકાય એવા વ્યક્તિની આવેલી અરજીના અનુસંધાને એક કર્તવ્ય નિષ્ઠ અધિકારીને અર્થ વગરના સવાલો પૂછી ડીમોટીવેટ કરી રહ્યા છે.”  શાંત ચહેરે, શાંતિથી જવાબ આપ્યો અને એમના જવાબથી હોમ સેક્રેટરી સિવાયના બધા જ અધિકારીના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું.

“યુ મે ગો નાવ. સી.પી., આઈ વોન્ટ ફૂલ રીપોર્ટ ઓફ ધીસ ઇન્ક્વાયરી.” કહી ગુસ્સમાં એડીશનલ સેક્રેટરી હોમ ડીપાર્ટમેન્ટ, પોતાની ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને એ સાથે જ એ.સી.પી. જાડેજા એક સેલ્યુટ કરી હોલની બહાર નીકળી ગયા.

--------------------------------------------------------------------

સી.પી. ઓફીસમાંથી બહાર આવી પોતાની જીપ તરફ આગળ વધ્યા. ડ્રાઈવર જયવંતસિંહે ગાડીનો દરવાજો ખોલ્યો અને ગાડી સ્ટાર્ટ કરી. “જયવંત, સારી ચાની કીટલીએ લઇ લે, સારી ચા પીવી પડશે.” હિતેન્દ્રસિંહે સુચના આપી. “જી, સાહેબ.” જયવંતસિંહે ગાડી ફર્સ્ટ ગિયરમાં નાખી અને ટૂંકો જવાબ આપ્યો અને ગાડી આગળ વધી અને હિતેન્દ્રસિંહ ભૂતકાળમાં સરી પડ્યા. હમણાં જ લગભગ બે મહિના પહેલા, આ જે રાજકીય આગેવાને અરજી કરી હતી એનો ભત્રીજો દારૂ અને જુગારનો અડ્ડો ચલાવતો હોવાની પાકી બાતમી મળી હતી. હિતેન્દ્રસિંહ જાડેજાએ એની કુંડળી કઢાવી, ફાયરીંગ, કીડનેપીંગ, ખંડણી, ખૂનની કોશિશ જેવા અનેક ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું પણ પુરાવાના અભાવે તકનો લાભ લઇ છૂટી જતો.

હિતેન્દ્રસિંહ જાડેજાએ આબાદ છટકું ગોઠવ્યું. સિવિલ ડ્રેસમાં પોતાની પૂરી ટીમ સાથે રેડ પાડી, મોટા પાયે દારૂનો જથ્થો તો મળ્યો જ સાથે સાથે ગેરકાયદેસર હથિયાર અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી. સામસામે ગોળીબાર પણ થયા અને એમાં આ રાજકીય આગેવાનનો ભત્રીજો માર્યો ગયો અને એના લગભગ બધા જ માણસો ઘાયલ થયા. છાપામાં એ પછીના દિવસોમાં અનેક વિગતો બહાર આવી સાચી અને ખોટી બંને.

એક આંચકો ખાઈ જીપ ઉભી રહી અને ડ્રાઈવર જયવંતસિંહની જોડે જ હિતેન્દ્રસિંહ જીપમાંથી નીચે ઉતર્યા. સામેની ચાની કીટલી પર ઉભેલા વ્યક્તિને જયવંતસિંહે બે સ્પેશિયલ ચાની સુચના આપી અને પૂછ્યું, “શું થયું સાહેબ?”

“કઇ નહિ, આપણા દેશની આ જ તો કમનસીબી છે દોસ્ત કે સત્તાના ઉચ્ચ આસને બેઠેલ વ્યક્તિ પણ દેશની પહેલા પોતાના ધર્મ અને સમાજના લોકોને મહત્વ આપે છે. આપણે એક રીતે જોઈએ તો સફાઈ કર્મચારી છીએ. સમાજને કોરી ખાતા આવા અપરાધીઓની યોગ્ય રીતે કાનુનની મર્યાદામા સફાઈ કરવી એ આપણું કર્તવ્ય.  લે, ચા આવી ગઈ. ચા પી લે અને પાછા કામે લાગી જઈએ. હજુ ઘણી સફાઈ કરવાની બાકી છે.” હિતેન્દ્રસિંહે ચા ના પૈસા કીટલી વાળાના હાથમાં આપતા જયવંતસિંહને જવાબ આપ્યો અને ચા ની મજા માણવી શરૂ કરી.

“બરાબર છે સાહેબ.” જયવંતસિંહે પણ એના સાહેબના સુરમાં સુર પુરાવ્યો અને ચા ની ચૂસકી ભરી.


આશિષ એ. મહેતા


Creative Commons License



એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, January 1, 2022

પી.આઈ. બ્રિજરાજસિંહ ઝાલા

તમે જો સત્યનો પક્ષ લઇને આ કાર્ય કર્યું હશે તો મા ભવાની તમારી ભેળી ઉભી રહેશે. ખાલી ચિંતા નો કરો.”

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં દરબાર ફળિયાની એક ડહેલીની ઉપરના માળે આ સંવાદ થયો. બોલનાર અને સંભાળનાર બંને વચ્ચે ઉંમરનો એક પેઢીનો તફાવત, એ બાદ કરતા ઘણી બધી સામ્ય6તા, એકવડો મજબૂત બાંધો, ઘઉંવરણી ત્વચા, મોટું કપાળ, અણીયાળુ નાક, આંકડા ચઢાવેલી મૂછો, ઉભા ઓળેલા વાળ અને આંખોમાં સૂર્યવંશી રાજપૂતનું તેજ અને ખુમારી.

બોલનાર હતા દિલુભા ઝાલા, નિવૃત ડી.વાય.એસ.પી. અને સંભાળનાર એમના પુત્ર પી.આઈ. બ્રિજરાજસિંહ ઝાલા. અનુભવી પિતા એમના પુત્રને આશ્વાસન આપી રહ્યા હતા. વાત એવી હતી કે, એક એન્કાઉન્ટરની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીમાં પી.આઈ. બ્રિજરાજસિંહ ઝાલાને ઇન્ક્વાયરી પૂરી ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એ સમયે બે દિવસ માટે બ્રિજરાજસિંહ એમના વતન આવ્યા હતા. સાંજે વાળુ પરવારીને, દિલુભા ઝાલા ડેહલીના ઉપરના માળે એમના ઓરડામાં ગયા અને એમણે એમના પુત્રને પોતાના ઓરડામાં બોલાવ્યો હતો. લાંબી કોઈ વાતચીત કે ચર્ચા કર્યા વગર દિલુભા ઝાલાએ બ્રિજરાજસિંહને એટલું કીધું  કે, તમે જો સત્યનો પક્ષ લઇ ને આ કાર્ય કર્યું હશે તો મા ભવાની તમારી ભેળી ઉભી રહેશે. ખાલી ચિંતા નો કરો.”

“જી, બાપુ.” રાજપૂત ખાનદાની મુજબનો ટૂંકો પ્રત્યુત્તર આપી બ્રિજરાજસિંહે વિદાય માંગી અને પોતાના ઓરડામાં ગયા. ઢોલીયામાં આડા પડખે થયેલા બ્રિજરાજસિંહ સામેની દિવાલ પર જાણે ભૂતકાળમાં બનેલી ઘટના જોઈ રહ્યા હતા.

લગભગ બે મહિના પહેલા ઘટનાની શરૂઆત થઇ હતી.

વહેલી પરોઢે પોતાના વિસ્તારમાં બાઈક ઉપર રાઉન્ડ મારીને અમદાવાદ શહેરના એક છેવાડાના પોલીસ સ્ટેશનમાં પી.આઈ. બ્રિજરાજસિંહ પહોંચ્યા હતા. એમની આવી આદતથી માહિતગાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ એલર્ટ તો ન હતો, પણ સાવ ઊંઘમાં પણ ન હતો. સાહેબને આવેલ જોઈ તરત જ સ્ટાફ એલર્ટ થઇ ગયો. પી.એસ.ઓ.ને રાત્રે આવેલ ફરિયાદ અને વાયરલેસ મેસેજ અંગે પૂછપરછ કરી, સર્વેલન્સ વિભાગના પી.એસ.આઈ.ને બોલાવી એની પાસેથી માહિતી મેળવી. સબ સલામત હોવા અંગેની માહિતી મળી એટલે જમાદારને સ્ટાફ માટે ચા-નાસ્તો લાવવાની સુચના આપી, પોતાની ચેરમાં રીલેક્સ થઇને બેઠા. ચા-નાસ્તો પરવાર્યા જ હશે કે, કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો, મેસેન્જરે તરત બ્રિજરાજસિંહને માહિતી આપી. પોલીસ સ્ટેશનની હદમાં એક તરૂણીની લાશ મળી આવી છે. ઘટનાની ગંભીરતા જોતા સમય વેડફ્યા વગર બ્રિજરાજસિંહ ઝાલા, પી.એસ.આઈ. ગઢવી અને એમની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા. રાત્રે આ જ સ્થળ પાસેથી આશરે ૩.૦૦-૩.૩૦ વચ્ચે બ્રિજરાજસિંહ જાતે જ પસાર થયા હતા એટલે બનાવ પરોઢના ૩.૩૦ પછીનો જ હોઇ શકે અથવા બનાવ અન્ય સ્થળે બન્યો હોય અને લાશ અહિયાં ફેંકવામાં આવી હોય એવું બને. પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. ડોગ સ્કોવર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, ફોટોગ્રાફર, વગેરે તમામ ટીમે પોતાનું કામ કરી લીધું હતું. પ્રથમ નજરે જ બળાત્કાર અને હત્યા જણાઈ આવતી હતી. હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોય એવું સ્પષ્ટ હતું અને ગળું દબાવવા માટે એ તરૂણીના જ દુપટ્ટાનો ઉપયોગ કરવામાં આવેલ. દુપટ્ટો પણ ફોરેન્સિક લેબમાં ફિંગર પ્રિન્ટ માટે મોકલી આપ્યો. તપાસના અંતે ખબર પડી કે મરનાર તરૂણી એના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતી અને ઘટના સ્થળથી થોડે દુર આવેલ ઝુપડપટ્ટીમાં રહેતી હતી અને ગઈ કાલે રાત્રે દિશાએ જવા ગઈ એ પછી ઘરે પરત નહતી આવી. ગુનાની ગંભીરતા વધી ગઈ, અપહરણ, બળાત્કાર અને હત્યા.

બ્રિજરાજસિંહે એમના સ્ટાફને કડક સુચના આપી કે, “ગુનેગાર કોઈ પણ હોય, છોડવાનો નથી.” જેવો ટીમનો કેપ્ટન એવું જ ટીમનું પ્રદર્શન. એ મુજબ, પી.એસ.આઈ. ગઢવીએ ચોથા દિવસે સમાચાર આપ્યા, સ્થાનિક એમ.એલ.એ.ના દીકરા અને એના મિત્રોનું આ પરાક્રમ છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટથી સ્પસ્ટ થયું કે સામુહિક બળાત્કારની ઘટના હતી. બ્રિજરાજસિંહે પુરાવા એકત્રિત કરવા જરૂરી સુચના આપી, ઘટના સ્થળ પરથી જે ગાડીના નિશાન મળ્યા હતા, દુપટ્ટા પરથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા હતા એના આધારે શોધ આગળ વધારી અને પૂરતા પુરાવા મેળવ્યા બાદ, બાતમીદારની માહિતીના આધારે સ્થાનિક એમ.એલ.એ.ના દીકરાને એના મિત્રો સાથે નડિયાદની એક હોટલમાંથી ઉઠાવવામાં આવ્યો અને કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના રિમાંડ મેળવ્યા.

હત્યાનો મુખ્ય આરોપી એક સ્થાનિક એમ.એલ.એ.નો પુત્ર હતો એટલે કેસ ભીનો સંકેલી લેવા અંગે રાજકીય દબાણ થયા. એક સાંજે પી.આઈ. બ્રિજરાજસિંહ ઝાલાને સાણંદ પાસેના એક ફાર્મહાઉસ પર આવવા એક ઉપરી અમલદારે જણાવ્યું. શહેરથી દૂરનું સ્થળ હતું એટલે બ્રિજરાજસિંહને કંઇક નવાજુની થશે એનો અંદાજ આવી જતા એમને એમની ગાડીની કી-ચેઈન બદલી. સ્પાય કેમ વિથ રેકોર્ડર વાળું કી-ચેઈન લીધું અને એ લઇ જણાવવામાં આવેલ સ્થળ પર પંહોચી ગયા. અપેક્ષા મુજબ જ જેમના પુત્રનું નામ આરોપી તરીકે હતું એ એમ.એલ.એ. હાજર હતા. સાથે જ જે ઉપરી અમલદારે ફોન કર્યો હતો એ પણ હાજર હતા અને કેસ નબળો પાડવાની વાત થઇ, બ્રિજરાજસિંહને ખુબ જ મોટી રકમની લંચ ઓફર કરવામાં આવી. પણ, બ્રિજરાજસિંહે એ તમામ ઓફરને નકારી. પોતાના પાસા ઉલટા પડતા જોઈ એ એમ.એલ.એ. ઉશ્કેરાઈ ગયા અને બ્રિજરાજસિંહને જોઈ લેવાની ધમકી આપી દીધી. રાજપૂતી ખૂન ઉકળી ઉઠ્યું અને એ ત્યાંથી ઉભા થઇને નીકળી ગયા.

એ પછીના દિવસોમાં બ્રિજરાજસિંહને માહિતી મળી કે સાક્ષીઓને ફોડવાનું અને પુરાવા નબળા પાડવાનું કામ એમ.એલ.એ. અને એના મળતિયાઓએ શરૂ કર્યું અને બ્રિજરાજસિંહને લાગ્યું કે આરોપીઓને બેનીફીટ ઓફ ડાઉટ મળી જાય એ હદ સુધી પુરાવા નબળા પાડવા અને સાક્ષીઓને હોસ્ટાઈલ કરવાનું કામ થઇ રહ્યું છે. રાત્રે આંખોમાંથી ઊંઘ હરામ થઇ ગઈ હતી, ભોગ બનનાર એ તરૂણીનો ચહેરો સામે આવી રહ્યો હતો, એના માં-બાપનું રૂદન અને પોસ્ટમોર્ટમ રીપોર્ટ..... પી.એસ.આઈ. ગઢવીને ફોન કર્યો અને બહાર એક જગ્યાએ મળવા બોલાવ્યા, ગઢવીની માનસિક સ્થિતિનો પૂરો તાગ મેળવી લીધો.

બીજા દિવસે રિમાંડ પુરા થતા હતા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હતા. કુલ ચાર આરોપીઓ હતા. પોલીટીકલ પ્રેશર અને મીડિયામાં ચર્ચાયેલ કેસ હોઈ પી.આઈ. બ્રિજરાજસિંહ અને પી.એસ.આઈ. ગઢવી બંને આરોપીઓની સાથે પોલીસવાનમાં બેઠા અને પોલીસવાન કોર્ટના રસ્તે આગળ વધી. નવા જ બનેલા ટી.પી. ના રોડ ઉપર કોઈ ખાસ અવર-જવર ન હતી.

થોડી વાર પછી પી.આઈ. બ્રિજરાજસિંહે કંટ્રોલરૂમમાં ફોન કર્યો અને પી.એસ.આઈ. ગઢવી ગંભીર રીતે ઘાયલ થયેલ છે અને પોતાને પણ ડાબા હાથે બાવળાના ભાગે ગોળી વાગી હોવાનું અને ચારે આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભગવા જતા પોલીસ ગોળીબારમાં મરણ ગયા હોવાનું જણાવી એમ્બ્યુલન્સ અને બીજી ટીમ મોકલવાનું જણાવ્યું.

ચારે આરોપીઓના પગમાં અને પીઠમાં કરોડરજ્જુ ના ભાગમાં ગોળી મારવામાં આવી હતી. પી.આઈ. બ્રિજરાજસિંહની સર્વિસ રિવોલ્વરની ૬ ગોળી વપરાઈ ગઈ હતી. વધારાની બે ગોળી બ્રિજરાજસિંહની પર્સનલ રિવોલ્વરમાંથી ફાયર કરવામાં આવી હતી. પી.એસ.આઈ. ગઢવીના ડાબા ખભાના ભાગે ગોળી વાગી હતી જે આરપાર થઇ ગઈ હતી. પી.આઈ. બ્રિજરાજસિંહના ડાબા હાથે બાવળાના ભાગે પોઈન્ટ બ્લેન્ક રેંજથી ગોળી વાગી હતી.

ચારે આરોપીઓની લાશના પંચનામા થયા. પી.આઈ. બ્રિજરાજસિંહ અને પી.એસ.આઈ. ગઢવીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા.

મીડિયામાં મુદ્દો ચર્ચવા લાગ્યો. રાજકીય દબાણ પણ આવ્યું એટલે પી.આઈ. બ્રિજરાજસિંહ પર ડીપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી બેસી અને ઇન્ક્વાયરી ના પતે ત્યાં સૂધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

બ્રિજરાજસિંહ પોતાનું સ્ટેટમેન્ટ યાદ કરી રહ્યા હતા. “બપોરે લગભગ ૨.૩૦ વાગે મેં પી.એસ.આઈ. ગઢવીને આરોપીઓને કોર્ટમાં લઇ જવા તૈયારી કરવા સુચના આપી અને મારી સાથે આવવા જણાવ્યું. ચારે આરોપીઓને પોલીસવાનમાં બેસાડ્યા બાદ પી.એસ.આઈ. ગઢવીને બેસવા જણાવ્યું. એ પછી ડ્રાઈવર હકાભા રાઠોડ અને એમની સાથે કોન્સ્ટેબલ પ્રવીણસિંહ આગળ બેઠા. એ પછી હું પોલીસવાનમાં પાછળ, પી.એસ.આઈ. ગઢવીની બાજુમાં બેઠો અને દરવાજો અંદરથી બંધ કર્યો. ટી.પી.નો નવો રોડ ઓછી અવર-જવર વાળો હોઇ હકાભાએ એ રસ્તો લીધો. થોડે આગળ ગયા બાદ આરોપી નંબર ૧ એ પી.એસ.આઈ. ગઢવીની સર્વિસ રિવોલ્વર ખેંચી લીધી અને પી.એસ.આઈ. ગઢવી પર ફાયરીંગ કર્યું. અચાનક થયેલ ફાયરીંગથી હકાભાએ ગાડીને જોરથી બ્રેક મારી એટલે ગાડી આંચકો ખાઈને ઉભી રહી ગઈ. તક નો લાભ લઇ, આરોપીઓએ પોલીસવાનનો દરવાજો અંદરથી ખોલી કાઢ્યો અને મને બહાર ધક્કો મારી બહાર નીકળી ગયા. ચારે આરોપીઓના હાથમાં હાથકડી હતી. મેં એમને ઉભા રહેવા અને સરન્ડર કરવા જણાવતા આરોપી નંબર ૧ એ મારા પર ફાયરીંગ કર્યું. હું સહેજ ખસી ગયો અને મને ગોળી ડાબા હાથે બાવળાના ભાગ પર વાગી. ચારે આરોપીઓ ભાગી રહયા હતા એટલે એમને રોકવા મેં એમના પગ પર ફાયરીંગ કર્યું. આરોપી નંબર ૧ એ ફરી ફાયર કર્યું અને મેં જવાબી ફાયર કરેલ જેમાં આરોપી નંબર ૨ અને ૩ ને છાતીના ભાગે ગોળી વાગેલ. આરોપી નંબર ૧ એ ફરી મારા પર ફાયર કરેલ. મારી સર્વિસ રિવોલ્વરની તમામ બુલેટ ફાયર થઇ ગઈ હોવાથી મેં મારા જમણા પગના બૂટમાંથી મારી લાયસન્સ વળી પર્સનલ રિવોલ્વર કાઢી એમાંથી બે રાઉન્ડ ફાયર કરતા આરોપી નંબર ૪ ને ગળાના ભાગે અને આરોપી નંબર ૧ ને કપાળમાં બે આંખની વચ્ચે ઉપરના ભાગે ગોળી વાગેલ.”

એક સ્મિત બ્રિજરાજસિંહના મોઢા પર હાસ્ય આવી ગયું. મનમાં એક સંતોષ કે એક ગરીબ તરૂણીના ગુનેગારોને સજા આપી.

હકીકત માત્ર તમે અને ગઢવી જ જાણતા હતા. પોલીસવાનનો દરવાજો તમે બંધ જ નહતો કર્યો અને ગઢવીની સર્વિસ રિવોલ્વર ફુલ્લી લોડેડ ન હતી સ્ટંટ ઉભો કર્યો હતો અને સફળ પણ થયો હતો. પી.એસ.આઈ. ગઢવી પર અને પોતાની જાત પર ફાયરીંગ કરનાર તમે પોતે જ હતા અને એ પછી રિવોલ્વર આરોપી નંબર ૧ ને આપી હતી.

રહી વાત પોલીસ ઇન્ક્વાયરીની તો એનું પરિણામ તમે જાણતા જ હતા. ખાતાકીય તપાસ, પી.એસ.આઈ. ગઢવીની જુબાની, ડ્રાઈવર હકાભા અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહનું સ્ટેટમેન્ટ અને તમારું નિવેદન. પી.એસ.આઈ. ગઢવીની સર્વિસ રિવોલ્વર પર આરોપી નંબર ૧ ના ફિંગર પ્રિન્ટ બધું જ મેચ થતું હોઇ પી.આઈ. બ્રિજરાજસિંહ નિર્દોષ પુરવાર થાય છે.

નોકરી જોડાયા એ સમયે, તમારા પિતા દિલુભા ઝાલાએ કહેલ વાત યાદ આવી ગઈ, “બેટા, શાસ્ત્રમાં રાજપૂતને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવામાં આવ્યા છે. આ વર્દીનો ઉપયોગ પૈસા બનાવવામાં ના કરતા. કોઈ ગરીબ, લાચાર, અબળા, શોષિતને બચાવવામાં કરજો, પૈસા કમાવવા કરતા આશીર્વાદ કમાવવા એ વધુ યોગ્ય કહેવાય.”

બસ, મન શાંત થતા પડખું ફેરવી બ્રિજરાજસિંહ આરામથી સુઈ ગયા.


આશિષ એ. મહેતા


Creative Commons License



પી.આઈ. બ્રિજરાજસિંહ ઝાલા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/