Wednesday, December 30, 2009

પનિહારી

ક્ષિતીજે પ્રભાતનું કિરણ રેલાયું,
અંઘારી અવની પર ઉજાસ રેલાયું,

હળવેથી ઉષા સંગ સૂરજ દેખાયો,
પનિહારીના પગલે પનઘટ મલકાયો,

સીધી ગરદન પર નજર નીચી છે રાખી,
ચહેરાની સુંદરતાને ઘુંઘટથી છે દીપાવી,

રણકે ઝાંઝર દરેક પગલાને સંગ,
ખણકે કડલી હાથના હિલોળાને સંગ,

લીલી પીળી ઓઢણીમાં પાડી છે લાલ ભાત,
શરમાતા સહેજ અનેરા કંઈ શોભો છો આજ,

ત્રાંસી નજરે જુવે છે તમને યુવા હૈયા ખાસ,
અાશિષ જોવા તમને રવિ પણ આવે છે પાસ.

કવિઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, December 23, 2009

તમે.....

ચહેરો તમારો જોયો અને સવાર પડી,
તમારી જુલ્ફોની મહેકથી તાજગી મળી,

તમારા જ સ્પર્શે ચેતનાની અનુભૂતિ થઈ,
તમારા જ ટહુકાથી મનની જાગૃતિ થઈ,

નજરમાં તમારી નજર પરોવતા,
પ્રેમના અસીમ સમુદ્રો દેખાયા છલકતા,

કઠિન જીંદગીનો સામનો કરવાની,
તમારા સાથથી હિંમત આવી ગઈ,

તમારા દરેક શ્વાસે અમારૂં જીવન છે,
તમારા સાથ વિના જીવન અશક્ય છે,

પાગલ છું કે શાણો એની જાણ નથી,
આશિષ છું કે આશિક એની ખબર નથી,

લોકો શું કહેશે? એની પરવા નથી,
તમારા વિના જીંદગીની કલ્પના નથી.

કવિઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, December 19, 2009

મુલ્યોનું સમાધાન

જીંદગી સમાધાન માટે નથી, સંઘર્ષ માટે છે અને આજે ભલે હું પાંગળો લાગું પણ એ સમય માત્રનો ભ્રમ છે. મારે જીંદગીને મારી રીતે જ જીવવી છે અને હું જીવું છું અને આગળ પણ જીવતો રહીશ. ગાંધી આશ્રમના ઓવારે બેસીને આકાશ આવું વિચારતા બબડે જતો હતો. એ અહીં આવ્યો તો હતો આત્મહત્યા કરવા, પણ કોણ જાણે કેમ હવે એનું મન લડી લેવાના મુડમાં હતું.

સાંજના છ થવા આવ્યા છે ને વોચમેન જમીન પર લાકડીને ઠપકારતા ઠપકારતા બધાને બહાર નિકળવા બુમ પાડે છે અને આકાશ પણ ઉઠે છે મન ના હોવા છતાં. પહેલાં તો સમજ ના પડી કે આ શું છે? પછી થયું કે આશ્રમ બંધ થવાનો સમય હશે. પણ, એણે જોયું કે લોકો તો અંદર આવી રહ્યા છે મસ્ત ફુલગુલાબી થઈ ને... એટલામાં એનાથી થોડે દુર બેઠેલ એક અપંગ વ્યક્તિ પોતાની કાખઘોડી સંભાળતા બોલ્યો, "મેનેજમેન્ટ માટે પૈસા તો કાઢવા પડે ને... સાંજે ટિકિટ હોય છે." અને આકાશ સમજી ગયો કે હવે ઉઠવું જ પડશે, ને એને એકદમ વિચાર આવ્યો પેલો અપંગ માણસ મને અત્યાર સુધી કેમ ના દેખાયો... શું એ મને બબડતો સાંભળી ગયો હશે અને જાણી ગયો હશે કે હું અહીં મરવા આવ્યો તો ને હવે વિચાર બદલી કાઢ્યો છે... ત્યાં તો વોચમેનની લાકડીનો અવાજ ઘેરો થયો ને એ ઉઠ્યો. બહાર આવી થયું કે ટિકિટ લઈ ફરી અંદર જઉ પણ પેલા વિકલાંગને ટિકિટ માટે લાઈનમાં ઉભેલ જોઈ એનું મન પાછું પડ્યું ને બાઈકની ચાવી ઘુમાવી દીધી, પણ, જવું ક્યાં એ પ્રશ્ન ઉઠ્યો ના ઉઠ્યો ત્યાં તો બાઈક ગાંધી બ્રીજ તરફ વળી ચુકી હતી.

ગાંધી બ્રીજ આકાશ અને તેના મિત્રોનો અડ્ડો હતો. આજથી બે વર્ષ પહેલાં અહીં મિત્રોની મહેફીલ રાતના બાર સુધી જામેલી રહેતી અને પેટ્રોલીંગ માટે નિકળતી પોલીસ-વાન આવે એ પહેલાં ઈન્કમ-ટેક્ષ પર પહોંચી ચા પીને છુટા પડતા. આજે તો એ મહેફીલના બધા દોસ્તો એટલા વ્યસ્ત છે એમની જીંદગીમાં કે બધા પાસે મોબાઈલ છે પણ કોલ બહુ ઓછા કરે છે, ફ્રીો એસએમએસ કરતી વખતે તો લાગતુ તુ કે જાણે દુરી છે જ નહીં પણ જેવી આ સ્કીમ બંધ થઈ કે દુરી જ દુરી... એને બધાની બહુ યાદ આવતા I miss u lot કહેવામાં આવતું તો બધાનો એક સરખો જવાબ મળતો ટાઈટ રહે છે... ફ્રી જ નથી થવાતું... પણ he knows to all of them એ અળખામણો થયો છે એમના માટે, ફીલ્ડમાં હજુ તો બચ્ચા છે ને ટકી રહેવા આકાશ સાથે નાતો તોડવો જરૂરી છે. બાઈકની સ્પીડ સાથે એનું મન ભૂતકાળમાં ગરક થવા માંડ્યું.

આકાશનું મન યાદ કરવા લાગ્યું કે આજથી બે વર્ષ પહેલાં બધાનું ભણવાનું પત્યું ને મહિનામાં જ બધાને જોબ મળી ગઈ હતી. એક નવું ન્યુઝ પેપર ચાલું થતાં જર્નાલીઝમની ડિગ્રીના જોરે રાજ બુધવારની પુર્તીનો કો-એડીટર થયો, શ્યામ અને રઘુ રિપોર્ટર અને હું ચર્ચા-પત્રનો એડીટર અને કોમકોલમીસ્ટ બન્યો બુધવાર-રવિવારની પુર્તીનો. અમારી ચંડાળ ચોકડીને એક જ જગ્યાએ જોબ મળી એટલે બધા ખુશ હતા. પણ જેમ જેમ સમય વહેવા લાગ્યો તેમ તેમ ખબર પડવા લાગી કે we all r nothing but servants of management... તેઓ કહે એટલું જ લખવાનું... મારા સિવાય બધા જ માટે તે સહજ હતું, કેમકે બધા માં વફાદારીના ગુણ હતા, જ્યારે મારામાં પહેલેથી જ બળવાખોરીની ભાવના... તેથી મને બે થી ત્રણ વખત ટોકવામાં આવ્યો... અમારી નોકરી નો તો વિચાર કરો, કહીએ એટલું જ લખો તો આપણા હિતમાં છે... તમે રાજકારણ વિષે લખો પણ પક્ષ વિષે નહીં, ધર્મ વિષે લખો પણ એના નામે ચાલતા ઘતિંગ ને મારો ગોળી, મુલ્યો-સંસ્કૃતિ બાબતે લખો પણ તુલનાત્મક રીતે નહી.....

આવી જ રીતે નાત-જાત, ઉંચ-નીચ, અમીર-ગરીબ, સવર્ણ-અવર્ણો, લોકશાહી-સામંતશાહી-રાજાશાહી જે કાંઈ લખવું હોય તે લખી શકાય પણ એમની શરતે... નહીં તો એડીીટીંગ ટેબલ તો હતું જ, એ જાણે મારા વિચારોના હાર્દને કાઢવા જ બનાવ્યું હોય એમ સતત મારા વિચારોનો છેદ ઉડાડતું રહ્યું અને વ્યક્તિ સ્વતંત્રતા અને નાત-જાત, લીંગભેદ, અમીર-ગરીબ વગરની સમાનતામાં માનવા વાળો હું ગુંગળાવા લાગ્યો. મને એ સમજાતુ નતું કે શા માટે પેપર ચલાવવામાં આવે છે.. શા માટે ખુલ્લો મંચ છે અમારૂં પેપર કહી લોકોને છેતરવામાં આવે છે... અને મેં જોબ છોડી દીધી.

ત્રણ મહિના બેકાર રહ્યો એટલે કંટાળીને ગામ જતો રહ્યો. માંડ અઠવાડીયું થયું હતું ને મિસ રેણુ નો કોલ આવ્યો.

'હલ્લો, મિ. આકાશ.. I m miss renu from SAMAJ-DARPAN NGO. અમે તમારી કોલમના રસિયા હતા પણ કોલમ બંધ થઈ તો અમે બેચેન થઈ ઉઠ્યા. પ્રેસ પર કારણ જાણવા ફોન કર્યો તો જાણવા મળ્યું કે તમે જોબ છોડી દીધી તેથી દુઃખ થયું. પણ, થોડા સમય પછી જોબ છોડવાનું કારણ સુત્ર થકી જાણવા મળ્યું and so if u r interested to join us, અમને ગમશે.'

અને મેં કહ્યું, 'બોલો ક્યારથી આવું?'

ને જવાબ મળ્યો, 'કાલથી'

અને મેં પુછ્યું, 'ઓફીસનો ટાઈમ શું?'

'૧૦ થી ૫'

'કાલે દસ વાગે હું હાજર હોઈશ, બોલો સરનામું...'

અને હું આકાશ 'સમાજ-દર્પણ'નો એડીટર થઈ ગયો. પરંતુ સમય જતાં લાગણી થઈ કે મારા બોસ મિસ રેણુને મારા કામ કરતાં મારામાં વધારે interest છે...

અને યૌવન હેલે ચઢી, કહેવાતા બુદ્ધીજીવીઓની જેમ સંવાદથી સવાવન સુધી ક્યારે પહોંચી ગયા હોત એ ખબર પણ ના પડી હોત પણ મારા મુલ્યો વચ્ચે આવ્યા અને એમાં પણ કોઈ અગમ્ય કારણસર NGO બંધ કરવાની આવી અને મિસ રેણુ વિદેશ જતી રહેવાની હોઈ મને પરણીને વિદેશ આવવાનો વિવેક કરતી ગઈ પણ મેં એટલું જ કહ્યું કે,

'પરણીને અહીં પણ રહી શકાય'

તો જવાબ મળ્યો, 'જે દેશમાં સેવાની કદર નથી થતી ત્યાં નથી રહેવું.'

'આ મેનેજમેન્ટનો પ્રોબ્લેમ છે નથી કે કદરનો'

'એ જે હોય તે પણ પાપાનો નિર્ણય આખરી નિર્ણય હોય છે અને એમને આપણા સંબંધનો પ્રોબ્લેમ નથી, જો તું સાથે આવતો હોય તો...'

અને હું એટલું જ બોલી શક્યો હતો, 'તો છુટા પડવું વધુ યોગ્ય રહેશે.'

અને ફરીથી બેકારી આવી. દોઢ વર્ષમાં ત્રીજી જોબ શોધવાનો વખત આવ્યો. મળી તો ગઈ પણ ખાલી પૈસા માટે કામ કરતો હોઉં એવું ફીલ થવા લાગ્યું, પણ, હવે જીવવા માટે પૈસાની જરૂરત ને અવગણવા જેટલો નાદાન નહતો રહ્યો. પૈસો મુલ્યો ઘડી પણ શકે છે અને બગાડી પણ શકે છે એ સારી રીતે જાણતો થયો હતો. ધીરે ધીરે મન હતાશ થવા લાગ્યું. મિત્રો મળતા તો મન વગરના લાગતા. બધાને હું મુર્ખ લાગતો. પહેલી જોબ છોડવા કરતા વિદેશ જવાનો ચાન્સ જવા દીધો એટલે...

લેખો છાપવા કોઈ પ્રેસ તૈયાર ના થયું. પ્રકાશક પાસે છાપવા જેટલા પૈસા ન હતા અને જે છાપવા તૈયાર હતા તે એમની શરતે... અને ધીરે ધીરે ડીપ્રેસન વધવા લાગ્યું, લાગતું કે વેડફાઈ રહ્યો છું. મુલ્યોનો છેદ ઉડાડી કોમ્પ્રો કરે તો દુનિયા આખી સાથે થવા તૈયાર હતી પણ... અને આત્મહત્યાનો નિર્ણય લઈ લીધો. છેલ્લી વાર એના મુલ્યોના પ્રણેતાના આશિષ માટે સાબરમતિ આશ્રમ આવ્યો અને આખા આશ્રમમાં કોરી આંખે ફરી વળ્યો, જાણે કશુંક ખોયેલું શોધી ના રહ્યો હોય... ને છેલ્લે ઘાટના બાંકડે આસોપાલવની છાયામાં બેસી નદીના પાણીને એકી નજરે જોઈ રહ્યો, એના હોઠેથી અસ્પષ્ટ શબ્દો ફુટતા રહ્યા બબડાટ બની, ને થોડી વાર પછી પગથીયા ઉતરતા એક ચુકાયું ત્યાં કોક રણક્યા જેવું લાગ્યું તું કે,

'જોજો ભાઈ સંભાળજો નદી ગાંડી થઈ છે, ઉધારના પાણીએ...'

ને સુભાષ બ્રિજ પર નિયોન લાઈટના પ્રકાશમાં નર્મદાના પાણીથી છલકાઈ રહેલી સાબરમતિને આકાશ જોઈ રહ્યો.. એને થયું કે નદીએ પણ ઉધારના પાણીથી ચલાવવું પડે છે તો હું તો માણસ છું, સંસ્કૃતિને ઘડનારી નદી અને મુલ્યોને માટે લડનાર હું, અમારા બન્નેની નિયતિ સરખી જ છે...

લેખકઃ યતિન ચૌધરી, મુંબઈ
એડીટરઃ અજય એમ. પટેલ

Friday, December 4, 2009

આશા રાખું છું

મુશ્કેલ જીંદગી પાસેથી સરળતાની આશા રાખું છું,
દગાખોર મિત્રો પાસેથી વફાદારીની આશા રાખું છું,
લુંટાવી દીધા પછી સઘળું કંઈક લુંટાવવાની આશા રાખું છું,
છું બોલવા અસમર્થ છતાં કંઈક બોલવાની આશા રાખું છું,

ભભૂકતા અગ્નિ પાસેથી શીતળતાની આશા રાખું છું,
ખારા સમુદ્રો પાસેથી મીઠા જળની આશા રાખું છું,
નથી મારે પાંખો છતાં ઉંચે ઉડવાની આશા રાખું છું,
છું સમુદ્રના તળિયે છતાં ડૂબવાની આશા રાખું છું,

વેરાન રણ પાસેથી વહેતી નદીની આશા રાખું છું,
ગુલાબના કાંટા પાસેથી પણ સુગંધની આશા રાખું છું,
સમીપ તમારી હોવા છતાં નિકટતાની આશા રાખું છું,
કે તમારા કાજે મોત પાસેથી પણ જીવનની આશા રાખું છું.

કવિઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, December 2, 2009

"આ જીવન કેરી નદીના બે કિનારા હોય છે, કોઈ મીઠા જળ તણા તો કોઈ ખારા હોય છે."

ઈંતજાર કરતી તમારી આંખોમાં એક ચહેરો દેખાયો અને ઈલિયાસ તમારા ચહેરા પર એક ચમક આવી ગઈ. વિના કોઈ પ્રયત્ને તમારા હોઠો પર એક પ્રેમાળ મુસ્કાન આવી ગઈ. આમ તો આ રોજનો ક્રમ થઈ ગયો હતો. અમદાવાદ શહેરના રૂપાલી સિનેમાની સામેના સરદાર બાગમાં રોજ સાંજે છ વાગે તમે ઈલિયાસ મીનાવાલા આવીને બેસતા અને તમારી મિત્ર, તમારી પ્રેમિકા અને જેને તમે તમારા જીવનની હમસફર બનાવવા ઈચ્છો છો તે રેહાના પઠાન તેની હંમેશની આદત મુજબ તમને ચિડવવા તમને પંદરથી વીસ મીનીટ રાહ જોવડાવતી અને પછી આવતી અને તમને પોતાની એક આગવી અદાથી મોડા પડવા બદલ સોરી કહેતી.

પણ આજે રેહાનાની ચાલ કંઈક જુદી જ હતી. હા, રેહાના લાલદરવાજા વિસ્તારની શ્રીમતી સદગુણા આર્ટસ કોલેજમાં બેચલર ઓફ આર્ટસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી તમારી પ્રેમિકા, પોતાની કોલેજની બ્યુટી ક્વીન ગણાતી હતી અને કંઈક કેટલાય યુવાનો તેના સૌંદર્ય અને ચાલ પર ફીદા થઈ ગયા હતા. લાંબા કાળા વાળ, અણિયાળી આંખો, અણિદાર નાક, સદાય હસતો ચહેરો, પૂરતી ઊંચાઈ અને મધ્યમ બાંધો ધરાવતી ગૌરવર્ણી રેહાનાની ચાલ પણ મસ્ત અને બેફિકરી હતી. પરંતુ, આજે ઈલિયાસ તેની ચાલમાં કંઈક ચિંતા સ્પષ્ટપણે તમે જોઈ શકતા હતા. આજે રેહાનાએ તમને સોરી ન કહ્યું પણ એક ટુંકી મુલાકાતમાં જણવ્યું કે તેના અબ્બા કે જે શહેરના અગ્રગણ્ય રાજકારણી વ્યક્તિઓમાંના એક છે તેવા આફતાબ પઠાને તમને આવતી કાલે સાંજે તેમના ઘરે મળવા બોલાવ્યા છે.

ઈલિયાસ મીનાવાલા આ મુલાકાતનું પરિણામ કદાચ તમે પહેલેથી જ જાણતા હતા. અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં એક નાનકડું મકાન, પ્રાઈવેટ કંપનીમાં મહિને રૂપિયા આંઠ હજાર જેવો ટૂંકો પગાર ધરાવનાર મધ્યમવર્ગીય ઈલિયાસ તમે ઊંમરમાં તો રેહાનાથી બે જ વર્ષ મોટા હતા અને સાથોસાથ આકર્ષક અને દેખાવડા પણ ખરા જ. પરંતુ, તમને ખબર હતી કે આફતાબ પઠાનની દોમદોમ સાહ્યબીની સામે તમારી મધ્યમવર્ગીયતા એક ગરીબીથી વિશેષ કાંઈ જ ન હતી. એટલે જ તમારા આ સાચા પ્રેમ પર બહુ જ ટૂંકા સમયમાં પૂર્ણવિરામ મૂકાશે એવી ભીતિ સાથે તમે ભારે હૈયે રેહાનાથી છુટા પડ્યા અને તમારા બાઈક પર તમારા બે રૂમ-કિચનના મકાનમાં ગયા.

પણ, ઈલિયાસ આવતી કાલ સાંજે તમે રેહાનાના અબ્બા આફતાબ પઠાનને મળવા જરૂરથી જજો. માણસ પોતાનું ભવિષ્ય જોઈ નથી શકતો, ઈલિયાસ. એટલે જ તમે નિરાશ થાવ છો. પરંતુ, તમને ખબર નથી કે આફતાબ પઠાને તેના સુત્રો દ્વારા તમારા વિશેની રજેરજ માહિતી મેળવી લીધી છે અને આફતાબ પઠાન તમારી ઈમાનદારી, ખમીરી અને હોંશિયારી પર આફરીન થઈને અત્યારે એ સાચા મુસલમાન પોતાની લાડલી દિકરી રેહાનાનો હાથ તમારા હાથમાં આપવાનું વિચારી રહ્યા છે અને તેમને તમારામાં પચીસ વર્ષ પહેલાનું પોતાનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. માટે જ ઈલિયાસ કોઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર તમારા પ્રેમ અને તમારી પ્રેમિકા પર વિશ્વાસ રાખીને આવતી કાલે આફતાબ પઠાનને મળવા જરૂરથી જજો.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, November 28, 2009

"દેખાય છે જે પહેલી નજરે તે બધું જ સત્ય નથી હોતું, કેટલાક બીડાયેલા કમળોમાં ભમરા પણ હોય છે."

હાઈહીલના સેન્ડલ પહેરીને તમે કુ. ચિંતન, અમદાવાદ શહેરના ગુલાબ ટાવર રોડ પર આવેલ વૈભવ સોસાયટીના વિભાગ ૩ ના બંગલા નંબર ૪૬ નો ઝાંપો ખોલીને બહાર આવી, તમારૂં ટી.વી.એસ. સ્કુટી ચાલુ કરી સોસાયટીના મુખ્ય દરવાજેથી જાહેર રસ્તા તરફ વળ્યા અને તમારી અપેક્ષા મુજબ જ ડાર્ક બ્લેક ગ્લાસ મઢેલી બ્લેક હેલમેટ પહેરીને આવતો એક મજબૂત બાંધાનો સારી એવી ઉંચાઈ ધરાવતો અને થોડોક શરીરે ભારે કહી શકાય તેવો યુવાન તેના પલ્સર બાઈક પર સોસાયટી તરફ વળ્યો. તમને ખબર હતી કુ. ચિંતન કે એ બાઈક ચાલક પણ એ જ બંગલામાં જવાનો છે જ્યાંથી હજુ હમણાં જ તમે વિદાય લીધી છે. તમે તેને નામથી ઓળખતા હતા. એ યુવાન હતો અભિજીત મહેતા.

એક જ બંગલામાં આવન-જાવન કરતા કું. ચિંતન તમારા અને અભિજીત વચ્ચે સીધો કોઈ જ સંબંધ ન હતો. છતાં પણ એક તાર્કિક સંબંધ હતો, જે નકારી શકાય તેવો તો નહતો જ. તમે બંને, એ બંગલાના માલિક અને અમદાવાદ શહેરના નાસ્તા બજારમાં જેમનું આગવું નામ છે તેવા શેઠ શ્રી ધીરજલાલ પુરોહિતના બંને બાળકોને ભણાવવા આવતા પ્રોફેશનલ ટીચર્સ હતા, એટલે તમે બંને એ નાતે પ્રોફેશનલ કલીગ હતા. ફરક એટલો જ હતો, કુ. ચિંતન કે તમે શેઠ ધીરજલાલની નાની દિકરી મનસ્વીને ભણાવતા આવતા હતા, જ્યારે અભિજીત મહેતા ધીરજલાલ શેઠના મોટા દિકરા હર્ષલને ભણાવવા આવતો હતો. સોસાયટીના દરવાજે પરસ્પર ક્રોસ થતા એક બીજાને જોયા ન જોયા કરીને પોત-પોતાની દિશાઓમાં જતા રહેવું એ તમારો એક દૈનિક ક્રમ બની ગયો હતો, કુ. ચિંતન.

તમે કુ. ચિંતન, ઘરમાં મદદરૂપ થવાના હેતુથી કોલેજના બીજા વર્ષથી જ પ્રાયમરી ધોરણોના ટ્યુશન કરતા હતા અને શેઠ ધીરજલાલના ઘરે પણ મહિને રૂપિયા પાંચસોની ફી લઈ તમે લગભગ દરરોજ તેમની લાડલીને ભણાવવા જતા હતા અને હજુ પણ કામની શોધમાં હતા.

એજ બંગલાના કંપાઉન્ડમાં અનાયાસે થયેલી કેટલીક તમારી અને અભિજીત મહેતાની મુલાકાતો દરમ્યાન કુ. ચિંતન અભિજીતે તમને હંમેશા, અાત્મીયતાથી જોજનો દૂર એવા "પ્રોફેશનલ સ્માઈલ"થી વિશેષ કાંઈ જ નહતું આપ્યું અને કોઈ જ વાત નહતી કરી. તેમ છતાં તમે કુ. ચિંતન એટલું તો જાણતા જ હતા કે અભિજીત મહેતા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના ખ્યાતનામ ક્લાસીસમાં મેનેજર છે અને આજ બંગલમાં અઠવાડિયામાં ચાર જ દિવસ ટ્યુશન માટે આવવાની એની ફી લગભગ તમારી ફી કરતાં બમણી છે અને અભિજીત પ્રોફેશનલ ફીલ્ડનો એક પ્રોફેશનલ એવો વ્યક્તિ છે, જે કામ અને દામ વચ્ચેનો જ સંબંધ જુએ છે.

કામની જરૂરીયાતવાળા તમને કુ. ચિંતન ઘણી વખત ઈચ્છા થઈ આવી હતી કે તમને ક્લાસીસમાં કામ આપવાની તમે અભિજીતને રીક્વેસ્ટ કરો. પરંતુ અભિજીતના પ્રોફેશનલ સ્વભાવે તમને રોકી રાખ્યા હતા. એક વખત જરૂરિયાતથી મજબૂર થઈને તમે શેઠ ધીરજલાલના દિકરા હર્ષલ પાસેથી તેના સર અભિજીત મહેતાનો મોબાઈલ નંબર લીધો અને તમારા ઘરે થી તે જ સાંજે તમે અભિજીતને ફોન કરવા માટે ટેલીફોનનું રીસીવર ઉપાડ્યું અને અચાનક અટકી ગયા.

પણ, કુ. ચિંતન તમે નથી જાણતા કે પ્રોફેશનલ વ્યક્તિઓ કામની સામે દામ ચૂકવી જ આપે છે અને જેમ તમને કામની જરૂર છે તેમ સારા શિક્ષકોની જરૂર અભિજીતને પણ છે. તમારી જરૂરિયાતો પરસ્પર પૂરક છે. તેથી સહેજ પણ ગભરાયા વિના તમે અભિજીત સાથે વાત કરો. આખરે એ પણ માણસ જ છે અને દરેક માણસને થાડા ઘણાં અંશે લાગણીોઓ હોય જ છે.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, November 25, 2009

તલાશ

શાયદ આફતાબ રૂઠા હૈ, ઈન્સાનીયત ખો ગઈ હૈ,
જજબાતોં કે બીખરનેસે, હૈ હર ઓર વિરાન અંધેરા,
એસે આલમમેં ઉજાલે કી મુઝે તલાશ હૈ,

માના કી છુપ ગયા હૈ કાલે બાદલોમેં મેરા ચાંદ,
પર અબ ભી ઈન કાલી અંધેરી રાતોંમે,
ચાંદનીકી મુઝે તલાશ હૈ,

ભાવનાએ કીસી એક કોને મેં રો રહી હૈ,
મહોબત કીસી મોડ પર તન્હા પડી હૈ,
ફીર ભી કીસી ચાહનેવાલે કી મુઝે તલાશ હૈ,

દોસ્તી કી કશ્તી ડૂબી, ભ્રમ થી મેરી આસ્થા
,
બીચ ભંવરમેં બીન સહારે હસ્તી તબાહ હુઈ મેરી,
એસે જહાન મેં કીસી દોસ્ત કી મુઝે તલાશ હૈ
,

કોઈ તો હો જો સિર્ફ ચાહે મુઝે,
મેરા દર્દ બાંટ સકે, મેરા સાથ નિભા સકે,
ગૈરોંકી ઈસ દુનિયા મેં અપને કી મુઝે તાલશ હૈ,

એક સાથી હો જો મેહસુસ કરે મુઝે,
એક હમરાહી હો જો પેહચાન સકે મુઝે,
સંગદિલોંકી ભીડ મેં દિલવાલે કી મુઝે તલાશ હૈ,

બુરાઈયાં હી દેખી સબને, અચ્છાઈ શાયદ ના હો મુઝમેં,
ફીર ભી ઈસ દિલ કી ગહરાઈ કો પહેચાને કોઈ,
માના કી યે મુમકીન નહીં ફીર ભી મુઝે તલાશ હૈ,

જજબાતોં સે મેરે ખેલા યહાં હર કોઈ,
મેરી મહોબ્બત કા બલાત્કાર કીયા મેરે હી મહેબુબને,
જહાં સાથી ભી ના દે સાથ વહાં સાથી કી મુઝે તલાશ હૈ,

સદિયાં બીત ગઈ હૈ મેરી તલાશ અબ ભી જારી હૈ,
હર રાત અભ ભી દેખતા એક ખ્વાબ મેં,
શાયદ કલ સુબહ 'રાહે'કી તલાશ પુરી હો જાયે.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, November 21, 2009

મહેફિલ

એક રાતે એકાંતમાં મહેફિલ જમાવી બેઠો હતો,
પડછાયાને મિત્ર બનાવી વાતો કરતો બેઠો હતો,
ખાટી-મીઠી ઘણી યાદો ફરી તાજી કરતો હતો,
આવતા-જતા લોકો કહેતા હતા હું બકતો હતો,
કોઈના માટે ગાંડો કોઈના માટે નશામાં હતો,
પડછાયો મારો જાણતો હતો કે હું વ્યથામાં હતો,
વિતેલા ભૂતકાળથી આવનાર ભવિષ્યની ચિંતામાં હતો,
પ્રબળ ઈચ્છા છતાં કશું જ બદલવા અસમર્થ હતો,
હોવા છતાં ચમનમાં હું જાણે વેરાનમાં હતો,
લોકોની ભીડમાં પણ મનથી એકાંતમાં હતો,
અજાણતા થઈ ગયેલા ગુનાનું પરિણામ ભોગવતો હતો,
ગંભીર ન હોવા છતાં એ ગંભીર ગુનો ગણતો હતો,
અવાસ્તવિકતાને પ્રેમ કરવાનો ગુનો કર્યો હતો,
એટલે જ આશિષ તૂટેલા દિલને લઈને બેઠો હતો.

કવિઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, November 11, 2009

મહેંદી

સુંદર દેખાતા બાગમાં નજાકત આપે છે મહેંદી;
લીલા પાનથી અવનવા આકારમાં શોભે છે મહેંદી,
ઠંડી છાંય અને સુગંધ વાતાવરણને આપે છે મહેંદી;
બની વાડ પ્રેમી પંખીડાને આપે છે ઓથ મહેંદી,
પિસાઈ જાય તો રંગ લાલ આપે છે મહેંદી;
સુંદર હાથોમાં ફેલાઈને વધુ સુંદરતા આપે છે મહેંદી,
પિયુની યાદ બની હાથોમાં રચાય છે મહેંદી;
દિલની અગાધ લાગણીને આપે છે આકાર મહેંદી,
કંઈજ ન બોલવા છતાં ઘણું કહી જાય છે મહેંદી;
આશિષ જગતને કંઈક આપવાની શીખ આપે છે મહેંદી.

કવિઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, November 7, 2009

"વાત કરવાને હું અને એ છીએ તત્પર પણ, વાત કરવાની કોણ ભલા શરૂઆત કરે?"

ઘડીયાળમાં એક ટકોરો પડ્યો અને તમે એક નજર ઘડીયાળ તરફ નાખી. બપોરના સાડા ત્રણનો સમય દર્શાવતી ઘડીયાળ તરફથી નજર પરત ફેરવી તમારી સામેની દિવાલ પર લટકતા કેલેન્ડર પર તમારી નજર આપોઆપ જ પડી. કેલેન્ડર આજે સોમવારનો દિવસ બતાવતું હતું અને પંક્તિ એક સ્મિત તમારા ચહેરા પર આવી ગયું. દરેક સોમવારનો તમને બહદ ઈંતજાર રહેતો હતો, કુમારી પંક્તિ ઉપાધ્યાય.

અમદાવાદ શહેરની એસ.વી. કોલેજ કેમ્પસની ઈવનીંગ લાૅ કોલેજના મોસ્ટ રેગ્યુલર વિદ્યાર્થીની તરીકે તમારી એક આગવી પ્રતિષ્ઠા કોલેજના તમારા સાથી-મિત્રો, સહઅભ્યાસુઓ અને પ્રાદ્યાપકોમાં હતી. જેવી તમારી રેગ્યુલારીટી હતી તેવી જ તમારી ઈન્ટેલીજન્સી પણ હતી. આથી જ એલએલ.બી.ના પ્રથમ અને દ્વિતીય વર્ષમાં તમે કોલેજ ફર્સ્ટ રહ્યા હતા. પણ તમારા સિવાય તમારા મિત્ર વર્તૃળમાં કોઈને જરાય ખબર ન હતી કે શા માટે તમને સોમવારનો આટલો ઈંતજાર રહેતો હતો? જે લાૅ કોલેજના પ્રથમ વર્ષના પ્રથમ સત્રથી આજ સુધી એવો જ જળવાયો હતો.

આજે પણ તમે કોલેજ જવા કંઈક વિશિષ્ટ તૈયાર થયા. બહુ જ સુંદર નહિં, પરંતુ સામાન્ય કદ અને દેખાવ ધરાવતા પંક્તિ ઉપાદ્યાય તમે હળવો મેક-અપ કરીને તમારા પ્રતિબિંબને તમારા રૂમના આદમ કદ અરિસામાં નીરખી રહ્યા હતા. થોડી વાર આમ જ પોતાના પ્રતિબિંબને નીરખી રહ્યા બાદ, તમે પંક્તિ તમારૂં સ્કુટી સ્ટાર્ટ કરી શાહપુરના ગીચ વિસ્તાર, રસ્તા અને ભીડ વચ્ચેથી નીકળી, તમારી કોલેજ તરફ આગળ વધી રહ્યા હતા અને તમારા મનમાં ઉઠતા અનેક વિચારો પણ એજ દિશામાં ઝડપથી આગળ વધતા હતા. વિચારો-વિચારોમાં રસ્તો ક્યાં કપાઈ ગયો એનો તમને અણસાર પણ ન આવ્યો અને તમે તમારી કોલેજના કેમ્પસમાં પહોંચી ગયા. તમારી આંખો કોઈને શોધી રહી હતી. પણ કોને?

લાૅ કોલેજના પ્રથમ વર્ષથી જ કોલેજમાં માત્ર હાજરી પૂરાવવા જ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ આવતા, પરંતુ દર સોમવારે નિયમીત રીતે આવતા, મજબુત બાંધો, મધ્યમ દેખાવ અને અન-ક્લીન શેવ્ડ ચહેરો ધરાવતા યુવાન પ્રમેશ પંડ્યાનું વ્યક્તિત્વ જ કંઈક અનેરૂં હતું. અત્યંત વાચાળ અને બોલકો સ્વભાવ ધરાવનાર પ્રમેશ કોલેજ કેમ્પસમાં આવે તેટલો સમય સદાય સિનીયર-જુનીયર મિત્રોથી ઘેરાયેલો રહેતો, પરંતુ પ્રમેશનું એક ખાસ વિશિષ્ટ લક્ષણ એ હતું કે તેના મિત્ર વર્તૃળમાં માત્ર અને માત્ર પુરૂષ મિત્રો જ રહેતા.

પંક્તિ ઉપાદ્યાય એ તો માત્ર તમે અને તમે જ જાણતા હતા કે તમને ઈંતજાર સોમવારનો નહિં પરંતુ ખરા અર્થમાં પ્રમેશનો રહેતો. કારણ કે તમારી નજરોમાં તે તમારો કટ્ટર પ્રતિસ્પર્ધી તથા અન્ય સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખતો એક સારો સહાદ્યાયી મિત્ર પણ હતો. પંક્તિ તમે જો લાૅ કોલેજના બંને વર્ષમાં કોલેજ ફર્સ્ટ રહ્યા હતા તો પ્રમેશ તમારાથી થોડા જ અંતરે કોલેજ સેકન્ડ રહેલ હતો. તમારી એક ઈચ્છા હતી પંક્તિ કે પ્રમેશ સાથે સાચા અર્થમાં એક સહાદ્યાયી મિત્ર તરીકે મિત્રતાનો સંબંધ પ્રસ્થાપિત થાય, પરંતુ તમને થોડીક નિરાશા અને થોડીક ચીડ એ વાતની હતી કે પ્રમેશ ક્યારેય છોકરીઓ સાથે વાત કરતો ન હતો.

પંક્તિ ઉપાદ્યાય, નિરાશ ન થશો. કોણ જાણે એવું પણ હોય કે જેવી સારી મિત્રતા તમે ઈચ્છો છો એવીજ પ્રમેશ પણ ઈચ્છતો હોય. આજે સોમવાર છે. પંક્તિ, મિત્રતાની પહેલ કરો.....

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, November 4, 2009

"એક ચિનગારી હજુ છે રાખના ઢગમાં, બેઠી છે એ પવનની લહેરના ઈંતજારમાં"

રોજની જેમ જ તમે આજે તમારા વર્ષો જુના સ્કુટર પર તમારા એજ્યુકેશન ક્લાસીસ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં એક હોર્ડિંગ પર અનાયાસે તમારી નજર પડી અને તમે સમસમી ઉઠ્યા એકાંત પાઠક. આમ તો એ હોર્ડિંગમાં એવું કાંઈ વિશેષ ન હતું કે સામાન્ય માણસ સમસમી ઉઠે. પરંતુ, તમે કાંઈ સામાન્ય માણસ થોડા જ છો?

એકાંત પાઠક, અમદાવાદના પરા વિસ્તાર સમા ચાંદખેડા ગામમાં રૂઢિચુસ્ત એવા અંબાપ્રસાદ પાઠકના ઘરે તમારો જન્મ થયો હતો. ત્રિકાળ સંધ્યા અને કર્મકાંડમાં પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા તમારા પિતા અંબાપ્રસાદે સમાજના નીતિ-નિયમ અને રીત-રીવાજ મુજબ સાત વર્ષની વયે તમને યજ્ઞોપવિત સંસ્કાર આપી તમને પણ તેમના માર્ગે કર્મકાંડ શીખવવાની શરૂઆત કરી હતી. બાળપણથી જ તમને વાંચનનો વિશેષ શોખ હતો અને પંદર વર્ષની વયે તમારા પર ખરેખર વિદ્યાની દેવી મહેરબાન થઈ ગઈ જ્યારે તમે દસમા ધોરણમાં પ્રથમ વર્ગમાં પાસ થયા. પરંતુ આ દરમ્યાન તમારા અને તમારા પિતા અંબાપ્રસાદના ધર્મ અંગેના વિચારો-મંતવ્યોમાં એક અંતર, એક ખીણ સર્જાવાની શરૂ થઈ ગઈ હતી અને બાવીસ વર્ષની યુવાન વયે જ્યારે તમે બી.કોમ.ની ડીગ્રી મેળવી તે સમયગાળામાં તો વિચારોની આ ખીણ ક્યારેય ન પૂરી શકાય તેવી થઈ ગઈ હતી.

તમારા પિતાના મતે ધર્મ એટલે પૂજા-પાઠ, ઉપાસના, આરાધના, જપ, તપ, વ્રત, ધૂપ, દિવા કરવા, માળા કરવી, મંદિર-મહાદેવ, સંસારના કર્મ પ્રત્યેની ઉદાસીનતા, પ્રારબ્ધવાદ, વગેરે. જ્યારે એકાંત તમારા મત મુજબ ધર્મનો અર્થ આ બધાથી કાંઈક જુદો જ કાંઈક અલગ જ હતો. તમારા મત મુજબ એકાંત, ધર્મ એટલે તમને સોંપવામાં આવેલું તમારી ફરજના ભાગ રૂપ એવું તમારૂં કાર્ય યોગ્ય સમયમાં, સારામાં સારી રીતે, નિષ્ઠાપૂર્વક અને પ્રામાણીકતાથી કરવું તે. તમારી માન્યતા મુજબ વિદ્યાર્થીનો ધર્મ સારામાં સારી રીતે અભ્યાસ કરવાનો, સૈનિકનો ધર્મ પ્રાણના ભોગે પણ દેશ સેવા કરવાનો, સ્ત્રીનો ધર્મ ઘર-પરિવારના સભ્યોની કાળજી રાખવાનો, પુત્રનો ધર્મ પિતાને સારા કાર્યોમાં મદદરૂપ થવાનો હતો.

તમારા પિતા અંબાપ્રસાદ જ્યાં ચુસ્ત પ્રારબ્ધવાદી હતા, ત્યાં એકાંત તમે ચુસ્ત કર્મવાદી હતા. વધુમાં, તમે એમ પણ કહેતા કે, "આવા બની બેઠેલા ધર્મગુરૂઓ, સંતો, મહાત્માઓએ ભારત દેશનું વિભાજન કરવાનું કાર્ય કર્યું છે. કોઈકે વિભાજન માટે મંદિર-મસ્જિદનો આધાર લીધો છે તો કોઈકે શીવ અને રામ-કૃષ્ણનો. મંદિરોમાં દિવા કરવામાં જેટલું ઘી-તેલ વપરાય છે, તેટલું ભૂખ્યા પેટમાં જાય એનાથી ઉત્તમ બીજો કોઈ ધર્મ હોઈ શકે? મંદિર-મસ્જિદ-ગુરૂદ્વારાના બાંધકામમાં વપરાતો રૂપિયો જો ઔદ્યોગીક વિકાસમાં વાપરવામાં આવે તો ભારતમાં કોઈ બેકાર હોત? ચુસ્ત બુધ્ધ ધર્મ પાળતા જાપાનમાં જેટલી કંપનીઓ સ્થપાઈ છે તેના સોમા ભાગના પણ બૌધ્ધ મંદિરો નથી. ચુસ્ત ઈસ્લામીક દેશોમાં પણ દેશના વિકાસ માટે મસ્જિદ-મકબરાનું સ્થળાંતર કરવામાં આવે છે. ત્યારે આપણા દેશમાં આવા ધર્મથી વિમુખ થયેલા બાહ્યાડંબરમાં રાચતા બની બેઠેલા ધર્મગુરૂઓ વિરાટને વામનમાં સમાવવાની ચેષ્ટા કરી રહ્યા છે. રામ, કૃષ્ણ, ઈસા મસીહ કે મહંમદ પયંગબર સાહેબે ક્યાં કહ્યું છે કે તેમની પૂજા કરો? મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા બંધાવો? તે બધાનો તો એક જ ઉપદેશ છે કે નીતિના માર્ગે ચાલો, પ્રામાણિક જીવન જીવો, નિષ્કામ ભાવે તમારૂં કર્મ કરો."

આજે એકાંત પાઠક, તમે અાવા જ એક ધર્મગુરૂના પ્રવચનનો સમય-સ્થળ દર્શાવતું વિરાટ હોર્ડિંગ જોયું અને તમે સમસમી ગયા. પણ તમે માત્ર સમસમીને બેસી રહો છો તે ખોટું છે. તમારા આ વિચારોને યોગ્ય માધ્યમ દ્વારા પ્રજા સમક્ષ રજુ કરો. આજે ભારતને તમારા જેવા વૈચારિક ક્રાંતિ ધરાવતા નવયુવાનની જરૂર છે. પ્રયત્ન કરો અને તમારા આ ક્રાંતિકારી વિચારોથી આગળ વધો અલ્લાહના આશીર્વાદ અને ભગવાનની રહેમત તમારી સાથે છે, એકાંત પાઠક.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, October 24, 2009

આંખ આપો તો ટૂચકા વંચાવું - GUJARATI JOKES 2

  • એક ભાઈની પત્ની ખોવાઈ ગઈ તેથી તે ભગવાન રામને પ્રાર્થના કરતો હતો. ભગવાન રામે દર્શન આપી કહ્યું, "બાજુમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં જા, મારી પત્ની ખોવાઈ ત્યારે હનુમાનજીએ જ તેને શોધી હતી."



  • ટીચર બાપુનેઃ ધારો કે તમારા પેન્ટના ડાબા ખીસામાં હજાર રૂપિયા છે અને જમણા ખીસામાં પાંચસો રૂપિયા છે, તો તમે શું વિચારો?

    બાપુઃ હું એજ વિચારૂં કે માળું આ પેન્ટ કોનું છે???



  • પોલીસ બાપુને-બગીચામાં આ રીતે બેઠા છો, એટલું તો વિચારો બાળકો પર શું અસર પડશે?

    બાપુ-અમે પરણીત છીએ.

    પોલીસ-તો ઘરે બેસોને..

    બાપુ-ઘરે બેસીએ તો આના પતિ પર શું અસર પડશે?



  • ભક્ત-મારા ઘરેથી USA સુધીનો રોડ બનાવો.
    પ્રભુ-મુશ્કેલી વાળું કામ છે, કંઈક બીજું કહે.
    ભક્ત-તો મારી પત્નીને આજ્ઞાંકિત અને સમજદાર બનાવી દો.
    પ્રભુ-ભાઈ, રોડ સીંગલ બનાવવો છે કે ડબલ??



  • પતિ-પત્નીમાં ઝગડો થયો. પતિ ઘરેથી બહાર જતો રહ્યો અને રાત્રે ફોન કર્યો અને પત્નીને પુછ્યું-આજ જમવામાં શું બનાવ્યું છે?

    પત્ની (ગુસ્સામાં)-ઝેર

    પતિ-મારે આવતાં મોડું થશે, તું જમીને સુઈ જજે.

Wednesday, October 21, 2009

ભટક્યા બહુ શોધવા અમે ખુશીને ગામે ગામે

ભટક્યા બહુ શોધવા અમે ખુશીને ગામે ગામે;
પડ્યા ભૂલા ને પહોંચી ગયા, ગમોને સરનામે,

ડર નથી હવે અમને સમયના વહી જવાનો;
પી લીધો છે અમે એને, ભરીને જિંદગીના નામે,

જો આવે તો હળવે પગલે આવજે જિંદગી આંગણે;
નાજુક છોડ ઉર્મિના, અમે વાવ્યા છે ક્યારે ક્યારે,

અસ્તિત્વનું પુસ્તક 'રાહે'નું ઊંધું છે એ રીતે;
જવાબ મોત જિંદગીનો, આપ્યો છે પહેલા પાને.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Monday, October 19, 2009

HAPPY DIWALI & HAPPY PROSPOROUS NEW YEAR

www.gujjustuff.com

is wishing 

HAPPY DIWALI

&

HAPPY PROSPOROUS NEW YEAR

to our precious readers

and

their family members.



ગુજ્જુસ્ટફ.કોમ તેમના વાંચકો અને તેમના કુટુંબીજનોને દિવાળી તથા નવ વર્ષની શુભકામનાઓ પાઠવે છે.

Wednesday, October 14, 2009

'રાહે' કો હર મોડ પર દુનિયા મિલી હૈ

'રાહે' કો હર મોડ પર દુનિયા મિલી હૈ,
મગર હર મોડ પે હમ ઉદાસ રહેતે હૈ,
સબકી ઉલજને સલજાતે હૈ હમ,
મગર હરપલ ખુદ ઉલજતે રહેતે હૈ હમ.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, October 10, 2009

મારા પ્રશ્નોનો ક્યાં અંત થયો છે?

મારા પ્રશ્નોનો ક્યાં અંત થયો છે?
અને જવાબની હજી તો તારી શરૂઆત છે!

માન્યું કે પ્રેમ અદૅશ્ય હોય છે;
ને કવિતા એની રજૂઆત હોય છે,

તારી 'હા' નથી ને તું 'ના' પણ ક્યાં પાડે છે?
આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે?

તું મૌન થઈને બેઠી છે;
લાગે છે, આ જ પ્રેમની કબૂલાત છે,

તારે માટે તો હું 'ભૂતકાળ' છું;
ક્યાંથી સમજાઉં? મારે મન હજી પણ તું 'વર્તમાન' છે!

ઘણે દૂર નીકળી ગઈ છે, ખબર નથી ક્યાં?
ક્યારેક મળશે તો ચોક્કસ કહેશે, અરે 'રાહે' હજી તું ત્યાંનો ત્યાં જ છે???

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, October 7, 2009

જીંદગીમાં ભૂલો ઘણી કરી છે

જીંદગીમાં ભૂલો ઘણી કરી છે
અમે અમારી મૂર્ખાઈ જાહેર કરી છે,

માન્યું કે વાત ન માની જમાનાની
અમે અમારી જીંદગી મિત્રોને ધરી છે,

ને મશહુર છીએ વર્તુળ આખામાં
સુરખીઓમાં વાતો અમારી ઉડી છે,

ખબર છે વાત અમારી કોઈ નથી માનવાનું
અમે જમાનાઓની ભૂલો ફરી કરી છે,

અને લો જાહેરાત કરીએ છીએ ખુદની
'રાહે' એ મુર્ખશિરોમણીની પદવી લીધી છે.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, October 3, 2009

જમીનથી થોડો અધ્ધર છું

જમીનથી થોડો અધ્ધર છું;
તારા સાથમાં હું સધ્ધર છું,

લે ચાલ બેસી રહીએ રાતે;
હું વાતોનો સમંદર છું,

અચાનક ચુપ થઈ આમ શું જુએ;
કે તારૂં જ તો હું પ્રતિબિંબ છું,

પહેલા હતો હું, હવે હું નથી;
'હું' અને 'તું' બે અક્ષરનો અર્થ છું,

આવે છે ફેરફાર તારા થકી જીવનમાં;
હું 'રાહે' નો બદલાતો શેર છું.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, September 30, 2009

ગુજરાતી શેરો શાયરી

The below content is Gujarati Version of the collection of Gujarati Sher SMS and Gujarati Shayri SMS, which I have received in English language. As I liked it very much, I have published here to share with you all. 


  • તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
    તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું,
    તુ જો આવીને મને સજીવન કરે,
    તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું.



  • દિવસો બદલાયા અને રાતો પણ બદલાઈ ગઈ,
    એક એક કરતા બધાની નજરો પણ બદલાઈ ગઈ,
    મળ્યા કેટલાય મોકા બદલાવાના પણ,
    તમને યાદ કરવાની આદત કદી ના બદલાઈ.



  • જરા આંખ ખોલો થોડી ઉજાસ મોકલું છું,
    ફુલોના રંગ તમારી આસપાસ મોકલું છું,
    ના વિચારો કે ભુલી જઈશું તમને,
    નિભાવશુ સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું.



  • વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ,
    યુવાન હૈયાની આ મજબુરી છે આ પ્રેમ,
    ના માનો તો કાંઈ નથી પણ માનો તો,
    દ્વારકાધીશની પણ મજબુરી છે આ પ્રેમ.



  • સંબંધો આપણા સચવાય એવું કરજો,
    વફાના ફુલો ના કરમાય એવું કરજો,
    બહુ ઓછી મુલાકાતોમાં બંધાય છે સંબંધો,
    પણ જીંદગીભર ના ભુલાય એવું કરજો.



  • કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને,
    જો હોય મહત્વ અમારૂં તો યાદ કરી લેજો અમને,
    માન્યું કે જીંદગીના રસ્તા હશે ઘણા લાંબા,
    ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને.



  • જાણે કેમ અમારી યાદ જુની થઈ ગઈ,
    તમારી યાદ માં અમારી આંખ ભીની થઈ ગઈ,
    એવી તે કઈ વાત થઈ ગઈ,
    કે તમને અમારી યાદ આવતી જ બંધ થઈ ગઈ.



  • સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
    સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
    રેતી મનમાં રોઈ પડી, આમ કંઈ પુછી પુછીને થતો હશે પ્રેમ.



  • કોઈને પ્રેમની ખબર નથી હોતી,
    તો કોઈને પ્રેમની અસર નથી હોતી,
    બહુ થોડાને મળે છે સાચો પ્રેમ,
    પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી.



  • સમય સાથે બધુજ વહી જશે,
    માત્ર પ્રેમભરી યાદો રહી જશે,
    હોઠો પર ના લાવો તો કંઈ નહીં,
    અમને ખબર છે કે દિલમાં નામ જરૂર રહી જશે.



  • પંખીની જેમ એક દિવસ ઉડી જાસુ,
    સાથે વિતાવેલી પળો સમેટીને લઈ જાસુ,
    ભીંજવીને તમારી આ સુંદર આંખો,
    ફક્ત સોનેરી યાદો છોડીને જાસુ.



  • દરેક શબ્દમાં બહુ ફરક હોય છે,
    ટૂંકા વાક્યોને પણ ઘણા અર્થ હોય છે,
    એક પણ સવાલ સહેલો હોતો નથી,
    અને આપેલા જવાબમાં પણ પ્રશ્નાર્થ હોય છે.



  • ક્યારેક આ જીંદગી હસતા મુકી દે છે,
    ક્યારેક આ જીંદગી રડતા મુકી દે છે,
    ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ દુઃખોના,
    બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ મુકી દે છે.

Saturday, September 26, 2009

"સ્વાર્થી દુનિયાનું આ જ તો ચલણ છે, ગળે મળેલા દોસ્તોના જ હાથમાં ખંજર છે."

રોજની જેમ ફરીથી, આજે વહેલી પરોઢે જ્યારે તમારી આંખ ખૂલી રોહિત, ત્યારે ઘડિયાળમાં સવારના ચાર વાગ્યાનો સમય થયો હતો અને એ પછી તમે તમારી દૈનિક ક્રિયાઓ પતાવીને તમારા રાઈટીંગ ટેબલ પરની રીડીંગ લેમ્પની સ્વીચ ઓન કરી વાંચવાનું શરૂ કર્યું, ત્યારે ઘડિયાળ દરરોજની જેમ જ આજે પણ ચાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટનો સમય દર્શાવી રહી હતી. વહેલી પરોઢનો તમારો આ નિત્યક્રમ છેલ્લા એક બે નહીં પણ એકવીસ વર્ષથી સતત અવિરત અને અતૂટ ચાલ્યો આવતો હતો.

શ્રીમાન રોહિત શાહ, આજે તો તમે અડતાલીસ વર્ષની વય વટાવી ચૂકેલા એક પીઢ અને અનુભવી વ્યક્તિ છો. પરંતુ આજથી લગભગ એકવીસ વર્ષ પહેલા ગુજરાતી વિષયની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરીને અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી ગવર્મેન્ટ તરફથી ગ્રાન્ટ મેળવતી એક સામાન્ય શાળામાં શિક્ષક તરીકે નિમણૂંક પામ્યા, તેના થોડાક જ વર્ષોમાં તમારી ભણાવવાની આગવી અદા, ક્રાંતિકારી વિચારો, વ્યવહાર કુશળતાના કારણે વિદ્યાર્થીઓ જેને એક સામાન્ય વિષય ગણતા હતા તેવા ગુજરાતી વિષયને એક રસપ્રદ સાહિત્યનો વિષય બનાવી દીધો હતો. વિદ્યાર્થીઓને સતત કંઈક નવું શીખવવાની લાગણીના કારણે તમે રોહિત શાહ, એક વિદ્યાર્થીપ્રિય શિક્ષક બની ગયા અને તમારી શાળાના પ્રિન્સિપલના મનમાં તમારી એક ઉમદા અને હોંશિયાર શિક્ષક તરીકે ની છાપ પણ ઊભી થઈ ગઈ. મળતાવડા સ્વભાવના કારણે એ પછીના વર્ષોમાં તમારા મિત્રવર્ગમાં પણ ઘણો મોટો વધારો થયો રોહિત અને તમારા પરોપકારી સ્વભાવને આધીન તમે તમારી સમક્ષ જે મિત્રોએ મદદ માંગી તેને તમે તમારાથી શક્ય બનતી બધી જ રીતે મદદ કરી.

હા, સાથે સાથે તમારા સુવાંગ વ્યક્તિત્વ અને તમારી શાળામાં તમારા ઉંચા માન-મોભા અને વિદ્યાર્થીપ્રિયતાના કારણે તમારી ઈર્ષા કરનાર વ્યક્તિઓનો વર્ગ પણ મોટો થતો ગયો હતો. એરે એટલું જ નહિં પણ એવા ઘણા વ્યક્તિઓ હતા કે જે તમારા મિત્ર હોવાનો દાવો કરતા હતા અને તમારી જ પીઠ પાછળ તમારી બદનામી કરવામાં વ્યસ્ત રહેતા હતા.

રોજની જેમ જ આજે સવારે રોહિત તમે તમારૂં વાંચનકાર્ય પૂર્ણ કરી સવારનો નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયા ત્યારે ઘડિયાળ છ વાગ્યાને પંદર મિનિટનો સમય બતાવી રહી હતી અને ડાઈનીંગ ટેબલ પર  નાસ્તો કરતાં કરતાં તમને અચાનક જ યાદ આવ્યું કે તમારા જ સાથી મિત્ર અને તમારી જ સાથે તમારી જ શાળામાં હિન્દી અને સંસ્કૃતના શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજય પટેલે ગઈ કાલે તમારી પાસેથી દસ હજાર રૂપિયા હાથ ઉછીના માંગ્યા હતા, જે તેને તમે આજે આપવાનું કહ્યું હતું. નાસ્તો પતાવીને તમે રોહિત શાહ તમારી તિજોરીમાંથી સંજય પટેલને આપવા માટે સોની નોટોનું એક બંડલ કાઢી તમારા ખિસ્સામાં મૂકી તમે ફરજ પર જવા ઘરેથી નીકળી ગયા.

સારું છે કે માણસ ભવિષ્યની ઘટનાઓ વર્તમાનમાં જોઈ શકતો નથી. બાકી જો રોહિત શાહ તમને કદાચ ખબર હોત કે સ્વભાવે શાંત અને સૌમ્ય તથા તમારો મિત્ર હોવાનો દાવો કરનાર આ જ સંજય પટેલ, નજીકના ભવિષ્યમાં તમારા જ આપેલા આ દસ હજાર રૂપિયાની મદદથી જ તમારી ખૂબ જ હલકી કક્ષાની બદનામી કરવાનો છે, તો તમે કદાચ એને મદદ ન કરી હોત.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, September 23, 2009

"સમીર છું ને સમીરની જેમ ચાલ્યો જઈશ, યાદોમાં સાથે કેદ તને કરીને જઈશ."

ઘડિયાળના કાંટા તેમની નિયમીત ટક ટક કરી રહ્યા હતા અને આ ફરતા કાંટાઓની સાથે તમે સ્મિતા શુક્લ આજે કંઈક વધુ ચીવટ અને ઝડપથી તમારૂં કામ કરી રહ્યા હતા. તમારા પ્રેમાળ, સ્માર્ટ અને હેન્ડસમ પતિ તેજસ શુક્લએ આજે સવારે જ ઓફિસ જતાં પહેલા જણાવ્યું હતું કે સાંજે તેમની સાથે તેમના નવા બોસ સમીર બક્ષી ડિનર પર ઘરે આવવાના છે.

પવનની હળવી લહેરખીની જેમ સરકી જતા સમયે સાત વાગ્યાનો સમય ઘડિયાળમાં દર્શાવ્યો અને લગભગ એ સાથે જ તમારા બંગલાની પોર્ચમાં ગાડી આવીને ઊભી રહી. એના પરિચિત અવાજ પરથી તમે જાણ્યું કે તમારા પતિ તેજસ આવી ચુક્યા છે અને તમે તેમને આવકારવા મેઈન-ડોર સુધી ગયા. તેજસે તમને તેની સાથે આવેલ તેના બોસ સમીર બક્ષીનો પરિચય કરાવ્યો અને જ્યાં તમારી અને સમીર બક્ષીની નજર એક થઈ ત્યાં તમે એક આંચકો અનુભવી ગયા. પણ પછી તરત જ સ્વસ્થતા કેળવી સસ્મિત ભારતીય પરંપરા મુજબ તમે સમીર બક્ષીને આવકાર્યા અને પછી ડિનરની તૈયારી હેતુ રસોડામાં ગયા અને સાથે સાથે તમારા કોલેજના ભૂતકાળમાં પણ...

શહેરના શ્રીમંત પરિવારોમાંના એક કૃષ્ણકાંત દિવાનના વ્હાલસોયા દીકરી સ્મિતા દિવાન તમે કોલેજમાં આવવા-જવા માટે ગાડીની સગવડ ભોગવતા હતા. ત્યારે તમે ભણવામાં બેહદ હોંશિયાર અને  આખી કોલેજમાં ફર્સ્ટ આવતા નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારના સામાન્ય દેખાવ ધરાવતા અને બસમાં આવતા જતા તમારા સહાધ્યાયી સમીર તરફ આકર્ષાયા હતા.

તમારૂં એ આકર્ષણ પરિચય અને પ્રણયમાં પરિણમ્યું. પરંતુ તમારા અને સમીર વચ્ચેની આભ-જમીન જેવી આર્થિક અસમાનતાના કારણે તમારો પ્રણય પરિણય સુધી નહિં પહોંચે તેવી ખાત્રી થતાં જ તમે તે સંબંધને પૂર્ણવિરામ આપ્યો અને તમને બરાબર યાદ છે સમીરે તમારા સાથેની છેલ્લી મુલાકાતમાં તમારો નિર્ણય જાણ્યા પછી કહ્યું હતું
          "સમીર છું ને સમીરની જેમ ચાલ્યો જઈશ,
                     યાદોમાં સાથે કેદ તને કરીને જઈશ."

એ પછી તમે એક મલ્ટી-નેશનલ કંપનીની ગુજરાત ઓફિસના એકાઉન્ટ મેનેજર તેજસ શુક્લ સાથે લગ્ન કરી સ્મિતા દિવાનમાંથી સ્મિતા તેજસ શુક્લ બન્યા. તેજસનો અવાજ સાંભળતાજ તમે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યા અને ડ્રોઈંગરૂમમાં વાતોમાંથી પરવારી ડિનર ટેબલ પર ગોઠવાયેલા તમારા પતિ અને તેના બોસ સમીરને ડિનર સર્વ કરવા લાગ્યા; ત્યારે તેજસે સમીરનો વધુ પરિચય કરાવતાં જણાવ્યું કે સમીર બક્ષીએ સી.એ. અને એમ.બી.એ.ની ડિગ્રી હાંસલ કરેલી છે અને તેઓ આખા વેસ્ટ ઝોનના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના જનરલ મેનેજર છે. ડિનર દરમ્યાન જ્યારે તેજસે સમીરને તેમના અનમેરીડ હોવાનું કારણ પુછયું તો નિખાલસતાથી સમીરે એક નજર તમારી સામે કરી જણવ્યું કે, "કોલેજમાં એક શ્રીમંત છોકરી સાથે પ્રણય હતો, પણ આર્થિક પરિસ્થિતીએ પ્રણયને પરિણયનું પરિણામ ન આપ્યું અને મેં એ પ્રણયની યાદમાં પરિણય વગર જીવવાનું નક્કી કર્યું." ત્યારે સ્મિતા તમને જાણે એક ક્ષણ ઠંડી કંપારી આવી ગઈ.

વિદાય સમયે તેજસે તેના બોસને તેઓ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે હોટલના બદલે પોતાના જ ઘરે ઉતરવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ઓફિસી સ્માઈલ સાથે તેના બોસે આમંત્રણનો અસ્વીકાર કરી ફરી ક્યારેય તેના ઘરે નહિં આવે તેવું જણવ્યું અને આજના ડિનર માટે થેંક્સની સાથે કહ્યું
          "સમીર છું ને સમીરની જેમ ચાલ્યો જઈશ,
                     યાદોમાં સાથે કેદ તને કરીને જઈશ."

હા, સ્મિતા દિવાન, તેજસ શુક્લના સમીર સર એ જ કોલેજકાળનો તમારો પ્રેમ, સમીર હતો.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, September 19, 2009

"કોઈની આશનું શું કામ છે? જ્યારે સાબૂત તન, મન અને શ્વાસ છે."

ખંજરના ઉંડા પડેલા ઘાવ પર મીઠું ભભરાવતા જેવી દર્દનાક વેદના થાય તેવી જ વેદના વિપ્લવ તમારૂં હૃદય અનુભવી ગયું. પરંતુ, સંઘર્ષ અને સંયમમાં જીવન પસાર કરી નાખનાર વિપ્લવ તમે તરત જ વેદનાને હૃદયમાં દબાવી દીધી અને તમારી ખુમારીએ તમારી માનસિક ઉંમર ફરીથી ત્રીસ વર્ષની બનાવી દીધી.

જી હા, વિપ્લવ - વિપ્લવ ત્રિપાઠી, સાંસ્કૃતિક નગરી વડોદરાના એક પરા વિસ્તારમાં બાળપણ અત્યંત ગરીબીમાં પસાર કરી, રસ્તા પરની સ્ટ્રીટ લાઈટના અજવાળામાં શિક્ષણ લઈ વડોદરાની મ.સ. યુનિવર્સીટીમાં યુવાન વયે તમે પ્રવેશ મેળવ્યો હતો. અન્ન અને દાંતને વેર હોય તેવા પરિવારમાં તમે મોટા થયા હતા વિપ્લવ, પરંતુ તમે ક્યારેય કોઈની મદદ ન સ્વિકારવાનો સ્વભાવ કેળવી અેક સંપૂર્ણ સ્વમાની વ્યક્તિ તરીકેનું જીવન જીવતા હતા. એ વાત પણ એટલી જ સત્ય છે વિપ્લવ કે આ સ્વમાની જીવન જીવવા તમે રોજના દસ કલાલ એક ફેક્ટરીમાં મજૂરી કરતા હતા.

વડોદરાની મ.સ. યુનિવર્સીટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તમે વિપ્લવ એક નાના પાયા પર તમારો પોતાનો એસિડ-ફિનાઈલ, ગળી-ડિટર્જન્ટ, વગેરે ઘર-વપરાશી વસ્તુઓ બનાવી વેચવાનો ધંધો શરૂ કર્યો અને તમારા માયાળુ અને સાલસ સ્વભાવ તથા અથાક મહેનતના પરિણામે તમે તમારૂં પોતાનું એક રૂમ રસોડાનું મકાન વડોદરા શહેરમાં લીધું. જીવનની કેડી પર અત્યાર સુધી એકલા જ ચાલતા આવેલા વિપ્લવ ત્રિપાઠી તમને ઘણીા વખત અકસ્માતમાં મૃત્યુ પામેલા તમારા માતા-પિતાની યાદ આવી જતી હતી ત્યારે તમારી આંખ ભીની થઈ જતી હતી. માતા-પિતાનું છત્ર ગુમાવ્યું ત્યારે તમે માત્ર આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા વિપ્લવ. એકલતા દૂર કરવા તમે તમારી એઠ્યાવીસ વર્ષની ઉંમરે જીવનસાથીની તલાશ શરૂ કરી હતી એને થોડાક જ સમયમાં તમારી જ જેમ એકલતાની કેડી પર ચાલનાર વિદ્યાના સંપર્કમાં તમે આવ્યા અને પરસ્પર લગ્ન ગ્રંથીથી જોડાઈ સંસાર સફર શરૂ કરી.

કુદરત જાણે એ સમયે તમારા પર મહેરબાન થઈ ગઈ વિપ્લવ. તમે તમારો ધંધો વિકસાવ્યો. એક લોડિંગ રીક્ષા લીધી અને તમારા સંસાર જીવનના બીજા વર્ષે તમને પુત્ર રત્નની પ્રાપ્તી થઈ. તેનું નામ પણ તમે કેવું સરસ રાખ્યું હતું - વિશ્વેશ. લગભગ વિશ્વેશના જન્મ પછી બાજા ત્રણ વર્ષે તમારા ઘરે પુત્રી ઝંકારનો જન્મ થયો, ત્યારે તમને લાગ્યું કે સંસારમાં તમારાથી સુખી કોઈ જ નહિં હોઈ શકે.

તમારો પરિવાર સુખી હતો. વિશ્વેશે અભ્યાસમાં સ્કોલરશીપ મેળવી હતી અને પોતાની ઓળખ ડૉ. વિશ્વેશ ત્રિપાઠી તરીકેની બનાવી વધુ અભ્યાસ માટે લંડન ગયો, ત્યારે તમારી છાતીમાં હરખ સમાતો ન હતો. જ્યારે તમને વિશ્વેશે સમાચાર આપ્યા કે તેણે લંડનમાં જેનેટ નામની સ્થાનીક ગોરી યુવતી સાથે લગ્ન કરી લીધા છે, ત્યારે ક્ષણિક તો તમને આઘાત લગ્યો. પણ તમે એ આઘાત પચાવી ગયા દિકરાના સુખી ગૃહસ્થ જીવન માટે પ્રાર્થના કરીને વિપ્લવ.

પણ આજે વિપ્લવ તમે વિશ્વેશને ફોન પર, બિમાર અને મરણ પથારી પર પડેલી તેની જન્મદાત્રી અને તમારી પત્ની વિદ્યાની ખબર પૂછવા તથા નજીકના સમયમાં તમારી દિકરી ઝંકારના 'ચટ મંગની, પટ બ્યાહ' જેવા લગ્નના પ્રસંગે તેને વડોદરા પાછા આવવા કહ્યું ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા ડૉ. વિશ્વેશે જણવ્યું કે તેની પાસે સમય નથી તેથી તે નહિં આવી શકે. તેના જવાબથી તમારૂં હૃદય કકળી ઉઠ્યું હતું વિપ્લવ, પણ તરત જ તમારી ખુમારીએ તમને યાદ અપાવ્યું કે કોઈની આશનું શું કામ છે? જ્યારે સબૂત તન, મન અને શ્વાસ છે.


લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, September 16, 2009

આંખ આપો તો ટૂચકા વંચાવું

  • પ્રેમ, ઈશ્ક અને મહોબ્બત... એ બધું સ્ટોક માર્કેટ જેવું છે,

    એમાં તો એવું છે ને કે.... ફાવી ગયા તો હર્ષદ મહેતા... નહિંતર નરસિંહ મહેતા....



  • શિક્ષક - જરા વિચારો બાળકો, ચિનના અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી, તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઇએ?

    બાળકો (હર્ષનાદ સાથે) - ચિન જવા માટે...



  • ટીચરઃ ટેરરીસ્ટ એટલે શું?

    બાપુઃ ટેરરીસ્ટ એવા પ્રવાસી છે જે બીજા દેશમાંથી આપણા દેશમાં દિવાળી ઉજવવા આવે છે...



  • લેટેસ્ટ ગુજરાતી શાયરી

    હૈયામાં ગમ રાખું છું,
    દિલમાં તારૂં નામ રાખું છું,

    તારી યાદમાં દુખે છે મારૂં માથું,
    ત્યારે તું કહીશ મા ઝંડુ-બામ રાખું છું..



  • ચોર પકડવાનું મશિન સોધાયું.

    અમેરિકામાં એક દિવસમાં ૧૫ ચોર પકડાયા
    રશિયામાં ૨૦
    ચિનમાં ૩૦

    ભારતમાં એક કલાકમાં તો મશિન જ ચોરાઈ ગયું...



  • કોઇકે કાકાને પૂછ્યું, તમે આવતા જન્મે શું બનવા માંગો છો?

    કાકા - વાંદો

    કેમ?

    કાકાએ ખાનગી માહિતી આપી, કારણકે તારા કાકી ફક્ત વાંદાથી જ ડરે છે..



  • ચિત્રગુપ્તઃ આપણો ટારગેટ પુરો કેમ થતો નથી?

    યમરાજઃ ટારગેટ ક્યાંથી પુરો થાય.. મારો પાડો પહોંચે એ પહેલાં નરેન્દ્ર મોદીની ૧૦૮ પહોંચી જાય છે...



  • બાપુ બિલ ગેટ્સને - તમે યાર માણસ વિચિત્ર છો.

    ગેટ્સ - કેમ?

    બાપુ - તમે અટક દરવાજા (GATES) ની રાખો છો અને ધંધો બારીઓ (WINDOWS) નો કરો છો.!



  • એક ભાઈએ બાપુને તેમની ઉંમર પુછી તો બાપુએ પોતાની ઉંમર ૩૦ વર્ષ કહી...

    પેલો ભાઈ આશ્ચર્ય સાથે - પાંચ વર્ષ પહેલા મેં તમારી ઉંમર પુછી તો તમે મને એ વખતે પણ ૩૦ વર્ષ કહી હતી અને આજે પણ એટલી જ કહો છો?

    બાપુ - એમે બાપુ છીએ એક વાર બોલીએ પછી ફરી ના જઈએ..

Saturday, September 12, 2009

શિયાળાની સવારનો તડકો

કોણે કહ્યું રવિને રૂપ નથી?
કોણે કહ્યું રવિને લય નથી?
પૂછો મૂક્ત ગગનના પંખીને,
શું એને એનો અનૂભવ નથી?

નવોઢાના ચહેરા પર, શરમની રતાશ બનીને,
સૂરજમૂખીના ફૂલ પર, ચાતકની પ્યાસ બનીને,
અંધારી ધરતી પર ફેલાય છે એ, પ્રભાતનું ઊજાસ બનીને,
લાવે છે કંઈક નવા શમણાં, શિયાળામાં સવાર બનીને.

અસહ્ય લાગતો જે ઊનાળામાં,
આવકારે છે લોકો એને શિયાળામાં,
નાના બાળક જેવો પ્યારો,
     સોહામણો લાગે છે એ સવારમાં.

અદૄભૂત છે અનુભૂતિ એની,
અદૄભૂત છે આગમન એનું,
શું હું ખોટું કહું છું,
     શિયાળાની સવારના તડકાની બાબતમાં?

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ મનિષા એ. પટેલ

Saturday, September 5, 2009

આભાર

દર્દ પર દર્દ આપવાનો આભાર;
મિત્ર બની મિત્રદ્રોહ કરવાનો આભાર,

મિત્ર બની જીવનમાં આવવાનો આભાર;
શત્રુ પણ ન કરે એવો દ્રોહ કરવાનો આભાર,

ચાર કદમ જીંદગીના સાથે ચાલવાનો આભાર;
મુસીબતોમાં સાથ છોડી દેવાનો આભાર,

સ્વપ્નમાં આવી પ્રેમ વરસાવવાનો આભાર;
સન્મુખ આવી નફરત વરસાવવાનો આભાર,

કવચ તરીકે અમારો ઉપયોગ કરવાનો આભાર;
શસ્ત્ર બની આમારા પર વાર કરવાનો આભાર,

દર્દ પર દર્દ આપવાનો આભાર;
મિત્ર બની મિત્રદ્રોહ કરવાનો આભાર.

કવિઃ આશિષ એ. મહેતા

Sunday, August 30, 2009

જ્યાં યાદ તમારી આવે છે

જ્યાં યાદ તમારી આવે છે;
          ત્યાં મનડું મારૂં મુંઝાય છે,
કેવી રીતે કહું તમારા વિના;
          મારા કેવા દિવસો જાય છે,

દિવસ તો આખો કામમાં જાય છે;
          રાતના અંધકારમાં તમારો ચહેરો દેખાય છે,

ખુલ્લી આંખે તમારા સ્વપ્ન આવે છે;
          આંખ મીંચાતા નિંદ્રા પણ અદ્રશ્ય થાય છે,

ચારે તરફ સદાય તમારો જ ભાસ થાય છે;
          હ્દયની અંદર તમારો અનુભવ થાય છે,

સૂરજમુખી અને ચાતકની તડપ;
          હવે અનુભવાય છે,
જીવનમાં પ્રેમનું મહત્વ;
          હવે સમજાય છે.

કવિઃ આશિષ એ. મહેતા

"પ્રામાણિકતા અને ઈમાનદારીની સદાય કદર થાય છે, બસ સમયનો ઈંતજાર કરો."

પૂર ઝડપે દોડી રહેલી ટ્રકના અજીબ ચિત્કારી કરતા પૈડાના અવાજોની સાથે કંઈક આવેશ સભર સતત ગીયર ચેન્જ કરી રહેલા તમને તમારા ટ્રકનો ક્લીનર લાખો આજે પ્રથમ વખત જ આવા આવેશમાં જોઈ રહ્યો હતો, કાળુસિંહ રાજપૂત.

એક રાજપૂતને શોભે તેવું કદાવર, મજબૂત બાંધાનું શરીર, અણિયાળુ નાક, મોટું કપાળ, બન્ને કાનમાં વાળીઓ, તલવાર કટ મૂછ, શ્યામ રંગ, વાંકળિયા વાળના માલીક કાળુસિંહ તમે જ્યારે "બી.આર. ટ્રાન્સપોર્ટ" નામની લગભગ આખા પશ્ચિમ ભારતમાં ધંધો કરતી શેઠ શ્રી બદ્રીપ્રસાદ રાયચંદ ત્રિવેદીની પેઢીમાં જોડાયા ત્યારે ઓગણીસ વર્ષના નવયુવાન હતા. અનુભવી શેઠ શ્રી બદ્રીપ્રસાદે તમારા હીરને એક જ નજરે પારખીને તમને ક્લીનર તરીકે નોકરી આપી દીધી હતી. એકવીસ વર્ષની યુવાન વયે તમારા લગ્ન પ્રસંગમાં શેઠ જાતે આવ્યા હતા, અને લગ્ન બાદ તમને ક્લીનરમાંથી ડ્રાઈવરનું પ્રમોશન આપ્યું હતું. તમારી પ્રામાણિકતા અને વફાદારીથી તમે બહુ જ થોડા વર્ષોમાં શેઠના અત્યંત વિશ્વાસુ ડ્રાઈવર અને કંઈક અંશે કંઈક હદે મિત્ર જેવા બની ગયા હતા અને એટલે જ તો જ્યારે તમારા ઘરે તમારા પુત્ર પ્રતાપસિંહનો જન્મ થયો ત્યારે તમારા શેઠને તેમના ઘરે પૌત્રનો જન્મ થયો હોય તેવો આનંદ થયો હતો.

આજે ટ્રક ચલાવતા કાળુસિંહ આ બધી જ ઘટના તમારી સામે એક ચિત્રકથાની જેમ રજૂ થઈ રહી હતી. એક ઉડતી નજર તમે તમારા ટ્રકની જમણી તરફના બેકવ્યુ મીરર પર નાખીને તમે ડ્રાઈવર કેબીનમાંના મીરરમાં તમારો ચહેરો જોયો. વનપ્રવેશ કરી ચૂકેલા કાળુસિંહ તમારા માથા અને મૂછના વાળમાંથી સફેદી છલકી રહી હતી અને તમારી પાણીદાર આંખો આજે ઉજાગરાના કારણે નહિં પરંતુ ગુસ્સાના કારણે લાલ હતી. વડોદરાના આકોટા રોડ પર આવેલી તમારી બી.આર. ટ્રાન્સપોર્ટની ઓફિસેથી નિકળતી વખતે જ તમારો મૂડ બદલાયેલો હતો અને મસ્તમિજાજી કાળુસિંહને આજે પ્રથમ વખત જ ગુસ્સામાં લાખો જોઈ રહ્યો હતો.

ફરી તમારા સ્મૃતિપટ પરથી ઘટનાઓ પસાર થવા લાગી; તમારી પાંત્રીસીની આઘેડ વયે તમારા શેઠ બદ્રીપ્રસાદે જ્યારે નિવૃત્ત જીવન જીવવાનું વિચારી તેમના પચ્ચીસ વર્ષના યુવાન પુત્ર કેદારને પેઢીનો વહીવય સોંપ્યો ત્યારે શેઠ બદ્રીપ્રસાદે તમને કહેલા શબ્દો તમારા કાનમાં ગુંજી ઉઠ્યા, "કાળુસિંહ, કેદાર તારા નાના ભાઈ જેવો છે અને તું મારા મિત્ર જેવો છે. કેદારને સંભાળજે અને તેનું ધ્યાન રાખજે." આ ઘટનાના સત્તર વર્ષ પછી પણ તમને આ શબ્દો બરાબર યાદ છે અને આજે આ ઘટના જ એવી બની હતી કે તમને ભૂતકાળ યાદ આવી રહ્યો હતો.

આજે સવારે તમે તમારા શેઠ કેદાર ત્રિવેદી પાસે તમારા યુવાન પુત્ર પ્રતાપસિંહની કોલેજની ફી ભરવા માટે ઉપાડ માંગ્યો હતો અને મહેનત વગરની સિધ્ધિ પામેલ શેઠ કેદારે તમને જે રીતે ના પાડી હતી તેના કારણે આજે તમને લાગી આવ્યું હતું. કાળુસિંહ આટલા વર્ષોની તમારી ઈમાનદારીનું આવું અપમાનજનક પરિણામ. પ્રતાપસિંહની કોલેજની ફી આજે તમારે કોઈ પણ સંજોગોમાં જોઈતી હતી અને એટલે જ સાંજે અમદાવાદથી વડોદરા પરત ફરતી વખતે તમે પેસેન્જર બેસાડવાનું વિચારી રહ્યા હતા.

પણ કાળુસિંહ તમને જાણ ક્યાંથી હોય, આજે જ તમારા શેઠ બદ્રીપ્રસાદ પેઢી પર અમસ્તા આંટો  મારવા આવ્યા હતા, ત્યારે તો તમે અમદાવાદ તરફ નીકળી ચૂક્યા હતા, પરંતુ જ્યારે તેમણે તમારા જેવા જ વિશ્વાસુ પેઢીના મુનીમ પાસેથી આ ઘટના જાણી ત્યારે તેમણે કેદારને પિતા સહજ ઠપકો આપ્યો અને તેઓ જાતે જ તેમની ગાડીમાં તમારા ઘરે ગયા હતા અને કોમર્સમાં ગ્રેજ્યુએટ થઈ ગયેલ અને આગળ માસ્ટર ડિગ્રીનો વધુ અભ્યાસ કરવા ઈચ્છતા તમારા પુત્ર પ્રતાપસિંહની કોલેજની ફી તેના હાથમાં આપી અને સાથે સાથે તમારી પેઢીમાં જ પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટની નોકરી પણ.

અને અત્યારે કાળુસિંહ, કેદાર શેઠ અને પ્રતાપસિંહ બંન્ને તમારી રાહ જોઈ રહ્યા છે. કેદાર શેઠ નાના ભાઈની જેમ દિલથી માફી માંગવા અને તમારો પુત્ર પ્રતાપસિંહ નોકરી અને ફી મળી ગયાની બેવડી ખુશીના સમાચાર આપવા. પણ એ તો તમે સાંજે અમદાવાદથી પરત ફરશો ત્યારે જ તમને ખબર પડશે.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

"એક ફૂલ ચમનમાં મહેકી ઊઠશે, કળીની માવજત કરી ફૂલને ખીલવા દો."

રાતની નીરવતાને ચીરતી ડોરબેલ અચાનક બે વખત ઉપરા ઉપરી રણકી ઊઠી અને કાગનિંદ્રામાં પોઢેલા તમે દિગ્વિજયસિંહ ઝાલા જાગી ઊઠ્યા. અચાનક રણકતી આવી ડોરબેલથી ટેલાયેલા તમે દિગ્વિજયસિંહ ટેબલ લેમ્પ ઓન કરી, ચોપ્પની આંખો પર બેતાલાના ચશ્મા ચઢાવી સિંહની ત્વરિતતાથી મેઈનડોર ખોલ્યું અને તમારી સામે હજુ તો જેણે આંખો પણ નથી ખોલી એવું એક જીવન ભોંય પર સફેદ કપડામાં લપેટાયેલું હતું. તમે એક પિતા સહજ લાગણીથી એને તેડીને ચારે તરફ નજર દોડાવી. પરંતુ તમારી અપેક્ષા મુજબ જ તમારી સામે છાતી કાઢીને ઊભેલા રાતના અંધકાર સિવાય કોઈ જ ન હતું. તમે તમારા મકાનમાં અંદર આવી મેઈનડોર બંધ કરી લાઈટ ઓન કરી. બરાબર સાડા ત્રણનો સમય તમારી દિવાલ ઘડીયાળમાં થયો હતો અને કદાચ એટલા જ દિવસનો સમય તમારા હાથમાં રહેલા બાળકના જન્મને થયો હશે.

તમે દિગ્વિજયસિંહ ઝાલા મૂળ કાઠિયાવાડના રાજપૂત ઝાલા પરિવારના અને વર્ષોથી સુરેન્દ્રનગરમાં રહેતા હતા. યુવા અવસ્થાથી જ તમારા વિચારો ક્રાંતિકારી હતા અને તમારા આવા વિચારોને તમારા માતા-પિતા તરફથી યોગ્ય દિશા અને પ્રોત્સાહન મળ્યું હતું. એકવીસ વર્ષની યુવાન વયે એક ઢળતી સાંજે, તમે સાયન્સ ગ્રેજ્યુએટની ડિગ્રી લઈ તમારા ઘર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પડેલી એક કચરાપેટીમાંથી કોઈ નાના જીવના રૂદનનો અવાજ કાને પડતાં તમે ત્યાં ગયા અને એક બાળકને તમે કચરાપેટીમાં જોયું. હજુ તો તેના જન્મને બે દિવસ પરાણે થયા હશે અને તમે તે વખતે પ્રથમ વખત જ આવા તરછોડી દેવાયેલા નવજીવનને ઊઠાવી ગળે લગાડ્યું હતું. આ ઘટનાએ તમારા મનમાં સમાજ અને સમાજની વ્યવસ્થા વિષે અનેક સવાલો પેદા કર્યા હતા. દિગ્વિજયસિંહ એ સમયે તમે વિચારે ચઢ્યા હતા અને તમારૂં મન સવાલો કરી રહ્યું હતું, "શું આદમ અને ઈવ વચ્ચેનું આકર્ષણ ગુનો છે? શું એક નર અને નારીનો પરસ્પરનો પ્રેમ ગુનો છે? જાનવરો પણ પોતાના સંતાનોને શિકાર થતા બચાવવાનો મરણિયો પ્રયાસ કરે છે ત્યાં આવી રીતે સૃષ્ટિના સૌથી બુધ્ધિશાળી પ્રાણી-માણસ દ્વારા આવા નવજીવન-નવજાત શિશુને તરછોડવું યોગ્ય છે? જ્યારે શિશુને પાળવા, પોષવા, ઊછેરવાની સક્ષમતા નથી, તૈયારી નથી તો પછી તેવા કૃત્યો જ શા માટે? માનવજાતના કહેવાતા પ્રેમી-પંખીડાઓ ખરેખર પ્રેમનો સાચો અર્થ સમજે છે ખરા? આવા કાયર માતા-પિતાના કૃત્યોનો દંડ આવા નિર્દોષ શિશુને શા માટે? જે સમાજમાંથી જ આવા બાળકો ઉત્પન્ન થાય છે તે જ સમાજ કયા હકથી આવા બાળકોને "પાપનું ફળ", "ગંદકીનો કીડો", "હરામી" જેવા વિશેષણો આપે છે?"

અને આવા જ વિચારોથી પ્રેરાઈને તમે સમાજના આવા તરછોડાયેલા બાળકોને એક નવજીવન આપવાનું શરૂં કર્યું હતું. અને તમારા મકાનને જ આ શુભ હેતુસર ઊપયોગમાં લીધું. તમારી ત્રેવીસ વર્ષની ઉંમરે તમે તમને સાથ આપવા તૈયાર એવી એક અનાથ કન્યા સાથે ગૃહસંસાર શરૂ કર્યો અને તમે તમારા પત્ની રૂપકુંવરબા સાથે આવા બાળકોના યોગ્ય ઊછેર અને શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવાનું શરૂ કર્યું. તમારી વારસાગત મિલકતનો ઘણો બધો ભાગ તમે વાપરી ચૂક્યા હતા. એક પછી એક તમારા ત્યાં આવા બાળકોની સંખ્યા વધતી ચાલી અને આજે બરાબર તમારી ચોપ્પન વર્ષની ઊંમરે આ બાળકના આવવાની સાથે તમારા પરિવારમાં ત્રીસમા સંતાનનું આગમન થયું હતું.

સહેજ અવાજ થતાં તમે તમારા હાથમાં રહેલા બાળક તરફથી નજર હટાવી સામે જોયું. તમારી સામે તેત્રીસ વર્ષીય એ.સી.પી. રાજવીરસિંહ ઝાલા, તમારી એકવીસ વર્ષની ઊંમરે તમે અપનાવેલો તમારો મોટો પુત્ર ઊભો હતો.

દિગ્વિજયસિંહ તમારા જેવા માનવતાના કૃત્યો કરનારા જ્યાં સુધી આ ધરતી પર છે ત્યાં સુધી જ જીવન સૃષ્ટિ ધબકતી રહેશે. બાકી તો આ ભ્રષ્ટ, મૂલ્યહીન અને સ્વચ્છંદી સમાજ પાસેથી કોઈ જ વિશેષ અપેક્ષા રાખી શકાય તેમ નથી.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

"દરેક રસ્તે એક જ મંઝિલ નથી હોતી, દરેક મંઝિલનો એક જ રસ્તો નથી હોતો"

પૂર ઝડપે દોડવા સમર્થ એવી તમારી નવી નક્કોર એર કન્ડીશન્ડ ટોયોટા ઈનોવા ગાડી પણ આ ઉબડ-ખાબડ રસ્તા પર ગોકળ ગાયની ગતિએ જઈ રહી હતી અને કાચ ચઢાવેલી બારીની આરપાર તમે ઉડતી ધૂળને જોઈ રહ્યા હતા કશ્યપ ત્રિવેદી.

હા, કશ્યપ ત્રિવેદી, પિસ્તાલીસ વર્ષની જૈફ ઊંમરે અમદાવાદ જેવા મોટા શહેરમાં કેમીકલના ધંધામાં તમે ખૂબજ નામ અને દામ કમાયેલા અગ્રગણ્ય બિઝનેસમેન આજે તમારા મૂળ વતન એવા ગાંધીનગર જિલ્લાના અમીયાપુર નામના નાનકડા ગામ તરફ જઈ રહ્યા છો.

એકવીસ વર્ષીય તમારો યુવા ડ્રાઈવર નરેશ પોતાના કામમાં ખૂબજ હોંશીયાર અને રસ્તાથી પરિચિત હોવાથી તમે ઊડતી ધૂળની આરપાર તમારા વિતેલા અતીતને વાગોળી રહ્યા છો. આ ગામની માટીમાં, આદરણીય ગણાતા અને "ગજા ગોર" તરીકે ઓળખાતા ગજાનન ત્રિવેદીના ઘરે તમારો જન્મ થયો હતો અને આ જ ગામમાં તમારૂં બાળપણ વીત્યું હતું. એ બાળપણના સ્મરણો જ આજે તમને અહિં ખેંચી લાવ્યા હતા. તમારા જ ફળિયામાં રહેતી, વયમાં તમારાથી બે વર્ષ નાની અમી આચાર્યની સાથે વીતેલું તમારૂં બાળપણ, એ ઘરઘત્તા, દોડ-પકડ, સંતાકુકડીની રમતો, આંબાવાડિયામાં કેરીઓ ખાવા જવાનું, વગેરે વિતેલા પ્રસંગો એક ચિત્રપટની માફક તમારી આંખ સામેથી પસાર થઈ રહ્યા છે. માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી તમે હાઈસ્કૂલના અભ્યાસ માટે તમારા કાકાના ઘરે અમદાવાદ આવવા નીકળતા હતા ત્યારે ઉદાસ અને રડમસ ચહેરે તમારી સામે જોઈ રહેલી અમીની આંખો જાણે કે સાથ છોડ્યાની ફરિયાદ કરી રહી હતી ત્યારે તમે એ પ્રેમાળ આંખોમાં આંખ પરોવવાની હિંમત નહતા કરી શક્યા અને તમે ઉજજવળ ભવિષ્ય માટે તમારી બાળસખીથી વિદાય લીધી હતી; કશ્યપ ત્રિવેદી.

દોડધામથી ભરેલી અમદાવાદી જીવનશૈલીમાં એ પછીના તમારા વર્ષો અભ્યાસ અને ટકાવારી મેળવવામાં પસાર થઈ ગયા અને જ્યારે તમે કેમીકલ એન્જીનીયરની ડિગ્રી મેળવી ત્યારે એ જ દિવસે તમને સમાચાર મળ્યા કશ્યપ કે તમારી બાળસખી અમીના વિવાહ થઈ ચૂક્યા છે. કશ્યપ, એ પછીના વર્ષે તમે કેમીકલનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને એ પછી નાણા પ્રાપ્તિ અને ધંધાના વિકાસ માટેની મીટીંગો પાછળ તમારો સમય પસાર થઈ ગયો અને એજ અરસામાં તમારા લગ્ન થઈ ગયા અને તમે પણ તમારા ગૃહસ્થ જીવનમાં ગોઠવાઈ ગયા.

અને એક સવારે કશ્યપ ત્રિવેદી તમને ફરી એક સમાચાર મળ્યા કે તમારી બાળસખી અમી આચાર્ય પર કુદરતે વૈધવ્યની સફેદ સાડી ઓઢાડી દીધી છે, ત્યારે બિઝનેસમેન કશ્યપ ત્રિવેદીના શરીરમાં રહેલું ગ્રામ્ય વાતાવરણનું ભોળું હૈયું કલ્પાંત કરી ઊઠ્યું અને તમને તમારા ગામ તમારી બાળસખી અમી પાસે દોડી જવાની અદમ્ય ઈચ્છા થઈ આવી પરંતુ બિઝનેસી બીઝી શિડ્યુલ અને મીટીંગોએ તમારા પગ બાંધી રાખ્યા હતા.

અને આજે વર્ષો પછી તમારા ગામમાં નવી બનેલી એકમાત્ર હાઈસ્કૂલના ઉદ્ઘાટન સમારંભમાં તમને મુખ્ય અતિથિ તરીકેનું આમંત્રણ મળતાં "એક કાંકરે બે પક્ષી" ની જેમ અતિથિ પદ શોભાવવા અને તમારી બાળસખી અમીને મળવા તમે અમીયાપુર આવી રહ્યા છો.

પણ તમને ક્યાં ખબર છે કશ્યપ કે જેને મળવા તમે અમીયાપુર આવી રહ્યા છે, તે તમારી બાળસખી અમી આજે સવારે સીડી પરથી લપસી પડી છે અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી એ અમી આચાર્ય પાસે સારવારના પૂરતા નાણા પણ નથી.

માટે કશ્યપ જો તમે અમીને મળવા માંગતા જ હોવ તો ઝડપથી નરેશને સૂચના આપો કે ગાડી તમારા ગામ તરફથી પાછી વાળી અમદાવાદની સિવીલ હોસ્પિટલની દિશામાં દોડાવે.....

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ