Saturday, June 27, 2020

કેટલાક ગુના પુરવાર નથી થઈ શકતા.....

શાંત અને રળિયામણા એવા અમરપુરા ગામમાં હજુ તો માંડ પરોઢ પોતાનું અજવાળું પથારી રહ્યું હતું, એવા સમયે ગામના પાદરે આવેલ રામજી મંદિરમાં અકારણ ઘંટારવ થયો અને અકારણ થયેલ આ ઘંટારવથી જાગી ઉઠેલ ગ્રામજનો કઈંક અમંગળના એંધાણ સમજી રામજી મંદિરના પરિસરમાં ભેગા થવા લાગ્યા. એક અમાનવીય દ્રશ્ય ત્યાં હતું અને જેણે જેણે એ દ્રશ્ય જોયું એના મોઢામાંથી અરેરાટીભર્યા ઉદ્દગાર સરી પડ્યા. મંદિરના પગથિયાથી મંદિરના મહંત રામદાસબાપુની ઓરડી તરફ જતા રસ્તા પર પગથિયાથી દસેક કદમ દૂર રામદાસબાપુની લાશ એમના જ ખાટલામાં પડી હતી. પહેલી નજરે જ સ્પષ્ટ થતું હતું કે ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી વાર કરવામાં આવેલ છે. તાલુકાના પોલીસ મથકમાં જાણ કરાતાં પોલીસ અધિકારીઓની તપાસ ટીમ આવી પહોંચી. પંચનામું કર્યા બાદ રામદાસબાપુની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી. રામદાસબાપુના ધર્મપત્ની હીરાબા સ્તબ્ધ અને શૂન્યમનસ્ક થઇ ગયા હતા. ડૉગ સ્કવૉડૅ રામજી મંદિરની પાછળના ભાગે આવેલ કુવા તરફ દિશા સૂચન કરતા અનુભવી પોલીસ અધિકારીને કુવામાં કોઈ સગડ હોવાનો અંદાજ થતા કુવામાં તરવૈયાને ઉતારવામાં આવ્યો. થોડી શોધખોળ પછી એક છરી મળી આવી. ગુનામાં વપરાયેલ હથિયાર મળી જતા તેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું. બીજા દિવસે પોસ્ટ મોર્ટમ થઇ ગયા બાદ રામદાસબાપુની લાશ પોલીસે પરત સોંપી અને ગ્રામજનોએ સાંજે રામદાસબાપુને અંતિમ સંસ્કાર આપવા એવું નક્કી કર્યું. રામદાસબાપુની અંતિમયાત્રા શરુ થઇ. ગામનો પુરૂષવર્ગ ગમગીન હતો પણ હીરાબાના ચહેરા પર એક ન કળી શકાય એવી શાંતિનો ભાવ હતો.

દશમા, બારમા અને તેરમાની વિધિ પૂરી થઇ અને એક દિવસ પોલીસની ટીમ પાછી અમરપુરા આવી અને આ વખતે પોલીસ ટીમમાં મહિલા અધિકારીને જોઈને ગ્રામજનોને નવાઈ લાગી. પી.આઈ. પટેલ સાહેબે રામજી મંદિરમાં દર્શન કરી હીરાબાને બોલાવતા, કોન્સ્ટેબલ હીરાબાને લઈને આવ્યો. સાઈઠની નજીક પહોંચવા આવેલ હીરબાની સ્વસ્થતા અને ચહેરા પરની શાંતિ ગજબ હતી. પટેલ સાહેબે હીરાબાને સીધું જ પૂછ્યું, "બા, કેમ તમારે આવું કરવું પડ્યું?" અને જાણે આ જ સવાલનો જવાબ આપવો હોય તેમ હીરાબાઈ પૂછ્યું, "સાહેબ, તમારી પાસે મને સાંભળવાનો કેટલો સમય છે?" અનુભવી પી.આઈ. પટેલ સાહેબે કહ્યું, "બા નિરાંત લઈને જ આવ્યો છું, આપ નિરાંતે જણાવો."

અને રામજી મંદિરની આસપાસનું વાતાવરણ પણ જાણે આજે હીરાબાને સાંભળવા માંગતું હોય એવી રીતે શાંત થઇ ગયું. મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની પ્રતિમાને વંદન કરી હીરાબા જાણે અતીતમાં ઝાંખીને કહી રહ્યા હોય એ રીતે તેમણે વાતની શરૂઆત કરી.

"સાહેબ, હું માંડ વિસ વર્ષની થઇ હઈશ અને મારા લગન કરી નાખવામાં આવ્યા. લગનના એક વર્ષમાં તો મને ખબર પડી ગઈ કે, મારા લગન જેની જોડે થયા છે એ માત્ર જન્મે જ રામાનંદી સાધુ છે, બાકી રાતનાં અંધારામાં એ કપટી અને લંપટ વ્યક્તિ છે. દિવસનો સાધુ અને રાતનો રાક્ષસ. એમની નજર હંમેશા નાની નાની બાળાઓ પર રહેતી અને તક મળતા અડપલાં કરતા સહેજવાર વિચાર ન કરે. અમે મૂળ તો સૌરાષ્ટ્રના એક નાના ગામ ધોરીયાના વતની. પણ, એક રાતે મંદિરમાં ભજન પુરા થયા બાદ એમણે એમના સ્વભાવગત ગામના મુખીની પૌત્રીને અડપલાં કર્યા અને મુખી એને જોઈ ગયા. મૂળ અમે સાધુ સમાજના હોઈ કોઈ હોબાળો ના થાય એ હેતુથી અમને ગામ છોડી જતા રહેવાનું કહ્યું અને અમે રાતનું અંધારું ઓઢી ગામ છોડી દીધું અને ફરતા ફરતા અહીં અમરપુરા આવી ચઢ્યા. અમારા નસીબ જુવો સાહેબ, અમે અહીં આ ગામમાં આવ્યા એના પંદર દિ પેહલા જ આ મંદિરના મહંત બ્રહ્મચારીબાપુ દેવ થયા હતા અને ગામના મુખી, કાળુભાએ અમને ગામમાં આશરો આપ્યો અને મંદિરની સેવા સોંપી. જીવનના અઢી દાયકા રામજીની સેવામાં આ જ ગામમાં અમે કાઢ્યા પણ સાહેબ એમની અવળચંડાઈ ન ગઈ તે ન જ ગઈ. મેં ઘણી વખત સમજાવ્યા કે, "સાધુ છીએ મર્યાદામાં સારા લાગીએ." પણ સાહેબ કૂતરાની પૂંછડી સીધી થાય તો એમનો સ્વભાવ બદલાય. સાહેબ, એમની નજર હું ઓળખું એટલે બહુ મહેનતે એમની અને મારી આબરૂ ગામમાં જાળવી રાખી. એમના હાથે અનેક વખત માર ય ખાધો પણ સાહેબ ગાડું ચલાવે રાખ્યું. સાહેબ ઉંમર થતા સુધારી જશે એમ હું માનતી હતી, પણ એ ખોટી વાત હતી. સાંઇઠ પુરા થઇ ગયા પણ એ ના સુધર્યા. ગામની ઘણી બધી નાની બાળાઓને એમણે અડપલાં કરવાનો પ્રયત્ન કર્યો અને કદાચ મારી જાણ બહાર પણ કર્યા હશે. સાહેબ, હું એમની આ લંપટ વૃત્તિથી કંટાળી ગઈ હતી. તે રાત્રે પણ ગામમાં ભજન હતાં, રાતનાં બાર વાગ્યા પછીનો સમય હશે, કાળુબાપાની પૌત્રી બાથરૂમ કરવા ગઈ અને એ એની પાછળ ગયા, હું સમય વર્તી ગઈ અને હું પણ એમની પાછળ પાછળ ગઈ. મને આવતી જોઈ એ ભજનમાં પાછા આવી ગયા અને હું મુખીબાપાની પૌત્રીને લઈને પાછી આવી ગઈ. સાહેબ, ભજન પુરા થયા બાદ એમણે મારા ઉપર હાથ ઉપાડ્યો. સાહેબ, મારી પણ સહન કરવાની હદ હોય ને? બસ, એ સુધરે એમ હતા નહિ અને હું એમને હવે વધુ સમય સુધી સહન કરી શકું કે સાચવી શકું એમ ન હતી. બસ સાહેબ, મેં પણ એમની જેમ રાતના અંધારાનો લાભ ઉઠાવ્યો. મને મારો ગુનો કાબુલ છે સાહેબ. જે કર્યું એ વિચારીને કર્યું, જે કર્યું એનો કોઈ જ અફસોસ નથી."

પી.આઈ. પટેલ સાહેબે બાજુમાં ઉભેલા મહિલા પી.એસ.આઈ. વૈષ્ણવ સામે જોઈ એક સૂચક સ્મિત કર્યું અને મહિલા પી.એસ.આઈ.એ એક કાગળ હીરબાની સામે ધર્યો. હીરાબાએ કાગળ વાંચ્યો અને પી.આઈ. પટેલ સાહેબ સામે જોયું, પટેલ સાહેબે કીધું, બા સહી કરી દો અને બધું ભૂલી જાઓ. હીરાબાએ સહી કરી અને પટેલ સાહેબ એમની તપાસ ટીમ સાથે પાછા જતા રહ્યાં.

હા, જતા જતા કાળુભા મુખીની વાડીએ મુખીને મળતા ગયા. મુખીને મળવાનું કારણ એટલું જ કે, મુખીની પૌત્રી પાછળ રામદાસબાપુને જતા મુખીએ પણ જોયા હતા, એમના કાને પણ રામદાસની લંપટલીલાની વાત આવી હતી પણ પ્રમાણ ન હતું. એ રાત્રે અંધારાની આડમાં મુખી પણ ત્યાં જ હતા અને જે કામ હીરાબાએ કર્યું એ કામ મુખી પણ કરવા માંગતા હતા. હીરાબાના દુર્ગા સ્વરૂપને એમણે નજરે જોયું હતું અને પોતાની વગ વાપરીને પટેલ સાહેબને પણ એમણે જ સમજાવ્યા હતા કે કેટલાક ગુના પુરવાર નથી થઈ શકતા, એમાં સીધી સજા જ કરવી યોગ્ય ગણાય અને બધા ગુના ઉકેલાઈ જાય એવું ના પણ બને. હીરબાની વાત સાંભળીને પી.આઈ. પટેલ સાહેબને હવે કાળુભા મુખીની વાત સમજાઈ ગઈ.


આશિષ એ. મહેતા


Creative Commons License

કેટલાક ગુના પુરવાર નથી થઈ શકતા..... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.


Saturday, June 20, 2020

પરિવારમાં જો અનુભવી વડીલ હોય તો વકીલની ક્યારેય જરૂર પડે જ નહિ

"બસ સાહેબ, મારી વાત અહીં પુરી થઇ, આગળ આપને જેમ ઠીક લાગે તેમ કરજો. પ્રણામ."

વાત પૂરી કરીને તમારી સામે બેઠેલ મુકેશ પરમારે વિદાય લીધી અને તમે એને જતો જોઈ રહ્યા. બસ થોડીક જ ક્ષણ બાદ તમે ઓફીસ બેલ વગાડી તમારી એ.સી. ચેમ્બરમાંથી ઉઠી બાલ્કનીમાં આવ્યા અને બાલ્કનીમાં મુકેલ ખુરશીમાં બેઠક લીધી અને તમારી આદતથી વાકેફ એવા તમારી ઓફિસના પટાવાળા સુરેશે તમને તમારી પસંદની ચાન્સેલર સિગરેટ, લાઇટર અને પાણીની બોટલ ભરીને આપી દીધી અને તમે, એડવોકેટ યશેષ ભાર્ગવ, સિગરેટ સળગાવી એક ઊંડો કશ લઇ ધુમ્રસેર છોડી અને એ ધુમ્રસેરથી રચાયેલ વાદળમાં હમણાં જ બનેલી ઘટના જોઈ રહ્યા.

એડવોકેટ યશેષ ભાર્ગવ, અમદાવાદ જેવા મોટા શહેરના ખ્યાતનામ અને મોંધા એડવોકેટસમાંનાં એક અને શહેરના પોશ વિસ્તારમાં પોતાની સ્વતંત્ર માલિકીનું એડવોકેટ હાઉસ ઉભું કરી 25 થી વધુ એડવોકેટસ નોકરી પર રાખી વકીલાતનો વ્યયસાય કરતા  હતા.

સામાન્ય રીતે ફેમિલી કોર્ટમાં તમારા જુનિયર એડવોકેટ જ જતા હતા પણ આજે એક મોટા ગજાના નેતાના નજીકના સંબંધીની દીકરી "પરી" નો કેસ આખરી દલીલો પર હતો અને તમે નેતા સાથેનો સંબંધ સાચવવા આજે કોર્ટમાં જાતે જ ગયા હતા. આજે સવારે પહેલી વખત જ તમે મુકેશ પરમારને મળ્યા. એક સીધો સાદો વ્યક્તિ, ફેશન અને કોર્પોરેટ ક્લચરથી જોજનો દૂરનો માણસ. કોર્ટરૂમમાં દલીલો પતી અને તમે બહાર નીકળ્યા તે સમયે અત્યંત વિનમ્રતાપૂર્વક એણે તમને મળવાનો સમય માંગ્યો અને તમે એકદમ તુમાખીભર્યા અવાજે એને કહ્યું, "હું ક્યારેય જેની સામે કેસ લડતો હોઉ એ વ્યક્તિને કેસ પતે નહિ ત્યાં સુંધી મળતો નથી." પણ એ જ સમયે મુકેશ પરમારના વકીલ નાયક સાહેબે તમને રિકવેસ્ટ કરી, "સર પ્લીઝ, એને એક વખત સાંભળી લો." અને એક એડવોકેટની વિનંતીને માન આપીને તમે મુકેશને મળવાનો ટાઈમ આપતા કહ્યું સાંજે શાર્પ 5.45 વાગે ઓફિસે આવી જાવ.

સાંજે શાર્પ 5.45 વાગે મુકેશ પરમાર તમારી સામે તમારી ચેમ્બરમાં બેઠો હતો. તમારા માટે સાવ નાનો કેસ હતો, આધુનિકતાના રંગે રંગાયેલી પરીને સીધા સાદા મુકેશથી છૂટાછેડા લેવા હતા. છૂટાછેડા આપવામાં મુકેશને પણ કોઈ વાંધો ન હતો પણ મુકેશ પર પરીએ જે ચારિત્ર્યહીનતાના આક્ષેપો લગાવ્યા હતા એની સામે મુકેશનો વાંધો હતો. મુકેશ એ પણ જાણતો હતો કે, પરીનો પિતૃપક્ષ આર્થિક રીતે સક્ષમ હતો અને રાજકીય વગ ધરાવતો હતો, એની સામે મુકેશનું કંઈ ગજું ન હતું. તમારી સામે બેસીને સીધી જ મુદ્દાની વાત કરતો હોય એમ મુકેશે એના મોબાઈલમાં કેટલાક ફોટા બતાવ્યા. પરી એના કોઈ પુરૂષ મિત્રની સાથે વાંધાજનક અવસ્થામાં હતી. મુકેશે એક કોમ્પ્યુટર પ્રિન્ટ આઉટ આપી જેમાં હાઈલાઈટ કરેલ ચેટ વાંચી તો પરીની પરપુરૂષ સાથેની રોમાન્સભરી ચેટ હતી. પુરાવાની દ્રષ્ટિએ જોઈએ તો તમારી અસીલ પરીની વિરુદ્ધના પુરાવા હતા, પણ આ પુરાવા મુકેશે કોર્ટમાં રજૂ કેમ ના કર્યા? એની તમને ખબર ના પડી.

તમારા ચહેરાના હાવભાવ સમજી ચૂકેલ મુકેશે ગંભીરતાથી તમને જણાવ્યું, "સાહેબ, પુરાવા હોય તો પણ એક સ્ત્રીના ચારિત્ર્ય ઉપર આક્ષેપ-આરોપ ના કરાય. પૈસા કમાવા કદાચ સહેલા છે, પણ આબરૂ કમાવી અઘરી છે. પરીને હું અને મારી સાદગી પસંદ નથી. હું એને પરાણે રાખવા પણ માંગતો નથી અને આ પુરાવા પણ જાહેર કરવા નથી માંગતો. બસ, હું એટલું જ ઈચ્છું છું કે મારા ચારિત્ર્ય પર કરેલા આક્ષેપો પરી પાછા ખેંચી લે. સાહેબ, આનાથી પણ વધારે પુરાવા મારી પાસે છે. હું ભલે સીધો-સાદો રહ્યો પરંતુ એક સ્ત્રીને પુરૂષ મિત્ર ના હોવો જોઈએ એવી માનસિકતા ધરાવતો નથી પણ મિત્રતામાં મર્યાદા તો હોવી જોઈએને? સાહેબ, રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણની વચ્ચે પણ મિત્રતાનો સંબંધ હતો, મર્યાદાપૂર્ણ મિત્રતાનો." આજે પહેલી વખત એવું બન્યું હતું કે તમારી ઓફિસમાં તમારી સામે બેઠેલ વ્યક્તિને સમજવામાં તમને સમય લાગ્યો હોય. તમે ઓફિસના ઇન્ટરકોમ પર તમારા ઑફીસબોય સુરેશને 2 કપ ચા લાવવા કહ્યું.

મુકેશે આગળ વાત વધારી, "સાહેબ, પરીના પિતાના મારા પર એહસાન છે. એમણે મારી માતાની સારવાર માટે મને નાણાકીય મદદ કરી હતી. એ વાત મરાથી ભુલાય નહિ અને પરીની સાચી હકીકત એમને પણ મારાથી ના કહેવાય."

સુરેશ ચા મૂકી ગયો અને તમે ચાનો કપ ઉઠાવીને મુકેશને પણ ચા પીવા ઈશારો કર્યો. સતત બોલવાના કારણે ગળું સુકાઈ જવાથી મુકેશે પહેલાં બાજુમાં પડેલ ગ્લાસ ઉઠાવી પાણી પીધું અને પછી ચાની ચુસ્કી ભરી વાત આગળ વધારી, "સાહેબ મારા સસરા પરીના પપ્પા ભગવાનના માણસ, એમણે જ મને નોકરીમાં લગાડ્યો અને હું દ્રઢપણે માનું છું કે એમને પણ અમારા છૂટાછેડા થાય એ નહીં જ ગમતું હોય. સાહેબ, જો પરી એની મિત્રતામાં મર્યાદા રાખવાનું અને નિભાવવાનું વચન આપેને તો હજુ પણ હું એની સાથે જીવન જીવવા તૈયાર છું. આ એક બીજી કોપી છે, ફોટા અને ચેટની. આપ પરી અને મારા સસરાને આપને યોગ્ય લાગે તો બતાવી શકો છો અને નાયક સાહેબને મેં જ આ પુરાવા કોર્ટમાં રજુ કરવાની ના પાડી હતી." ચાના કપમાંથી છેલ્લી ચુસ્કી લઇ કપ નીચે મૂકી મુકેશે કહ્યું, "બસ સાહેબ, મારી વાત અહીં પુરી થઇ, આગળ આપને જેમ ઠીક લાગે તેમ કરજો. પ્રણામ."

તમારી પસંદની ચાન્સેલર સિગરેટનો છેલ્લો કશ લઇ એશ ટ્રેમાં સિગરેટ બુઝાવી પાણીની બોટલમાંથી પાણી પીધું અને તમે મનોમન તમારા સિનિયર અને ગુરુ એડવોકેટ દવે સાહેબને યાદ કર્યા. દવે સાહેબે આજથી ત્રીસ વર્ષ પહેલા જયારે તમે વકીલાતના વ્યવસાયમાં જોડાયા હતા અને વકીલ તરીકેનો તમારો પ્રથમ દિવસ હતો ત્યારે તમને કહ્યું હતું, "છોકરા, વકીલાતમાં જે દેખાય છે એના કરતા વધારે મહત્વનું જે નથી દેખાતું એ હોય છે અને આ પ્રથમ નજરે ના દેખાતું શોધી નાખવું એ જ સારા વકીલની નિશાની છે. પારિવારિક ઝઘડામાં વકીલે વડીલ તરીકે પણ ક્યારેક વર્તવું પડે."

મનોમન દવે સાહેબને વંદન કરી યશેષ ભાર્ગવ, તમે પરીના કેસમાં એક વડીલ તરીકે વર્તવાનો નિર્ણય કરી બાલ્કનીમાંથી ઉભા થઇ તમારી એ.સી. ચેમ્બરમાં આવ્યા અને તમારા જુનિયરને સૂચના આપી કે, "કાલે સવારે પરીને અને એના પપ્પાને ઓફિસ બોલાવો, કહેજો કે સાહેબને જરૂરી કામ છે અને કાલ સવારની મારી તમામ અપોઈન્ટમેન્ટ કેન્સલ દો." એડવોકેટ યશેષ ભાર્ગવ, તમારા ચહેરા પર આજે એક મોટા વકીલ તરીકેની નહિ પરંતુ એક અનુભવી વડીલ તરીકેની આભા દેખાઈ રહી હતી. તમે પરીની હકીકત એના પિતાને જણાવવાનું અને પરીને સમજાવવાનો નિર્ણય લઇ લીધો હતો. કોઈએ સાચું જ કીધું છે "પરિવારમાં જો અનુભવી વડીલ હોય તો વકીલની ક્યારેય જરૂર પડે જ નહિ."


આશિષ એ. મહેતા


Creative Commons License


પરિવારમાં જો અનુભવી વડીલ હોય તો વકીલની ક્યારેય જરૂર પડે જ નહિ.... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, June 13, 2020

તમારી સમકક્ષ્ય રહ્યા હર રોજ અમે....

તમારી સમકક્ષ રહ્યા હર રોજ અમે,
છતાં ન કંઈ કહી શક્યા તમને અમે,
અમે કર્યાં ઘણા કામણ વાત કહેવા અમારી,
છતાં ન સમજ્યા ઘણી હદે ભાવના અમારી,
સમયથી પણ વધારે આપી રાજી કર્યા તમને,
છતાં ન સમજાઈ વાત અમારા દિલની તમને,
મોર બની રીઝવવા તમને,
સોળે કળા ખીલવી અમે,
હદ તો ત્યાં થઇ ગઈ જ્યાં સામું મળ્યા અમે,
પણ ના જોયું એક નજર સામું અમારી તમે.


ગૌરવ શુક્લ


Creative Commons License

તમારી સમકક્ષ્ય રહ્યા હર રોજ અમે.... by Gaurav Shukla is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

Saturday, June 6, 2020

લૉક ડાઉન - એક નવો દ્રષ્ટિકોણ

Covid-19 / કોરોના - આ શબ્દો આખું વિશ્વ જાણતું થઇ ગયું છે. આ વાયરસે વિશ્વને ડિસેમ્બર-2020 થી અત્યાર સુધી ઘણું બધું શીખવાડ્યું છે અને ઘણા નવા શબ્દો શબ્દકોષમાં ઉમેરી દીધા છે. એમાં ખાસ છે "લૉક ડાઉન" ("Lock Down")

હા દોસ્તો, લૉક ડાઉન એક એવો શબ્દ થઇ ગયો છે જાણે આ શબ્દએ લોકોની જીંદગી થોભાવી દીધી. ઘણા લોકો આને હવે એક શ્રાપ ગણવા લાગ્યા છે અને તે કંઈક હદે સાચું પણ છે. પરંતુ, લૉક ડાઉનને હું એક અલગ જ દ્રષ્ટિકોણથી જોવું છું - એક નવા દ્રષ્ટિકોણથી વિચારું છું.

લૉક ડાઉન એક માધ્યમ છે, જેમાં ઝાંખા થયેલા સંબંધોના તાળા ખોલવાની ચાવી છે, તમારી દબાવી રાખેલી ઈચ્છાઓને જાગૃત કરવાની તક છે, નવા વિચારો આપનાવવાનો સમય છે. આ સમયમાં કુદરતે આપણને ઘણું શીખવ્યું છે. કુદરત આપણને જાણે એવો સંદેશો આપી રહી છે કે, "થોડી વાર રોકાઈ જાવ, થોડી વાર મને પણ શાંતિનો શ્વાસ લેવા દો, હું પણ થાકી છું, મારો પણ શ્વાસ રૂંધાય છે." આ સમયે કુદરતે પોતાની જાતને સ્વચ્છ કરી છે. આપણા જીવનમાં એક નવી તાજગી ભરી છે. સ્વચ્છ અને પ્રદુષણમુક્ત હવા, ચોખ્ખું અને નિર્મળ પાણી. આ બધું કુદરતે આપણા માટે જ કર્યું છે. આ મહામારીના સમયમાં કુદરતે આપણો જીવ બચાવવા આ સ્વચ્છતા અભિયાન આદર્યું હોય એમ લાગે છે. પહેલાં પશુ-પક્ષી મનુષ્યરૂપી જાનવરથી ડરતા હતા, આજે એ જ પશુ-પક્ષી રસ્તાઓ પર નીડર થઈને વિચરી રહ્યા છે અને માણસોને પાંજરામાં ભરાયેલા જોઈને આનંદ પામી રહ્યા છે. એક કુતરાએ તો એના મલિકને પૂછ્યું પણ ખરું કે હું બહાર જઈ રહ્યો છું તો તમારા માટે બિસ્કિટ લેતો આવું? સવારમાં ઉગતો સૂરજ જાણે કોલાહલ કરતા પક્ષીઓ સાથે આનંદ માણતો હોય એવું લાગે છે.

મિત્રો, આ લૉક ડાઉન આપણી જાતમાં, આપણા સ્વભાવમાં અને એક-બીજા વચ્ચેના સંબંધોમાં પરિવર્તન લઈને આવ્યું છે. 

સ્વદેશી કરતા દેશી વસ્તુઓની કિંમત સમજાઈ ગઈ,
ઓન લાઈન શોપિંગ કરતા લોકલ શોપિંગની મઝા સમજાઈ ગઈ,
ઈમ્પોર્ટેડ કરતા મેડ ઈન ઇન્ડિયાની કિંમત સમજાઈ ગઈ,
બર્ગર-પિઝા કરતા રોટલી અને દાળ-ભાતની જરૂરિયાત સમજાઈ ગઈ,
પરજીવી બનવા કરતા આત્મનિર્ભર થવાની ઉપયોગીતા સમજાઈ ગઈ. 

માણસની વિચારધારા બદલાઈ છે. ઓછા ખર્ચે અને ચીજ-વસ્તુઓના અભાવમાં પણ આનંદ, મોજ અને સુખેથી રહેવાનું આ લૉક ડાઉને જ આપણને યાદ કરાવ્યું. 

મારી પાસે સમય નથી એવું કહેનારાઓ, આજે નાના બાળકો જેવા થઇ પાછા બાળપણમાં જવા લાગ્યા, માતા-પિતા પાસેથી નવું જ્ઞાન અને નવી વાતોને ઉજાગર કરવા લાગ્યા, પતિ/પત્ની સાથે થોડી હંસી-મજાક કરી પોતાના જીવનમાં તેમનું મહત્વ સમજવા લાગ્યા, વિશ્વનું નવું રૂપ જોઈ પ્રભુને તેમણે આપેલા આ અદ્દભુત જીવન માટે આભાર વ્યક્ત કરવા લાગ્યા. ક્યારેય ભગવાનમાં ના માનનારા લોકો આજે સમય સામે હારી જઈ કુદરતની આ સરસ રચનામાં પ્રભુનો આભાર માનવા લાગ્યા.

ટૂંકમાં કહું તો દોસ્તો, લૉક ડાઉન એ આપણા જીવનમાં આવેલું એક એવું અલ્પવિરામ છે જે કુદરત અને મનુષ્યોના સંબંધોમાં એક નવો પ્રાણવાયુ ફૂંકી, એક નવી ઉર્જા પુરી નવનિર્માણ સર્જશે.


સૌરભ જોષી


Creative Commons License

લૉક ડાઉન - એક નવો દ્રષ્ટિકોણ.... by Saurabh Joshi is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/