Thursday, July 12, 2018

શું કાશ્મીરમાં શાંતિ સ્થપાશે?

"નાઉ શૂટ ધ બાસ્ટર્ડસ એન્ડ શૂટ ધેમ ટુ  કિલ. આઈ વીલ ફેસ ધ ઈન્કવાયરી."
ભારતીય સેનાની નોર્ધન કમાન્ડની કમાન સાંભળી રહ્યા હતા જનરલ જે.ડી. જાડેજા.

સમગ્ર વિશ્વમાં સિંહ બે જ જગ્યાએ જોવા મળે છે. એક આફ્રિકામાં અને બીજા ગરવી ગુજરાતના સોરઠ પંથકમાં. સોરઠમાંથી જ આવેલ સિંહ જેવી મર્દાનગી ધરાવતો નરવીર એટલે જોરાવરસિંહ દલપતસિંહ જાડેજા.

પુત્રના લક્ષણ પારણામાં અને એમાં પણ આ તો સુર્યવંશી રાજપૂત કોમનો પુત્ર, બાળપણથી જ દેશ સેવાનું ઝનૂન. શરીરમાં રાજપૂતી ગરમ લોહીની સાથે સાથે દેશ પ્રેમ અને ખુમારી વહી રહી હતી. શાળામાં એન.સી.સી. જોઈન કરી યુવાન વયે ભારતીય સેનામાં ભરતી થયા અને ટ્રેનિંગ પૂર્ણ કરી સેનામાં સેકન્ડ લેફટનન્ટ તરીકે ચાર્જ સાંભળ્યો.

પ્રથમ પોસ્ટિંગ રાજસ્થાન બોર્ડર. ભારતનો અવ્વલ નંબરનો શત્રુ દેશ પાકિસ્તાન, દેશની બરબાદીનો સામાન, હથિયાર, નશીલી દવાઓ અને એના આતંકીઓ, જાસૂસો રાજસ્થાન બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરાવે. સેકન્ડ લેફટન્ટ તરીકે  જે.ડી. જાડેજાએ પોતાના દોઢ વર્ષના પોસ્ટિંગ દરમ્યાન 30 થી વધુ ઘુસણખોરોને ચીર શાંતિ આપી દીધી હતી અને દેશમાં ગેરકાયદે ઘુસાડવામાં આવતા હથિયારો અને નશીલી દવાના અનેક કન્સાઇમેન્ટ પકડ્યા. એમની આવી બહાદુરીના કારણે સેકન્ડ લેફટનન્ટમાંથી લેફટન્ટ તરીકે પ્રમોશન મળ્યું અને આ જ પ્રમોશનનો દોર આગળ વધતો ગયો અને આજે ભારતીય સેનાની નોર્ધન કમાન્ડના જનરલ તરીકે કાર્યરત હતા જોરાવરસિંહ દલપતસિંહ જાડેજા, જનરલ જે.ડી. જાડેજા.

આઝાદ ભારતનો સૌ પ્રથમ, આજ સુધી નહીં ઉકેલાયેલ અને વિવાદિત પ્રશ્ન એટલે કાશ્મીર. એક સમયે ધરતી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર આજે નરકથી પણ બદતર સ્થિતિમાં છે. જનરલ જે.ડી. જાડેજાને ભારતના વડા પ્રધાનશ્રીએ, ફિલ્ડ માર્શલ અને રાષ્ટ્રપતિની સલાહ અને મંજુરીથી ખાસ કિસ્સામાં કોઈ પણ ભોગે શાંતિ સ્થાપિત કરવાની જવાબદારી સોંપી હતી. પી.એમ.ઓ. કાર્યાલયમાં ગણતરીના જ જવાબદાર વ્યક્તિઓની હાજરીમાં જનરલ જે.ડી. જાડેજાને ઓફિસીયલી તેમની જવાબદારી સોંપવામાં આવી અને આજે પંચાવને પહોંચેલ જનરલ જે.ડી. જાડેજાએ એક યુવાનની સ્ફૂર્તિથી સેલ્યુટ મારી પોતાની જવાબદારી સ્વીકારી.  રૂમમાંથી બહાર નીકળતા ફિલ્ડ માર્શલે કહ્યું, "માય બોય ટેક કેર, યુ આર નાઉ ઈન કશ્મીર. વહાં હમેં હમારે આપનોં કે સાથ લડના હૈ, હાથોં મેં હથિયાર હોને કે બાદ ભી પથ્થર ખાને હૈ, એક ભી આદમી તુમ્હારી ગોલી સે મરા તો ઈન્કવાયરી હોગી. જો ભી કદમ ઉઠાઓ સોચ સમઝ કર ઉઠાના. તુમ્હેં વહાં 18 રાજપૂતાના રાઈફલ્સ કે લેફ્ટનન્ટ મોહનસીંગ ચૌહાણ ઔર 15 જે. એન્ડ કે. કા કેપ્ટ્ન અફઝલખાન મિલેંગે."

"યસ સર" એક ટૂંકો જવાબ આપી સેલ્યુટ કરી જનરલ જે.ડી. જાડેજા જીપમાં બેઠા અને બીજા દિવસે સાંજે કાશ્મીર પોસ્ટ પર પહોંચી ગયા. ત્યાંના જવાનો પાસેથી બોર્ડરના લોકેશન અને પોઝિશનની નાનામાં નાની માહિતી લીધી. કઈ પોસ્ટ પર કયા ઓફિસર કેટલા જવાન સાથે છે અને તેમની પાસે ખોરાક અને હથિયારોનો કેટલો જથ્થો છે એની માહિતી લીધી. મોડી રાત સુધી મળેલ માહિતીનો અભ્યાસ કર્યો. જનરલ જે.ડી. જાડેજા બોર્ડરની માહિતીનો અભ્યાસ કરી જરૂરી સૂચનો અને ફેરફારની યાદી તૈયાર કરી લેફટનન્ટ મોહનસિંગ ચૌહાણને આપી. લેફટનન્ટ મોહનસીંગ ચૌહાણે જણાવ્યું, "બોર્ડર તો અભી ફિલહાલ શાંત હૈ લેકિન ઘાટી મેં રોજ કી દિક્કત હૈ."

કાશ્મીરમાં ત્રણ વર્ષ પહેલા ચૂંટણી પતી હતી. બે અલગ-અલગ વિચારધારાવાળા રાજકીય પક્ષોના ગઠબંધનવાળી સરકાર હતી. સક્ષમ નેતૃત્વ અને નિર્ણય શક્તિના અભાવવાળી સરકારથી સરકારી તંત્ર ત્રસ્ત હતું. સરકારની હાલત "શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી" એવી હતી. હજુ બે વર્ષ પહેલાં જ આવેલ ભયંકર પૂરના સમયે સંવેદનશીલ અને દેશભક્ત પ્રધાનમંત્રીએ સેનાને આદેશ આપેલ કે, "કાશ્મીર એ ભારતનો જ ભાગ છે અને કાશ્મીરી લોકો ભારતીયો જ છે. તમામને બચાવી લો. રેસ્ક્યુ ઓપરેશન માટે જે કોઈ મદદની જરૂર હોય દિલ્હીની સરકાર તૈયાર છે." એ સમયે પોતાનો જીવ જોખમમાં નાખીને પણ સેનાએ કાશ્મીરના લોકોને બચાવ્યા હતા. પણ, ગઠબંધનની સરકાર આવતા સીમા પારના આકાઓના ઈશારે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ નિરંકુશ બન્યા હતા. એહસાન ફરામોશ લોકોએ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવામાં કંઇ જ બાકી નહોતું રાખ્યું. કાશ્મીરમાં સેના પર પથ્થરમારો, પાકિસ્તાનનો ઘ્વજ ફરકાવવો, "કાશ્મીર કી આઝાદી તક જંગ ચલેગી" જેવા નારા રોજિંદી બાબતો બની ગઈ હતી અને ભાગલાવાદી નેતાઓને પેઈડ મીડિયા પબ્લિસિટી આપી રહ્યું હતું. ત્રણ વર્ષના અંતે દિલ્હીની સરકારે જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષને આપેલ ટેકો પરત ખેંચી લીધો અને ગવર્નર શાસન લાગુ પડ્યું. એ સમયે કાશ્મીરમાં કડક હાથે કામ લેવાનું નક્કી કરવામાં આવ્યું અને એ જવાબદારી સોંપાઈ જનરલ જે.ડી. જાડેજાને.

મુસ્લિમો માટેનો સૌથી પવિત્ર ગણાતો રમઝાન મહિનો ચાલી રહ્યો હતો. દેશભરના વતન પરસ્ત મુસ્લિમ બિરાદરો ભારતના અમન અને આબાદીની દુઆઓ માંગતા હતા. એવા સમયે કાશ્મીરમાં ભાગલાવાદી નેતાઓના ઈશારે સેના પર આતંકી હુમલાઓ થઇ રહ્યા હતા. જનરલ જે.ડી. જાડેજાએ લેફ્ટનન્ટ મોહનસીંગ ચૌહાણ અને કેપ્ટ્ન અફઝલખાનને બોલાવ્યા અને એક નિર્ણય લીધો. કેપ્ટ્ન અફઝલખાન 25 વર્ષનો સોહામણો કાશ્મીરી યુવાન, સ્થાનિક જબાન અને પરિસ્થતિથી માહિતગાર હોવાના કારણે સર્ચ ઓપરેશનની જવાબદારી કેપ્ટ્ન અફઝલખાન અને એમની ટીમને સોંપી. અફઝલખાને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સતત ચાર દિવસ સુંધી સંદિગ્ધ વ્યક્તિઓને શોધી પકડી પડ્યા. પરંતુ, પાંચમાં દિવસે આતંકીઓએ મોટા પાયે હુમલો કર્યો. 4 જવાનો શહીદ થઇ ગયા. કેપ્ટ્ન અફઝલખાન એકલા હાથે આતંકીઓની સામે લડતા રહ્યા. પાંચ આતંકવાદીઓને મારીને કેપ્ટ્ન અફઝલખાન શહીદ થયા. કેપ્ટ્ન અફઝલખાનનું મૃત શરીર આર્મી હેડક્વાટરમાં લાવવામાં આવ્યું. અફઝલખાનના પાર્થિવ દેહને જોઈને જનરલ જે.ડી. જાડેજાના શરીરમાં વહેતું રૂધિર આંખોમાં ધસી આવ્યું. રમઝાન પતવાને આરે હતો. બે દિવસ પૂરા થયા અને ચાંદની ગવાહી થઇ અને ઈદ આવી. ઈદના બીજા દિવસે સવારે જનરલ જે.ડી. જાડેજાએ બધા જ કમાન્ડિંગ ઓફિસરની મિટિંગ બોલાવી અને ઓર્ડર કર્યો, "નાઉ શૂટ ધ બાસ્ટર્ડસ એન્ડ શૂટ ધેમ ટુ  કિલ. આઈ વીલ ફેસ ધ ઈન્કવાયરી."

ત્રણ વર્ષથી સહન કરતા આર્મીના જવાનો જાણે કે આવા જ કોઈ આદેશની રાહ જોતા હોય એમ બે દિવસમાં તો કાશ્મીરના ત્રણ મોટા ભાગલાવાદી નેતાઓને પકડી પાડ્યા અને 8 આતંકવાદીઓને ઢાળી દીધા. આતંકવાદીઓને મદદ કરતા લોકોની ધરપકડ કરવામાં આવી અને સેનાએ પણ પથ્થર મારો કરતા લોકોની સામે ગોળી ચલાવવાની છૂટ આપી હોઈ પથ્થરમારો બંધ થઇ ગયો.

પ્રેસ કૉન્ફરન્સમાં જનરલ જે.ડી. જાડેજાએ સીધું જ કહ્યું, "પંજાબમાંથી આતંકવાદ બુલેટ (ગોળી) ના ડરથી દૂર થયો, નહિ કે આતંકવાદીઓ અને એમના આકાઓ સાથેની મંત્રણાથી. કાશ્મીર ભારતનો ભાગ છે અને રહેશે. આતંકવાદીઓને, તેમની મદદ કરનારને અને પાકિસ્તાનમાં બેઠેલ આકાઓના ઈશારે કામ કરતા કોઈને પણ છોડવામાં નહિ આવે."

આજે  કાશ્મીરમાં સેનાનું વર્ચસ્વ છે. સેના પરનો પથ્થરમારો બંધ છે.

વાચક મિત્રો, નથી લાગતું કે કેટલાક પ્રશ્નોનું સમાધાન સેના દ્વારા જ થવું જોઈએ? સમસ્યાનું સમાધાન જલ્દી થઇ જશે.

આશિષ એ. મહેતા

Creative Commons License
શું કાશ્મીરમાં શાંતિ સ્થપાશે? by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

Saturday, June 28, 2014

બસ હવે થાકી ગયો છું....

દોડતા-ચાલતા આ જિંદગી ના સફરમાં
બસ હવે થાકી ગયો છું....
ક્યાંક તાપ તો ક્યાંક છાંવ ના રસ્તામાં
બસ હવે થાકી ગયો છું....
મળી હતી ખુશી ઘણી મોંઘેરી જિંદગીમાં,
પણ બસ હવે થાકી ગયો છું....
કરી હતી આશા ઘણાની પૂરી આ સફરમાં,
બસ હવે થાકી ગયો છું....
મળ્યો હતો સાથ ઘણા સારા મિત્રોનો સફરમાં,
બસ હવે થાકી ગયો છું....
ન મળી મંજિલ કોઈ મારી મને આ જિંદગીમાં,
બસ હવે થાકી ગયો છું.....
"ગૌરવ" પૂછી લઉં હવે જો મૌત મળે રસ્તામાં,
બસ હવે થાકી ગયો છું.... 

- ગૌરવ શુક્લ


Creative Commons License

બસ હવે થાકી ગયો છું.... by Gaurav Shukla is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.

Saturday, June 21, 2014

શાસન માત્ર કાયદાનું જ નથી હોતું, માનવતા હજુ પણ છે માણસમાં.

સાત ઘોડાના રથ ઉપર સવાર થઈને સૂરજ મહારાજ હજુ તો પૂર્વ દિશામાં પધારી રહ્યા હતા એવા ટાણે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને, અનિમેષ નયને, મનમાં કંઈક ઉચાટ અને ઉદ્વેગ સાથે તમે, રાજભા, સૂરજ મહારાજને જોઈ રહ્યા હતા. પાંચ ફૂટ દશ ઇંચની સપ્રમાણ ઉંચાઈ, પૂરા ચાર આંગળનું કપાળ, ઉભા ઓળેલા વાળ, અણીયાળુ નાક, ભરાવદાર મૂછો, કડક મિજાજ દર્શાવતો ચહેરો, કસાયેલ શરીરના માલિક અને ચુમ્માલીસની ઉમરે પણ ત્રીસના લાગતા રાજભા તમારો પ્રભાવ જ એવો હતો કે તેનાથી અંજાયા વગર કોઈ રહી જ ના શકે. તીક્ષણ અવલોકન શક્તિ, જરૂરિયાત જેટલું જ બોલવાનો સ્વભાવ તમારા રાજપૂતાના મિજાજનો પરિચય આપવા પૂરતા હતા.

ભાવનગર પાસેનું નાનકડું એવું ગામ, એક સમયે, આઝાદી પહેલા, રાજભા, તમારા પૂર્વજોની ગરાસ હતું . આઝાદી પછી રાજાશાહી તો પૂરી થઇ ગઈ હતી, પરંતુ , આજે પણ, ગામમાં તમારું માન રાજા જેટલું જ હતું .
રોજ સવારે વેહલા ઉઠીને નિત્ય કર્મ પરવારી પૂજા-પાઠ કરી તમારી બેઠા ઘાટની હવેલી ના ચોકમાં બેસવું એ તમારો નિત્યક્રમ હતો. પરંતુ, આજે સૂરજ મહારાજને અર્ધ્ય આપ્યા બાદ ઘણી વાર સુધી તમે હવેલીની અટારીએ જ ઉભા રહી ગયા હતા. પાછળ કંઇક અવાજ થતા તમે પાછળ તરફ જોયું. તમારા જીવનસંગીની, તમારા ઠાકરાણા રૂપાંદે ત્યાં હતા. તમે રાજભા તમારા જીવનસંગીનીની આંખોમાં  જોયું, એટલો જ ઉચાટ એમની આંખોમાં હતો જેટલો તમારી આંખોમાં. કપાળ પરની લકીરો તંગ થઇ, બંને હોઠ સહેજ વધુ ભીડાયા, બંને હાથની હથેલીઓએ મુઠ્ઠીઓ વાળી દીધી. એક પણ શબ્દની આપ-લે વગર રાજભા તમે તમારા ઠકરાણા સાથે મૌનની પરિભાષામાં વાત કરી હવેલીના ચોકમાં તમારી કાયમી નિયત જગ્યાએ સ્થાન લીધું. છેલ્લા ઘણા વર્ષોથી તમારા પડછાયાની જેમ રેહતા તમારા દીવાનજી આજે ચિંતાતૂર ચહેરે તમારી રાહ જોતા હતા.
રેતની જેમ સરકતો સમય આજે તમને ધીમો લાગી રહ્યો હતો. ઘડિયાળના આગળ વધતા સેકંડ કાંટાની સામે જોતા તમે રાજભા ભૂતકાળમાં પહોંચી ગયા. માત્ર બાવીસ વર્ષની યુવાન વયે તમે ગામના સરપંચ ચૂંટાયા હતા અને ત્યારથી આજદિન સુધી સતત ગામના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા હતા. એક સમયે ધૂળિયા ગામ તરીકે ઓળખાતા ગામને તમે નવી ઓળખ આપી હતી. ખેત તલાવડી, બોરી બંધ જેવી પદ્ધતિથી પાણીનો સંગ્રહ કરી ખેતીની ઉપજ વધારી હતી. ટપક સિંચાઈ, બાયોગેસ પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ, જેવી આધુનિક પધ્ધતિઓ ગામમાં લાવ્યા હતા. ગામમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ હેતુ શાળા શરૂ કરાવી હતી. ગામની નાની-મોટી તકરારોના નિવારણ માટે ગામને પૂર્વ દિશાએ આવેલ અંબાજીના મંદિરની બાજુમાં ધર્મ ચોક બનાવ્યો હતો. ગામની નાની-મોટી તાકારારોનો નિવેડો ગામની પંચાયત લાવતી હતી. પંચાયતમાં રાજભા તમે સરપંચ તરીકે, મંદિરના પૂજારી, તથા ગામના અન્ય ત્રણ આગેવાનો રહેતા હતા. ગામમાં આજ સુધી થયેલી બધી તાકારારોનો નિકાલ પંચાયત જ લાવતી હતી. પોલીસ ફરિયાદ થઇ હોય અને પોલીસ આવી હોય તેવી ઘટના હજુ ગઈકાલ સુધી ગામમાં બની ન હતી. હા, નિયમ પ્રમાણે ગામમાં પોલીસ અધિકારી રાઉન્ડમાં આવતા, તમારી હવેલીએ ચા-પાણી કરીને ચાલ્યા જતા હતા.

પણ, ગઈ કાલે પહેલી વખત ગામમાંથી પોલીસ ફરિયાદ થઇ. ગામમાં પોલીસ આવી અને પ્રતાપસિંહને પકડીને લઇ ગઈ. પ્રતાપસિંહ, રાજભા તમારો મોટો કુંવર, એની વિરુદ્ધ પોલીસ ફરિયાદ હતી કે એને ગામના મુખી ગણપત પટેલના છોકરા વિલાસને ગામના પાદરે માર્યો હતો. કુંવર પ્રતાપસિંહ, તમારી જ પ્રતિકૃતિ અને તમારા જેવો જ સ્વભાવ ધરાવતો તમારો અને કદાચ ગામનો લાડકો એકવીસ વર્ષીય નવયુવાન.
ગઈ કાલની ઘટના બની ત્યારે તમે અને મુખી ગણપતલાલ ગામના કોઈ મુદ્દાની ચર્ચા કરવા તાલુકા મથકે ગયા હતા અને તમને અને ગણપત પટેલને છેક મોડી સાંજે ગામમાં પરત આવ્યા ત્યારે ખબર પડી કે, પોલીસ આવી અને કુંવાર પ્રતાપસિંહને પકડીને લઇ ગઈ છે. તમે રાજભા તમારી હવેલીએ આવ્યા ત્યારે દીવાનજીએ સમાચાર આપ્યા કે, ગણપત મુખીના છોકરા વિલાસ તેના શહેરી મિત્રો સાથે ગામના પાદરે ગામની બહેનો દીકરીઓની મશ્કરી કરી રહ્યો હતો. પ્રતાપસિંહે તેને અટકાવતા શહેરમાં રહી ભણતરની ડીગ્રી સાથે શહેરની ખરાબ સોબત સાથે પરત આવેલા પચ્ચીસ વર્ષીય વિલાસે પ્રતાપસિંહ પર હાથ ઉપાડ્યો હતો અને તેના કારણે પ્રતાપસિંહનું રાજપૂતી લોહી ઉકળી ઉઠ્યું અને પછી કુંવર પ્રતાપે એકલા હાથે તોફાની ટોળકીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. માર ખાઈને અધમુઆ થઇ ગયેલા વિલાસે 100 નંબર પર ફોન કર્યો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આજે પહેલી વખત ફરિયાદના આધારે ગામમાં પોલીસ આવી હતી.

મોડી સાંજે પોલીસ અધિકારીનો ફોન આવી ગયો કે, બાપુ સાહેબ, કુંવરની કોઈ ચિંતા ના કરતા, રાત્રે અમે સાચવી લઈશું, અને કાલે સવારે કોર્ટમાં રજૂ કરી દઈશું તમે બસ જામીનની સગવડ કરી કોર્ટમાં આવી જજો.
અને આજે સવારે તમે કોર્ટમાં જવા તૈયાર થઇ ચુક્યા હતા. બસ, સામેની ઘડિયાળ પોણા નવનો સમય બતાવતી હતી અને એ નવ વાગ્યાનો સમય દર્શાવે તેની તમે રાહ જોઈ રહ્યા હતા. તમારા વકીલ સાહેબ સીધા જ કોર્ટમાં આવવાના હતા.

ગણપત મુખી, તમારા હમઉમ્ર મિત્ર હજુ ગઈ કાલે જ તેના દીકરા વિલાસની ખરાબ સોબત અને કુટેવોની ફરિયાદ તમારી સામે કરતા હતા અને તમે એને દિલાસો આપતા હતા કે મુખી, સૌ સારા વાના થઇ જાશે. સામેની ઘડિયાળે નવ વાગ્યાનો સમય બતાવ્યો અને તમે તમારા દિવાનજી સાથે તમારી હવેલીમાંથી બહાર આવી તાલુકા મથકે કોર્ટમાં જવા નીકળ્યા.

પણ, રાજભા, તમને ક્યાંથી ખબર હોય, ગણપત મુખીએ ગઈ કાલે સાંજે આખી ઘટના જાણી એ પછી વિલાસને મારવામાં જે કસર કુંવર પ્રતાપસિંહે બાકી રાખી હતી તે ગણપત મુખીએ પૂરી કરી દીધી હતી અને આજે એ તમારી પહેલા કુંવર પ્રતાપસિંહના જામીન થવા વેહલી સવારે જ ઘરેથી નીકળી તાલુકા પોલીસ મથકે પહોંચી ગયા છે અને ત્યાંથી કુંવર પ્રતાપસિંહ અને પોલીસ અમલદાર સાથે કોર્ટમાં જવાના છે.


આશિષ એ. મહેતાCreative Commons License
શાસન માત્ર કાયદાનું જ નથી હોતું, માનવતા હજુ પણ છે માણસમાં. by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.


Saturday, June 14, 2014

मेरा साला और में

इक दिन घर आया मेरा साला,
आते ही मुज पर चिल्लाया,
जीजाजी, कुछ तो शर्म करो,
अपना ना सही मेरा तो ख्याल करो,
जब भी में आपके घर आता हूँ,
आपको ही घर का काम में पाता हूँ,
कभी कपडे, कभी बर्तन,
कभी रसोइमें पता हूँ,
जीजी  मेरी बड़ी आलसी,
और गर्म दिमाग,
दिन भर देखे वोः  टी.वी. , रात को करे आराम,
घर गृहस्थी और व्यापर दोनों ही आपके काम,
प्यारे जीजा कुछ तो रहम करो,
जब में आपके यंहा आवु तब तो आराम करो,
मेरी बीवी आपको देख मुजसे लड़ती है,
घर के सारे काम मुझे सीखनेको कहती है,
  दिन मुश्किलसे काट रहे हे मेरे,
घरमे रोज बढ़ रहे हे ज़घड़े ,
अपनी बीवीको रोज समजाता हूँ,
रोज ही नाकामयाब हो जाता हूँ,
विनती है आपसे, जीजी को समजाओ,
प्यारसे उन्हें बताओ, कम से कम बहार वालो के सामने,
घर के काम मत कराओ, बनी रहेगी ईज्जत आपकी,
और मेरे घरकी भी बनी रहेगी सुख शांती|

- आशिष महेताCreative Commons License
मेरा साला और में by आशिष महेता is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.


Saturday, June 7, 2014

સરકતો જતો સમય

ઘડિયાળનો સેકંડ કાંટો રાજધાનીની ઝડપે ચાલી રહ્યો હતો અને સમય જાણે કે નદીની રેતની જેમ હાથમાંથી સરકતો જતો હતો. પસાર થતા સમયને આંબાવા મથી રહ્યો હોઉ તેમ હું ઝડપથી યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ માત્ર પ્રયત્ન, પરિણામ કદાચ જોજનો દૂર હતું. મને મારી જ આળસ નડી રહી હતી.

કોલેજ શરુ થઇ ત્યારથી જ મમ્મી અને પપ્પા કેહતા હતા કે, "ભાઈ, કોલેજનું છેલ્લું વર્ષ છે. આગળનાં બંને વર્ષની એ.ટી.કે.ટી. ક્લીયર કરવાની છે. રોજ નિયમિત વાંચ, રોજનું કામ રોજ કર, કામ ને ભેગું કરવાની તારી આ આદત ક્યારેક તને બહુ જ ભારે પડી જશે." પણ, ત્યારે સમજણ નહતી પડતી અને મમ્મી-પપ્પાની સલાહ માને કોણ? મમ્મી અને પપ્પા કહી કહી ને થાક્યા અને થાકીને સલાહ આપવાનું પણ બંધ કરી દીધું. સમય એની ગતિએ પસાર થતો રહ્યો, દિવસો વીત્યા અને અઠવાડિયા થયા, અઠવાડિયા વીત્યા અને મહિના થયા. કોલેજની ફર્સ્ટ ટર્મની પરીક્ષા પૂરી થઇ અને પરિણામ આવ્યું, આપણને તો પેહલાથી ખબર તો હતી જ કે આપણું પરિણામ શું આવશે. વાંચ્યું હોય તો કાઈક આવડે ને? અને કાઈક આવડે તો કાઈક સાચું લખીએ અને કાઈક સાચું લખ્યું હોય તો સાહેબ તપાસી ને માર્ક આપે. પણ, આપડે તો બાપુ, રોલ નંબર સિવાય બધું જ ગપ્પાં મારેલા. ક્યાંથી પાસ થવાના હતા? ભાઈબંધ દોસ્તારોની જોડે ચાની કીટલીએ ટાઇમ પાસ કરવામાંથી નવરા ન'તા પડતા અને પરિણામ આવ્યા પછીએ ક્યાં આપણા વર્તનમાં સુધારો આવ્યો?

બીજી ટર્મ પૂરી થઇ ગઈ અને છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા આવીને ઉભી રહી ગઈ. પરીસ્થીતીની ગંભીરતાનું ભાન થયું. ફર્સ્ટ યર, સેકન્ડ યર અને લાસ્ટ યરની થઇને કુલ બાર વિષયના પેપરમાં પાસ થવાનું હતું. જે વ્યક્તિ સાત વિષયમાં પાસ ના થઇ શક્યો હોય તે એક સાથે ત્રણ અલગ અલગ વર્ષના કુલ બાર વિષયોમાં એક સાથે કેવી રીતે પાસ થઇ શકશે? આજ સવાલ હું પોતાને પૂછતો હતો અને તેનો મને જવાબ નહતો મળતો.

જેમ તેમ કરીને વાંચવાનું શરૂ કર્યું અને દસ વિષયોની પરીક્ષા આપી દીધી. હવે ફક્ત બે જ પેપર બાકી હતા અને આજની રાત છેલ્લી રાત હતી. કાલનાં બંને પેપરનું આઈ.એમ.પી. આવી ગયેલ, બસ હવે એટલું જ તૈયાર કરવાનું હતું. સ્ટડી ટેબલ ના ખાના ફેંદવાના શરૂ કર્યા. પણ બૂક મળતી ન હતી. રાતના દસ વાગવાની તૈયારીમાં હતા. મમ્મી અને પપ્પા મારી સમું જોઈ રહ્યા હતા. તેમનો ગુસ્સો તેમની આંખોમાં દેખાતો હતો. મારા સ્ટડી ટેબલનાં ખાનાઓમાંથી ઘણી બધી નકામી વસ્તુઓ નીચે ઢગલો થઇ રહી હતી. મને મળેલી ગીફ્ટો, મારા મોજાં, ફિલ્મની ટિકિટો, રેસ્ટોરેન્ટનાં બીલો, નાના ભાઈનો ખોવાઈ ગયેલો બૂટ અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ. બસ નહતી મળતી તો કાલની બંને પરીક્ષાની ચોપડીઓ. મારા બધા ખાના ફેંદી નાખ્યા, પપ્પાના કબાટમાં પણ નજર નાખી દીધી, પણ કંઈ મળ્યું નહિ. બસ નિરાશ થઇને નીચે બેસી ગયો. લાગ્યું કે, કાલની પરીક્ષામાં નાપાસ થઈશું અને ફરીથી ત્રણ વર્ષ કોલેજ કરવી પડશે. બે હાથની વચ્ચે મોઢું ઢાંકીને વીતેલા સમય અને મમ્મી-પપ્પાની સલાહ ના માનવાનો અફસોસ કરી રહ્યો હતો અને ત્યાં અચાનક મારા કાન પાસે તીણો અવાજ સંભળાયો. આંખો ખોલીને જોયું ચારે તરફ અંધારું હતું. ડીમ લાઈટ ચાલુ હતી. મોબાઈલમાં એલાર્મ વાગી રહ્યું હતું. એલાર્મ બંધ કરી પથારીમાંથી ઉભો થયો, વોશબેસીનમાં મોઢું ધોઈ ડ્રોઈંગ રૂમમાં નજર કરી, બધું જ બરાબર હતું. કબાટના ખાના બંધ હતા, હા, રાત્રે દીકરીને ભણાવવા બેસેલ તેની બૂક બહાર હતી, સહેજ હસવું આવી ગયું, ક્યારેક જે મારૂ સ્ટડી ટેબલ હતું તે હવે મારી દીકરીનું થઇ ગયું હતું અને જે ક્યારેક મારા પપ્પાનું કબાટ હતું તે આજે મારૂ કબાટ હતું, કબાટ ખોલીને મારી ઓફિસની અને અગત્યની ફાઈલો પર નજર કરી, હજુ પણ મન માનવા તૈયાર નહતું કે મેં સ્વપ્નું જોયું હતું।...


આશિષ એ. મહેતા


Creative Commons License
સરકતો જતો સમય by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.

Thursday, May 29, 2014

દિલની લાગણી

વાત કરવી છે બધી શાંતિથી કોઈક ને
પણ આજે વાત સંભાળવા વાળું કોઈ દેખાતું નથી,
ગમે ત્યારે સરી પડે છે આંખ માંથી આંસુ,
પણ આ આંસુ ને જોવા વાળું કોઈ દેખાતું નથી.

દિલ તૂટ્યું છે આજે એટલી હદે મારું,
લાગે છે હવે કંઈ જ નથી આ દુનિયામાં ન્યારું,
સમજાવતા સમજાવતા ઘણું કહેવાઈ ગયું મારાથી,
તેના જ કારણે વ્યક્તિત્વ મારું સંપૂર્ણ ઉતારી ગયું તેમના મન માંથી,

જીવનમાં ધાર્યું નતું કે થશે આવું મારી જ સાથે,
ખબર પડી ગઈ કે જે વિચાર્યું નથી તે જ થાય છે જીવનમાં આપણી સાથે,
કોણ સમજાવે તે કોમળ મન ની  "પરી" ને,
કે કરી છે મોટી ભૂલ તેણે એક જ વ્યક્તિનું ધ્યાન ધરીને,

છૂટી ગયા આજે તેના જ ખાસ લોકો તેના આ જ વલણથી,
કેમકે આપી દીધો જાકારો તેણે મને પોતાના દિલથી,
વાંધો નથી ભલે મળ્યો જાકારો મને મારા જીવનમાં,
પણ દુઃખ છે કે આજે તેણે આપી દીધું બહુમાન,
કોઈક ત્રીજા જ વ્યક્તિને પોતાના જીવનમા,

તૂટી ગયો છું હું મારા મન થી આજે એટલી હદે,
તો પણ ખબર નથી પડતી તેને કે થાય છે બધું આ તેને વટાવેલી આ હદે,

ધ્યાન નથી રહેતું મને કાંઈ જ મારા જીવનનું,
છતાં પણ થાય છે હજુ ઈચ્છા રાખું હું તેના જીવનનું,
કેમ આટલો લગાવ છે મને તે નથી સમજાતું????
પણ આટલું બધું થાય છે તે તેને કેમ નથી સમજાતું????

છે મારી સાથે મારા સારા મિત્રો મને સમજવવા,
છતાં પણ નથી સમજાતું કંઈ મને તેમની સમજાવટમાં,
થઇ જઈશ ગાંડો જાણે હું મારા જીવનમાં,
આમ પણ કઈ જ રાખ્યું નથી આ  "આત્મા વગર ના શરીર" માં.રીનવ શુકલ


Creative Commons License
દિલની લાગણી by રીનવ શુકલ is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.

Saturday, October 12, 2013

ધર્મના નામે ઝઘડા શાના? ચિન્હથી જો ધર્મ અલગ પડતો હોય તો ચાંદ અને સિતારા તો ઔં કારમાં પણ છે........

આંખોમાં અજીબ પ્રકારની બેચેની વર્તાઈ રહી હતી, સામે દેખાતી તમામ વસ્તુ ધૂંધળી દેખાતી હતી, ઘણા જ પ્રયત્નો કરવા છતાં મનનો ગુસ્સો ચહેરા પર અને આંખોમાં દેખાઈ આવતો હતો, પશ્ચિમ દિશામાં નમાજ પઢવા, અલ્લાહની ઈબાદત કરવા બેઠા હતા પણ મન વ્યગ્ર અને અશાંત હતું. એકાકી જીવન વ્યતીત કરતા અને ભાગ્યેજ કોઈની સાથે વાત કરતા "ખાન સાહેબ" તરીકેની ઓળખ ધરાવતા ગુજરાતના એક નાનકડા ટાઉન કહી શકાય એવા શહેરમાં, શહેરની ભીડભાડથી દૂર છેવાડાના મકાનમાં, મગરીબની નમાઝ અદા કરી રહેલ 65 વર્ષની વય વટાવી ચુકેલા ઇનાયતખાન હાજી તમે આજે દુઃખી, વ્યથીથ, વ્યગ્ર અને ગુસ્સામાં હતા.

દેશની સેવામાં એક ફૌજી જવાન તરીકે યુવાની પસાર કરી ચુકેલા ઇનાયતખાન, આજે તમે નિવૃત જીવન જીવતા હતા અને ઇન્ડિયન આર્મી તરફથી મળેલી જમીન પર નાનકડું મકાન બનાવી થોડીક જરૂરિયાત માટે ઘણી જ વધારે કહી શકાય તેવી પેન્શનની આવકમાંથી, પાક કુરાને-શરીફના નિયમોનું પાલન કરીને પાંચ વખતના ચુસ્ત નમાઝી તરીકે જીવન પસાર કરી રહેલ હતા.

રોજ સવારે વેહલા ઉઠીને "ફઝલ"ની નમાજ અદા કરીને નજીકમાં આવેલ બગીચામાં ચાલવા જવું, ત્યાં તમારી ઉમરના વ્યક્તિઓ સાથે થોડોક સમય બેસવું, બાદમાં બાગની નજીક આવેલ નથ્થુકાકાની કીટલી પર ચા નાસ્તો કરવો, ઘરે આવવું, ઘરની આગળ બનાવેલ નાના બગીચામાં જાતે ઉછેરેલા ફૂલ-છોડને પાણી પાવું, બપોરના ભોજન માટે બસ સ્ટેશન પાસે આવેલી લોજમાં જવું, બપોરના સમયમાં છાપું તથા ધાર્મિક પુસ્તકો વાંચવા અને  તેમાં કહેલ વાતને સમજવા પ્રયાસ કરવો અને સાંજે ફરીથી ચાલવા જવું અને રસ્તામાં મળતા નાના છોકરાઓને ગોળી-બિસ્કીટ આપવા, મોડી સાંજે ઘરે પરત આવી ટી.વી. પર સમાચાર જોવા અને રાત્રે માત્ર દૂધ પીને "ઈશા"ની નમાઝ અદા કરી સૂઈ જવું એ તમારો નિત્યક્રમ હતો ઇનાયતખાન હાજી.

નિવૃતિના પાછલા પાંચ વર્ષમાં લગભગ તમે તમામ ધર્મના પુસ્તકો વાંચી નાખ્યા હતા અને વાંચન પછીના મનનથી ઇનાયાતખાન તમે એટલું સમજી શકતા હતા કે દરેક ધર્મની ભાષા અલગ અલગ ભલે હોય, વાતની રજૂઆત ભલે અલગ અલગ હોય પણ ભાવાર્થ એક જ છે, "કર ભલા તો હોગા ભલા." "ન્યાય-નીતિથી જીવવું અને હક-હલાલનું ખાવું." "હરામનું ખુદાના દરબારમાં ક્યારેય માફ નથી થતું." "ખાખસે પેદા હુએ હૈ, ખાખ મેં મિલ જાના હૈ." "ગદ્દારી, ચાહે વો કીસીસે ભી કી હો, ખુદા કે દરબારમેં કભી માફ નહિ હોતી." બસ ધર્માંધ દુનિયાને સમજાવવાની તાકાત હવે બાકી રહી ન હતી, પાક કુરાને શરીફની આયાતોનું ખોટું અર્થઘટન કરતા કેટલાક કાજીઓ, મોલવીઓ અને આવા લોકોની વાતનું અંધાળું અનુકરણ કરતા નવયુવાનોને જોઇને તેમના દ્વારા ખુદાના નામ પર ખુદાને માટે કરવામાં આવતા ના-પાક કામથી આંતરિક રીતે બહુ જ દુઃખી હતા.

45 વર્ષની વયે ફૌજમાંથી નિવૃત થયા બાદ એક પ્રતિષ્ઠિત કંપનીમાં ચીફ સિક્યોરીટી ઓફિસર તરીકે 15 વર્ષ નોકરી કરી હતી. પરિવારમાં પોતાનું કહી શકાય તેવું કોઈ હવે હતું નહિ. તમે ફૌજમાંથી નિવૃત થયા હતા અને કંપનીમાં ચીફ સિક્યોરીટી ઓફિસર તરીકે જોડાયા હતા એ સમયે વર્ષ 2002 માં ગુજરાતમાં ગોધરાકાંડની ના ભૂલી શકાય એવી ગોઝારી ઘટના બની ગઈ હતી અને મુસ્લિમ સમાજ પર કલંક કહી શકાય તેવા કેટલાક લોકોએ નિર્દોષોને ટ્રેનમાં જીવતા સળગાવી દીધા હતા અને આ ઘટનાના પ્રત્યુત્તર સ્વરૂપે ફાટી નીકળેલા તોફાનોમાં તમારો પરિવાર તમે ગુમાવી ચુક્યા હતા. ત્યારબાદના શરૂઆતના દિવસો અત્યંત આક્રંદ અને દુઃખદ પસાર થયા. ધીમે ધીમે વ્યતિત થતા સમયે કુદરતના આઘાત પર માલમનું કામ કર્યું અને એ પછીનો સમય વાંચન-મનનમાં પસાર થવા લાગ્યો. સતત વાંચન અને ચિંતનના કારણે એક સમયનો ઝનૂની સ્વભાવ શાંત, ધીર અને ગંભીર સ્વભાવમાં તબદીલ થઇ ગયો.

અમરનાથ યાત્રા હમણાં જ શરુ થઇ હતી. બાબા બર્ફાનીના દર્શને સમગ્ર દેશમાંથી આવતા દર્શનાર્થીઓના કારણે જ જમ્મુ-કાશ્મીરના મુસલમાન કોમના લોકોની ઘર-ગૃહસ્થી ચાલતી હતી અને આ હકીકત દરેકને ખબર હતી. પણ આ વખતે, ખબર નહિ કેમ? કોણ જાણે કોના કેહવાથી? જમ્મુના એક મુસ્લિમ સમાજના આગેવાને ટીવીના માધ્યમથી નિવેદન કર્યું કે, "હિન્દુઓએ અમરનાથયાત્રા પર સમજીને જ આવવાનું બંધ કરી દેવું જોઈએ. કારણકે જમ્મુ -કાશ્મીરમાં હવે મુસલમાન કોમ બહુમતીમાં છે." થોડા દિવસો પહેલા,  આવા જ એક આગેવાને નિવેદન આપ્યું હતું કે, "માતા વૈશ્નાવદેવીની યાત્રા બંધ કરી દેવી જોઈએ." અને તમે ખુદ ઈનાયતખાન વિચારતા હતા કે, તમે જેટલા આતંકવાદીઓને પકડ્યા હતા કે દેશની રક્ષા કાજે માર્યા હતા તે બધામાં એક પણ હિંદુ વ્યક્તિ ન હતો. ધર્મના નામ પર કરવામાં આવતી જેહાદથી વ્યથિત ઇનાયતખાન જેહાદનો સાચો અર્થ સમજવા રોજ પ્રયત્ન કરતા હતા. કુરાનેશરીફના સતત વાંચનથી જેહાદનો અર્થ ઇનાયતખાન તમારા મત મુજબ પોતાની અંદરની શેતાની વૃત્તિઓની સામેનું યુદ્ધ થતો હતો નહિ કે બીજાની સામે કોઈ ભૌતિક ચીજ બાબતે લડાઈ કરવી. ટીવી પર રોજ-બરોજ આવતા સમાચારોથી ઇસ્લામ ધર્મનું અનર્થઘટન કરતા, આવા અનર્થઘટનોને અનુસરતા, કોઇ પણ કારણ વગર કત્લેઆમ કરતા-કરાવતા  લોકોને મનોમન એક સવાલ સદા પૂછી લેતા કે, "કુરાનેશરીફમાં ખુદાને રહેમદિલ શહેનશાહ કહેવામાં આવેલ છે તો પછી આ રહેમદિલ શહેનશાહ કયામતના દિવસે તમારા દ્વારા કરવામાં આવેલા આવા બેરહેમ કૃત્યોને માફ કરશે?" "અરે કુરાનેશરીફમાં ખુદાને રબ્બ-ઉર-આલમીન કહેલ છે જેનો અર્થ થાય છે સમગ્ર દુનિયાનો ખુદએ. જો ખુદા સમગ્ર દુનિયાનો હોય તો પછી દુનિયાના તમામ ધર્મો પ્રત્યે ખુદાને સમભાવ છે એમ થાય અને જો એમ જ હોય તો પછી કયા અધિકારથી ઇસ્લામ ધર્મ સિવાયના તમામ ધારકોના લોકો કાફિર કહેવાય? અને ઇસ્લામને માનનારાઓને અન્ય ધર્મના લોકોને મારવાનો, હેરાન કરવાનો, અરે જે દેશમાં પેદા થયા તેની સાથે ગદ્દારી કરવાનો, આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો અધિકાર કઈ રીતે મળી ગયો?"  અરે, અખંડ હિન્દુસ્તાનને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે કેટલાય હિંદુઓ અને મુસલમાનોએ બલિદાન આપ્યું છે તેમની વચ્ચે ધર્મનો ભેદ નહતો તો પછી જેમના બલીદાનોથી આઝાદી મળી તેમના વારસદારો વચ્ચે ધર્મના નામ પર દંગા-ફસાદ, ઝઘડા કેમ? શું આવા દંગા-ફસાદોથી ખાન અબ્દુલ ગફારખાન, અશ્ફ્ફાક ઉલ્લા ખાન, બદરુદ્દીન તૈયબજી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, મોહંમદ રમઝાનખાન, વગેરે જેવા કંઈ કેટલાય હિન્દના સપૂતોની રૂહ કાંપી નહિ ઉઠતી હોય? બીજના ચંદ્ર ઉપર સિતારાનું નિશાન ઇસ્લામનું ધર્મ ચિન્હ છે તો હિન્દુઓના ઓમકારમાં પણ બીજના ચંદ્ર પર સિતારો છે અને હિન્દુસ્તાનના પૂર્વ છેડે આવેલ ભગવાન જગન્નાથના મંદિર પરના કળશ પર પણ બીજના ચંદ્ર પર સિતારાનું નિશાન છે. અરે, રાજપૂત સમાજમાં પણ ચંદ્રવંશી રજપૂતો પોતાના કપાળમાં બીજના ચંદ્રના આકારનો ચાંલ્લો-તિલક કરે છે.

કંઈ કેટલીયે વખત ઇનાયતખાન તમે ચિત્કારી ઉઠતા કે દુનિયામાં હિન્દુસ્તાન જ એક એવો દેશ છે જ્યાં મુસલમાન લોકોને હજ કરવા જવા માટે સબસીડી આપવામાં આવે છે. તેમજ હિન્દુસ્તાન એક જ એવો દેશ છે જે અમન અને શાંતિના દેશ તરીકે પ્રખ્યાત છે. પણ, આજે એ જ દેશમાં કેટલાક ધર્માંધ મુસલમાનો દ્વારા  કરવામાં આવતી આતંકી પ્રવૃત્તિઓથી માત્ર હિંદુઓ નહિ પણ સાચા દેશપ્રેમી મુસલમાનો પણ હેરાન-પરેશન છે.

કદાચ હજી પણ વૈચારિક ક્રાંતિ આવવાની બાકી છે.....  બસ એ જલ્દી આવે.... જેથી વધુ નિર્દોષ લોકોની ધર્મના નામે બલી ચઢી ના જાય..... અલ્લા હાફીસ.... ખુદા સબ સલામત રખ્ખે........

આશિષ એ. મેહતા
Creative Commons License
ધર્મના નામે ઝઘડા શાના? ચિન્હથી જો ધર્મ અલગ પડતો હોય તો ચાંદ અને સિતારા તો ઔં કારમાં પણ છે........ by આશિષ એ. મેહતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

Saturday, October 5, 2013

મિત્રોની યાદો

એમ નથી કે નથી મળ્યું કશું અમને મિત્રો તરફથી,
એમ છે કે મળ્યું છે ઘણું બધું અમને મિત્રો તરફથી,

ફરક હતો માત્ર થોડો જ એમને ઓળખવામાં,
બાકી ઘણું કહી ગયા મિત્રો ને ઘણું આપી ગયા,

આપ્યો છે ઘણી યાદોથી મહેકતો કોથળો એમણે,
ખોલતા જ સુગંધિત કરી જાય છે એમની યાદો અમને,

ક્યાંક મુખ પર સ્મિત રેલાવી જાય છે યાદો એમની,
તો ક્યાંક ફરી આંખો ભીંજવી જાય છે યાદો એમની,

નહતી ખબર અમને કે નહતી ખબર એમને,
કે આમ જ છુટા પડી જઈશું કહી ફરી મળીશું ,

એ જ મિત્રોને ફરી મળવાનું ઘણું મન થાય છે,
પણ સમય, સંજોગ અને સંસાર વચ્ચે રહી જાય છે,

મળ્યા "ગૌરવ" સ્વપ્ન મહેલમાં ફરી એ જ મિત્રોને,
સ્વપ્ન તુટતા મિત્રોના વિયોગે આંખોમાંથી અશ્રુ વહી જાય છે.


ગૌરવ એમ. શુકલ
Creative Commons License
મિત્રોની યાદો by ગૌરવ એમ. શુકલ is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.

Saturday, September 28, 2013

ખામોશ રહીને સઘળું જોવું છું, ચૂપ રહીને બધું સાંભળું છું

ખામોશ રહીને સઘળું જોવું છું,
ચૂપ રહીને બધું સાંભળું છું,
કોઇથી ફરિયાદ, કોઇથી વખાણ,
કોઇની નિંદા તો કોઈની માંગ,
દરેકને ઉતાવળ છે જલ્દી છે,
અને પાછી છે જરૂરીયાત,
નથી જોતા પોતાની યોગ્યતા કે લાયકાત,
વળી ધીરજની તો દૂર છે વાત,
સમય સંજોગને અધીન ,
વળી રહી કર્મને આધીન,
દરેકને યોગ્યતા મુજબનું "હું" આપું છું,
"આશિષ" સદાય સહુને સતત નિરંતર,
છતાંય સતત માંગણી અને ફરિયાદથી ઘેરાયેલો છું,
શું કરૂ? કોઈકને માટે "ખુદા" તો કોઈકના માટે "ભગવાન" છું,
ખામોશ રહીને સઘળું જોવું છું,
ચૂપ રહીને બધું સાંભળું છું....


આશિષ એ. મહેતા
Creative Commons License
ખામોશ રહીને સઘળું જોવું છું, ચૂપ રહીને બધું સાંભળું છું by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.

Saturday, September 21, 2013

ઈતિહાસ અપને આપકો દોહરાતા હૈ, વો ફિર પલટ કે વાપિસ આતા હૈ

છેલ્લા ઘણા વરસોના અવિરત, અતૂટ નિયમ મુજબ આજે પણ સવારના ચાર વાગે સ્વામી આનંદ તમારી આંખ ખુલી ગઈ. પાછલી આખી રાત અજંપાભરી રહી હોવાના કારણે આજે તમે સહજ તાજગીનો અનુભવ નહતા કરી શકતા. પરંતુ, નિત્ય નિયમ મુજબ પથારીનો ત્યાગ કરીને તમારી કુટિરની બહાર નીકળી દેવાધિદેવ મહાદેવના દુરથી દર્શન કરીને મંદિર, તમારી કુટીર તથા આશ્રમની પાછળ આવેલ કુવામાંથી પાણી ખેંચી અને તમે સ્નાનાદિ નિત્યકર્મ પરવારીને તૈયાર થઇ નિત્ય નિયમ પ્રમાણે યોગ અને ધ્યાનની પ્રક્રિયામાં જોડાયા. પરંતુ, આજે તમારૂ અંતરમન ભગવાનના નિરાકાર સ્વરૂપ સાથે એકરૂપ થવાના બદલે સતત વિચારોમાં ભટકતું હતું અને આજે મનને એકત્રિત કરવામાં તમને તકલીફ પડી રહી હતી.

અને અચાનક આજે તમને ખુદને પણ ખબર ન પડી અને તમારા માનસપટ ઉપર ગોસ્વામી આનંદથી સ્વામી આનંદ સુધીની સફર ઊજાગર થઇ. પચ્ચીસ વર્ષની નવયુવાન વયે એમ.એસ.સી. બોટનીમાં ગોલ્ડ મેડલ મેળવીને તમે ગોસ્વામી આનંદ એક મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સારા પગારની નોકરી પર લાગ્યા હતા અને મધ્યમવર્ગીય પરિવારના મા-બાપના એકના એક સંતાનની આવી સરસ પ્રગતિ જોઈ મા-બાપની આંખોમાં હર્ષાશ્રુ આવતા હતા અને ભગવાન પ્રત્યેનો અહોભાવ પ્રગટતો હતો. ત્રણ વ્યક્તિઓનો તમારો પરિવાર સુખમય જીવન પસાર કરતો હતો. સમય સમયનું કામ કરતો હતો અને નોકરી લાગ્યાના ત્રણેક વર્ષ બાદ તમારા પર કિસ્મતે ફરી મહેર કરી અને નોકરીમાં પ્રમોશન મળ્યું અને તમે અમદાવાદના સારા કહી શકાય એવા વિસ્તારમાં નાનકડા એક મકાનને ઘર બનાવવાના શમણા સાથે લોનથી ખરીદી લીધું અને એ જ વર્ષે તમારી જ જ્ઞાતિની છોકરી શિવાની સાથે તમે ગૃહસ્થજીવનમાં જોડાયા. જીવનચક્ર કોઈ પણ પ્રકારના અવરોધ વગર ચાલતું હતું અને અચાનક એક દિવસ જાણે કોઈની નજર લાગી ગઈ હોય એમ એક ઘટના બની અને તમારી જીવન નૌકા અસ્તવ્યસ્ત થઇ ગઈ. એક સવારે તમારા માતા-પિતા માટે નહાવાનું ગરમ પાણી મુકતા અકસ્માતે ગેસ સીલીન્ડર ફાટ્યો અને એ ગોઝારી ઘટનામાં તમારી પ્રેમાળ પત્ની નેવું ટકા દાઝી ગઈ. તમે તાત્કાલિક તમારી પત્નીને નજીકની સારી હોસ્પિટલમાં દાખલ કરી અને ડોક્ટરને તમારી પત્નીને બચાવવાની કાકલૂદી કરી. ડોક્ટરોએ પણ એમનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા. પરંતુ, શિવાનીને બચાવી ન શક્યા અને એ દિવસે કુદરતને જો કદાચ હ્રદય હોત તો તમારા અને તમારા માતા-પિતાના રૂદનથી તેનું કાળજું પણ કદાચ કંપી ઊઠ્યું હોત અને આટલું ઓછું હોય તેમ તમારા સાસુ-સસરાએ કોઈના ચડાવામાં આવીને તમારા અને તમારા માતા-પિતા સામે શિવાનીને દહેજ ન આપવાના કારણે યોજના બધ્ધ રીતે મારી નાખી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી અને પોલીસ કેસ થતા કંપનીના નિયમાનુસાર તમને કંપનીએ બરતરફ કર્યા અને પુત્રવધુના આકસ્મિક મૃત્યુના તથા તમારી નોકરી છૂટી જવાના બેવડા આઘાતમાંથી બહાર નહિ આવી શકેલ તમારા માતા-પિતા પોલીસ ફરિયાદનો વધુ આઘાત સહન ન કરી શક્યા અને તમારી પત્ની શિવાનીના અવસાન બાદ દશમા દિવસે જ તમારા પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું અને આ ફાની દુનિયામાં તમે અને તમારી માતા, બસ બે જ જણ, એકબીજાનો સહારો બની રહ્યા. તમારા સાસુ-સસરાએ કરેલ પોલીસ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી અને તમને તથા તમારી માતાને સાત વર્ષ સખત કેદની સજા કોર્ટે ફરમાવી તે દિવસે તમે છેલ્લી વખત તમારી માતાને ભેટીને રડ્યા હતા અને જેલની કાળકોટડીમાં જ તમને એક દિવસે સમાચાર મળ્યા કે હવે આ ફાની દુનિયામાં તમે એકલા જ રહી ગયા છો અને તમારી માતાએ પણ આ દુનિયા છોડી દીધી છે. જેલમાંથી જરૂરી પરવાનગી લઈને તમે તમારી માતાને જયારે મુખાગ્નિ આપી એ સમયે તમને ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો હતો. ત્યારબાદ કુદરતે વધુ એક આઘાત આપ્યો અને લોનના હપ્તા સમયસર નહિ ભરી શકવાના કારણે બેંકે જપ્તીની કાર્યવાહી કરીને તમારું મકાન જપ્ત કર્યું. બસ એ પછી જેલવાસના તમારા દિવસોમાં ભાગ્યે જ કદાચ તમે કોઈની સાથે વાત કરી હશે.

સાત વર્ષનો સજાનો સમયગાળો પૂરો કરીને તમે જયારે જેલમાંથી મુક્ત થયા ત્યારે હવે ક્યાં જવું? શું કરવું? એ ગંભીર પ્રશ્નો તમારી સામે હતા અને તમે કોઈ જ પ્રકારનો વિચાર કર્યા વગર જેલવાસના સમયગાળાની તમારી કમાણીમાંથી નજીકના બસ સ્ટેન્ડ પર જે પહેલી બસ નજરે પડી તે બસમાં બેસી ગયા અને કંડકટરને છેલ્લા સ્ટોપની ટીકીટ આપવા કહ્યું અને તમે જુનાગઢ આવી ગયા. જુનાગઢ આવીને તમે બસ સ્ટેન્ડની પાસે આવેલ ચાની કીટલી પરથી ચા પીધી અને શૂન્યમનસ્ક બની સામે તાકી રહ્યા હતા. તમને ખુદને પણ ખબર ન પડી કે ક્યારે તમારી સામે શ્વેતકેશી સાધુ આવીને ઉભા રહી ગયા અને તમારી સામે મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. એકાએક તમારૂ ધ્યાન સામે ઉભેલ વ્યક્તિ તરફ ગયું અને એ શ્વેતકેશી સાધુએ તમને સાથે ચાલવા જણાવ્યું અને કોઈ અદમ્ય શક્તિથી દોરવાઈને તમે એ સાધુની સાથે ચાલતા ચાલતા ગિરનારની તળેટીમાં એકાંતમાં આવેલ આશ્રમમાં આવી ચડ્યા. સમય પસાર થતો ગયો અને સમયની સાથે અજાણે તમારો અને એ સાધુની સાથે આત્મીય સંબંધ બંધાઈ ચુક્યો હતો. તમે એ જાણી ચુક્યા હતા કે એ શ્વેતકેશી સાધુ સ્વામી ચિદાનંદ તરીકે આસપાસના પંથકમાં ઓળખાતા હતા અને વનસ્પતિના ઔષધિય ઉપયોગો અંગે ઘણું જ સારૂ જ્ઞાન ધરાવતા હતા. ધીરે ધીરે પસાર થતા સમયની સાથે તમારા માનસપટ પર કુદરતે આપેલ ઘાવ રૂઝાઈ રહ્યા હતા અને સ્વામી ચિદાનંદની અનુભવી, ઉપદેશાત્મક વાણીએ ઘાવ પર મલમનું કામ કરતી હતી. અંતે તમે એ વાત સહજતાથી સ્વીકારી લીધી કે, ""જે કંઈ થાય છે તે ઈશ્વરની ઈચ્છાને આધીન જ થાય છે. મનુષ્યના હાથમાં માત્ર પ્રયત્ન કરવાનું જ લખેલ છે. પરિણામ ઈશ્વરે જે નિર્ધારિત કરેલ છે તે જ મળવાનું છે. મનુષ્ય દેહ ઈશ્વરને પામવા અને સમગ્ર પ્રકૃતિમાં રહેલ ઈશ્વરીય તત્વને ઓળખવા માટે મળે છે.'' અને અંતે તમે સ્વામી ચિદાનંદને તમારા આદ્યાત્મિક ગુરૂ તરીકે સ્થાપી તેમની પાસેથી યોગ અને ધ્યાનનો અભ્યાસ ઈશ્વરને પામવા અને ઓળખવા માટે શરૂ કરી દીધો અને સ્વામી ચિદાનંદે તમને ગોસ્વામી આનંદમાંથી સ્વામી આનંદ નું નામ આપ્યું. બાર વર્ષના સ્વામી ચિદાનંદના સાનિધ્ય બાદ વાનપ્રસ્થાશ્રમના આરે આવીને ઊભા રહેલ તમે એક અલગ  વ્યક્તિત્વ અને ઓળખ ધરાવતા થઇ ગયા હતા અને એક દિવસે સવારના યોગ અને ધ્યાનના અભ્યાસ બાદ સ્વામી ચિદાનંદે તમને આદેશાત્મક સ્વરે જણાવ્યું કે હવે તમારે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ આંબાઘાટા ગામે ગામથી દુર આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં જવાનું છે અને બાકીનું જીવન ત્યાં યોગ-ધ્યાનના અભ્યાસ અને આસપાસના લોકોના હિતમાં, સમાજ સેવામાં પસાર કરવાનું છે. ગુરૂ આજ્ઞા શિરોમાન્ય રાખીને તમે ઓમકારેશ્વર મહાદેવના આ મંદિરમાં આવી ગયા હતા અને એ વાતને પણ આજકાલ કરતા બે દાયકા ઉપર સમય  થઇ ગયો હતો. તમે અહી આવીને સૌથી પહેલા તો મંદિરની આસપાસની વેરાન જગ્યા સાફ કરી અને ઉપયોગી ઔષધીય વનસ્પતિઓ ઉછેરી અને તમારા માટે પર્ણકુટીર બનાવી. સમય જતા આસપાસના ગામના લોકો મહાદેવના દર્શને આવતા થયા અને તમારા સ્વભાવથી પરિચીત થતા ગયા અને થોડાક જ સમયમાં તમારી સુવાસ આસપાસના પંથકમાં ફેલાવા લાગી અને આસપાસના લોકોનો ધતિંગ, દોરા, ધાગાના ભ્રમથી મુક્ત કરવાનું શરૂ કર્યું અને રોજબરોજની બીમારીમાં આયુર્વેદિક ઔષધીય ઉપચાર શરૂ કર્યા અને નિત્ય સાંજે ભક્તિભાવ ભર્યા ભજન તથા સત્સંગ. આ જ તમારો દૈનિક ક્રમ બની ગયેલ હતો.

પણ ગઈ કાલ સાંજે આજુબાજુના પંથકમાં અસામાન્ય કહી શકાય તેવી ઘટના બની ગઈ. શહેરથી અને શહેરની બદીથી દુર આવેલ આંબાઘાટા ગામમાં ગઈ કાલ સાંજે એક પરણિત યુવાન સ્ત્રીનું આકસ્મિક અવસાન થયું અને તે સ્ત્રીના શહેરમાં રહીને ભણતા નાના ભાઈએ તે સ્ત્રીના પતિ તથા સાસુ-સસરા વિરૂધ્ધ દહેજ મૃત્યુની પોલીસ ફરિયાદ દાખલ કરી અને આંબાઘાટા ગામમાં પહેલી વખત પોલીસ આવી અને તે સ્ત્રીના સાસરિયાને પકડી ગઈ.  પરંતુ, પોલીસ મથકે જતા પહેલા તે યુવાન તથા તેના મા-બાપે તમને મળવાની ઈચ્છા દર્શાવતા પોલીસ ઇન્સ્પેકટર સાહેબ તે લોકોને લઈને તમારા આશ્રમમાં આવ્યા અને તે યુવાન તથા તેના મા-બાપની આંખોમાંથી નીકળતા આંસુ અને તમારા પગ પકડીને તમને કરેલી કાકલુદીથી તમારૂં અંતરમન વ્યથિત થઇ ગયું હતું અને આ વ્યથામાં તમને એક પંક્તિ યાદ આવી ગઈ.

""ઈતિહાસ અપને આપકો દોહરાતા હૈ, વો ફિર પલટ કે વાપિસ આતા હૈ,
વોહી સમા વોહી પલ ફિરસે લાતા હૈઈતિહાસ અપને આપકો દોહરાતા હૈ.''

અને પછી ધ્યાનમાંથી આંખ ખુલી ત્યારે સામેનું દ્રશ્ય થોડું ધૂંધળું લાગતું હતું. પછીથી તમને ખ્યાલ આવ્યો કે આંખ ભીની થઇ ગઈ છે. આંખ અને મોઢું ધોઈને તમે સીધા જ ઓમકારેશ્વર મહાદેવની સામે ગયા અને આટલા વર્ષોમાં પહેલી વાર મહાદેવને પ્રાર્થના કરી કે, ""હે દેવાધિદેવ, દયા કરજે બાપ, ખોટી કનડગતમાંથી બચાવજે. મારા નાથ, કોઈની એટલી પણ કસોટી ના કર કે જીવવાનું મુશ્કેલ થઇ જાય.''


આશિષ એ. મહેતા 
Creative Commons License
ઈતિહાસ અપને આપકો દોહરાતા હૈ, વો ફિર પલટ કે વાપિસ આતા હૈ by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.


Saturday, August 24, 2013

દયા દેવની

દર-બદર ભટકતા રહ્યા,
કંકર-શંકર પૂજતા રહ્યા અમે,
પામવાને દયા દેવની,
માં-બાપને ભૂલી પથ્થર પૂજતા રહ્યા.

મંદિરમાં માં ની ચુંદડી બદલતા રહ્યા,
દરેક વારે તહેવારે અમે,
જનમ આપનારીની સાડી માટે,
વાયદા ઉપર વાયદા કરતા રહ્યા.

દૂધ-જળ મહાદેવને ચડાવતા રહ્યા,
તલ-બિલીનો અભિષેક કરતા રહ્યા અમે,
વાટકી દૂધ ન આપ્યું પિતાને,
દવાના હિસાબો કરતા રહ્યા.

શીદને દયા કરીને દેવ પૂરે,
શેર માટીની ખોટ અમારી?
માં-બાપના દિલ દુઃખાવી,
પથ્થર પાસે "આશિષ" માંગતા રહ્યા.


આશિષ એ. મહેતાCreative Commons License
દયા દેવની by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

Saturday, August 17, 2013

“મા”!!!!!!!!! જગત જનની જગત જનેતા - ઉપકાર એના ભૂલશો નહિ

“મા” !!!! “મા” શબ્દ સાંભળતા  મનમાં કેવો આનંદ આવી જાય  છે. મન કેવું પ્રફુલિત થઇ જાય છે, શબ્દ જેટલો નાનો લાગે છે તે તેટલો મોટો અને મહત્વનો શબ્દ છે, નાનપણમાં બાળક સૌ પ્રથમ શબ્દમા”   તો બોલે છે અને નાનપણમાં બાળક માટેમા” આખુયે વિશ્વ હોય છે..….  વિશ્વમાં "મા" ના ઉપકાર માનીએ તેટલા ઓછા છે.

જયારે બાળક નાનું હોય ત્યારે "મા" તેની ખુબજ સાર સંભાળ રાખતી હોય છે....... "મા" પોતે ભીના માં સુવે છે પણ હંમેશા પોતાના બાળકને કોરામાં સુવડાવે છે. "મા" એટલે "ભગવાન", "મા" એટલે વાત્સલ્ય નું સ્વરૂપ, "મા' એટલે "ત્યાગ", "મા" એટલે "પ્રેમ", "મા" એટલે "પ્રેરણા", "માએટલે "મમતાનો સાગર".....

"મા" મારે છે પણ માર ખાવા નથી દેતી. "માહંમેશા બાળકને એના વાંક માટે બીજાની આગળ છાવરે, પણ "મા" બાળક ને સાચી રાહ પણ દેખાડે છેસ્વયં ભગવાનને પણ અવતરવું પડે છેમા ની ગોદમાં રમવું પડે છે. બાળક માટે "મા" ની ગોદ એટલે એની આખી દુનિયા, બાળક ભલે એક મહિનાનું હોય કે પછી પચાસ વર્ષનો માણસ, બધાને અનુપમ નિરાંતનો સતત અનુભવ કરાવનાર એટલે "મા".

"મા" એ દુનિયાની એક માત્ર એવી વ્યક્તિ છે જેની આગળ વિશ્વની દરેક તાકાત નબળી પડી જાય છે, પછી ભલેને એ કોઈ મોટો ઓફીસર, પ્રધાન કે પછી સામાન્ય માણસ જ કેમ ના હોય અને આપણા સમાજમાં ઘણી બધી કેહવતો છે જેવી કે "મા એ મા, બીજા બધા વગડાના વા." પણ ઘણી વાર માણસ "મા" ની મમતાને સમજી શકતો નથી. "મા" કદાચ પોતાના બાળકને કડવું વાક્ય કહે પણ એમાં "મા" નો પ્રેમ છુપાયેલો હોય છે, પરંતુ આજનો માનવી એ સમજ્યા-જાણ્યા વગર જ "મા" પ્રત્યે મનમાં દ્વેષભાવ બાંધી લેતો હોય છે અને સમય પસાર થતાની સાથે સાથે એ વધતો જ જાય છે.

પછી એક સમય એવો આવે છે કે દુઃખો સહન કરી પોતાને પાળનાર પોષનાર "મા"એ કરેલા અસંખ્ય ઉપકારો ભૂલીને માણસ પોતાને જન્મ આપનાર "મા" ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને આવું કરવામાં માણસ એક પળનો પણ વિચાર કરતો નથી.

આટલું બધું થાય છતાં પણ "મા" ની મમતા, "મા" નો પ્રેમ તેના પુત્ર પરથી ઓછો થતો નથી. "મા" તેના અંતિમ શ્વાસોમાં પણ તેના પુત્રનું નામ લેતી હોય છે પણ તેનો જ પુત્ર તેની "મા"ને માત્ર કહેવા પુરતું એક ક્ષણ માટે યાદ કરતો નથી હોતો અને જ્યારે તેને તેની "મા"ની વિદાયના સમાચાર મળે છે ત્યારે તે સાંભળી કદાચ રડી પણ લેતો હોય છે, પણ "મા"ની આંતરડી બાળ્યા પછી ખુદ રડવાથી શું ફાયદો?????

"મા"ને અંતિમ સમયમાં પોતાના હાથે કોળિયો ખવડાવે નહિ ને તેના ગયા પાછળ પીંડ દાન, શ્રાદ્ધ કરીને "મા"ને ખવડાવવા પ્રયાસ કરે, "મા"ને કોઈ દિવસ એક સારી સાડી પણ અપાવી ના હોય અને તેના ગયા પછી તેના ફોટા પર સુખડનો હાર ચડાવે, રોજ દીવો અને અગરબત્તી કરે પણ જીવતેજીવત "મા"ની આંતરડી બાળી તેના મર્યા પછી આ બધું કરવાનો શું અર્થ????? 

એ જ માણસ પછી કહે છે, "પેહલા આંસુ આવતાતા ને "મા" તું યાદ આવતીતી, હવે "મા" તું યાદ આવે છે ને "આંસુ" આવે છે."

આજ આપણા સમાજની વાસ્તવિકતા છે જે હાજર છે તેની સામે કોઈ જોતું નથી-તેની કોઈ કદર નથી અને તેના ગયા પછી તેની વાહ વાહ બોલાવી તેના અસ્થીને ચાર ધામ કરાવવા અને પછી સમય જતા બધું જ ભૂલી જવું.........!!!!!


ગૌરવ એમ. શુકલ


Creative Commons License
“મા”!!!!!!!!! જગત જનની જગત જનેતા - ઉપકાર એના ભૂલશો નહિ by ગૌરવ એમ. શુકલ is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.


Saturday, August 10, 2013

જીવનકા સફર ચાલતા હી રહેગા, જીંદગીકો હમેશા બદલતા હી રહેગા

સામાન્ય સંજોગોમાં પંખી પણ પ્રવેશી ના શકે તેવી અભેદ સુરક્ષા વચ્ચે આલીશાન કમરામાં મરણ પથારીએ પડેલા તમે રજની કવિશ્વર ઉર્ફે રજની ડોન તમારા મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા હતા. છેલ્લા કંઈક કેટલાય દિવસથી અસહ્ય દર્દ અને પીડા તમે સહન કરી રહ્યા હતા. બીમારીના શરૂઆતના દિવસોમાં તો દર્દ સહન નહિ થતા તમે રજની ડોન સાંભળી પણ ના શકાય તેવી ચીસો પડતા હતા. બંને ફેફસા પૂરી રીતે ખલાસ થઇ ગયા હતા, બંને કીડનીઓ ખતમ થઇ ચૂકી હતી, લીવરમાં ઇન્ફેક્સન ફેલાઈ ગયું હતુ. પરંતુ, ધીરે ધીરે તમે દર્દથી આદી બની ગયા અને હવે તો તમે રજની કવિશ્વર ચીસો પડવાનું પણ બંધ કરી ધીધુ હતું. ડૉકટરે તો ક્યારનુંય જણાવી દીધું હતું કે બસ હવે જીવનના થોડા દિવસો છે. જે કંઈ કરવું હોય તે જલ્દીથી કરી લો. અત્યંત ધીમા અવાજે તમે તમારી બાજુમાં ઉભેલા તમારા ખાસ મિત્ર અને તમારા પડછાયા તરીકેની ઓળખ ધરાવતા તમારા ખાસ વિશ્વાસુ એવા પ્રદીપ તરફ જોઈને એકદમ ધીમા અવાજે કહ્યું, "એ પ્રદીપ, આજે છેલ્લી સિગારેટ પીવડાવી દે, દોસ્ત." અને આંખમાં આવેલા અંસુઓને પરાણે રોકી રાખીને પ્રદીપે તમને તમારી પસંદગીની ત્રિપલ 5 સિગારેટ સળગાવીને ધ્રુજતા હાથે તમારા મોઢામાં મૂકી અને તમે રાજની ડોન પ્રયત્નપૂર્વક સિગારેટનો એક ઊંડો કાશ ખેંચ્યો અને ઉધરસ ચડતા પ્રદીપે સિગારેટ લઇ લીધી અને ખાંસતા ખાંસતા જ તમે હાલ જ છોડેલા યા તો એમ કહો કે છૂટી ગયેલા સિગારેટના ધુમાડાથી રચાયેલા ક્ષણિક વાદળની આરપાર તમે તમારો વિતેલો પૂરો જીવનકાળ જોઈ રહ્યા હતા.

ગુજરાતના મોટા શહેરોમાંના એક શહેરના મધ્યમવર્ગીય વિસ્તારમાં યુવાન વયે ઇલેક્ટ્રોનીક્સનો સામાન વેચવા તથા રીપેરીંગની દુકાન ખોલીને તમે ઈમાનદારીથી જીવન જીવવાની શરૂઆત કરી હતી અને તમે તમારી આવડતથી ખુબ જ ટૂંકા સમયગાળામાં બહુ જ સારું કહી શકાય એવું નામ મેળવી ચુક્યા હતા અને આજુબાજુના વિસ્તારમાં રજની ઈલેક્ટ્રીશિયન તરીકે ઓળખાવા લાગેલ અને એ દિવસો શાંતિથી પસાર થઇ રહ્યા હતા. પરંતુ જો તે દિવસે એ ગોઝારી ઘટના ના બની હોત તો આજે તમે રાજની ડોન તરીકે ના ઓળખાતા હોત. નિયમિત પૂજાપાઠ કરવાના નિયમ વાળા ચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ તમે એકંદરે શાંતિપ્રિય વ્યક્તિ હતા અને એ દિવસે તમે તમારી દુકાને હજુ હમણાં જ આવ્યા હતા અને દિવાબત્તી કરીને તમે હાલમાં જ ફ્રી થયા હતા અને તમારી દુકાને એક અજાણ્યો વ્યક્તિ આવી ગયો અને અબે-તબેની ભાષામાં વાતની શરૂઆત કરતા એક ટેપરેકોર્ડર રીપેર કરવા આપ્યું. તમે રજની બહુ વિનમ્રતાથી જણાવ્યું કે, "સાહેબ, આમાં રીપેરીંગનો ખર્ચો માથે પડે તેમ છે." બસ તમારી એટલી જ સાચી વાત કહેવી અને તે આગંતુકે તમને માં સામે ગંદી ગાળ આપી અને એક ધોલ મારી દીધી અને વાત વધી પડી. તમે માં સામેની ગાળ સહન ના કરી શક્યા અને તમે એ આગંતુકની ફેંટ પકડી અને તેને વળતી ધોલ રસીદ કરી દીધી. આમ તો દીખીતી રીતે હિસાબ બરાબર થઇ ગયો હતો. પણ, એ આગંતુકે ખીસામાંથી છરો કાઢ્યો અને તમારા ઉપર વાર કર્યો પણ તમારી ચપળતાએ તમને બચાવી લીધા અને આ ઝપાઝપીમાં અનાયાસે જ સ્વબચાવમાં તમારા હાથે એ અજાણ્યો આગંતુક તમારી દુકાનના ઓટલા ઉપર મરી ગયો. બસ પછી અતુટ નિયમ મુજબ ઘટના બની ગયા પછી ડંડા પછાડતી પોલીસ આવી અને તમને પકડીને લઇ ગઈ ત્યારે તમને ખબર પડી કે તે અજાણ્યો માણસ આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટરનો વંઠેલ દીકરો હતો અને આ આખા વિસ્તારના તમામ ખરાબ ધંધા તેના જ ઈશારા ઉપર અને તેના પોલીસ પિતાની મહેરબાનીથી ચાલતા હતા. તમને પોલીસે પોલીસ સ્ટેશનમાં બેરહમીથી માર્યા બાદ તમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તમને દશ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા. આ દશ દિવસના પોલીસ રિમાન્ડ દરમ્યાન પણ તમારા ઉપર બેસીતમ જુલ્મ ગુજારવામાં આવ્યા. ત્યારબાદ, કોર્ટે તમને જેલમાં મોકલી આપ્યા. જેલના કારાવાસે તમને ઘરમૂળથી બદલી નાખ્યા. એ જ સમયગાળામાં એક સ્થાનિક રાજકિય આગેવાન તમારી મદદે આવ્યા. પછી અનેક રાજકીય ખટપટો બાદ નવ મહિનાના જેલવાસ બાદ તમને જામીન મળ્યા અને તમે જેલમાંથી બહાર આવ્યા ત્યારે "ક્લ્લુ માંથી કાલીયા" બની ચુક્યા હતા. જેલમાં ગયો હતો રજની ઈલેક્ટ્રીશિયન અને બહાર આવ્યો હતો રજની ભાઈ. જેલમાંથી બહાર નીકળીને તમે તમારા ઘરે આવ્યા ત્યારે તમને એ જાણવા મળ્યું કે તમારા જેલવાસ દરમ્યાન તમારા ઘર-પરિવારની તમામ જવાબદારી તમારા ખાસ મિત્ર પ્રદીપે ઉપાડી લીધી હતી.

ઘરે આવ્યાના બીજા જ દિવસે તમે તે સ્થાનિક રાજકીય અગ્રણીને મળવા અને તેમનો આભાર માનવા તેમના ઘરે ગયા. તમને ઘરના દરવાજે આવેલા જોઇને તે રાજકીય આગેવાન ઉભા થઈને દરવાજા સુધી તમને લેવા આવ્યા અને તમે આભારવશ થઇ તેમને પગે લાગવા જતા હતા પણ તેણે તમને રોકી લીધા અને તે રાજકીય આગેવાને તમારા હાથમાં દશ હજારનું બંડલ પકડાવી દીધું અને કહ્યું હાલ કંઈ પણ બોલ્યા વગર રાખી લે ઘરમાં જે ઉધાર ઉછીના લીધા હોય તે પરત કરી દે અને કાલે શાંતિથી સાંજે મળવા આવ. રજની તમે એ રાજકીય આગેવાન પ્રત્યે એક અલગ જ લાગણી ધરાવતા થઇ ગયા હતા. એ દિવસે તમે તમારી દુકાને ગયા પણ કામમાં મન લાગતું નહતું અને બનેલી એ ઘટના તમારી આંખ સામેથી હટતી નહતી. બસ જ્યાં-ત્યાં દિવસ પસાર કર્યો પણ તમે એક વસ્તુની નોંધ જરૂર લીધી કે આજુબાજુના દુકાનદારો તમને રજનીની જગ્યાએ "ભાઈ" કહીને બોલાવતા થઇ ગયા હતા. મોડી સાંજે તમને પ્રદીપે સમાચાર આપ્યા કે, "રજની, તારી ઓળખ "ઈલેક્ટ્રીશિયન" થી બદલાઈને રજની "ભાઈ" ની થઇ ચુકી છે. તમારા હાથે અકસ્માતે જેનું ખૂન થઇ ગયેલું તેનો ત્રાસ દૂર થવાથી આખા વિસ્તારનાં તમામ રહીશો ખૂબ જ ખુશ હતા. બીજા દિવસે સાંજે તમે પેલા રાજકીય અગ્રણીને મળવા ગયા ત્યારે તેના ઘરના મેઈન હોલમાં તમે, પ્રદીપ અને તે રાજકારણી સિવાય કોઈ ન હતું. તે રાજકારણી વ્યક્તિએ તમને સીધું જ જણાવ્યું કે, "રજની, તું મારા માટે કામ કર. મારે તારા જેવા માણસની જરૂર છે." અને તમે તેમને ના ન કહી શક્યા. બસ બીજા જ દિવસથી તમે તે રાજકીય વ્યક્તિ માટે કામ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆત કન્સ્ટ્રકશનના ધંધા  રાખવાથી કરી અને થોડા જ સમયગાળામાં તમે રજની તેના ખાસ માણસ બની ગયા.

બસ, એ પછીની નવરાત્રીમાં તમે જાહેર ગરબાનું આયોજન કર્યું અને લગભગ ચારેક રાત શાંતિથી ભક્તિમય રીતે વિના વિધ્ને પસાર થઇ ગઈ. પણ, પાંચમા નોરતાની રાતે ચોક્કસ કોમના કેટલાક છોકરાઓએ ગરબા રમતી છોકરીઓ પૈકીની એક છોકરીની મશ્કરી કરી અને એ છોકરી રડતી રડતી દોડીને તમારી પાસે આવી. તમે ઈશારાથી પ્રદીપને તે છોકારાઓને શાંતિથી જતા રહેવા સમજાવવાનું કહ્યું અને પ્રદીપ તેમને સમજાવવા ગયો. પણ તે લબરમૂછિયા પૈકીના એકે પ્રદીપની સામે હાથ ઉગામ્યો અને રજની તમારો પિત્તો છટક્યો. પરંતુ, માતાજીના નોરતા ના બગડે એ હેતુ માત્રથી તમે એ છોકારાઓને ચાલ્યા જવાનું જણાવ્યું અને નોરતા પત્યા પછી તમે એ તમામ છોકરાઓને શોધીને જે જગ્યાએ ગરબા રાખ્યા હતા તે જ જગ્યાએ ઊંધા લટકાવીને માર્યા. ફરી પાછો પોલીસ કેસ થયો પણ આ વખતે પોલીસે તમને હાથ પણ ના લગાડ્યો અને પૂરી અદબથી માનભેર કોર્ટમાં રજૂ કર્યા અને તમને ફરીથી કોર્ટે જેલમાં મોકલ્યા. આ વખતે જેલમાં જેલરથી લઈને વોર્ડન સુધીના તમામે તમને સલામ ભરી. બસ એ દરમ્યાન તમારા માતા-પિતાનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું. જામીન પર બહાર આવી તમે તમારા માતા-પિતાની અંતિમક્રિયા પતાવી અને પાછા ધંધે લાગ્યા અને તમે તમારા ખબરીઓ દ્વારા જાણી લીધું કે તે કાર અકસ્માત આયોજનપૂર્વક કરાવવામાં આવ્યો હતો. થોડા સમયબાદ તમે તમારા માતા-પિતાના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિઓને શોધી નાખ્યા અને તેમને પણ આ દુઃખ ભરી દુનિયામાંથી છૂટકારો અપાવી દીધો.

સમય પસાર થતો ગયો, રાજકીય વગ, તમારી આવડત અને જીગરના કારણે તમે અંધારી આલમમાં એક મોટું નામ બની ગયા હતા અને તમારી ધાક વાગતી હતી. કાયદેસરના અને ગેરકાયદેસરના તમામ ધંધા તમારા ઈશારે ચાલતા હતા. બસ, આ જ સમયગાળામાં તમે જે ક્યારેક જ પીતા હતા તે ત્રિપલ 5 સિગારેટના તમે ચેઈન સ્મોકર બની ગયા. તમે પેલા રાજકીય વ્યક્તિને અનેક વખત ઇલેકશનમાં જીતાડ્યા અને એ સામાન્ય રાજકીય આગેવાન મંત્રીના પદ સુધી પહોંચી ગયા અને ઉમરની અવસ્થાએ તે પણ સ્વર્ગે સિધાવ્યા ત્યારે તમે ખૂબ જ રડ્યા હતા. પણ મન મક્કમ કરીને ફરીથી ધંધે લાગી ગયા હતા.

હમણાં જ બે મહિના પહેલા તમને કફમાં લોહી પડ્યું ત્યારે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યો ત્યારે તમને ખબર પડી કે તમને ફેફસાનું લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને બંને ફેફસા પૂરી રીતે  ખલાસ થઇ ગયા હતા તેમજ બંને કીડની ખતમ થઇ ચૂકી હતી, લીવરમાં ઇન્ફેક્સન ફેલાઈ ગયું હતું. બચવાની કોઈ જ આશા નથી. પ્રદીપે તમારા માટે તમારા રૂમમાં જ મીની-હોસ્પિટલ બનાવી દીધી હતી અને પ્રદીપ તથા એના જેવા જ તમારા ખાસ વિશ્વાસુ ચોવીસ કલાક તમારી પડખે કેટલાય દિવસથી ઊભા હતા. તમને તમારો જીવન કાળ યાદ આવી જતા તમારા જુના મિત્ર અજયની શાયરી યાદ આવી ગઈ.....

"જીવનકા સફર ચાલતા હી રહેગા, જીંદગીકો હમેશા બદલતા હી રહેગા,
ચાલના પડેગા તુમકો, બીના રુકે બીના થકે આખરી પડાવ આને તક."

તમારી ખાંસી અટકી જતા તમે ધીમા અવાજે કહ્યું, "પ્રદીપ, બધું સાચવી લે જે." અને એક ડચકુ ખાઈ ગયા.

અને પછી તમે જોતા હતા કે પ્રદીપ અને તમારા બીજા ખાસ માણસો રડી રહ્યા હતા. ડોકટરે ચાદર મોઢા ઉપર ઓઢાડી દીધી. તમે જોઈ રહ્યા હતા એક નિશ્ચેતન શરીર કે જેણે રજની કવિશ્વર તરીકે જન્મ લીધો, રજની ઈલેક્ટ્રીશિયન તરીકે જિંદગી શરૂ કરી, રજની ભાઈ તરીકે ઓળખાયો અને રજની ડોન તરીકે મૃત્યુ પામ્યો.


આશિષ એ. મહેતા

Creative Commons License
જીવનકા સફર ચાલતા હી રહેગા, જીંદગીકો હમેશા બદલતા હી રહેગા by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.

Saturday, August 3, 2013

દિલ કેમ દુઃખાય છે!!!!!

બોલવામાં તો ઘણું બધું બોલાય છે,
પછી ખબર નહી દિલ કેમ દુઃખાય છે!!!!!

બોલવામાં જ તો કોઈના દિલ દુઃખાય છે,
પછી ખબર નહી મારું જ દિલ કેમ દુઃખાય છે!!!!!

જે આપણાં છે તેની સામે કેમ બોલી જવાય છે???
બીજા સાથે તો બહુ ખુશીથી બોલાય છે!!!!!

ખુદના હૈયા બાળી ક્યાં ખુશ રહેવાય છે???
છતાં ખબર નહી મારાથી કેમ બોલી જવાય છે!!!!!

પ્રેમ તો એમને પણ છે ને મને પણ છે,
પણ શબ્દોથી ક્યાં કેહવાય છે!!!!!

ફક્ત એક શબ્દ જ બોલાય ને વિવાદ સર્જાય છે,
પછી ખબર નહિ બંનેના મન કેમ ઘવાય છે???

બોલવામાં તો ઘણું બધું બોલાય છે "ગૌરવ",
પછી ખબર નહી દિલ કેમ દુઃખાય છે!!!!!

ગૌરવ એમ. શુકલ
Creative Commons License
દિલ કેમ દુઃખાય છે!!!!! by ગૌરવ એમ. શુકલ is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.

Friday, July 26, 2013

દિશા એ જ છે અને દશા એ જ છે, પ્રાચીનથી અર્વાચીન કથા એ જ છે

રોજની જેમ જ આજે પણ તમે સાંજના સાતેક વાગ્યાથી એની રાહ જોઈ રહ્યા હતા, વેદપ્રકાશ અને તમારી સાથેના બારએટેન્ડરે તમને આ રીતે કોઈની રાહ જોતા આજ સુધી ક્યારેય ન જોયા હોવાથી એ બિચારો નવયુવાન સુરેશ અકળાયો હતો. જીવનમાં પાંચ દાયકાની મજલ પસાર કરીને ચોપ્પનમા વર્ષમાં પ્રવેશી ચુકેલા તમે વેદપ્રકાશ આશરે છેલ્લા ત્રીસેક વર્ષથી તો માયાનગરી મુંબઈના પરા સમા બોરીવલ્લીમાં આવેલ "ઈગલ બાર"માં બાર મેનેજરની નોકરી કરતા હતા અને તમે ઈગલ બારને જ તમારું નિવાસ સ્થાન બનાવી રાખ્યું હતું. તમારા સિવાય તમારા ભૂતકાળની કદાચ આખા મુંબઈમાં કોઈને કશી જ ખબર ન હતી અને હવે તો તમે પોતે પણ તમારો ભૂતકાળ લગભગ ભૂલી જ ગયા હતા. પરંતુ, હમણાં હમણાંથી આશરે આઠેક વાગે નિયમિત રીતે આવતો એ નવો યુવાન ગ્રાહક, કોણ જાણે કેમ? તમારા વિચારોનું કેન્દ્ર બિંદુ બની ગયો હતો. રોજ આંઠ વાગે આવવું, એ જ ખૂણાના ટેબલ ઉપર બેસવું, એકાદ ગ્લાસનો ઓર્ડર આપવો અને જાણે કેટલાય વિચારોના વમળમાંથી બહાર આવવા મથતો હોય તેમ સિગરેટના કશ છોડેલા ધુંવામાંથી એકીટશે સામેની દીવાલને તાકી રહેવું અને આશરે સાડા નવના સુમારે બીલ પે કરીને નીકળી જવું. બસ, આ જ એનો નિત્યક્રમ બની ગયેલો અને આથી જ, તમે વેદપ્રકાશ આજે નક્કી કરીને રાખ્યું હતું કે, આજે તો એની સાથે વાત કરાવી જ છે.

અને તમારા કાંડે બાંધેલી રિસ્ટવોચમાં આંઠ વાગ્યા અને તમારી નજર ઈગલ બારના દરવાજા પર પડી અને તમે જેની રાહ જોતા હતા તે ઈગલ બારમાં દાખલ થઈને તેના નિયત ટેબલ પર ગોઠવાઈ ગયો અને રોજની જેમ જ તમારા બાર એટેન્ડન્ટ સુરેશે એની પસંદગીનો ગ્લાસ ભરી દીધો અને સર્વ કરવા માટે બાર બોયને આપી દીધો. થોડીક મિનીટો જવા દઈને તમે વેદપ્રકાશ તમારા આસિસ્ટંટને કાઉન્ટરની જવાબદારી સોંપીને ખૂણાના ટેબલ તરફ જવા ઉપડ્યા અને તમને આમ આજે અચાનક પોતાના ટેબલની આટલી નજીક આવેલા જોઇને તેની આંખોમાં એક અજીબ પ્રકારનો ભાવ દેખાયો અને ઉંમરના અનુભવે તમે વેદપ્રકાશ જાણી લીધું કે, "એને એના એકાંતમાં તમારા આવવાથી ખલેલ પહોંચી છે." પરંતુ, અત્યંત પ્રેમાળપણે તમે એને પૂછ્યું, "શું હું અહિયાં આજે તમારી સાથે બેસી શકું છું?" અને એની સંમતિની રાહ જોયા વગર જ, તમે એની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા અને એનું બારીકાઈથી નિરીક્ષણ તમારી અનુભવી આંખે કરવાનું શરુ કરી દીધું. સારા અને મધ્યમ વર્ગનો લાગતો એ યુવાન ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ ન હતો. પરંતુ, સાવ સામાન્ય પણ ન હતો. સારા કહી શકાય તેવા ઓફિસવેર પહેરેલા હતા, પગમાં લોકલ બ્રાંડના શુ સારી રીતે પોલીશ કરેલ હતા, ક્લીન શેવ ચહેરો અને આંખમાં કંઈક અજંપો. આટલું માર્કિંગ કાર્યા પછી તમે એને સીધું જ પૂછ્યું, "તમે રોજ આ જ સમયે અહી આવો છો અને રોજ એ જ ઓર્ડરનું રીપીટેશન કરો છો. કંઈક તકલીફમાં છો? જો તમારો જવાબ હા હોય તો મને એક મિત્ર ગણીને કહી શકો છો." અને જાણે આવી કોઈ ક્ષણની રાહ જોઇને બેઠો હોય તેમ એની આંખમાં પાણી ભરાઈ આવ્યા અને મહામહેનતે રુદન દબાવી રાખીને એને તમારી સાથે એની અંગત વાત શેર કરી, અને સમય સમયનું કામ કરતો ગયો અને તમે વેદપ્રકાશ એની "કહાની" સાંભળતા ગયા. ઘડિયાળ ક્યારનીય સાડા નવનો સમય બતાવી ચુકી હતી અને હવે તો બારમાં ગ્રાહકોનું આવવાનું પણ બંધ થઇ ગયું હતું અને એ યુવાનની સંપૂર્ણ વાત જયારે તમે પૂરી ધ્યાનથી સાંભળી ત્યારે સાડા દશ થવા આવ્યા હતા અને એની વાત શાંતિથી સંભાળીને તમે બહુ જ પ્રેમપૂર્વક એના ખભે હાથ મુકીને દિલાસો આપ્યો કે, "મિત્ર આ કાંઈ મોટી વાત નથી. સંસારમાં આવું ચાલ્યા જ કરે અને આમ જો તું રોજ તારા ઘરે મોડો જ જઈશ તો તારી પત્ની તારા પર વહેમ કરશે જ. દોસ્ત, સ્ત્રીને તો પૂરી રીતે ભગવાન જ સમજી, સમજાવી શકે. આપણે તો માત્ર સ્ત્રીને સમજાવવાનો પ્રયત્ન જ કરી શકાય. પણ દોસ્ત જે સ્ત્રીને તેં તારી પત્ની તરીકે સ્વીકારીને જેની સાથે તેં જીવન જીવવાનું નક્કી કર્યું  છે એને રોજ કહેવા જેવું તમામ સાચું જ કહી દેવાનું અને એને દિલથી પ્રેમ કરવાનો. એ તને પ્રેમ કરે છે કે નહિ એ નહિ વિચારવાનું. તારી પત્ની તારા પરિવારને સાચવે છે ને. બસ, ક્યારેક વધારે પડતો પ્રેમ પણ ઝઘડાનું કારણ બને છે. દોસ્ત, કાલથી ઓફીસથી સીધો જ ઘરે જજે અને તારા પરિવાર સાથે સમય પસાર કરજે. થોડા દિવસોમાં તારી પત્નીને તારાથી કોઈ જ ફરિયાદ નહિ રહે અને એક વાત યાદ રાખ, પ્રેમ કરો તો પ્રેમને અભિવ્યક્ત કરવો પણ જરૂરી છે. જા દોસ્ત, આ બાર તારા જેવા માણસ માટે નથી. જા દોસ્ત તારા પરિવાર સાથે મજા કર."

અને તમે, વેદપ્રકાશ એને વિદાય આપીને પાછા તમારા ભૂતકાળમાં ખોવાઈ ગયા અને કોઈ શાયરની પંક્તિ યાદ આવી ગઈ,

"દિશા એ જ છે અને દશા એ જ છે, પ્રાચીનથી અર્વાચીન કથા એ જ છે."

વેદપ્રકાશ, એ વાત તો માત્ર તમે જ જાણો છો કે જે દિલાસો અને સલાહ તમે તમારા હાલ જ બનેલા મિત્ર અનુભવને આપી જો એ જ વાત આજથી ત્રીસ વર્ષ પહેલા તમે તમારી જાતને આપી હોત તો કદાચ આજે, આ માયાનગરી મુંબઈમાં તમે એકલા ન હોત અને તમારા વતનમાં તમારા પરિવાર સાથે હોત અને જો કદાચ આજે તમારો દિકરો હોત તો એ પણ આજે આટલી જ ઉમરનો અનુભવ જેવો જ હોત. પણ જો, તમે આજથી ત્રીસ વર્ષ પહેલા તમારી પત્નીની રોજની કચકચથી કંટાળીને તમારું ઘર છોડીને મુંબઈ આવ્યા ન હોત તો.

બસ બાર બંધ થવાનો સમય થયો અને તમને આજે ત્રીસ વર્ષ પછી તમારા ઘરની યાદ આવી અને આંખ છલકાઈ ગઈ અને તમે વિચારવા લાગ્યા શું આજે પણ મારો પરિવાર, મારી પત્ની મને યાદ કરતા હશે? કે પછી મને મૃત્યુ પામેલ ગણીને મને ભૂલી ગયા હશે?

વેદપ્રકાશ, હજુ પણ ખાસ મોડું નથી થયું, તપાસ કરો કદાચ હજુ પણ તમારી પત્ની તમારી રાહ જોતી હોય? કદાચ સમયની સાથે તમારી પત્નીને પણ એની ભૂલનો અહેસાસ થયો હોય.....


આશિષ એ. મહેતાCreative Commons License
દિશા એ જ છે અને દશા એ જ છે, પ્રાચીનથી અર્વાચીન કથા એ જ છે by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.

Saturday, July 20, 2013

હું ખુશ છું

હું ખુશ છું, રણમાં, વેરાનમાં, મેદાનમાં, જંગલમાં,
હું ખુશ છું, નદી કિનારે, સરોવર, તળાવ અને દરિયા કિનારે,
હું ખુશ છું, બાગ બગીચામાં, ઘરમાં, આશ્રમમાં અને સ્મશાનમાં,
હું ખુશ છું, જન્મથી લઈ મરણ સુધીના જીવનના દરેક પ્રસંગે,
હું ખુશ છું, પ્રયત્નોથી લઈને નીપજતા પરિણામની દરેક ક્ષણે,
હું ખુશ છું, જીવનની સારી, માઠી દરેક ક્ષણે,
હું ખુશ છું, કારણથી તો ક્યારેક વિના કારણથી,
હું ખુશ છું, ભીડમાં, એકાંતમાં, ઘોંઘાટમાં, નીરવ શાંતિમાં,
હું ખુશ છું, જીવનમાં મળેલ દરેક સફળતા અને નિષ્ફળતામાં,
હું ખુશ છું, કારણ મારે બસ ખુશ રહેવું છે, જિંદગીની દરેક પળમાં,
હું ખુશ છું, કારણ આશિષ છે મને ભગવાનના અને સાથ છે મિત્રોના.


કવિ : આશિષ એ. મહેતા
એડિટર : અજય એમ. પટેલ 

Monday, July 15, 2013

બે પળની મૌસમઆ બે પળની મૌસમમાં બધું જ ભૂલાય છે,
ક્યાંક દુનિયા તો ક્યાંક દેશ ભૂલાય છે,
આ મૌસમની સંગાથમાં ક્યાંક નવા સપના સેવાય છે,
જો હોય કોઈનો સાથ તો આ મૌસમનો આનંદ મંડાય છે,
બસ, આ બે પળની મૌસમમાં ક્યાંક દુનિયા તો ક્યાંક દેશ ભૂલાય છે.

જો હોય કોઈનો સાથ તો આ પ્રેમાંગણમાં મીઠા પ્રેમના યુધ્ધ ખેલાય છે,
પણ લે! આ તો બસ બે પળની જ મૌસમ,
આમાં પ્રેમના ક્યાં નિયમ ઘડાય છે! જીત તો બંનેની થાય છે!!
બસ, આ બે પળની મૌસમમાં ક્યાંક દુનિયા તો ક્યાંક દેશ ભૂલાય છે.

જયારે આ બે પળની મૌસમ બદલાય છે,
ત્યારે આ દુનિયા ને દેશ બેઉ દેખાય છે,
પછી આ બે પળની મૌસમ ભૂલાય છે,
બસ, આ બે પળની મૌસમમાં ક્યાંક દુનિયા તો ક્યાંક દેશ ભૂલાય છે.

જયારે કાનની બંસરીએ રેલાતા પ્રેમના સુરો સંભળાય છે,
ત્યારે કાના ઘેલી રાધા, મીરાં ને ગોપીઓ પણ ડોલાય છે,
આ બે પળની મૌસમમાં જ, દેશ ભૂલી નવી દુનિયામાં પ્રથમ ડગ મંડાય છે,
પછી જ ફૂટે છે પ્રેમના અંકુર ને બારે મેઘ વરસાય છે,
"ગૌરવ" કહે આ બે પળની મૌસમમાં ક્યાંક દુનિયા તો ક્યાંક દેશ ભૂલાય છે.

કવિ : ગૌરવ એમ. શુક્લ
એડિટર : અજય એમ. પટેલ 
Creative Commons License
બે પળની મૌસમ by Gaurav M. Shukla is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com/2013/07/blog-post.html.