Sunday, August 28, 2022

બીરજુ - બીરવા- ભાગ – ર

 

બીરજુ - બીરવા

ભાગ – ર

બીજા દિવસની સવારે જે ગામના પાદરમાં ધામા નાખ્યા હતા તે ગામમાં હો હા થઈ ગઈ. ગામના મુખીના ત્યાં ચોરી થઈ હતી. ચોર ઘરની પછીતે આવેલી ગમાણમાંથી દિવાલ કોચીને ઘુસ્યા હતા. મુખીના ઘરે અવસર આંગણે આવીને ઉભો હતો. આવતા અઠવાડિયે છોકરાની જાન બાજુના ગામમાં જવાની હતી. હજુ હમણાં જ ઘરને ધોળાવવામાં આવ્યું હતુ અને જાત જાતના મોર-ચકલા-પોપટના ચિતરામણથી સજાવવામાં આવ્યું હતું. ઘરમાં જુના તાંબા પિત્તળના વાસણો હતા એમને ઘસી ઘસીને ચમકાવવામાં આવ્યા હતા. ઉપરના મેડા ઉપર પહેરામણીનો સામાન, વહુને આપવાના દાગીના અને બીજી જે ખરીદી કરી હતી તે વ્યવસ્થિત ગોઠવીને મૂકવામાં આવી હતી. મેડાની પાછળની તરફની ડોકાબારી અંદરથી બંધ કરવામાં આવી હતી. મેડા ઉપર આવવું હોય તો એક જ રસ્તો હતો, દાદર ચઢીને જ ઉપર આવી શકાય. ચોરીની રાત્રે બે ચોકીયાત ઘરના મુખ્ય દરવાજાની આજુ બાજુમાં બેસાડવામાં આવ્યા હતા. મુખી પોતે ફળિયામાં ખાટલો નાખીને સૂતા હતા અને એની બીજી બાજુ એનો છોકરો. ઘરના નીચેના ઓરડામાં મુખીની પત્ની અને દિકરી. ઉપર જવાના દાદરાની આગળનો કમાડ બરાબર બંધ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે પસાયતો ગમાણમાં નીરવા ગયો ત્યારે દિવાલ કોચાયેલી જોઈ અને બૂમરાણ મચાવી દીધી. મુખી અને એનો દિકરો જાગીને ગમાણ તરફ દોડ્યા ગમાણની દિવાલ જે પાછળની તરફ પડતી હતી તેમાં એક જગ્યાએ બાકોરૂં હતું. હજુ ત્રણ દિવસ પહેલા જ ત્યાં જે ભેંસને બાંધવામાં આવતી હતી તેને વાડીએ બાંધવાનું શરૂ કર્યું હતું. એ જ જગ્યાએ બાકોરૂં પાડ્યું હતું. ત્યાંથી ઘરની પાછળની દિવાલના મોભનો લાગ લઈને મેડાની પાછળની બારી ખોલવામાં આવી હતી અને લગ્ન પ્રસંગના સામાનમાંથી જે સરળતાથી લઈ જઈ શકાય તેમ હોય તે બધી જ વસ્તુઓ ગાયબ હતી. મુખીના ઘરે કાગારોડ મચી ગઈ. ગામમાં ધીરે ધીરે ખબર પડી અને માણસ ભેગા થવા લાગ્યા. જે રીતે ચોરી થઈ હતી તે સ્પષ્ટ કરી રહી હતી કે, ચોર ચોરી કરતા પહેલા પણ મુખીના ઘરે આવીને ક્યાં શું છે? તેનો અભ્યાસ કરી ગયેલ છે.? પણ કોણ આવ્યું હતું તેનો અંદાજ કોઈને આવતો ન હતો. મેડા ઉપરની પાછળની  બાજુની બારીનો દરવાજો મુખીએ ધ્યાનથી જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે એક બાજુના દરવાજાના નકુચાની નીચે આંગળી જાય તેટલું કાણું પાડવામાં આવ્યું હતુ અને કાણું દેખાય નહિ એટલે એ જ લાકડાનો ડટ્ટો ત્યાં પરોવી દેવામાં આવ્યો હતો. અચાનક મુખીએ ચોકીદારને બૂમ પાડી, પાદરમાં પેલા મજૂરો આવ્યા હતા એમને પકડો.. ઝટ..

મુખીના ઘરે અવસર હતો, એટલે કામની ભરમાર હતી. ઘરના સભ્યો અને નોકરો કામમાં પહોંચી વળતા ન હતા એવામાં વાડીએથી પરત આવતા મુખીના પત્નીએ ગામના પાદરમાં વિચરતી જાતિના કાચા ઝુંપડા જોયા. ઘરે કામ અને પાદરમાં કામની શોધમાં નીકળેલ માણસો. ઘરે આવીને મુખીને વાત કરી કે પાદરમાં વણઝારા આવ્યા છે એમને દહાડી મજૂરીએ બોલાવો તો કામ જલ્દી પતે અને એ બચારા માણસોને કંઈક રૂપિયા મળે. મુખીએ પાદરમાં પડાવ નાખી બેઠેલા વિચરતી જાતિના લોકોના આગેવાનને ડેલીએ બોલાવ્યો અને પૂછ્યું

એલા ક્યાંથી આવો છો અને શું નામ તારૂં?”

મુખી બાપા, કચ્છથી આવીએ છીએ મું મંગો, કામની શોધમાં છય.  આવનારે પોતાની ઓળખાણ આપી.

મારા ઘર્યે કામ કરશો. બે ટંકના રોટલા મળી જાશે અને કામ પતે પછી રોકડા પણ.” મુખીએ આદેશાત્મક અવાજમાં કીધું.

આપની મહેરબાની બાપા, બૈરા અને અમે આદમીઓ હંધાય આવી જાશું અને તમે ચીંધો તે હંધુય કરશું. મંગાએ જવાબ આપ્યો.

હારુ કાલ સવારથી આવી જાવ.  મુખીએ ખુમારીથી કીધું.      

બીજા દિવસે સવારે પાંચેક આદમી અને પાંચેક સ્ત્રીઓ મુખીના ઘર આંગણે આવીને ઉભા રહી ગયા. સાથે હતી એક દશ બાર વર્ષની નાની છોકરી.

Sunday, August 21, 2022

બીરજુ - બીરવા - ભાગ-1

 

બીરજુ - બીરવા

 

ભાગ-1

એડી છોરીમેં કન્ને અક્લ આવેગી?”

એક આધેડ વયની સ્ત્રી ગુસ્સામાં એક નાની બાળકીને ધમકાવી રહી હતી અને એ આગળ કંઈ બોલે એ પહેલાં એના ઘરવાળાએ એને ધમકાવી

તને કેટલી વખત કીધું કે જે ભાષામાં બોલ એ એક જ ભાષામાં બોલ બધા જ પ્રાંતની બોલી ભેગી કરી નાખે છે. તારી આ રીત તું નહિ સુધારે તો વહેલી પકડાઈ જઈશ અને અમને પણ પકડાવી નાખીશ.

બાપુ તમે બી લાંબુ નથી વિચારતા આવી બોલી આપણા અભણ અને વિચરતી જાતીના હોવાનો પૂરાવો પણ બની શકે ને. અત્યાર સુધી મૌન બનીને ઉભી રહેલી બાળકીએ પેલી સ્ત્રીને ધમકાવતા એના ઘરવાળાને કીધું

કામ પર લાગો રાતનો ઉજાગરો  કરવાનો છે.પેલા પુરૂષે કીધું.

અમદાવાદ જિલ્લો પૂરો થાય  અને સુરેન્દ્રનગર જિલ્લો શરૂ થાય તેવા અમદાવાદ જિલ્લાના છેવાડાના ગામ થોરી થાંબાના પાદરમાં છેલ્લા કેટલાક દિવસથી વિચરતી જાતીના હોય તેવા લોકોએ પડાવ નાખ્યો હતો. પાંચ છ કામચલાઉ ઝુંપડા ઉભા કર્યા હતા. તાડપત્રી બે ત્રણ ઉંટ અને થોડા ઘેટાં બકરાં હતા. થોડા તુટેલા ખાટલા અને જરૂરી સામાન. પહેલી નજરે જ વિચરતી જતી જાતીના લોકોએ પડાવ નાખ્યો હોય તેવું પ્રતિત થતુ હતું.

પાણાની ગોઠવણી કરીને આધેડ વયની સ્ત્રીએ ચૂલો બનાવ્યો અને આજુબાજુના વિસ્તારમાંથી સૂકાયેલા ડાળી-ડાળખાં પેટાવી ચૂલા ઉપર પાવડાનું પાનું ધોઈને તાવડી તરીકે મૂકી રોટલા ટીપવા લાગી. આ સમયે આ સ્ત્રીને થોડી વાર પહેલા ધમકાવતો તેનો ધણી થોડે દૂર ખાટલામાં બેસીને ચલમ ફૂંકી રહ્યો હતો અને એની આસપાસ બીજા સાત-આઠ જણ ટોળું વળીને બેઠા હતા અને કોઈ ચર્ચા કરી રહ્યા હતા. એ પુરૂષની બાજુમાં જ બેઠી હતી પેલી નાની બાળકી.

”બીરજુ અટે આ. વા થારો કોઈ કામ ની હૈ. રોટલા ઘડતી સ્ત્રીએ પેલી નાની છોકરીને બુમ પાડીને બોલાવી.

અને બીરજુ  પિતાની જોડેથી ઉઠીને એની મા પાસે ગઈ.

”મા પિતાજીની યોજના આમ સારી છે પણ મને ઠીક નથી લાગતી. બાપુ એક વાત ભૂલી ગયા છે. નાની બીરજુએ એની મા ને કહ્યું.

થારો બાપ સમાજ રો મુખી વે. વો જો કરે સોચ સમજીને કરે છે. ફરીથી અલગ અલગ પ્રાંતની મિશ્ર ભાષામાં સ્ત્રીએ નાની છોકરીને સમજાવી.

રાત્રે જાગવાનું છે એટલે ખપ પૂરતું જ જમજો અને ઔરતોને કહી દો કે રાત્રે ઉચાળા ભરવાના છે. મુખી એ કહ્યું અને સહુ છુટા પડ્યા.

શિયાળો ચાલી રહ્યો હતો. તાપણું દૂરથી જ દેખાઈ રહ્યું હતું. કૃષ્ણ પક્ષની રાત્રી હતી એટલે સમય પસાર થાય તેમ અંધકાર વધુને વધુ ગાઢ થઈ રહ્યો હતો.

જમવાનું પતાવીને પુરૂષ વર્ગના લોકોએ ટુંકી પોતડી ધારણ કરી ઉપર બંડી માથે ફાળિયું બાંધ્યુ અને પોતાના કમરપટ્ટામાં વિવિધ ઔજાર, ગણેશિયો (દરવાજા કે તિજોરીનું તાળું કે નકુચો તોડવા વપરાતું સાધન), બિલાડી (દિવાલ ઉપર ચઢવા કે કુવામાંથી કોઈ વસ્તુ ખેંચીને બહાર કાઢવા વપરાતું સાધન) ખાતરીયો (દિવાલ તોડવાનું સાધન) લીધો, હાથ પર તેલ લગાવ્યું અને ચહેરા ઉપર મેશ  અને માતાજીની મૂર્તિને પગે લાગીને અંધકારમાં ઓગળી ગયા. એ સાથે જ એ સમાજની સ્ત્રીઓ પોતાના ત્યાં હોવાના તમામ પૂરાવા નષ્ટ કરવા લાગી. હજુ હમણાં જ જ્યાં ચૂલો સળગાવ્યો હતો ત્યાં પણ હાલ જાણે કશું જ થયું નથી તેવું લાગી રહ્યું હતું. કામચલાઉ તંબુ ખુલવા લાગ્યા સામાન બધો ફટાફટ ભરાઈ ગયો અને ઉંટ ઉપર ગોઠવાઈ ગયો. ઉંટોને ચારે બાજુ બેસાડી વચ્ચે સ્ત્રીઓ અને બાળકો ગોઠવાઈ ગયા હતા. ઘેટાં બકરાને પણ ઉંટની વચ્ચે બેસાડી દીધા હતા.

રાતનો ત્રીજો પહોર અડધો પત્યો હતો અને અંધકાર સળવળી ઉઠ્યો એ સમાજના પુરૂષો જે પહેલા પહોરે નીકળ્યા હતા તે પરત આવ્યા એમની સાથે મોટી ગાંસળીઓ હતી જે ઉંટ ઉપર મૂકીને બધા જ ત્યાંથી રવાના થઈ ગયા. પણ એ પુરૂષોમાં એક પુરૂષ સહેજ લંગડાઈને ચાલતો હતો એટલે એને બાકીનાએ ભેગા થઈને એક ઉંટ ઉપર ઉંધા બાંધેલા ખાટલામાં સુવડાવી દીધો.

બાપુ તમે ઠીક તો છો ને?” બીરજુ-પેલી નાની બાળકીએ પૂછયું

અવાજ ન કર સવારે વાત. ખાટલામાં સૂતેલા મુખીએ કડક અવાજમાં કીધું.

Sunday, August 14, 2022

મારી કેસ ડાયરી - પ્રણય ચતુષ્કોણ!?

 

મારી કેસ ડાયરી  - પ્રણય ચતુષ્કોણ!?

કોરોનાની મહામારી સામે જંગે ચઢેલા સમગ્ર વિશ્વમાં, કોરોનાને મહાત આપવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું હતું. લોક ડાઉનનો સમય પસાર થઈ ગયો હતો અને રાત્રી કર્ફ્યુના ધાબળા હેઠળ અમદાવાદ સહિતના મોટા શહેરો જંપી જતા હતા. કોર્ટ કાર્યવાહી ઓન લાઈન ચાલી રહી હતી. ટેકનોલોજીનો ઉપયોગ મોટા પાયા પર થઈ રહ્યો હતો. વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઓન લાઈન હિયરીંગ ચાલુ થઈ ગયું હતું અને કેટલીક કોર્ટમાં, નિયંત્રણ સહિત ફીઝીકલ હિયરીંગ પણ ચાલુ થઈ ગયું હતું. સતત ધમધમતી જીંદગી જે અચાનક સાવ થંભી ગઈ હતી તેણે ધીમે ધીમે વેગ પકડવાનું શરૂ કર્યું હતું.

અજયભાઈની ઓફિસ પણ આ જ રીતે કાર્યરત હતી. સવારે ઓફિસ નિયમ મુજબ સમયસર શરૂ થઈ જતી. ઓન લાઈન અને ઓફ લાઈન કેસીસનું લીસ્ટ અભિજાત આગલી સાંજે બનાવીને તૈયાર કરીને મૂકી દેતો. કોન્ફરન્સ રૂમમાં પ્રોજેક્ટર સેટ કરીને ઓન લાઈન હિયરીંગની સગવડ ઉભી કરવામાં આવી હતી. સાંજના સમયે અગાઉથી એપોઈન્ટમેન્ટ લીધેલ હોય તે ક્લાયન્ટને જ મુલાકાત આપવામાં આવતી. ઓફિસના રૂટિન વર્કની સાથે રામજીની અને પંક્તિની જવાબદારીમાં સેનેટાઈઝર, માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ જેવી નવી જવાબદારીઓ ઉમેરાઈ હતી. ચિંતન અને કેયુરનું નિયમીત રીતે ઓફિસમાં આવા ગમન ચાલુ જ હતું.

શુક્રવારની સાંજે ચિંતન એનું ફિલ્ડ વર્ક પતાવીને અજયભાઈની ઓફિસમાં દાખલ થયો ત્યારે, પંક્તિએ ચિંતનને વેઈટીંગ એરીયામાં બેસવાનું સૂચન કર્યું. ચિંતને રીસ્ટ વોચમાં જોયું તો સાંજના સાડા છ થયા હતા. કોન્ફરન્સ રૂમની લાઈટ ચાલુ જોઈને ચિંતનને અંદાજ આવી ગયો કે અજયભાઈ હજુ ક્લાયન્ટ કન્સલ્ટેશનમાં વ્યસ્ત છે અને અભિજાત એની ટેવ મુજબ આવતીકાલના કેસના પેપર્સ અને વિગતો તૈયાર કરતો હશે.

થોડી વાર પછી કોન્ફરન્સરૂમનો દરવાજો ખૂલ્યો અને પિસ્તાલીસી વટાવી ચૂકેલા બે કપલ કોન્ફરન્સ રૂમમાંથી બહાર આવ્યા અને એમની પાછળ પાછળ અજયભાઈ પણ.

થેન્કસ વન્સ અગેઈન ફોર યોર એડવાઈઝ. કોન્ફરન્સ રૂમમાંથી અજયભાઈની જસ્ટ પહેલા બહાર આવેલ પુરૂષે કીધું

યુ આર વેલકમ. અજયભાઈ એ સામે શીષ્ટાચાર કર્યો. આવનાર ચારે જણ ઓફિસના મેઈન ગેટની બહાર ઉભા રહ્યા અને અજયભાઈને બાય કહ્યું. સામે અજયભાઈએ પણ હાથ ઉંચો કરી બાય કહ્યું અને વેઈટીંગ એરીયામાં બેઠેલા ચિંતન સામે જોઈને કહ્યું, આવ ચિંતન અને કેયુરને બોલાવી લે.

પોતાની ચેમ્બરમાં જતા જતા રામજીને કોન્ફરન્સ રૂમની લાઈટો બંધ કરવાની સૂચના આપી અને બધા માટે કોફી બનાવવાનું કહ્યું.

આજે મોડા સુધી ક્લાયન્ટ સાથે બેઠા. કોઈ મહત્વની વાત હશે જ. પોતાની આદત મુજબ ચિંતને કોઈ જ પૂર્વભૂમિકા વગર સવાલ પૂછ્યો.

હા, વાત તો મહત્વની જ હતી અને મારા માટે પણ નવો જ વિષય હતો. જીવનની યાત્રામાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે કે જે આપણને જીવન પ્રત્યેના નવા દ્રષ્ટિકોણનો પરિચય કરાવે છે. આજની આ મીટીંગમાં પણ મને આવું જ જાણવા મળ્યું.

બે ઘટના સાથે બની અજયભાઈનું ઉપરનું વાક્ય પૂરૂ થયું અને ઓફિસ ચેમ્બરનો દરવાજો નોક કરીને રામજી કોફી લઈને અંદર દાખલ થયો. કોફી સર્વ કરી રામજી ચેમ્બરની બહાર ગયો. અજયભાઈએ કોફીનો કપ હાથમાં ઉઠાવી વાતનો દોર આગળ વધાર્યો.

તમારા માટે આવનારના નામ આપણે કામીની-કેતન, અલ્પા અને મહેશ રાખીએ. કાયદાકીય રીતે જોવા જઈએ તો કામીની અને કેતન એ બંને પતિ-પત્ની છે અને અલ્પા અને મહેશ એ બંને પતિ-પત્ની પરંતુ વાસ્તવિક જીવનમાં કેતનની પત્ની કામીની અને કેતનના બાળકની માતા એટલે અલ્પા. વાતને વિરામ આપી, અજયભાઈએ કોફીનો એક સીપ લીધો.

અજયભાઈની વાત સાંભળી કેયુર અને ચિંતને આશ્ચર્યથી એકબીજાની સામે જોયું. એમની આંખોમાં લગ્નેત્તર સંબંધો પ્રત્યેનો અણગમો દેખાઈ આવતો હતો.

હમમ, મને પણ પહેલા તમારા જેવી જ નવાઈ લાગી પણ એમની પૂરી વાત સાંભળ્યા બાદ મને એમના પ્રત્યે માન થયું.

કેતન અને મહેશ બંને બાળપણના મિત્રો સાથે ભણ્યા. બંને પોતાના માતા-પિતાના એકના એક સંતાન. કેતન ખાધે પીધે સુખી અને આર્થિક સંપન્ન ઘરનો મહેશ પ્રમાણમાં સાધારણ પરિવારમાંથી. બંને કોલેજમાં હતા ત્યારે એક અકસ્માત થયો હતો. ટુ વ્હીલર હતું, કેતન ડ્રાઈવ કરતો હતો, મહેશના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈન્જરી થઈ ઓપરેશન કરાવવું પડ્યું અને મહેશ માત્ર દેખાવે જ એક પુરૂષ રહ્યો. આ વાત મહેશના માતા-પિતાને ના મહેશે કહી કે ના ડોક્ટરે. કેતન અને એના પિતાના પરિચિત ડોક્ટરે આખી વાત દબાવી દીધી. એ પછી સમય પસાર થતો ગયો અને કેતનના પિતાના ધંધામાં કેતન ગોઠવાઈ ગયો અને મહેશ કેતનના મેનેજર તરીકે લાગી ગયો. સમાજના રીત રીવાજ મુજબ કેતનના લગ્ન કામીની સાથે થયા. બંનેનું લગ્ન જીવન સુખમય શાંતિ પૂર્વકનું. મહેશના ઘરેથી એના લગ્ન માટે દબાણ થવા લાગ્યું પણ મહેશ લગ્ન માટે તૈયાર ન હતો થતો. કારણ મહેશ પોતે પોતાની હાલત જાણતો હતો. 

કેતન અને કામીનીના જીવનમાં બધી જ વાતે સુખ હતું પણ લગ્નના બે વર્ષ પછી પણ કામીનીને સારા દિવસો ન રહેતા બંનેએ પોતાનો મેડીકલ ચેક અપ કરાવ્યો પરિણામ આધાત જનક આવ્યું કામીનીની બંને ટ્યુબ ફેલ હતી. સર્જનના કહેવા મુજબ ઓપરેશન પછી પણ કોઈ જ પરિણામ મળે તેમ ન હતું. બંને મિત્રો કેતન અને મહેશની પરિસ્થીતી સરખી થઈ ગઈ. બંને પિતા બની શકે તેમ ન હતા. કેતન એની પત્નીની શારિરીક તકલીફના કારણે અને મહેશ એને થયેલ અકસ્માતના કારણે. મેડીકલ રીપોર્ટ પછીનો કેટલોક સમય માનસિક આઘાતમાં પસાર થયો અને એ સમયે એક ઘટના બીજી બની. કામીનીની ખાસ ફ્રેન્ડ અલ્પાના એના એન.આર.આઈ. પતિ સાથે ડિવોર્સ થયા અને આ આઘાત એના પિતા સહન ન કરી શક્યા. અલ્પાના પરિવારમાં એના પિતા સિવાય કોઈ હતું નહિ એ એકલી થઈ ગઈ અને કામીનીને એક વિચાર આવ્યો. એક બાજુ મહેશના પરિવારજનો મહેશ ઉપર લગ્નનું દબાણ કરતા હતા. કામીનીને બાળક થઈ શકે તેમ ન હતું અને કેતનની ઉપર એના પરિવારજનો બાળક માટે દબાણ કરતા હતા. કામીનીએ કેતનને અલ્પા સાથે લગ્ન કરવા જણાવ્યું. ઘણીબધી સમજાવટ, ચર્ચાઓ થઈ કેતન અલ્પા સાથે લગ્ન કરવા તૈયાર ન થયો. અંતે કામીનીએ એક રસ્તો કાઢ્યો. અલ્પાને મહેશ સાથે લગ્ન કરવા જણાવ્યું અને મહેશની શારિરીક પરિસ્થીતી વિશે પણ જાણ કરી. અનેક સમજાવટના અંતે અલ્પા મહેશ સાથે લગ્ન કરવા તૈયાર થઈ. કામીનીના કહેવા મુજબ અલ્પા કામીનીને ના પાડી શકે તેમ ન હતી. સાદાઈથી મહેશના લગ્ન અલ્પાની સાથે થઈ ગયા. મહેશના માતા-પિતા ઘરમાં પુત્રવધુના આવવાથી ખુશ થઈ ગયા. અલ્પાનું સોશીયલ સ્ટેટસ બદલાઈ ગયું એને એક પરિવાર મળી ગયો. લગ્ન બાદ, ચારે જણા ફરવા જોડે જતા હતા. કામીનીની સમજાવટથી અલ્પા અને કેતને ફેમીલી પ્લાનીંગ કર્યું. અલ્પાને સારા દિવસો રહ્યા અને પૂરા મહિને એક પુત્રનો જન્મ થયો. કેતનનો વારસદાર. હાલના સમયમાં પણ કેતનનો એની બંને પત્નીઓ સાથે સંસાર સરસ ચાલી રહ્યો છે. હવે એમને પ્રશ્ન એ થયો કે, કેતન પોતાની પ્રોપર્ટીના વારસદાર તરીકે કાયદાકીય રીતે મહેશના પુત્રનું નામ કેવી રીતે દાખલ કરી શકાય? આ પ્રશ્ન લઈને આ ચારે જણ આપણી પાસે આવ્યા હતા. એમને એમની સમસ્યાનું સમાધાન આપી દીધું.

વાત પૂરી થઈ અને અજયભાઈની કોફી પણ. કોફીનો ખાલી કપ નીચે મૂકી અજયભાઈએ  ચિંતનની સામે જોયું.

સાહેબ, ખરેખર આવી કોઈ વાત જાણીએ ત્યારે લાગે કે, હજુ ઘણું જાણવા શીખવા અને સમજવાનું બાકી છે. પણ કામીનીના સ્વાભાવની ઉદારતા વખાણવી કે એની સમજદારી?”

જો મેં અગાઉ પણ કહેલું છે કે, સ્ત્રીના સ્વભાવને ખૂદ ભગવાન પણ સમજી નથી શક્યા તો આપણી શું વિસાત સ્ત્રી ધારે તો ઘરને તારે અને ધારે તો ડૂબાડે. ચાલો આઠ વાગવા આવ્યા. ઘરભેગા થઈશું.” કહીને અજયભાઈ એમની ચેર ઉપરથી ઉભા થયા અને રામજીને ઓફિસ વસ્તી કરવાની સૂચના આપી.

કેયુર અને ચિંતન પણ વિચારમગ્ન અવસ્થામાં ઉભા થયા. આદત મુજબ અભિજાતે એક નજર ઓફિસની ગોઠવણી ઉપર અને આવતીકાલની ફાઈલની થપ્પી ઉપર મારી પોતાના ખિસા ચેક કર્યા અને કશુ જ રહી નથી ગયું તેની ખાતરી કરી.

----- આશિષ મહેતા.

Saturday, August 6, 2022

આનંદ પ્રિયા ભાગ -15- અંતિમ

કર્મણ અને સમીર, સાથે જ સમીરના ઘરે આવ્યા. શિલ્પા અને કાજલ બંનેએ પોતાના ઘરવાળાના ઉદાસ ચહેરા વાંચી લીધા અને સમજી ગયા કે હાલ કંઈ પૂછવું યોગ્ય નથી. ફ્રેશ થયા પછી, ડિનર માટે ડાઈનીંગ ટેબલ ઉપર સમીર અને કર્મણ લગભગ સાથે જ આવ્યા, શિલ્પા અને કાજલ પણ બંનેની જોડે ગોઠવાઈ ગયા, મહારાજે રસોઈ પીરસવાનું શરૂ કર્યું. થોડીક મીનીટો પછી સમીરે વાત શરૂ કરતા કહ્યું, આજે વી.એસ. આનંદ જેમને પોતાના રાજકીય ગુરૂ ગણતો  હતો તે મળ્યા હતા. સવારે તેમનો જ ફોન હતો સાંજે કર્મણની ઓફિસ મળ્યા હતા. આનંદના એક નવા રૂપનો એમણે પરિચય કરાવ્યો. થોડુંક અટકીને આગળ કહ્યું આજે તમને બંનેને આનંદની ડાયરી વાંચવા આપીએ છીએ. આ વી.એસ. પાસે આનંદના પૈસા પડ્યા છે અને કેટલીક જવાબદારી વી.એસ.ના માથા ઉપર આનંદે છોડી છે.

તો આમાં તમે કેમ આટલી ચિંતામાં છો?” કાજલે પૂછ્યું

ચિંતા તો નહિ પણ મનમાં એવું થાય છે કે, આનંદે અમારાથી પણ ઘણી વાતો છૂપાવી છે જે એણે વી.એસ.ને કહી રાખી છે. કાજલના પ્રશ્નનો જવાબ કર્મણના બદલે સમીરે આપ્યો.

તો વી.એસ.ને મળીને વાત સ્પષ્ટ કરી આનંદભાઈની ઈચ્છા મુજબ કરો. શિલ્પાએ કહ્યું

બીજી બધી વાતો તો ઠીક છે પણ આનંદની બહુ મોટી રકમ વી.એસ. જોડે છે અને એનું શું કરવું એ નિર્ણય મારા અને કર્મણ ઉપર આનંદે છોડ્યો છે એમ વી.એસ. કહે છે. સમીરે કહ્યું.

કેટલી રકમ છે.?” શિલ્પાએ પૂછ્યું

બે ખોખા.” આ વખતે કર્મણે જવાબ આપ્યો.

કર્મણનો જવાબ સાંભળીને શિલ્પા અને કાજલ બંનેની આંખો પહોળી થઈ ગઈ.

એક કામ કરીએ થોડીવાર પછી ચર્ચા કરીએ. મારા રૂમમાં.” કર્મણે કંઈક વિચારીને કીધું

-------------------------

રાત્રીના સવા દશ વાગે ડોક્ટર સમીરના બંગલામાં ટેમ્પરરી બેઝ ઉપર કર્મણને ફાળવવામાં આવેલ રૂમમાં કર્મણ, સમીર, શિલ્પા અને કાજલ  બેઠા હતા. કર્મણે આનંદની ડાયરીની મોટી મોટી વાતો કરી અને સાથે સાથે વી.એસ. જોડે ઓફિસમાં જે ચર્ચા થઈ તે પણ જણાવ્યું.

થોડી વાર રૂમમાં મૌનનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું.

પછી શિલ્પાએ કહ્યું આમ જુઓ તો વાત બહુ સરળ છે. આનંદભાઈએ એમની ઈચ્છા તો કહી જ દીધી છે. ફોરમને એક સારો ફ્લેટ અપાવ્યા પછી બાકી કેટલી રકમ વધે છે તે જોવાનું છે. મારા મત મુજબ ફોરમને ફ્લેટ અપાવ્યા પછી તમે બંને વી.એસ.જોડે આનંદભાઈ વતીથી તેમની ભાગીદારી ચાલુ રાખો, આનંદભાઈના ધંધામાંથી જે નફો થાય, વી.એસ. સાથેના સોદામાં જે નફો થાય તે બધો કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટમાં આપીએ અને આનંદભાઈએ જે સેવાના કામ શરૂ કરેલ તેની તમામ જવાબદારી ફોરમને સોંપીએ.

વેરી ગુડ આઈડિયા, હું પણ મારી આવકનો એક હિસ્સો કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટમાં ડોનેટ કરીશ. સમીરે કહ્યું

માત્ર તું જ શા માટે હું પણ યથાશક્તિ યોગદાન આપીશ. આનંદે આપણા બધા માટે વ્યવસ્થા વિચારી છે તો આપણે બધા ભેગા થઈને આનંદના ટ્રસ્ટમાટે આટલું તો કરી જ શકીએને.

આનંદના નહિ હવે આપણા બધાના. તમે અને ડોક્ટર સાહેબ પણ એમાં ટ્રસ્ટી જ છો. શિલ્પાએ કર્મણનું વાક્ય સુધાર્યું.

બસ તો પછી વી.એસ જોડે આવતીકાલે વાત કરીને નક્કી કરી નાખીએ. કર્મણે કહ્યું અને બધા છૂટા પડ્યા.

પંદર દિવસમાં કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓની નિમણુંક થઈ ગઈ, વી.એસ.ના આગ્રહને માન આપીને આનંદનો ફ્લેટ જ ફોરમના નામ ઉપર તબદીલ કરવામાં આવ્યો. જરૂરી તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ. ફોરમ હવે આનંદના ફ્લેટમાં જ આનંદની યાદો સાથે રહેતી હતી અને કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરી ડોક્ટર સમીર અને કર્મણની સાથે રહીને સંભાળતી હતી. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો શિલ્પા અને કાજલે સંભાળી લીધો હતો. વી.એસ.ના આગ્રહને માન આપીને જમીનના નવા તમામ સોદામાં કર્મણ અને ડોકટર સમીરના નામ પાંચ પાંચ પૈસાના ભાગીદાર તરીકે નાખવામાં આવતા હતા.

આનંદના દેહાવસાનના છ મહિના વીતી ગયા હતા. શિલ્પા અને કાજલે આનંદની ડાયરી જાણે કંઠસ્થ કરવાની હોય તેટલી વખત વાંચી લીધી હતી.

એક સાંજે કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસમાં ડોક્ટર સમીર, કર્મણ, શિલ્પા, કાજલ, ફોરમ અને વી.એસ. બેઠા હતા અને કાજલે એક વિચાર મૂક્યો. આપણે આનંદભાઈના જીવન અને વિચારો જે સીડી અને ડાયરીમાં છે એને એક બુક તરીકે બહાર પાડીએ તો કેવું રહે.?” વિચારને સર્વાનુમતે વધાવી લેવામાં આવ્યો. આનંદની ડાયરી, સીડી એક લેખકને સોંપીને એક પુસ્તક લખવામાં આવ્યું ખૂટતી માહિતી ડોક્ટર સમીર, કર્મણ, વી.એસ., ફોરમ, શિલ્પા, કાજલ, આનંદના મેનેજર્સ અને સ્ટાફ પાસેથી લેવામાં આવી.

પુસ્તક તો લખાઈ ગયું. છેલ્લે શું નામ રાખવું એ નક્કી નતું થઈ શકતું

ફોરમે સુઝાવ આપ્યો, આનંદજીની ડાયરીમાં એમણે એમની જીવનપ્રિયા વિશે વાત કરી છે તો આનંદપ્રિયા નામ આપીએ તો કેવું ?”

તરત  જ બધાએ નામ મંજૂર કરી દીધું અને આનંદની જીવન કથની આનંદપ્રિયાના નામથી પ્રકાશિત કરવામાં આવી. પ્રકાશક તરીકેની જવાબદારી કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટે સ્વીકારી.

----- સમાપ્ત---

 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons License



આનંદ પ્રિયા ભાગ -15- અંતિમ   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/