Saturday, July 25, 2020

મારી કેસ ડાયરી : અનન્યા-પ્રજ્ઞેશ

પ્રિય વાંચકમિત્રો,

મારી કેસ ડાયરી શ્રેણીના મુખ્ય પાત્રોનો પરિચય મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.



********************************************************************************************


“હેલ્લો, ચિંતન સર, પંકિત હિયર, આજે સાંજે ઓફીસ આવવાનું ફાવશે? સરે આપને અનુકુળતા હોય તો આવવાનું કહ્યું છે.”

“હાય,પંકિત, સાહેબ લોકો યાદ કરે એટલે અમારા જેવાએ તો આવી જ જવાનું હોય અને એમાં પણ તારો ફોન આવે એટલે ના પાડવાનો તો કોઈ જ ચાન્સ નથી. હું સાંજે લગભગ ૬.૦૦ વાગ્યાની આસપાસ આવીશ. બાય”

ચિંતન સાંજે ૫.૪૫ વાગે એડવોકેટ અજય પટેલની ઓફિસમાં પહોંચી ગયો અને પંક્તિએ એની પેટન્ટ સ્માઈલથી એનું સ્વાગત કર્યું અને જણાવ્યું, “સાહેબ, એક મીટીંગ છે, થોડી વાર બેસો.”

“સરસ, આજે તારી સાથે બેસવા મળશે. એક વાત કહું, તું નસીબદાર છે કે આવા સાહેબો જોડેથી રોજ તને કંઈક શીખવા-જાણવા મળે છે.”

જવાબમાં પંક્તિએ એક સ્મિત આપ્યું અને ચિંતને વેઇટીંગ એરિયામાં બેઠક લીધી. આશરે ૨૦ મિનીટ પછી ઇન્ટરકોમ પર રીંગ વાગી. પંક્તિએ ફોન ઉપાડી ચિંતન સામે જોયું. ચિંતન, ચેમ્બરમાં જવા ઉપડ્યો.

“કેમ છો સાહેબ, અંદર આવું?” ચેમ્બરનો ગ્લાસ ડોર ખોલતા ચિંતને પૂછ્યું.

“આવ, બેસ. શું નાસ્તો કરીશ? દાળવડા ચાલશે?” અજય પટેલે આવકાર આપ્યો અને પૂછ્યું.

“અરે સાહેબ, એની કઈ જરૂર નથી, બાકી તમે જે મંગાવો એ. પણ, એક વાત સ્યોર કે આજે કોઈ ખાસ વાત તમે કહેવાના છો.”

અજય પટેલે ઇન્ટરકોમ પર ૩ કોફી અને દાળવડા લાવવાની સુચના આપી ચિંતન સામે જોઇને સ્માઈલ આપ્યું અને વાતની શરૂઆત કરી.

જીંદગી પણ એક અજીબ રીતે પસાર થાય છે. વર્તમાન એ ભૂતકાળનું પ્રતિબિંબ છે અને ભવિષ્યનું અંકુર. તારા માટે એ સ્ત્રીનું નામ અનન્યા. અભ્યાસમાં તેજસ્વી અને આર્થિક રીતે નબળા બ્રાહ્મણ પરિવારની દીકરી. પપ્પા રીક્ષા ડ્રાઈવર, ભાડાનું મકાન અને ત્રણ બહેનો મા અને બાપ એમ કુલ પાંચ વ્યક્તિનો પરિવાર, એમાં પણ એની મમ્મીને દમની બીમારી. એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ. અનન્યાએ એની મહેનતથી સ્કોલરશીપ મેળવી એમ.એ. સાયકોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યો. દીકરીઓને મોટી થતા વાર નથી લગતી અને નબળી આર્થિક પરિસ્થિતિ વાળા બાપની પોતાની પણ કેટલીક મજબૂરી હોય છે. સમાજના એક આગેવાને એક છોકરો બતાવ્યો અને અનન્યાના પિતાએ એની સાથે અનન્યાના લગ્નનું નક્કી કરી નાખ્યું. છોકરો માત્ર ૧૦ પાસ અને ગાંધીનગરના એક ગામડામાં ગેરેજ ચલાવે, નામ એનું પ્રજ્ઞેશ. સમૂહ લગ્નમાં લગ્ન થઇ ગયા અને બાપે પોતાની પાસેની આશીર્વાદની તમામ દોલત આપી કન્યા વિદાય કરી. વ્યક્તિના વ્યક્તિત્વમાં અભ્યાસનો પ્રભાવ પડે જ છે. લગ્નના થોડાક જ સમય બાદ બંને વચ્ચે મતભેદો શરૂ થઇ ગયા. સમય સાથે ખબર પણ પડી કે પ્રજ્ઞેશને પેટ્રોલનું વ્યસન છે અને એકદમ શંકાશીલ સ્વભાવ ધરાવે છે. અનન્યા ને શાકવાળા જોડે કે દૂધવાળા જોડે વાત કરતા જુએ કે સંભાળે એ દિવસે પ્રજ્ઞેશ અનન્યાને ખુબ જ મારે અને પ્રજ્ઞેશના ઘરના જાણે કોઈ ફિલ્મ જોતા હોય એમ ચુપચાપ બેસી રહે. પોતાના પિતાની પરિસ્થિતિ જાણતી અનન્યા સહન કરી લેતી. સમય પસાર થયો અને અનન્યાએ એક દીકરીને જન્મ આપ્યો. પ્રથમ સુવાવડ પિયરમાં હોય એથી દવાખાનાનો તમામ ખર્ચ અનન્યાના પિતાએ ઉપાડ્યો પણ, દીકરી જન્મી એ વાત જાણ્યા પછી પ્રજ્ઞેશ અને એના પરિવારના લોકોના અનન્યા પ્રત્યેના અમાનવીય વર્તનમાં વધારો થયો.

સાત મહીને જયારે અનન્યાના પિતાએ ખુબ વિનંતી કરી ત્યારે અનન્યાને એની દીકરી સાથે પ્રજ્ઞેશે પોતાના ઘરે તેડાવી. એ દીકરી ત્રણ વર્ષની થઇ એટલે અનન્યાએ પ્રજ્ઞેશને ગાંધીનગર રહેવા જવા જણાવ્યું અને સાથે સાથે પોતે પણ નોકરી કરી બંને ભેગા થઇ દીકરીને ખુબ ભણાવશે એવું નક્કી કર્યું. બંધ ઘડિયાળ પણ ચોવીસ કલાકમાં બે વખત સાચો સમય બતાવે છે. એ દિવસે પણ કંઈક ચમત્કાર  જ થયો અને પ્રજ્ઞેશે અનન્યાની વાત માની લીધી અને બંને ગાંધીનગર રહેવા આવી ગયા. પણ કહેવત છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, એ કેવી રીતે ખોટી પડે? થોડાક દિવસ સારું ચાલ્યું અને ફરી એ જ શંકાના કીડાએ એની લીલા શરૂ કરી. ગાંધીનગર આવ્યા પછી મારવાના બનાવોની આવૃત્તિ વધવા લાગી. પડોશીઓ પણ સમજાવી સમજાવીને થાક્યા. લગ્નજીવનના ૧૪ વર્ષ પુરા થઇ ગયા હતા અને અનન્યાની સહનશક્તિ એના સીમાડા વટાવી ગઈ હતી. એક રાત્રે નશામાં ચકચૂર પ્રજ્ઞેશે અનન્યા પર હાથચાલાકી કરી અને અનન્યાએ એની દીકરી સાથે પ્રજ્ઞેશનું ઘર છોડી દીધું અને જેમ તેમ કરીને પોતાના પિતાના ઘરે આવી ગઈ. એક વર્ષ પસાર થઇ ગયું. બંને પક્ષે વડીલોએ સમાધાન માટેના નિષ્ફળ પ્રયત્નો કરી લીધા, પણ અનન્યા ટસની મસ ના થઇ. અનન્યાનો છુટાછેડા લેવાનો નિર્ણય મક્કમ હતો અને સામે પક્ષે પ્રજ્ઞેશ છૂટાછેડા આપવા તૈયાર ન હતો. કોઈકની પાસેથી સરનામું લઇ અનન્યાએ આપણો સંપર્ક કર્યો અને પ્રભુ કૃપા કે પ્રજ્ઞેશ છૂટાછેડા આપવા તૈયાર પણ થઇ ગયો. અનન્યાને પોતાના કે પોતાની દીકરીના ભરણપોષણ માટે કોઈ જ રકમ લેવી ન હતી એટલે આપણે  આપણી ફી પ્રજ્ઞેશ જોડેથી લીધી અને બંને ના છૂટાછેડા કરાવી આપ્યા.

વિધાતાને પણ માનવા જ પડે. આપણા જ એક મિત્રના મિત્ર શિક્ષક તરીકે નોકરી કરતા હતા. એમના પત્નીનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. એમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો બંને ટ્વીન્સ, એ ઘર-પરિવારને સાચાવી શકે એવા જીવનસાથીની શોધમાં હતા. આપણે અનન્યાની વાત કરી. પ્રભુ કૃપા, બંને એક-બીજાને મળ્યા, એમને અનુકુળ લાગ્યું અને બંનેએ કોર્ટ મેરેજ કર્યા. ગઈ કાલે એમના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું એની નાનકડી પાર્ટી રાખી હતી. આમ તો હું અને અભિ આવી પાર્ટીમાં ક્યાંય જતા નથી, પણ એ લોકોના આગ્રહને વશ થઇ અને પાર્ટીમાં ગયા. ત્રણે બાળકો એક-બીજા સાથે ખુબ હળીમળી ગયા છે. કોઈ માની ના શકે કે આ લગ્ન બંનેના બીજી વારના લગ્ન છે. આવી ઘટનાઓ જોઈએ ત્યારે વિધાતાને માનવા જ પડે. લે, આજે વાતોવાતોમાં કલાક ઉપર થઇ ગયો.

“સાહેબ, તમારું આ કાર્ય પુણ્યનું કાર્ય કહેવાય.” ચિંતને કહ્યું.

“ના ભાઈ, એવું કશું હું નથી માનતો, પણ એટલું ચોક્કસ માનું છું કે થાય તો કોઈકનું ભલું કરવા પ્રયત્ન કરવો. રાત્રે ઊંઘ સારી આવે. ચાલ, હવે ઘરે જવાનો સમય થઇ ગયો. જોડે જ નીકળીએ.”

“ચાલો સાહેબ...”    


આશિષ એ. મહેતા


********************************************************************************************
મારી કેસ ડાયરી શ્રેણીની અન્ય વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.
********************************************************************************************




Creative Commons License


મારી કેસ ડાયરી : અનન્યા-પ્રજ્ઞેશ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, July 18, 2020

મારી કેસ ડાયરી : નિયતિ-કેદાર

પ્રિય વાંચકમિત્રો,

મારી કેસ ડાયરી શ્રેણીના મુખ્ય પાત્રોનો પરિચય મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.



********************************************************************************************



"પંક્તિ, તું છે ને, આ લોન્ગ ઈયરિંગ્સમાં બહુ જ સરસ લાગે છે. ના... ના... આ લોન્ગ ઈયરિંગ્સ તારા કાનમાં છે એ એની ખુશનસીબી છે." ચિંતન જોશીએ પટેલ એન્ડ એસોસિએટ્સમાં પ્રવેશતા જ હંમેશની જેમ રિસેપ્શનિસ્ટ પંક્તિને કહ્યું અને પંક્તિ પણ સ્માઈલ સાથે થેંક યુ કહી બોલી, “સાહેબ, તમારી જ રાહ જુવે છે.” પંક્તિએ એનું સ્માઈલ જાળવી રાખીને ચિંતનને જણાવ્યું અને ચિંતન એડવોકેટ અજય પટેલની ચેમ્બરમાં દાખલ થયો.

"આવ ચિંતન, શું નવા-જુની છે બોલ." એટલી ઔપચારિક પૃચ્છા કરીને અજય પટેલે સીઘી જ ઇન્ટરકોમ પર ૩ કોફી લાવવાની સુચના આપી.

“ના ના સાહેબ, અમારી પાસે શું નવા-જુની હોય? એ જ રૂટીન જીંદગી. પણ આજ કંઈ ખાસ છે? પંક્તિએ કીધું તમે રાહ જોતા હતા!”

“હા, તને રસ છે ને કોર્ટ કેસ જાણવામાં એટલે એક કેસની વાત કરવા તને બોલાવ્યો. એક કેસનો આજે જ ચુકાદો આવ્યો અને એના માટે જ તને બોલાવ્યો. લે કોફી પણ આવી ગઈ. ચાલ, કોફી પીતાં પીતાં વાત કરીએ.”

કોફીનો એક સીપ લઈ અજય પટેલે વાતની શરૂઆત કરી.

“તારા માટે એનું નામ નિયતિ. એ જયારે બાવીસ વર્ષની હતી ત્યારથી આ વાતની શરૂઆત થઇ. નિયતિ નારણપુરામાં એક મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટમાં ત્રીજા માળ પરના ફ્લેટમાં રહેતી એક સુંદર, હોશિયાર અને ભોળી તરૂણી. એ સમયે એ ખુબ જ સુંદર દેખાવડી હતી. એના જ એપાર્ટમેન્ટમાં નવમાં માળે એક યુવક રહે. પચ્ચીસ વર્ષની ઉંમરનો એ છોકરો, તારા માટે એનું નામ રાખીએ કેદાર. સ્વભાવે એકદમ છેલબટાઉ, મીઠાબોલો, મનનો પણ મેલો અને એકદમ ગણતરીબાજ. નવરાત્રીના દિવસો હતા અને એના એપાર્ટમેન્ટમાં પણ ગરબાનું આયોજન હતું. એમાં જ કેદાર અને નિયતિ એક બીજાના પરિચયમાં આવ્યા. આમ તો તેઓ જોયે એક-બીજાને ઓળખતા હતા, પણ નવરાત્રીમાં ફોન નંબરોની આપ-લે થઇ. બીજા દિવસથી તો ગરબામાં ડ્રેસનું મેચિંગ થવા લાગ્યું. કેદાર એની વાકપટુતા ગણતરીપૂર્વક વાપરતો હતો અને નિયતિ ધીમે-ધીમે એમાં ફસાવા લાગી. નિયતિને એક કોર્પોરેટ કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકેની નોકરી મળી ગઈ. બે વર્ષ પસાર થઇ ગયા અને નિયતિ કેદાર પાછળ પાગલ થઇ ગઈ. ધીમે ધીમે એપાર્ટમેન્ટમાં નિયતિ અને કેદારનું પ્રકરણ ચર્ચવા લાગ્યું, જે પણ કેદારની જ ગણતરી મુજબ હતું. નિયતિ અને કેદાર એક-બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પણ નિયતિના ઘરેથી કોઈ જ વડીલની સંમતિ ન હતી. નિયતિના વડીલોએ નિયતિને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા, પણ કોઇ જ પરિણામ ના મળ્યું. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, નિયતિના કેસમાં પણ એવું જ થયું. કેદાર કોઈ નોકરી કે ધંધો કરતો ન હતો, બસ પાનના ગલ્લે નાની મોટી મકાન કે ભાડાની દલાલી કરતો.

છેવટે, કેદારના પ્રેમમાં આંધળી બનેલી નિયતીએ પરિવારના સભ્યોની ઉપરવટ જઈને કેદાર સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને છ મહિના પછી પોતાના લગ્ન અંગે ઘરમાં જાણ કરી. ત્યાં સુધીમાં તો ઇલેકશન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ જેવા બધા જ પુરાવાઓમાં નિયતિના નામની પાછળ કેદારનું નામ લાગી ગયું હતું. આખરે એક દિવસે કેદારના કહેવાથી નિયતિ એના માં-બાપનું ઘર છોડીને એ જ બ્લોકમાં ઉપર કેદારના ઘરે રહેવા ચાલી ગઈ.

શરૂઆતમાં તો બધું સારુ ચાલ્યું, પણ છ મહિનામાં જ પ્રેમનો ઉભરો ઉતરી ગયો અને પરિસ્થિતિની ગંભીરતા સામે આવી. કેદારને પ્રસંગોપાત ડ્રીંક કરવાની ટેવ છે એ પણ નિયતિને ધ્યાનમાં આવ્યું અને જયારે નિયતિને લાગ્યું કે, કેદાર સાથેના લગ્નનો નિર્ણય ખોટો લેવાઈ ગયો છે ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હતું. નિયતિને સાતમો મહિનો જતો હતો. માં વિષે ઘણી બધી કહેવતો છે, પણ બાપની લાગણીની અભિવ્યક્તિ માટેની કોઈ કહેવત મારા ધ્યાનમાં નથી. બાપ પોતાની નજર સામે દીકરીને કેવી રીતે દુઃખી જોઈ શકે? કેદાર સાથેના નિયતિના લગ્ન સ્વીકારી નિયતિ અને કેદારને નિયતિના પરિવારજનોએ અપનાવી લીધા. નિયતિને પૂરા મહિને પુત્રનો જન્મ થયો. ફરી પાછો થોડા સમય માટે એમનો સંસાર સારી રીતે ચાલ્યો. નિયતિએ ફરી પાછી નોકરી ચાલુ કરી. એના સારા પગાર ઉપર કેદારની દાનત બગડી. કેદારે ફરી પોતાની ચાલ ચાલ્યો. નિયતિને પોતાનું મકાન લેવા સમજાવી અને એના માટે લોન લેવી પડશે એવું જણાવ્યું. નિયતિ ફરી એક વખત કેદારની વાતમાં આવી ગઈ. કેદારે લોન માટે પેપર ઉપર સહીની જરૂર હોવાનું જણાવી કેટલાક પેપર ઉપર નિયતિની સહિઓ લઇ લીધી. નિયતીએ પણ વાંચ્યા વગર સહિઓ કરી દીધી.

જેના ઉપર વિશ્વાસ હોય એ જ વિશ્વાસઘાત કરે, એ મુજબ કેદારે જે પેપર ઉપર સહિઓ લીધી હતી એમાં માત્ર શરૂના પાના જ લોન માટેના હતા. બાકીના પાના છૂટાછેડાના લખાણના હતા અને સાથે એક ડેકલેરેશન હતું કે, નિયતિ પોતે એના બોસ જોડે લગ્નેત્તર સંબંધ ધરાવે છે અને આલ્કોહોલિક છે. આ પેપરના આધારે કેદારે નિયતિ વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડા મેળવવા માટે અરજી દાખલ કરી. નિયતિએ કોર્ટને જણાવ્યું કે, “આ કાગળમાં સહિ એની પોતાની જ છે, પણ કેદારે એ સહિઓ છેતરપીંડીથી કરાવી લીધી છે.” કોર્ટ આવી દલીલ માન્ય ના રાખે. છુટાછેડા મેળવવાની કેદારની અરજી મંજુર થઇ ગઈ.

નિયતિ એના પુત્ર સાથે ફરી એના મા-બાપના ઘરે આવી ગઈ. એ પછી એણે કોઈકના દ્વારા મારો સંપર્ક કર્યો. બીજું તો કંઈ થઇ શકે એમ ન હતું, પણ આપણે નિયતિ અને કેદારના પુત્રને ભરણપોષણ મળી રહે એ માટે કેદાર વિરુદ્ધ અરજી દાખલ કરી અને આજે કોર્ટે કેદારને એના પુત્રના ભરણપોષણ પેટે દર મહિને રૂ|. ૭,૦૦૦-૦૦ ચૂકવી આપવાનો હુકમ કયો.

યુવાવસ્થામાં કરેલી ભૂલોની કિંમત કેટલીક વખત વ્યક્તિએ આખી જીંદગી ચૂકવવી પડતી હોય છે. બસ આ જ વાત હતી. એટલું કહી એડવોકેટ અજય પટેલે પોતાની વાત પૂરી કરી.

“સાહેબ, તમારી જોડે બેસીએ એટલે કંઈક નવું જાણવા મળે. ચાલો સાહેબ, હવે હું રજા લઉં. ફરીથી જલ્દી મળીશું." એટલું કહીને ચિંતને પટેલ એન્ડ એસોસિએટ્સમાંથી વિદાય લીધી.

આશિષ એ. મહેતા


********************************************************************************************
મારી કેસ ડાયરી શ્રેણીની અન્ય વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.
********************************************************************************************



Creative Commons License


મારી કેસ ડાયરી : નિયતિ-કેદાર by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, July 11, 2020

સફર - ચૌદથી ચાલીસી સુધી

ચૌદથી ચાલીસીની આ સફર છે;
કિશોરથી આધેડાવસ્થાની આ સફર છે.

તડકામાં બેફિકર થઈને રમવાથી શરૂ થઇ;
એ.સી.માં બેસી ગરમીની ફિકર કરવા સુધીની સફર છે;
ખુલ્લા પગ અને ચડ્ડી-બુશર્ટથી શરૂ થઇને;
કોટ-પેન્ટ અને શૂઝ સુધી આવી એ સફર છે.

ચૌદથી ચાલીસીની આ સફર છે;
કિશોરથી આધેડાવસ્થાની આ સફર છે.

શાળાના હોમવર્ક અને એસાઇન્મેન્ટથી શરૂ થઇ;
ફ્યુચર પ્લાનીંગ અને એલ.આઈ.સી. સુધીની સફર છે;
ચાલ મળીને પ્લાન કરીએથી શરૂ થઈને;
પ્લાન કરીને મળીએ સુધી આવી એ સફર છે.

ચૌદથી ચાલીસીની આ સફર છે;
કિશોરથી આધેડાવસ્થાની આ સફર છે.

બિન્દાસ ચાલ અને અલ્લડ વર્તનથી શરૂ થઇ;
જવાબદારી અને ગણતરી પૂર્વકના વર્તન સુધીની સફર છે;
રિયલ ફ્રેન્ડથી શરૂ થઇને;
વર્ચ્યુઅલ ફ્રેન્ડ સુધી આવી એ સફર છે

ચૌદથી ચાલીસીની આ સફર છે;
કિશોરથી આધેડાવસ્થાની આ સફર છે.

પપ્પા પૈસા આપો થી શરૂ થઇ;
ડિયર આ લે ઘરખર્ચ સુધીની સફર છે;
સુંદર સપનાઓથી શરૂ થઇને;
કડવી વાસ્તવિકતા સુધી આવી એ સફર છે.

ચૌદથી ચાલીસીની આ સફર છે;
કિશોરથી આધેડાવસ્થાની આ સફર છે.


આશિષ એ. મહેતા


Creative Commons License


સફર - ચૌદથી ચાલીસી સુધી.... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, July 4, 2020

મારી કેસ ડાયરી : એક શરૂઆત અને પાત્ર પરિચય

પ્રિય વાંચકમિત્રો,

આજથી અમે "મારી કેસ ડાયરી" ના નામથી કોર્ટ કેસીસ/કોર્ટમાંથી મળી આવેલ પાત્રો અને તેમની વાર્તાઓની શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. આ શ્રેણીના મુખ્ય પાત્રોનો પરિચય આ પોસ્ટમાં અમે આપી રહ્યા છીએ.

ઓફિસ : 
પટેલ એન્ડ એસોસિએટ્સ (જે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા એક બહુમાળી બિલ્ડીંગ જેને આપણે "સન બિઝનેસ હબ" નામ આપીશું તેના સાતમા માળે આવેલી એડવોકેટસની ઓફિસ)

અજય પટેલ :
અમદાવાદના ખ્યાતનામ સિવિલ લૉયર જેમણે પટેલ એન્ડ એસોસિએટ્સના નામથી લૉ ફર્મ શરૂ કરેલ

અભિજાત શુક્લ :
અજય પટેલનો સ્કૂલ ટાઇમનો મિત્ર જે પોતે પણ સિવિલ લૉયર છે તથા મિત્રતાના દાવે પોતાના જીગરજાન મિત્ર અજય સાથે તેના એસોસિએટ તરીકે જોડાયો છે.

ચિંતન જોશી : 
ફાર્મા કંપનીમાં નોકરી કરતો, એડવોકેટ અજય પટેલ તથા અભિજાત શુક્લના અંગત મિત્રોમાંનો એક અને પટેલ એન્ડ એસોસિએટ્સમાં ગમે ત્યારે આવવાની છૂટ ધરાવતો ઉત્સાહી યુવાન

પંક્તિ :
પટેલ એન્ડ એસોસિએટ્સમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી ખુબસુરત યુવતી

રામજી:
પટેલ એન્ડ એસોસિએટ્સમાં ઓફિસ બોય તરીકે કામ કરતો મહેનતુ અને તરવરીયો યુવાન 

મિત્રો, આશા છે કે તમને અમારી આ શ્રેણી ગમશે. તેમજ તમારા પ્રતિભાવો અમને મોકલી આપશો, જે અમારા માટે અમૂલ્ય રહેશે.


********************************************************************************************
મારી કેસ ડાયરી શ્રેણીની વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.
********************************************************************************************

મારી કેસ ડાયરી : જયેશ-દિવ્યા

પ્રિય વાંચકમિત્રો,

મારી કેસ ડાયરી શ્રેણીના મુખ્ય પાત્રોનો પરિચય મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.



********************************************************************************************



"હાય પંક્તિ, હાઉ આર યુ ? લૂકિંગ સો બ્યુટીફૂલ, એસ ઓલ્વેઝ.... શું કરે છે સાહેબો?"

"થેંક્યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ્સ. બે મિનિટ બેસો, હું સાહેબને મેસેજ આપી દઉં." સસ્મિત જવાબ આપીને પંક્તિએ ઇન્ટરકોમ ઉપર એના બોસને ચિંતનના આગમનની જાણ કરી.

શુક્રવારની એક સાંજે મેમનગરના એક બહુમાળી મકાનના સાતમા માળે આવેલી પટેલ એન્ડ એસોસિએટ્સની આલીશાન ઓફિસમાં પ્રવેશતા જ ચિંતન જોશીએ ખુબસુરત રિસેપ્શનિસ્ટ પંક્તિને પૂછ્યું.

લગભગ પાંચ મિનિટ બાદ ઇન્ટરકોમ રણક્યો અને પંક્તિએ રીસીવર ઉઠાવી "યસ સર" કહ્યું અને પછી તરત જ ચિંતન સામે સ્માઈલ કર્યું અને કાયમ આવનાર ચિંતન એ સ્માઈલનો અર્થ સમજી અંદર જવા ઉભો થયો અને ફૂલ હાઈટનો ગ્લાસ ડોર ખોલ્યો કે સામે જ એક આશરે 28-30 વર્ષની આસપાસનો એક યુવક નિરાશ ચહેરે બહાર નીકળી ગયો અને ચિંતન અંદર દાખલ થયો.

"શું સાહેબ, કેમ આ ભાઈ લટકતા ચહેરે ગયો? બાકી તમને મળીને આજ સુધી કોઈને આવા લટકતા ચેહરે જતા જોયા નથી."

પટેલ એન્ડ એસોસિએટ્સ એટલે અમદાવાદના ખ્યાતનામ સિવિલ લૉયર અજય પટેલની ઓફિસ અને એની જ બાજુની ચેરમાં બેસે એનો સ્કૂલ ટાઇમનો મિત્ર અભિજાત શુક્લ. ચિંતન જોશી એટલે એડવોકેટ અજય પટેલના અંગત મિત્રોમાંનો એક અને પટેલ એન્ડ એસોસિએટ્સમાં ગમે ત્યારે આવવાની છૂટ ધરાવતો ઉત્સાહી યુવાન.

"એ એના વર્તનથી દુઃખી છે." ટૂંકો જવાબ આપીને એડવોકેટ અજય પટેલે ઇન્ટરકોમ પર 3 કોફીની સૂચના આપી અને ચિંતનને પૂછ્યું, "બીઝી તો નથી ને?"

"ના"

"તો સંભાળ, આ જે ગયો ને એ જયેશ - શંકાશીલ સ્વભાવનો હરતો ફરતો નમૂનો."

"થવા દો સાહેબ ડિટેઈલમાં."

"તને કાયમ આવું જાણવાનો રસ હોય છે..... તો સંભાળ....
જયેશ મૂળ અમદાવાદનો અને એના લગ્ન આશરે બે-અઢી વર્ષ પહેલા કલોલ થયા હતા. એની પત્ની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને ગરીબ તથા સીધા-સાદા માં-બાપનું એકનું એક સંતાન - નામ દિવ્યા. એની નોકરી કલોલ પાસેના નાના ગામમાં છે. નોકરી માટે રોજ અપ-ડાઉન કરે. માં-બાપનું એકનું એક સંતાન એટલે સ્વાભાવિક છે કે રોજ ફોન ઉપર વાતચિત થતી જ હોય. અમદાવાદથી કલોલ જવા કે કલોલથી અમદાવાદ આવવાની કોઈ ખાસ તકલીફ નહિ, પણ કલોલથી એની નોકરીના ગામ આવવા-જવા માટે કોઈ સાધનની સગવડ નથી, એટલે શાળાનો ઘણો ખરો સ્ટાફ કલોલ બસ સ્ટોપ પર ભેગો થાય અને ત્યાંથી ગાડી ભાડે કરી એમાં આવ-જા કરે છે. ખર્ચો બચાવવા ઓવર લોડ બેઠા હોય એટલે સ્વાભાવિક છે કે અડોઅડ બેઠા હોય. એક વખત જયેશ એની નોકરીના કામે મહેસાણા ગયો હતો અને ત્યાંથી પાછા આવતા કલોલ ગાડીમાંથી દિવ્યા અને એના સ્ટાફને ઉતારતા જોયા. બસ બંને વચ્ચેના મતભેદોની શરૂઆત ત્યાંથી થઇ. જયેશના મગજમાં વાત ઘર કરી ગઈ કે દિવ્યા આટલી ગિરદીમાં આવ-જા કરે છે અને આટલા અડોઅડ બધા બેઠા હોય એટલે દાળમાં કંઈક કાળું હશે. એ પછી જયેશે દિવ્યાનો મોબાઈલ ચેક કરવાનું શરુ કર્યું, કંઈ મળ્યું નહિ, સિવાય કે રોજ દિવ્યા બે થી ત્રણ વખત એના માં-બાપ જોડે વાત કરે છે. બસ, જયેશને ઝઘડવાનું કારણ મળી ગયું. શરૂઆતમાં તો દિવ્યાએ જયેશ દ્વારા મારવામાં આવતા મેણાં-ટોણા બહુ ધ્યાને ના લીધા અને હસવામાં લઇ લીધું. પણ, જયેશે ધીમે ધીમે હદ વટાવવાની શરૂ કરી. કેમ મોડું થયું? હા.. તમારે તો તમારા માં-બાપ જોડે બધી જ વાતો કરવાની હોય એટલે સમય ના મળે... નોકરીમાં પગારની જોડે બિન્દાસ્ત જલસા કરવા મળે એટલે તો વહેલા જાય છે અને મોડી આવે છે... વગેરે વગેરે... વાત વધતાં-વધતાં ચારિત્ર્ય ઉપરના આક્ષેપો સુધી આવી એટલે દિવ્યાએ એના સાસુ-સસરાને વાત કરી, પણ જયેશના માં-બાપે જયેશનું ઉપરાણું લઈને દિવ્યાને જ ઠપકો આપ્યો અને સલાહ આપી કે એવું હોય તો નોકરી છોડી દે.

તું જ વિચાર, ચિંતન, માં-બાપે લોન લઈને જે દીકરીને ભણાવી હોય એ દીકરી જાતે નોકરી કરી લોનના હપ્તા ભરતી હોય અને માં-બાપનું ધ્યાન રાખતી હોય એ નોકરી કેવી રીતે છોડી શકે? દિવ્યા એના પગારમાંથી એના માં-બાપને મદદ કરે છે અને બાકીનો પગાર એની પાસે રાખે છે એટલે દિવ્યાએ નોકરી છોડવાની ના પાડી. આમ પણ, જ્યાં આજે સારી નોકરી માંડ-માંડ મળતી હોય ત્યાં સરકારી નોકરી છોડાય? બસ, જયેશને બીજો મુદ્દો આ મળી ગયો... શંકાનો કીડો મોટો થઇ ગયો.

એક આવી જ સાંજે હતાશા અને શંકાનો આ નમૂનો જયેશ એની નોકરી પરથી વહેલો ઘરે આવી ગયો અને દિવ્યાને એની શાળામાં ઇન્સ્પેક્શન હતું એટલે આવતા મોડું થયું. કારણ સાંભળવાની તૈયારી તો જયેશની હતી જ નહિ એટલે સમજવાની વાત તો દૂરની થઇ. બોલાચાલી મોટા પાયે થઇ અને જયેશે દિવ્યાના ચારિત્ર્ય પર ગંભીર આક્ષેપ કર્યો. દિવ્યા પણ ક્યાં સુધી સહન કરે, એની પણ સહનશક્તિની હદ આવી ગઈ હતી. બસ, એણે જયેશનું ઘર છોડી દીધું અને આવી ગઈ એના માં-બાપના ઘરે. એ પછી પણ જયેશના વર્તનમાં કોઈ ખાસ સુધારો ના આવ્યો. એણે વાત શાંતિથી સમજ્દારીથી પતાવવાના બદલે સમાજમાં જાહેરમાં દિવ્યાને વગોવવાનું શરૂ કર્યું. જયેશના આવા વર્તનથી થાકીને દિવ્યાએ કોર્ટમાં છૂટાછેડાની અને ખાધા-ખોરાકીની અરજી દાખલ કરી અને તું તો જાણે જ છે કોર્ટ કાર્યવાહી.

આ ભાઈ ખાધા-ખોરાકી આપવાથી બચવા અમારી જોડે આવ્યો. અમે પણ એને સમજાવ્યો કે, હજુ પણ કાંઈ બગડ્યું નથી, સમાધાન કરી લે, પણ માને તો જયેશ નહિ. કોર્ટે કર્યો ઓર્ડર દર મહિને ભરણ-પોષણ ચૂકવવાનો અને આ ભાઈ ભરાઈ ગયો, ઉપરથી પાછી અમારી ફી, જાય ક્યાં?"

"એટલે સાહેબ તમે કેસ હારી ગયા? આજ સુધી મને યાદ નથી આવતું કે તમે કોઈ કેસ હાર્યા હોવ અથવા તમારી ગણતરી કરતા અલગ હુકમ કોર્ટે કર્યો હોય." ચિંતને એડવોકેટ અજય પટેલને પૂછ્યું. એનું પૂછવું સ્વાભાવિક હતું.

આ આખી ઘટના આજે ઉંધી બની ગઈ હતી અને કદાચ પહેલી વખત પટેલ એન્ડ એસોસિએટ્સમાંથી કોઈ ક્લાયન્ટ (જયેશ)ને નિરાશા મળી હતી.

"તારી વાત સાચી છે." વાતનો દોર આગળ વધારતા એડવોકેટ અજય પટેલે કહ્યું, "જીવનમાં કેટલીક વખત પૈસા કરતાં વધુ મહત્વ સંબંધનું હોય છે. દિવ્યાના પપ્પા અને હું એક જ ગામના અને બાળપણના મિત્રો. જો કે આ વાતની જાણ જયેશને કે દિવ્યાના વકીલને નથી. દિવ્યા, કલોલ એના પિતાના ઘરે ગઈ એ પછી તેના પિતા અતુલભાઈ એક વખત મને મળવા આવેલા અને તેમની વાત સાંભળીને મેં જ તેમને કેસ દાખલ કરવાની સલાહ આપેલી અને એમને કોઈ સારા સ્થાનિક વકીલ રોકી કેસ દાખલ કરવાનું કહ્યું હતું. કુદરત પણ કમાલ કરે છે, જયેશને પણ વકીલ તરીકે મને જ રોકાવાનું સૂઝ્યું, મારી ફીનો ખર્ચો જયેશ પાસે કરાવ્યો અને ન્યાય દિવ્યાને અપાવ્યો."

"સાહેબ, જોરદાર.... તમે પણ ગજબ છો.... ચાલો હવે હું નીકળું, ફરી મળીશું."

"ઓકે. બાય-આવજે."

ચિંતન એ જ એની ઓળખ સમાન સ્માઈલ સાથે ઓફિસની બહાર નીકળી ગયો.


આશિષ એ. મહેતા

********************************************************************************************
મારી કેસ ડાયરી શ્રેણીની અન્ય વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરશો.
********************************************************************************************




Creative Commons License


મારી કેસ ડાયરી : જયેશ-દિવ્યા by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/