Saturday, September 11, 2021

શબ્દ

શબ્દ દેહે શાશ્વત રહેવું છે, મારે મારી હયાતી બાદ પણ રહેવું છે,
જન્મ શબ્દ છે મૃત્યુ પણ શબ્દ છે, મારે શબ્દથી સદાય જીવંત રહેવું છે.

શબ્દની આરાધના કરી શબ્દની સાધના કરી નવું રચતા રહેવું છે,
મારે મારા બાદ પણ મારું અસ્તિત્વ કાયમ ટકાવી રાખવું છે.

મીર તકી, બેફામ, ઘાયલ અને ગાલિબ શબ્દ દેહે હજુય હયાત છે,
તુલસી, વાલ્મિકી, નરસિંહ અને મીરા પણ ક્યાં વિસરાય છે.

ગુરુબાણી પણ શબ્દ છે ગીતા અને બાઇબલ પણ શબ્દોથી છે,
શબ્દથી જ ઉપદેશ અને આદેશ છે, શબ્દ એક જ શાશ્વત છે.

શબ્દ ઉત્પત્તિ, શબ્દ પ્રલય, શબ્દ જ પાર બ્રહ્મ છે,
ભેદ જાણે જે શબ્દોનો જીવન એનું જ ધન્ય છે.

શબ્દોની નજાકતને શબ્દોથી સજાવવી છે,
લખી કૈક મારે લાગણી શબ્દો પ્રત્યે દર્શાવવી છે.

શબ્દથી જ નિત્ય સરસ્વાતીને પ્રાર્થના કરું છું આશિષ માંગુ છું,
કંઈક સારું રચી, મારા બાદ પણ યાદોમાં જીવંત રહેવા માંગુ છું.


આશિષ એ. મહેતા
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

Saturday, September 4, 2021

મારી કેસ ડાયરી : ગિરજાશંકર દવે

પ્રિય વાંચકમિત્રો,


“સાહેબ, મારે મારું વિલ બનાવવું છે.”

એક વર્કિંગ દિવસની સાંજે અજયભાઈ એમની ઓફિસમાં એમની ચેમ્બરમાં બેઠા હતા. હંમેશની જેમ અભિજાત બાજુની ચેરમાં હતો અને ઓફીસમાં ગમે ત્યારે આવવાનો અબાધિત અધિકાર ધરાવનાર ચિંતન સામેના સોફામાં બેઠો હતો અને એના લેપટોપ પર એનું કામ કરી રહ્યો હતો.

એ સમયે પહેલાથી જ નક્કી થયેલ એપોઇન્ટમેન્ટ મુજબ એક ઉંમર લાયક વડીલ ચેમ્બરમાં દાખલ થયા અને કોઈ પણ પ્રકારની ફોર્માલીટી વગર સીધી જ મુદ્દાની વાત શરૂ કરી અને કહ્યું, “સાહેબ, મારે મારું વિલ બનવું છે.”

“કાકા, પહેલા શાંતિથી બેસો કોફી પીવો અને પછી શાંતિથી વિગતવાર વાત કરો.” મૃદુ સ્વરે અજયભાઈએ જણાવ્યું. અને જાણે કોઈ પોતાનું માણસ મળી ગયું હોય અને એની સામે દિલ ખોલીને વાત થઇ શકશે એવી આશા બંધાઈ હોય એવા ભાવ સાથે આગંતુકે અજયભાઈની સામેની ખુરશીમાં બેઠક લીધી. અજયભાઈએ ઇન્ટરકોમ પર ઓફિસબોય રામજીને કોફી અને પાણી લાવવાની સુચના આપી. થોડી વારમાં રામજી કોફી અને પાણી લઇ આવ્યો. કોફી પીધા પછી કાકાએ વાતની શરૂઆત કરી.

“સાહેબ, મારું નામ ગિરજાશંકર દવે. હું મૂળ પાટણનો વતની. હાલ મારી ઉંમર ૬૭ વર્ષ છે. અમદાવાદમાં આવ્યો ત્યારે મારી ઉંમર માંડ ૧૦ વર્ષની હતી. એ સમયે અમદાવાદમાં મિલો ધમધોકાર ચાલતી હતી. આપને તો કદાચ ખ્યાલ નહિ હોય પણ એ સમયે લોકો બેંકમાં અધિકારી થવાના બદલે મિલમાં અધિકારી થવાનું વધુ પસંદ કરતા હતા. મારા પિતાજી પણ અમદાવાદમાં આવ્યા ત્યારે મિલમાં નોકરી લાગ્યા હતા. પગાર સારો હતો થોડા જ સમયમાં અમે અમદાવાદના કોટ વિસ્તારમાં એક પોળમાં હવેલી જેવું મકાન લઇ લીધું. ત્યારે સાહેબ, લેન્ડલાઈન ફોન એક બહુ મોટી સગવડ ગણાતી. એ સમયે અમારા ઘરે લેન્ડલાઈન ફોન હતો. શરૂઆતના પંદરેક વર્ષ કોઈ વાંધો ના આવ્યો. મેં કોલેજ સુધી એ જમાનામાં અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો થયો એટલે મને મારા પિતાજીએ ધંધો કરવા જણાવ્યું. મિલમાં કોલસાની માંગણી રહે એટલે થોડી મહેનત પછી કોલસાનો ધંધો કર્યો. અનુભવે ફાવટ આવતી ગઈ. પિતાજીના સંબધોના પરિણામે ઓર્ડર મળતા ગયા અને હું કમાતો ગયો. એ અરસામાં મારા લગ્ન થયા. સંતાનમાં મને બે દીકરી અને એક દીકરો છે. કાળક્રમે મારા માથા પરથી મારા માતા અને પિતાની છત્રછાયા જતી રહી. મારી બંને દીકરીઓને સારા ઠેકાણે મારી ક્ષમતા અનુસાર ધામધૂમથી પરણાવી, એમના આણા-જીયાણાના વ્યવહારો કર્યા. મારી બંને દીકરીઓ એમના સાસરે પ્રભુની કૃપાથી સુખી છે. મારા દીકરાને પણ મેં ભણાવ્યો. એ ભણ્યો પણ ખરો પણ સાહેબ, મન વગરનું ભણ્યો. મેં અને કહ્યું કે ભાઈ ભણશો તો જ આ ધંધો આગળ વધારી શકશો પણ એનું મન ના માન્યું. સારી જગ્યાએ એને પરણાવ્યો. એની પત્ની બહુ જ ડાહી, કોઠાસૂઝ વાળી અને સમજદાર છે એટલે એનું ઘર ટકી રહ્યું છે. બાકી બીજી કોઈ હોત તો ક્યારનીય ઘર છોડી પિયર જતી રહી હોત, કેસ કર્યા હોત અને મારી આબરૂ કોર્ટમાં ઉછાળી હોત. ગઈ સાલ મારા પત્નીનું અવસાન થયું. એ સમયે હું હિંમત હારી ગયો. એ સમયથી મારા દીકરાની દાનત મારી મિલકત પર છે. એણે બે વખત મને એના નામની પાવર ઓફ એટર્ની કરી આપવા જણાવ્યું, પણ મેં નથી કરી આપી.”

આટલી વાત કરી એ કાકાએ એમની બેગમાંથી કેટલાક કાગળ કાઢી ટેબલ પર મુક્યા અને વાતનો દોર આગળ વધાર્યો.

“આ કાગળમાં મારી બધી જ સ્થાવર અને જંગમ મિલકતની માહિતી છે, આમાં મારા પરિવારના દરેક સભ્યોના નામ, સરનામાં, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ છે, જંગમ મિલકતોમાં મારા બેંક ખાતા, થાપણો, પોસ્ટ ખાતા, મારી પત્નીના અને મારા દાગીના બધાની વિગત છે. મારી એટલી ઈચ્છા છે કે, મારી ગેરહયાતીમાં મારી મિલકતમાંથી મારા પુત્રને માત્ર હાથખર્ચ જેટલી જ રકમ મળે અને મારો ધંધો મારી ગેરહયાતીમાં મારી પુત્રવધુ અને બંને દીકરીઓ સંભાળે. તેમજ મારી તમામ મિલકતોનો વહીવટ મારી બંને દીકરીઓ અને પુત્રવધુ સંયુક્ત રીતે કરે એવી વ્યવસ્થા કરવાની છે. આ સાથે મારા મેનેજરનું આધારકાર્ડ અને મોબાઈલ નંબર પણ છે એને મારા વિલના વ્યવસ્થાપક તરીકે ગણવો અને આ મારો હેલ્થ રીપોર્ટ, જેથી હું માનસિક પૂર્ણ સ્વસ્થ છું એવું જણાવી શકો.”

“કાકા, તમે પુરતી તૈયારી સાથે જ આવ્યા છો.” અજયભાઈએ કહ્યું.

“શું કરીએ સાહેબ, જયારે મારો જ પુત્ર મારાથી વધુ મારી મિલકતને મહત્વ આપતો હોય તો પુરતી તૈયારી રાખવી જ પડે ને. હવે આપ જણાવો, આપણે વીલ રજીસ્ટર  કરવા ક્યારે જવું છે?”

“કાકા, બે ત્રણ દિવસમાં આપને જણાવું. આપનો નંબર આપતા જાવ.”

“આ લો સાહેબ, મારું કાર્ડ અને આપની ફી પેટે હાલ કેટલી રકમ આપવી એ જણાવો એટલે રકમ ભરી ચેક આપી દઉં.”

“બહાર રીસેપ્શન પર પંક્તિ મેડમ હશે એમને ચેક આપી દો.”

“સારું સાહેબ.” કહી ગિરજાશંકર દવે એ વિદાય લીધી.

અને ચિંતને એના ઉત્સાહી સ્વભાવગત અજયભાઈની સામે જોયું એની આંખોમાં કુતુહલતા દેખાઈ આવતી હતી.

“કેટલીક વખત છોકરાઓ લેણું વસુલ કરવા આવતા હોય છે. આ કાકાના કિસ્સામાં પણ એવું જ છે. સામાન્ય રીતે એવું જોયું છે કે વડીલો પુત્રવધુની ફરિયાદ કરતા હોય છે આ કિસ્સામાં પુત્રવધુના વખાણ થાય છે અને પુત્રની ફરિયાદ છે.”

“સંસાર છે, નીતનવા વ્યક્તિ અને નીતનવી કહાની છે.” અજયભાઈએ કાકાના પેપર હાથમાં લેતા કહ્યું.


આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : ગિરજાશંકર દવે     by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

Saturday, August 28, 2021

મારી કેસ ડાયરી : લોક ડાઉન

પ્રિય વાંચકમિત્રો,


“સાહેબ, નસીબ થોડી વેચી ખાધા છે? બહુ ચિંતા નહિ કરવાની, પડે એવા દેવા જાશે.”

લોક ડાઉનનો તબક્કો ચાલી રહ્યો હતો. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોનાનો કહેર સમગ્ર વિશ્વને ભરડો લઇ ચુક્યો હતો. અમેરિકા, બ્રિટન સહિતના વિશ્વના મોટા અને વિકસીત દેશ પણ તેનાથી બાકાત ના હતા. ભારતમાં પ્રધાનમંત્રીશ્રીએ સમય સુચકતા વાપરીને લોક ડાઉન જાહેર કરી દીધું હતું. રેલ્વે, વિમાન સેવા, બસ સેવા અને ટ્રાન્સપોર્ટના તમામ સાધનો બંધ હતા જે જ્યાં હતા તેમને ત્યાં જ રહેવાનું સુચના હતી. પોલીસ, નર્સ, ડોક્ટર, સરકારી અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાઓના અનેક વ્યક્તિઓ પોતાના જીવના જોખમે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યા હતા. સમય સમય પર માનનીય પ્રધાનમંત્રીશ્રી પ્રજાજોગ સંદેશ પાઠવી લોકોને માર્ગદર્શન આપવા સાથે મનોબળ પૂરું પાડી રહ્યા હતા. પાટનગર દિલ્હીની પરિસ્થિતિ વધુ ખરાબ હતી એટલે માનનીય ગૃહમંત્રીશ્રી એ સમગ્ર દિલ્હી શહેરનો હવાલો જાતે જ સાંભળી લીધો હતો. સમગ્ર વિશ્વની સરખામણીએ જોઈએ તો દેશ ઘણી જ સારી પરિસ્થિતિમાં હતો.

એ સમયે ઘણી બધી કંપનીઓએ પોતાના કર્મચારીઓને પૂરો પગાર આપીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું અને સામે પક્ષે કેટલીક કંપનીઓએ કર્મચારીઓને છુટા કર્યા અગર પગારકાપ જાહેર કર્યો હતો.

લોક ડાઉનના તબક્કાના એક વર્કિંગ દિવસ, આમ તો ભારતની તમામ કોર્ટ બંધ હતી એટલે એ રીતે જોઈએ તો વર્કિંગ દિવસ ના કહી શકાય પણ, શનિવાર કે રવિવાર ન હોવાના કારણે એ દિવસને વર્કિંગ પણ ગણી શકાય, બપોરના લગભગ ૨ વાગ્યાનો સમય અને અમદાવાદ શહેરના ખ્યાતનામ સિવિલ લોયર અજયભાઈ પટેલની મેમનગર ખાતે આવેલ બહુમાળી મકાનના સાતમા માળે આવેલ ઓફીસની ચેમ્બરમાં અજયભાઈ એમનો પાર્ટનર અને મિત્ર અભિજાત અને ચિંતન ત્રણ બેઠા હતા. આજે લગભગ બે મહીને રામજીને બોલાવ્યો હતો જેથી ઓફીસની સાફ સફાઈ થઇ શકે. ઓફીસની સાફ સફાઈ અને સેનેટાઈઝેશનની કામગીરી પૂરી થઇ હતી અને એ સમયે જ ચિંતનનો ફોન આવેલ એટલે એને પણ અજયભાઈએ બોલાવી લીધો. રામજી હમણાં થોડી વાર પહેલા જ કોફી સર્વ કરીને ગયો હતો અને અજયભાઈએ ચિંતનને પૂછ્યું કે, “શું ચાલે છે નવાજુની? કેવું છે લોક ડાઉન?” “બસ સાહેબ આપણે હવે ફૂલ ફ્રી. એક મહિનાનો નોટીસ પે આપી આજે મને છૂટો કરી દીધો.” કાયમની જેમ જ હસતા ચહેરે ચિંતને જવાબ આપ્યો અને જાણે પોતાના કાન પર ભરોસો ના હોય એમ ચિંતાતુર ચહેરે અજયભાઈએ ચિંતનની સામે જોયું અને ચિંતન જાણે કે અજયભાઈના મનોભાવ કળી ગયો હોય એમ બોલ્યો, “સાહેબ, નસીબ થોડી વેચી ખાધા છે? બહુ ચિંતા નહિ કરવાની, પડે એવા દેવાશે.”

“પણ તું તો આખા અમદાવાદમાં એક માત્ર સેલ્સ પર્સન હતો તો પણ.” અજયભાઈએ પૂછ્યું.

“એમાં એવું છે સાહેબ કે હું ફાર્મા કંપનીમાં છું એ તો આપ જાણો જ છો. અમદાવાદ શહેર હું એકલો જોતો હતો. અમારી કંપનીની દવાની ડીમાંડ કાયમ હોય જ એટલે મને ઓર્ડર કે ટાર્ગેટની કોઈ જ તકલીફ ક્યારેય પડી નથી. અમદાવાદ રૂરલ મારો કલીગ જોતો હતો. એની ઉંમર પણ નાની અને અનુભવ પણ. કંપનીએ મને કહ્યું કે તમે હવે શહેરની સાથે રૂરલ પણ જુવો. એનો અર્થ એ કે પેલા નાની ઉમરના મારા જુનિયરને નોકરીમાંથી છૂટો કરવાની ગણતરી હતી. મેં કંપનીને ના પાડી કે હાલ લોક ડાઉન છે, હું શહેર બહાર નહિ જઉં. મારા ઝોનલ મેનેજરને મારી પાસેથી આ જ જવાબની અપેક્ષા હશે. એટલે એણે એવું કીધું કે હું કંપનીના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરું છું. એટલે સાહેબ, આપડે ના પાડી. એમણે તરત જ મારા જુનિયરને ફોન કર્યો અને પૂછ્યું કે એ અમદાવાદ શહેર સાંભળી શકશે? પેલાએ હા પાડી. એટલે મારા ઝોનલ મેનેજરે મને નોટીસ પે આપી છૂટો કરી દીધો. આમે ય એને મારા પર ખાર તો હતો જ. કારણ કે, હું ડીલર ડિસ્કાઉન્ટ પૂરે પૂરું ડીલરને આપતો અને એને એમાંથી મારી ખાવાની દાનત હતી.” ચિંતને એની વાત જણાવી.

“તો હવે, આગળ?” અજયભાઈએ પૂછ્યું.

“કંઈ નહિ સાહેબ, હાલ બે ત્રણ મહિના તો વાંધો નહિ આવે, ફાર્મા લાઈનનો મારો એક્પીરીયન્સ સારો છે અને ટ્રેક રેકોર્ડ પણ. કંપનીમાં ઈન્ટરવ્યુ આપીશું. થોડીક તકલીફ પડશે પણ સેટ થઇ જઈશું. કોઈ હાથમાંથી લઇ જાય નસીબમાંથી થોડી લઇ જવાનું છે.” ચિંતને જણાવ્યું.

અજયભાઈ અને અભિજાતે એક પળ માટે એક બીજાની સામું જોયું અને જાણે બંનેએ એકબીજની મૌનની ભાષા સમજી લીધી હોય એમ અજયભાઈએ કહ્યું, “અમે આ લોક ડાઉન પતે પછી સરકારની જે ગાઈડ લાઈન આવે એ મુજબ ઓફીસ શરુ કરવાના છીએ. તારે ક્યાય બીજે સેટ ના થાય ત્યાં સુધી તું અહીં આવજે.”

અભિજાતના ચહેરા પર એક સ્મિત આવી ગયું અને ચિંતન પણ ખુશ થઇ બોલી ઉઠ્યો, “થેંક્યું સાહેબ..”

“ચાલો હવે નીકળીએ. હજુ લોક ડાઉન પત્યું નથી ..” અજયભાઈએ કહ્યું અને બેલ મારી રામજીને બોલાવ્યો.

રામજી કોફીના કપ લઇ ગયો અને ધોઈને મૂકી દીધા. થોડી વાર પછી ઓફીસ વસ્તી કરી અજયભાઈ અને અભિજાત બંને અજયભાઈની સફેદ ફોર્ચ્યુનર કારમાં હતા. “અભિ, શું લાગે છે? ચિંતન કંપની વિરુદ્ધ કેસ કરવાનું કહેશે?” અજયભાઈએ અભિજાતને પૂછ્યું. “ના, ચિંતનનો સ્વભાવ સમાધાનપ્રિય છે એટલે એ લડવામાં સમય બગડ્યા કરતા પોતાના ડેવલપમેન્ટ માટે વિચારશે.” અભિજાતે જવાબ આપ્યો.

થોડે આગળ અભિજાતનું ઘર આવી જતા અજયભાઈએ કાર ઉભી રાખી અને અભિજાત ઉતરી ગયો. અજયભાઈએ કારમાં રેડિયો ચાલુ કર્યો અને ગીત ગુંજી ઉઠ્યું. “તકદીર મેં હૈ ક્યા? ક્યા જાને? યે ખેલ હૈ સબ લકીરો કા ...”


આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : લોક ડાઉન    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

Saturday, August 21, 2021

મારી કેસ ડાયરી : કાંતીકાકા

પ્રિય વાંચકમિત્રો,


“ચિંતન આવ, અને તમે કાંતીકાકા જરાય ચિંતા ના કરો, આપણે રેન્ટ એક્ટ મુજબનો જોરદાર દાવો તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી દઈશું, બહાર રીસેપ્શન પર પંક્તિ મેડમ હશે એમને ઓન એકાઉન્ટ ફી નો ચેક આપતા જજો.”

આજે અજયભાઈની ઓફીસમાં એમની ચેમ્બરમાં એક સાથે બે ઘટના ઘટી, એક એમનો ખાસ મિત્ર ચિંતન ચેમ્બરમાં દાખલ થયો અને એજ સમયે એમની સામેની ખુરશીમાંથી એક ઉંમરલાયક કાકા જવા માટે ઉભા થયા અને અજયભાઈએ ચિંતનને આવકાર્યો અને પેલા કાકાને આશ્વાસન આપ્યું.

કાંતિકાકા રીસેપ્શન પર ચેક આપી વિદાય થયા અને લીફ્ટમાં ગયા એ તમામ ઘટના સી.સી.ટી.વી.ના માધ્યમથી અજયભાઈએ એમના કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈ. કાંતીકાકાને લીફ્ટમાં વિદાય થતા જોયા એ જ સમયે એમને બેલ મારી ઓફીસ બોય રામજીને બોલાવ્યો અને ત્રણ કમ શક્કર કડક કોફી આપવા કીધું. આ દરમ્યાન ચિંતને અજયભાઈની ચેમ્બરમાં સામેની તરફ મીની કોન્ફરન્સ માટેના ગોઠવેલ સોફા પર બેઠક લીધી અને અજયભાઈ પણ સોફા પર ગોઠવાયા અને સાથે જ અજયભાઈનો પાર્ટનર અને અંગત મિત્ર અભિજાત પણ. રામજી આવીને પાણીની બોટલ સાથે કોફી મૂકી ગયો. કોફીની એરોમા શ્વાસમાં લઇ એક નાનો સીપ ભરી કપ પાછો સેન્ટ્રલ ટીપોઈ ઉપર મૂકી અજયભાઈ બોલ્યા, “કાંતિકાકા એમના હાથે જ એમના ધોળામાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે.“

“શું વાત કરો છો સાહેબ, કાંઈ વિગતે કહો તો સમજ પડે.” ચિંતને એની ઉત્સુકતાવશ કહ્યું.

અભિજાત કાયમની જેમ મુક સાક્ષીભાવે જોઈ-સાંભળી રહ્યો હતો.

“આ કાંતિકાકા, અમારા જુના પાડોશી, મારા પિતા અને અમારો પરિવાર જયારે ભાડે રહેતા હતા ત્યારથી અમારા પરિચયમાં. એ સમયે હું કદાચ આઠમા-નવમાં ધોરણમાં ભણતો હતો. ત્યારનો પરિચય. કાંતિકાકા દરજીનો ધંધો કરે અને અમારા ઘરની નજીકમાં જ એક નાની કદાચ પાંચ બાય પંદર ફૂટની ભાડાની દુકાનમાં એ કામ કરે. નવા વાડજના ચોરા વચ્ચે દુકાન એટલે લગભગ આજુબાજુના તમામ ફળિયા, મહોલ્લાના લોકો એમને ઓળખે. મહેનતુ માણસ એમાં ના નહિ. એમને એમની આવડતથી ધંધો જમાવેલો અને સંબધો પણ. એમના બીજા ત્રણે ભાઈઓને એમણે દરજી કામના ધંધામાં તૈયાર કર્યા. સગવડતા મુજબ દરેકને પહેલા ભાડાની દુકાનો લઇ આપી પછી એમણે એમના દીકરા અને ભત્રીજાઓને તૈયાર કર્યા. સંયુક્ત કુટુંબમાં ચારે ભાઈઓનો પરિવાર રહે. એમાંથી ધીમે ધીમે દરેક ભાઈઓના પોતાના મકાનો કર્યા. આ જ કાંતિકાકાની દેખરેખ નીચે ઘરના નાના મોટા થઇ ને આશરે ૧૫ થી વધુ અવસર પાર પડ્યા. આજે કાંતિકાકાના પરિવારમાં જોઈએ તો લગભગ આઠ મકાન અને આઠ દુકાન છે. બધી જગ્યાએ થઇને આશરે વિસ જેટલા કારીગર કામ કરતા હશે. એમના જ કહેવા મુજબ જયારે કાંતિકાકા અમદાવાદમાં આવ્યા ત્યારે ખીસામાં રૂપિયા દશ, એક મેજર ટેપ અને એક કાતર લઈને આવ્યા હતા. અમદાવાદમાં નવા વાડજની દુકાનમાં પચાસ વર્ષ ધંધો કર્યો. કાંતિકાકા નવા વાડજની દુકાનમાં એમના નાના ભાઈ જોડે બેસતા. હમણાં લગભગ એકાદ મહિના પહેલા એમના નાના ભાઈનું અવસાન થયું. દુકાન લગભગ એકાદ મહિનો બંધ રહી. કાંતિકાકાને પણ વર્ષ ૭૫ થયા. દુકાન માલિકે કાકાને કીધું કે કાકા, હવે દુકાન ખાલી કરી આપો મારે મારા માટે જરૂર છે. પણ કાંતિકાકાની બુદ્ધિ બગડી, એમણે દુકાન ખાલી કરવાના બદલે દુકાન માલિક સાથે ઝગડો કર્યો. તું માનીશ દુકાનનું ભાડું છે મહીને માત્ર ૪૫૦૦-૦૦ રૂપિયા એ પણ આ કાકાને વધારે લાગે છે.”

વાતને થોડી અટકાવી બાકીની કોફી પૂરી કરી ખાલી કપ ટીપોઈ પર મૂકી અજયભાઈએ બોટલમાંથી થોડું પાણી પીધુ અને વાત આગળ ચલાવી

“આમ તો મેં પણ પહેલા કાકા ને એ જ કીધું કે કાકા, હવે કમાવવાની કોઈ જરૂર નથી. છોકરાના ઘરે પણ છોકરા છે અને બધા વેલ સેટ છે. તો મને જવાબ આપ્યો કે, “મારે કામ નથી કરવું, ઉંમરના હિસાબે હવે થોડું ઓછુ દેખાય છે પણ દુકાન મેં પચાસ વર્ષ વાપરી એ એમને એમ કેવી રીતે ખાલી કરું? હું ખાલી કરું એટલે એને મારાથી ડબલ ભાડું આપનાર મળે તો મને પણ કંઈક મળવું જોઈએને.” એમનો જવાબ સાંભળી એમના પ્રત્યે જે આદરભાવ હતો એ ઉતરી ગયો એટલે વ્યવસાયિક અભિગમ રાખી મેં ભાડુઆત તરીકેના પુરાવા માંગ્યા, એમની પાસે ભાડા કરાર નથી, ભાડું રોકડામાં ચૂકવેલ છે, ભાડું ચૂકવ્યાની પહોંચ નથી, છેલ્લા દશ વર્ષના ટેક્સ બીલ ભર્યાની પહોંચ છે અને મને મારી ફી જે થાય એ આપવા તૈયાર છે. બસ, મેં ફી પેટે ઓન એકાઉન્ટ ચેક લઇ લીધો અને ટેક્સ ભર્યાની પહોંચની નકલો લઇને આવ્યા હતા એની ફાઈલ બનાવી દીધી. કેસ તૈયાર કરી દાખલ કરાવી દઈશ. યાર, મેં પણ તો સદાવ્રત નથી ખોલ્યું ને! હું કેસ નહિ લઉં તો બીજો કોઈક વકીલ લેશે. એમના દુકાન માલિકને પણ હું ઓળખું છું. એને પણ આમ જોવા જાવ તો આ દુકાનની કોઈ જરૂર નથી અને મહત્વની વાત એ છે કે, દુકાન માલિક અને આ ભાડવાત કાંતિકાકા બંનેને ખબર છે કે, દુકાન કપાતમાં જાય છે. પણ, સો વાતની એક વાત કાંતિકાકાએ એમની જાતે જ એમના ધોળામાં ધૂળ નાખવાનું કાર્ય કર્યું છે.”

“સાચે જ સાહેબ, કાકાની બુદ્ધિ બગડી લાગે છે. હું જાઉં હવે મારે એક કામ છે.” કહી ચિંતન વિદાય થયો.

“આવજે” કહી અજયભાઈ સોફા પરથી એમની ચેર પર બેઠા.આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : કાંતીકાકા  by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

Saturday, August 14, 2021

મારી કેસ ડાયરી : સાધના-સુધીર

પ્રિય વાંચકમિત્રો,


“આવ, ચિંતન, આજે થોડું મોડું થયું?” એડવોકેટ અજયભાઈએ એમની ચેમ્બરમાં ચિંતનને આવકારતા કીધું.

“અરે, જવા દો ને સાહેબ. આ અધિકારી વર્ગના લોકો ગ્રાસ રૂટ પરની કામગીરી સમજે નહિ અને ખાલી મગજ ખરાબ કરે.” સામાન્ય રીતે સદાય હસતો ચહેરો ધરાવનાર ચિંતને આજે વ્યગ્રતા પૂર્વક કહ્યું.

ઓફીસના ઇન્ટરકોમ પર રામજીને અજયભાઈએ અંદર આવવા સુચના આપી.

“યસ સર,” કહી દરવાજો ખોલીને રામજી અંદર આવ્યો અને આદેશની રાહ જોતા બોલ્યો.

“આ લે પૈસા અને ઓફિસમાં બધા માટે આઇસક્રીમ લઇ આવ.”

“કેમ સાહેબ શું છે આજે? આઇસક્રીમ!” ચિંતને પૂછ્યું.

“નવી વાર્તા જાણવા મળશે. પહેલા ફ્રેશ થઇ જા, મૂડ બનાવી લે.” અજયભાઈએ ચિંતનને કહ્યું.

ચિંતન ફ્રેશ થઇને આવ્યો અને થોડી જ વારમાં રામજી આઇસક્રીમ લઇ ને સર્વ કરી ગયો.

“આજે એક ખાસ વાતની આ પાર્ટી છે.” અજયભાઈએ જણાવ્યું અને ચિંતન અને અભિજાતે એક-બીજાની સામે જોયું. બંને જાણતા હતા કે જયારે પણ અજયભાઈનું કોઈ અનુમાન લાંબા સમયે સાચું પડે ત્યારે આવી પાર્ટી થઇ જાય છે.

“અભિ, તને સાધના અને સુધીર વાળો કેસ યાદ છે ને? આ એની પાર્ટી છે. બંને જણ હાલમાં ભેગા રહે છે.” અજયભાઈએ કહ્યું.

“વ્હોટ!?” એક આશ્ચર્ય સાથે અભિજાતે પૂછ્યું.

“યસ.”

“પણ સાહેબો મને તો વાત જણાવો..”  ચિંતને કીધું

“સાંભળ, આજથી લગભગ પાંચેક વર્ષ પહેલા સુધીરની ફેમીલી કોર્ટની મેટર લીધી હતી. સાધનાએ એના ઉપર દહેજ અને ભરણપોષણના કેસ કર્યા હતા. આપણે સુધીર તરફે હાજર થયા હતા. એ કેસની એક ખાસિયત મને એ લાગી હતી કે સુધીર ક્યારેય એકલો મળવા નહતો આવતો. એના મમ્મી અને પપ્પા કાયમ એની જોડે જ હોય પછી ભલે એ કોર્ટમાં આવે કે અહિયાં ઓફિસમાં મળવા આવે. સુધીરના પપ્પા નિવૃત્ત જજ સાહેબ હતા. ડિગ્રી હોય પણ વ્યવહારિકતા ના હોય એનું ઉદાહરણ જેવા. સુધીર અને સાધનાના લગ્નને બાર વર્ષનો સમય થઇ ગયો હતો અને એમને એક દીકરો પણ હતો, જે એ સમયે ત્રીજા ધોરણમાં ભણતો હતો. સુધીરના માતા પિતાની કાયમ સાધના વિરુદ્ધ ફરિયાદ જ હોય. એ સવારે અમારાથી વહેલી નથી ઉઠતી, અમારા સગા કોણ ક્યાંના છે એ એને યાદ નથી રહેતું, રસોઈ સરસ બનાવે છે પણ આટલા માણસ માટે કેટલી રસોઈ બનાવવાની એની એને ખબર નથી પડતી, ઘરની ખૂટતી વસ્તુ જાતે લઇ આવે પણ આખા મહિનામાં કેટલી વસ્તુઓની જરૂર પડશે એનો એને અંદાજ નથી આવતો, આવી આવી સુધીરના પપ્પાની સાધના સામે ફરિયાદો. મેં એમને કીધું પણ હતું કે, “સાહેબ, આ બધી ફરિયાદો ના કહેવાય અને આપ જે કહો છો એમાં મને સાધનાનો કોઈ વાંક દેખાતો નથી.” પણ કેટલાક સરકારી અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ ઘરમાં જાણે સરકારી અધિકારી જ હોય એ રીતે વર્તતા હોય છે. સુધીરના પપ્પા પણ એમાંના એક હતા અને સુધીરની મમ્મી એક સરકારી અધિકારીની પત્ની. મેં સુધીરને એકાદ બે વખત ઈશારો પણ કર્યો કે એકલો મળવા આવ, પણ એ એકલો મળવા ના જ આવ્યો. ખેર, કોર્ટ અને કેસ એની રીતે જ ચાલ્યા, સાધનાના વકીલ એટલે આપણા એન.એન. શાહ સાહેબ. એમના પ્રયત્નોથી આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થયું. સાધનાએ દહેજનો કેસ પરત ખેંચી લીધો. સાધના અને સુધીરે ડાયવોર્સની અરજી દાખલ કરી, બાળક સાધના જોડે રહેશે એવું નક્કી થયું અને સાધનાને ઉચ્ચક ભરણપોષણ પેટે ચોક્કસ રકમ ચૂકવવાનું નક્કી થયું. સુધીરના ચહેરા પર એક નારાજગી જણાઈ આવતી હતી અને મને ઊંડે ઊંડે એવું લાગી રહ્યું હતું કે આ નારાજગી એના પિતા અને માતાના વર્તનથી છે. આજથી એકાદ વર્ષ પહેલા બધી જ કોર્ટ કાર્યવાહી પૂર્ણ થઇ, કોર્ટે બંનેના લગ્ન રદ જાહેર કરતો હુકમ કર્યો. એના થોડા દિવસ  પછી સુધીરના પિતા ઓફીસ આવ્યા અને જણાવ્યું કે સુધીર દક્ષિણ ભારતના એક પ્રખ્યાત આશ્રમમાં કાયમી સેવા માટે જતો રહ્યો છે. પૌત્ર ગુમાવવાનું દુઃખ હતું એનાથી વધુ પુત્ર ગુમાવવાનું દુઃખ એમની વાતોમાં જણાઈ આવતું હતું.” અજયભાઈએ એ વાત અટકાવી આઇસક્રીમ પૂર્ણ કર્યો.

“પણ એમાં આ પાર્ટીની વાત ક્યાં આવી?” ચિંતને એના ઉત્સાહિત સ્વભાવવશ પૂછ્યું અને હસીને અજયભાઈએ વાત આગળ ચલાવી.

“મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં જેમને મળવું જ હોય એમને કોઈ રોકી નથી શકાતું. ડિવોર્સની પીટીશન ચાલી રહી હતી એ સમયે પણ સાધના અને સુધીર મેસેજ દ્વારા એક બીજાના સંપર્કમાં હતા. સુધીર બહુ જ સારું ભણેલો હતો. પણ એ એના સરકારી અધિકારી પિતાના પ્રભાવથી દબાયેલો હતો. સુધીરની પોતાની આવક પણ સારી જ હતી. વળી, આશ્રમના ગુરૂજી સુધીરને ઓળખતા હતા. સુધીર જયારે આશ્રમમાં રહેવા ગયો ત્યારે તેને આશ્રમનું વહીવટી કામ સોંપવામાં આવ્યું. એના ગુરૂજીએ એને એક અલગ રૂમ ફાળવી આપ્યો અને કહ્યું “સહપરિવાર અહિયાં જ રહેજો.” સુધીરે ઘર છોડ્યું હતું પણ દિલથી પોતાનો પરિવાર નહતો છોડ્યો. સાધનાને આ સમાચાર મળ્યા. એમના બાળકનું શૈક્ષણિક વર્ષ પત્યું અને સાધના પણ એના બાળકને લઈને આશ્રમમાં રહેવા ચાલી ગઈ. આજે જ સુધીરનો ફોન હતો. સાધના પણ આશ્રમમાં રહેવા આવી ગઈ એ એણે જ જણાવ્યું. એમનું બાળક આશ્રમના ગુરુકુળમાં ભણી રહ્યું છે અને બંનેએ હવે આજીવન આશ્રમમાં રહી સેવા કરવાનું નક્કી કર્યું છે. અને હા, સુધીરે એના માતા-પિતાને કહી દીધું “તમારે અહિયાં આશ્રમમાં આવવાની જરૂર નથી અને કદાચ આવો તો પણ મને મળવાનો પ્રયત્ન કરવો નહિ. તમારો પુત્ર અને પરિવાર સાથે મજામાં છે અને એ તમારાથી દૂર રહેશે ત્યાં સુધી મજામાં રહેશે.”

"સુધીર અને સાધના જીવન સફરમાં ફરી ભેગા થઇ ગયા એની ખુશાલીનો આ આઇસક્રીમ છે.”

“સાહેબ, જોરદાર આવું તો જગતમાં ક્યાંય નહિ બન્યું હોય. ખરેખર, તમારી પેલી વાત સાચી જ છે, જગતમાં જેટલા માનવી એટલી જ નવી કહાની. ચાલો હું પણ મારા કામે નીકળું હવે.” કહી ચિંતન વિદાય થયો.


આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : સાધના-સુધીર   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, July 31, 2021

મારી કેસ ડાયરી : રમણકાકા-મધુકાકી

પ્રિય વાંચકમિત્રો,


“ઘરને તારે પણ સ્ત્રી અને ઘરને ડુબાડે પણ સ્ત્રી.” એક સાંજે બોઝિલ ઓફીસ મીટીંગો પૂરી કરીને એડવોકેટ અજયભાઈ એમની ચેમ્બરમાં એમના મિત્રો અભિજાત અને ચિંતન સાથે બેઠા હતા. રામજી હમણાં જ ગરમાગરમ કોફી સર્વ કરી ગયો હતો. એની એરોમા ચેમ્બરમાં ફેલાઈ રહી હતી. એવા સમયે અજયભાઈએ એમના અનુભવની ખાણમાંથી એક અનુભવ શેર કરવાનું શરૂ કર્યું.

“આજે કંઈક નવું જાણવા મળશે.” ઉત્સાહિત ચિંતને એના સ્વભાવ મુજબ કહ્યું અને અભિજાત એના સ્વભાવ મુજબ મુક થઇ જાણવા બેસી રહ્યો હતો.

કોફીનો એક સીપ ભરી સામેની દિવાલ ઘડિયાળ તરફ નજર કરી જાણે અતીતના ઊંડાણમાં ડૂબકી લગાવી કોઈ દ્રશ્ય જોતા હોય એ રીતે અજયભાઈ થોડી વાર જોઈ રહ્યા અને બોલ્યા, “લગભગ દશેક વર્ષ પહેલાની વાત હશે. એ સમયે નાની ઓફીસથી અમારી કારકિર્દીની શરૂઆત હતી. એ સમયે એક વખત હું મારા વતન ગયો હતો. ત્યાં મારા પિતાના વડીલ મિત્ર જે ઉમરમાં મારા પિતા કરતા પણ મોટા એ રમણકાકા મળેલ. ગામમાં એમની ઓળખાણ રમણ મગન માસ્તર તરીકેની. એ સમયે રમણકાકા પ્રોફેસર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા હતા. એમણે જાણ્યું કે હું વકીલાત કરું છું એટલે એમણે એક બપોરે મને એમની વાડીએ આવવા કહ્યું. એ સમયે મને અંદાજ નહીં કે એમને મારૂં શું કામ હશે અને મને પણ થોડી આળસ કે બપોરની ઊંઘ આ કાકા બગડશે, પણ મારા પપ્પાના વડીલ મિત્ર એટલે ના પાડી ના શક્યો અને એમની વાડીએ ગયો. વાડી પર રમણકાકા અને હું અમે બંને સામસામે ખાટલા પર બેઠા હતા. થોડી આડી અવળી વાતો કરી પછી એમને નજીકમાં કામ કરતા ભાગીયાને કંઈક કામ સોંપી દૂર મોક્લ્યો અને વાતની શરૂઆત કરતા કહ્યું, “જો ભાઈ, તું ઉંમરમાં નાનો, પણ વૈધ અને વકીલથી કોઈ વાત છુપાવાય નહીં અને મારે તારું અંગત કામ છે. તારે જે ફી થતી હોય એ લઇ લેવાની અને મારું કામ કરી આપવાનું. વાત એવી છે કે, હું હવે પાકટ ઉંમરનો થયો. મારે મારું વિલ બનાવવું છે. મારી વાત ધ્યાનથી સાંભળ. મને ખ્યાલ છે ત્યાં સુધી વડીલોપાર્જીત મિલકતનું હું વિલ ના કરી શકું. બરાબર? મેં હા પાડી એટલે એમણે વાત આગળ ચલાવી, મારા પિતા તરફથી મને વરસામાં સાત વીઘા જમીન અને ગામનું મકાન મળ્યું છે. એ સિવાય આ ચિઠ્ઠીમાં લખી એ બધી જ જમીન, એફ.ડી., કિસન વિકાસ પત્ર, નાની બચત એ બધું જ મારી સ્વપાર્જીત મિલકત છે. તારે વિલ એવું બનાવવાનું છે કે, મારી સ્વપાર્જીત મિલકત મારા બંને દીકરા અને એક દીકરીને સરખે હિસ્સે મળે અને મારી એફ.ડી.નું દર મહીને જે વ્યાજ આવે એ જ મારી પત્નીને મળે. મારી પત્નીને મારી કોઈ જ સ્થાવર જંગમ મિલકતમાં ભાગ ના મળે.” એમનું આ વાક્ય સાંભળી મને નવાઈ લાગી એટલે એમને સામેથી જ સ્પષ્ટતા કરી કે, જયારે મારા અને તારા કાકીના લગ્ન થયા, એ સમયે મારી આર્થિક સ્થિતિ આજના જેટલી સારી નહિ અને એ સમયે હું પરિવારમાં સહુથી મોટો એટલે આખા ઘરની નહિ પરિવારની જવાબદારી મારા માથે. એ સમયે તારા કાકીએ એક દિવસ બાકી નથી રાખ્યો મને મેણા મારવામાં. એ સમયમાં બહુ સહન કર્યું રોજે રોજ એના દ્વારા થતું અપમાન પણ. એના પિયરના સગાની સામે તો ઠીક મારા બાળકોની સામે પણ એ મને ઉતારી પાડે. એણે મારા મા-બાપની પણ કોઈ જ કાળજી નહતી કરી. હું નોકરી લાગ્યો અને મારા પગારમાંથી શેર બજારમાં રોકાણ કર્યું. નોકરી અને ખેતીવાડી જોડે જોડે સાચવી અને આ મિલકતો ઉભી કરી. હમણાં થોડા દિવસ પહેલા, તું ગામમાં આવ્યો એના સમજને કે ત્રણ-ચાર દિવસ પહેલા જ એણે એનો ઈરાદો કહ્યો કે, આ બધી મિલકતો હું એના નામે કરી દઉં. એ મને ભોટ સમજે છે. ભાઈ, એ સમયે જો મેં એની જોડે છુટું લીધું હોત તો મારા બીજા ભાઈ-ભાંડું થાળે ના પડત. એટલે જ્યાં ત્યાં જીવન ગબડાવી લીધું પણ એ મારી મહેનતનું એના નામે કરવા માંગે એ કેમ ચાલે? એનાથી મને કોઈ વેરો આંતરો નથી પણ એના નામે મારે મિલકત કરવી નથી. તું મારું આટલું કામ કરી આપ.”

મેં રમણકાકાની અનુકુળતા મુજબનું વિલ બનાવી આપ્યું અને જાણે એ વિલની જ રાહ જોતા હોય એમાં વિલ બનાવ્યાના એક મહિના બાદ રમણકાકા અવસાન પામ્યા. એમની ઉત્તરક્રિયા બાદ એમના પરિવાર વચ્ચે મેં વિલ જાહેર કર્યું એ સમયે રમણકાકાના પત્ની મધુકાકીએ કાળો કકળાટ કર્યો હતો. મને પણ ઘણી ગાળો આપી હતી. એમના બંને દીકરા અને એક દીકરી ત્રણે સંતાનો એમને સમજાવતા રહ્યા પણ માને એ મધુકાકી નહિ. રમણકાકાના વિલ મુજબની વ્યવસ્થા કરી હું નીકળી ગયો હતો.

થોડા વર્ષો બાદ જાણવા મળ્યું કે, મધુકાકીને એમના સ્વભાવના કારણે કોઈ જોડે રાખવા તૈયાર નથી. આથી એ વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા પણ, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એટલે એમના સ્વભાવના કારણે એ વૃદ્ધાશ્રમમાંથી પણ પાછા આવ્યા. હમણાં ગયા અઠવાડિયે એમનું અવસાન થયું અને હું ગઈ કાલે વતન ગયો હતો ત્યાં ભેગા ભેગા એમના દીકરાને મોઢે થતો આવ્યો. એમના દીકરાએ જાતે જ કીધું કે, “ભાઈ, અમે છૂટ્યા આ ત્રાસમાંથી.”

કોફીનો ખાલી કપ ટીપોઈ પર મુકતાં અજયભાઈએ પોતાની વાત પૂરી કરી. ચેમ્બરમાં પીન ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું હતું. અભિજાત અને ચિંતન બંને સ્ત્રીના એક નવા જ સ્વરૂપ અંગે વિચાર કરી રહ્યા હતા.


આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : રમણકાકા-મધુકાકી   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, July 24, 2021

યાદ બહુ આવે છે....

યાદ આવે છે, તારી બહુ યાદ આવે છે,
જાગતા-ઊંઘતા ઉઠતાં-બેસતા ચાલતા-દોડતા તારી યાદબહુ આવે છે
મારા જીવનની દરેક ક્ષણ માં હરેક પળમા યાદબહુ આવે છે,
આપડી એ પહલી મુલાકાત અને એ સંવાદ યાદબહુ આવે છે,
તારી સાથે કરેલ ફોને પરનીએ પહેલી વાત યાદબહુ આવે છે,
સાથે જોયેલા સ્વપ્નો એ જીવન જીવવાના યાદબહુ આવે છે,
તારી આપેલી એ પહેલી ભેટ-સોગાત યાદબહુ આવે છે,
તારા એ કોમળ હાથથી મારા ગાલ પરનોવ્હાલ યાદબહુ આવે છે,
મારા માથા માં ફરતી તારી આંગળીઓ નો એ સ્પર્શ યાદબહુ આવે છે,
મારૂ ઓફિસથી મોડુ આવું ને તારું રાહ જોઈને બેસવું યાદબહુ આવે છે
પછી એકજ થાળીમાં સાથે જમવા બેસવું ને કોન કેટલું જમ્યું તેનો મીઠો સંવાદ યાદબહુ આવે છે
રોજ તારા હાથેથી ખવડાવેલા પહેલા કોળિયાની યાદબહુ આવે છે,
તારી ભીના વાળથી મને જગાડવાની એ રીત યાદબહુ આવે છે,
રાત્રે માથા અને પીઠપર ફરેલ તારા પ્રેમ ભર્યા સ્પર્શ ની યાદબહુ આવે છે,
ઝગડામાં થતાં એકમેકના રૂઠમણા મનામણાં યાદબહુ આવે છે,
હવે તો કારણ વગર પણ અશ્રુ વહી પડે છે, યાદબહુ આવે છે,
ખબર નહતી કે કોઈક દિવસ આમ જ દૂર થઈ જઈશ તું જિંદગીના આ સફરમાં
લખવું તો હજી ઘણું છેઆ કલમ ના પણ હવે શ્વાસ રૂંધાય છે યાદબહુ આવે છે,
“ગૌરવ” કોણ સમજાવે એરાણીને કે યાદબહુ આવે છે,ગૌરવ શુક્લCreative Commons License


યાદ બહુ આવે છે.... By Gaurav Shukla is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

Saturday, July 17, 2021

મારી કેસ ડાયરી : હરપાલસિંહ બાપુ

પ્રિય વાંચકમિત્રો,


“સર, હરપાલસિંહ કરીને કોઈ આવ્યા છે. એમની એપોઇન્ટમેન્ટ લીસ્ટેડ નથી.” પંક્તિએ ઇન્ટરકોમ પર એડવોકેટ અજયભાઈને સમાચાર આપ્યા. વર્કિંગ દિવસની એક સાંજ હતી. અજયભાઈ એમની શીડ્યુલ મીટીંગ પૂરી કરીને બેઠા હતા અને એમની જ ચેમ્બરમાં સામે સોફામાં બેસીને ચિંતન એનું કામ કરી રહ્યો હતો. અભિજાત આવતીકાલની કોર્ટ ફાઈલ પર એક છેલ્લી છેલ્લી નજર નાખી રહ્યો હતો.

ઓફીસના સી.સી.ટી.વી.માં વેઈટીંગ એરિયામાં બેઠેલા એક આશરે સાઈઠની આસપાસના એક વૃદ્ધ બેઠા હતા. એમને જોઇને અજયભાઈ જાતે ઉભા થઇ બહાર વેઈટીંગ એરિયામાં આવ્યા અને આગંતુકને પ્રેમ પૂર્વક અંદર લઇ આવ્યા. અભિજાતે પણ એની ખુરશી પરથી ઉભા થઇને આવનારનું સન્માન કર્યું અને રામજીભાઈને કોફી અને પાણી લાવવાની સુચના આપી દીધી.

આવનાર હરપાલસિંહને સોફામાં આદરપૂર્વક બેસાડી અજયભાઈ અને અભિજાત પણ બીજા સોફામાં ગોઠવાયા અને આ આખી ઘટના જોઈ ચિંતન એટલું તો સમજી જ ગયો કે આ આવનાર હરપાલસિંહ કોઈ સામાન્ય વ્યક્તિ નથી જેને અજયભાઈ આટલો આદર આપે છે.

હરપાલસિંહે એમની સાથેના બેગમાંથી બે નાના બોક્ષ કાઢી એક અજયભાઈ અને એક અભિજાતને આપ્યા. પૂરા પરિવારની ખબર પુછી સામે અજયભાઈએ પણ હરપાલસિંહના પરિવારની ખબર પુછી. કોફી આવી ગઈ અને અલ્પ સમયમાં ઘણી વાતો પણ થઇ ગઈ. કોફી પીવાઈ ગયા પછી હરપાલસિંહે જવાની રજા માંગી. અજયભાઈએ કહ્યું, “બાપુ, ડ્રાઈવરને કહી દઉં, આપને ઘરે મૂકી જશે.” “ના સાહેબ, હું રીક્ષા કરી લઈશ.” હરપાલસિંહે જણાવ્યું. સામે અજયભાઈએ કહ્યું, “ઉભા રહો બાપુ હું કેબ બૂક કરી આપું.” કહી કેબ બૂક કરી અને રામજીને સુચના આપતા કહ્યું, “નીચે, --- નંબરની સફેદ ઇકો ગાડી આવશે અને આ કોડ આપશો. બાપુને આદર સહીત ગાડીમાં બેસાડી આવો.” અજયભાઈ ઓફીસના મુખ્ય દરવાજા સુધી હરપાલસિંહને વળાવી ચેમ્બરમાં પરત આવ્યા.

“સાહેબ, કંઈ ખબર ના પડી.” ચિંતને એના સ્વભાવ મુજબ ઉત્સાહિત સ્વરે પૂછ્યું.

“મને હતું જ કે તને જાણવાની ઉતાવળ હશે જ. સાંભળ, આ હતા હરપાલસિંહ ઝાલા. મૂળ કાઠીયાવાડના સૂર્યવંશી રાજપૂત. આઝાદી પહેલા એમના પૂર્વજો રાજપાઠ ધરાવતા હતા. કહેવાય છે ને કે, દરબારનો દીકરો કાં તો ધરતીની રક્ષા કાજે કાં તો ગાય કાં તો સ્ત્રીની રક્ષા કાજે મારવા જ જન્મ લે છે. આ બાપુ માટે એ વાત સો ટકા સાચી સાબિત થાય છે. આપણે આપણા પરિવારનો એક દીકરો પણ જો ફોજમાં જવા માંગે તો બીજા કેટલાય નોકરી ધંધા અને કમાવવાના રસ્તા બતાવીએ, જયારે આ બાપુએ પોતે એમની જિંદગી દેશ સેવા કાજે ફોજમાં આપી દીધી, કારગીલ વોરમાં બાપુને ત્રણ ગોળી વાગી હતી. બે ખભામાં અને એક પગમાં, પણ બાપુએ પોસ્ટ નથી છોડી. એનાથી પણ આગળ એમના ત્રણે દીકરા આજે પણ ફોજમાં દેશની સેવા કરી રહ્યા છે. મેં અને અભિજીતે જયારે જોડે જોડે કામ કરવાનું શરુ કર્યું એ સમયે બાપુ નોકરીમાંથી સેવા નિવૃત્ત થયા હતા અને એમના બે દીકરા ફોજમાં લાગી ગયા હતા. બંને દીકરાઓ વતી કામ કરવા સારું શું કરવું એના વિચારમાં હતા. એ સમયે અમારો અને બાપુનો પરિચય થયો. એમના બંને દીકરાઓ વતી તમામ કામ કરવા અંગેની પાવર ઓફ એટર્ની તૈયાર કરી આપી. એમણે ફીનું પૂછ્યું. એક વાત કહું, જયારે મેં અને અભિજાતે જયારે કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે અમે નક્કી કરેલ કે આર્મી કે પેરા મિલેટ્રી ફોર્સના કોઈ પણ વ્યક્તિનું ગમે તેવું કામ હોય ફી નહીં લેવાની. બસ એ નિયમ મુજબ અમે કોઈ ફી નતી લીધી. બસ, એમાંથી આ સંબંધ બંધાઈ ગયો. વર્ષે છ મહીને બાપુ એમની મરજી પડે ત્યારે ઓફીસ મળવા આવી જાય અને કંઈક અને કંઈક લેતા આવે. એમના દીકરા પૈકી કોઈ પણ જયારે રજાના સમયમાં ઘરે આવે એટલે ફોન પર ખબર પૂછી લે. સામે આપણે પણ દિવાળીનું બોક્ષ એમના ઘરે મોકલાવી દઈએ છીએ. વ્યાવસયિક સંબંધોમાં પણ આત્મીયતા થઇ શકે એનું ઉદાહરણ છે આ હરપાલસિંહ બાપુ.”

“સાહેબ, આને સંબધોનું વાવેતર કર્યું કહેવાય, નહિ?” ચિંતને કહ્યું.

“ હા, સાચું પણ જે સમજે એના માટે જ.” અભિજાતે કહ્યું એ સમયે જ ચિંતનનો ફોન રણક્યો અને એ ફોન રીસીવ કરવા બહાર નીકળ્યો અને અજયભાઈએ રામજીને ઓફીસ વસ્તી કરવા સુચના આપી.


આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : હરપાલસિંહ બાપુ   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/