Sunday, August 30, 2009

જ્યાં યાદ તમારી આવે છે

જ્યાં યાદ તમારી આવે છે;
          ત્યાં મનડું મારૂં મુંઝાય છે,
કેવી રીતે કહું તમારા વિના;
          મારા કેવા દિવસો જાય છે,

દિવસ તો આખો કામમાં જાય છે;
          રાતના અંધકારમાં તમારો ચહેરો દેખાય છે,

ખુલ્લી આંખે તમારા સ્વપ્ન આવે છે;
          આંખ મીંચાતા નિંદ્રા પણ અદ્રશ્ય થાય છે,

ચારે તરફ સદાય તમારો જ ભાસ થાય છે;
          હ્દયની અંદર તમારો અનુભવ થાય છે,

સૂરજમુખી અને ચાતકની તડપ;
          હવે અનુભવાય છે,
જીવનમાં પ્રેમનું મહત્વ;
          હવે સમજાય છે.

કવિઃ આશિષ એ. મહેતા

"પ્રામાણિકતા અને ઈમાનદારીની સદાય કદર થાય છે, બસ સમયનો ઈંતજાર કરો."

પૂર ઝડપે દોડી રહેલી ટ્રકના અજીબ ચિત્કારી કરતા પૈડાના અવાજોની સાથે કંઈક આવેશ સભર સતત ગીયર ચેન્જ કરી રહેલા તમને તમારા ટ્રકનો ક્લીનર લાખો આજે પ્રથમ વખત જ આવા આવેશમાં જોઈ રહ્યો હતો, કાળુસિંહ રાજપૂત.

એક રાજપૂતને શોભે તેવું કદાવર, મજબૂત બાંધાનું શરીર, અણિયાળુ નાક, મોટું કપાળ, બન્ને કાનમાં વાળીઓ, તલવાર કટ મૂછ, શ્યામ રંગ, વાંકળિયા વાળના માલીક કાળુસિંહ તમે જ્યારે "બી.આર. ટ્રાન્સપોર્ટ" નામની લગભગ આખા પશ્ચિમ ભારતમાં ધંધો કરતી શેઠ શ્રી બદ્રીપ્રસાદ રાયચંદ ત્રિવેદીની પેઢીમાં જોડાયા ત્યારે ઓગણીસ વર્ષના નવયુવાન હતા. અનુભવી શેઠ શ્રી બદ્રીપ્રસાદે તમારા હીરને એક જ નજરે પારખીને તમને ક્લીનર તરીકે નોકરી આપી દીધી હતી. એકવીસ વર્ષની યુવાન વયે તમારા લગ્ન પ્રસંગમાં શેઠ જાતે આવ્યા હતા, અને લગ્ન બાદ તમને ક્લીનરમાંથી ડ્રાઈવરનું પ્રમોશન આપ્યું હતું. તમારી પ્રામાણિકતા અને વફાદારીથી તમે બહુ જ થોડા વર્ષોમાં શેઠના અત્યંત વિશ્વાસુ ડ્રાઈવર અને કંઈક અંશે કંઈક હદે મિત્ર જેવા બની ગયા હતા અને એટલે જ તો જ્યારે તમારા ઘરે તમારા પુત્ર પ્રતાપસિંહનો જન્મ થયો ત્યારે તમારા શેઠને તેમના ઘરે પૌત્રનો જન્મ થયો હોય તેવો આનંદ થયો હતો.

આજે ટ્રક ચલાવતા કાળુસિંહ આ બધી જ ઘટના તમારી સામે એક ચિત્રકથાની જેમ રજૂ થઈ રહી હતી. એક ઉડતી નજર તમે તમારા ટ્રકની જમણી તરફના બેકવ્યુ મીરર પર નાખીને તમે ડ્રાઈવર કેબીનમાંના મીરરમાં તમારો ચહેરો જોયો. વનપ્રવેશ કરી ચૂકેલા કાળુસિંહ તમારા માથા અને મૂછના વાળમાંથી સફેદી છલકી રહી હતી અને તમારી પાણીદાર આંખો આજે ઉજાગરાના કારણે નહિં પરંતુ ગુસ્સાના કારણે લાલ હતી. વડોદરાના આકોટા રોડ પર આવેલી તમારી બી.આર. ટ્રાન્સપોર્ટની ઓફિસેથી નિકળતી વખતે જ તમારો મૂડ બદલાયેલો હતો અને મસ્તમિજાજી કાળુસિંહને આજે પ્રથમ વખત જ ગુસ્સામાં લાખો જોઈ રહ્યો હતો.

ફરી તમારા સ્મૃતિપટ પરથી ઘટનાઓ પસાર થવા લાગી; તમારી પાંત્રીસીની આઘેડ વયે તમારા શેઠ બદ્રીપ્રસાદે જ્યારે નિવૃત્ત જીવન જીવવાનું વિચારી તેમના પચ્ચીસ વર્ષના યુવાન પુત્ર કેદારને પેઢીનો વહીવય સોંપ્યો ત્યારે શેઠ બદ્રીપ્રસાદે તમને કહેલા શબ્દો તમારા કાનમાં ગુંજી ઉઠ્યા, "કાળુસિંહ, કેદાર તારા નાના ભાઈ જેવો છે અને તું મારા મિત્ર જેવો છે. કેદારને સંભાળજે અને તેનું ધ્યાન રાખજે." આ ઘટનાના સત્તર વર્ષ પછી પણ તમને આ શબ્દો બરાબર યાદ છે અને આજે આ ઘટના જ એવી બની હતી કે તમને ભૂતકાળ યાદ આવી રહ્યો હતો.

આજે સવારે તમે તમારા શેઠ કેદાર ત્રિવેદી પાસે તમારા યુવાન પુત્ર પ્રતાપસિંહની કોલેજની ફી ભરવા માટે ઉપાડ માંગ્યો હતો અને મહેનત વગરની સિધ્ધિ પામેલ શેઠ કેદારે તમને જે રીતે ના પાડી હતી તેના કારણે આજે તમને લાગી આવ્યું હતું. કાળુસિંહ આટલા વર્ષોની તમારી ઈમાનદારીનું આવું અપમાનજનક પરિણામ. પ્રતાપસિંહની કોલેજની ફી આજે તમારે કોઈ પણ સંજોગોમાં જોઈતી હતી અને એટલે જ સાંજે અમદાવાદથી વડોદરા પરત ફરતી વખતે તમે પેસેન્જર બેસાડવાનું વિચારી રહ્યા હતા.

પણ કાળુસિંહ તમને જાણ ક્યાંથી હોય, આજે જ તમારા શેઠ બદ્રીપ્રસાદ પેઢી પર અમસ્તા આંટો  મારવા આવ્યા હતા, ત્યારે તો તમે અમદાવાદ તરફ નીકળી ચૂક્યા હતા, પરંતુ જ્યારે તેમણે તમારા જેવા જ વિશ્વાસુ પેઢીના મુનીમ પાસેથી આ ઘટના જાણી ત્યારે તેમણે કેદારને પિતા સહજ ઠપકો આપ્યો અને તેઓ જાતે જ તેમની ગાડીમાં તમારા ઘરે ગયા હતા અને કોમર્સમાં ગ્રેજ્યુએટ થઈ ગયેલ અને આગળ માસ્ટર ડિગ્રીનો વધુ અભ્યાસ કરવા ઈચ્છતા તમારા પુત્ર પ્રતાપસિંહની કોલેજની ફી તેના હાથમાં આપી અને સાથે સાથે તમારી પેઢીમાં જ પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટની નોકરી પણ.

અને અત્યારે કાળુસિંહ, કેદાર શેઠ અને પ્રતાપસિંહ બંન્ને તમારી રાહ જોઈ રહ્યા છે. કેદાર શેઠ નાના ભાઈની જેમ દિલથી માફી માંગવા અને તમારો પુત્ર પ્રતાપસિંહ નોકરી અને ફી મળી ગયાની બેવડી ખુશીના સમાચાર આપવા. પણ એ તો તમે સાંજે અમદાવાદથી પરત ફરશો ત્યારે જ તમને ખબર પડશે.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

"એક ફૂલ ચમનમાં મહેકી ઊઠશે, કળીની માવજત કરી ફૂલને ખીલવા દો."

રાતની નીરવતાને ચીરતી ડોરબેલ અચાનક બે વખત ઉપરા ઉપરી રણકી ઊઠી અને કાગનિંદ્રામાં પોઢેલા તમે દિગ્વિજયસિંહ ઝાલા જાગી ઊઠ્યા. અચાનક રણકતી આવી ડોરબેલથી ટેલાયેલા તમે દિગ્વિજયસિંહ ટેબલ લેમ્પ ઓન કરી, ચોપ્પની આંખો પર બેતાલાના ચશ્મા ચઢાવી સિંહની ત્વરિતતાથી મેઈનડોર ખોલ્યું અને તમારી સામે હજુ તો જેણે આંખો પણ નથી ખોલી એવું એક જીવન ભોંય પર સફેદ કપડામાં લપેટાયેલું હતું. તમે એક પિતા સહજ લાગણીથી એને તેડીને ચારે તરફ નજર દોડાવી. પરંતુ તમારી અપેક્ષા મુજબ જ તમારી સામે છાતી કાઢીને ઊભેલા રાતના અંધકાર સિવાય કોઈ જ ન હતું. તમે તમારા મકાનમાં અંદર આવી મેઈનડોર બંધ કરી લાઈટ ઓન કરી. બરાબર સાડા ત્રણનો સમય તમારી દિવાલ ઘડીયાળમાં થયો હતો અને કદાચ એટલા જ દિવસનો સમય તમારા હાથમાં રહેલા બાળકના જન્મને થયો હશે.

તમે દિગ્વિજયસિંહ ઝાલા મૂળ કાઠિયાવાડના રાજપૂત ઝાલા પરિવારના અને વર્ષોથી સુરેન્દ્રનગરમાં રહેતા હતા. યુવા અવસ્થાથી જ તમારા વિચારો ક્રાંતિકારી હતા અને તમારા આવા વિચારોને તમારા માતા-પિતા તરફથી યોગ્ય દિશા અને પ્રોત્સાહન મળ્યું હતું. એકવીસ વર્ષની યુવાન વયે એક ઢળતી સાંજે, તમે સાયન્સ ગ્રેજ્યુએટની ડિગ્રી લઈ તમારા ઘર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પડેલી એક કચરાપેટીમાંથી કોઈ નાના જીવના રૂદનનો અવાજ કાને પડતાં તમે ત્યાં ગયા અને એક બાળકને તમે કચરાપેટીમાં જોયું. હજુ તો તેના જન્મને બે દિવસ પરાણે થયા હશે અને તમે તે વખતે પ્રથમ વખત જ આવા તરછોડી દેવાયેલા નવજીવનને ઊઠાવી ગળે લગાડ્યું હતું. આ ઘટનાએ તમારા મનમાં સમાજ અને સમાજની વ્યવસ્થા વિષે અનેક સવાલો પેદા કર્યા હતા. દિગ્વિજયસિંહ એ સમયે તમે વિચારે ચઢ્યા હતા અને તમારૂં મન સવાલો કરી રહ્યું હતું, "શું આદમ અને ઈવ વચ્ચેનું આકર્ષણ ગુનો છે? શું એક નર અને નારીનો પરસ્પરનો પ્રેમ ગુનો છે? જાનવરો પણ પોતાના સંતાનોને શિકાર થતા બચાવવાનો મરણિયો પ્રયાસ કરે છે ત્યાં આવી રીતે સૃષ્ટિના સૌથી બુધ્ધિશાળી પ્રાણી-માણસ દ્વારા આવા નવજીવન-નવજાત શિશુને તરછોડવું યોગ્ય છે? જ્યારે શિશુને પાળવા, પોષવા, ઊછેરવાની સક્ષમતા નથી, તૈયારી નથી તો પછી તેવા કૃત્યો જ શા માટે? માનવજાતના કહેવાતા પ્રેમી-પંખીડાઓ ખરેખર પ્રેમનો સાચો અર્થ સમજે છે ખરા? આવા કાયર માતા-પિતાના કૃત્યોનો દંડ આવા નિર્દોષ શિશુને શા માટે? જે સમાજમાંથી જ આવા બાળકો ઉત્પન્ન થાય છે તે જ સમાજ કયા હકથી આવા બાળકોને "પાપનું ફળ", "ગંદકીનો કીડો", "હરામી" જેવા વિશેષણો આપે છે?"

અને આવા જ વિચારોથી પ્રેરાઈને તમે સમાજના આવા તરછોડાયેલા બાળકોને એક નવજીવન આપવાનું શરૂં કર્યું હતું. અને તમારા મકાનને જ આ શુભ હેતુસર ઊપયોગમાં લીધું. તમારી ત્રેવીસ વર્ષની ઉંમરે તમે તમને સાથ આપવા તૈયાર એવી એક અનાથ કન્યા સાથે ગૃહસંસાર શરૂ કર્યો અને તમે તમારા પત્ની રૂપકુંવરબા સાથે આવા બાળકોના યોગ્ય ઊછેર અને શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવાનું શરૂ કર્યું. તમારી વારસાગત મિલકતનો ઘણો બધો ભાગ તમે વાપરી ચૂક્યા હતા. એક પછી એક તમારા ત્યાં આવા બાળકોની સંખ્યા વધતી ચાલી અને આજે બરાબર તમારી ચોપ્પન વર્ષની ઊંમરે આ બાળકના આવવાની સાથે તમારા પરિવારમાં ત્રીસમા સંતાનનું આગમન થયું હતું.

સહેજ અવાજ થતાં તમે તમારા હાથમાં રહેલા બાળક તરફથી નજર હટાવી સામે જોયું. તમારી સામે તેત્રીસ વર્ષીય એ.સી.પી. રાજવીરસિંહ ઝાલા, તમારી એકવીસ વર્ષની ઊંમરે તમે અપનાવેલો તમારો મોટો પુત્ર ઊભો હતો.

દિગ્વિજયસિંહ તમારા જેવા માનવતાના કૃત્યો કરનારા જ્યાં સુધી આ ધરતી પર છે ત્યાં સુધી જ જીવન સૃષ્ટિ ધબકતી રહેશે. બાકી તો આ ભ્રષ્ટ, મૂલ્યહીન અને સ્વચ્છંદી સમાજ પાસેથી કોઈ જ વિશેષ અપેક્ષા રાખી શકાય તેમ નથી.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

"દરેક રસ્તે એક જ મંઝિલ નથી હોતી, દરેક મંઝિલનો એક જ રસ્તો નથી હોતો"

પૂર ઝડપે દોડવા સમર્થ એવી તમારી નવી નક્કોર એર કન્ડીશન્ડ ટોયોટા ઈનોવા ગાડી પણ આ ઉબડ-ખાબડ રસ્તા પર ગોકળ ગાયની ગતિએ જઈ રહી હતી અને કાચ ચઢાવેલી બારીની આરપાર તમે ઉડતી ધૂળને જોઈ રહ્યા હતા કશ્યપ ત્રિવેદી.

હા, કશ્યપ ત્રિવેદી, પિસ્તાલીસ વર્ષની જૈફ ઊંમરે અમદાવાદ જેવા મોટા શહેરમાં કેમીકલના ધંધામાં તમે ખૂબજ નામ અને દામ કમાયેલા અગ્રગણ્ય બિઝનેસમેન આજે તમારા મૂળ વતન એવા ગાંધીનગર જિલ્લાના અમીયાપુર નામના નાનકડા ગામ તરફ જઈ રહ્યા છો.

એકવીસ વર્ષીય તમારો યુવા ડ્રાઈવર નરેશ પોતાના કામમાં ખૂબજ હોંશીયાર અને રસ્તાથી પરિચિત હોવાથી તમે ઊડતી ધૂળની આરપાર તમારા વિતેલા અતીતને વાગોળી રહ્યા છો. આ ગામની માટીમાં, આદરણીય ગણાતા અને "ગજા ગોર" તરીકે ઓળખાતા ગજાનન ત્રિવેદીના ઘરે તમારો જન્મ થયો હતો અને આ જ ગામમાં તમારૂં બાળપણ વીત્યું હતું. એ બાળપણના સ્મરણો જ આજે તમને અહિં ખેંચી લાવ્યા હતા. તમારા જ ફળિયામાં રહેતી, વયમાં તમારાથી બે વર્ષ નાની અમી આચાર્યની સાથે વીતેલું તમારૂં બાળપણ, એ ઘરઘત્તા, દોડ-પકડ, સંતાકુકડીની રમતો, આંબાવાડિયામાં કેરીઓ ખાવા જવાનું, વગેરે વિતેલા પ્રસંગો એક ચિત્રપટની માફક તમારી આંખ સામેથી પસાર થઈ રહ્યા છે. માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી તમે હાઈસ્કૂલના અભ્યાસ માટે તમારા કાકાના ઘરે અમદાવાદ આવવા નીકળતા હતા ત્યારે ઉદાસ અને રડમસ ચહેરે તમારી સામે જોઈ રહેલી અમીની આંખો જાણે કે સાથ છોડ્યાની ફરિયાદ કરી રહી હતી ત્યારે તમે એ પ્રેમાળ આંખોમાં આંખ પરોવવાની હિંમત નહતા કરી શક્યા અને તમે ઉજજવળ ભવિષ્ય માટે તમારી બાળસખીથી વિદાય લીધી હતી; કશ્યપ ત્રિવેદી.

દોડધામથી ભરેલી અમદાવાદી જીવનશૈલીમાં એ પછીના તમારા વર્ષો અભ્યાસ અને ટકાવારી મેળવવામાં પસાર થઈ ગયા અને જ્યારે તમે કેમીકલ એન્જીનીયરની ડિગ્રી મેળવી ત્યારે એ જ દિવસે તમને સમાચાર મળ્યા કશ્યપ કે તમારી બાળસખી અમીના વિવાહ થઈ ચૂક્યા છે. કશ્યપ, એ પછીના વર્ષે તમે કેમીકલનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને એ પછી નાણા પ્રાપ્તિ અને ધંધાના વિકાસ માટેની મીટીંગો પાછળ તમારો સમય પસાર થઈ ગયો અને એજ અરસામાં તમારા લગ્ન થઈ ગયા અને તમે પણ તમારા ગૃહસ્થ જીવનમાં ગોઠવાઈ ગયા.

અને એક સવારે કશ્યપ ત્રિવેદી તમને ફરી એક સમાચાર મળ્યા કે તમારી બાળસખી અમી આચાર્ય પર કુદરતે વૈધવ્યની સફેદ સાડી ઓઢાડી દીધી છે, ત્યારે બિઝનેસમેન કશ્યપ ત્રિવેદીના શરીરમાં રહેલું ગ્રામ્ય વાતાવરણનું ભોળું હૈયું કલ્પાંત કરી ઊઠ્યું અને તમને તમારા ગામ તમારી બાળસખી અમી પાસે દોડી જવાની અદમ્ય ઈચ્છા થઈ આવી પરંતુ બિઝનેસી બીઝી શિડ્યુલ અને મીટીંગોએ તમારા પગ બાંધી રાખ્યા હતા.

અને આજે વર્ષો પછી તમારા ગામમાં નવી બનેલી એકમાત્ર હાઈસ્કૂલના ઉદ્ઘાટન સમારંભમાં તમને મુખ્ય અતિથિ તરીકેનું આમંત્રણ મળતાં "એક કાંકરે બે પક્ષી" ની જેમ અતિથિ પદ શોભાવવા અને તમારી બાળસખી અમીને મળવા તમે અમીયાપુર આવી રહ્યા છો.

પણ તમને ક્યાં ખબર છે કશ્યપ કે જેને મળવા તમે અમીયાપુર આવી રહ્યા છે, તે તમારી બાળસખી અમી આજે સવારે સીડી પરથી લપસી પડી છે અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી એ અમી આચાર્ય પાસે સારવારના પૂરતા નાણા પણ નથી.

માટે કશ્યપ જો તમે અમીને મળવા માંગતા જ હોવ તો ઝડપથી નરેશને સૂચના આપો કે ગાડી તમારા ગામ તરફથી પાછી વાળી અમદાવાદની સિવીલ હોસ્પિટલની દિશામાં દોડાવે.....

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ