Sunday, May 29, 2022

આનંદપ્રિયા : ભાગ-5

પ્રેમ શબ્દની વ્યાખ્યા મારા માટે બહુ વિશાળ છે. પ્રેમ એટલે પામવું નહીં, પરંતુ પ્રેમ એટલે ત્યાગ, સમર્પણ. જેને તમે પ્રેમ કરો છો એને હરહંમેશ ખુશ જોવાની તાલાવેલી, હ્રદયના ઉંડાણથી જેની ખુશી માટે સતત અવિરત પ્રાર્થના થતી રહે તે પ્રેમ. પ્રેમ માત્ર વ્યક્તિ સાથે નહીં, તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલો હોવો જોઈએ તેવું હું માનું છું. મારા જીવનકાળમાં અનેક સ્ત્રીઓનો પ્રેમ મને મળ્યો અને આ બધી જ સ્ત્રીઓને મેં દિલથી ચાહી છે. આ તમામ સ્ત્રીઓ વિશે તમને આ ડાયરીના માધ્યમથી જણાવીશ. મારા જીવનકાળના પ્રવાહમાં આવેલી આ સ્ત્રીઓ એ જ આનંદપ્રિયા...

સ્ત્રી, નારી, કેટલા અઢળક વિશેષણોની સ્વામિની.. કોમલાંગી, વાત્સલ્યમૂર્તિ, સહનશીલતાની દેવી.. નારાયણી, શક્તિ સ્વરૂપા... અને બીજા કેટલાય..

એક પુરૂષના જીવનના દરેક તબક્કામાં કેટકેટલા વિવિધ સ્વરૂપે સ્ત્રી સંકળાયેલી અને રહેલી છે. આ સંસારમાં કર્મના લેખાજોખા પૂરા કરવા આવવાનું સ્ત્રી વગર શક્ય જ નથી. બાળકને સહુથી પહેલા અનુભવ જે સ્ત્રીનો થાય છે તે છે એની જન્મદાત્રી, એની માતા. ગર્ભમાં રહેલ બાળકને અંદાજ પણ નથી હોતો કે એની જન્મદાત્રી એની કેટકેટલી કાળજી કરે છે. બાળકને સહુથી પહેલો જે અવાજ સંભળાય છે તે હોય છે એની જનેતાના હ્રદયના ધબકારાનો. મારા જીવનમાં આવેલી સહુથી પહેલી સ્ત્રી એટલે મારી માતા.

હું ખુશનસીબ છું કે મને માતાનો પ્રેમ મળ્યો. ઘણા બધા લોકો આ સંસારમાં એવા છે જેમને જન્મ પછી માતાનો સ્નેહ, વાત્સલ્યભાવ ગુમાવી દેવો પડે છે. આમાં કદાચ એ માતાનો પણ વાંક નહિ હોય, મજબૂરી હશે. પણ જવા દો એ વાત. મારી માતા શૈલ્યા. એનો જેટલો આભાર માનું તેટલો ઓછો. એક મધ્યમ વર્ગીય પરિવારની દિકરી અને એક મધ્યમ વર્ગીય પરિવારમાં પરણીને પુત્રવધુ તરીકે આવી. મારી માતા શૈલ્યા અને પિતા કૌશલના લગ્નના પાંચ વર્ષ પછી મારો જન્મ થયો. પિતા કૌશલનો ટુર્સ એન્ડ ટ્રાવેલનો ધંધો, નાના પાયા ઉપર. માતા-પિતાએ બંનેએ પૂરા લાડ-કોડથી મને ભણાવ્યો મોટો કર્યો. મને હજુ પણ યાદ છે શાળાના એ દિવસો... શાળાએથી ઘરે આવી બહાર રમવા જવાનું, પછી ઘરે આવીએ ત્યારે મા કહે, હાથપગ ધોઈને જમવા બેસી જા. પછી તારે ભણી-ગણીને મોટા સાહેબ બનવાનું છે.

આજે આ લખતા વિચાર આવે છે કે એવા પણ બાળકો હશેને જેમને આવા પ્રેમાળ વાક્યો સાંભળ્યા જ નહીં હોય. એવા પણ બાળકો હશે કે જેમને સાવકી માતા મળી હશે જે કદાચ કટુ વાક્યોનો અસ્ખલિત પ્રવાહ વર્ષાવતી હશે. એવા પણ બાળકો હશે કે જેઓ ઘરની પરિસ્થીતીના કારણે શાળાએ ભણવા માટે પણ નહીં જઈ શક્યા હોય અને એવા પણ બાળકો હશે કે જેમને એમની માતા પ્રેમ તો કરતી હશે પણ આખો દિવસ કાળી મજૂરી કરીને સાંજે ઘરે આવતી હોય ત્યારે પ્રેમની અભિવ્યક્તિની શક્તિ જ એ માતામાં નહીં રહી હોય.

કન્સ્ટ્રકશન સાઈટ ઉપર, ઝાડના છાંયે કાથીના દોરડા ઉપર ફાટેલા કપડાના ઝુલામાં કુદરતના ખોળે સૂતેલા બાળકો, જેમની માતા દિવસભર પેટનો ખાડો પૂરવા મજૂરી કરી રહી હોય તેમના કરતા તો હું ખૂબ જ નસીબદાર છું અને આ બાબત અંગે હું ઉપરવાળાનો આભાર માનું છું કે મને માતા મળી, માતાનો સ્નેહ મળ્યો અને પ્રેમ પણ..

તો એક સ્ત્રી પાત્ર જેને હું ચાહું છું તેમાં સહુથી પહેલું નામ આવે મારી માતાનું કે જેના કારણે જ મારૂં અસ્તિત્વ છે. હું વિચારૂં છું કે જો મારા માતા-પિતાએ મને આ દુનિયામાં આવવા જ ન દીધો હોત તો?"

આપણે એની મજાક ઉડાવતા રહ્યા કે આનંદ, તું કેટલાના ચક્કરમાં છે? એ તો કહે. પણ એના આ વિચારો વાંચ્યા પછી મને પોતાને હું વામણો લાગી રહ્યો છું. કર્મણે ડોક્ટર સમીરને કહ્યું.

ડોક્ટર સમીરની આંખો વરસી રહી હતી.

આનંદ, બહુ ઉંડો નીકળ્યો. આપણી જોડે હસી-મજાક કરતો. આપણે બંને જણ આનંદને પૂછતા રહ્યા કે, તું કોના પ્રેમમાં છે?” ત્યારે એ હંમેશા કહેતો કે, કેટલા નામ આપું...?” અને આપણે હસી પડતા. પણ, આ વાંચ્યા પછી અફસોસ થાય છે કે આપણે એને ખોટો હેરાન કરતા હતા. કર્મણે વાતનો દોર આગળ ચલાવતા ડોક્ટર સમીરને કહ્યું.

દરવાજે ટકોરા પડ્યા અને ઘડિયાળમાં રાત્રીના 11.30 નો એક ટકોરો પડ્યો.

કર્મણે દરવાજો ખોલ્યો. શિલ્પા અને કાજલ બંને દરવાજે ઊભા હતા. ડોક્ટર સમીરને રડતો અને કર્મણને પરાણે રડવું અટકાવી રાખેલ જોઈ આનંદ સાથેની મિત્રતાને સમજતી બંને સખીઓએ તેમના જીવનસાથીને કહ્યું, બાકીનું પછી વાંચજો.

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-5   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Sunday, May 22, 2022

આનંદપ્રિયા : ભાગ-4

 કર્મણે ડાયરી ઉઠાવી અને સમીરને બતાવી. સામાન્ય ડાયરી કરતા કદમાં સહેજ મોટી ડાયરી હતી.

યાર, આ માણસને શું કહેવું?” ડોક્ટર સમીરે સહેજ અકળામણ સહિત કહ્યું, એની પાસે સમય બહુ નથી એ એણે મને પણ જણાવ્યું નહતું. બધી જ વ્યવસ્થા કરતો ગયો અને છેલ્લે આ ડાઈંગ ડેકલેરેશન-કમ-વીલની સી.ડી.

સાચી વાત છે, પણ એક વાત માનવી પડે. એ એની મસ્તીથી જીવ્યો એના નામ મુજબ જ. જીવ્યો ત્યારે પણ આનંદમાં અને જીંદગીના છેલ્લા દિવસો પણ એણે આનંદીત રહીને જ પસાર કર્યા. કર્મણે કહ્યું.

એક કામ કરીએ. આ ડાયરી મારા ઘરે લઈ જઈએ અને આનંદે જેને આ ફ્લેટ વેચ્યો છે તેને ફ્લેટનું પઝેશન લેવા અંગે જાણ કરી દઈએ. ડોક્ટર સમીરે કહ્યું.

ના, ઉતાવળ ન કરીશ. પહેલાં આનંદની ડાયરી વાંચી લઈએ. આનંદની બીજી ચીજ-વસ્તુઓનું શું કરવું તેની આનંદે કોઈ સ્પષ્ટતા સી.ડી.માં નથી કરી.કર્મણે કહ્યું.

હમ્મમ, સાચી વાત છે. તારું વેપારી દિમાગ બરાબર જ વિચારે છે. એક કામ કરીએ, હાલ ડાયરી મારા ઘરે લેતા જઈએ અને પછી આગળની વાત.  ડોક્ટર સમીરે કહ્યું.

આનંદનું ઘર વ્યવસ્થિત બંધ કરી બંને ડોક્ટર સમીરના ઘરે આવ્યા ત્યારે સાંજના લગભગ 4.00 વાગ્યા હતા. બંનેના ધર્મપત્નીઓ શિલ્પા અને કાજલ બંને ડોક્ટર સમીરના ઘરે જ હતા. ડોક્ટર સમીરના બંગલાના ડ્રોઈંગ રૂમમાં ચારે જણા બેઠા હતા. મહારાજે આવીને ચારે જણ માટે ચા ટીપોઈ ઉપર મૂકી. કર્મણના હાથમાં ડાયરી જોઈ કાજલે પૂછયું., આ ડાયરી આનંદની છે?”

હા, એણે જે વાતો અમને નથી કીધી એ આ ડાયરીમાં છે એવું એ કહીને ગયો છે. આનંદના ઘરે એની સી.ડી. જોઈ. તમે બંને પણ એ સી.ડી. પછીથી જોઈ લેજો.કર્મણે ટુંકમાં જવાબ આપ્યો અને ચાનો કપ ટીપોઈ ઉપરથી ઉઠાવી સી.ડી. ટીપોઈ ઉપર મૂકી.

બાકીના ત્રણેએ પણ ચા ના કપ ઉઠાવ્યા.

પહેલાં આ ડાયરી અમે બે જણ વાંચીશુ અને જો તમને જણાવવા જેવું હશે તો જ કહીશું. કર્મણે આદેશાત્મક સ્વરે કહી દીધું અને સમીર, કર્મણ અને આનંદની મિત્રતાથી પરિચીત શિલ્પા અને કાજલે કોઈ જ વિરોધ કે દલીલ વગર પોતાની સંમતિ દર્શાવી દીધી.

ડોક્ટર સમીર ચા પીને સાંજના ઓ.પી.ડી. માટે હોસ્પિટલ ગયો અને કર્મણ આખા દિવસના બિઝનસનું રીપોર્ટીંગ લેવા એની ઓફિસે ગયો.

ડોક્ટર સમીરના ત્યાં શિલ્પા અને કાજલ બંને રહ્યા. શિલ્પાએ સાંજની રસોઈ અંગે મહારાજને જરૂરી સૂચનાઓ  આપી.

--------------------------------------

રાત્રે આશરે 9.00 વાગે ડોક્ટર સમીરના ઘરે ડાઈનીંગ ટેબલ ઉપર ડોક્ટર સમીર, કર્મણ, શિલ્પા, કાજલ, યશ અને રાજ જમવા બેઠા. કોઈ જ ખાસ વાત નહીં. જમવાનું પતાવીને ડોક્ટર સમીર અને કર્મણ, ડોક્ટર સમીરના રૂમમાં આનંદની ડાયરી લઈને બેઠા. ડોક્ટર સમીરે કહ્યું, કર્મણ, તું જ વાંચ. મારુ કામ નથી આ વાંચવાનું.

કર્મણે ડાયરી હાથમાં લીધી અને પહેલું પાનું ખોલ્યું

પહેલા પાના ઉપર મરોડદાર અક્ષરે લખેલું હતું.

શ્રી ગણેશાય નમઃ અને બાકીનું પાનું કોરૂં હતું.

બીજા પાને તારીખ લખેલી હતીઃ તારીખઃ 01-03-2021

હું આનંદ, જ્યારે તમે આ ડાયરી વાંચતા હશો ત્યારે આપણે ત્રણમાંથી તમે બે જ રહ્યા હશો. મારી પાસે હવે લગભગ વધીને ત્રણ થી ચાર મહિના છે. મારા રીપોર્ટ્સ મેં મારી રીતે કરાવી લીધા છે. મને બોનમેરોનું કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજનું. જીવનની સાથે જ જે નિશ્ચિત છે તે મૃત્યુની નજીક હું જઈ રહ્યો છું. નામ આનંદ છે અને આનંદથી જીવ્યો છું.

હું અને તમે બંને, આપણે ત્રણે, આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે પહેલી વખત મળ્યા અને ઈશ્વરકૃપાથી સારા મિત્રો તરીકે આજ સુધી સાથે જ રહ્યા. તમે બંને મને પૂછતા રહ્યા કે, મારી પ્રિયતમા કોણ અને હું વાતને હસી નાખતો હતો. આજે તમને મારા જીવનપથમાં આવેલ સ્ત્રી કે જેને મેં ચાહી છે, પૂજી છે, જેનું સર્વદા કલ્યાણ અને હિત ઈચ્છયું છે તે તમામ વિશે જણાવું છું. યા તો એમ કહો કે મારી પ્રેમગાથા લખી રહ્યો છું. તો વાંચો આનંદની જીવન કહાની આનંદની કલમે... આનંદપ્રિયા..

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-4   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Sunday, May 15, 2022

આનંદપ્રિયા : ભાગ-3

આનંદ 48 વર્ષની ઉંમરે આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો. પાછળ છોડીને ગયો હતો એની પોતાની માલિકીનું એક મકાન, એક કાર, બે બેંક ખાતા, જે બંને જોઈન્ટ હતા, એક સમીર સાથે અને એક કર્મણ સાથે. સ્થાનીક રાજકારણમાં સક્રિય હતો એટલે લોકો માટે કરેલા ઘણા બધા કાર્યોની યાદી.

આનંદના ઘરની નજીકના કોર્પોરેશનના એક હોલમાં એની શોકસભા યોજાઈ ગઈ. આનંદે એના નામ મુજબ આનંદ વહેંચવાનું જ કામ કર્યું હતું એટલે ઘણા બધા લોકો આવીને પુષ્પાંજલી અર્પણ કરી ગયા. આનંદના ફુલ સાઈઝના ફોટાની એક બાજુ એના કાકા, એની બાજુમાં ડોક્ટર સમીર, એ પછી કર્મણ, એ પછી સ્થાનીક રાજકીય આગેવાનો બેઠા હતા. તો આનંદના ફોટાની બીજી બાજુ આનંદના કાકી, ડોક્ટર સમીરની પત્ની શિલ્પા, એની બાજુમાં કર્મણની પત્ની કાજલ એ રીતે બેઠા હતા. શોકસભા પૂર્ણ થયા બાદ વિધી-વિધાનમાં ડોક્ટર સમીર અને શિલ્પાનો પુત્ર – યશ અને કર્મણ અને કાજલનો પુત્ર રાજ બંને બેઠા. ઘરમેળે બારમા-તેરમાની વિધી પૂર્ણ કરી.

રીત-રિવાજની વિધી પૂર્ણ થયા બાદ, આનંદના ઘરે સમીર અને કર્મણ એક બપોરે ભેગા થયા. આનંદની સુચના મુજબ, એણે હોસ્પિટલમાં ડોક્ટર સમીરને આપેલ સી.ડી. આનંદના હોમ થીયેટરમાં પ્લે કરી અને સી.ડી.માં શું હશે એ અંગે વિચારતા, અનુમાનો લગાવતા, સમીરે કર્મણની સામે જોયું અને એ જ ક્ષણે અવાજ આવ્યો,

અલ્યા, કેમ આમ સોગિયા મોઢા કરીને બેઠા છો? હું જતો રહ્યો છું, તમે નહિ... મોજ કરો ને.... અને નક્કી જ હતું ને કે આપણા ત્રણમાંથી મારે જ પહેલા જવાનું.

આનંદના હોમ થીયેટરમાંથી રૂમના ચારે તરફ લગાવેલ સ્પીકરમાંથી આનંદનો અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો અને ટી.વી.ના સ્ક્રીન ઉપર આનંદનો હસતો ચહેરો દેખાઈ ઉઠ્યો. ટી.વી.ના સ્ક્રીન ઉપર આનંદ હાલ જ્યાં કર્મણ બેઠો હતો તે જ ખુરશીમાં બેઠેલ દેખાઈ રહ્યો હતો.

આનંદનું એ જ નિખાલસ હાસ્ય રૂમમાં ફરી ગુંજી ઉઠ્યું.

અલ્યા, તમે બંને આમ મૂડલેસ ના રહેશો. તમારા ઉતરેલા મોઢા જોવા મને નથી ગમતા.

ટી.વી.ના સ્ક્રીન ઉપરથી આનંદ બોલી રહ્યો હતો. કર્મણ અને સમીર સમજી શકતા ન હતા કે આ રેકોર્ડીંગ છે કે આનંદ લાઈવ બોલી રહ્યો છે.

યાર, જીવનનું આ પરમ સત્ય છે. જવાનું તો આપણે બધા એ જ છે. હું પહેલા જતો રહ્યો અને એ પણ નક્કી હતું, હું કહેતો જ હતો ને કે મારે પહેલા જવાનું છે તો આટલું દુઃખ શેનું? હવે તમે બંને હસો તો જે વાત કહેવાની છે એ કહી દઉ.

ખરેખર, કોઈકે કીધું છે ને કે , બહુ ઓછા વ્યક્તિઓના જીવનમાં એ ક્ષણ આવે છે જ્યારે આંખમાં આંસુ હોય અને ચહેરા પર સ્મિત હોય. સમીર અને કર્મણ બંનેના જીવનની આવી જ ક્ષણ ચાલી રહી હતી.

ચાલો, આટલા સ્મિતથી પણ હાલ કામ ચલાવી લેવું પડશે. જો સાંભળો, આ મારું લાઈવ રેકોર્ડીંગ મેં જાતે પૂરી સ્વસ્થતાથી કર્યું છે. હું જાણું છું કે મારી પાસે હવે બહુ દિવસો નથી, એટલે મારી અંતિમ ઈચ્છાઓ આ રેકોર્ડીંગ દ્વારા તમને કહી રહ્યો છું. મારી કાર મેં કર્મણના નામે ટ્રાન્સફર કરવા આપી દીધી છે. તમે આ રેકોર્ડીંગ જોતા હશો ત્યારે અથવા એની નજીકના દિવસોમાં કારની આર.સી. બુક કર્મણના ઘરે પહોંચી ગઈ હશે. આ મકાનનું વેચાણ થઈ ગયું છે અને એનો વેચાણ દસ્તાવેજ પણ. ડોક્ટર સાહેબ, આટલા નવાઈ ન પામશો. મારા અવસાનના સમાચાર જે વ્યક્તિને તમે ફોનથી આપેલા તેના નામ ઉપર જ આ મકાનનો દસ્તાવેજ છે. તમારે બંને જણાએ આ મકાનનો કબજો મારી પ્રથમ માસિક પુણ્યતિથીએ એને આપવાનો છે. આ રેકોર્ડીંગની એક સી.ડી. એની પાસે પણ છે. એ મારા રાજકીય ગુરૂ-માર્ગદર્શક છે. આ મકાનના જે પૈસા આવ્યા તે મારા બંને બેંક ખાતામાં સરખા હિસ્સે ભરાવી દીધા છે. બંને બેંક ખાતાની માહિતી તમને છે જ. કર્મણ અને સમીર, બેંક ખાતામાં જે રકમ છે તે યશ અને રાજ માટે છે.

અને હવે જે વાત તમારે જાણવી હતી તે માટે આ ટી.વી. ની નીચેના કેબિનેટનું પહેલું ડ્રોઅર ખોલો. એમાં ડાયરી છે. વાંચી લેજો. આવજો."

ટી.વી. સ્ક્રીન બંધ થઈ ગઈ અને રૂમમાં ફરીથી શાંતિ પ્રસરાઈ ગઈ.

કર્મણે ઉભા થઈને આનંદના બતાવ્યા મુજબ ટી.વી. કેબીનેટની નીચેનું ડ્રોઅર ખોલ્યું. એમાં એક ડાયરી હતી, સામાન્ય ડાયરી કરતા કદમાં થોડી મોટી...

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-3   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, May 7, 2022

આનંદપ્રિયા : ભાગ-2

આઈ.સી.યુ.ના બેડ નંબર-1 ઉપરના પેશન્ટના શરીર સાથે લાગેલ ટયુબસ્, વીગો, કેથરેટર અને બીજા ઈક્વીપમેન્ટ્સ નર્સિંગ સ્ટાફ દૂર કરી રહેલ હતો. પેશન્ટનું નામ હતું આનંદ અને એના મેડીકલ ફોર્મમાં પરિવારના સ્વજન તરીકે સહિ હતી ડોક્ટર સમીરની.

હોસ્પિટલ સ્ટાફે આનંદનું ડેથ સર્ટીફીકેટ તૈયાર કર્યું અને આનંદના પાર્થિવ શરીરને સફેદ વસ્ત્રમાં બાંધી બાકીની ફોર્માલીટીમાં લાગ્યા. ભારે મને અને ધીમા પગલે ડોક્ટર સમીર અને કર્મણ બંને ઉભા થયા. આનંદના પરિવારમાં બીજા તો કોઈ હતા નહીં. એ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલ વ્યક્તિ હોઈ ડોક્ટર સમીરે આનંદના મોબાઈલમાંથી આનંદે જણાવેલ નંબર ડાયલ કર્યો અને આનંદના ઘરે ભેગા થવાની જાણ કરી.

હોસ્પિટલની ફોર્માલીટી પૂર્ણ કરી, આનંદના પાર્થિવ શરીરને લઈને કર્મણ અને ડોક્ટર સમીર આનંદના ઘરે ગયા. બંનેની ધર્મપત્નીઓ ત્યાં પહોંચી ગઈ હતી. આનંદના ઘરની એક ચાવી ડોક્ટર સમીરના ઘરે રહેતી હતી એટલે કોઈ તકલીફ ન પડી. ધીમે ધીમે, રાજકીય કાર્યકરો, આડોશી-પાડોશી આવી ગયા. મેઈન હોલમાંથી સોફા અને ડાઈનીંગ ટેબલ ખસેડી લેવામાં આવ્યા અને જગ્યા કરવામાં આવી. સ્થાનિક કાઉન્સીલરો, વોર્ડ પ્રમુખ અને રાજકીય પક્ષના શહેરના આગેવાનો-અગ્રણીઓ આવવા લાગ્યા. આનંદના પાર્થિવ શરીરને નવડાવી, અંતિમ યાત્રા માટે તૈયાર કરી એના ઘરના મેઈન હોલમાં આવનારના દર્શનાર્થે રાખવામાં આવ્યો. આનંદના પરિવારમાં નજીકના તો કોઈ સગા હતા નહીં. દૂરના એક કાકા-કાકી હતા તે આવી ગયા. અંતિમયાત્રા શરૂ થઈ અને મુક્તિધામમાં આનંદના પાર્થિવ દેહને ડોક્ટર સમીર અને કર્મણે જોડે મુખાગ્નિ આપ્યો અને આનંદનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો ત્યાં સુધી મુક્તિધામમાં બેસી રહ્યા. આનંદના કાકા અને રાજકીય આગેવાનો સાથે મળીને આનંદની શોકસભાની ગોઠવણ કરવામાં આવી. આનંદના અસ્થિફુલ લઈને ડોક્ટર સમીર અને કર્મણ આનંદના ઘરે આવ્યા અને બહાર જાળીની ઉપરના ભાગે અસ્થિફુલ ભરેલી કુલડી સાચવીને બાંધી દીધી અને આનંદની શોકસભાની કામગીરીમાં લાગ્યા.

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-2   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/