Saturday, June 26, 2021

મારી કેસ ડાયરી : મૃગાંકભાઈ

પ્રિય વાંચકમિત્રો,


“પંક્તિ, હમણાં મૃગાંકભાઈના ત્યાંથી કોઈ ભાઈ આવશે. એમને થોડી વાર માટે બહાર બેસાડજે અને હું ઇન્ટરકોમ પર એમને મોકલવાનું કહું ત્યારે જ અંદર મોકલજે. એ આવ્યા છે એવી સુચના ઇન્ટરકોમ પર આપવાનું કહે તો પણ ફોન ના કરતી.” થોડા અણગમા સાથે વર્કિંગ દિવસની એક સાંજે અજયભાઈએ એમની ચેમ્બરમાંથી પંક્તિને ફોન પર સુચાના આપી.

સામેના સોફા પર બેસીને પોતાનું કામ કરી રહેલ ચિંતન અને અજયભાઈની બાજુમાં બેઠેલ અભિજાત બંનેએ અજયભાઈની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

“આ મૃગાંકભાઈની ઓફીસમાંથી કોઈ આવે તો બેસાડવાની સુચના કેમ આપી એ જ જાણવું છે ને તારે?” અજયભાઈએ ચિંતનની આંખોમાં છલકી રહેલ જીજ્ઞાશાને પામી જઈને કહ્યું.

“હા સાહેબ.” ચિંતને પોતાનું લેપટોપ બંધ કરતા કહ્યું.

“સંભાળ,” વાતનો દોર પોતાના હાથમાં લેતા અજયભાઈએ સામેની દીવાલ ઘડિયાળ તરફ નજર કરી. જાણે ભૂતકાળમાંની કોઈ ઘટના જોઈ રહ્યા હોય,

“વાત એ સમયની છે જયારે અભિજાતે વકીલાતની સનદ લીધી ન હતી અને મેં મારી પોતાની સ્વતંત્ર પ્રેક્ટીસ નવી નવી જ શરૂ કરી હતી. કદાચ અભિજાતનું એલ.એલ.બી.નું છેલ્લું વર્ષ હતું. મારી ઓફીસ તો હતી નહિ. કોર્ટમાં બેસતા અને નાનું મોટું જે કામ મળે એ કરતા. એ સમયે આ મૃગાંકભાઈ બિલ્ડીંગ કોન્ટ્રકટર તરીકે કામ કરતા. એક સમય એ જેમની પાસે કામ કરાવતા હતાં એ વકીલ સાહેબ નહિ આવ્યા હોય કે પછી બીજું કોઈ પણ કારણ હોય એમણે મને એક કરાર તૈયાર કરી આપવા કહ્યું. મેં હા પડી અને કરાર તૈયાર કરાવી આપ્યો. એ સમયે ટાઈપીસ્ટ જોડે કામ કરાવેલ. મૃગાંકભાઈને લખાણ ગમી ગયું. કામ પત્યા પછી મેં ફી માંગી અને એમણે આપી પણ ખરી. પણ મારો ખર્ચો બાદ કર્યા પછી મને માંડ વીસ રૂપિયા જ મળ્યા હશે. એ પછી મૃગાંકભાઈ મને નિયમિત રીતે કરારોનું કામ આપતા ગયા, પણ ફી બાબતે તો એમનું વલણ એવું જ કંજૂસ રહ્યું. ધીમે-ધીમે એમના સર્કલમાંથી પણ કામ આવવા લાગ્યું. મૃગાંકભાઈએ એ પછી કન્સ્ટ્રકશનના ધંધામાં હાથ અજમાવ્યો. લગભગ એ સમયે હું અને અભિજાત જોડે પ્રેક્ટીસ શરૂ કરી ચુક્યા હતા. એ સમયે રેરા એક્ટ અમલમાં ન હતો. મૃગાંકભાઈએ એમની ઓફીસ શરૂ કરી અને એમના સર્કલમાંથી કામ આવતું હોવાથી મૃગાંકભાઈનું ડ્રાફટીંગનું કામ કરવા મેં એમની ઓફીસ જવાનું રાખ્યું. એ સમયે એમણે એમનો રંગ બતાવવાનો શરૂ કર્યો. નાના કામ માટે પણ એ મને એમની ઓફીસના વેઈટીંગમાં ખુબ લાંબો સમય બેસાડી રાખતા. એમની બીજી એક ખાસિયત મને યાદ છે. કોઈ પણ નવી સ્કીમ મુકે એટલે મને બોલાવે. સ્કીમને લગતા તમામ ડ્રાફટ બનાવડાવી લે અને પછી મને કહે, ભાગીદારો જોડે ચર્ચા કરી લઉં એટલે પ્રોજેક્ટનું બધું જ કામ તમારે કરી આપવાનું. અને મને એ સમયે ડ્રાફટ દીઠ ૫૦૦-૦૦ રૂપિયા આપતા કહે, તમારો સમય કિંમતી હોય, હાલ આટલા રાખો.” બસ એ ડ્રાફટ બને પછી સીધો જ બીજી સ્કીમ વખતે ફોન આવે બીજા ડ્રાફટ માટે. આવી ચાર પાંચ સ્કીમના ડ્રાફટ મેં એમને બનાવી આપ્યા હશે. એ સમયે મેં અને અભિજાતે નિર્ણયનગરમાં ઓફીસ ભાડે લીધી અને મૃગાંકભાઈની ઓફીસ જવાનું બંધ કર્યું અને સામે એમના ત્યાંથી પણ કામ આવતું બંધ થયું.” 

આટલી વાત કરી અજયભાઈએ ઇન્ટરકોમ પર રામજીને પાણી આપી જવા કહ્યું અને ઓફીસના સી.સી.ટી.વી.માં કોઈ અજાણ્યા વ્યક્તિને ઓફીસના વેઈટીંગ એરિયામાં બેઠેલો જોયો. રામજી આવી પાણી આપી ગયો. પાણી પી વાત આગળ વધારતા અજયભાઈએ કહ્યું, “એ પછી ઘણી વખત મૃગાંકભાઈના ફોન આવ્યા. ફોન પર સલાહ માંગે એટલે હું ઓફીસ બોલવું. જે સ્ટાઇલ એમણે શીખવાડી એ જ સ્ટાઇલ આપણે એમના પર અજમાવી. હમણાં થોડા દિવસ પહેલા રેરાની ઓફિસમાં જવાનું થયું હતું. ત્યાં ફરી મૃગાંકભાઈ મળી ગયા. વાતમાંથી વાત નીકળી ત્યારે જાણ્યું કે, એમની કોઈ એક સ્કીમમાં એ ભાઈ ભરાઈ ગયા છે. આપણા જુના ડ્રાફટ પરથી ડ્રાફટ બનાવતા હતા, એમાં ક્યાંક ઊંધું વેતરાઈ ગયું છે. એટલે ફરી એમણે મને ઓફીસ આવવા જણાવ્યું. સામે મેં આપણી ઓફીસનું કાર્ડ આપ્યું. એ પણ સમજી ગયા કે હું એમને આપણી ઓફીસ બોલાવી રહ્યો છું. એટલે એમણે કહ્યું, "હું આ સ્કીમની માસ્ટર ફાઈલ મોકલાવી આપું છું. બહાર જે ભાઈ આવીને બેઠા છે એ મૃગાંકભાઈની ઓફીસમાંથી જ આવ્યા છે અને એ ફાઈલ આપવા જ આવ્યા છે.”

“તો સાહેબ હવે તમે શું કરશો? ફાઈલ જોઇને કામ કરી આપશો.” ચિંતને એના સ્વભાવગત પૂછ્યું.

“હા કામ કરવું હોય તો ફાઈલ તો જોવી જ પડે ને. હવે તને વિદાય કરીશ. તું બહાર જઈશ એટલે એને અંદર બોલાવીશ. ફાઈલ એની સામે જ રામજીભાઈને આપી અને પેન્ડીંગ રેકમાં મુકવા કહીશ અને એને આપણી ફીનું પ્રિન્ટેડ લીસ્ટ આપી દઈશ એટલે જેવું મૃગાંકભાઈ લીસ્ટ જોશે એટલે એમનો ફોન આવશે. ફીની રકમનો ચેક આવે એ પછી કામ આગળ ચાલુ કરવાનું. એ એક સમયે આપણને શીખવાડતા હતા. આજે આપણે એમને શીખવાડવાનું છે. એમને ખબર પડવી જોઈએ કે ટાઇપ આવડી જવાથી અને કોઈના ડ્રાફટ મેળવી લેવાથી વકીલના થઇ જવાય. એમને ખબર પડવી જોઇએ કે સુંઠના ગાંગડે ગાંધી ના થવાય.”

“વાહ સાહેબ, જોરદાર સ્ટાઇલ છે.” કહી ચિંતને વિદાય લીધી.



આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : મૃગાંકભાઈ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, June 19, 2021

મારી કેસ ડાયરી : મનોહર-માલા

પ્રિય વાંચકમિત્રો,


“સાહેબ, આજે એવી કોઈ વાત થવા દો જે માનવના મૂળભૂત સ્વભાવથી પ્રથમ નજરે વિપરીત લાગતી હોય.” વર્કિંગ દિવસની એક મોડી સાંજે એડવોકેટ અજયભાઈને એમની જ ચેમ્બરમાં એમના ખાસ મિત્ર ચિંતને કહ્યું.

હમણાં થોડી જ વાર પહેલા આવેલ ગરમા-ગરમ કોફીની સોડમ વાતાવરણમાં જણાઈ આવતી હતી. કોર્ટ કાર્યવાહીઓ અને મીટીંગથી ફ્રી થઈને અજયભાઈ એમની ચેર છોડી સામે ગોઠવેલ સોફા પર બેઠા હતા. એમની એક બાજુના સોફામાં ચિંતન અને બીજી તરફના સોફામાં અભિજાત બેઠક જમાવી ચુક્યા હતા.

હાથમાં રહેલ કોફીના કપમાંથી એક સીપ લઇ બંને આંખો બંધ કરી થોડી વાર એમ જ બેસી રહ્યા પછી જાણે કોઈ મરજીવાને મોતી હાથ લાગ્યું હોય અને એના ચહેરા પર જેવી ચમક આવે એવી ચમક અજયભાઈના ચહેરા પર આવી અને એમને આંખો ખોલી વાતની શરૂઆત કરી.

“માનવ વર્તણુક અને માનવ સ્વભાવ એના પર ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે, ઘણું લખાયું છે, પણ માનવ સ્વભાવ વિષે હજુ ઘણા રહસ્યો અકબંધ રહેલા છે એવું મારું માનવું છે. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ છે એટલું જ નહિ પણ કોઈ એક જ વ્યક્તિ અલગ અલગ પરિસ્થિતિમાં એક જ વ્યક્તિને અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. અગાઉ પણ હું કહી ચુક્યો છું કે સ્ત્રીને સમજવી એ બહુ જ અઘરી બાબત છે. વાત એ સમયની છે જયારે મેં અને અભિજાતે આ ઓફીસ નવી નવી જ શરૂ કરી હતી. એ સમયે એક દંપતી આવેલું. ભાઈનું નામ મનોહર અને એની સાથે એની પત્ની માલા. ઉંમરના આશરે પાંચેક દાયકા પુરા થઇ ગયા હશે. એમની સમસ્યા બહુ જ અલગ હતી. બંને એક ચોક્કસ સમાજના જેમાં અભ્યાસનું કોઈ જ મહત્વ નહિ. એવા સમાજમાં પણ મનોહર એના પ્રાથમિક શાળાના શિક્ષકની સહાય અને સરકારી શિષ્યવૃત્તિથી ખુબ જ સારું ભણ્યો અને સરકારી અધિકારી તરીકે નોકરી લાગ્યો. સમાજની રૂઢી અનુસાર મનોહરના બાળ લગ્ન માલા સાથે થઇ ગયા હતા. સરકારી નોકરી લાગ્યા બાદ મનોહર માલાને લઇને એની નોકરીના સ્થળે તાલુકા ક્વાર્ટરમાં રહેવા આવી ગયો અને માલા પણ ધીમે ધીમે થોડા જ સમયમાં શહેરી રહેણી-કરણી અને રીત-ભાત શીખી ગઈ. બંનેને જોઈને પહેલી નજરે કોઈ કહી ના શકે કે આ બંને આ ચોકકસ સમાજના છે. એમને લગ્ન જીવનના ફળ સ્વરૂપ બે બાળકો પણ હતા અને એક સુખી સંપન્ન પરિવાર હતો. એ બંને જયારે અમને મળવા આવ્યા ત્યારે સમસ્યા માલાને મનોહરથી હતી. એક વાત જણાવી દઉં તને કદાચ એવું લાગ્યું હશે કે, મનોહરને કોઈ કુટેવ અગર કોઈ લગ્નેત્તર સંબંધ હશે, પણ એવી કોઈ તકલીફ ન હતી. મનોહરના સમાજમાં દારૂનું વ્યાસન જ્યાં સામાન્ય ગણાતું હતું ત્યાં મનોહરને ધાણા-દાળની પણ ટેવ નહિ. ચા-કોફી કે અન્ય કોઈ વ્યસન નહિ તેમજ કોઈ જ પ્રકારના લફડા કે લગ્નેત્તર સંબંધ નહિ. પગાર સારો. આવક અને પ્રતિષ્ઠા પણ સારી.”

“તો પછી એ બંને તમને કેમ મળવા આવેલા?” ઉત્સાહિત ચિંતને પૂછ્યું.   

ખાલી કપ ટીપોઈ પર મૂકીને અજયભાઈ હસ્યા અને વાત આગળ વધારી.

“એ બને મારી ઓફીસ આવ્યા હતા અને એમની સમસ્યા પણ વિચિત્ર જ હતી. માલાને મનોહરથી એક ફરિયાદ હતી અને એ હતી કે, “મનોહર ક્યારેય મારા ઉપર ગુસ્સો નથી કરતા અને આજ સુધી એક પણ વખત મને એમણે થપ્પડ પણ નથી મારી.” મેં જયારે આ ફરિયાદ સાંભળી ત્યારે મને પણ માન્યામાં ન આવ્યું કે આ શું ફરિયાદ છે? પણ, તરત જ ખ્યાલ આવી ગયો કે જે સમાજમાંથી મનોહર અને માલા આવે છે એ સમાજમાં પત્ની પર ગુસ્સો કરવો અને એને મારવું એ એક સામાન્ય બાબત ગણાય છે. માલાએ એના પિતાને પણ આમ જ કરતા જોયા હશે. માત્ર એના પિતા નહિ પણ એમના સમાજના દરેક પુરુષને આ રીતે જ વર્તતા જોયા હોય એ સ્વાભાવિક છે. સામે પક્ષે મનોહરની દલીલ એવી હતી કે, “સાહેબ, જે સ્ત્રી એ મારું ઘર, મારો પરિવાર, મારા બાળકો સાચવી લીધા હોય, મારી નાનામાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખતી હોય, મારી આવકમાંથી ઘર ચલાવવાની સાથે સાથે બચત પણ કરતી હોય એના પર મારે શા માટે ગુસ્સો કરવો અને જ્યાં ગુસ્સો કરવાનું જ કોઈ કારણ ના હોય ત્યાં એના પર હાથ ઉપાડવાની તો વાત જ ક્યાંથી આવે.”

સામે માલાએ એક વાક્ય એવું કીધું કે માનવ સ્વભાવની વિચિત્રતા જણાઈ આવે. માલાએ એવું કીધું કે, “સાહેબ, કાયમ પતિ તરીકે જ વર્તે એ ના પણ ગમે ક્યારેક ધણી તરીકે પણ વર્તે તો વધારે ગમે ને.”

કેવી વિસંગતતા..!  પતિને કોઈ વ્યસન નહિ, સારી આવક અને ફરિયાદ કેવી કે પતિ ગુસ્સો નથી કરતો અને ક્યારેય હાથ પણ નથી ઉપાડ્યો.

“પછી સાહેબ તમે શું સલાહ આપી.” ચિંતને પૂછ્યું.

“એ સમયે આટલો અનુભવ નહિ, પણ એવું કીધું હતું કે, “બેન, તમે નસીબદાર છો. આવો વ્યક્તિ જીવનસાથી તરીકે મળે એના માટે તો સ્ત્રીઓ પ્રાર્થના કરતી હોય છે.”

“ખરેખર, સાહેબ આ વાત તો માન્યામાં જ ન આવે.” ચિંતને કહ્યું.

એ સમયે જ રામજી ચેમ્બરમાં દાખલ થયો અને પૂછ્યું, “સર, વાર લાગશે?”

“ના, વસ્તી કરવાનું શરૂ કરો.” અજયભાઈ એ ઉભા થતા કહ્યું અને એમની સાથે જ અભિજાત અને ચિંતન પણ ઉભા થયા.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : મનોહર-માલા  by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, June 5, 2021

મારી કેસ ડાયરી : હિરેન-વિશાખા

પ્રિય વાંચકમિત્રો,


શનિવારની નમતી બપોરના આશરે ૪.૩૦ થયા હશે અને એ સમયે ચિંતને એડવોકેટ અજયભાઈની ઓફિસમાં પ્રવેશ કર્યો અને બરાબર એ જ સમયે અજયભાઈની ચેમ્બરમાંથી એક આશરે પીસ્તાલીશીની નજીકની ઉમરવાળા એક દંપતી બહાર આવ્યા. ચિંતન, પંક્તિને હાઈ કહી વેઈટીંગ એરિયામાં ગયો અને ત્યાં બેઠો. અજયભાઈની ચેમ્બરમાંથી બહાર આવેલ દંપતી ઓફીસની બહાર નીકળ્યા અને ચિંતને પંક્તિ સામે જોયું. પંક્તિએ ઇન્ટરકોમ પર અજયભાઈને ચિંતનના આવવાની જાણ કરી અને હંમેશના નિયમ મુજબ અજયભાઈએ એને અંદર મોકલવા અને રામજીને કોફી તથા પાણી મોકલવા જણાવ્યું. પંક્તિના સ્માઈલ પરથી જ ચિંતન સમજી ગયો અને અજયભાઈની ચેમ્બરમાં દાખલ થયો.

“આવ બેસ ચિંતન. આજે તને રસ પડે એવી જ ઘટના હમણાં સાંભળી છે. કોફીની મજા માણીએ પછી એ વાતની શરૂઆત કરીએ.” અજયભાઈએ કીધું અને રામજી કોફી તથા પાણી સાથે ચેમ્બરમાં દાખલ થયો.

ગરમાગરમ કોફી ઓફીસ ચેમ્બરમાં એની ખાસ સુગંધ ફેલાવી રહી હતી. અજયભાઈએ પોતાની રીવોલ્વીંગ ચેર સહેજ પાછળ તરફ ઝુકાવી કોફીનો એક સીપ લીધો અને પૂરો આનંદ માણતા માણતા ધીમે ધીમે કોફી પૂરી કરી અને એક ઊંડો શ્વાસ લીધો અને એમની ચેરને પછી મૂળ સ્થતિમાં લાવ્યા અને વાતની શરૂઆત કરી.

“આ ભાઈનું નામ તારા માટે હિરેન માની લે અને એની જોડે જે એની પત્ની હતી એનું નામ વિશાખા. બંને વચ્ચે મનમેળ અને બોન્ડીંગ સારું છે એવું હું એમની બોડી લેન્ગવેજ પરથી અનુમાન લગાવી શકું અને મારું અનુમાન એ અંગે સાચું જ છે એવો મારો વિશ્વાસ છે. બંને સલાહ લેવા માટે આવ્યા હતા. એમની વાત બહુ જ વિચાર માંગી લે એવી છે. વાતની શરૂઆત આજથી લગભગ ૧૮ થી ૨૦ વર્ષ પહેલા થઇ હશે. એ સમયે હિરેનની આર્થિક પરિસ્થિતિ સાધારણ કરતા પણ નિમ્ન એવું હિરેનનું કહેવું છે. એ સમયે હિરેનનો ખાસ મિત્ર રાકેશ એની અંગ-સંગ જોડે. રાકેશના પિતા હિરેનનો ભણવાનો તમામ ખર્ચ ઉઠાવે અને એ રીતે હિરેને એનો બી.એસ.સી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. હિરેનના જણાવ્યા મુજબ રાકેશના પિતા માત્ર હિરેનના અભયસનો ખર્ચ જ નહિ પણ નાની મોટી બીજી પણ ઘરખર્ચની મદદ કરતા. રાકેશ એના માતા-પિતાનું એક માત્ર સંતાન અને એ જ રીતે હિરેન પણ એના માતા-પિતાનું એક માત્ર સંતાન. અભ્યાસ પૂરો થયા બાદ રાકેશના પિતાએ હિરેનને એમના જ કારખાનામાં નોકરી રાખી લીધો અને પાંચ વર્ષમાં ધંધામાં પારંગત બનાવી દીધો અને એ પછી રાકેશના પિતાએ હિરેનને અલગ ધંધો કરવા કીધું અને હિરેને પોતાનો અલગ ધંધો સ્થાપ્યો. આયોજન બદ્ધ પ્રબળ પુરુષાર્થ કરવાથી હિરેનને ત્રણ વર્ષમાં જ ધંધામાં સફળતા મળવા લાગી અને એની આર્થિક સ્થિતિ સુધારવા લાગી. પસાર થતાં સમયની ઘટમાળમાં હિરેન વિશાખા સાથે લગ્નગ્રંથિથી જોડાયો અને વિશાખા પણ હિરેન અને એના પરિવારમાં ભળી ગઈ. આજ સમયગાળામાં ટૂંકી માંદગી બાદ હિરેનના માતા-પિતાનું અવસાન થયું અને રાકેશના પિતાનું પણ. અહીં સુધી કોઈ જ ખાસ તકલીફ હિરેન અને વિશાખા વચ્ચે ન હતી.

કુદરત પણ ક્યારેક ક્રુરતા આચરે છે એવું કહેવું પડે. આશરે ત્રણેક વર્ષ પહેલા રાકેશ એની પત્ની અને એક દીકરી સાથે એના કુળદેવીના દર્શન કરવા સૌરાષ્ટ્ર ગયો હતો અને એ સમયે દર્શન કરીને પરત આવતી વખતે ચોટીલા પહેલા એમની ગાડીને અકસ્માત નડ્યો. પુર ઝડપે આવતા મલ્ટીએક્સેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને ટ્રક ડિવાઈડર ક્રોસ કરી રાકેશની ગાડી ઉપર આવી ગઈ. રાકેશનો પૂરો પરિવાર એ અકસ્માતમાં પ્રભુના ધામમાં જતો રહ્યો અને રાકેશના પરિવારમાં રહી ગયા એના મમ્મી. હિરેનને પણ આ આઘાતમાંથી બહાર આવતાં સારો એવો સમય લાગ્યો પણ, રાકેશના મમ્મી કલાબેન અંદરથી ભાંગી પડ્યા. હિરેન આંતરે દિવસે કલાબેનની ખબર જોવા જતો. રાકેશના અવસાનના છ મહિના બાદ કલાબેનને હાર્ટ એટેક આવ્યો. દવાખાનાની તમામ જવાબદારી હિરેન અને વિશાખાએ નિભાવી, પણ એ પછી જ હિરેન અને વિશાખા વચ્ચે મતભેદ શરૂ થયા. હિરેન કલાબેનને દવાખાનેથી સીધો જ પોતાના ઘરે લઇ આવ્યો. ધીમે ધીમે કલાબેન સાજા થઇ ગયા અને એમને પોતાના ઘરે જવા હિરેન પાસે રજા માંગી પણ હિરેને એમને ના પાડી અને પોતાની સાથે જ રહેવા કહ્યું. કલાબેને કહ્યું, “હિરેન, બધા જ કામ કરવા માટે ઘરે માણસો છે. ફૂલ ટાઇમની નર્સ પણ રાખી લઈશ. પૈસાની પણ કોઈ ચિંતા નથી. મારે ઘર જવું છે.” પણ હિરેને ના જ પાડી અને કલાબેનને પોતાની જોડે જ રહેવા જણાવ્યું. આ વાત વિશાખાને ના ગમી. ઘરમાં તો વિશાખા સામાન્ય વર્તન જ કરતી પણ હિરેન સાથેની એની વર્તણુકથી હિરેનને વિશાખાની નારાજગીનો અંદાજ આવી ગયો. હિરેને આજની એપોઇન્ટમેન્ટ લીધી અને એ પહેલા એને એની આખી વાત મને ઈમેઈલમાં જણાવી દીધી. ઈમેઈલ જોવાની કામગીરી અભિજાતની છે એટલે એણે ઈમેઈલ વાંચ્યો અને એક જ વાક્ય કહ્યું જે વાક્ય જ મેં આ હિરેન અને વિશાખાની કીધું અને તું માનીશ ચિંતન, બંને લટકેલા ચહેરા સાથે આવ્યા હતા અને ગયા ત્યારે પ્રફુલ્લિત ચહેરે ગયા. અભિનું એક વાક્ય કામ કરી ગયું.”

“સાહેબ, કયું હતું એ મેજિકલ વાક્ય?” ઉત્સાહપૂર્વક ચિંતને પૂછ્યું.

“અભિ, તું જ કહી દે ભાઈ.” અજયભાઈએ અભિજાતને કહ્યું.

“એકદમ સરળ છે. મેં ખાલી એટલું જ કહ્યું કે, વિશાખા એવું માની લે કે આ રાકેશના નહિ હિરેનના જ મમ્મી છે. આમેય આજે હિરેન જે કંઈ પણ છે એ રાકેશના પરિવારના કારણે જ છે. તો કુદરતે રાકેશ અને એના પરિવારનું ઋણ ચૂકવવાનો હિરેનને અવસર આપ્યો છે.” અભિજાતે જણાવ્યું.

“વિશાખાને પણ આ વાત ગળે ઉતરી ગઈ અને બંને વચ્ચેનો મતભેદ દૂર થઇ ગયો.” અજયભાઈએ કહ્યું.

“સર, એક વાત છે સરળતા પૂર્વક રસ્તો કાઢી અને સમસ્યાને ઉકેલવાની તમારા બંને સાહેબોની આવડત કાબિલે તારીફ છે.” ચિંતને જણાવ્યું.

અને વધુ એક સાંજ અજયભાઈની ઓફિસમમાં પૂરી થઇ.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : હિરેન-વિશાખા  by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/