Sunday, November 27, 2022

બીરજુ બીરવા ભાગ-18

 

 બીરજુ બીરવા ભાગ-18

મારો આ નિર્ણય વ્યક્તિગત છે પણ એના દૂરોગામી પરિણામો મને અને આપણે બધાને સારા મળશે એવું મારૂં માનવું છે. પોતાના નિર્ણય અંગેનો ખુલાસો કરતા બીરજુએ એના પિતા મંગા સહિત બધાને જણાવ્યું અને આગળ કહ્યું, આપણે આ ધંધો શેના માટે કરીએ છીએ પૈસા માટે બરાબરને? પણ આપણું ભવિષ્ય શું? કાયદો દિવસે દિવસે વધુને વધુ કડક થઈ રહ્યો છે. આ છેલ્લી ઘટના જ જોઈ લો. કેટકેટલી લેટેસ્ટ ટેકનોલોજી વાળા સાધનો આવી ગયા છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના કારણે એક જગ્યાની માહિતી બીજી જગ્યાએ સેકંડમાં પહોંચી જાય છે. આ બધા મુદ્દા જોઈએ તો આપણી પકડાવવાની શક્યતા દિવસે અને દિવસે વધતી જાય છે. પહેલાં હતુ કે ગામ બદલી નાખીએ નામ બદલી નાખીએ તો પકડાવવાની બીક નહિ, પણ હવે, સીસીટીવી, મોબાઈલ, ઈન્ટરનેટ, જીપીએસ, સેટેલાઈટ લાઈવ ફૂટેજ આ બધામાં પકડાઈ જવાની શક્યતા વધી ગઈ છે. રહી વાત પૈસાની તો ભગવાનની દયા અને આપણા બધાની મહેનત અને આયોજનના કારણે છેલ્લા કામમાં આપણને ઘણું મળી ગયું છે. મારી પાસે આગળની યોજના પણ તૈયાર છે જ.

જગા અને મંગાએ એક બીજાની સામે જોયું. થોડીવાર મૌન છવાઈ રહ્યું. આખરે જગાએ કહ્યં, વિચારીએ આવતીકાલે રાત્રે મળીને નિર્ણય લઈશું. કહીને જગો પોતાના ખાટલા ઉપરથી ઉભો થઈ ગયો. ઈશારો સ્પષ્ટ હતો બધાને વિખેરાઈ જવાની સૂચના હતી. બીરજુએ પોતાના રૂમમાં જઈને એક બેગ ખોલી એમાં એક કી પેડ વાળો ફોન હતો. જેની બેટરી અલગ કરીને મૂકેલી હતી. બેટરી મોબાઈલમાં ઈનસર્ટ કરી ફોન સ્વીચઓન કર્યો. થોડી વારમાં એક મેસેજ બ્લીન્ક થયો, વેનીશ એવરીથીંગ એન્ડ ફાસ્ટ. મોબાઈલ સ્વીચઓફ કરી બેટરી બહાર કાઢી મૂકી દીધી. બેડ ઉપરથી ઉઠીને બીરજુ ચિંતાથી આમથી તેમ આંટા મારવા લાગી.

સવારે શીરામણથી પરવારીને બીરજુએ કુંદન, રઘો અને એની ઉંમરના વ્યક્તિઓ બીરજુના રૂમમાં બેઠા હતા. બધાએ પોતાના નવા સરદાર તરીકે બીરજુને સ્વીકારી લીધેલ એટલે બીજા કોઈ મતમતાંતરની શક્યતા ન હતી. બીરજુએ સીધુ જ કીધું, આપણે આ જગ્યા આવતીકાલે ખાલી કરી નાખવાની છે. સો પેકઅપ ફાસ્ટ એન્ડ ટુ ડે. પણ સરદાર અને બાકીનાને કેવી રીતે સમજાવીશું. હું મળી લઉ છું. એમને.  વાત પૂરી કરી બીરજુ એના પિતા અને ટોળીના જુના સરદાર મંગાને મળવા એના રૂમમાં ગઈ. લગભગ અડધો કલાક ચર્ચા ચાલી હશે એ પછી મંગાએ જગાને બોલાવવા સૂચના આપી એટલે જગો પણ મંગાના રૂમમાં આવ્યો. બંધ બારણે વાત થઈ પણ એ પછી ઘરની કામગીરીમાં વેગ આવી ગયો. સાંજે જમવાનું પતાવીને બધા ચોકમાં ભેગા થયા. કોઈપણ પ્રકારની પ્રસ્તાવના કે પૂર્વભૂમિકા વગર, જગાએ સીધો જ આદેશાત્મક સ્વરે નિર્ણય જણાવ્યો. આવતીકાલ સવારે અંહિથી નીકળી જવાનું છે. સહુ થી છેલ્લે હું અને મંગાનો પરિવાર નીકળીશું. બાકી તમારે બધાએ કેવી રીતે કયારે નીકળવાનું અને ક્યાં ભેગા થવાનું તે તમને બીરજુ કહી દેશે. કહીને જગાએ બીરજુની સામે જોયું. બીરજુએ એની ઉંમરના દરેક વ્યક્તિને એક ફોલ્ડર આપ્યું અને કહ્યું, આમાં તમારા બધાને ક્યારે નીકળવાનું અને ક્યાં ભેગા થવાનું અને શું લઈને જવાનું તેની બધી જ માહિતી છે. પંદર દિવસ પછી પાછા બધા જ ભેગા થઈશું.  નવી પેઢીના છોકરાઓની કાર્ય પધ્ધતિ જગા અને મંગાની પેઢીના લોકોને સમજણમાં બહુ આવતી નહિ. પણ નવી પેઢીના છોકરાઓ જે રીતે સરળતાથી મોટા મોટા કામ કરી રહ્યા હતા તે જોતા એ લોકો નવી પેઢીના વ્યક્તિઓના કામમાં પૂરો સહકાર આપતી હતી. કુંદન, રઘો, વંદના બધા જ પોતપોતાના કામમાં લાગી ગયા હતા.

એ પછીના પંદર દિવસમાં હડિયોલનું એ ઘર ધીમે ધીમે ખાલી થવા લાગ્યું. મકાન માલિક એક ઉંમર લાયક પટેલ હતા. એમની સાથે જગાએ ભાડાનો હિસાબ પતાવ્યો. મકાન માલિકે આમ ઓચિંતુ મકાન ખાલી કરવાનું કારણ પૂછ્યું તો જગાએ જણાવ્યું કે એમના વતન માતાનો મોટો અવસર છે અને એ પછી અમે ત્યાં જ રહેવા વિચારીએ છીએ. મકાન માલિકને એક મહિનાનું ભાડું વધારે ચૂકવીના રામ રામ કર્યા.

બીરજુના પ્લાન મુજબ અલગ અલગ સમયે હડિયોલથી નીકળેલ ગ્રુપના સભ્યો પૂરા પંદર દિવસ પછી બીરજુએ કહેલ જગ્યાએ ભેગા થયા હતા.

બીજા દશેક દિવસ પછી ફરીથી રાત્રે જમવાનું પરવારીને મંગો, જગો, બીરજુ, રઘો, કુંદન, વંદના અને બીજા બધા જ ભેગા થયા હતા. જગાએ બીરજુને જણાવ્યું કે, અમે પણ હવે નથી ઈચ્છતા કે, આ ધંધો આગળ વધારીએ. પણ બીજુ શું કરીશું તે પણ અમને ખબર નથી.

બીરજુએ એક સ્મિત કર્યું અને કહ્યું, આપણું એક ટ્રસ્ટ શરૂ થવા જઈ રહ્યું છે.તમામ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ હવે બંધ અને સમાજના જરૂરીયાતવાળા વ્યક્તિઓને મદદ કરવાનું શરૂ સાથે સાથે આપણી આવક પણ થતી રહેશે.

જગાને આ વાતમાં કોઈ જ ખબર પડી નહિ એટલે એણે પૂછ્યું આ શું કહેવાય

કાકા, જુઓ તમે અમને બધાને ભણવા દીધા. અમારામાંથી બધા અલગ અલગ વિષયોમાં ભણ્યા અને તૈયાર થયા. અમારા ભણતરની પાછળનો તમારો સમય અને નાણાં ખોટા નથી ગયા તે અમે સાબિત પણ કરી આપ્યું. પૈસાની હવે આપણને કોઈ ખાસ જરૂર નથી. હવે આપણે સરકારની પરવાનગી લઈ એક ટ્રસ્ટ સાદી ભાષામાં કહીએ તો એક મંડળ બનાવવું છે. જરૂરીયાત વાળા વ્યક્તિઓને મદદ કરવાનું કામ કરીશું. જે છોકરાઓને ભણવું હોય તેમને ભણાવીશું. જગાએ કહ્યું, આ બધું તો બરાબર પણ આમાં આવક ક્યાંથી આવી. જુઓ કચ્છમાં કચ્છી ભરતકામ કરતી બહેનો છે. જેમની પાસે કારીગરી છે. કચ્છની આ કારીગરીને ઈન્ટરનેટના માધ્યમથી દૂરદેશમાં ફેલાવી આવી કારીગરી વાળી વસ્તુઓનું વેચાણ કરી તેના દ્વારા આવક મેળવીશું.  બીરજુએ પોતાની યોજના ટુંકમાં કહી સમજાવી.  

Sunday, November 20, 2022

બીરજુ- બીરવા ભાગ-17

 

બીરજુ- બીરવા ભાગ-17

 

રાજસ્થાનના સિરોહીથી અમદાવાદ તરફ આવતી બસોમાં સિરોહીથી એક મજૂર પરિવાર ચઢયો આશરે દશેક માણસોનું ટોળું હશે. પોતાના સામાનના પોટલા બાંધેલા હતા અને પોટલામાંથી એમના જૂના પૂરાણા કપડા અને જરૂરીયાતના વાસણો બહાર ડોકિયું કરી રહ્યા હતા. બસના કંડક્ટરે આટલો સામાન બસમાં લઈ જવાની ના પાડતા, એ લોકો કગરી ઉઠ્યા છેલ્લે રસ્તો કાઢવામાં આવ્યો કે રાજસ્થાન બોર્ડર ક્રોસ કર્યા બાદ જે પહેલું સ્ટેશન આવે ત્યાં આ લોકોએ ઉતરી જવાનું. પેલા મજૂરો લાચારીથી સંમત થયા. એમને અમદાવાદ સુધીની ટિકીટ આપવામાં આવી અને ટિકિટ જેટલા જ પૈસા સામાનના કંડક્ટરે લીધા ગુજરાતની બોર્ડરમાં બસ દાખલ થઈ અને અમીરગઢ સ્ટેશન આવતા જ બસ કંડક્ટરે મજૂરોને તેમના સામાન સહિત નીચે ઉતારી દીધા. લાચાર મજૂરોએ પોટલા માથે ઉચકીને ચાલવાનું શરૂ કર્યું.

પંજાબ, ગુરૂઓની ધરતી, દિલદાર અને ભલી કોમ તરીકે ઓળખાતા શીખ લોકોની ધરતી. પંજાબ પાસીંગની એક ટ્રક આ મજૂરોની આગળ થોડાક અંતરે ઉભી રહી ગઈ. ઓય કીથે જાણા હૈ?” પંજાબી લહેકામાં કંડક્ટર સાઈડ બેઠેલ સરદારજીએ પાછળ આવતા મજૂરોને પૂછયું., અમારે હિંમતનગર જાવું છે. બસ વાળાએ અંહિ ઉતારી દીધા. લાચાર અવાજમાં મજૂરોના આગેવાન જેવા લાગતા એક વ્યક્તિએ કહ્યું. કંડક્ટર સાઈડ બેઠેલ સરદારજીએ ડ્રાઈવર સાઈડ બેઠેલ સરદારજીની સામે જોયું જાણે આંખો વાંચી લીધી હોય તેમ ડ્રાઈવર સાઈડના સરદારજીએ માથું હકારમાં હલાવ્યું એટલે કંડકટર સાઈડ વાળા સરદારજીએ ટ્રકની નજીક આવીને ઉભેલા મજૂરોને કહ્યું, ઓય બાદશાહો પીછે બેઠ જાઓ. હિંમતનગર સે પહેલે છ્ડ દેંગે. આભાર, મારા વીરા ભગવાન તને ઘણું આપે.” મજૂરોના ટોળામાં રહેલી એક સ્ત્રીએ સરદારજીને કહ્યું અને બધા જ મજૂરો ટ્રકમાં પાછળની તરફ તેમના સામાન સાથે ગોઠવાઈ ગયા. હિંમત નગરથી બે કિલોમીટર પહેલા ટ્રક સાઈડ ઉપર ઉભી રહી અને કંડક્ટરે બુમ મારી, ઓય ઈથે ઉતર જાવ સબ લોગ. એટલે પેલા મજૂરો તેમના સામાન સાથે ઉતરી ગયા. મજૂરોના આગેવાન જેવા લાગતા એક વૃધ્ધ વ્યક્તિએ પૈસા આપવા પૂછતા સરદારજીએ ના પાડી અને ટ્રક લઈને આગળ વધી ગયા. આસપાસ કોઈ જોતું નથી તેની પૂરતી ખાતરી કર્યા બાદ ટોળામાંની સ્ત્રીએ મોબાઈલ કાઢી એક નંબર ડાયલ કર્યો અને કંઈક સૂચના આપી. થોડી જ વારમાં એક જીપ આવી અને મજૂરો એમના સામાન સહિત જીપમાં ગોઠવાઈ ગયા અને જીપ રવાના થઈ. સીધા જ હડિયોલ ખાતેના ઘરે જવાના બદલે, બીરજુએ જીપ એક હોટલ પાસે ઉભી કરાવી હોટલમાં બનાવટી આઈ ડી ઉપર એક રૂમ રાખ્યો અને મજૂરોને વેશ બદલી અને સામાન્ય પહેરવેશ ધારણ કર્યો અને રોકડ રકમ પોટલામાંથી અલગ અલગ બેગમાં શીફ્ટ કરી દરેકને એક એક બેગ આપી અડધા અડધા કલાકના અંતરે હોટલમાંથી હડિયોલ ખાતેના મકાનમાં રવાના કર્યા અને છેલ્લે પોતે ચેક આઉટ કર્યું.

બે મહિનાથી લગભગ શાંત રહેલ મકાનમાં આજે ચહલ પહલ હતી. અલગ અલગ જગ્યાએ નોકરી કરતા, ઘરના બધા જ યુવાનો આજે પોતાના ઘરે પરત આવ્યા હતા. સફરનો થાક ઉતારી, બધા ફ્રેશ થયા. બીરજુ એ સાંજે જમ્યા પછી ભેગા થવાની સૂચના આપી.

સાંજે જમવાનું પરવારીને ચોકમાં મંગો, જગો, બીરજુ અને બીજા સાથીઓ ગોઠવાઈ ગયા. બીરજુએ સીધી જ મુદ્દાની વાત કરી, હવે આગળ આ ધંધો નથી કરવો. બીરજુના આવા નિર્ણયથી હાજર દરેકના ચહેરા બદલાઈ ગયા અને ઘણા ચહેરાઓ ઉપર અણગમાના ભાવ ઉપસી આવ્યા.

મારા આ નિર્ણય સાથે જે કોઈ સંમત ન હોય તે સરદારને જણાવી શકે છે. આ નિર્ણય મારો છે વ્યક્તિગત છે. સરદારનો નહિ.

ટોળીના સરદાર તરીકે જગાની નિયુક્તિ થઈ ચૂકી હતી તો પણ જગાએ મંગાની સામે જોયું. પછી મંગાએ કહ્યું, બેટા તારા આ નિર્ણય પાછળનું કારણ..?”

----------------------

સર, હિંમતનગર પાસે એક નાનકડું ગામ છે હડિયોલ ત્યાં છેવાડાના મકાનમાં શંકાસ્પદ એક્ટીવીટી જોવામાં આવી છે. ખાસિયત એ છે કે, અમરેલી, સુરત અને હાલમાં રાજસ્થાનની ઘટના, આ ત્રણે ઘટના પછી થોડા દિવસો આ મકાનમાં ચહલ પહલ રહેતી હોય છે. મને મારા નેટવર્કથી માહિતી મળી. કેતવે પોતાને મળેલી માહિતી એ.સી.પી. અજય શેલતને આપી.

તારી માહિતી અને અનુમાન બંને સાચા હોઈ શકે છે પણ માત્ર આટલી માહિતી ઉપરથી કોર્ટ ટ્રાન્સફર વોરંટ કે સર્ચ વોરંટ નહિ આપે. આખો જિલ્લો બદલાઈ જાય છે. પોતાના અનુભવનો નીચોડ દર્શાવતા એ.સી.પી. અજય શેલતે કહ્યું.

સર, ઓફિશીયલી તપાસ ન થઈ શકે પણ અનઓફિશીયલી તપાસ કરીએ તો શક્ય છે કે, કોઈ નક્કર પૂરાવો અથવા સ્કેચને મળતા આવતા વ્યક્તિઓ મળી જાય પછી લોકલ પોલીસની મદદથી એરેસ્ટ કરી શકાય અને આગળ વધી શકાય. કેતવે પોતાનો અભિગમ રજૂ કર્યો.

હમમ, વાત સાચી છે એક કામ કર તું એક અઠવાડિયાની રજા લઈ લે અને એ બાજુ ફરતો આવ. સિવીલ ડ્રેસમાં જજે એટલે બહુ કોઈને ખ્યાલ ન આવે. એ.સી.પી. અજય શેલતે કેતવને સૂચના આપી.

 

યસ સર, જયહિંદ.” કહી સેલ્યુટ કરીને કેતવ એ.સી.પી. અજય શેલતની ઓફિસમાંથી બહાર નીકળ્યો.

કેતવના નીકળ્યા પછી, એ.સી.પી. અજય શેલતે પોતાની બેગમાંથી એક સાદો કી-પેડ વાળો ફોન કાઢ્યો એમાં બેટરી ઈનસર્ટ કરી ફોન સ્વીચઓન કર્યો અને એક નંબર ઉપર મેસેજ કર્યો મેસેજ સેન્ડ થઈ ગયાની ખાતરી કરીને ફોન સ્વીચઓફ કર્યો અને બેટરી કાઢીને પાછો હતો તેમ બેગમાં મૂકી દીધો.

બીરજુ- બીરવા ભાગ - 16

 

ભાગ-16

રૂમ નં. 205માં દરવાજાની સામેની દિવાલે ગોઠવેલા સોફામાં એક રાજવી પરિવારનો દેખાતો વ્યક્તિ બેઠો હતો. માથે રાજસ્થાની ઢબની પાઘડી, સફેદ કુરતો અને પાયજામો મોઢા ઉપર રાજવી ઠાઠ એના ચહેરા ઉપર દેખાતો હતો. રહેમતઉલ્લાને આવેલ જોઈ એણે ઉભા થઈને કહ્યું, વેલકમ રહેમતઉલ્લાજી, આશા છે કે આપને કોઈ તકલીફ નહિ પડી હોય.

ના ખાસ કોઈ તકલીફ નથી પડી. બસ આપ પાર્સલ આપો એટલે વેરીફાઈ કરીને અમો પરત નીકળીએ.

જરૂર કહી એણે હાથથી ઈશારો કર્યો એટલે એક વ્યક્તિ અંદર જઈને હાથમાં એક થાળ સાથે પરત આવ્યો થાળ ઉપર કપડું ઢાંકેલું હતું. કુંદનસિંહે કપડું હટાવ્યું કપડાની નીચે આશરે ચાડા-ચાર ફૂટની ઉંચાઈની પંચધાતુની એક જુની એન્ટીક મૂર્તિ હતી. મૂર્તિની બનાવટ કહી આપતી હતી કે મૂર્તિ આશરે છ સો વર્ષથી વધુ જૂની હોવી જોઈએ. આ આપનું પાર્સલ અને આ આપના પાર્સલનું સર્ટીફીકેટ કહીને કુંદનસિંહે એક ફોટા સહિતનું સર્ટીફીકેટ રહેમતઉલ્લાને આપ્યું. રહેમતઉલ્લાએ પોતાના પર્સમાંથી એક ફોટોગ્રાફ કાઢીને મૂર્તિ સાથે સરખાવવા લાગ્યો. ફોટોગ્રાફની પાછળની બાજુમાં મૂર્તિનો ડેટા લખેલો હતો તે ડેટાને સર્ટીફીકેટ સાથે સરખાવ્યો. બંને ડેટા મેચ થતા હતા અને ફોટોગ્રાફમાં રહેલ મૂર્તિ અને કુંદનસિંહના માણસના હાથમાં રહેલ મૂર્તિ બંને સરખી જ હતી. તો પણ રહેમતઉલ્લાના ચહેરા ઉપર સંતોષની ભાવના દેખાતી ન હતી એટલે, કુંદનસિંહે કહ્યું, આપને આ મૂર્તિની એક ખાસ વાત કહું કહીને મૂર્તિ હાથમાં લીધી અને ઉંધી કરી મૂર્તિની બેઠકનો ભાગ રહેમતઉલ્લાની સામે કર્યો, આ રાજપરિવારની ખાસ મુદ્રા છે કહીને બેઠકના ભાગે એક કમળ અને એક કટારના નિશાન તરફ આંગળી કરી. આ ખાસ મુદ્રા અંગે કોઈપણ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી. માત્ર રાજ પરિવારના અને રાજપરિવાર સાથે સંકળાયેલા વ્યક્તિઓને જ આ અંગેની જાણ છે. રહેમતઉલ્લાના ચહેરા ઉપર ખુશીની લકીર આવી ગઈ. એક સ્પેશીયલ ડિઝાઈન બેગમાં રહેમતઉલ્લાની સામે જ મૂર્તિ પેક કરવામાં આવી અને તે બેગને લોક કરી તેની ચાવી રહેમતઉલ્લાને આપવામાં આવી. રહેમતઉલ્લાએ ચાવી પોતાના પોકેટમાં મૂકીને બેગ લીધી પરસ્પર અભિવાદન કરીને રહેમતઉલ્લાએ રજા લીધી. નીચેના માળ ઉપર આવીને રૂમ નં. 105ના દરવાજાને કુંદનસિંહના માણસે એ જ ખાસ પધ્ધતિથી નોક કર્યો અને અંદરથી દરવાજો ખૂલ્યો. રહેમતઉલ્લાએ પોતાના સાથીઓને બહાર આવવા કહ્યું એટલે પેલી સ્ત્રીએ કહ્યું તમે બધા જ પોતપોતાની બેગ લઈને આવ્યા હતા અને અંહિથી જો બધા પોતાની બેગ લીધા વગર જશો તો નીચે રીસેપ્શન ઉપર જ શંકા પડશે. એક કામ કરો. તમારી બેગમાંથી તમારા કપડા કાઢી લો બાકીના પાર્સલ અમે લઈ લઈએ અને બેગમાં તમને આ મીઠાઈના બોક્ષ ભરી આપીએ જેની ઉપર તમારા કપડા ગોઠવી દો એટલે બેગના આકારમાં પણ ખાસ ફેરબદલ ન થાય. વિચાર ગમી ગયો. રહેમતઉલ્લાએ મૂર્તિવાળી બેગ પોતાની જોડે પોતાના હાથમાં જ રાખી અને બાકીનાઓએ બેગમાંથી રોકડ કાઢી તેના બદલે મીઠાઈના બોક્ષ ગોઠવી દીધા. સોફામાં બેસેલ સ્ત્રીએ ઈશારો કરતા, એના માણસોએ રોકડ પોતાની બેગોમાં ભરવાની શરૂ કરી.  આખી કામગીરી પૂરી થઈ એટલે રહેમતઉલ્લાની સાથે આવેલ માણસો તેમની બેગ સાથે રવાના થયા. એના આશરે એક કલાક બાદ ગુજરાતી વેપારી પોતાના પરિવાર સાથે હોટલમાંથી ચેક આઉટ કરી ગયો. ગુજરાતી વેપારીએ રીસેપ્શન ઉપર ટીપ આપી અને રૂમ સર્વિસ બોયને પણ.

એના એક દિવસ પહેલાં જ જગરૂપસિંહે વિજય પેલેસ હોટલના મેનેજરને પોતાના ગામડે પ્રસંગ હોઈ જવાની રજા માંગી. નવી નોકરી હતી એટલે મેનેજર માટે રજા આપવી નિયમ મુજબ શક્ય ન હતું એટલે જગરૂપસિંહને નોકરીમાંથી એનો હિસાબ કરીને છૂટો કરવામાં આવ્યો હતો.

--------------------------

મુંબઈ પોલીસને મડઆઈલેન્ડ ઉપરથી એક ડેડબોડી મળી આવી હતી. લાશની ઓળખ થઈ ચૂકી હતી મરણજનારનું નામ હતું રહેમતઉલ્લા. અંડરવર્લ્ડ સાથે સંકળાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારવામાં આવી હતી. વાડીયા એન્ડ સન્સની ઓફિસમાં રઉફ ઉભો ઉભો ધ્રુજી રહ્યો હતો. પોતે જે કમાયો હતો એમાંથી સાત કરોડ વાડિયા એન્ડ સન્સમાં નૂકશાન પેટે જમા કરાવી દીધા હતા અને પોતાનો એક માણસ પણ ગુમાવ્યો હતો. રઉફની પાસે કોઈ જવાબ ન હતો કે આટલી બધી તકેદારી રાખવા છતા પણ એની સાથે આવી રમત કેમ રમાઈ ગઈ. સિરોહીથી પાર્સલ લઈને સહિ-સલામત મુંબઈ આવી ગયા હતા અને વાડિયા એન્ડ સન્સની પ્રાઈવેટ લેબમાં પાર્સલ ચેકિંગ માટે આપ્યું ત્યારે પોલ ખૂલી કે, આ મૂર્તિ છ સો વર્ષ નહિ માત્ર કેટલાક મહિના પહેલા જ મોલ્ડ કરીને બનાવી છે અને આ પંચધાતુની નહિ પણ પિત્તળ, તાંબુ અને કાંસાના મિશ્રણની છે. જેના ઉપર એસિડવોશ કર્યા બાદ લેકર પોલીશ કરી તેને જૂની બનાવવામાં આવી હતી. માત્ર મૂર્તિ જ નહિ પણ એની સાથે આપવામાં આવેલ સર્ટીફીકેટ પણ બનાવટી હતું. વાડિયા એન્ડ સન્સને તો કોઈ નુકશાન ગયું ન હતું પણ રઉફની આખી જીંદગીની બચત જતી રહી હતી.

રહેમતઉલ્લાની હત્યાના સમાચાર એ.સી.પી. અજય શેલતે જાણ્યા. હાથમાં રહેલ ચા ની ચૂસકી લેતા એમના મનમાં એક વિચાર આવ્યો કે આ હત્યા સુરત અને અમરેલીની ઘટના સાથે સંકળાયેલી હશે કે કેમ અને એ જ સમયે કેતવ એ.સી.પી. અજય શેલતની ચેમ્બરમાં દરવાજો નોક કરીને દાખલ થયો એના લેપટોપની સ્ક્રીન એ.સી.પી. અજય શેલતની સામે કરી. સર, આ જુઓ, કોઈ કુંદનસિંહના નામથી સોશીયલ મીડીયા ઉપર એક પ્રોફાઈલ બનાવવામાં આવી હતી જેમાં ઘણી બધી એક્ટીવીટી થઈ અને હાલમાં આ પ્રોફાઈલ બંધ થઈ ગઈ છે.

તો એમાં આપણે શું કરી શકીએ?” એ.સી.પી. અજય શેલતે પૂછ્યું.

સર, આ પ્રોફાઈલમાં રાજઘરાનાની ચીજ વસ્તુઓની માહિતી જ મૂકવામાં આવી હતી અને હાલ આ પ્રોફાઈલ બંધ થઈ ગઈ છે એટલે મારુ માનવું છે કે, કોઈ એન્ટીક વસ્તુની ગેરકાયદેસર હેરફેર થઈ છે. બની શકે આ સુરત અને અમરેલી ઘટના વાળી ગેંગનું જ કામ હોય. કેતવે પોતાનું મંતવ્ય રજૂ કર્યું.

હમમ, પણ કોઈ સબૂત મળે પછી આગળ વધી શકાય. આગળની કોઈ જ ઘટનાના કોઈ નક્કર પૂરાવા, શકમંદ કે સબૂત કંઈ જ નથી મળ્યા. આપણી પાસે છે તો ચાર પાંચ ફોટોગ્રાફ બસ. એ.સી.પી.  અજય શેલતે કંઈક અંશે નિરાશાથી કહ્યું.


Monday, November 14, 2022

બીરજુ- બીરવા ભાગ 15

 

ભાગ -15

જયપુર પીંક સીટી, રાજસ્થાનના ખૂબસુરત શહેરો પૈકીનું એક. હવા મહેલની બાંધણી અને અને કારીગરી જોવા માટે દેશવિદેશથી સહેલાણીઓ અંહિ આવે છે. જયપુરની એક જુના રાજવી ઢબે બાંધવામાં આવેલ મકાનમાં કુંદનસિંહ ચંપાવત બેઠા હતા, બોમ્બેથી રહેમતઉલ્લા નામનો કોઈ વેપારી એમને સતત મળવાના પ્રયત્નમાં હતા. એમનો જ એક માણસ આજે કુંદનસિંહ ચંપાવતને મળવા આવ્યો હતો. પ્રારંભિક વાતચીત પછી કુંદનસિંહે કહ્યું મુદ્દાની વાત કરવી હોય અને એક જ મીટીંગમાં નિર્ણય કરવો હોય તો તમારા શેઠને કહેજો. મીટીંગ મારી ટીમ જોડે અને હું કહું ત્યાં થશે તમારો ફોન નંબર આપી દો મારે કુંવર સાહેબના બીજા પણ કામ છે. સામે બેઠેલ માણસે કહ્યું, એક ફોન કરી લઉ જો આપને વાંધો ન હોય તો અને પછી જણાવું. કુંદનસિંહે હાથથી બહાર જઈ વાત કરવાનો ઈશારો કરતા તે માણસ ઉભો થઈને બહાર ગયો અને લગભગ દશેક મિનીટ પછી અંદર આવ્યો. સર, આપ જ્યારે કહો ત્યારે અને જ્યાં કહો ત્યારે મીટીંગમાં શેઠ આવવા તૈયાર છે. પણ પાર્સલ તમારે લેતા આવવું પડશે. સારૂ વાંધો નહિ પણ સામે તમારે પણ તમારું પાર્સલ લેતા આવવાનું થશે. ઉપરના પછી જોઈ લઈશું. ઓકે બાય.” કહીને કુંદનસિંહ ઉભા થઈ ગયા અને સામે બેઠેલ વ્યક્તિ પણ ઉભો થઈ ગયો.

દશેક દિવસ બાદ જયપુરના રેલવે સ્ટેશનના એક પબ્લિક ફોન ઉપરથી એક સામાન્ય માણસે એક ચિઠ્ઠીમાં લખેલ નંબર ડાયલ કર્યો. સામે છેડેથી ફોન રીસીવ થયો એટલે, આ છેડેથી સુચના આપવામાં આવી. બે દિવસ પછી સવારે 10.00 વાગે સિરોહી સ્ટેશનની સામે હોટલ રાજપૂતાના રૂમ નંબર 105 પાર્સલ લેતા આવજો તમારૂ પાર્સલ સિરોહી જ મળી જશે. રીપીટ, બે દિવસ પછી સવારે 10.00 વાગે સિરોહી સ્ટેશનની સામે હોટલ રાજપૂતાના રૂમ નંબર 105. ફોન કટ થઈ ગયો અને સામા છેડે રહેલ વ્યક્તિએ  આ માહિતી રહેમતુલ્લાને આપી.

ફોન કર્યાના બીજા દિવસે સિરોહીમાં રેલવે સ્ટેશનની સામેની હોટલ રાજપૂતાનામાં પહેલા માળ ઉપરના પાંચ રૂમ અને બીજા માળ ઉપરના ત્રણ રૂમ એક ગુજરાતી વેપારીએ બુક કર્યા હતા. કુલ આઠ રૂમમાં વીસ જણ રોકાયા હતા. મોટા ભાગના તો પોતપોતાના રૂમમાં જ રહેતા પણ રૂમ નંબર 105માંથી એક વ્યક્તિનું આવન-જાવન ચાલુ હતું.

બીજા દિવસે,  હોટલ રાજપૂતાનાના પાર્કિંગમાં બે કાર આવીને ઉભી રહી એમાંથી કુલ આઠ વ્યક્તિઓ ઉતર્યા, હોટલના રીસેપ્શન કાઉન્ટર ઉપર આવીને રૂમ નં. 105 વિશે પૂછ્યું. રૂમ બુક હતો. એટલે આવનારા મુંઝાયા. એ જ સમયે રૂમ નં. 105માંથી રીસેપ્શન ઉપર ફોન આવ્યો, આજે અમારા કેટલાક મહેમાન આવશે અમારા રૂમમાં આવવાનું કહે તો અમને જાણ કરજો. યસ સર. એ જ સમયે ઉપરના રૂમમાંથી એક વ્યક્તિ નીચે આવ્યો અને રીસેપ્શન સામે રહેલા વ્યક્તિઓને કહ્યું, આવો શેઠ, અમારા શેઠ રાહ જોઈ રહ્યા છે. રીસેપ્શન કાઉન્ટર પાસે રહેલ આઠે વ્યક્તિઓ આવનારની સાથે ઉપરના માળ ઉપર ગયા.

ઉપરના માળે રૂમ નં. 105માં આવનાર આઠ વ્યક્તિઓ દાખલ થયા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો. આવનાર દરેકનું રૂમમાં રહેલ વ્યક્તિએ ચેકિંગ કર્યું કશું જ વાંધા જનક લાગ્યું નહિ. કોઈ હથિયાર, હથિયાર તરીકે વાપરી શકાય તેવી ચીજ કે સ્પાયેકેમ કે રેકોર્ડર કોઈ જ શંકાસ્પદ ચીજ વસ્તુ નથી તેની પાકી ખાતરી કર્યા બાદ શાંતિથી બેસવાની સૂચના આપી. થોડા સમય બાદ રૂમનો દરવાજો એક ખાસ પધ્ધતિથી નોક થયો. અંદરના વ્યક્તિએ પણ સામેથી એક ખાસ પ્રકારે નોક કર્યું અને પછી દરવાજો ખોલ્યો. રૂમમાં એક સ્ત્રી અને ત્રણ પુરૂષ દાખલ થયા. બધાએ ટીપીકલ ગુજરાતી ડ્રેસ પહેર્યો હતો. આવનાર પૈકી સ્ત્રીએ રૂમમાં બેઠેલ આઠે વ્યક્તિઓને આવકાર્યા અને કહ્યુ, આવવામાં કોઈ તકલીફ નથી પડીને.?” ના કોઈ ખાસ નહિ. કુંદનસિંહજી ને મળવું છે.

કુંદનસિંહજી થોડી વારમાં મળવા આવશે. આપ, આપનું પાર્સલ વેરીફાઈ કરાવી દો.

આવનાર રહેમતઉલ્લાહ તથા તેના માણસોએ એક બીજાની સામે જોયું. એમના ચહેરા ઉપર શંકા અને ભયની મિશ્રીત લાગણીઓ સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

રિલેક્સ, ચિંતા ન કરો. આપના પાર્સલનું માત્ર વેરીફીકેશન કરવા જ મને કુંદનસિંહજીએ મોકલી છે. એ ઉપરના માળે આપના પાર્સલ સાથે બેઠા છે.

રહેમતઉલ્લાહએ બાકીના વ્યક્તિઓની સામે જોયું અને પોતાની બેગ આગળ કરી અને કહ્યું, કુલ આઠ બેગમાં કપડાની નીચે રોકડા છે. પૂરા સાત ખોખા મોટી નોટોના બંડલ આપ ગણાવી લો. સામેની ખુરશીમાં બેઠેલ સ્ત્રીએ હાથથી ઈશારો કરતા અંદરના રૂમમાંથી નોટો ગણવાનું મશીન બહાર લાવવામાં આવ્યું અને ગણતરી શરૂ કરી. રકમ પૂરી હતી એટલે એણે હાથનો ઈશારો કર્યો એટલે સાથેનો એક માણસ રૂમમાંથી બહાર ગયો. થોડી વારમાં અંદર આવીને એણે સોફામાં બેઠેલ સ્ત્રીના કાનમાં કંઈક કહ્યું. પેલી સ્ત્રીએ હકારમાં માથુ હલાવ્યું અને સામે બેઠેલ વ્યક્તિઓને કહ્યું, કુંદનસિંહજી માત્ર રહેમતઉલ્લા સાહેબને જ મળશે આપના સામાન સહિત હું અને તમે બધા અંહિયા જ રોકાઈએ છીએ.

રહેમતઉલ્લા ઉભો થયો એટલે જે વ્યક્તિ ઉપરથી સંદેશો લઈને આવેલ તે તેની સાથે ઉપરના માળ ઉપર ગયો. રૂમ નં. 205ના દરવાજે એક ખાસ પધ્ધતિથી નોક કર્યું અને અંદરથી કમ ઈનનો અવાજ આવતા દરવાજો ખોલીને રહેમતઉલ્લા સહિત બંને રૂમમાં દાખલ થયા.

Sunday, November 13, 2022

બીરજુ - બીરવા ભાગ -14

 

ભાગ-14

 

હડિયોલ ગામમાં બીજા દિવસની સવારે ચા-નાસ્તા બાદ બીરજુએ બધાને ભેગા થવા કહ્યું, વંદના તારે એક કામ એ કરવાનું છે કે કુંવર ઓમકારસિંહની પ્રોફાઈલ હેક કરવાની છે અને પ્રોફાઈલમાં તને જે કામ સોંપ્યું છે તે મુજબની ડીટેઈલ અપડેટ કરવાની છે. કુંદન તારે કુંવર ઓમકારસિંહના સેક્રેટરીનો રોલ નિભાવવાનો છે. જગા કાકા, તમારે રાજસ્થાન જવાનું છે. જયપુર ત્યાં કુંવર સાહેબના પેલેસમાં નોકરી મેળવવાની છે કેવી રીતે મેળવવી તે તમને રઘા જણાવી દેશે. બાપુ, બા અને જેમને આ કામમાં કોઈ રોલ નથી તે બધા અંહિયા જ રહેશે અને આપણે બધાએ હવે પછીથી સાદા કી-પેડ ફોન જ વાપરવાના છે. આ રહ્યા દરેકના ફોન અને દરેક ફોનમાં દરેકના નંબર સેવ છે. એ જ નામથી જે નામ તમને આ ઓપરેશનમાં આપેલ છે. જગા કાકા, તમારા માટે આ ફોન જે ક્રમમાં તમે અમને ઓળખો છો એ ક્રમમાં અમારા નંબર સેવ કરેલ છે. આવતીકાલે સવારે તમે જયપુર જવા નીકળો છો રઘાની જોડે અને રઘા તારે તારો વેશ બદલી નાખવાનો છે. માથે રાજસ્થાની પાઘડી ફરજીયાત અને ચહેરો ઢાંકેલો રાખવાનો.  દરેક જણે ક્યારે નીકળવાનું છે તે દરેકને મળેલ એસાઈનમેન્ટમાં લખેલું જ છે તો આપણે બધા આજ થી દશ દિવસ પછી જયપુર ભેગા થઈએ છીએ. હું મારું કામ પતાવીને જયપુર આવી જઈશ. હું આજે નીકળું છું મારા કામ ઉપર.

પણ બેટા તું કહે તો ખરી કે તું ક્યાં જાય છે. મંગાએ એક પિતા સહજ પોતાની લાગણી વ્યક્ત કરી.

એ હું કોઈને નહિ કહું પણ જયપુર જતા પહેલા તમને મળીને જઈશ. કોઈને કોઈ સવાલ હોય તો પૂછી શકે છે. કહી બીરજુએ હાજર બધાના ચહેરા વાંચવાના શરૂ કર્યા.

ઓકે તો હું બપોરે જમીને નીકળીશ. કહી બીરજુએ પોતાનું લેપટોપ ઓન કરી કેટલીક ક્લીક કરી.

એ બપોરે બીરજુના નીકળવાના આઠમા દિવસે હડિયોલ ગામમાં બીરજુ એના ઘરે પરત ફરી ત્યારે એક ટ્રાવેલ બેગ એની જોડે હતી. એના બાપુ મંગાને મળીને એ બીજા જ દિવસે જયપુર જવા રવાના થઈ ગઈ.

------------------------------------------------

સુરતની ઘટનાને ચાર મહિના નીકળી ગયા હતા અને કોઈ જ ક્લુ પોલીસને હાથ લાગ્યો ન હતો. જયપુરની વિજય પેલેસ હોટલમાં હમણાં જ બે મહિના પહેલા નોકરી લાગેલ જગરૂપ સિંહ ટુંકા સમયમાં હોટલના સ્ટાફનો વિશ્વાસુ બની ગયો હતો. દરવાન તરીકે નોકરી લાગેલ જગરૂપ સિંહ હોટલના બેલ બોય, રીસેપ્શનીસ્ટ, હાઉસકીપીંગ, શેફ, એડમીન દરેક વ્યક્તિનો વિશ્વાસુ બની ગયો હતો. વિજય પેલેસ હોટલની માલિકી હતી કુંવર ઓમકારસિંહની. જગરૂપસિંહને લખતા વાંચતા ખાસ આવડતું ન હતું પણ એના ખિસ્સામાં એ બે-ત્રણ પેન કાયમ રાખતો. હોટલની મૂર્તિઓની સાફ સફાઈ કરવાનું કામ આમ તો એના ભાગે નહતું પણ એણે એ કામ પોતાના ફ્રી સમયમાં કરવાનું સામેથી ઉપાડી લીધું હતું. હોટલના જ સર્વન્ટ ક્વાટરમાં એ રહેતો અને અઠવાડિયે એને મળતી એક રજામાં એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપરના એના નાનકડા ગામમાં જઈને બીજા દિવસે પરત આવી જતો.

આ ચાર મહિનાના સમયગાળામાં સોશીયલ મીડીયા ઉપર એક વ્યક્તિની એક્ટીવીટી વધી ગઈ હતી. કુંદનસિંહ ચંપાવત પોતાનો રાજસ્થાનના એક રાજઘરાનાના કુંવરના સેક્રેટરી તરીકેની ઓળખ એને આપી હતી. અલગ અલગ પ્રાચીન મૂર્તિઓ, રાજાશાહીના ફર્નિચર, રાજાશાહીના હથિયારો સાથે એની માહિતી એના સોશીયલ મીડીયા પેજ ઉપર નિયમીત આવતી રહેતી. સોશીયલ મીડીયા પેજ ઉપર કુંદનસિંહનો કોઈ સંપર્ક નંબર ન હતો.

--------------------------------------

બોમ્બે, મુંબઈ, દેશની આર્થિક રાજધાની કહી શકાય તેવું ચોવીસ કલાક જાગતું શહેર.

મુંબઈ, જ્યાં રોજ કેટકેટલાય લોકો આંખોમાં સપના લઈ પોતાનું ભાગ્ય અજમાવવા માટે આવતા હશે અને કેટલાય લોકો નિરાશ થઈને પરત પણ જતા હશે. બોમ્બેના જોગેશ્વરી વિસ્તારના એક જુના મકાનમાં કેટલાક વ્યક્તિઓ મીટીંગ કરી રહ્યા હતા. એમના સરદાર જેવા લાગતા વ્યક્તિએ બીજાને પૂછ્યું કુંદનસિંહ સાથે તારો સંપર્ક થઈ શકે તેમ હોય તો કર મારે એ મૂર્તિ જોઈએ છે. કિંમત સાત કરોડ રકમ રોકડમાં પણ મૂર્તિ અસલ જ હોવી જોઈએ.

ઉસ્તાદ, એ લાઈન ગોઠવેલી છે આપ રકમ તૈયાર રાખો પંદર દિવસ પછી તમને કુંદનસિંહ જોડે મીટીંગ કરાવી દઉં. એક રોડ છાપ મવાલી જેવા દેખાતા વ્યક્તિએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.  મુંબઈ, જેટલું વ્હાઈટ બિઝનસ માટે જાણીતું એટલું જ બ્લેક બિઝનસ માટે પણ, દાણચોરો અને અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓનું હબ પણ મુંબઈ જ. મુંબઈના જોગેશ્વરીમાં એન્ટીક મૂર્તિઓના વેપારમાં સંડોવાયેલ નામ એટલે વાડિયા એન્ડ સન્સ અને વાડિયા એન્ડ સન્સ માટે ગેરકાયદેસર  કામ કરનાર માફિયા રઉફ, રઉફને એના એક ખબરીએ માહિતી આપી હતી કે, કુંવર ઓમકારસિંહ કરીને કોઈ રાજસ્થાનના રાજઘરાનાથી છે જે પોતાની માલિકીની લક્ષ્મી-નારાયણની છ સો થી વધુ વર્ષ જૂની મૂર્તિ ખાનગી રાહે વેચાણ કરવા માગે છે અને એમના પી.એ. કુંદનસિંહના સોશીયલ મીડીયા પેજમાં આ મૂર્તિનો ફોટોગ્રાફ અને માહિતી હાલમાં જ અપલોડ થઈ છે. રઉફ દ્વારા આ માહિતી વાડિયા એન્ડ સન્સના માલિક સૌમિલ વાડિયા સુધી પહોંચી અને સૌમિલ વાડિયાએ આ મૂર્તિ ખરીદ કરવાની ઇચ્છા દર્શાવી એટલે રઉફે એના ફોલ્ડરીયાને મીટીંગ ફિક્સ કરવા સૂચના આપી.

Sunday, November 6, 2022

બીરજુ - બીરવા ભાગ - 13

 

ભાગ -13

 

ઉદેપુરના એક નાના ગેસ્ટ હાઉસમાં એક રૂમમાં પાંચ જણ બેઠા હતા. બીરજુ સિવાયના તમામના ચહેરા ઉપર અસ્વસ્થતા હતી. જ્યારે માત્ર બીરજુ જ પોતે શાંત અને સ્વસ્થ બેસેલ હતી. તારી જ ભૂલ છે સરમણ, તારી જવાબદારી હતી ડી વી આરનો ડેટા ઈરેઝ કરવાની. જો તે ડેટા ઈરેઝ કરી નાખ્યો હોત તો આપણા ફોટો ગ્રાફ પોલીસને મળ્યા જ ન હોત. રધાએ કહ્યું

શાંત રઘા, સરમણનો વાંક કાઢવાની જરૂર નથી. એણે પ્રયત્ન તો કર્યો જ હશે. પણ આપણો ડેટા તો પોલીસને મળી જ રહેત. આપણી ગણતરી એવી હતી કે, આપણને રોકડા ધરમશીની પેઢીમાંથી જ મળી જશે પણ ધરમશીએ આંગળિયા પેઢી દ્વારા ચૂકવ્યા એટલે આંગળિયા પેઢીમાંથી ડેટા ઈરેઝ થવાનો તો હતો જ નહિ. એટલે આપણો ડેટા તો પોલીસને મળી જ જાત. પણ પ્રશ્ન એ છે કે, અમરેલીની તપાસ સુરત કેવી રીતે પહોંચી?” શાંત અને સ્વસ્થ અવાજે બીરજુએ એના સાથીઓને કહ્યું.

તો હવે ?”

હવે હાલ કોઈ જ કાંડ નહિ. આપણી પાસે પૂરતી રકમ છે કે આપણને એક વર્ષ સુધી કોઈ વાંધો ન આવે. નવો પ્લાન કરીએ અને કંઈક મોટો હાથ મારીએ. બીરજુએ કહ્યું.

બે ત્રણ દિવસ બીરજુ અને એના સાથીઓએ ઉદેપુરમાં પસાર કર્યા. એ પછીની એક સાંજે સહેલીઓ કી બાડી જોઈને પરત આવતા એક રોડ સાઈડની હોટલ ઉપર બીરજુ અને એના સાથીઓ જમવા બેઠા. તેમની પાછળના ટેબલ ઉપર બે વેપારી જમી રહ્યા હતા. એમની વચ્ચે ધીમા અવાજે થતી વાત-ચીતથી બીરજુના કાન સરવા થયા. લક્ષ્મી-નારાયણની મૂર્તિ છે. લગભગ છસો વર્ષ પુરાણી છે. કુંવર ઓમકાર સિંહ જીને વેચવી છે. એક જણ બીજાને કહી રહ્યો હતો.

તો એમાં તકલીફ શું છે.?” બીજાએ કહ્યું

તકલીફ એ છે કે, ગ્રે માર્કેટમાં એની કિંમત કરોડોની છે એટલે સરકારની નજરમાં આવ્યા વગર આ કામ કરવાનું છે. ઓમકાર સિંહ હાલ તો ઓસ્ટ્રેલિયા છે છ મહિના પછી જયપુર આવે ત્યારે વાત.

બીરજુએ વાત નોંધી લીધી, કુંવર ઓમકાર સિંહ, જયપુર, લક્ષ્મી-નારાયણની મૂર્તિ અને છસો વર્ષ જુની એન્ટીક. ચહેરા ઉપરના કોઈ જ ભાવ બદલ્યા વગર જમી લીધું અને જમ્યા પછી તરત જ આદેશાત્મક સ્વરે સાથીઓને કહ્યું, કાલે સવારે પરત જવાનું છે. સામાન પેક કરી લે જો.

બીરજુની વયના બધા જ સભ્યોએ નવા સરદાર તરીકે બીરજુને સ્વીકારી જ લીધી હતી એટલે એની વાત ઉથામવાની કે એની વાતમાં શંકા કરવાની કોઈ જ શક્યતા ન હતી. જમીને બીરજુ અને એના સાથીઓ ગેસ્ટ હાઉસમાં પરત આવ્યા અને સામાન પેક કરવા લાગ્યા.

----------------------------------

સર જ્હોન્સન વિલિયમના આઈ ડીમાં ફોટો મોર્ફ કરવામાં આવ્યો છે અને બહુ સિફતથી આ કામ કરવામાં આવ્યું છે. ઝેરોક્ષ માં જે બ્લર ફોટો છે તેને ક્લીયર કર્યો તો આવો ચહેરો દેખાય છે. કેતવે એ.સી.પી. અજય શેલતને માહિતી આપી અને સાથે સાથે એક પ્રિન્ટ આઉટ આપી. અને બીજી એક વાત સર, આ ફોટોગ્રાફમાં રહેલ વ્યક્તિનો નાક નકશો સુરત વાળા સંજય શાહ અને અમરેલી વાળા સુબ્રમણ્યમને ઘણા અંશે મળતો આવે છે. એટલે આ વ્યક્તિ જ સંજય શાહ અને સુબ્રમણ્યમ હોઈ શકે અથવા આ વ્યક્તિ અને સંજય શાહ ઉર્ફે સુબ્રમણ્યમના વચ્ચે લોહીનો કોઈ સંબંધ હોય. એ.સી.પી. અજય શેલત જ્યારે ફોટોગ્રાફ ધ્યાનથી જોઈ રહ્યા હતા ત્યારે કેતવે લેપટોપની સ્ક્રીન એ.સી.પી. અજય શેલત તરફ ફેરવી. સ્કીન ઉપર બે ફોટોગ્રાફ હતા એક સંજય શાહનો અને એક જેની પ્રિન્ટ આઉટ એ.સી.પી. અજય શેલતના હાથમાં હતી તેનો અને એક સોફ્ટવેર તે બંને ફોટા વચ્ચેના ફેસ મેચિંગની ટકાવારીનો આંકડો દર્શાવી રહ્યું હતું. વેરી ગુડ જોબ કેતવ, બટ સ્ટીલ વી ડોન્ટ હેવ એની ક્લુ ઓફ ધીઝ સંજય ઓર સુબ્રમણ્યમ. એ.સી.પી. અજય શેલતે કેતવના કામને વખાણવાની સાથે વાસ્તવિક પરિસ્થીતીનો અણસાર પણ આપી દીધો.

સર, એક રસ્તો થાય, સ્ટેટ હાઈવેના દરેક ચેક પોસ્ટ, ટોલ ટેક્સના સી સી ટીવી ફુટેજ મેળવવામાં આવે તો શક્ય છે કે સંજય શાહ ઉર્ફે સુબ્રમણ્યમને ટ્રેસ કરી શકાય.

એ પ્રોસેસ ચાલુ જ છે. પણ, આટલા બધા ટોલટેક્સના ફુટેજ ચેક કરવા અને પ્રાઈવેટ વ્હિકલમાં શોધવું સરળ છે પણ જો સરકારી વાહનમાં મુસાફરી કરી હોય તો ઈટ્સ ટુ ટફ. એ.સી.પી. અજય શેલતે પરિસ્થિતીનો ચિતાર આપવાની સાથે પોતાની અકળામણ રજૂ કરી.

------------------

 ઉદેપુરથી આબુ જતી ટ્રેનના જનરલ ડબામાં ઉદેપુરથી પાંચેક મુસાફરો ચઢ્યા. સાવ સાદા કપડા અને પોતાનો સામાન પોટલું વાળીને રાખેલો. જ્યાં જગ્યા મળી ત્યાં પોટલું મૂકી એના ઉપર ગોઠવાઈ ગયા. આબુ ઉતરી ત્યાંથી લોકલ જીપમાં અંબાજી આવ્યા અને એક સામાન્ય ગેસ્ટ હાઉસમાં રોકાયા.

આ ખબર નથી પડતી કે તું આમ કાયમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ યુઝ કરવાનું કેમ કહે છે.?” રાતની નીરવ શાંતિમાં કોઈ જ સાંભળતું નથી તેની ખાતરી કર્યા બાદ બીરજુને રઘાએ પૂછ્યું.

તારા અને મારા ફોટોગ્રાફ મામાના હાથમાં આવી ગયા છે એટલે આપણા ફોટોગ્રાફ લગભગ દરેક ચેક પોસ્ટ અને ટોલટેક્સ બુથ ઉપર પહોંચી જ ગયા હશે. આવામાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સલામત રહે આટલું તો વિચાર. બીરજુએ કંઈક નારાજગીથી રઘાને સમજાવ્યો.

તો આમ ક્યાં સુધી રહેવાનું.?”

હમણાં તો શાંતિ જ રાખ અને એસાઈનમેન્ટ વિચારેલું જ છે. સમય આવે ત્યારે તને અને બાકીના બધાને જાણ કરીશ. બીરજુએ કહ્યું. અને હા આવતીકાલે ઘરે જવા નીકળીએ છીએ.

 

દશ દિવસ બાદ હડિયોલ ગામના બીરજુના મકાનના ફળિયામાં બીરજુ, રઘો, સરમણ, મંગો, જગો, અને બીરજુની ઉંમરના બીજા સાત-આઠ વ્યક્તિઓ બેઠા હતા. બીરજુના પ્લાનીંગ અને આવડત ઉપર ભરોસો રાખીને બધાએ એને આગામી સરદાર તરીકે સ્વીકારી લીધી હતી એટલે એની વાત ઉપર શંકા કરવાનો કોઈ સ્વપ્નમાં પણ વિચારતું નહિ.

આ પ્રિન્ટ આઉટ લઈ લો. દરેકના ઉપર જે તે સભ્યનું નામ લખેલ છે અને કોને શું રોલ ભજવવાનો છે તેની રજેરજની માહિતી. રઘા તારા અને મારા ફોટોગ્રાફ મામા  (પોલીસ)ના હાથ લાગ્યા છે એટલે આપણે બંને અને સરમણ આ ઓપરેશનમાં પડદા પાછળ રહીશું. આ છે કુંવર ઓમકાર સિંહ, કહીને બીરજુએ પોતાના લેપટોપ ઉપરની સ્ક્રીન બધાની સામે કરી. સ્ક્રીન ઉપર એક જાજરમાન યુવા વ્યક્તિત્વ દેખાઈ રહ્યું હતું.

તમને આપવામાં આવેલ પ્રિન્ટ આઉટમાં આમના વિશેની તમામ માહિતી છે. આજે રાત્રે બધાએ વાંચી લેવાની છે અને આવતીકાલે સવારે ચા-નાસ્તા બાદ ફરીથી મળીએ ત્યારે આગળની યોજના જણાવીશ. આટલું કહી બીરજુ એ પોતાનાથી બે વર્ષ નાની સરમણની બહેન –વંદના તરફ જોઈને કહ્યું, વંદના તારા કોમ્પ્યુટરની ડિગ્રીનો કમાલ બતાવવાનો તને આ વખતે મોકો મળશે અને કુંદન તને તારા અભિનય દર્શાવવાની તક પણ, ચાલો જય માતાજી, શુભ રાત્રી. કહીને એ એક સ્મિત કરીને પોતાના રૂમમાં જવા લાગી.

---------------------------------------

લગભગ એ જ સમયે અમદાવાદની ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં એ.સી.પી. અજય શેલત અને કેતવ અમરેલી અને સુરત કેસના પેપરની ફાઈલો બંધ કરી રહ્યા હતા. કોઈ જ નક્કર પૂરાવા કે અન્ય માહિતી મળી ન હતી. ફાઈલ બંધ કરતા કેતવે કહ્યું, સર આ જે કોઈપણ ગેંગ છે એનો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી. અમરેલી કેસના સ્ટેટમેન્ટ જોઈએ તો આ લોકો સારૂ એવું ભણેલા છે અને ટેકનોલોજીના જાણકાર પણ. સુરતના કેસમાં ધરમશીને જે કાચા હિરી આપ્યા તે કાર્બોનાઈઝ્ડ હતા એટલી સીફતથી હિરા કાર્બોનાઈઝ્ડ પ્રોસેસ કરવામાં આવ્યા હતા કે ધરમશીને પણ ખબર ન પડી કે આ હિરા ફિનીશીંગ પ્રોસેસમાં તૂટી જશે. સર, મારું માનવું છે કે આ ગેંગ બહુ લાંબો સમય સુધી શાંત નહિ રહે. હાલ એમણે કોઈ નવી યોજના ઉપર કામ શરૂ કરી જ દીધું હશે અને ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય પણ ક્યાંક તો ભૂલ કરી જ બેસે છે.

કેતવ ધેટ ઓલ આઈ નો બટ આ ગેંગ હવે શું કરવાની છે તેનો કોઈ જ ક્લુ નથી. વ્હોટ કેન વી ડુ?” કંઈક કંટાળા સાથે એ.સી.પી. અજય શેલતે કહ્યું.

સર વેઈટ, ઓબ્ઝર્વ એન્ડ વોચ.” કેતવે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.

ઓકે ડુ વ્હોટ એવર યુ થીંક ચેરમાંથી ઉભા થતા એ.સી.પી.અજય શેલતે સૂચના આપી.