Sunday, December 25, 2022

બીરજુ બીરવા ભાગ – 22

 

 બીરજુ બીરવા ભાગ – 22

રઘુનંદન ઉર્ફે રઘાને બોલતો સાંભળીને જગજીવન ઉર્ફો જગાએ બંનેને કહ્યું, મારે, તમારા અને અજયના સંબંધો ક્યારથી છે અને એ આપણા વિશે શું જાણે છે અને તમે પોલીસ સાથે કેમ ઘરોબો કેળવ્યો બધી જ માહિતી જોઈએ છે. ટોળીના સરદાર તરીકે  આ મારો હુકમ પણ છે.

રઘુનંદન ઉર્ફે રઘો એના પિતા જગાના બુલંદ અવાજથી આદેશાત્મક રીતે પૂછાયેલ આ સવાલનો જવાબ આપવો કે નહિ ? તે અંગે સહેજ વિચારમાં પડ્યો. બીરવાએ રઘુનંદનના ચહેરાની સામુ જોઈને જાણે એની મનોસ્થિતીનો તાગ મેળવી લીધો હોય તેમ તરત જવાબ આપ્યો, સરદાર આપના હુકમ અને ટોળીના પ્રસ્થાપિત નિયમો વચ્ચે પરસ્પર વિરોધાભાસ થાય છે. ટોળીનો નિયમ છે કે, ટોળીની બહારના કોઈપણ વ્યક્તિ દ્વારા ટોળીને કે તેના કોઈપણ સભ્યને મદદ મળતી હોય અગરતો આવી મદદ મળી હોય તો તે સભ્યનું નામ અને માહિતી ટોળીના સરદારને પણ આપવાની મનાઈ છે. તે છતાં આપની આમાન્યા જાળવતા હું એટલું કહીશ કે, રાજસ્થાનની ઘટનામાં અજયે આપણને મદદ કરી હતી. તેમજ અમારા ભાઈ-બહેનના સંબંધો અને રઘુનંદન તથા અજય વચ્ચેની મિત્રતાના સંબંધોના કારણે ટોળીને કોઈ જ નૂકશાન નથી કે આગળ પણ કોઈ ભય નથી અને આ વાત ઉપર હવે આગળ કોઈ જ ચર્ચા કરવી મને જરૂરી લાગતી નથી. બીરવાના દ્વારા સરદારને યાદ કરાવેલ નિયમથી વાત વણસી જાય તેવું વાતાવરણ થતું જોઈને મંગળદાસ ઉર્ફે મંગાએ કીધું. બીરજુ, બેટા, સમજી વિચારીને સંબંધોમાં આગળ વધવું. ટોળીનો નિયમ બરાબર છે અને તમે એ પાળ્યો એ પણ સારી વાત છે. પણ સરદાર પૂછે એ માહિતી આપવી જોઈએ એમ હું માનું છું. તમે હાલ આપવા ન માંગતા હોવ તો વાંધો નહિ. બીરવા અને રઘુનંદન બંને એ એકબીજા સામું જોયું અને પછી જગજીવન ઉર્ફે જગા તથા મંગળદાસ ઉર્ફે મંગાની રજા માંગી બંને રૂમમાંથી નીકળી ગયા.

થોડીવાર વાતાવરણમાં નીરવ શાંતિ ફેલાઈ ગઈ. જગાને પોતાનું અપમા થયું હોય તેવું લાગ્યું. મંગળદાર ઉર્ફે મંગાએ જગાના ચહેરાને વાંચી લીધો. થોડીવારની શાંતિ પછી મંગાએ જગાને કહ્યું, છોકરાઓ આપણા કરતા પણ હોંશિયાર છે. જે કરે છે તે વિચારીને જ કરે છે. જો એક વાત સમજ, હાલના જમાનામાં જૂની પધ્ધતિ અને વિચારધારા કામની નથી. આજે આપણે એક પ્રતિષ્ઠા ભર્યું જીવન જીવીએ છીએ તો તેના મૂળમાં આ છોકરાઓ જ છે અને બીજી વાત, ટોળીના નવી પેઢીના બધા જ છોકરાઓએ બીરજુને પોતાની સરદાર ગણી લીધી છે. રઘાએ પણ. એટલે આપણે આપણી મર્યાદા સચવાય તેવી રીતે જ વાત કરવી પડે. તારી વાત સાચી છે. આજે પોલીસ અધિકારી છેક આપણા આંગણે આવી રાત રોકાઈ અવસર માણીને ગયો. પોલીસનો ભરોસો નહિ એ સાચી વાત. પણ એણે પણ અંહિયા આવતા પહેલા પોતાની નોકરી, હોદ્દા અને સામાજિક પ્રતિષ્ઠાના જોખમનો અંદાજ લગાવ્યો જ હશે અને પછી એને અંહિ આવવાનું યોગ્ય લાગ્યું હશે તો જ આવ્યો હશે અને હવે આપણે પણ ક્યાં આપણા જૂના ધંધામાં છીએ. જગાને મંગાની વાત સાચી લાગી એના મનને શાંતિ થઈ અને ચહેરા ઉપર સ્મિત આવ્યું. બીરવા અને રઘુનંદનના  લગ્નના પંદર દિવસ પૂરા થઈ ગયા હતા. ઉદય ટ્રસ્ટની પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહેલ હતી.

બીરવા અને રઘુનંદનના લગ્નનો પ્રથમ મહિનો પૂરો થયો એ સાંજે જગજીવને પોતાની ટોળીના સભ્યો માટે એક સમૂહ ભોજનનું આયોજન કર્યું, મંગાને પણ કારણની ખબર ન હતી. સમૂહ ભોજન બાદ જગાએ બુલંદ અવાજે કહ્યું, સહુને જય માતાજી આજે તમને બધાને એક ખાસ વાત કહેવાની છે. પોતપોતાના ગ્રુપમાં રહેલ બધાનું ધ્યાન જગજીવન ઉર્ફે જગા તરફ ગયું ધીમે ધીમે બધા જ જગાની નજીક આવી ગયા. ટોળીના સરદાર આજે કંઈક જણાવવા માંગતા હતા. બધાને નજીક આવી ગયેલા જોઈ તે અંગેની ખાતરી કરી લીધા બાદ, જગાએ આગળ કહ્યું, માતાજીની દયાથી આપણે બધા આજે એક ખૂબ સારી રીતે જીવી રહ્યા છીએ. આપણા ભૂતકાળના જીવન એ સમયની રઝળપાટ એ તમને બધાને યાદ હશે જ. તમારામાંથી કેટલાક એ વખતે બહુ નાના હતા અને કેટલાકનો તો જન્મ પણ નહતો થયો. મારી પેઢીના લોકોને એ રઝળપાટ અને સતત વિચરણ અને એ બધી જ ઘટનાઓ યાદ હશે. સમય બદલાયો અને બીરજુની કળા જોઈને એની ભણવાની માંગણી જોઈને મેં બીરજુ સહિત તમને બધાનો ભણાવવાનું નક્કી કર્યું સાથે સાથે વારસાગત જે શીખ્યા હતા જે આવડતું હતું તે બધું જ તમને જણાવ્યું શીખવ્યું. મારી અગાઉના સરદારે મને તેમની હયાતીમાં જ સરદાર તરીકેની જવાબદારી આપી અને મેં આ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી, સમય થઈ ગયો છે કે, હું પણ નવા સરદારની નિમણુંક કરી નિવૃત્ત થઈ જાવું. આટલુ કહ્યા પછી જગજીવને એક વિરામ લીધો અને સામે ઉભેલા એની ટોળકીના સભ્યોના ચહેરા ઉપર એક નજર ફેરવી. લગભગ દરેકના ચહેરા ઉપર આશ્ચર્યના ભાવ હતા. થોડાક વિરામ બાદ જગજીવને આગળ કહ્યું, મારી આગળના સરદારે મને નિયુક્ત કર્યો હતો હું ટોળકીના નવા સરદાર તરીકે બીરજુ એટલે બીરવાને નિયુક્ત કરું છું. જગજીવનની જાહેરાત સાંભળીને ટોળકીના સર્વેએ તાળીઓ પાડી નવા સરદારને વધાવી લીધા. બીરજુ ઉર્ફે બીરવાએ આગળ આવીને પોતાના પિતા મંગળદાસ ઉર્ફે મંગાના તથા સસરા જગા ઉર્ફે જગજીવનના ચરણ સ્પર્શ કર્યા. એ પછી ટોળકીના સર્વે વડીલોના ચરણ સ્પર્શ કર્યા, નવી પેઢીના લોકોએ બીરજુને શુભેચ્છાઓ આપી. મોડી રાત સુધી વાતોનો દોર ચાલ્યો આખરે બીરજુ ઉર્ફે બીરવાએ દરેકને આરામ કરવા જવા જણાવ્યું અને સમારંભ પૂરો થયો.

Sunday, December 18, 2022

બીરજુ બીરવા ભાગ – 21

 

 બીરજુ બીરવા ભાગ – 21

શું ભાઈ, તું પણ આમ ડર લાગે એવી રીતે જોઈ રહ્યો હતો. બીરવા બોલી ઉઠી અને સી.પી. અજય શેલતની ઓફિસમાં હાજર રહેલ ત્રણે વ્યક્તિઓ બીરવા, રઘુનંદન અને અજય હસી પડ્યા અને એમના હાસ્ય ઓફિસની બહાર પણ પડઘાઈ રહ્યું. જો ભાઈ, આ અમારા લગ્નની કંકોત્રી, તારે આવવાનું જ છે. એ પછી બીજી આડી અવળી વાતો કરીને બીરવા અને રઘુનંદન સી.પી. અજય શેલતની રજા લઈને નીકળ્યા. સામખિયાળીમાં બીરવા અને રઘુનંદનના લગ્નની તૈયારી પૂરજોશમાં અને છેલ્લા તબક્કામાં ચાલી રહી હતી. બીરવા અને  રઘુનંદનના લગ્ન માટે વાડી નોંધાવવામાં આવી હતી. બીરવાએ એક રૂમ અલગથી ખાલી રખાવ્યો હતો. જગજીવન અને મંગળદાસે આ રૂમ કોના માટે એવી પૂછપરછ કરતા બીરવાએ એટલું જ કીધું હતું કે, મારા ભાઈ માટે. જગજીવન અને મંગળદાસ કંઈ જ સમજ્યા નહિ પણ બીરવાની વાતનો કોઈએ વિરોધ પણ ન કર્યો. લગ્નના દિવસની આગલી સાંજે સામખિયાળીમાં એક સફેદ ટોયોટા ઈનોવા ગાડી આવીને આંગણે ઉભી રહી. ડ્રાઈવર સાઈડ ઉપર બેઠેલ વ્યક્તિએ દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો. પ્રભાવશાળી ચહેરો ક્લીન શેવ્ડ કરેલ હતો. ટુંકા ક્રુ કટ વાળ પડછંદ હાઈટ બોડી ડેનિમ બ્લ્યુ પેન્ટ અને વ્હાઈટ શર્ટમાં એ સોહામણો લાગતો હતો. બીરવા અને રઘુનંદન આવનારના સ્વાગત માટે ઘરના આંગણે આવી ગયા. બીરવા અને રઘુનંદને આવનારનું ઉમળકા ભેર સ્વાગત કર્યું અને બીરવાએ કહ્યું, આવી ગયો ભાઈ. રસ્તામાં કોઈ તકલીફ નથી પડીને?” આવનારે કહ્યું, “ના રે મને શું તકલીફ પડવાની?” કહી પોતાના બંને હાથ પહોળા કર્યા અને બીરવા અને રઘુનંદન બંને આવનારને ભેટી પડ્યા. જગજીવન અને મંગળદાસ બાધાની જેમ આ જોઈ રહ્યા હતા. બીરવાની પાછળ પાછળ આવેલ હેમંત ઉર્ફે સરમણે ગાડીમાંથી આવનારની બેગ પોતાના હાથમાં લઈ લીધી. બીરવાની પાછળ પાછળ બધા જ વાડીમાં દાખલ થયા. બીરવાના રૂમની બાજુમાં બીરવાએ ખાલી રખાવેલ રૂમમાં આવનારનો સામાન મૂકવામાં આવ્યો. સાંજે સંગીત સંધ્યા હતી. બીરવા અને રઘુનંદન જે રીતે આવનારની સરભરા સાચવતા હતા તે જોઈને જગજીવન અને મંગળદાસને એટલો ખ્યાલ આવી ગયો હતો કે, આવનાર બહુ જ ખાસ છે જેને બીરવા પોતાનો ભાઈ ગણે છે. સંગીત સંધ્યા પત્યા પછી બીરવાએ આવનારનો પરિચય જગજીવન અને મંગળદાસ પોતાના પિતા અને સસરાને કરાવ્યો, બાપુ આ છે અજય શેલત. કમિશ્નર ઓફ પોલીસ, રાજકોટ, મારો ભાઈ. પોલીસ શબ્દ સાંભળીને જગજીવન અને મંગળદાસના ચહેરા ઉપર ચિંતા દેખાઈ આવી. આવો સાહેબ, અમારા આંગણે આપ મહેમાન બન્યા અમારા જીવન ધન્ય થઈ ગયા. મંગળદાસે સ્વસ્થતા કેળવીને અજય શેલતને આવકારો આપ્યો. આવવાનું જ હતું. બેનીને વચન જે આપ્યું હતું અને હું અંહિયા પોલીસ અધિકારી તરીકે નહિ પણ બીરવાના ભાઈ તરીકે આવ્યો છું. અજય શેલતે જણાવ્યું. બીરવા અને રઘુનંદનના લગ્નનો પ્રસંગ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો. ચોરીમાં જવ-તલ હોમવાની વિધી સી.પી. અજય શેલતે કરી. લગ્નના બીજા દિવસે અજય શેલતે પરિવારના સર્વેની રજા લઈને વિદાય લીધી ત્યારે મંગળદાસ અને જગજીવને નિરંતનો શ્વાસ લીધો. સાંજે જગજીવને રઘુનંદન અને બીરવાને પોતાના રૂમમાં આવવા કહ્યું. બીરવા અને રઘુનંદને સાંજે લગભગ જોડે જ જગજીવન ઉર્ફે જગાના રૂમમાં પ્રવેશ કર્યો. મંગળદાસ ઉર્ફે મંગો પણ જગજીવનની જોડે જ હતો. બંને વડીલોના ચહેરા ઉપરથી બીરવા સમજી ગઈ કે વાત સીધી જ અજય શેલત સાથે સંકળાયેલી હશે. બીરવા અને રઘુનંદને બંને વડીલોના ચરણ સ્પર્શ કર્યા અને રૂમમાં સામે ગોઠવેલ ખુરશીમાં બેઠક લીધી.

બીરવા, તમને સમજાવવા તો ન પડે કે આપણે પોલીસથી એક અંતર રાખવું આપણા માટે સારૂ છે. સીધી જ મુદ્દાની વાત કરતા જગજીવનદાસે બીરવાને કહ્યું.

બીરવા કંઈ જવાબ આપે તે પહેલા જ રઘુનંદને કહ્યું, બાપુ, તમે ખોટી ચિંતા કરો છો. હું બીરવા અને અજય અમે જોડે જ ભણતા હતા અને હા, અજયને આપણા ભૂતકાળની ખબર જ છે.

જગજીવન  અને મંગળદાસ બંને એકબીજાની સામું આશ્ચર્યથી જોઈ રહ્યા.

Sunday, December 11, 2022

બીરજુ બીરવા ભાગ -20

 

 બીરજુ બીરવા ભાગ -20

એક જ સમાજ હતો અને બધા જ એક બીજાને સારી રીતે ઓળખતા હતા એટલે બીરવા અને રધુનંદનના લગ્ન થાય એમાં કોઈને કોઈ વાંધો કે વિરોધ ન હતો. બે ખાસ મિત્રો જગો ઉર્ફે જગજીવનદાસ અને મંગો ઉર્ફે મંગળદાસ વેવાઈ બનવાના હતા. સારા ચોઘડિયામાં ગોળધાણા ખવાઈ ગયા, જગજીવનદાસની પત્ની શારદાએ બીરવાને ચુંદડી ઓઢાડી. સગપણનો પ્રસંગ સારી રીતે પૂર્ણ થયો. ઉદય ટ્રસ્ટના મુખ્ય તમામ કાર્યકર્તાઓએ પ્રસંગ માણ્યો હતો. દરેકના ચહેરા ઉપર ખુશી હતી. પ્રસંગ બાદ જગજીવન અનં મંગળદાસ બંને ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા હતા. એમના સમાજમાં આટલી સારી રીતે ધામધુમથી કોઈ જ પ્રસંગ થયો ન હતો. ક્યાંથી થયો હોય? ભૂતકાળમાં એમની પ્રવૃત્તિઓ જ એવી હતી કે કોઈ એક સ્થાને લાંબો સમય રોકાઈ શકાય તેવું હોય જ નહિ. બીરવા ઉર્ફે બીરજુની ભણવાની માંગણી સ્વીકારી અને નવી પેઢીના બાળકોને ભણાવ્યા એ જ બાળકોએ આજે મોટા થઈને પોતાની વંશપરંપરાગત આવડત જાળવી રાખીને માન્યામાં ન આવે એવા કારસ્તાનો કરી બતાવ્યા હતા અને હવે શાંતિથી એક પ્રતિષ્ઠિત જીવન જીવી રહ્યા હતા અને પોતાના સમગ્ર સમાજ – કબીલાને પણ એક પ્રતિષ્ઠિત જીવન આપ્યું હતું.

-----------------------

અમરેલીની ઘટનાને પાંચ વર્ષ થઈ ગયા હતા અને પોલીસ ચોપડે પણ આ ફાઈલ બંધ કરી દેવામાં આવી હતી. તે જ રીતે સુરતની ઘટનાને પણ ચાર વર્ષ ઉપર સમય થઈ ગયો હતો. જયપુરની ઘટના થોડો સમય ચર્ચામાં રહી પણ એની વાતો પણ ધીમે ધીમે ઠંડી પડી અને બંધ થઈ ગઈ. આ પાંચ વર્ષના સમયગાળામાં એ.સી.પી. અજય શેલતે આ ત્રણ કેસ સિવાયના લગભગ બધા જ કેસ સોલ્વ કર્યા હતા. જેમાં બળાત્કાર, હત્યા, લૂંટ અને તેના જેવા ગંભીર ગુનાનો સમાવેશ થતો હતો. એ.સી.પી. અજય શેલતની કામગીરીની પ્રશંસા કરતા રાજયપાલ શ્રીના હસ્તે પોલીસ ગેલન્ટ્રી મેડલ એ.સી.પી. અજય શેલતને આપવામાં આવ્યો. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. પોલીસ મેડલની સાથે સાથે એ.સી.પી. અજય શેલતને પ્રમોશન અને ટ્રાન્સફર બંને આપવામાં આવી. એ.સી.પી.માંથી સી.પી.  અને ટ્રાન્સફર અમદાવાદથી રાજકોટ.

--------------------------------

બીરવા અને રધુનંદનના લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી. આમંત્રણ પત્રિકા લખાઈ ગઈ હતી. ઉદય ટ્રસ્ટની સાથે સંકળાયેલ મહત્વના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના લગ્નની કેટલીક પત્રિકાઓ બીરવા અને રઘુનંદને જાતે આપવા જવાનું નક્કી કર્યું હતું અને આવી જ એક પત્રિકા લઈ તેઓ રાજકોટ જવા રવાના થયા. એક સવારે, રાજકોટ પોલીસ કમિશ્નરની કચેરીના મેઈન ગેટ ઉપર આવીને એક ગાડી ઉભી રહી. ગેટ ઉપરના સંત્રીએ નામ પૂછ્યું, બીરવા અને રઘુનંદને પોતાના નામ જણાવી પોતાના આઈ.ડી.કાર્ડ આપ્યા. સંત્રીએ જરૂરી વિગતો નોંધી ગાડી ચેક કરી અંદર પાર્કિંગમાં ગાડી પાર્ક કરાવી. બીરવા અને રઘુનંદને વેઈટીંગ લોન્જમાં થોડી વાર રાહ જોઈ લગભગ પાંચેક મીનીટમાં વેઈટીંગ લોન્જનો લેન્ડ લાઈન રણકી ઉઠ્યો. ફરજ પરના સાર્જન્ટે ફોન રીસીવ કર્યો અને સામે છેડેથી આપવામાં આવેલ સૂચના પૂરી થતા યસ સર કહીને ફોનનું રીસીવર ક્રેડલ ઉપર મૂકી બીરવા અને રઘુનંદનની સામે જોઈ કહ્યું, આપને સર બોલાવે છે. ફર્સ્ટ ફ્લોર, લેફ્ટ હેન્ડ સાઈડ સેકન્ડ કેબીન. ઓકે સર કહી બીરવા અને રઘુનંદન ઉભા થયા અને સાર્જન્ટે દર્શાવેલ ચેમ્બરનો દરવાજો નોક કર્યો અંદરથી અવાજ આવ્યો કમ ઈન અને બીરવા અને રઘુનંદન બંને ચેમ્બરમાં દાખલ થયા. સી.પી. રાજકોટ, અજય શેલત એમની ઓફિસ ચેરમાં બેઠા બેઠા બીરવા અને રઘુનંદનને જોઈ રહ્યા હતા.થોડીક ક્ષણો પછી એમના ચહેરા ઉપરની કરડાકીના સ્થાને કિશોરાવસ્થાનું સ્મિત આવી ગયું અને એ જોઈ બીરવા બોલી ઉઠી, શું ભાઈ, તું પણ આમ ડર લાગે એવી રીતે જોઈ રહ્યો હતો.

Sunday, December 4, 2022

બીરજુ બીરવા ભાગ-19

 

 બીરજુ બીરવા ભાગ-19

બીરજુને પોતાની યોજના જણાવ્યે એક મહિનાનો સમય પસાર થઈ ગયો હતો. સામખિયાળીમાં ઉદય નામના ટ્રસ્ટની ઓફિસનું ઓપનીંગ થઈ રહ્યું હતું. મુખ્ય ટ્રસ્ટી તરીકે બીરવા પરિહાર અને રઘુનંદન પરિહાર હતા. સ્થાનીક રાજકીય વ્યક્તિઓ ઉપસ્થિત હતા.  ઉદય ટ્રસ્ટની ઓફિસે બે વડીલો નિયમિત બેસતા મંગળદાસ પરિહાર અને જગજીવન પરિહાર.

ઉદય ટ્રસ્ટની પ્રવૃત્તિ ધીમે ધીમે વિસ્તરી રહી હતી. વંદિતા પરિહાર અને તેની સહેલીઓ કચ્છના નાનામાં નાના ગામડા સુધી પહોંચી ગઈ હતી. કચ્છી ભરતકામ કરતી સ્ત્રીઓને તેમના ભરતકામની કળા બદલ સારી એવી રકમ મળતી થઈ ગઈ હતી. ઉદય ટ્રસ્ટ દ્વારા કચ્છી ભરતકામ વાળી ચીજ વસ્તુઓ ભારત બહાર પણ અન્ય દેશોમાં વેચાવા લાગી હતી. ઘીમે ધીમે કચ્છી ભરતકામની ચીજ વસ્તુઓ સાથે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ઉદય ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

સમય પસાર થતો ગયો અને ઉદય ટ્રસ્ટની ખ્યાતિ અને પ્રસિધ્ધિ પણ વધતી ગઈ સાથે સાથે આવક પણ. આખરે ભાડાની ઓફિસના બદલે ઉદય ટ્રસ્ટની પોતાની માલિકીની ઓફિસના બિલ્ડીંગનું ઉદ્ઘાટન થવાનું હતું. કચ્છના સ્થાનિક ધારાસભ્યના હાથે દિપ પ્રાગટ્ય કરાવવાનું હતું.

--------------------

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી ગેટ પાસે એક વેગન આર કાર આવીને ઉભી રહી. એન્ટ્રી ગેટ ઉપરના હવાલદારે આવનારનું નામ અને કારણ પૂછ્યું, ગાડીમાં ડ્રાઈવીંગ સીટ ઉપર બેઠેલ યુવતી નીચે ઉતરી અને પોતાનું કાર્ડ આપ્યું બીરવા પરિહાર ટ્રસ્ટી ઉદય ટ્રસ્ટ અને જણાવ્યું કે, એ.સી.પી. અજય શેલત સરને ઈન્વીટેશન કાર્ડ આપવા માટે મળવું છે. ઈન્ટરકોમ ઉપર એ.સી.પી. અજય શેલતને જાણ કરવામાં આવી. ફોન ઉપરની સૂચનાને અનુસરીને, ગેટ ઉપરના હવાલદારે ગાડી પાર્ક કરવાની સૂચના આપી, આવનારને ચેક કરીને વેઈટીંગ રૂમમાં બેસાડ્યા. થોડીવારમાં જ એ.સી.પી. અજય શેલત વેઈટીંગ રૂમમાં આવ્યા. પ્રભાવશાળી વ્યક્તિત્વને પરિચયની જરૂર નથી હોતી. એ.સી.પી. અજય શેલતની  પ્રતિભા જ એમનો પરિચય આપી રહી હતી. આમંત્રણ આપવા આવનાર પોતાની ચેર ઉપરથી ઉભા થઈ ગયા અને આદર પૂર્વક નમસ્કાર કર્યા. બોલો શું લેશો ચા કે કોફી?” એ.સી.પી. અજય શેલતે પૂછ્યું ના સર કંઈ જ નહિ. આપને આ આમંત્રણ કાર્ડ આપવાનું છે. કહીને યુવતીએ પોતાના હાથમાં રહેલ કાર્ડ એ.સી.પી. અજય શેલત તરફ લંબાવ્યું. મારું નામ બીરવા પરિહાર અને આ રઘુનંદન પરિહાર. અમે, કચ્છના સામખિયાળીમાં ઉદય ટ્રસ્ટ ચલાવીએ છીએ. કહીને બીરવાએ પોતાનો અને પોતાના ટ્રસ્ટનો તથા ટ્રસ્ટની કામગીરીનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો. ઓકે આઈ વીલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ એટેન્ડ ધ ફંકશન એન્ડ થેન્ક્સ ફોર ઈન્વાઈટીંગ મી. કહીને એ.સી.પી. અજય શેલત ઉભા થયા એટલે બીરવા અને રઘુનંદન પણ ઉભા થઈને રજા લીધી.  નિયત દિવસે ઉદય ટ્રસ્ટની પોતાની માલિકીની ઓફિસના ઉદ્ઘાટનનો પ્રસંગ ખૂબ જ સરસ રીતે શરૂ થયો. સ્થાનિક રાજકીય વ્યક્તિઓ, પોલીસ અધિકારીઓ, ટ્રસ્ટ સાથે એક યા બીજી રીતે સંકળાયેલ વ્યક્તિઓ અને ટ્રસ્ટના લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આખા સમારંભ દરમ્યાન બીરવાનું ધ્યાન વારેવારે મેઈન ગેટ તરફ જતું હતું જાણે કે કોઈની રાહ જોઈ રહી હોય. જગજીવન પરિહાર ઉર્ફે જગો અને મંગળદાસ પરિહાર ઉર્ફે મંગો એક બાજુ શાંતિથી બેઠા હતા એમના ચહેરા ઉપર આનંદ દેખાઈ આવતો હતો. આખો પ્રસંગ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયો. બીરવાના ચહેરા ઉપર આનંદના ભાવ હતા સાથે સાથે એનો ચહેરો થાકની ચાડી પણ ખાતો હતો પણ એની આંખોમાં એક અજબ નારાજગી દેખાઈ આવતી હતી.

સામખિયાળીમાં ઉદય ટ્રસ્ટનું નામ અને પ્રતિષ્ઠાની સુવાસ ફેલાઈ રહી હતી. જગજીવન પરિહાર અને મંગળદાસ પરિહારે પણ નવી ઓળખ મુજબના નામોથી સંબોધવાની આદત પાડી દીધેલ હતી. ઉદય ટ્રસ્ટની એક્ટીવીટી સરસ રીતે ચાલી રહેલ હતી. જગજીવન ઉર્ફે જગો અને મંગળદાસ ઉર્ફે મંગો પોતાની નવા નામ અને સમાજમાં ઉભી થયેલી નવી ઓળખાણથી ખુશ પણ થતા હતા અને નવી પેઢીની સારી કામગીરી જોઈને હરખાતા પણ હતા. એક સાંજે જગજીવન અને મંગળદાસ એમના મકાનના ફળિયામાં સામ સામે બેઠા નિરાંતની પળો માણી રહ્યા હતા. કંઈક કામસર બીરવા એમની સામેથી પસાર થઈ બીરવાને જોઈને એકાએક મંગો ઉર્ફે મંગળદાસ કંઈક વિચારે ચઢી ગયો. શું વિચારે છે.?” યાર, આ બીરવાને સારૂ ઠેકાણું મળશે.?” હા, તારી વાત તો સાચી છે. મારે પણ રઘાને પરણાવવો છે. પણ હવે આ છોકરાઓને પૂછ્યા વગર તો કંઈ કરાશે નહિ. એક કામ કરીએ સાંજે બધાને પૂછી લઈએ કોઈનું મન ક્યાંય માન્યુ હોય તો એમની મરજી એ આપણી મરજી. નવી વિચારધારાને અનુરૂપ જગજીવન ઉર્ફે જગાએ પોતાનો મત રજૂ કર્યો.

એ સાંજે સામખિયાળીના મકાનના ફળિયામાં બધા જ ભેગા બેઠા હતા. જગા અને મંગાના ચહેરા ઉપર વધતી જતી ઉંમર સ્પષ્ટ દેખાઈ રહી હતી. વધતી જતી ઉંમરના કારણે શરીરની શક્તિ ઘટી રહી હતી. જગા અને મંગાની પેઢીના કેટલાક વ્યક્તિઓ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતા. એમની સામે, એમની જ નવી પેઢી બેઠી હતી. એ પેઢી કે જેણે અભ્યાસ અને આવડતથી હાલમાં સમાજમાં એક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી, નામના મેળવી હતી. જગો અને મંગો એટલે જગજીવન અને મંગળદાસ મૌન બેઠા સામે બેઠેલ નવી પેઢીને જોઈ રહ્યા હતા અને પોતાનો ભૂતકાળ જોઈ રહ્યા હતા. આખરે, જગાએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું, બાળકો, આજે અમારે અમારા મનની વાત તમને કરવી છે. આમ તો અમારી ચિંતા તમને કહેવી છે. અમે હવે ખર્યા પાન કહેવાઈએ. અમારી પેઢીના ઘણા બધા જતા રહ્યા અને અમે પણ વહેલા કે મોડા ચાલ્યા જવાના. જો જૂના ધંધામાં અને જૂની પરંપરામાં હોત તો તમને પૂછ્યા વગર જ તમારા સગપણ નક્કી કરી નાખ્યા હોત. પણ બીરજુ એટલે બીરવાની આવડત જોઈ, એની માંગણી મુજબ એને અને રઘાને અને પછી તમને બધાને ભણાવ્યા. તમે તમારૂં ભણતર અને પેઢી દર પેઢી લોહીમાં રહેલી કળા બંનેનું પ્રમાણ અનેક વખત અમને આપ્યું. એટલે આજે તમને જ સીધું પૂછી લઈએ કે તમારામાંથી જેનું મન જ્યાં માન્યું હોય તે કોઈ સંકોચ વગર જણાવો તો અમને આનંદ થશે અને અમે બેઠા છીએ ત્યાં સુધી અવસર પ્રસંગ લઈ લઈએ.

બીરવા સહિત લગભગ દરેક માટે આ વાત આશ્ચર્યજનક હતી. એક સમયના ખૂંખાર ઠગ આટલી લાગણીશીલ ભાષામાં વાત કરે એ માનવું એમના માટે થોડું અધરું હતું. જગાની વાત સાંભળી બીરજુ ઉર્ફે બીરવાએ રઘુ ઉર્ફે રઘુનંદનની સામે જોયું બંનેના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. જગા અને મંગાની નજરોથી એમના સંતાનોના ચહેરા ઉપર આવેલ સ્મિત છાનું ન રહ્યું બંનેએ એકબીજાની સામે જોયું અને એ બંનેના ચહેરા ઉપર પણ સ્મિત આવી ગયું. જાહેરમાં તો બંનેમાંથી કોઈએ પોતાના સંતાનોને કંઈ જ ન કહ્યું કે પૂછ્યું પણ બીજા દિવસે સવારે મંગળદાસ ઉર્ફે મંગાએ બીરવા ઉર્ફે બીરજુને પૂછ્યું બેટા રઘુને લઈને તારો શું અભિપ્રાય છે. શેના માટે બાપુ પોતે જાણે સમજી નથી એવા ભાવ સાથે બીરજુએ પોતાના પિતાને સામે પૂછ્યું. બેટા તું ભલે ભણીને હોંશિયાર થઈ ગઈ પણ તારા બાપુને બુધ્ધુ બનાવી શકે તેટલી પણ હોશિયાર નથી થઈ. બીરજુ શરમાઈ ગઈ અને મંગાને પોતાનો જવાબ મળી ગયો. બીજી બાજુ, જગા અને રઘા વચ્ચે પણ કંઈક આવો જ સંવાદ થઈ રહ્યો હતો અને એ સંવાદના અંતે જગાને પણ પોતાનો જવાબ મળી ગયો.