Saturday, July 30, 2022

આનંદ પ્રિયા ભાગ -14

કર્મણ અને સમીર બંને વી.એસ.ને સાંભળી રહ્યા હતા. વી.એસ. એ રીતે વાત કરી રહ્યા હતા જાણે કે એ આનંદના બાળપણનાઅંગત મિત્ર હોય અને આનંદ વિશે  એ કર્મણ અને સમીરને જણાવી  રહ્યા હોય.

સમીર અને કર્મણ બંનેને ભીતરથી એ સવાલ ઉઠી રહ્યો હતો કે, આનંદના બાળપણના અંગત મિત્ર આપણે કે આ વી.એસ.?”

સમીર અને કર્મણ વી.એસ.ની વાત સાંભળી રહ્યા હતા અને વી.એસ.એ બંનેના ચહેરા તરફ જોયું અને વાત આગળ ચલાવી.

આનંદ અને હું છેલ્લા લગભગ 8-10 વર્ષથી પરિચયમાં હતા. મારે ગાડી ભાડે જોઈતી હતી અને એ વખતે આનંદના પરિચયમાં આવ્યો. એનો હસમુખો સ્વભાવ મને ગમી ગયો. ધીમે ધીમે અમારી મિત્રતા ગાઢ બનતી ગઈ અને લગભગ રોજ અમે મળવા લાગ્યા. આનંદના હસતા ચહેરા પાછળનું દર્દ ધીમે ધીમે મારી સામે આનંદ ખોલતો ગયો. એ તમને બંનેને લગભગ રોજ યાદ કરતો. ડોક્ટર જે સીડી તમને આનંદે આપી છે એની જ એક નકલ ઈને મને પણ આપી છે અને જે ડાયરી તમે વાંચી લીધી હશે અથવા વાંચી રહ્યા હશો એમાં જે વાત ઈને નથી લખી તે મારે તમને કહેવાની છે.

ડોક્ટર સમીર અને કર્મણ બંને પોતાની ચેરમાં આંચકો ખાઈ ગયા.

ઈને તમને નહિ કીધું હોય કે જમીનના ધંધામાં અમે ભાગીદાર છીએ. જાણે સમીર અને કર્મણનો ચહેરો વાંચી રહ્યા હોય એ રીતે વી.એસ. એક વાક્ય બોલીને ઉભા રહી ગયા.

સહેજ હસીને આગળ બોલ્યા, ઈ તમારા બંનેને તમારા કરતા પણ વધુ સારી રીતે ઓળખતો હતો. મારી સાથેના પરિચયમાં આવ્યા બાદ અમે ઘણા બધા સેવાના કામ જોડે કર્યા. આનંદ એના સ્વભાવના કારણે અમારા વિસ્તારમાં આનંદ -108 તરીકે ઓળખાવા લાગ્યો હતો. કોઈનું રાશનકાર્ડ કઢાવવાનું હોય, આવકનો દાખલો કે અન્ય સરકારી યોજનાના કામ આનંદ હર હંમેશ તૈયાર હોય. એ દોડતો હતો. એના ભીતરના ખાલીપાને ભરવા માટે, એ દોડતો હતો એ બતાવવા માટે કે એ અંદરથી પણ મજબૂત છે. પણ હકીકતમાં એ અંદરથી તૂટી ગયો હતો, એકલો પડી ગયો હતો, એ સંસાર સજાવવા માંગતો હતો અને એને એનો પ્રેમ મળ્યો પણ ખરો પણ ત્યારે બહુ મોડુ થઈ ચૂક્યું હતું. એને બોનમરોનું કેન્સર ચોથા સ્ટેજમાં ડિકેક્ટ થયું અને એ પણ જ્યારે સતત એની તબિયત ખરાબ રહેવા લાગી અને લોકલ ડોક્ટરની દવાથી કોઈ ફેર ના પડ્યો ત્યારે એનો ફુલ બોડી ચેક અપ કરાવ્યો ત્યારે.  વી.એસ. એક વિરામ લેવા અટક્યા અને સમીર અને કર્મણ બંને જાણે આનંદના નવા રૂપને જોઈ રહ્યા હોય તેમ એકીટશે વી. એસ.ને જોઈ રહ્યા હતા. અચાનક કર્મણને કંઈક યાદ આવ્યું અને ઈન્ટરકોમ ઉપર એણે ત્રણ કોફી અને પાણી લાવવા જણાવ્યું  અને પૂછ્યું, શું નાસ્તો લેશો સાહેબ?”

કંઈ જ નહિ,  વી.એસ.એ કહ્યું અને આગળ વાત ચલાવી

એક વખત જમીનના એક સોદામાં હું આનંદને મારી ભેળા મારા વતન લઈ ગયો હતો. મને ઉંડે ઉંડે એવું જ હતું કે આ સોદો નહિ જ થાય અને ઈય પાછો મારા ભાવથી તો નહિ જ. સામે ખેડૂતો વચ્ચે વિખવાદ હતો. આનંદ સાથે રસ્તામાં ચર્ચા થઈ અને અમે સ્થળ ઉપર પહોંચ્યા. વાત શરૂ થઈ મેં કહેવા ખાતર એવું કીધું કે, આ મારા ભાગીદાર છે અને મારે જો અમારા ભાવમાં મલતી હોય તો જમીન લેવી છે. એ પછી ખેડૂતોએ આનંદ જોડે વાત કરવાનો આગ્રહ રાખ્યો આનંદે એવી આવડતથી વાત કરી કે મને મારા ભાવથી પણ ઓછા ભાવમાં જમીન અપાવી. એ જમીન મેં બારોબાર નફો લઈને વેચી અને આનંદને નફામાં 10 પૈસાનો ભાગ આપ્યો ઈને જો સોદો કરાવ્યો ન હોત તો મને પણ કમાવા મળ્યું ન હોત. બસ એ પછી મારા દરેક સોદામાં હું ઈને ભેળો લઈ જાતો. મારી પાસે આનંદના હિસ્સાના બે ખોખા આસપાસ છે. આનંદની ઈચ્છા હતી કે ઈ ફોરમ માટે એક સારો ફ્લેટ ખરીદે પણ એ ફોરમને કહી ન શક્યો. હવે એ ઈચ્છા આપણે તઈણે જણે પૂરી કરવાની છે અને બાકી જે રકમ વધે તેની ગોઠવણ તમારે બંને જણાએ કરવાની છે.

વી. એસ.એ વાતને વિરામ આપ્યો, કર્મણની ચેમ્બરમાં પીનડ્રોપ સાયલન્સ પથરાઈ ગયું હતું. કોફીના કપ ખાલી થઈ ગયા હતા અને મગજ સુન્ન થઈ ગયા હતા.

કર્મણ વિચારી રહ્યો હતો, આનંદના બે ખોખા આ માણસ પાસે છે. આનંદને આ માણસ ઉપર કેટલો વિશ્વાસ હશે.

બીજી વાત, આનંદનો આગ્રહ હતો કે એના મકાનનો દસ્તાવેજ મારા નામ ઉપર હું કરાવી લઉ. એટલે એના મકાનનો દસ્તાવેજ મારા નામ ઉપર કર્યો છે. હવે તમે જણાવો ત્યારે તમારી હાજરીમાં એના કપડાં અને વાસણો જરૂરીયાત વાળા લોકોને દાનમાં આપી દઈએ. વી.એસ.ની વાતો સાંભળીને કર્મણ અને સમીર બંને વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા.

થોડીક સ્વસ્થથા કેળવીને સમીરે કહ્યું એક બે દિવસનો સમય આપો તમને સમય ગોઠવીને જણાવીએ.

તો હું રજા લઉં. વી.એસ.એ કહ્યું અને ખુરશીમાંથી ઉભા થયા. બાય ધ વે, તમારા બંનેના ઘરના અને ઓફિસના તમામ સરનામા આનંદે મને આપી રાખ્યા છે. આવજો.

શૂન્યમનસ્ક કર્મણ અને સમીર વી.એસ.ને જતા જોઈ રહ્યા હતા.

આજે એમણે એ આનંદને જાણ્યો હતો જે આનંદને એ ક્યારેય જાણી નહતા શક્યા. એક પ્રેમી તરીકે, એક સમાજ સેવક તરીકે અને એક જમીનના વેપારી તરીકેના આનંદને.

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-14   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, July 23, 2022

આનંદ પ્રિયા ભાગ -13

ડોક્ટર સમીરના રૂમનું વાતાવરણ ગમગીન હતું. રાત ખાસ્સી વીતી ચૂકી હતી અને કર્મણ અને સમીર હજુ એમના જ રૂમમાં હતા. આખરે સામેના રૂમમાંથી શિલ્પાએ આવીને દરવાજો નોક કર્યો અને દરવાજો ખોલ્ય, કર્મણ અને સમીર રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને નહતા બેઠા એટલે દરવાજો ખુલી ગયો. અંદરનું દ્રશ્ય જોઈ શિલ્પાએ કાજલને બુમ પાડીને બોલાવી લીધી. પિસ્તાલીસી વટાવી ચૂકેલા બંને મિત્રોની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. ટેબલ ઉપર આનંદની ડાયરી પડી હતી. શિલ્પાએ સમરીના ખભે હાથ મૂક્યો અને કાજલે કર્મણનો ચહેરો પોતાના હાથમાં લીધો. બંનેએ પોત પોતાના પતિને સ્પર્શથી આશ્વસ્થ કરી રહી હતી.

થોડી વાર સુધી રૂમમાં  મૌનનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું. સ્વસ્થતા કેળવીને શિલ્પાએ કહ્યું, ચાલો રાત બહુ વીતી ચૂકી છે. સૂઈ જાવ સવારે વાત કરીશું.

નાના છોકરાની માફક સમીર અને કર્મણ ઉભા થયા કર્મણ કાજલ સાથે સામેના રૂમમાં ચાલ્યો ગયો અને સમીર ફ્રેશ થવા માટે બાથરૂમમાં શિલ્પાએ પાછળ ફરીને કાજલને ગુડનાઈટ વીશ કરી અને બરાબર તે જ સમયે કાજલે પણ પાછળ જોયું એટલે એણે પણ ગુડનાઈટ વીશ કર્યું.

 

બીજા દિવસે સવારે ડાઈનીંગ ટેબલ ઉપર શિલ્પા, સમીર, કાજલ અને કર્મણ ગોઠવાઈ ગયા હતા. મહારાજે ગરમા ગરમ કોફીની સાથે નાસ્તામાં બટાકા પૌંઆ બનાવ્યા હતા.

ઘેરાયેલા વાદળો વરસી ગયા બાદ જેમ વાતાવરણ સ્વચ્છ થઈ જાય છે, તેમ પાછલી રાતની ઘટના બાદ સમીર અને કર્મણ ઘણા અંશે સ્વસ્થતા કેળવી ચૂક્યા હતા.

વાતની શરૂઆત કરતા સમીરે કહ્યું આનંદની ડાયરી પૂરી વાંચી નાખી, આજે તમને બંનેને વાંચવા આપીશું. આનંદનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો આનંદે તમને સોંપવાનું નક્કી કર્યું હતું.

અમને ..!!?”  આશ્ચર્ય સહિત શિલ્પા અને કાજલ બંને લગભગ સાથે જ બોલી ઉઠ્યા.

હા કર્મણે જવાબ આપ્યો.

અને આગળ કહ્યું બીજી ઘણી વાતો એણે જણાવી છે તમે વાંચશો એટલે ખ્યાલ આવશે.

સમીરના ફોનની રીંગ વાગતા વાત અટકી પડી. ડોક્ટર સમીરે ફોનની સ્ક્રીન ઉપર નંબર જોયો અનનોન નંબર હતો પણ ટ્રુ કોલરના કારણે નામ ફ્લેશ થયું વી.એસ.

સમીરે ફોન રીસીવ કરી કહ્યું, હેલો

સામેથી અવાજ આવ્યો, નમસ્કાર ડોક્ટર સાહેબ, હું વી.એસ. બોલું આનંદનો મિત્ર..

બોલો સાહેબ, સમીરે કહ્યું.

આપને મળવું છે આજે ક્લીનીક ઉપર મળી શકાય?” સામેથી વી.એસ. એ કહ્યું.

એક મીનીટ પ્લીઝ સમીરે કહ્યું

સમીરે ફોન મ્યુટ કરી કર્મણને પૂછયુ, વી.એસ.નો ફોન છે મળવા માંગે છે.

એક કામ કર સાંજે મારી ઓફિસે મળીએ સાત વાગે. કર્મણે જવાબ આપ્યો.

ઓકે કહીને સમીરે ફોન અનમ્યુટ કર્યો

યસ સર સાંજે કર્મણની ઓફિસ મળીએ જો આપને વાંધો ન હોય તો સાંજે 7.00 વાગે.”

મને ફાવશે. સામે છેડેથી ઉત્તર આવ્યો.

ઓકે હું એડ્રેસ આપને વ્હોટ્સઅપ કરુ છું. સમીરે કહ્યું.

સમીરે ફોન કટ કર્યો અને કર્મણને કહ્યું સાંજે તારી ઓફિસ મળીએ હું 6.45 આસપાસ આવી જઈશ. આનંદના મિત્ર છે પણ રાજકીય વ્યક્તિ છે અને આપણી પહેલી મુલાકાત છે જોઈએ.

કહીને સમીરે હોસ્પિટલ જવા નીકળ્યો અને કર્મણ એની ઓફિસ જવા..

----------------------------

સાંજની ઓપીડી ડોક્ટર સમીરે કેન્સલ કરી અને 6.45 વાગે કર્મણની ઓફિસ પહોંચી ગયો. બંને મિત્રો કર્મણની ચેમ્બરમાં બેઠા હતા. કર્મણની નજર ઓફિસના સી.સી.ટી.વી. ફુટેજને મોનીટરેટ કરી રહી હતી. શાર્પ 7.00 વાગે 52-55 ની આસપાસની વયના એક પ્રભાવશાળી વ્યક્તિએ ઓફિસમાં પ્રવેશ કર્યો. સફેદ પેન્ટ અને સફેદ શર્ટ ક્લીન શેવ આશરે સવા પાંચ ફૂટની હાઈટ ઓફિસમાં પ્રવેશી જાણે કે ઓફિસથી પરિચીત હોય તેમ રીસેપ્શન ટેબલ ઉપર પહોંચ્યા અને બીજી જ મીનીટે રીસેપ્શન પરથી કર્મણની ચેમ્બરમાં ફોન આવ્યો, સર વી.એસ. આવ્યા છે.

એમને અંદર લેતો આવની સૂચના કર્મણે આપી અને સમીરની સામે જોઈને કહ્યું, ટાઈમના પરફેક્ટ માણસ લાગે છે.

સમીર જવાબ આપે  તે પહેલા ચેમ્બરનો દરવાજો ખૂલ્યો વી.એસ. અંદર દાખલ થયા અને કહ્યુ, કેમ છો કર્મણભાઈ અને ડોક્ટર સાહેબ આવવામાં બહુ મોડું તો નથી થયું ને?”

ના ના જરાપણ નહિ. બોલો શું લેશો. કર્મણે જવાબ આપ્યો.

ભાઈ કોઈ ફોર્માલીટીની જરૂર નથી. આનંદે તમારા બંનેનો પરિચય મને આપ્યો છે અને ઈ તો તમે આ ઓફિસનું સરનામું ન આપ્યું હોત ન તો પણ હું આવી જાત મને તમારી ઓફિસનું સરનામું આનંદે આપ્યું હતું. ગામઠી બોલીમાં વી.એસ.એ જવાબ આપ્યો અને આગળ કહ્યું આનંદની તબિયતના સમાયાર ઈને મને કીધા હતા. મારા માટે ઈ મારા નાના ભાઈ જેવો હતો. ઈ આમ આનંદથી જ રહેતો પણ અંદરથી ઘણો હતાશ અને એકલો પડી જ્યો તો એણે લાંબુ નહતું જીવવું પણ મોજથી ઈની મસ્તીમાં જીવવું હતું. વી.એસ.એ કહ્યું

સમીર અને કર્મણ વી.એસ.ની સામે જોઈ જ રહ્યા હતા.

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-13   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, July 16, 2022

આનંદ પ્રિયા ભાગ -12

એક સવાલ પૂછવો છે. તમે કહો તો પૂછું. ડોક્ટર સમીરના ઘરે સમીરના રૂમમાંથી બહાર આવીને સામે હાલ પૂરતા પોતાના કહી શકાય તે રૂમમાં કર્મણ હજુ હમણાં જ આવ્યો હતો. ફ્રેશ થઈને નાઈટસુટમાં એણે પલંગ ઉપર લંબાવ્યું અને કર્મણ, સમીર અને આનંદની મિત્રતાથી પરિચીત અને આનંદની ડાયરી વાંચ્યા બાદ રોજે રોજ કંઈક અંશે ગંભીર થતા જતા કર્મણને  તેની પત્ની કાજલે પૂછ્યું.

હમમ કર્મણે ટુંકમાં સંમતિ આપી અને વર્ષોના સાથથી પતિના એકાક્ષરી જવાબનો અર્થ સમજી ગયેલી કાજલે પૂછ્યું આનંદભાઈએ કંઈ ગંભીર લખ્યું છે ? એ કોઈ મોટી મુસીબતમાં હતા? તમે રોજ ડાયરી વાંચીને આવો છો તે પછી ચિંતામાં હોવ તેવું મને લાગે છે. આનંદભાઈને કોઈ પૈસા ચૂકવવાના હતા કે એવું કંઈ ટેન્શન હતું.?”

આ એક સવાલ છે કે સવાલોનો નિબંધ.?”

કાજલનો હાથ પકડી પોતાની નજીક ખેંચી લેતા કર્મણે પૂછ્યુ અને આગળ કહ્યું.

હા તારી વાત સાચી છે. આનંદની ડાયરી વાંચીને રોજે રોજ માત્ર હું જ નહિ પણ સમીર પણ ગંભીર થઈ જાય છે. પણ આનંદ કોઈ મુસીબતમાં કે ચિંતામાં કે ટેન્શનમાં ન હતો. આનંદની ડાયરી દ્વારા અમે એના વિચારો જાણી રહ્યા છીએ અને ત્યારે આનંદની સાથે અમે જે રીતે મજાક મસ્તી કરતા હતા એના એકલા રહેવા વિશે જે કોમેન્ટ્સ કરતા હતા તે યાદ કરીને આનંદની સામે અમે કેટલા વામણાં હતા તેની સરખામણી કરી રહ્યા છીએ એટલે મન ઉદાસ થઈ જાય છે. કાજુ, આનંદના હસતા ચહેરા પાછળનું દર્દ આનંદની ડાયરીમાં વંચાય છે. સ્ત્રી દાક્ષિણ્યની વાતો કરનારાઓએ આનંદની ડાયરી અને એના વિચારો વાંચવા જોઈએ. કર્મણે જવાબ આપ્યો.

બરાબર તે જ સમયે સામેના બેડરૂમમાં ડોક્ટર સમીર અને શિલ્પા વચ્ચે પણ કંઈક આવો જ સંવાદ થઈ રહ્યો હતો.

મારે પણ આનંદભાઈ ડાયરી વાંચવી છે. ડોક્ટર સમીરની છાતી ઉપર માથુ ઢાળીને સૂતેલી શિલ્પાએ સમીરના વાળમાં હાથ ફેરવતા ડોક્ટર સમીરને કહ્યું.

કર્મણ જોડે નક્કી કરીને પછી આપીશ જો એ હા પાડશે તો. ડોક્ટર સમીરે કીધું અને શિલ્પાને બાહુપાશમાં સમાવી લીધી.

બીજા દિવસે સવારે બ્રેક ફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ ઉપર સમીર અને કર્મણ ગોઠવાઈ ગયા હતા. ગરમા ગરમ કોફીની એરોમા પ્રસરી રહી હતી. મહારાજે બનાવેલા ગરમ મેથીના થેપલા પીરસાઈ રહ્યા હતા. નાસ્તો કરીને ડોક્ટર સમીર તેના ક્લીનીક જવા અને કર્મણ એની ઓફિસ જવા જોડે જ રવાના થયા અને સમીરે કહ્યું પેલામાં વાંચવા આપી દઈશું આપણે વંચાઈ જાય પછી. સામે કર્મણે સારૂ રાત્રે આપીએ. ટુંકી વાતચીત પણ અર્થપૂર્ણ બંને વિદાય થયા.

રાત્રે જમ્યા પછી સમીરના રૂમમાં કર્મણે આનંદની ડાયરી આગળ વાંચવાની શરૂ કરી.

આજે તારીખઃ 30-06-2021..

ડાયરી લખવાની શરૂઆત કરે આજે ત્રણ મહિના પૂરા થયા..

સતત બેસાતું નથી. શ્વાસ ચઢે છે અને લખતા હાથ પણ ધ્રુજે છે. જીવન એના અંત તરફ જલ્દીથી આગળ વધી રહ્યું છે. કદાચ હવે વધુમાં વધુ 15 દિવસ એ પછી ડોક્ટર તારા ત્યાં જ મારા ધામા હશે.

કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરી વી.એસ. અને ફોરમે સંભાળી લીધેલ છે. મારો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો સારો ચાલી રહેલ છે ભગવાનની કૃપા છે. કર્મણ મારી ગેર હયાતી બાદ મારો ધંધો શિલ્પા અને કાજલના નામ ઉપર કરવાનો છે. જે ડ્રોઅરમાં આ ડાયરી હતી તેની નીચેના જ ડ્રોઅરમાં એક ફાઈલ છે તેમાં ધંધાની ફાઈલ છે અને સી.એ. નો નંબર પણ તમે સી.એ.ને મળીને નામ તબદીલ કરાવી લેશો. તમને આ વાંચીને વિચાર આવશે કે શિલ્પા અને કાજલના નામે કેમ ?

તો સાંભળો મિત્રો, તમારા જેવા વ્યસ્ત માણસ સાથે જીવન જીવવું એ કંઈ નાની અમથી વાત છે.!? શિક્ષિત અને ક્રિએટીવ માઈન્ડ વાળી સ્ત્રી ગૃહિણી તરીકે વર, ઘર અને સંસાર બહુ જ સરળતાથી  સંભાળી લે છે. પણ પતિ, એના ધંધા વ્યવાસયમાં ગળાડૂબ લાગી જાય, બાળકો મોટા થઈ જાય ત્યારે સ્ત્રીનું મન કોઈ પ્રવૃત્તિ તરફ સહજ ભાવે આકર્ષાય છે. સામાન્ય રીતે સ્ત્રીઓ આવો સ્પેર ટાઈમ, મોબાઈલ, ટી.વી. અને કિટી પાર્ટીમાં બરબાદ કરી નાખે છે પણ જો એક શિક્ષિત અને સમજદાર સ્ત્રીને કંઈક ચેલેન્જીંગ ક્રિએટીવ વર્ક આપવામાં આવે તો સ્ત્રી આવા વર્કને ચેલેન્જની જેમ સ્વીકારીને પૂર્ણ કરી બતાવે છે. મારો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો જામેલો બિઝનસ કોને સોંપવો તે હું નક્કી કરી નહતો શકતો. પણ એપ્રિલમાં રાજની બર્થ ડે પાર્ટીનું આયોજન, જે રીતે શિલ્પા અને કાજલે સંયુક્ત રીતે મળીને કર્યું તરત જ મને મારા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા માટે યોગ્ય વ્યક્તિઓ મળી ગયા.

અને આમ પણ, તમે બંને મારાથી ઉંમરમાં નાના છો અને તમારી ધર્મપત્નીઓ મારા માટે મારાનાના ભાઈઓની જીવનસંગીની એટલે મારી પુત્રીઓ તરીકે ગણાય – સાલાઓ હસસો નહિ તમે જ મને વડીલ વડીલ કહીને બોલવાતા હતા... હા હા હા ..

--------------------

આટલા લખાણ પછી પાનું ગંદુ હતું.

કર્મણે ડોક્ટર સમીરને એ ગંદુ થયેલું પાનું બતાવ્યું અને પૂછ્યું આ શું છે.?”

કંઈ ખબર નથી પડતી. લાગે છે કંઈક ઢળ્યું હશે જે સાફ કરવામાં આવ્યું હશે.ડોક્ટર સમીરે કીધું. આગળના પાના જો કદાચ કોઈ ક્લુ મળી આવે. ડોક્ટર સમીરે આગળ કીધું.

પાછળના બે પાના ઉપર પણ આવા જ ડાઘા હતા એ પછીના પાના ઉપર ફરીથી લખાણ હતું.

સોરી યાર, હસવું આવ્યું એમાં ઉધરસ ચઢી અને બ્લડ નીકળ્યું એટલે આ પાના ગંદા થયા... 

થાય એટલા સાફ કર્યા છે.

આખી ડાયરી હવે ફરીથી લખી શકાય તેમ નથી. એટલે અંહિથી આગળ લખું છું.

તો મને એવો વિશ્વાસ છે કે મારો ધંધો શિલ્પા અને કાજલ સંભાળી લેશે અને આગળ પછી એમની મરજી, જે ફાઈલમાં ધંધાના પેપર્સ છે એની જ જોડે મારા ધંધાના તમામ કોન્ટેક્ટસ, કેટરર્સ, હોટલ્સ, મેનેજર્સ, ટ્રાવેલ ઓપરેટર્સ વગેરે તમામના નામ નંબરો છે અને સાથે સાથે જેમની ટુર હું નિયમીત લઈ જતો હતો તે તમામ કસ્ટમર્સના નામ નંબર પણ. એટલે રૂટિન ધંધામાં એમને બહુ વાંધો નહિ આવે.

હમણાં થોડા જ દિવસો પહેલા જીવનના 48 વર્ષ પૂર્ણ થવા બદલ તમે લોકોએ શુભેચ્છા આપી હતી. તે સમયે તમને અંદાજ નહતો કે આ છેલ્લી બર્થ ડે વીશ તમે મને આપી રહ્યા છો. પણ હું જાણતો હતો એટલે જ મેં આગ્રહ પૂર્વક તમને બંનેને વીથ ફેમીલી ડીનર પાર્ટી આપેલ.

યારો, રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ આનંદનો એક ડાયલોગ મેં પચાવવાનો પ્રયત્ન કર્યો. બાબુમોશાઈ, જીંદગી લંબી નહિ બડી હોની ચાહિયે. મારા જન્મ પહેલા જે નક્કી થયું હતું તે મારૂ ભવિષ્ય હતું. મારા કર્મોને આધિન.  મને મારા જીવનથી કોઈ અફસોસ નથી કે એ બદલ કોઈ ફરીયાદ પણ નથી. મારા કિસ્મતમાં હતો ત્યાં સુધી મા-બાપનો સ્નેહ મળ્યો, સ્કુલ લાઈફથી તમારા જેવા અંગત મિત્રો મળ્યા, વી. એસ. જેવા વડીલ માર્ગદર્શક મિત્ર મળ્યા. હા જો કે એક વાત ચોક્કસ સ્વીકારીશ કે જો જીવન થોડુંક વધુ મળ્યું હોત અને સંસાર સુખરૂપ ચાલ્યો હોત તો સ્ત્રીના બે સ્વરૂપને નજીકથી જોવા જાણવા મળત એક પુત્રી સ્વરૂપ અને એક પુત્રવધુ સ્વરૂપ પણ  ઈશ્વર ઈચ્છા...

હવે હાથ ધ્રુજે છે. આગળ બહુ નહિ લખી શકાય..

-----------------

ડાયરીનું પાનું પૂરુ થયું, કર્મણે પાછળના પાના ઉલટાવીને જોયા, હજુ કેટલાક પાના લખેલા હતા. એણે ડોક્ટર સમીરની સામે જોયું.

કોફી પીવી છે? સમીરે પૂછયું  અને કર્મણની રાહ જોયા વગર જ દરવાજો ખોલી બહાર નીકળીને સામેના રૂમમાં બેઠેલ શિલ્પાને કહ્યું. મહારાજને કહેને મારા અને કર્મણ માટે કોફી આપી જાય.

એટલું કહીને રૂમમાં પરત આવ્યો.

રૂમનું વાતાવરણ ગંભીર હતું તેમાં પણ કર્મણ જાણે સામેની દિવાલ ઉપર કોઈકને જોઈ રહ્યો હોય તેમ અપલક નયને જોઈ રહ્યો હતો.

શું થયું?” સમીરે પૂછ્યું

કંઈ નહિ યાર આનંદની વાતો એણે બધી જ વ્યવસ્થા કરી રાખી હતી. બધાના માટે એણે કંઈ ને કંઈ વિચાર્યું હતું. મને અફસોસ થાય છે કે હું એના માટે કંઈ ન કરી શક્યો એક વાત કહું, જુન-જુલાઈ માં એણે મને ફોન કર્યા હતા અને કીધું હતું કે ફ્રી હોવ તો આવને બેસીએ પણ હું બિઝનસ મીટીંગ્સમાં એને મળવા ન જઈ શક્યો અને તને તો એ ભાગ્યે જ ફોન કરતો એટલે તને તો ફોન પણ નહિ જ કર્યો હોય કર્મણના મુખમાંથી શબ્દોની સાથે સાથે આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહી રહ્યો હતો.

મહારાજ આવીને કોફી સર્વ કરીને જતા રહ્યા.

ફ્રેશ થઈને કર્મણે મન મક્કમ કરીને આગળના પાના વાંચવાના શરૂ કર્યા.

તારીખઃ 07-07-2021

ડોક્ટરના ત્યાં મહેમાનગતિએ જવાનો સમય નજીક આવી ગયો છે. સીડી તૈયાર કરીને રાખી છે. ગઈકાલે એક કોપી વી.એસ.ને પણ આપી દીધી.

સંસારમાંથી વિદાય થવાનો સમય નજીક આવતો જાય છે.

પાછલા દિવસોમાં ગીતાજી વાંચી, અભ્યાસ કર્યો એવું તો નહિ કહું પણ સમજવાનો પ્રયત્ન કર્યો. કર્મ યોગ મને ખૂબ ગમ્યો. કર્મ કરો.. આ બધું શાળામાંથી વાંચ્યુ હોત તો આજે જેટલો માનસિક સ્વસ્થ છું તેના કરતા પણ વધુ સ્વસ્થ હોત.

જવા દો આ બધી વાતો..

મારું નામ આનંદ રાખ્યું ત્યારે મને પણ ખ્યાલ ન હતો કે મારા નામ મુજબના ગુણ હં કેળવી શકીશ. જેટલું પણ જીવ્યો આનંદથી જીવ્યો... અનેક અનુભવોથી ઘડાયો, શીખ્યો .. મારી ઈચ્છા મુજબ મારી મિલકતોનો વહીવટ થઈ ગયો છે વ્યવસ્થા કરી નાખી છે અને આ ડાયરીમાં અને સીડીમાં લખી નાખ્યું છે.

મિત્રો બસ હવે લખવાનું બંધ કરુ છું.

કોઈ ભૂલચુક થઈ હોય, તમને કંઈ કહેવાઈ ગયું હોય તો ક્ષમા યાચું છું અને આશા રાખું છું કે તમે બનતી ત્વરાએ મારી મિલકતોનો વહીવટ મારી ઈચ્છા મુજબ કરશો.

આવજો.. આવતીકાલથી કદાચ ડોક્ટરની મહેમાનગતિ કરવી પડશે. આજે તો બ્લડની વોમિટ પણ થઈ, પેશાબમાં પણ બ્લડ પડયું છે. મારા રીપોર્ટ અને મારી બીમારી વિશે જે મને જાણ છે તે મુજબ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા. યશ અને રાજને મારો  સ્નેહ...

અને મારા જવાનો બહુ અફસોસ ન કરતા તમે આનંદમાં રહેશો તો માનજો કે હું તમારી સાથે આનંદ તરીકે જ છું. ...

અને તમારે જાણવુ હતું ને કે મેં કોને પ્રેમ કર્યો તો મારા જીવનની બધી જ આનંદ પ્રિયા વીશે તમને જણાવી દીધું....

આવજો તમારૂ અને તમારા પરિવારનું ધ્યાન રાખજો

આનંદના આનંદ પૂર્વક જય શ્રી કૃષ્ણ

-------------

ડાયરી પૂરી થઈ પાછળના પાના કોરા હતા.

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-12   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Sunday, July 10, 2022

આનંદ પ્રિયા ભાગ -11

ટૂરથી થાકેલો હું રાત્રે ઓફિસ આવ્યો અને ચાવી લઈને મારા ઘરે ગયો. ઘર ખોલ્યો મારું ઘર જોઈને હું દંગ રહી ગયો.

આખા ઘરની સાફ સફાઈ થઈ ગઈ હતી. મારા અસ્ત વ્યસ્ત કપડાં ધોવાઈને ઈસ્ત્રી થઈ ગયા હતા, રસોડામાં વાસણો વ્યવસ્થિત ગોઠવાઈ ગયા હતા. ફર્શ ઘસીને સાફ કરી હોય તેવી હતી. બેડશીટ જે ખરેખર બેડલી સ્મેલ કરતી હતી તે પણ ધોવાઈ અને સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી. પહેલી વખત મને મારૂ ઘર એ ઘર જેવું લાગ્યું... એ દિવસે વ્યવસ્થિત ગોઠવાયેલું અને સ્વચ્છ થયેલું ઘર જોઈને મને આનંદ થયો, જાણે મારી ટૂરનો થાક ઉતરી ગયો પણ હું સમજી ન શક્યો કે, આવું કર્યું કોને?”

સાલું આખી રાત ઉંધ ન આવી...

બીજા દિવસે સવારે, વહેલો તૈયાર થઈને ઓફિસ જતો રહ્યો. ચાવી તો મારા ઓફિસના ડ્રોઅરમાં હતી જ. ચાવી લઈને મારા ઘરની આ સાફસફાઈ કોણે કરી હશે એ વિચારતો હતો અને ફોરમ આવી, કેમ છો  ઘરે બધું વ્યવસ્થિત છે ને.?” એક સ્મિત સાથે એણે પૂછયું અને હું સમજી ગયો કે મારા ઘરને ઘર જેવું બનાવનાર એ બીજું કોઈ નહિ ફોરમ જ છે.

પ્રણય સંબંધોમાં, પ્રણય સંબંધની કબૂલાત શબ્દો દ્વારા જ થાય તે જરૂરી નથી હોતું. સામેના વ્યક્તિના વર્તન ઉપરથી પણ સમજી જવાનું હોય. ફોરમની કાળજી મેં કરી, આમતો મેં કરી એ શબ્દ જ ખોટો છે, હું ઈશ્વરકૃપાથી નિમિત્ત બન્યો તે કહેવું યોગ્ય રહેશે અને ફોરમે મારા ઘરને ઘર બનાવ્યું, એક અવ્યવસ્થાના ઉદાહરણ સમાન મકાનને રહેવા લાયક ઘર....

ફોરમનો એ દિવસે મેં આભાર માન્યો. પછી તો જાણે એણે નિયમ જ લઈ લીધો હોય તેમ દર રવિવારે મારા ઘરની અસ્તવ્યસ્ત ચીજ વસ્તુઓની ગોઠવણી એણે માથે ઉપાડી લીધી. રવિવાર હોય એટલે હું સવારથી જ વી. એસ. ની જોડે કોઈને કોઈ કાર્યક્રમમાં બહાર હોઉં અને મારી ગેરહાજરીમાં ફોરમ મારા ઘરને ગોઠવીને જતી રહે.  કોઈ અપેક્ષા નહિ, કોઈ માંગણી નહિ.

આજે જ્યારે મારા જીવનની સંધ્યા ઢળી રહી છે ત્યારે હું ચોક્કસ પણે કહીશ કે, જો મેં બીજા લગ્નની તૈયારી બતાવી હોત અને ફોરમને તે અંગે વાત કરી હોત તો ફોરમની હા જ હોત..

ફોરમ એ મારા જીવનપથની છેલ્લી આનંદપ્રિયા...

તમે, મારા ઘરે ગયા અને જે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ ઘર જોયું તે માત્ર અને માત્ર ફોરમને આભારી છે. મારી બીમારી અંગે મેં એને પણ જણાવેલ નથી. હું એને દુઃખી કરવા માંગતો ન હતો.

મિત્રો, આ ડાયરી તમે બંનેએ ધ્યાનથી વાંચી અને મેં તમને ઘણી જવાબદારી સોંપી દીધી બીજી એક જવાબદારી પણ આપું છું. મારૂં ઘરતો વી.એસ.ને વીથ ફર્નિચર વેચાણ આપી દીધું છે. પણ, ફોરમ પ્રત્યે જ્યારે મને પોતાનાપણાની લાગણી ઉદ્ભવી તે વખતથી એને સંબોધીને મેં પત્રો લખેલ છે તે અને એના માટે મેં જે કોઈ ગીફ્ટ લીધી છે, બચત કરી છે તે બધી જ મારા બેડરૂમના કબાટના રાઈટ સાઈડના ખાનામાં મૂકેલી છે,  એ એને આપી દેશો.

મારા કપડાં, ઘરના વાસણો અને બીજી પરચૂરણ ચીજ વસ્તુઓ જરૂરીયાત વાળા વ્યક્તિઓને વી. એસ. એમની રીતે દાન આપી દેશે.

તમે બંને મને અવાર-નવાર પૂછતા હતા કે મારા જીવનમાં કોણ છે જેને હું પ્રેમ કરુ છું. અને હું તમને કાયમ કહેતો કે કેટલા નામ આપું.?”

મિત્રો, સ્ત્રીના દરેક સ્વરૂપ અને સ્ત્રી સાથેના દરેક સંબંધ પૂજનીય છે. યાર, જન્મ આપનાર માતા, શાળાના પ્રાથમિક વર્ગોમાં ક.. ખ...ગ....શીખવાડનાર ટીચર, મમ્મી, ભઈલો મને હેરાન કરે છે ની ફરીયાદ કરનાર બહેન, યાર તું કેવા સાવ આવા ચંબુ જેવા કપડા પહેરે છે આવું કહેનાર મિત્ર, પોતાના પિતાનું ઘર ત્યજીને, પતિ સાથે ખભે ખભો મિલાવીને ગૃહસ્થ ધર્મ નિભાવતી પત્ની, દિયરને માતા, મોટા બહેન અને સખી ત્રણેનો સમાન સ્નેહ કરતી ભાભી, પપ્પા તમે રહેવા દો તમને ન આવડેની ફરીયાદ કરતી દિકરી, અને પપ્પા, તમારી થાળી પીરસી દીધી છે. ગરમ ગરમ જમી લો નો આગ્રહ કરતી  પુત્રવધુ.. સ્ત્રી આ દરેક સ્વરૂપમાં પ્રેમ વર્ષાવે છે, સ્નેહ વર્ષાવે છે. પણ અફસોસ કે જ્યારે પ્રેમની વાત આવે ત્યારે રાધા-કૃષ્ણનો પ્રેમ, સીતા માટે સમુદ્ર ઉપર સેતુ બનાવી નાખનાર રામનો પ્રેમ, માટી ખાવા ઉપર કૃષ્ણને ઠપકો આપનાર યશોદાનો પ્રેમ, શીશુપાલ વધ સમયે કૃષ્ણની આંગળી છેદાઈ જતા પોતાના પાલવમાંથી છેડો ફાડીને પાટો બાંધનાર દ્રોપદીનો પ્રેમ, મીરાનો પ્રેમ કે નરસિંહ મહેતાના પ્રેમના ઉદાહરણ લેવાના બદલે લોકો લેલા-મજનુ અને શીરી – ફરહાદના જેવા ક્ષુલ્લક પ્રેમના ઉદાહરણો લે છે.

ડાયરીનું પાનું પૂર્ણ થયું

કર્મણે ડાયરીમાં બુકમાર્ક મૂકીને ડાયરી બંધ કરી.

આને સાલાને આપણે ગાળો દેતા અને આ મજાકમાં હસી નાખતો, આપણે આની મજાક ઉડાવતા રહ્યા પણ યાર આની ડાયરી જેમ વાંચતા જઈએ છીએ તેમ એના વિચારોની સામે મને હું વામણો લાગી રહ્યો છું.ડોક્ટર સમીરે કીધું

હા, સાચી વાત છે. આનંદ આટલો ફિલોસોફીકલ વિચારો વાળો હશે આવું તો મેં પણ નહતું ધાર્યું. કર્મણે કહ્યું અને આનંદની ડાયરી બાજુમાં મૂકી.

હવે બહુ પાના બાકી નથી આવતીકાલે આ ડાયરી પૂરી વંચાઈ જશે. પછી શિલ્પા અને કાજલને ડાયરી વાંચવા આપવી છે તારૂ શું કહેવું છે. ડોક્ટર સમીરે ડાયરી હાથમાં લઈ તેના બુકમાર્ક ઉપર અને અંતિમ પાનાને અંગુઠા અને પહેલી આંગળીની વચ્ચ દબાવી કર્મણને પૂછયું.

મારો વિચાર, આ ડાયરી એ બંનેને પણ વાંચવા આપવાનો છે બાકી પછી તું કહે તેમ.” કર્મણે કહ્યું.

અંદાજ નથી આવતો કે હવે પછીના પાનામાં આનંદે શું લખ્યુ હશે. હજી આશરે  દશ થી પંદર પાના બાકી છે. ડોક્ટર સમીરે કીધું.

એ તો કાલે ખબર પડી જશે. કર્મણે પ્રત્યુત્તર આપ્યો અને કીધું ચાલ ગુડનાઈટ કાલે વાંચી લઈશું.

ઓકે ગુડનાઈટ. ડોક્ટર સમીરે પણ વીશ કર્યું

કર્મણ ડોક્ટર સમીરના રૂમમાંથી ઉઠીને સામેના રૂમમાં ગયો એટલે શિલ્પા, કાજલ પાસેથી ઉઠીને ડોક્ટર સમીરના રૂમમાં આવી..

.... વધુ આવતા અંકે...


 આશિષ એ. મહેતા


********************************************************************************************


Creative Commons Licenseઆનંદપ્રિયા : ભાગ-11   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/