Saturday, September 19, 2009

"કોઈની આશનું શું કામ છે? જ્યારે સાબૂત તન, મન અને શ્વાસ છે."

ખંજરના ઉંડા પડેલા ઘાવ પર મીઠું ભભરાવતા જેવી દર્દનાક વેદના થાય તેવી જ વેદના વિપ્લવ તમારૂં હૃદય અનુભવી ગયું. પરંતુ, સંઘર્ષ અને સંયમમાં જીવન પસાર કરી નાખનાર વિપ્લવ તમે તરત જ વેદનાને હૃદયમાં દબાવી દીધી અને તમારી ખુમારીએ તમારી માનસિક ઉંમર ફરીથી ત્રીસ વર્ષની બનાવી દીધી.

જી હા, વિપ્લવ - વિપ્લવ ત્રિપાઠી, સાંસ્કૃતિક નગરી વડોદરાના એક પરા વિસ્તારમાં બાળપણ અત્યંત ગરીબીમાં પસાર કરી, રસ્તા પરની સ્ટ્રીટ લાઈટના અજવાળામાં શિક્ષણ લઈ વડોદરાની મ.સ. યુનિવર્સીટીમાં યુવાન વયે તમે પ્રવેશ મેળવ્યો હતો. અન્ન અને દાંતને વેર હોય તેવા પરિવારમાં તમે મોટા થયા હતા વિપ્લવ, પરંતુ તમે ક્યારેય કોઈની મદદ ન સ્વિકારવાનો સ્વભાવ કેળવી અેક સંપૂર્ણ સ્વમાની વ્યક્તિ તરીકેનું જીવન જીવતા હતા. એ વાત પણ એટલી જ સત્ય છે વિપ્લવ કે આ સ્વમાની જીવન જીવવા તમે રોજના દસ કલાલ એક ફેક્ટરીમાં મજૂરી કરતા હતા.

વડોદરાની મ.સ. યુનિવર્સીટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તમે વિપ્લવ એક નાના પાયા પર તમારો પોતાનો એસિડ-ફિનાઈલ, ગળી-ડિટર્જન્ટ, વગેરે ઘર-વપરાશી વસ્તુઓ બનાવી વેચવાનો ધંધો શરૂ કર્યો અને તમારા માયાળુ અને સાલસ સ્વભાવ તથા અથાક મહેનતના પરિણામે તમે તમારૂં પોતાનું એક રૂમ રસોડાનું મકાન વડોદરા શહેરમાં લીધું. જીવનની કેડી પર અત્યાર સુધી એકલા જ ચાલતા આવેલા વિપ્લવ ત્રિપાઠી તમને ઘણીા વખત અકસ્માતમાં મૃત્યુ પામેલા તમારા માતા-પિતાની યાદ આવી જતી હતી ત્યારે તમારી આંખ ભીની થઈ જતી હતી. માતા-પિતાનું છત્ર ગુમાવ્યું ત્યારે તમે માત્ર આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા વિપ્લવ. એકલતા દૂર કરવા તમે તમારી એઠ્યાવીસ વર્ષની ઉંમરે જીવનસાથીની તલાશ શરૂ કરી હતી એને થોડાક જ સમયમાં તમારી જ જેમ એકલતાની કેડી પર ચાલનાર વિદ્યાના સંપર્કમાં તમે આવ્યા અને પરસ્પર લગ્ન ગ્રંથીથી જોડાઈ સંસાર સફર શરૂ કરી.

કુદરત જાણે એ સમયે તમારા પર મહેરબાન થઈ ગઈ વિપ્લવ. તમે તમારો ધંધો વિકસાવ્યો. એક લોડિંગ રીક્ષા લીધી અને તમારા સંસાર જીવનના બીજા વર્ષે તમને પુત્ર રત્નની પ્રાપ્તી થઈ. તેનું નામ પણ તમે કેવું સરસ રાખ્યું હતું - વિશ્વેશ. લગભગ વિશ્વેશના જન્મ પછી બાજા ત્રણ વર્ષે તમારા ઘરે પુત્રી ઝંકારનો જન્મ થયો, ત્યારે તમને લાગ્યું કે સંસારમાં તમારાથી સુખી કોઈ જ નહિં હોઈ શકે.

તમારો પરિવાર સુખી હતો. વિશ્વેશે અભ્યાસમાં સ્કોલરશીપ મેળવી હતી અને પોતાની ઓળખ ડૉ. વિશ્વેશ ત્રિપાઠી તરીકેની બનાવી વધુ અભ્યાસ માટે લંડન ગયો, ત્યારે તમારી છાતીમાં હરખ સમાતો ન હતો. જ્યારે તમને વિશ્વેશે સમાચાર આપ્યા કે તેણે લંડનમાં જેનેટ નામની સ્થાનીક ગોરી યુવતી સાથે લગ્ન કરી લીધા છે, ત્યારે ક્ષણિક તો તમને આઘાત લગ્યો. પણ તમે એ આઘાત પચાવી ગયા દિકરાના સુખી ગૃહસ્થ જીવન માટે પ્રાર્થના કરીને વિપ્લવ.

પણ આજે વિપ્લવ તમે વિશ્વેશને ફોન પર, બિમાર અને મરણ પથારી પર પડેલી તેની જન્મદાત્રી અને તમારી પત્ની વિદ્યાની ખબર પૂછવા તથા નજીકના સમયમાં તમારી દિકરી ઝંકારના 'ચટ મંગની, પટ બ્યાહ' જેવા લગ્નના પ્રસંગે તેને વડોદરા પાછા આવવા કહ્યું ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા ડૉ. વિશ્વેશે જણવ્યું કે તેની પાસે સમય નથી તેથી તે નહિં આવી શકે. તેના જવાબથી તમારૂં હૃદય કકળી ઉઠ્યું હતું વિપ્લવ, પણ તરત જ તમારી ખુમારીએ તમને યાદ અપાવ્યું કે કોઈની આશનું શું કામ છે? જ્યારે સબૂત તન, મન અને શ્વાસ છે.


લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

No comments:

Post a Comment