Saturday, May 23, 2020

ન્યાયનો દંડ છે હાથમાં,
નથી કોઈ પક્ષપાત મનમાં,
હું તો નિમિત્ત માત્ર છું,
નથી કંઈ મારા હાથમાં.

ઘડિયાળ સવારના અગિયારનો સમય દર્શાવી રહી હતી. કોર્ટમાં હજાર તમામ વકીલો, પક્ષકારો, કોર્ટ સ્ટાફ સતર્ક બનીને ચેમ્બર તરફ નજર કરીને જોઈ રહ્યા હતા. આજે કોર્ટ કાયમ હોય એનાથી વધારે ભરચક હતી. હોય જ ને... આજે કોર્ટમાં એક મહત્વના કેસનો ચુકાદો જાહેર થવાનો હતો. જિલ્લા કક્ષાની કોર્ટમાં રોજ કરતા આજે વધારે લોકોની હાજરી હતી. મીડિયા બહાર ચુકાદાની રાહ જોઈને ટોળે વળ્યું હતું.

ઘટના આજથી સાતેક મહિના પેહલા બની હતી. તાલુકા કક્ષાનું એ નાનું શહેર, મેટ્રો શહેરની બદીથી હજુ બેખબર શહેર નામે ધરમપુર. નવરાત્રીના માહોલમાં પૂરું ધરમપુર શહેર રંગાયેલ હતું. દરેક વ્યક્તિ પોતાની રીતે માં ની આરાધનામાં મગ્ન હતા. કોઈક વહેલી સવારે દુર્ગા સપ્તશતીના પાઠ કરતા હતા, તો વળી કોઈક અનુકૂળ સમય મુજબ હોમ હવન કરતા હતા. રાત્રે શેરી ગરબામાં સૌ ભેગા થઇ માં ના ગરબા ગાતા હતા. એ સમયે નવમા નોરતાની ઘટના છે. શેરી ગરબામાં પોતાની ઉંમરની સખીઓ સાથે ગરબે રમતી, યુવાનીના  ઉંબરે જેનો પગ હાલ મુકાયો છે એવી "ફોરમ" રોજની જેમ આજે પણ તેની સખીઓ સાથે ગરબા રમતી હતી. ઢોલનો તાલ અને ગામના ગઢવીના ઘૂંટાયેલ સુરથી સરસ વાતાવરણ જામ્યું હતું. એક પછી એક સરસ ગરબા ગવાતા હતા અને ખેલૈયા મન મૂકીને ગરબા ઘુમતા હતા. એવામાં પોતાની એક સખી કોમલને હું હમણાં એવું છું એમ કહીને ફોરમ ગરબામાંથી નીકળી ગઈ અને કોમલે પણ એક રોજિંદી બાબત ગણી ખાસ ધ્યાન ન આપ્યું. ફોરમને ગયે એકાદ કલાકનો સમય પસાર થઇ ગયા પછી અચાનક કોમલને ફોરમની યાદ આવી, ફોરમ હજુ કેમ નથી આવી? પણ એણે બહુ ધ્યાન ન આપ્યું અને વિચારી લીધું કે ફોરમ કદાચ ઘરે જતી રહી હશે. ગરબા પુરા થયા અને કોમલ એના ઘરે જતી રહી. પણ માંડ હજુ એ પથારીમાં આડી પડી હશે ત્યાં એના ઘરના દરવાજે ટકોરા પડ્યા. આટલી રાત્રે કોણ હશે એવા વિચાર સાથે કોમલની માતાએ દરવાજો ખોલ્યો તો સામે ફોરમના માવતર હતા. ઉતાવળે ચિંતાતુર સ્વરે પૂછ્યું ફોરમ તમારા ઘરે છે? કોમલ અને એના માતા બંને લગભગ સાથે જ બોલ્યા, ના અને ચિંતામાં વધારો થયો. પછી તો આખા ફળિયામાં ફોરમની શોધખોળ ચાલુ થઇ ગઈ. બાજુના ફળિયામાં રહેતા પી.એસ.આઈ. રાજદીપસિંહ જાડેજા પણ તપાસમાં જોડાયા અને એમની પોલિસ તાલીમે કંઈક અજુગતું બન્યું હોવાની સંભાવના પર તરત જ તપાસ ચાલુ કરી. તાબડતોબ પોલીસ કોન્સ્ટેબલની ટીમને તપાસની સૂચના આપી અને થોડીક જ વારમાં પુરા ધરમપુર શહેરમાં ખબર પડી ગઈ. સવારના આશરે 5.00 વાગ્યે પી.એસ.આઈ. રાજદીપસિંહને તેમના મોબાઈલ પર બાતમી મળી કે, જુના મહાદેવ મંદિરની પાછળની ઝાડીમાંથી એક યુવતી અર્ધબેભાન હાલતમાં મળી આવી છે. રાજદીપસિંહે તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ તાપસ અર્થે મોકલવાની સૂચના આપી અને પોતે પણ ફોરમના માતાપિતા સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલમાં અર્ધબેભાન હાલતમાં રહેલ ફોરમની દશા જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતી કે બળાત્કાર થયો હતો. અનુભવી પી.એસ.આઈ. રાજદીપસિંહે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને સાંજ સુધીમાં તો ધરમપુરમાં હાલ જ રહેવા આવેલ અને ગઈકાલ રાતથી ગાયબ થઇ ગયેલ કાળુ પગી તરફ શંકાની સોય તણાઈ ગઈ. અનુભવી રાજદીપસિંહ જાડેજાએ બીજા દિવસે બપોર સુધીમાં તો કાળુ પગીને પકડી લીધો અને રાજપુતી હાથ અને પોલીસની જબાન સામે કાળુ પગીએ ગુનો કબૂલી લીધો.

કોર્ટ કાર્યવાહી પૂર્ણ થઇ અને આજે કેસના અંતિમ ચુકાદાનો દિવસ હતો. સરકારી વકીલ અને પોલીસ બેડાને ચુકાદાનો અંદાજો હતો. ફાંસી જ થશે એવી વાતો કોર્ટ કમ્પાઉન્ડમાં કાનાફૂસી થઇ રહી હતી. સાડા અગિયાર વાગ્યે પોકાર થયો અને સોય પડે તો પણ સંભળાય એવી શાંતિ કોર્ટ રૂમમાં છવાઈ ગઈ અને જજ શ્રી વ્યાસ સાહેબે એમનું સ્થાન લીધું અને કાળુ પગીને પૂછ્યું, "કંઈ કહેવું છે?". સજાનો અંદાજો હોય તે રીતે કાળુ પગી રડી પડ્યો. કાળુ પગીના રુદનને અવગણીને શાંત, ધીર, ગંભીર સ્વરે ગુનાની ગંભીરતા જણાવી કાળુ પગીને ફાંસીની સજા ફરમાવી. કોર્ટ રૂમમાં કાળુ પગીના અને તેના પરિવારજનોના રુદનના અવાજો ગુંજી ઉઠ્યા, ન્યાય મળ્યો હોય તેવા હાવભાવ સહીત ફોરમના માતા-પિતા અને ફોરમ પણ રડી પડ્યા. કોર્ટ રૂમની પરિસ્થિતિની જાણે કોઈ જ અસર ન થતી હોય તે રીતે જજ શ્રી વ્યાસ સાહેબ તેમની ચૅમ્બરમાં જતા રહ્યા. ચેમ્બરમાં જઈને તરત જ શ્રી વ્યાસ સાહેબે એમની ચૅમ્બરના એટેચ વોશરૂમમાં જઈને મોઢું ધોયું અને એક કોગળો કર્યો જાણે કે, કેટલાય સમયથી સંગ્રહ કરી રાખેલ કડવાહટ થૂંકી હોય. એમની આંખો ભરાઈ આવી અને દ્રશ્યો ધૂંધળા થઇ ગયા. શ્રી વ્યાસ સાહેબને એમની ભાણી ફોરમ યાદ આવી ગઈ જે પણ એક રાત્રે આવી જ રીતે ગરબા રમવા ગઈ હતી અને કોઈ નરાધમે ફોરમની ફોરમ લૂંટી એની હત્યા કરી હતી. ત્યારથી જય કે. વ્યાસમાંથી જજ જે. કે. વ્યાસ સુધીની સફર શરુ થઇ અને જજ જે. કે. વ્યાસ તરીકે બળાત્કારના તમામ દોષિતોને ફાંસીની સજા જ ફરમાવી છે. છતાંય મનમાં કાયમ એક પ્રશ્ન રહી જાય છે, "શું ખરેખર ગુનાનો ભોગ બનનારને ન્યાય આપી શકાયો છે?"


આશિષ એ. મહેતા


Creative Commons License

ન્યાયનો દંડ છે હાથમાં, નથી કોઈ પક્ષપાત મનમાં, હું તો નિમિત્ત માત્ર છું, નથી કંઈ મારા હાથમાં. by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

No comments:

Post a Comment