Saturday, April 10, 2021

મારી કેસ ડાયરી : સુરેખા

પ્રિય વાંચકમિત્રો,


“સ્ત્રીને સમજવી એ કદાચ શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈના વશની વાત નથી.” એક સાંજે અજયભાઈએ એમની ઓફિસની ચેમ્બરમાં બેઠા બેઠા કોફીનો સીપ લેતા વાતની શરૂઆત કરી. એમની બાજુની ચેરમાં એમનો ખાસ મિત્ર અને પાર્ટનર અભિજાત અને સામે ચિંતન બેઠો હતો.

“સ્ત્રી એ લાગણીનું જીવંત પ્રતિક છે. જો એ ફળે તો દયા, ક્ષમા, પ્રેમ, હુંફ, પ્રેરણા અને સાથ આપે. જો એ નડવાનું નક્કી કરે તો જીદ, વેર, કટુ વચન અને બદલાની ભાવના સર્જે. આજે અભિજાતે કોર્ટમાં એક મેટર ચલાવી એમાં પણ એવું જ છે. અભિ તો તને એના મોઢે કંઈ કહેશે નહીં એટલે હું જ વાત કહી દઉં." કોફીનો વધુ એક સીપ ભરતાં અજયભાઈએ વાત આગળ ચલાવી.

તારા માટે એનું નામ સુરેખા માની લે. એની ઉંમર હજુ ૧૮ પૂરી જ થઇ હતી અને એના માં-બાપે એના લગ્ન એક ૩૦ વર્ષની ઉંમરના પૈસાપાત્ર વિધુર જોડે કરાવી દીધા. તું માનીશ સુરેખા એના લગ્નના પ્રથમ દિવસથી જ એક ત્રણ વર્ષના પુત્ર કરણની માતા બની ગઈ. હા, અમૃત સુરેખાનો પતિ બન્યો અને એને ત્રણ વર્ષનું એક બાળક હતું. ૧૮ વર્ષની સુરેખા દુનિયાદારીની રીતભાતથી પૂરી માહિતગાર પણ ન હતી અને એમાં પણ એક પુરા પરિવારની જવાબદારી એના માથે આવી પડી. અમૃત પૈસા પાત્ર વ્યક્તિ એટલે બીજી ચિંતા નહીં. લગ્નના શરૂના લગભગ દશેક વર્ષ શાંતિથી પસાર થઇ ગયા અને આ દરમ્યાન અમૃત અને સુરેખાને પણ એક દીકરો થયો. કરણ હતો અને બીજો દીકરો આવ્યો એટલે નામ પડ્યું અર્જુન. પરિવારમાં કોઈ જ તકલીફ ન હતી. પણ જે સ્ત્રી સીતા થઇ શકે, એ જ સ્ત્રી મંથરા અને કૈકેયી પણ બની શકે. સુરેખાની માતા મંજુલાબેને સુરેખાની કાન ભંભેરણી શરુ કરી અને સુરેખાને સતત એવું કાર્ય કરવા ઉશ્કેરી કે, અમૃત એની બધી જ મિલકત અર્જુનના અને સુરેખાના નામ પર કરી દે. મંજુલાબેનની નજર અમૃતની મિલકત ઉપર હતી. મંજુલાબેનની વાત શરૂઆતમાં તો સુરેખાએ શાંતિથી સાંભળી પણ, મંજુલાબેન એ વાત ભૂલી ગયા હતા કે સુરેખા હવે ૧૮ વર્ષની એ યુવતી નથી કે જેના એમને લગ્ન કરાવી નાખ્યા હતા. સુરેખા હવે એક સફળ બિઝનેસમેનની પત્ની છે, જેણે એના પતિ સાથે ૧૦ વર્ષ કાઢ્યા છે. એક સફળ બીઝનેસમેન સાથે પ્રેમપૂર્વક ૧૦ વર્ષ પસાર કરનાર ૨૮ વર્ષની સ્ત્રીને એટલો તો અનુભવ હોય કે એ વાતચીત પરથી સામેવાળાના નહીં બોલાયેલા શબ્દો પણ સમજી શકે અને એની પાછળનો મનોભાવ જાણી શકે.

પોતાની માતાથી આ રીતે સરળતાથી પીછો નહીં છૂટે એવું લાગતાં પોતાની જ માતાને પાઠ ભણાવવા સુરેખાએ એક જાળ ગોઠવી. સુરેખા જાણતી હતી કે એની માતાને અવાર-નવાર પૈસાની જરૂર પડે છે અને સુરેખા અને અમૃત ઘરખર્ચ અને બીજા ખર્ચ પેટે અવાર-નવાર તેમને પૈસા આપતા પણ હતા, પણ એ રોકડમાં. સુરેખાએ એની મમ્મી મંજુલાબેનનું બેંકમાં ખાતું ખોલાવડાવ્યું અને ચેકથી પૈસા આપવાનું શરૂ કર્યું. નાની-નાની રકમ કરીને રકમ જયારે એક લાખ થઇ ત્યારે સુરેખાએ એની ચાલ અમલમાં મૂકી. એણે મંજુલાબેન પાસેથી એમની સહિ વાળો પચાસ હાજર રૂપિયાનો એક ચેક લીધો અને સામે રોકડા પચાસ હાજર આપ્યા પણ ખરા. ચેક પર તારીખ લખી ન હતી. એકાદ મહિનાનો સમય પસાર થઇ ગયો. મંજુલાબેનના ખાતામાં બેલેન્સ જોયું. એની ધારણા મુજબ મીનીમમ બેલેન્સ જ હતું. એ જ સમયે સુરેખાએ મંજુલાબેનનો ચેક ખાતામાં ક્લીયરીંગ માટે નાખ્યો અને સુરેખાની ધારણા મુજબ ચેક રીટર્ન થયો. એ પછી સુરેખાએ અભિજાત દ્વારા નેગોશીએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ મુજબની નોટીસ આપી અને પછીથી કેસ પણ દાખલ કર્યો. સુરેખા તરફે પુરાવો રજૂ કરવાનું સ્ટેજ આવ્યું ત્યાં સુધી સુરેખા એ સમાધાન ના કર્યું. એના પતિ અમૃતે પણ એને સમજાવી. પણ ના એટલે ના. આખરે કોર્ટમાં મંજુલાબેન સુરેખાની સામે રડી પડ્યા અને જજ સાહેબે પણ આઉટ ઓફ ધ રેકોર્ડ પડદા પાછળનું ચિત્ર શું છે એ પૂછ્યું. 

ત્યારે સુરેખાએ કીધું, “આ સ્ત્રી સંબંધથી મારી મા છે. છતાં એ મને મારા બાળકો અને પતિ વિરૂધ્ધ સતત ઉશ્કેરે છે. એને જો મારી એટલી જ લાગણી હતી તો શા માટે સાવ ૧૮ વર્ષની નાની ઉમરમાં મને એક વિધુર જોડે પરણાવી દીધી?” જજ સાહેબ પણ વિચારે ચડી ગયા અને અભિને કેસ આઉટ ઓફ ધ કોર્ટ પતે એમ હોય તો એક પ્રયત્ન કરવા જણાવ્યું.

અભિએ સુરેખાને સમજાવી. શરૂઆતમાં તો એ ના મક્કર જ ગઈ કે મંજુલાબેનને છો ને સજા થતી. પણ અંતે અભિજાતની કુનેહ કામ આવી. એક કરાર થયો કે મંજુલાબેન ક્યારેય સુરેખાના અંગત જીવનમાં દખલગીરી નહીં કરે અને એ શરતે સુરેખાએ કેસ પરત ખેંચ્યો.” કોફીનો ખાલી કપ ટેબલ પર મુકતાં અજયભાઈએ પોતાની વાત પૂરી કરી.

“માનવું પડે સાહેબ, અમૃત ખરેખર નસીબદાર કહેવાય કે એને સુરેખા જેવી પત્ની મળી. બાકી તમે કીધું એ સો ટકા સાચી વાત, સ્ત્રીને ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ ના સમજી શકે.” ચિંતને જણાવ્યું.


આશિષ એ. મહેતા********************************************************************************************
********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : સુરેખા by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment