Saturday, June 20, 2020

પરિવારમાં જો અનુભવી વડીલ હોય તો વકીલની ક્યારેય જરૂર પડે જ નહિ

"બસ સાહેબ, મારી વાત અહીં પુરી થઇ, આગળ આપને જેમ ઠીક લાગે તેમ કરજો. પ્રણામ."

વાત પૂરી કરીને તમારી સામે બેઠેલ મુકેશ પરમારે વિદાય લીધી અને તમે એને જતો જોઈ રહ્યા. બસ થોડીક જ ક્ષણ બાદ તમે ઓફીસ બેલ વગાડી તમારી એ.સી. ચેમ્બરમાંથી ઉઠી બાલ્કનીમાં આવ્યા અને બાલ્કનીમાં મુકેલ ખુરશીમાં બેઠક લીધી અને તમારી આદતથી વાકેફ એવા તમારી ઓફિસના પટાવાળા સુરેશે તમને તમારી પસંદની ચાન્સેલર સિગરેટ, લાઇટર અને પાણીની બોટલ ભરીને આપી દીધી અને તમે, એડવોકેટ યશેષ ભાર્ગવ, સિગરેટ સળગાવી એક ઊંડો કશ લઇ ધુમ્રસેર છોડી અને એ ધુમ્રસેરથી રચાયેલ વાદળમાં હમણાં જ બનેલી ઘટના જોઈ રહ્યા.

એડવોકેટ યશેષ ભાર્ગવ, અમદાવાદ જેવા મોટા શહેરના ખ્યાતનામ અને મોંધા એડવોકેટસમાંનાં એક અને શહેરના પોશ વિસ્તારમાં પોતાની સ્વતંત્ર માલિકીનું એડવોકેટ હાઉસ ઉભું કરી 25 થી વધુ એડવોકેટસ નોકરી પર રાખી વકીલાતનો વ્યયસાય કરતા  હતા.

સામાન્ય રીતે ફેમિલી કોર્ટમાં તમારા જુનિયર એડવોકેટ જ જતા હતા પણ આજે એક મોટા ગજાના નેતાના નજીકના સંબંધીની દીકરી "પરી" નો કેસ આખરી દલીલો પર હતો અને તમે નેતા સાથેનો સંબંધ સાચવવા આજે કોર્ટમાં જાતે જ ગયા હતા. આજે સવારે પહેલી વખત જ તમે મુકેશ પરમારને મળ્યા. એક સીધો સાદો વ્યક્તિ, ફેશન અને કોર્પોરેટ ક્લચરથી જોજનો દૂરનો માણસ. કોર્ટરૂમમાં દલીલો પતી અને તમે બહાર નીકળ્યા તે સમયે અત્યંત વિનમ્રતાપૂર્વક એણે તમને મળવાનો સમય માંગ્યો અને તમે એકદમ તુમાખીભર્યા અવાજે એને કહ્યું, "હું ક્યારેય જેની સામે કેસ લડતો હોઉ એ વ્યક્તિને કેસ પતે નહિ ત્યાં સુંધી મળતો નથી." પણ એ જ સમયે મુકેશ પરમારના વકીલ નાયક સાહેબે તમને રિકવેસ્ટ કરી, "સર પ્લીઝ, એને એક વખત સાંભળી લો." અને એક એડવોકેટની વિનંતીને માન આપીને તમે મુકેશને મળવાનો ટાઈમ આપતા કહ્યું સાંજે શાર્પ 5.45 વાગે ઓફિસે આવી જાવ.

સાંજે શાર્પ 5.45 વાગે મુકેશ પરમાર તમારી સામે તમારી ચેમ્બરમાં બેઠો હતો. તમારા માટે સાવ નાનો કેસ હતો, આધુનિકતાના રંગે રંગાયેલી પરીને સીધા સાદા મુકેશથી છૂટાછેડા લેવા હતા. છૂટાછેડા આપવામાં મુકેશને પણ કોઈ વાંધો ન હતો પણ મુકેશ પર પરીએ જે ચારિત્ર્યહીનતાના આક્ષેપો લગાવ્યા હતા એની સામે મુકેશનો વાંધો હતો. મુકેશ એ પણ જાણતો હતો કે, પરીનો પિતૃપક્ષ આર્થિક રીતે સક્ષમ હતો અને રાજકીય વગ ધરાવતો હતો, એની સામે મુકેશનું કંઈ ગજું ન હતું. તમારી સામે બેસીને સીધી જ મુદ્દાની વાત કરતો હોય એમ મુકેશે એના મોબાઈલમાં કેટલાક ફોટા બતાવ્યા. પરી એના કોઈ પુરૂષ મિત્રની સાથે વાંધાજનક અવસ્થામાં હતી. મુકેશે એક કોમ્પ્યુટર પ્રિન્ટ આઉટ આપી જેમાં હાઈલાઈટ કરેલ ચેટ વાંચી તો પરીની પરપુરૂષ સાથેની રોમાન્સભરી ચેટ હતી. પુરાવાની દ્રષ્ટિએ જોઈએ તો તમારી અસીલ પરીની વિરુદ્ધના પુરાવા હતા, પણ આ પુરાવા મુકેશે કોર્ટમાં રજૂ કેમ ના કર્યા? એની તમને ખબર ના પડી.

તમારા ચહેરાના હાવભાવ સમજી ચૂકેલ મુકેશે ગંભીરતાથી તમને જણાવ્યું, "સાહેબ, પુરાવા હોય તો પણ એક સ્ત્રીના ચારિત્ર્ય ઉપર આક્ષેપ-આરોપ ના કરાય. પૈસા કમાવા કદાચ સહેલા છે, પણ આબરૂ કમાવી અઘરી છે. પરીને હું અને મારી સાદગી પસંદ નથી. હું એને પરાણે રાખવા પણ માંગતો નથી અને આ પુરાવા પણ જાહેર કરવા નથી માંગતો. બસ, હું એટલું જ ઈચ્છું છું કે મારા ચારિત્ર્ય પર કરેલા આક્ષેપો પરી પાછા ખેંચી લે. સાહેબ, આનાથી પણ વધારે પુરાવા મારી પાસે છે. હું ભલે સીધો-સાદો રહ્યો પરંતુ એક સ્ત્રીને પુરૂષ મિત્ર ના હોવો જોઈએ એવી માનસિકતા ધરાવતો નથી પણ મિત્રતામાં મર્યાદા તો હોવી જોઈએને? સાહેબ, રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણની વચ્ચે પણ મિત્રતાનો સંબંધ હતો, મર્યાદાપૂર્ણ મિત્રતાનો." આજે પહેલી વખત એવું બન્યું હતું કે તમારી ઓફિસમાં તમારી સામે બેઠેલ વ્યક્તિને સમજવામાં તમને સમય લાગ્યો હોય. તમે ઓફિસના ઇન્ટરકોમ પર તમારા ઑફીસબોય સુરેશને 2 કપ ચા લાવવા કહ્યું.

મુકેશે આગળ વાત વધારી, "સાહેબ, પરીના પિતાના મારા પર એહસાન છે. એમણે મારી માતાની સારવાર માટે મને નાણાકીય મદદ કરી હતી. એ વાત મરાથી ભુલાય નહિ અને પરીની સાચી હકીકત એમને પણ મારાથી ના કહેવાય."

સુરેશ ચા મૂકી ગયો અને તમે ચાનો કપ ઉઠાવીને મુકેશને પણ ચા પીવા ઈશારો કર્યો. સતત બોલવાના કારણે ગળું સુકાઈ જવાથી મુકેશે પહેલાં બાજુમાં પડેલ ગ્લાસ ઉઠાવી પાણી પીધું અને પછી ચાની ચુસ્કી ભરી વાત આગળ વધારી, "સાહેબ મારા સસરા પરીના પપ્પા ભગવાનના માણસ, એમણે જ મને નોકરીમાં લગાડ્યો અને હું દ્રઢપણે માનું છું કે એમને પણ અમારા છૂટાછેડા થાય એ નહીં જ ગમતું હોય. સાહેબ, જો પરી એની મિત્રતામાં મર્યાદા રાખવાનું અને નિભાવવાનું વચન આપેને તો હજુ પણ હું એની સાથે જીવન જીવવા તૈયાર છું. આ એક બીજી કોપી છે, ફોટા અને ચેટની. આપ પરી અને મારા સસરાને આપને યોગ્ય લાગે તો બતાવી શકો છો અને નાયક સાહેબને મેં જ આ પુરાવા કોર્ટમાં રજુ કરવાની ના પાડી હતી." ચાના કપમાંથી છેલ્લી ચુસ્કી લઇ કપ નીચે મૂકી મુકેશે કહ્યું, "બસ સાહેબ, મારી વાત અહીં પુરી થઇ, આગળ આપને જેમ ઠીક લાગે તેમ કરજો. પ્રણામ."

તમારી પસંદની ચાન્સેલર સિગરેટનો છેલ્લો કશ લઇ એશ ટ્રેમાં સિગરેટ બુઝાવી પાણીની બોટલમાંથી પાણી પીધું અને તમે મનોમન તમારા સિનિયર અને ગુરુ એડવોકેટ દવે સાહેબને યાદ કર્યા. દવે સાહેબે આજથી ત્રીસ વર્ષ પહેલા જયારે તમે વકીલાતના વ્યવસાયમાં જોડાયા હતા અને વકીલ તરીકેનો તમારો પ્રથમ દિવસ હતો ત્યારે તમને કહ્યું હતું, "છોકરા, વકીલાતમાં જે દેખાય છે એના કરતા વધારે મહત્વનું જે નથી દેખાતું એ હોય છે અને આ પ્રથમ નજરે ના દેખાતું શોધી નાખવું એ જ સારા વકીલની નિશાની છે. પારિવારિક ઝઘડામાં વકીલે વડીલ તરીકે પણ ક્યારેક વર્તવું પડે."

મનોમન દવે સાહેબને વંદન કરી યશેષ ભાર્ગવ, તમે પરીના કેસમાં એક વડીલ તરીકે વર્તવાનો નિર્ણય કરી બાલ્કનીમાંથી ઉભા થઇ તમારી એ.સી. ચેમ્બરમાં આવ્યા અને તમારા જુનિયરને સૂચના આપી કે, "કાલે સવારે પરીને અને એના પપ્પાને ઓફિસ બોલાવો, કહેજો કે સાહેબને જરૂરી કામ છે અને કાલ સવારની મારી તમામ અપોઈન્ટમેન્ટ કેન્સલ દો." એડવોકેટ યશેષ ભાર્ગવ, તમારા ચહેરા પર આજે એક મોટા વકીલ તરીકેની નહિ પરંતુ એક અનુભવી વડીલ તરીકેની આભા દેખાઈ રહી હતી. તમે પરીની હકીકત એના પિતાને જણાવવાનું અને પરીને સમજાવવાનો નિર્ણય લઇ લીધો હતો. કોઈએ સાચું જ કીધું છે "પરિવારમાં જો અનુભવી વડીલ હોય તો વકીલની ક્યારેય જરૂર પડે જ નહિ."


આશિષ એ. મહેતા


Creative Commons License


પરિવારમાં જો અનુભવી વડીલ હોય તો વકીલની ક્યારેય જરૂર પડે જ નહિ.... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

1 comment:

  1. Wah....khubaj saras saheb....khubaj umda vicharo no veg chhe.....superb....

    Vanchvani khubaj maja aavi ane aa story satat vanchvanu man thay evi rasprad chhe...asha chhe k aa story no bijo part aapna taraf thi haji aavse avi asha sathe..... Abhar

    ReplyDelete