Saturday, August 28, 2021

મારી કેસ ડાયરી : લોક ડાઉન

પ્રિય વાંચકમિત્રો,


“સાહેબ, નસીબ થોડી વેચી ખાધા છે? બહુ ચિંતા નહિ કરવાની, પડે એવા દેવા જાશે.”

લોક ડાઉનનો તબક્કો ચાલી રહ્યો હતો. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોનાનો કહેર સમગ્ર વિશ્વને ભરડો લઇ ચુક્યો હતો. અમેરિકા, બ્રિટન સહિતના વિશ્વના મોટા અને વિકસીત દેશ પણ તેનાથી બાકાત ના હતા. ભારતમાં પ્રધાનમંત્રીશ્રીએ સમય સુચકતા વાપરીને લોક ડાઉન જાહેર કરી દીધું હતું. રેલ્વે, વિમાન સેવા, બસ સેવા અને ટ્રાન્સપોર્ટના તમામ સાધનો બંધ હતા જે જ્યાં હતા તેમને ત્યાં જ રહેવાનું સુચના હતી. પોલીસ, નર્સ, ડોક્ટર, સરકારી અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાઓના અનેક વ્યક્તિઓ પોતાના જીવના જોખમે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યા હતા. સમય સમય પર માનનીય પ્રધાનમંત્રીશ્રી પ્રજાજોગ સંદેશ પાઠવી લોકોને માર્ગદર્શન આપવા સાથે મનોબળ પૂરું પાડી રહ્યા હતા. પાટનગર દિલ્હીની પરિસ્થિતિ વધુ ખરાબ હતી એટલે માનનીય ગૃહમંત્રીશ્રી એ સમગ્ર દિલ્હી શહેરનો હવાલો જાતે જ સાંભળી લીધો હતો. સમગ્ર વિશ્વની સરખામણીએ જોઈએ તો દેશ ઘણી જ સારી પરિસ્થિતિમાં હતો.

એ સમયે ઘણી બધી કંપનીઓએ પોતાના કર્મચારીઓને પૂરો પગાર આપીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું અને સામે પક્ષે કેટલીક કંપનીઓએ કર્મચારીઓને છુટા કર્યા અગર પગારકાપ જાહેર કર્યો હતો.

લોક ડાઉનના તબક્કાના એક વર્કિંગ દિવસ, આમ તો ભારતની તમામ કોર્ટ બંધ હતી એટલે એ રીતે જોઈએ તો વર્કિંગ દિવસ ના કહી શકાય પણ, શનિવાર કે રવિવાર ન હોવાના કારણે એ દિવસને વર્કિંગ પણ ગણી શકાય, બપોરના લગભગ ૨ વાગ્યાનો સમય અને અમદાવાદ શહેરના ખ્યાતનામ સિવિલ લોયર અજયભાઈ પટેલની મેમનગર ખાતે આવેલ બહુમાળી મકાનના સાતમા માળે આવેલ ઓફીસની ચેમ્બરમાં અજયભાઈ એમનો પાર્ટનર અને મિત્ર અભિજાત અને ચિંતન ત્રણ બેઠા હતા. આજે લગભગ બે મહીને રામજીને બોલાવ્યો હતો જેથી ઓફીસની સાફ સફાઈ થઇ શકે. ઓફીસની સાફ સફાઈ અને સેનેટાઈઝેશનની કામગીરી પૂરી થઇ હતી અને એ સમયે જ ચિંતનનો ફોન આવેલ એટલે એને પણ અજયભાઈએ બોલાવી લીધો. રામજી હમણાં થોડી વાર પહેલા જ કોફી સર્વ કરીને ગયો હતો અને અજયભાઈએ ચિંતનને પૂછ્યું કે, “શું ચાલે છે નવાજુની? કેવું છે લોક ડાઉન?” “બસ સાહેબ આપણે હવે ફૂલ ફ્રી. એક મહિનાનો નોટીસ પે આપી આજે મને છૂટો કરી દીધો.” કાયમની જેમ જ હસતા ચહેરે ચિંતને જવાબ આપ્યો અને જાણે પોતાના કાન પર ભરોસો ના હોય એમ ચિંતાતુર ચહેરે અજયભાઈએ ચિંતનની સામે જોયું અને ચિંતન જાણે કે અજયભાઈના મનોભાવ કળી ગયો હોય એમ બોલ્યો, “સાહેબ, નસીબ થોડી વેચી ખાધા છે? બહુ ચિંતા નહિ કરવાની, પડે એવા દેવાશે.”

“પણ તું તો આખા અમદાવાદમાં એક માત્ર સેલ્સ પર્સન હતો તો પણ.” અજયભાઈએ પૂછ્યું.

“એમાં એવું છે સાહેબ કે હું ફાર્મા કંપનીમાં છું એ તો આપ જાણો જ છો. અમદાવાદ શહેર હું એકલો જોતો હતો. અમારી કંપનીની દવાની ડીમાંડ કાયમ હોય જ એટલે મને ઓર્ડર કે ટાર્ગેટની કોઈ જ તકલીફ ક્યારેય પડી નથી. અમદાવાદ રૂરલ મારો કલીગ જોતો હતો. એની ઉંમર પણ નાની અને અનુભવ પણ. કંપનીએ મને કહ્યું કે તમે હવે શહેરની સાથે રૂરલ પણ જુવો. એનો અર્થ એ કે પેલા નાની ઉમરના મારા જુનિયરને નોકરીમાંથી છૂટો કરવાની ગણતરી હતી. મેં કંપનીને ના પાડી કે હાલ લોક ડાઉન છે, હું શહેર બહાર નહિ જઉં. મારા ઝોનલ મેનેજરને મારી પાસેથી આ જ જવાબની અપેક્ષા હશે. એટલે એણે એવું કીધું કે હું કંપનીના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરું છું. એટલે સાહેબ, આપડે ના પાડી. એમણે તરત જ મારા જુનિયરને ફોન કર્યો અને પૂછ્યું કે એ અમદાવાદ શહેર સાંભળી શકશે? પેલાએ હા પાડી. એટલે મારા ઝોનલ મેનેજરે મને નોટીસ પે આપી છૂટો કરી દીધો. આમે ય એને મારા પર ખાર તો હતો જ. કારણ કે, હું ડીલર ડિસ્કાઉન્ટ પૂરે પૂરું ડીલરને આપતો અને એને એમાંથી મારી ખાવાની દાનત હતી.” ચિંતને એની વાત જણાવી.

“તો હવે, આગળ?” અજયભાઈએ પૂછ્યું.

“કંઈ નહિ સાહેબ, હાલ બે ત્રણ મહિના તો વાંધો નહિ આવે, ફાર્મા લાઈનનો મારો એક્પીરીયન્સ સારો છે અને ટ્રેક રેકોર્ડ પણ. કંપનીમાં ઈન્ટરવ્યુ આપીશું. થોડીક તકલીફ પડશે પણ સેટ થઇ જઈશું. કોઈ હાથમાંથી લઇ જાય નસીબમાંથી થોડી લઇ જવાનું છે.” ચિંતને જણાવ્યું.

અજયભાઈ અને અભિજાતે એક પળ માટે એક બીજાની સામું જોયું અને જાણે બંનેએ એકબીજની મૌનની ભાષા સમજી લીધી હોય એમ અજયભાઈએ કહ્યું, “અમે આ લોક ડાઉન પતે પછી સરકારની જે ગાઈડ લાઈન આવે એ મુજબ ઓફીસ શરુ કરવાના છીએ. તારે ક્યાય બીજે સેટ ના થાય ત્યાં સુધી તું અહીં આવજે.”

અભિજાતના ચહેરા પર એક સ્મિત આવી ગયું અને ચિંતન પણ ખુશ થઇ બોલી ઉઠ્યો, “થેંક્યું સાહેબ..”

“ચાલો હવે નીકળીએ. હજુ લોક ડાઉન પત્યું નથી ..” અજયભાઈએ કહ્યું અને બેલ મારી રામજીને બોલાવ્યો.

રામજી કોફીના કપ લઇ ગયો અને ધોઈને મૂકી દીધા. થોડી વાર પછી ઓફીસ વસ્તી કરી અજયભાઈ અને અભિજાત બંને અજયભાઈની સફેદ ફોર્ચ્યુનર કારમાં હતા. “અભિ, શું લાગે છે? ચિંતન કંપની વિરુદ્ધ કેસ કરવાનું કહેશે?” અજયભાઈએ અભિજાતને પૂછ્યું. “ના, ચિંતનનો સ્વભાવ સમાધાનપ્રિય છે એટલે એ લડવામાં સમય બગડ્યા કરતા પોતાના ડેવલપમેન્ટ માટે વિચારશે.” અભિજાતે જવાબ આપ્યો.

થોડે આગળ અભિજાતનું ઘર આવી જતા અજયભાઈએ કાર ઉભી રાખી અને અભિજાત ઉતરી ગયો. અજયભાઈએ કારમાં રેડિયો ચાલુ કર્યો અને ગીત ગુંજી ઉઠ્યું. “તકદીર મેં હૈ ક્યા? ક્યા જાને? યે ખેલ હૈ સબ લકીરો કા ...”


આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : લોક ડાઉન    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

No comments:

Post a Comment