Saturday, November 27, 2021

મારી કેસ ડાયરી : લીલા

પ્રિય વાંચકમિત્રો,

“સાયેબ, નમસ્તે, મારું નોમ લીલા, તમે જ બોલો મારામાં શું ખામી છે? એ જ ને કે મારી બોલી અને વાત કરવાની રીત ગોમડાની સે.”

અજયભાઈની ઓફીસમાં ઘણી વખત સાવ અણધારી ઘટનાઓ બનતી હોય છે એમાં કોઈ નવાઈની વાત નથી. આવી જ એક ઘટના અજયભાઈની ઓફિસમાં ભજવાઈ રહી હતી. અજયભાઈ ક્લાયન્ટ કન્સલ્ટેશનમાં વ્યસ્ત હતા, અભિજાત આવતીકાલની કેસ ફાઈલો ગોઠવવામાં વ્યસ્ત હતો અને ચિંતન અજયભાઈની જ ચેમ્બરમાં સામેના સોફામાં બેસીને એની રોજીંદી કામગીરી કરી રહ્યો હતો.

નક્કી કરેલ સમયે એક આશરે ૩૦-૩૫ વર્ષનું ઉમરની સ્ત્રી અજયભાઈની ચેમ્બરમાં દાખલ થઇ અને એણે એની વાત અજયભાઈને કહેવાની શરૂઆત કરી અને ચિંતને એની સામે રજૂ થનાર એક નવી જ કહાની સંભાળવાની માનસિક તૈયારી કરી.

“સાયેબ, મુ મૂળ ઉત્તર ગુજરાતની એ તો મારી બોલી પરથી કોઈને પણ ખબર પડી જ જાય, ગોમડાની નેહારમાં દહમાં (૧૦) ધોરણ હુંધી ભણી અને પછે ભણવાનું સોડી દીધું. મારા બાપાએ અમારા હમાજના રીવાજ મુજબ મુ નેની (નાની) હતી તયે જ મારું હગપણ નક્કી કરી નાખ્યું હતું, આ મારા રાજ્યાના બાપા વેરે. હવે મારા હહરા ગોંધીનગરમાં રહે અને સરકારી અધિકારી એટલે એમને આ મારા રાજ્યાના બાપને સારી પેઠ ભણાવ્યા અને એમને પણ સરકારી અધિકારી બનાયા. પણ ઇ પહેલા તો મારા અને એમના લગન થઇ જ્યાતા. લગન ચેડે (પછી) મુ ગોંધીનગર આવી. શરૂ-શરૂમાં તો મારા હાહુ-હહરા (સાસુ-સસરા) ભેળા હતા એટલે બહુ માથાકૂટ નતી થાતી. પણ આ રાજ્યો હાત (સાત) વરહનો થયો અને મારા હાહુ (સાસુ) ધામમાં જ્યા પછે ધેમેધેમે ઇયોનો સ્વભાવ બગાડવા મોંડયો. રાતે મોડા આવવું, ખોટું બોલી રાત-વરત બહાર રહેવું. સરકારી અધિકારી એટલે મુ હમજુ કે સરકારી કામ હશે તો વહેલા મોડું થાય, પણ આ તો સરકારી ગાડીનો ડાઈવર મારા પિયરનો આયો તે મને ખબર પડી કે એમને તો એમની કોક હગલી ગમી જઈ છ. મીએ મારા હહરાને કીધું કે એમને કોક સમજાવો આ સારું ના લાગે પણ મારા હહરાનું પણ એમને ના હોંભળ્યું અને મનમાની કરતા જ્યા. સાયેબ, મીએ એમનું ઘર સાચવ્યું, શહેરમાં આવી આ ગેસને ઘંટી ને એવું બધું વાપરતા શીખી, મુ બહુ ભણી નથી પણ મારા રાજ્યાને ટ્યુશન લેવા મુકવાનું લેશન કરે ઇ જોવાનું, જાત જાતની રસોઈ બનાવવી, ઘરના કામ, બધું કર્યું. એમના સગા વહાલા બધાને સાચવ્યા અને બધા પ્રસંગો પણ સાચી આલ્યા. બસ એક આ મારી બોલી ના સુધારી શકી. પણ એમા એમણે મારી જોડે દગો કરવાનો?”

એક શ્વાસે ગામઠી શૈલીમાં પોતાની વીતક રજૂ કરી. વાત તો સાવ સાચી હતી. શરીર પરથી ઉમરનો અણસાર સરળતાથી આવે એવો નહતો. શૃંગાર રસના લેખકો અને કવિઓ તેમની વાર્તા અને કવિતામાં વર્ણવે છે એવું દેહ લાલિત્ય. વાતચીત પરથી જણાઈ આવતો સરળ અને સીધી વાત કરવાનો સ્વભાવ. અજયભાઈએ સાહજિક પૂછ્યું, “બેન શું નામ છે આ રાજુના પપ્પાનું?”

“સાયેબ, આ રાજ્યાને પૂછી લો. અમારામાં ધણીનું નોમ ના બોલાય. એ સચિવાલયમાં નોકરી કરે છે કોંક પહેલા દરજ્જાના સાયેબ છે (ક્લાસ વન). મારે હવે એમની સામે ખાધાખોરાકીનો કેસ મેલવો છે.”

“રાજુ, તારું આખું નામ બોલતો.” અજયભાઈએ લીલાની જોડે આવેલ આશરે ૧૪-૧૫ વર્ષની ઉમરના છોકરાને પૂછ્યું.

“ઠાકોર રાજેશ ........” રાજેશે જવાબ આપ્યો.

રાજેશના પિતાનું નામ સાંભળી અજયભાઈ અને અભિજાત બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા.

“એક કામ કરો બહેન, હાલ તમે તમારું સરનામું લખવી દો અને ફોન નંબર આપો. હું કેસ તૈયાર કરી તમને બોલાવી લઈશ."

“મેરબાની, સાયેબ.” કહી એમણે વિદાય લીધી.

સી.સી.ટી.વી.માં જોઈને અજયભાઈએ કન્ફર્મ કર્યું કે લીલાબેન ઓફીસ પ્રીમાઈસીસની બહાર નીકળી ગયા અને લીફ્ટમાં દાખલ થઇ ગયા. પછી અભિજાત સામે જોયું.

“આ તો બહુ મોટું નામ નીકળ્યું.” અભિજાત બોલ્યો.

“હા. પણ, આમાં કેસ ના કરાય અને સાહેબને મળીને એમને સમજાવવા પડે. એવું પણ બને કે આ બહેન કહે છે એવું કશું વાંધા જનક ના પણ હોય.”

“સાહેબ, આ ઠાકોર સાહેબ કોણ છે, જેમને તમે મળવાનું અને સમજાવવાનું કહ્યું તે?” પોતાની ઉત્સુકતા દબાવી રાખવામાં કાયમ નિષ્ફળ રહેલ ચિંતને એના સ્વભાવગત પૂછ્યું.

“આ જે નામ કીધું એ સરકારી ખાતાના સચિવ કક્ષાના અધિકારી છે. મને અને અભિજાત બંનેને સારી રીતે ઓળખે છે અને ખાસ વાત એ કે એમની છાપ એક ઈમાનદાર અને પ્રમાણિક અધિકારીની છે. આ કેસમાં બે શક્યતા હોય. એક તો આ બહેનની વાત સાચી હોઈ શકે અને બીજી એમના કાન ભંભેરવામાં આવ્યા હોય. પણ, આપણે સાહેબને મળી વાત કરવી પડે. આટલા મોટા અધિકારી વિરુદ્ધ સીધી આવી ફરિયાદ દાખલ ના કરાય. બીજું કે આ બહેન આજે પહેલી વખત મળવા આવ્યા, પણ એમની વાત કરવાની પદ્ધતિ મને શંકા ઉપજાવે છે અને નક્કર પુરાવા વગર કોઈની પ્રતિષ્ઠાને નુકશાન થાય એવું કાર્ય ના કરાય.” અજયભાઈએ એમની વ્યવહારિક કુશળતાનો પરિચય આપતા જણાવ્યું.

ચિંતનનો મોબાઈલ રણકી ઉઠ્યો અને ચિંતને વાત કરી અજયભાઈની રજા લીધી.

 

આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : લીલા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment