Saturday, December 25, 2021

મારી કેસ ડાયરી: કવિશ–મેઘાવી

પ્રિય વાંચકમિત્રો,

“ચિંતન, આજે સાંજે થોડો વહેલો આવી જજે. કામ છે.” અજયભાઈએ ચિંતનને ફોન પર સુચના આપી અને ચિંતન એમની સુચનાને અનુસરીને સાંજે લગભગ ૪.૩૦ વાગે અજયભાઈની ચેમ્બરમાં એમની સામે બેઠો હતો. રૂટીન કામમાંથી ફ્રી થઇ રામજીને ઇન્ટરકોમ પર ચાર કોફી કોન્ફરન્સ રૂમ માં લાવવાનું સુચના આપી અને પંકિતને પણ કોન્ફરન્સ રૂમમાં આવવા જણાવ્યું. થોડી જ વારમાં અજયભાઈ, અભિજાત, ચિંતન અને પંક્તિ કોન્ફરન્સ રૂમમાં બેઠા હતા અને ગરમા ગરમ કોફીની સુંગધ વાતાવરણમાં ફેલાઈ રહી હતી.

કોફીનો એક સીપ લીધા બાદ અજયભાઈએ કહ્યું, “ચિંતન, તું અને પંક્તિ જોડે નીકળો અને ત્રણ વર્ષની આસપાસની બેબી માટે કોઈ સરસ એવી ગીફ્ટ લઇ આવો, જે એના અને એના પરિવારના કામમાં આવે. બજેટ ત્રણ હજાર સુધી કોઈ વાંધો નથી અને સાત વાગ્યા સુધીમાં પરત આવી જાવ પછી આપણે બધા જોડે જ જઈશું.” આટલી સુચના આપી અજયભાઈએ અભિજાતની સામે જોયું અને અભિજાતે ત્રણ હજાર પુરા ચિંતનના હાથમાં આપ્યા. કોફી પૂરી કરી સમય બગડ્યા વગર ચિંતન અને પંક્તિ બંને વિદાય થયા.

સાંજે લગભગ સાત વાગ્યાના સુમારે અજયભાઈની ગાડીમાં અજયભાઈ, અભિજાત, ચિંતન અને પંક્તિ શહેરના એક મધ્યમ વર્ગીય વિસ્તાર તરફ જઈ રહ્યા હતાં. આજે ગાડી અભિજાત ચલાવી રહ્યો હતો. અજયભાઈએ ગૂગલ મેપમાં એક સરનામું એન્ટર કર્યું અને એ મુજબ ગાડી એની નિર્ધારિત દિશામાં આગળ વધી રહી હતી. આશરે ૨૦ મિનીટની સફર બાદ શહેરના એક નિમ્ન મધ્યમ વિસ્તારના એક જૂના પુરાણા બાંધકામવાળી સોસાયટીની પાસે આવીને ગાડી ઉભી રહી અને અજયભાઈએ એક ફોન કર્યો અને થોડી જ વારમાં એક આશરે 28 થી ૩૦ વર્ષની વયનો યુવાન આવીને ગાડી પાસે ઉભો રહ્યો. અજયભાઈને અને પુરા સ્ટાફને ખુબ જ દિલથી આવકાર્યા. એ યુવાનની સાથે જ અજયભાઈ પુરા સ્ટાફ સાથે એની પાછળ પાછળ એક નાના પણ સુઘડ અને વ્યવસ્થિત ગોઠવેલ મકાનમાં દાખલ થયા.

“આવો સાહેબ, આ મારા મમ્મી, આ પપ્પા, આ મારી પત્ની મેઘાવી અને આ અમારી લાડકી દીકરી, પરી.” પોતાના સમગ્ર પરિવારનો ટૂંકમાં પરિચય આપ્યો. અજયભાઈએ પરીને એના જન્મદિવસની શુભકામના પાઠવી અને એના માટેની ગીફ્ટ એને આપી. માત્ર ચાને ન્યાય આપી અજયભાઈએ એમના સ્ટાફ સાથે વિદાય લીધી.

ગાડી પરત ઓફીસ તરફ ગતિ કરી રહી હતી અને અજયભાઈએ વાત શરૂ કરી. આપણે જેના ત્યાં જઈને આવ્યા એનું નામ કવિશ છે. મધ્યમ વર્ગીય પરિવારનો યુવાન. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે છે અને મને અમારા સમાજના એક જાહેર કાર્યક્રમમાં મળ્યો હતો. ખુબ જ ઉત્સાહી, એ દિવસે ઓછા સમયમાં ઘણી વાતો અમે કરી. એની એક ખાસ વાત મને ગમી ગઈ. એણે મને જણાવ્યું કે, “સાહેબ, મારો પહેલેથી જ નિર્ણય હતો કે હું લગ્ન કરીશ તો અનાથ કન્યા સાથે જ. કોઈ બાળક અનાથ તરીકે ઉછરે એમાં એ બાળકનો શું વાંક? વાંક તો સમાજનો જ ને કે જેની કેટલીક માન્યતા અગર તો સમાજના કેટલાક પશુવૃત્તિવાળા પુરુષોના કારણે સ્ત્રીએ પોતાના કાળજાના કટકાને ત્યજી દેવો પડે. તો આવા બાળકને સમાજમાં પરત લાવવા એમને સ્વીકારવા પડે અને આ કામ સમાજે જ કરવું પડે. મારા આ નિર્ણય અંગે મમ્મી-પપ્પાનો શરૂઆતમાં વિરોધ હતો. પણ હું મક્કમ રહ્યો. અલગ-અલગ અનાથ આશ્રમમાં તપાસ કરી અને મેઘાવી સાથે પરિચય થયો. બસ, એને મળ્યો અને લાગ્યું કે મારી તપાસ પૂર્ણ થઇ. પરિવારના સભ્યોને સમજાવી અમે સાદાઈથી લગ્ન કર્યા. થોડા જ સમયમાં મેઘાવીના વર્તન અને વ્યવહારથી મારા મમ્મી-પપ્પાનો એના પ્રત્યેનો અણગમો દૂર થઇ ગયો.”

બીજી પણ થોડી વાતો નીકળી. એણે જણાવ્યું કે, આજે એની દીકરી પરીનો ત્રીજો જન્મદિવસ છે. મને એને ઘરે આવવા ખુબ આગ્રહ કર્યો અને બીજી વાત એ જે ઇવેન્ટ કંપનીમાં કામ કરે છે એ કંપનીનો માલિક મારો મિત્ર, મેં કવિશની વાત એને કરી તો એણે મને કહ્યું, “અજયભાઈ, તમે એના ઘરે જઈ આવો, એ જ્યાં સુધી કંપનીમાં કામ કરશે ત્યાં સુધી એની દીકરી પરીનો અભ્યાસનો તમામ ખર્ચ ઇવેન્ટ કંપની ઉપાડશે.”

આવી ઘટનાઓથી માનવું પડે કે માણસોમાં હજુ માણસાઈ જીવી રહી છે.

ઓફીસ આવી જતા અજયભાઈ એ ગાડી ઉભી રાખી કહ્યું, “ચાલો, ઓફીસ આવી ગઈ. કાલે મળીએ. આવજો.”

“સાહેબ, ક્યારેક નાના ગણાતા માણસો પણ મોટા કામ કરી જાય છે. સલામ છે કવિશ અને એના જેવી સકારાત્મક વિચારધારા ધરાવતા વ્યક્તિઓને.”

 

આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી: કવિશ–મેઘાવી    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment