Sunday, September 18, 2022

બીરજુ- બીરવા ભાગ - પ

 

ભાગ -  5

અમરેલીના સોની બજારમાં પારેખ જ્વેલર્સનું મોટું નામ. જુની અને જામેલી પેઢી ધીકતો ધંધો અને ગ્રાહકોની ભરમાર ભલેને પછી સીઝન હોય કે ન હોય. પારેખ જ્વેલર્સના સ્થાપકનું નામ પિતાંબરદાસ પારેખ, બ્રિટીશ હકુમત વખતે એમને પોતાની સોના ચાંદીની પેઢી શરૂ કરી હતી, પારેખ જ્વેલર્સના નામથી. વેપારની આવડત વાણિયાના દિકરાને લોહીમાં મળેલ હતી. ભારત આઝાદ થયું ત્યારે આખા અમરેલી શહેરમાં પિતાંબરદાસ પારેખે બુંદીના લાડુ વહેંચ્યા હતા. પિતાંબરદાસ પછી એમના દિકરા ભગવાનદાસના હાથમાં પારેખ જ્વેલર્સનું સંચાલન આવ્યું. દિકરો બાપથી સવાયો નીકળ્યો. ભગવાનદાસે અમદાવાદ અને રાજકોટ બંને જગ્યાએ વેપારી સંબંધો મજબૂત બનાવ્યા. અમદાવાદ અને રાજકોટથી જે કોઈ વેપારી અમરેલી વેપાર કરવા આવે એ પારેખ જ્વેલર્સ અચૂક આવે જ અને ભગવાનદાસ પારેખ કાઠિયાવાડની પરંપરા મુજબ, આવનારને તાણ કરીને પોતાના ઘરે લઈ જાય અને જમાડે. વેપારી જગતમાં પારેખ જ્વેલર્સની જે છાપ પિતાંબરદાસ પારેખના સમયમાં હતી તેનાથી પણ વધારે ભગવાનદાસ પારેખના સમયમાં થઈ.  ભગવાનદાસ પારેખની ઉપર કુદરત મહેરબાન હતી. બે જોડીયા પુત્રો હેમંત અને સુમંતનો જન્મ થયો ત્યારે દાદા પિતાંબરદાસ પારેખને જ હરખ થયો હતો તેનાથી વધુ હરખ પિતા ભગવાનદાસ પારેખને થયો જ્યારે, બંને ભાઈઓ હેમંત અને સુમંત દશમા ધોરણમાં જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવ્યા.

બંને ભાઈઓએ દાદા અને પિતાનો વારસો આગળ વધાર્યો અને પારેખ જ્વેલર્સની પ્રતિષ્ઠામાં વધારો કર્યો અને સાથે સાથે ધંધામાં પણ, હેમંતે માર્કેટીંગનું સંભાળી લીધું અને સુમંત પેઢી ઉપર બેસે. સામાન્ય વેપારી જ્યાં 50-100 ગ્રામ સોનામાં ધંધો કરતો હોય ત્યાં પારેખ જ્વેલર્સ બિસ્કીટમાં ધંધો કરે.

ઉનાળાનો સમય હતો. આકાશમાંથી જાણે અગ્નિવર્ષા થઈ રહી હોય તેમ ગરમી પડી રહી હતી. બજારની મોટાભાગની દુકાનો બંધ હતી. પંખીઓ માળામાં જંપી ગયા હતા. પારેખ જ્વેલર્સમાં સુમંત પારેખ પેઢી ઉપર બેઠો હતો અને સ્ટાફ હાલ જ જમીને પાછો તેમના સ્થાને ગોઠવાઈ ગયો હતો. એવા સમયે પારેખ જ્વેલર્સની આગળ એક સાથે ત્રણ સફેદ એમ્બેસડર ગાડી આવીને ઉભી રહી. ત્રણે ગાડીમાં ખાલી ડ્રાઈવરો જ પોતાના સ્થાને રહ્યા અને બાકીના સભ્યો ફટાફટ પારેખ જ્વેલર્સમાં દાખલ થયા. આવનાર બધા જ ફોર્મલ કપડામાં હતા. હાથમાં ફાઈલો એમાંના એકે કાઉન્ટર ઉપરનો ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો અને સુમંતને કીધું, ડોન્ટ મુવ, ઈટ્સ રેડ ફ્રોમ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ. બધા જ પોત પોતાના હાથ ઉપર કરી કાઉન્ટરની બહાર આવી જાવ.એ સાથે જ એક આશરે 28-30 વર્ષની યુવતીએ પારેખ જ્વેલર્સમાં પ્રવેશ કર્યો. રૂઆબદાર ચાલ. બ્લેક પેન્ટ ઉપર ફોર્મલ ક્રીમ શર્ટ. લાંબાવાળને પોની ટેઈલ કરીને વ્યવસ્થિત બાંધ્યા હતા. પારેખ જ્વેલર્સમાં આવીને સુમંતની સામે નજર કરી અને બાજુમાં ઉભા રહેલ સાથીને સંબોધીને કહ્યું, મીસ્ટર સુબ્રમણ્યમ, પ્લીઝ ચેક ધ લેઝર ફ્રોમ લાસ્ટ 7 યર. એન્ડ મીસ્ટર રોહન પ્લીઝ ચેક ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ ઓલ્સો. નો  બડી ઈઝ એલાઉ ટુ મુવ ઓર કોલ એનીવન અનટીલ ધ રેઈડ ઈઝ ઓવર. પારેખ જ્વેલર્સના હિસાબોના ચોપડાનો ખડકલો ઓફિસમાં વચ્ચે કરવામાં આવ્યો હતો. મીસ્ટર સુબ્રમણ્યમ અને બીજા બે - ત્રણ  જણ હિસાબોના ચોપડા ઉથલાવી રહ્યા હતા. અન્ય બે વ્ય્કિતઓ સ્ટાફના નિવેદનો લેવામાં લાગ્યા હતા. સુમંત પારેખને એ.સી.માં પણ પરસેવો વળી ગયો હતો. પારેખ જ્વેલર્સની બહાર જવાની તથા બહારથી અંદર આવવાની કોઈને પરવાનગી ન હતી.

આશરે એક કલાક એમ જ ગયો અને મીસ્ટર સુબ્રમણ્યમ ઉભા થયા અને લેડી ઓફિસર પાસે આવીની કીધું. મેડમ અવર એઝમશન્સ આર રાઈટ. ધે પરચેઝ એન્ડ સેલ ધ ગોલ્ડ વીધાઉટ બિલ એન્ડ ઈવન સ્ટોક ઓફ ગોલ્ડ ઈઝ લાર્જર ધેન ધ સ્ટોક ઈન બુક. સુબ્રમણ્યમની વાત સાંભળીને લેડી ઓફિસરે સુમંત પારેખને શુધ્ધ ગુજરાતીમાં કહ્યું., “મીસ્ટર સુમંત પારેખ, અમારી રેડમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, તમે સોનાની ખરીદી અને વેચાણના તમામ વ્યવહારો બિલથી કરેલ નથી અને તમારી દુકાનમાં જે સોનાનો સ્ટોક છે તે બુકમાં રહેલ સ્ટોક કરતા વધારે છે. અમારે નિયમ મુજબ આ વધારાનો સ્ટોક સીલ કરવો પડશે તમારા જ સ્ટાફના બે વિશ્વાસુ વ્યકિતઓને પંચ તરીકે રાખીને અમે આ કામગીરી કરીશું અને તમને જે સ્ટોક સીલ કરીએ તેનું લીસ્ટ પણ આપીશું. તમે યોગ્ય પૂરાવા રજૂ કરીને અમદાવાદ હેડ ઓફિસમાંથી આ સ્ટોક છોડાવી લેજો. આ મારુ કાર્ડ.” આટલું કહીને પોતાના વોલેટમાંથી એક કાર્ડ કાઢીને સુમંત પારેખના હાથમાં પકડાવી દીધું. સુમંત પારેખે નામ વાંચ્યુ મીસ ફ્લોરીના જાબવાલા આસિ. કમિશ્નર ઈન્કમટેક્ષ વીજીલન્સ સેન્ટ્રલ ગર્વનમેન્ટ ઓફ ઈન્ડિયા.

સુમંત પારેખ કાર્ડ સામું જોઈ રહ્યો હતો તે સમયે મીસ ફ્લોરીનાએ સુબ્રમણ્યમને કહ્યું, મીસ્ટર સુબ્રમણ્યમ હેવ યુ ચેક થરલી યસ મેડમ ધેન સ્ટાર્ટ ધ સીલીંગ પ્રોસેસ.”

યસ મેડમ.”

મીસ્ટર સમુંત પારેખ તમારા જ સ્ટાફના બે વિશ્વાસુ વ્યકિતને આગળ બોલાવો તેમને પંચ તરીકે રાખીને સીલીંગ પ્રોસેસ કરવી છે. રોહન, બ્રિંગ ધ બેગ એન્ડ ટાઈપ રાઈટર. રોહન અને તેની સાથે એક બીજો વ્યક્તિ પારેખ જ્વેલર્સની બહાર ગયો અને પતરાની બે પેટી અને એક ટાઈપરાઈટર લઈને આવ્યો. સુમંત પારેખની સામે જ પારેખ જ્વેલર્સમાંથી કેટલાક દાગીના સીલ પેક કરવામાં આવ્યા, સુમંત પારેખ જાણતો હતો કે આ જે દાગીના પેક થઈ રહ્યા છે તેની બજાર કિંમત સહેજે રૂ।. 30,00,000/- આસપાસ હશે. પારેખ જ્વેલર્સમાંથી દાગીનાની બે પેટી ભરી તેમાં કઈ કઈ ચીજવસ્તુ છે તેની યાદી બે નકલમાં તૈયાર કરી તેના ઉપર પારેખ જ્વેલર્સના બે કર્મચારીની પંચ તરીકે સહિ કરાવવામાં આવી બંને નકલ ઉપર મીસ ફ્લોરીનાએ પોતાની સહિ કરી એ પછી સુબ્રમણ્યમે સિક્કો લગાવ્યો- આસી. કમિશ્નર ઈન્કમ ટેક્ષ વિજિલન્સ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા અને એક નકલ ઉપર સુમંત પારેખને સહિ કરવા કહ્યું. સુમંત પારેખે સહિ કરી એટલે મીસ ફ્લોરીનાએ કહ્યું, સુબ્રમણ્યમ ઓલ્સો સીઝ ધ ડી.વી.આર. વી નીડ ઈટ ટુ ઈન્વેસ્ટીગેટ મોર. યસ મેડમ કહીને સુબ્રમણ્યમે સુમંત પારેખને સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. આપવા કહ્યું અને ઓચિંતી આ રેઈડથી ગભરાઈને શુન્ય મનસ્ક થઈ ગયેલ સુમંતે ડી.વી.આર. ડિસકનેકટ કરીને આપી દીધું. ઈન્કમટેક્ષનો સ્ટાફ પારેખ જ્વેલર્સની બહાર આવ્યો ત્યારે ત્રણે ગાડીઓ રિવર્સ થઈને ઉભી હતી. બંને પેટી ગાડીની ડેકીમાં મૂકવામાં આવી અને સ્ટાફ ગાડીમાં ગોઠવાયો તે સાથે જ ત્રણે ત્રણ ગાડીઓ રવાના થઈ ગઈ. ફોન કનેક્ટ કરીને સુમંતે સહુથી પહેલું કામ હેમંત પારેખને ફોન લગાવવાનું કર્યું

No comments:

Post a Comment