Sunday, October 2, 2022

બીરજુ - બીરવા ભાગ - 7

 

ભાગ- 7

આને ભણવા માટે સરકારી શાળામાં દાખલ કરી ત્યારે મને પણ અંદાજો ન હતો સરદાર કે આ છોકરી આટલી આગળ વધી જશે. જગાએ ચલમ સળગાવી અને મંગાને કીધું. આમ તો થોરી થાંબાના મુખીના ઘરે લુંટની ઘટના બાદ મંગાનો પગ તૂટી ગયો તે પછીથી મંગાએ જગાને સરદાર બનાવ્યો હતો. પણ, જગો હજુ પણ મંગાને જ સરદાર કહીને બોલાવતો હતો.

હા એ વખતે તારી વાત ઉપર અને આ છોકરી ઉપર ભરોસો ન તો બેસતો પણ બીરજુ, રધા અને નવી ફાલના છોકરાઓને ભણાવવાની તારી જીદનું ફળ આજે દેખાય છે. ધોળા દિવસે, ભર બજારમાં આટલી સીફત પૂર્વક લુંટ ચલાવવી અને આબાદ નીકળી જવું. એક કામ કરીએ, રાત્રે વાળુ પરવારીને પૂછીએ કે, આ કર્યુ કેવી રીતે? હાલ તો આ રોકડા ઠેકાણે પાડી દે. મંગાએ જગાને કીધું.

રાત્રે વાળુ પરવારીને હડિયોલ ગામના એક જ હરોળમાં બનેલા મકાનોની પછવાળેની ખુલ્લી જમીનમાં તાપણું કરવામાં આવ્યું હતું. તાપણાની ફરતે ખાટલાઓ ગોઠવાયા હતા અને ખાટલાઓ ઉપર મંગો અને જગો સામ સામે બેઠા હતા. બીજા ખાટલાઓમાં બીજા વૃધ્ધો બેઠા હતા બધા જ એક જમાનાના ખંધા સાથીઓ અનેક લુંટના ભાગીદાર. થોડી વારમાં પરંપરાગત માલધારીના વેશમાં બીરજુ, રધો અને બીજા યુવાનો આવીને બેઠા. બીરજુ કહે તો ખરી આ ખેલ કેમનો પાડ્યો?” મંગાએ બીરજુને પૂછ્યું

માફ કરશો બાપુ, આયોજનો વિશે અમે કોઈ જ કંઈ નહિ જણાવીએ. અમે એક બે મહિના આપની સાથે અંહિયા રહીશું. પછી આગળ સુરત જવાનું છે. તમે એ રીતે તૈયારી કરજો.

બીરજુ જણાવ તો ખરી?” આ વખતે જગાએ કહ્યું.

સરદાર પરંપરા, આયોજન કે હવે પછીનું લક્ષ્ય બધાની વચ્ચે ચર્ચાય નહિ. ટોળકીના જે સાગરીતને જે કામ કરવાનું હોય તેને તેટલી જ માહિતી આપવી આપે જ આ શીખવ્યું હતું ને. પણ હવે પછીનું લક્ષ્ય આનાથી મોટું છે. ચાલો જય માતાજી રાત બહુ વીતી ગઈ.” કહી બીરજુ ઊભી થઈ ગઈ.

----------------------------------------------------------------------

અમરેલીની પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ હતી. ધોળે દિવસે, સરકારી અધિકારીઓની ઓળખ આપીને થયેલી લુંટથી પી.આઈ. મેરાજની ઉંધ હરામ થઈ ગઈ હતી. પારેખ જ્વેલર્સનું નામ અને પ્રતિષ્ઠા મોટી હતી એટલા જ એમના કોન્ટેક્ટ પણ. એસ.પી. લેવલથી પી.આઈ. મેરાજ ઉપર દબાણ હતું. આ ટોળકીને જલ્દીથી સળિયા પાછળ મોકલી આપો. આ લુંટનો ભેદ ઉકેલાય નહિ ત્યાં સુધી કોઈએ આરામથી ઉંધવાનું નથી. પી.આઈ. મેરાજ માથુ ખંજવાળી રહ્યા હતા. લુંટારુના સગડ શોધવા માટે એમણે, આખા સોની બજારના સી.સી.ટી.વી. ફુટેજ મંગાવ્યા. બીજા દિવસે પી.એસ.આઈ. સંજય અને જમાદાર ગણપત ઢગલો સીડી લઈને હાજર થઈ ગયા. સુમંત પારેખ અને પારેખ જ્વેલર્સના સ્ટાફના બયાન લેવામાં આવ્યા હતા. જે દિશામાં ગાડી રવાના થઈ હતી તે દિશાથી શરૂ કરીને આખા બજારના સી.સી.ટી.વી. ફુટેજ જોવામાં આવ્યા. પી.આઈ. મેરાજ અને આખા સ્ટાફે ઝીણીં આંખે બધા જ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા. અમરેલીના સોની બજારમાં દાખલ થતા પહેલી દુકાનના એક કેમેરામાં ગાડીના નંબર સ્પષ્ટ વંચાતા હતા પણ કોઈ ફૂટેજમાં કોઈના ચહેરા દેખાતા ન હતા. ગાડીના નંબર ચેક કર્યા. બધી જ ગાડી ગાંધીનગર પાસીંગની હતી. પી.આઈ. મેરાજની આંખોમાં ચમક આવી ગઈ. એને એવું લાગ્યું કે, ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો. ગાંધીનગર પાસીંગની ગાડીઓના નંબર ટ્રેસ કરવામાં આવ્યા. ગાંધીનગર આર.ટી.ઓ. ઓફિસમાંથી આ ગાડીઓ કયા સરનામે પાસ કરવામાં આવી છે? તેની વિગત મંગાવવામાં આવી. પણ પોલીસ તપાસમાં જે બહાર આવ્યું તે પોલીસ ખાતા માટે પણ ચોંકાવનારૂં હતું. લુંટના ગુનામાં વપરાયેલ ત્રણે ગાડીઓ સરકારી ગાડી હતી જે ગયા મહિને જ  સ્ક્રેપમાં કાઢવામાં આવી હતી તેની હરાજી હતી અને આ ત્રણ સફેદ એમ્બેસેડર ગાડી એક જ વ્યક્તિએ ખરીદ કરી હતી. ખરીદ કરનારનું નામ જ્હોનસન વિલિયમ હતું અને સરનામું મણિનગર અમદાવાદનું હતું. જહોનસન વિલિયમના ઘરે પોલીસ તપાસ કરવા ગઈ. મણિનગરના ઈડલી ચાર રસ્તા વિસ્તારમાં એક ફ્લેટનું સરનામું હતું. જુની સોસાયટીના એક  બંગલામાં ફ્લેટ બાંધ્યા હોય તેવું બાંધકામ, સાંકડો પેસેજ પોલીસે દરવાજો ખખડાવ્યો એક આધેડ વયની મહિલાએ ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. પી.આઈ. મેરાજ લોકલ બીટ જમાદાર કરશન, પી.એસ.આઈ. સંજય અને જમાદાર ગણપત દરવાજાની બહાર ઉભા હતા. મહિલાને જમાદાર કરશને પૂછ્યું, જ્હોન્સન વિલિયમનું ઘર આ છે એ ઘરમાં.?”

હા, પણ આપ સાહેબને એનું શું કામ પડ્યું?”

લુંટ કરી છે એને પકડવા આવ્યા છીએ. પી.એસ.આઈ. સંજયે કંઈક અંશે ગુસ્સાથી કહ્યું.

આવો સાહેબ લઈ જાવ એને.” કહીને વૃધ્ધ મહિલા દરવાજાની વચ્ચેથી ખસી ગઈ અને પોલીસ સ્ટાફને અંદર આવવા જગ્યા કરી આપી.

પી.આઈ. મેરાજની પાછળ પોલીસ ટીમ દાખલ થઈ. દરવાજાની જમણી બાજની દિવાલ બાજુના ફ્લેટની દિવાલ સાથે કોમન હતી અને ડાબા હાથે મેઈન હોલ હતો. મેઈન હોલમાં એક પાટ અને સામે બે લાકડાની ખુરશી ગોઠવેલી હતી. એ પછીથી સામે એક જુની પધ્ધતિના ટી.વી. ટેબલ ઉપર જુના જમાનાનું ટી.વી. ગોઠવેલું હતું. જેની બંને તરફ ફ્લાવર વાઝમાં આર્ટીફીશીયલ ફૂલો ગોઠવેલ હતા. ફ્લાવરવાઝ ઉપર ધૂળ જામી ગઈ હતી. દિવાલો ઉપર ઠેર ઠેર રંગની પોપડી જામી ગયેલ હતી. ઉપર પંખો હતો જે બંધ હતો અને કહી આપતો હતો કે પંખાની સાફ સફાઈ કરે છ મહિના ઉપરનો સમય તો થઈ જ ગયો હશે. મેઈન હોલનું અવલોકન કરીને પોલીસ કાફલો આગળ વધ્યો. મેઈન હોલમાં ટી.વી.થી જમણી તરફ નાનો ડાઈનીંગ સ્પેસ હતો જેમાં એક ટેબલ અને ચાર ખુરશી ગોઠવેલ હતા. ટેબલ અને ખુરશીની પોલીશ ઝાંખી થઈ ગઈ હતી ડાઈનીંગ સ્પેસની પાછળની બાજુમાં વોશબેઝિન હતું અને ડાબી તરફ રસોડું. રસોડામાં સ્ટેન્ડીંગ પ્લેટફોર્મ હતું. જરૂરીયાતનો સામાન અસ્તવ્યસ્ત પડેલ હતો.  સ્ટેન્ડીંગ પ્લેટફોર્મની સામેની તરફ વાસણ ગોઠવવા માટેનો ઘોડો અને કરિયાણું ગોઠવવા માટે સ્ટોરેજ બનાવવામાં આવેલ હતું. રસોડાની પાછળ નાની ચોકડી હતી. ડાઈનીંગ સ્પેસની જમણી તરફ એક રૂમ હતો. પોલીસ ટીમ રૂમમાં દાખલ થઈ સામે પલંગ ઉપર એક વૃધ્ધ વ્યક્તિ મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યો હોય તેમ શ્વસી રહ્યો હતો. પોલીસ ટીમની પાછળ આવેલ વૃધ્ધાએ કહ્યું, લઈ જાવ સાહેબ આ જ છે. જ્હોન્સન વિલિયમ.

No comments:

Post a Comment