Sunday, December 18, 2022

બીરજુ બીરવા ભાગ – 21

 

 બીરજુ બીરવા ભાગ – 21

શું ભાઈ, તું પણ આમ ડર લાગે એવી રીતે જોઈ રહ્યો હતો. બીરવા બોલી ઉઠી અને સી.પી. અજય શેલતની ઓફિસમાં હાજર રહેલ ત્રણે વ્યક્તિઓ બીરવા, રઘુનંદન અને અજય હસી પડ્યા અને એમના હાસ્ય ઓફિસની બહાર પણ પડઘાઈ રહ્યું. જો ભાઈ, આ અમારા લગ્નની કંકોત્રી, તારે આવવાનું જ છે. એ પછી બીજી આડી અવળી વાતો કરીને બીરવા અને રઘુનંદન સી.પી. અજય શેલતની રજા લઈને નીકળ્યા. સામખિયાળીમાં બીરવા અને રઘુનંદનના લગ્નની તૈયારી પૂરજોશમાં અને છેલ્લા તબક્કામાં ચાલી રહી હતી. બીરવા અને  રઘુનંદનના લગ્ન માટે વાડી નોંધાવવામાં આવી હતી. બીરવાએ એક રૂમ અલગથી ખાલી રખાવ્યો હતો. જગજીવન અને મંગળદાસે આ રૂમ કોના માટે એવી પૂછપરછ કરતા બીરવાએ એટલું જ કીધું હતું કે, મારા ભાઈ માટે. જગજીવન અને મંગળદાસ કંઈ જ સમજ્યા નહિ પણ બીરવાની વાતનો કોઈએ વિરોધ પણ ન કર્યો. લગ્નના દિવસની આગલી સાંજે સામખિયાળીમાં એક સફેદ ટોયોટા ઈનોવા ગાડી આવીને આંગણે ઉભી રહી. ડ્રાઈવર સાઈડ ઉપર બેઠેલ વ્યક્તિએ દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો. પ્રભાવશાળી ચહેરો ક્લીન શેવ્ડ કરેલ હતો. ટુંકા ક્રુ કટ વાળ પડછંદ હાઈટ બોડી ડેનિમ બ્લ્યુ પેન્ટ અને વ્હાઈટ શર્ટમાં એ સોહામણો લાગતો હતો. બીરવા અને રઘુનંદન આવનારના સ્વાગત માટે ઘરના આંગણે આવી ગયા. બીરવા અને રઘુનંદને આવનારનું ઉમળકા ભેર સ્વાગત કર્યું અને બીરવાએ કહ્યું, આવી ગયો ભાઈ. રસ્તામાં કોઈ તકલીફ નથી પડીને?” આવનારે કહ્યું, “ના રે મને શું તકલીફ પડવાની?” કહી પોતાના બંને હાથ પહોળા કર્યા અને બીરવા અને રઘુનંદન બંને આવનારને ભેટી પડ્યા. જગજીવન અને મંગળદાસ બાધાની જેમ આ જોઈ રહ્યા હતા. બીરવાની પાછળ પાછળ આવેલ હેમંત ઉર્ફે સરમણે ગાડીમાંથી આવનારની બેગ પોતાના હાથમાં લઈ લીધી. બીરવાની પાછળ પાછળ બધા જ વાડીમાં દાખલ થયા. બીરવાના રૂમની બાજુમાં બીરવાએ ખાલી રખાવેલ રૂમમાં આવનારનો સામાન મૂકવામાં આવ્યો. સાંજે સંગીત સંધ્યા હતી. બીરવા અને રઘુનંદન જે રીતે આવનારની સરભરા સાચવતા હતા તે જોઈને જગજીવન અને મંગળદાસને એટલો ખ્યાલ આવી ગયો હતો કે, આવનાર બહુ જ ખાસ છે જેને બીરવા પોતાનો ભાઈ ગણે છે. સંગીત સંધ્યા પત્યા પછી બીરવાએ આવનારનો પરિચય જગજીવન અને મંગળદાસ પોતાના પિતા અને સસરાને કરાવ્યો, બાપુ આ છે અજય શેલત. કમિશ્નર ઓફ પોલીસ, રાજકોટ, મારો ભાઈ. પોલીસ શબ્દ સાંભળીને જગજીવન અને મંગળદાસના ચહેરા ઉપર ચિંતા દેખાઈ આવી. આવો સાહેબ, અમારા આંગણે આપ મહેમાન બન્યા અમારા જીવન ધન્ય થઈ ગયા. મંગળદાસે સ્વસ્થતા કેળવીને અજય શેલતને આવકારો આપ્યો. આવવાનું જ હતું. બેનીને વચન જે આપ્યું હતું અને હું અંહિયા પોલીસ અધિકારી તરીકે નહિ પણ બીરવાના ભાઈ તરીકે આવ્યો છું. અજય શેલતે જણાવ્યું. બીરવા અને રઘુનંદનના લગ્નનો પ્રસંગ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો. ચોરીમાં જવ-તલ હોમવાની વિધી સી.પી. અજય શેલતે કરી. લગ્નના બીજા દિવસે અજય શેલતે પરિવારના સર્વેની રજા લઈને વિદાય લીધી ત્યારે મંગળદાસ અને જગજીવને નિરંતનો શ્વાસ લીધો. સાંજે જગજીવને રઘુનંદન અને બીરવાને પોતાના રૂમમાં આવવા કહ્યું. બીરવા અને રઘુનંદને સાંજે લગભગ જોડે જ જગજીવન ઉર્ફે જગાના રૂમમાં પ્રવેશ કર્યો. મંગળદાસ ઉર્ફે મંગો પણ જગજીવનની જોડે જ હતો. બંને વડીલોના ચહેરા ઉપરથી બીરવા સમજી ગઈ કે વાત સીધી જ અજય શેલત સાથે સંકળાયેલી હશે. બીરવા અને રઘુનંદને બંને વડીલોના ચરણ સ્પર્શ કર્યા અને રૂમમાં સામે ગોઠવેલ ખુરશીમાં બેઠક લીધી.

બીરવા, તમને સમજાવવા તો ન પડે કે આપણે પોલીસથી એક અંતર રાખવું આપણા માટે સારૂ છે. સીધી જ મુદ્દાની વાત કરતા જગજીવનદાસે બીરવાને કહ્યું.

બીરવા કંઈ જવાબ આપે તે પહેલા જ રઘુનંદને કહ્યું, બાપુ, તમે ખોટી ચિંતા કરો છો. હું બીરવા અને અજય અમે જોડે જ ભણતા હતા અને હા, અજયને આપણા ભૂતકાળની ખબર જ છે.

જગજીવન  અને મંગળદાસ બંને એકબીજાની સામું આશ્ચર્યથી જોઈ રહ્યા.

No comments:

Post a Comment