Sunday, March 26, 2023

કાળચક્ર ભાગ -૯

 

કાળચક્ર ભાગ  -૯

એક માતાની નજરમાં એના સંતાનો હંમેશા નાના જ રહે છે.

“હા, બા.” હસતા હસતા સંયમે કહ્યું.

શિયાળાની બાજરીની મીઠાશ અલગ જ હોય છે. શિયાળુ બાજરીના ગામઠી શૈલીમાં રોટલા ચૂલા ઉપર બનાવવામાં આવે ત્યારે એની મીઠાશમાં અલગ જ વધારો થાય છે. આખી રાતની મુસાફરીનો થાક હતો અને ભૂખ પણ લાગી હતી. ગીરમાં ત્રિવેદી ફાર્મમાં સંયમ એના પરિવાર સાથે બેસીને જમી રહ્યો હતો. સુશીલાબેન ગરમ ગરમ રોટલા ઘડીને હેત પૂર્વક પોતાના પરિવારને જમાડી રહ્યા હતા. બાજરીના ગરમા ગરમ રોટલા ઉપર વલોણાનું તાજું માખણ, રીંગણ બટેકા અને તુવેરનું રસાવાળું શાક, તળેલા મરચાં, દેશી ગોળ, લસણની ચટણી, છાશ, ગરમ સુખડી અને પોતાની ઘરની વાડીમાં જ ઉગાડેલા મૂળા હતા. મુંબઈની આલીશાન હોટલમાં પણ આ મેનુ ન મળે જ્યારે આજે તો પોતાની મા ના હાથે ઘડેલા રોટલા સંયમ જમી રહ્યો હતો. સ્મિતા, શ્યામ અને વિશ્વા પણ ભોજનનો આનંદ લઈ રહ્યા હતા. જમીને બધા જ આરામ કરવા લાગ્યા. રાજેશ પણ ધરાઈને જમ્યો અને પછી એ પણ પાછળના રૂમો પૈકીની એક રૂમમાં જઈને સૂઈ ગયો. ત્રણ કલાકના આરામ પછી સંયમ ઉઠ્યો. બહાર ઓસરીમાં એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદી બેઠા બેઠા ધાર્મિક પુસ્તક વાંચી રહ્યા હતા. સંયમને આવેલો જોઈને પુસ્તકમાં બુકમાર્ક મુકી પુસ્તક બંધ કર્યું. સુશીલાબેન બે કપ ચા લઈને બહાર આવ્યા, એક કપ વિપુલચંદ્રજીને અને એક કપ સંયમને આપી પોતે બાજુમાં ખુરશી ઉપર બેઠા. ગરમા ગરમ ચાની એક ચુસ્કી લીધી. ત્યાં બધું કેમનું છે ભાઈ?” વિપુલચંદ્ર ત્રિવેદીએ સંયમને પૂછ્યું.

બસ બાપુજી ચાલે રાખે છે.

અને તમે નવી જમીન ખરીદ કરવાનું વિચારતા હતા તેનું કામ કેટલે આવ્યું.” ”સોમવારે ઉજ્જૈન એના માટે જ જવાનું છે.

સારૂ ભાઈ, સાચવીને જજો અને હવે મારી નજરે આટલો ધંધો છે તે વધારે ફેલાવવો જરૂરી નથી. આપણને આપણી જરૂરીયાતથી વધુ મહાદેવે આપેલ છે.

હા બાપુજી, સાચી વાત છે. પણ જે ધંધો હાલ છે એની જરૂરીયાત માટે જમીન લેવી છે.

ભલે ભાઈ તમને ઠીક લાગે તેમ કરો. સ્મિતા, શ્યામ અને વિશ્વા પણ ઉઠીને આવી ગયા અને રાજેશ પણ ઉઠી ગયો હતો. રાજેશ લાખા અને જગા સાથે બેઠો. એ લોકો એમની વાતોમાં લાગ્યા. વિપુલચંદ્ર ત્રિવેદી અને સુશીલાબેન આજે ખૂબ જ ખુશ હતા. પોતાની મૂડીના વ્યાજની સાથે એટલે સંતાનોના સંતાનો સાથે સમય પસાર કરવા મળે તેનાથી વધુ આનંદની વાત વડીલો માટે નથી હોતી. વિપુલચંદ્ર અને સુશીલાબેન બંને આવી જ આનંદની પળો પોતાના પરિવાર સાથે માણી રહ્યા હતા. વિપુલચંદ્ર ત્રિવેદી પોતાનો ભૂતકાળ જોતા હોય તેમ સામેની દિવાલ તરફ જોઈ રહ્યા હતા. એક સામાન્ય બ્રાહ્મણ પરિવારના સહુથી મોટા બાળક તરીકેનો જન્મ. એ પછી સરકારી શાળામાં અભ્યાસ કરી પોતાની જાત મહેનતથી આગળ વધ્યા. બોર્ડમાં તાલુકામાં પાંચમા નંબરે ઉત્તીર્ણ થયા અને શિષ્યવૃત્તિ મેળવી કોલેજ પૂરી કરી સરકારી નોકરીમાં કારકૂન તરીકે જોડાયા ત્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું  ન હતું કે એક દિવસ વિપુલચંદ્ર ત્રિવેદીની ઓળખ દેશના જાણીતા ઉદ્યોગપતિના પિતા તરીકે થશે.સમય પસાર થતો ગયો. ઈમાનદારી પૂર્વકની નોકરીથી એમના ખાતામાં એમની એક આગવી ઓળખ ઉભી થઈ હતી. સમય પસાર થયો અને વિપુલચંદ્ર ત્રિવેદી સુશીલાગૌરી સાથે ગૃહસ્થ જીવનમાં ગોઠવાઈ ગયા. એ સમયે ક્યાં આજની જેમ છોકરા-છોકરીને એક બીજાને જોવા, જાણવા કે વાત કરવા મળતું હતું. એક જ સમાજ હતો અને વડીલો એક બીજાને ઓળખતા હતા. બસ કોઈએ આંગળી ચીંધી અને સગપણના ગોળધાણા ખવાઈ ગયા અને લગ્નના ગીતો પણ ગવાઈ ગયા. સુશીલાગૌરી સાથેના લગ્ન બાદ કિસ્મત ખૂલી ગઈ. નોકરીમાં પ્રમોશન મળ્યું અને એક મિત્ર સાથે સુશીલાગૌરીના નામથી ધંધામાં ભાગીદારી કરી અને પછી આર્થિક પરિસ્થીતી બદલાઈ ગઈ. વિપુલચંદ્ર ત્રિવેદી અને સુશીલાગૌરીના લગ્નના પાંચ વર્ષ પછી એમના દામ્પત્યજીવનમાં પુત્ર રત્નનું આગમન થયું. કુંભ રાશી હોવાથી નામ રાખ્યું સંયમ. કરકરસ પૂર્વકના જીવનથી કરેલી બચત અને ધંધામાંથી થયેલ આવકનો ઉપયોગ વિપુલચંદ્ર અને સુશીલાએ પાતોના બાળકના સારામાં સારા અભ્યાસમાં કર્યો. પોતે સરકારી શાળામાં ભણ્યા હતા પરંતુ સંયમને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે દાખલ કર્યો. સંયમ પણ જાણે પોતાના પિતાના સ્વપ્નને સાકાર કરતો હોય તેમ સારામાં સારા પર્સન્ટેજથી પાસ થઈ રહ્યો હતો. માત્ર અભ્યાસમાં જ નહિ પરંતુ શાળાની રમત ગમત પ્રવૃત્તિઓમાં પણ સંયમ હંમેશા આગળ રહેતો. શું વિચારમાં ખોવાઈ ગયા બાપુજી?” સંયમનો અવાજ આવતા વિપુલચંદ્રની વિચારોની શૃંખલા અટકી.

કંઈ નહિ ભાઈ બસ આમ જ જરા કહીને વિપુલચંદ્રએ વાતને હસી કાઢી અને આગળ કહ્યું

ભાઈ, આ વખતે આ મધમાખીની પેટીઓ થોડી વધારે મૂકવી પડશે અને આ પાછળની જે જમીન છે એમાં બાગાયતી ખેતી કરી ફૂલો વાવીએ તો કેવું.? સીઝનેબલ ફૂલનું મધ આપણને મળે. બાપુજી, આ ખેતી વાડી અને આયુર્વેદની બાબતમાં આપ મારાથી વધારે જાણો છો. આપ જે યોગ્ય લાગે તે નિર્ણય લો.

ચાલો હવે સાંજની આરતીનો સમય થઈ ગયો છે. અંદરથી સુશીલાગૌરી- સુશીલાબેનનો અવાજ આવતા વિપુલચંદ્ર અને સંયમ ઊભા થઈને અંદર ગયા. ઘરના જ એક રૂમમાં બનાવેલા મંદિરમાં પૂજા માટે ગયા. પૂજા પૂરી થયા બાદ રાત્રે જમવામાં વઘારેલી ખીચડી અને છાશ હતી. બપોરની જેમ જ પરિવારના બધા જ વ્યક્તિઓએ ભેગા જમ્યા. રાત્રે મોડા સુધી બધાએ વાતો કરી. રાજેશ લાખા અને જગા સાથે વાતોમાં જામ્યો હતો. રાત્રે મોડા સુધી વાતો કરી અને બધા સૂઈ ગયા. ગીર એટલે ગીર ગાયનું નિવાસસ્થાન, ગીર એટલે એશિયાટીક લાયનનું નિવાસસ્થાન, ગીર એટલે ગરવા ગીરનારની તળેટીનો પ્રદેશ, માલધારી, આહિર અને ચારણોના નેસનો પ્રદેશ. ગીર તેની મહેમાનગતિ માટે પણ વિશ્વ વિખ્યાત છે. ગીરની મહેમાનગતિ રાજેશ અવાર-નવાર માણી ચૂક્યો હતો તો પણ આજે ફરીથી મહેમાનગતિ માણીને અભિભૂત થઈ ગયો હતો. આગ્રહપૂર્વક રાજેશને સુશીલાબેને જમાડ્યો હતો એટલે એ પણ બાકી બધાની જેમ જ ઘેરી ઉંધમાં હતો.  ગીરના સાવજની ડણક પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાય છે. વહેલી પરોઢે સંયમના પરિવારને આવી જ ડણક સંભળાઈ. સંયમ ઉંઘમાંથી ઉઠ્યો અને લાઈટ કરી બહાર આવ્યો. લાઈટ ચાલુ થવાથી વિપુલચંદ્ર ત્રિવેદી પણ ઉઠીને બહાર આવ્યા. પોતાના પિતાને જોઈને સંયમે કહ્યું લાગે છે સાવજે નજીકમાં ક્યાંક મારણ કર્યું છે. હા મારણ તો કર્યું છે પણ નજીકમાં નહિ કર્યું હોય એનો અવાજ દૂરથી આવી રહ્યો છે. સાવજની ડણક અને લાઈટ બંનેથી સ્મિતા અને ઘરના બીજા પણ ઉઠી ગયા. રાજેશ પણ ઉઠી ગયો હતો એણે સાવજની ડણક પહેલી વાર સાંભળી હતી એ ડરી ગયો હતો. લાખો અને જગો એની પરિસ્થિતી સમજતા હતા. પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં ડાલામથ્થાને જોવો અને તેની ડણક સાંભળવી એ એક વાત છે અને પોતાના પ્રાકૃતિક નિવાસ સ્થાનમાં મારણ કર્યા બાદ પોતાનું વર્ચસ્વ જાહેર કરતી સાવજની ડણક સાંભળવી અલગ વાત છે. રાજેશની આંખોમાંથી ઉંઘ ગાયબ થઈ ગઈ હતી અને ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિપુલચંદ્ર ત્રિવેદીએ કહ્યું ચાલો સૂઈ જાવ હજુ સવાર થવાની વાર છે. બધા પાછા પોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા અને સૂઈ ગયા પણ રાજેશની આંખોમાંથી ઉંઘ ગાયબ થઈ ગઈ હતી તે વહેલી સવારે એને ઉંઘ આવી.

No comments:

Post a Comment