Sunday, March 19, 2023

કાળચક્ર ભાગ -૮

 

કાળચક્ર ભાગ -૮

વ્રજ્રાનાથજીએ કહ્યું, ગાઓ. સદાશીવે આંખો બંધ કરી દેવાધિદેવ મહાદેવને યાદ કરીને શીવતાંડવનો પાઠ શરૂ કર્યો અને વ્રજ્રનાથજીએ પણ આંખો બંધ કરી એકચિત થઈને સાંભળવાનું શરૂ કર્યું. 

શીવ તાંડવનો પાઠ પૂરો થયો. વ્રજ્રનાથજીએ આંખો ખોલી. એમની આંખોમાં એક તૃપ્તિનો ભાવ હતો. તેરા લડકા બડા કિસ્મતવાલા હૈ. આગે ચલકર વો મહાદેવ કી સેવામાં હી રહેગા. સાત સાલ બાદ ઉજ્જૈનમેં કુંભમેલા હૈ. વહાં અપને પરિવાર કે સાથ આ જાના. મહાદેવ કી ઈચ્છા મૈં જાન ગયા હું. વ્રજ્રનાથજી બોલ્યા.

એમનો કહેવાનો ગુઢાર્થ તો ગીરજાશંકર દવે સમજી ન શક્યો પણ ભાવાર્થ જરૂર સમજી ગયો કે બાપજીએ ઉજ્જૈન કુંભમેળામાં આવવાનું કહ્યું છે અને તે ખુશ થયા છે.

એ પછી તો બાકીના દિવસોમાં જાણે નિયમ બની ગયો. વ્રજ્રનાથજી રોજ સદાશીવને બોલાવે, શીવ તાંડવ અને શીવ મહિમ્નનો પાઠ કરાવે અને પછી જાત જાતની શીવજીની વાતો કરે. બાળ સદાશીવના મનમાં રહેલા ભક્તિના બીજને વ્રજ્રનાથજી પોતાની વાતોથી પોષી રહ્યા હતા. ગીરજાશંકરને વિશેષ તો કંઈ ખબર ન પડી, પણ એ મનોમને હરખાતો હતો કે એના પુત્ર સદાશીવ ઉપર મહંત વ્રજ્રનાથજી હેત ધરાવે છે.

---------------------------------------------------------------------------------------

સંયમને ખબર ન પડી કે કેટલો સમય વ્યતિત થયો છે. પરંતુ ફરી પાછું ગઈકાલ વાળું દ્રશ્ય એની સામે ઉપસી આવ્યું. ફરીથી એ જ ગંદકી, એ જ ઉપર તરફ ગતિ કરવી એ જ નૈસર્ગિક દ્રશ્યો, એ જ હંસો, એ જ ઝરણા..અને ફરીથી એ જ રીતે નીચે તરફ ગતિ કરવી અને પાછો એ જ અવાજ સંભળાયો. ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ.. સંયમ આજે અકળામણ અનુભવી રહ્યો હતો. આજે સતત બીજો દિવસ હતો. ગઈકાલના જ દ્રશ્યો આજે ફરી દેખાયા હતા. પોતાની અકળામણ ખંખેરી સ્વસ્થ થઈ રોજીંદી પૂજા માટે તૈયાર થઈ નીચે આવ્યો. રોજીંદો નિત્યક્રમ પરવારી સંયમ અને સ્મિતા બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાયા. શ્યામ અને વિશ્વા તેમની કોલેજ જવા નીકળી ગયા હતા. શ્યામ એમ.બી.એ.ના લાસ્ટયરમાં અને વિશ્વા બી.બી.એ.ના ફર્સ્ટયરમાં હતી. બ્રેકફાસ્ટ ટેબલ ઉપર સ્મિતા સાથે પોતાના વતન ગીર જવાની ગોઠવણ કરી. બંને બાળકો કોલેજથી સાંજે આવી જાય તે પછી સાંજે નીકળીને નાઈટ ડ્રાઈવ કરી સવારે ગીર પહોંચવું અને શનિ-રવિ વતનમાં રોકાઈ સ્મિતા અને બંને બાળકો રવિવારે રાત્રે મુંબઈ આવવા નીકળે અને પોતે રવિવારે રાત્રે ઉજ્જૈન બાય બસ જવા નીકળે તેવી ગોઠવણી કરી. બ્રેકફાસ્ટ પતાવી રાજેશને ફોન કર્યો સામાન્ય રીતે રોજ બરોજની અવર જવર માટે સંયમ વેગન આર ગાડી વાપરતો પણ આવી લોંગ ટ્રીપમાં જવા માટે એની પાસે ઈનોવા ગાડી હતી. ઓફિસ આવી રાજેશને પરત મોકલી ઈનોવા ચેક કરી ડિઝલ પૂરાવવાની અને એર પ્રેશર ચેક કરાવવાની તથા ટુલ કીટ જોઈ લેવાની સૂચના આપી, રાજેશને પરત ત્રિવેદી મેન્શન મોકલ્યો અને નાઈટ ડ્રાઈવ કરવાનું હોવાથી આરામ કરવાની સૂચના આપી અને જણાવ્યું કે, હું સાંજે કેબ કરીને ઘરે આવી જઈશ. ઓફિસમાં દાખલ થઈ પોતાની ચેમ્બરમાં જઈને સંયમે સોહન રાવને ચેમ્બરમાં બોલાવી ધંધાકીય પ્રવૃત્તિમાં સંયમ પરોવાયો. જય  તિવારીને પોતે સોમવારે સવારે બાય  બસ ઉજ્જૈન આવે છે તેવી સૂચના આપી. દિવસ આખો ધંધાકીય પ્રવૃત્તિઓમાં, આગામી પ્રોજેક્ટના આયોજનો, જુના સેલ્સના કલેક્શન, નવા ડિસ્ટ્રીબ્યુટરો અને ફોરેન એક્ષપોર્ટની મીટીંગોમાં વ્યસ્ત ગયો. સાંજે ૫.૦૦ વાગે સંયમ ઓફિસથી ઘરે જવા નીકળ્યો. એપ્લીકેશનથી કેબ બુક કરાવી હતી. કેબ આવી ગઈ હતી. ડ્રાઈવરે વેલકમ કર્યું અને સંયમ કેબમાં પોતાના ત્રિવેદી મેન્શન તરફ જવા નીકળ્યો. પોતાના ઘરની નજીક આવતા અનાયાસે એની નજર સામે ગઈકાલે સાંજની અને રાત્રે એ જ્યારે વોક ઉપર નીકળ્યો હતો તે ઘટના તાજી થઈ ગઈ. એણે બેબાકળા થઈને આજુ બાજુ જોયું પણ પેલા સાધુ-સંન્યાસી ત્યાં ન હતા. એક હળવી બ્રેક વાગી અને ત્રિવેદી મેન્શનના ગેટ પાસે ગાડી ઉભી રહી. સંયમ ગાડીમાંથી ઉતર્યો ડ્રાઈવરે એના મોબાઈલમાં ઓર્ડર કમ્પલીટ સ્ટેટસ અપડેટ કર્યું એટલે સંયમના મોબાઈલમાં ફેરની રકમનો મેસેજ આવ્યો. એ મેસેજ જોઈ સંયમે પોતાના પાકીટમાંથી ૫૦૦.૦૦ ની નોટ કાઢી ડ્રાઈવરને આપી, છૂટા નહિ હૈ સાહબ, ડ્રાઈવરે થોડાક કંટાળા તથા નિરાશા સાથે કહ્યું. છૂટે મુજે ચાહિયે ભી નહિ. અપને બચ્ચો કે લીયે કુછ લે જાના. હસતા ચહેરે સંયમે ડ્રાઈવરને કહ્યું અને ડ્રાઈવરના ચહેરા ઉપર આભારની લાગણી દેખાઈ આવી. થેન્ક યુ સર. કહી ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરી. પોતાના શેઠને ગેટની બહાર ગાડીમાં આવેલા જોઈને સિક્યોરીટી ગાર્ડે દરવાજો ખોલી બહાર આવ્યો અને સંયમના હાથમાંથી એની બ્રીફકેસ લેવા હાથ લાંબો કર્યો. નહિ જાનકીરામ તુમ ગેટ પર રહો મેં ઈસે લે જાતા હું કહીને સંયમે જાનકીરામને ગેટ ઉપર જ રહેવાની સૂચના આપી. પોતાના બંગલામાં દાખલ થયો. પોતાના બંગલામાં દાખલ થઈને સંયમે નિયમ મુજબ હાથ પગ ધોઈને ઘરમાં પહેરવાના સ્લીપર્સ પહેર્યા અને પોતાના રૂમમાં ફ્રેશ થવા ગયો. શ્યામ, વિશ્વા,સ્મિતા ત્રણે તૈયાર હતા. સ્મિતાએ સંયમની બેગ પણ પેક કરી દીધી હતી. સાંજે જોડે ડિનર લઈને ચારે જણ ગીર જવા રવાના થયા. સંયમના પરિવારની ગેર હાજરીમાં ત્રિવેદી મેન્શનની સંપૂર્ણ જવાબદારી જોશી કાકાની રહેતી હતી. રાજેશને આજે દિવસે પૂરો આરામ મળેલ હોઈ રાજેશ ફ્રેશ હતો. સામાનની બેગો પાછલી સીટમાં મૂકી, રાજેશ ડ્રાઈવીંગ સીટ ઉપર ગોઠવાયો અને તેની બાજુમાં સંયમ વચ્ચેની સીટમાં વિશ્વા અને સ્મિતા અને શ્યામ પાછળની સીટમાં બેઠો. બધા જ ગોઠવાઈ ગયા છે તેની ખાતરી કરીને રાજેશે ગાડી સ્ટાર્ટ કરી અને ગાડી ત્રિવેદી મેન્શનની બહાર નીકળી ગીર તરફ.  લગભગ સોળ થી સત્તર કલાકનો રસ્તો હતો. સંયમે પોતાની ઘડિયાળમાં જોયું સાંજના ૮.૦૦ વાગ્યા હતા. બીજા દિવસે લગભગ બપોરે ૧.૦૦ વાગે  ગીર પહોંચી જવાશે એવી ગણતરી હતી. ગાડી વાપીથી વડોદરાથી ભાવનગર થઈને અમરેલી જવાની હતી. ઈનોવામાં ડિસપ્લેમાં ગુગલ મેપ ચાલુ હતો. નવસારી પાસેની એક હોટલે સંયમે ગાડી સાઈડમાં લેવા સૂચના કરી. સંયમ જાણતો હતો કે રાજેશ ભલે ન બોલે પણ સતત ડ્રાઈવ કરીને થાકી ગયો હશે. ગાડી સાઈડ થઈ સંયમે રાજેશને કહ્યું ચાલ ચા પી લઈએ. ગાડીમાં પાછળ સંયમનો પરિવાર અડધી ઉંઘમાં હતો એમની સામે જોઈને કહ્યું તમારામાંથી કોઈને ચા પીવી હોય તો આવો. સ્મિતા, શ્યામ અને વિશ્વા નીચે ઉતર્યા ચા નથી પીવી ખાલી ફ્રેશ થઈને આવીએ. રાજેશ અને સંયમે ચા પીઘી અને સવારી આગળ વધી. વહેલી પરોઢે ફરીથી સંયમે ફરીથી એક સારી હોટલે ગાડી સાઈડ કરાવી હોટલમાં એક રૂમ રાખ્યો ફ્રેશ થવા માટે ફરીથી ચા નાસ્તો કરીને આગળ ગીર તરફ વધી. રાજેશના વગર કહ્યે સંયમ એની મનોદશા સમજી જતો હતો. રાજેશ તથા ત્રિવેદી મેન્શનના તમામ સ્ટાફ સંયમના આવા ગુણોના કારણે જ સંયમ પ્રત્યે એક આદરભાવ ધરાવતા હતા.

--------------------------------------------------------------------------------------------

માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી અને સ્ત્રી માતા બને અને પછી જ્યારે નાની કે દાદી બને છે ત્યારે પુત્ર કે પુત્રીના પ્રેમથી વધુ પ્રેમ પોતાના પૌત્ર અને પૌત્રીઓ કે દોહિત્ર અને દોહિત્રીને આપે છે. સ્ત્રી જ્યારે દાદી કે નાની બની જાય છે ત્યારે પોતાના સંતાનોના સંતાનો માટે કોઈ કામ કરવા માટે એની ઉંમર કે શારીરિક મર્યાદા ક્યારેય બાધા રૂપ નથી બનતી. ગીરમાં પણ આવું જ કંઈક બની રહ્યું હતું.

ત્રિવેદીજી, આ ગોળ જરા ભાંગી આપોને. હમણાં બાળકો આવતા હશે અને પાછા ભૂખ્યા થયા હશે. લાલા અને મારી વિશુને સુખડી બહુ ભાવે છે તો એમના માટે ગરમ સુખડી બનાવી છે. સુશીલાબેન ત્રિવેદી, સંયમના માતાએ રસોડામાંથી બહાર આવતા તેમના પતિ વિપુલચંદ્ર ત્રિવેદીને કહ્યું. હસતા ચહેરે વિપુલચંદ્ર ત્રિવેદીએ એમની ભાર્યાના હાથમાંથી કથરોટ લઈ લીધી. કથરોટમાં દેશી ગોળનું દડબું (મોટો ટુકડો-દડબું એ કાઠિયાવાડી ભાષામાં વપરાતો શબ્દ છે.) અને ચપ્પું કથરોટમાં હતા. વિપુલચંદ્ર ત્રિવેદીએ ઘડિયાળમાં જોયું સવારના સાડા અગિયાર થયા હતા. હજુ સંયમને આવતા સહેજે દોઢ કલાક થાય તેમ હતું. વિપુલચંદ્ર ત્રિવેદીએ ગોળ સમારવાનું કામ શરૂ કર્યું. રસોડામાંથી રીંગણ બટેકાના શાકની સુગંધ ઘરમાં પ્રસરી રહી હતી, ગીરની ગાયના દૂધની વલોણાની છાશ તૈયાર હતી. બાજરીના રોટલા બનાવવા માટે ચૂલો તૈયાર હતો. સંયમ આવે એટલે ગરમા ગરમ રોટલા બનાવવા માટે સુશીલાબેન ત્રિવેદીના હૈયામાં થનગનાટ હતો. લગભગ ૧.૦૦  વાગે સંયમની ગાડી ત્રિવેદી ફાર્મમાં દાખલ થઈ. વિપુલચંદ્ર ત્રિવેદી ઘરની ઓસરીમાં આવીને પોતાના પરિવારને આવકારવા ઉભા  રહી ગયા. રાજેશે ગાડી પાર્ક કરી. ત્રિવેદી ફાર્મમાં કામ કરતા લાખાજી અને જગાજી પણ ગાડી આવતી જોઈને સામાન ઉતરાવવા આવી ગયા. સંયમ એના પિતા વિપુલચંદ્ર ત્રિવેદીને પગે લાગ્યો અને વિપુલચંદ્ર ત્રિવેદીએ પોતાના દિકરાને છાતી સરસો ચાંપ્યો અને અંતરના ઉમળકાથી આવકારો આપ્યો, “આવો ભાઈ, આવો આવો.” પતિના પગલે ચાલીને સ્મિતાએ પણ પોતાના પિતા સમાન સસરાને પગે લાગી. પુત્રથી વધુ જેનું સ્થાન છે તે પુત્રવધુ સ્મિતાને પણ વિપુલચંદ્ર ત્રિવેદીએ બે હાથથી નમસ્કારની મુદ્રા કરી આવકારો આપ્યો. “આવો વહુ દિકરા.” શ્યામ અને વિશ્વા પણ દાદાને પગે લાગ્યા બંને બાળકોને દાદા વિપુલચંદ્રએ બાથમાં લીધા. રાજેશે પણ વિપુલચંદ્ર ત્રિવેદીને ચરણ સ્પર્શ કર્યા. વિપુલચંદ્રએ રાજેશને આવકારતા કહ્યુ, “આવ ભાઈ આવ.” વિપુલચંદ્ર ત્રિવેદીની પાછળ બધા જ ઘરમાં ગયા. સુશીલાબેને પોતાના પરિવારને આવકાર્યો અને કહ્યું, “ચાલો બધા ફટાફટ હાથપગ ધોઈને ગરમ ગરમ જમવા બેસી જાવ પછી બીજી વાત.”

એક માતાની નજરમાં એના સંતાનો હંમેશા નાના જ રહે છે.

“હા, બા.” હસતા હસતા સંયમે કહ્યું.

No comments:

Post a Comment