Wednesday, November 4, 2009

"એક ચિનગારી હજુ છે રાખના ઢગમાં, બેઠી છે એ પવનની લહેરના ઈંતજારમાં"

રોજની જેમ જ તમે આજે તમારા વર્ષો જુના સ્કુટર પર તમારા એજ્યુકેશન ક્લાસીસ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં એક હોર્ડિંગ પર અનાયાસે તમારી નજર પડી અને તમે સમસમી ઉઠ્યા એકાંત પાઠક. આમ તો એ હોર્ડિંગમાં એવું કાંઈ વિશેષ ન હતું કે સામાન્ય માણસ સમસમી ઉઠે. પરંતુ, તમે કાંઈ સામાન્ય માણસ થોડા જ છો?

એકાંત પાઠક, અમદાવાદના પરા વિસ્તાર સમા ચાંદખેડા ગામમાં રૂઢિચુસ્ત એવા અંબાપ્રસાદ પાઠકના ઘરે તમારો જન્મ થયો હતો. ત્રિકાળ સંધ્યા અને કર્મકાંડમાં પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા તમારા પિતા અંબાપ્રસાદે સમાજના નીતિ-નિયમ અને રીત-રીવાજ મુજબ સાત વર્ષની વયે તમને યજ્ઞોપવિત સંસ્કાર આપી તમને પણ તેમના માર્ગે કર્મકાંડ શીખવવાની શરૂઆત કરી હતી. બાળપણથી જ તમને વાંચનનો વિશેષ શોખ હતો અને પંદર વર્ષની વયે તમારા પર ખરેખર વિદ્યાની દેવી મહેરબાન થઈ ગઈ જ્યારે તમે દસમા ધોરણમાં પ્રથમ વર્ગમાં પાસ થયા. પરંતુ આ દરમ્યાન તમારા અને તમારા પિતા અંબાપ્રસાદના ધર્મ અંગેના વિચારો-મંતવ્યોમાં એક અંતર, એક ખીણ સર્જાવાની શરૂ થઈ ગઈ હતી અને બાવીસ વર્ષની યુવાન વયે જ્યારે તમે બી.કોમ.ની ડીગ્રી મેળવી તે સમયગાળામાં તો વિચારોની આ ખીણ ક્યારેય ન પૂરી શકાય તેવી થઈ ગઈ હતી.

તમારા પિતાના મતે ધર્મ એટલે પૂજા-પાઠ, ઉપાસના, આરાધના, જપ, તપ, વ્રત, ધૂપ, દિવા કરવા, માળા કરવી, મંદિર-મહાદેવ, સંસારના કર્મ પ્રત્યેની ઉદાસીનતા, પ્રારબ્ધવાદ, વગેરે. જ્યારે એકાંત તમારા મત મુજબ ધર્મનો અર્થ આ બધાથી કાંઈક જુદો જ કાંઈક અલગ જ હતો. તમારા મત મુજબ એકાંત, ધર્મ એટલે તમને સોંપવામાં આવેલું તમારી ફરજના ભાગ રૂપ એવું તમારૂં કાર્ય યોગ્ય સમયમાં, સારામાં સારી રીતે, નિષ્ઠાપૂર્વક અને પ્રામાણીકતાથી કરવું તે. તમારી માન્યતા મુજબ વિદ્યાર્થીનો ધર્મ સારામાં સારી રીતે અભ્યાસ કરવાનો, સૈનિકનો ધર્મ પ્રાણના ભોગે પણ દેશ સેવા કરવાનો, સ્ત્રીનો ધર્મ ઘર-પરિવારના સભ્યોની કાળજી રાખવાનો, પુત્રનો ધર્મ પિતાને સારા કાર્યોમાં મદદરૂપ થવાનો હતો.

તમારા પિતા અંબાપ્રસાદ જ્યાં ચુસ્ત પ્રારબ્ધવાદી હતા, ત્યાં એકાંત તમે ચુસ્ત કર્મવાદી હતા. વધુમાં, તમે એમ પણ કહેતા કે, "આવા બની બેઠેલા ધર્મગુરૂઓ, સંતો, મહાત્માઓએ ભારત દેશનું વિભાજન કરવાનું કાર્ય કર્યું છે. કોઈકે વિભાજન માટે મંદિર-મસ્જિદનો આધાર લીધો છે તો કોઈકે શીવ અને રામ-કૃષ્ણનો. મંદિરોમાં દિવા કરવામાં જેટલું ઘી-તેલ વપરાય છે, તેટલું ભૂખ્યા પેટમાં જાય એનાથી ઉત્તમ બીજો કોઈ ધર્મ હોઈ શકે? મંદિર-મસ્જિદ-ગુરૂદ્વારાના બાંધકામમાં વપરાતો રૂપિયો જો ઔદ્યોગીક વિકાસમાં વાપરવામાં આવે તો ભારતમાં કોઈ બેકાર હોત? ચુસ્ત બુધ્ધ ધર્મ પાળતા જાપાનમાં જેટલી કંપનીઓ સ્થપાઈ છે તેના સોમા ભાગના પણ બૌધ્ધ મંદિરો નથી. ચુસ્ત ઈસ્લામીક દેશોમાં પણ દેશના વિકાસ માટે મસ્જિદ-મકબરાનું સ્થળાંતર કરવામાં આવે છે. ત્યારે આપણા દેશમાં આવા ધર્મથી વિમુખ થયેલા બાહ્યાડંબરમાં રાચતા બની બેઠેલા ધર્મગુરૂઓ વિરાટને વામનમાં સમાવવાની ચેષ્ટા કરી રહ્યા છે. રામ, કૃષ્ણ, ઈસા મસીહ કે મહંમદ પયંગબર સાહેબે ક્યાં કહ્યું છે કે તેમની પૂજા કરો? મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા બંધાવો? તે બધાનો તો એક જ ઉપદેશ છે કે નીતિના માર્ગે ચાલો, પ્રામાણિક જીવન જીવો, નિષ્કામ ભાવે તમારૂં કર્મ કરો."

આજે એકાંત પાઠક, તમે અાવા જ એક ધર્મગુરૂના પ્રવચનનો સમય-સ્થળ દર્શાવતું વિરાટ હોર્ડિંગ જોયું અને તમે સમસમી ગયા. પણ તમે માત્ર સમસમીને બેસી રહો છો તે ખોટું છે. તમારા આ વિચારોને યોગ્ય માધ્યમ દ્વારા પ્રજા સમક્ષ રજુ કરો. આજે ભારતને તમારા જેવા વૈચારિક ક્રાંતિ ધરાવતા નવયુવાનની જરૂર છે. પ્રયત્ન કરો અને તમારા આ ક્રાંતિકારી વિચારોથી આગળ વધો અલ્લાહના આશીર્વાદ અને ભગવાનની રહેમત તમારી સાથે છે, એકાંત પાઠક.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

No comments:

Post a Comment