Saturday, November 28, 2009

"દેખાય છે જે પહેલી નજરે તે બધું જ સત્ય નથી હોતું, કેટલાક બીડાયેલા કમળોમાં ભમરા પણ હોય છે."

હાઈહીલના સેન્ડલ પહેરીને તમે કુ. ચિંતન, અમદાવાદ શહેરના ગુલાબ ટાવર રોડ પર આવેલ વૈભવ સોસાયટીના વિભાગ ૩ ના બંગલા નંબર ૪૬ નો ઝાંપો ખોલીને બહાર આવી, તમારૂં ટી.વી.એસ. સ્કુટી ચાલુ કરી સોસાયટીના મુખ્ય દરવાજેથી જાહેર રસ્તા તરફ વળ્યા અને તમારી અપેક્ષા મુજબ જ ડાર્ક બ્લેક ગ્લાસ મઢેલી બ્લેક હેલમેટ પહેરીને આવતો એક મજબૂત બાંધાનો સારી એવી ઉંચાઈ ધરાવતો અને થોડોક શરીરે ભારે કહી શકાય તેવો યુવાન તેના પલ્સર બાઈક પર સોસાયટી તરફ વળ્યો. તમને ખબર હતી કુ. ચિંતન કે એ બાઈક ચાલક પણ એ જ બંગલામાં જવાનો છે જ્યાંથી હજુ હમણાં જ તમે વિદાય લીધી છે. તમે તેને નામથી ઓળખતા હતા. એ યુવાન હતો અભિજીત મહેતા.

એક જ બંગલામાં આવન-જાવન કરતા કું. ચિંતન તમારા અને અભિજીત વચ્ચે સીધો કોઈ જ સંબંધ ન હતો. છતાં પણ એક તાર્કિક સંબંધ હતો, જે નકારી શકાય તેવો તો નહતો જ. તમે બંને, એ બંગલાના માલિક અને અમદાવાદ શહેરના નાસ્તા બજારમાં જેમનું આગવું નામ છે તેવા શેઠ શ્રી ધીરજલાલ પુરોહિતના બંને બાળકોને ભણાવવા આવતા પ્રોફેશનલ ટીચર્સ હતા, એટલે તમે બંને એ નાતે પ્રોફેશનલ કલીગ હતા. ફરક એટલો જ હતો, કુ. ચિંતન કે તમે શેઠ ધીરજલાલની નાની દિકરી મનસ્વીને ભણાવતા આવતા હતા, જ્યારે અભિજીત મહેતા ધીરજલાલ શેઠના મોટા દિકરા હર્ષલને ભણાવવા આવતો હતો. સોસાયટીના દરવાજે પરસ્પર ક્રોસ થતા એક બીજાને જોયા ન જોયા કરીને પોત-પોતાની દિશાઓમાં જતા રહેવું એ તમારો એક દૈનિક ક્રમ બની ગયો હતો, કુ. ચિંતન.

તમે કુ. ચિંતન, ઘરમાં મદદરૂપ થવાના હેતુથી કોલેજના બીજા વર્ષથી જ પ્રાયમરી ધોરણોના ટ્યુશન કરતા હતા અને શેઠ ધીરજલાલના ઘરે પણ મહિને રૂપિયા પાંચસોની ફી લઈ તમે લગભગ દરરોજ તેમની લાડલીને ભણાવવા જતા હતા અને હજુ પણ કામની શોધમાં હતા.

એજ બંગલાના કંપાઉન્ડમાં અનાયાસે થયેલી કેટલીક તમારી અને અભિજીત મહેતાની મુલાકાતો દરમ્યાન કુ. ચિંતન અભિજીતે તમને હંમેશા, અાત્મીયતાથી જોજનો દૂર એવા "પ્રોફેશનલ સ્માઈલ"થી વિશેષ કાંઈ જ નહતું આપ્યું અને કોઈ જ વાત નહતી કરી. તેમ છતાં તમે કુ. ચિંતન એટલું તો જાણતા જ હતા કે અભિજીત મહેતા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના ખ્યાતનામ ક્લાસીસમાં મેનેજર છે અને આજ બંગલમાં અઠવાડિયામાં ચાર જ દિવસ ટ્યુશન માટે આવવાની એની ફી લગભગ તમારી ફી કરતાં બમણી છે અને અભિજીત પ્રોફેશનલ ફીલ્ડનો એક પ્રોફેશનલ એવો વ્યક્તિ છે, જે કામ અને દામ વચ્ચેનો જ સંબંધ જુએ છે.

કામની જરૂરીયાતવાળા તમને કુ. ચિંતન ઘણી વખત ઈચ્છા થઈ આવી હતી કે તમને ક્લાસીસમાં કામ આપવાની તમે અભિજીતને રીક્વેસ્ટ કરો. પરંતુ અભિજીતના પ્રોફેશનલ સ્વભાવે તમને રોકી રાખ્યા હતા. એક વખત જરૂરિયાતથી મજબૂર થઈને તમે શેઠ ધીરજલાલના દિકરા હર્ષલ પાસેથી તેના સર અભિજીત મહેતાનો મોબાઈલ નંબર લીધો અને તમારા ઘરે થી તે જ સાંજે તમે અભિજીતને ફોન કરવા માટે ટેલીફોનનું રીસીવર ઉપાડ્યું અને અચાનક અટકી ગયા.

પણ, કુ. ચિંતન તમે નથી જાણતા કે પ્રોફેશનલ વ્યક્તિઓ કામની સામે દામ ચૂકવી જ આપે છે અને જેમ તમને કામની જરૂર છે તેમ સારા શિક્ષકોની જરૂર અભિજીતને પણ છે. તમારી જરૂરિયાતો પરસ્પર પૂરક છે. તેથી સહેજ પણ ગભરાયા વિના તમે અભિજીત સાથે વાત કરો. આખરે એ પણ માણસ જ છે અને દરેક માણસને થાડા ઘણાં અંશે લાગણીોઓ હોય જ છે.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

No comments:

Post a Comment