Saturday, November 28, 2009

"દેખાય છે જે પહેલી નજરે તે બધું જ સત્ય નથી હોતું, કેટલાક બીડાયેલા કમળોમાં ભમરા પણ હોય છે."

હાઈહીલના સેન્ડલ પહેરીને તમે કુ. ચિંતન, અમદાવાદ શહેરના ગુલાબ ટાવર રોડ પર આવેલ વૈભવ સોસાયટીના વિભાગ ૩ ના બંગલા નંબર ૪૬ નો ઝાંપો ખોલીને બહાર આવી, તમારૂં ટી.વી.એસ. સ્કુટી ચાલુ કરી સોસાયટીના મુખ્ય દરવાજેથી જાહેર રસ્તા તરફ વળ્યા અને તમારી અપેક્ષા મુજબ જ ડાર્ક બ્લેક ગ્લાસ મઢેલી બ્લેક હેલમેટ પહેરીને આવતો એક મજબૂત બાંધાનો સારી એવી ઉંચાઈ ધરાવતો અને થોડોક શરીરે ભારે કહી શકાય તેવો યુવાન તેના પલ્સર બાઈક પર સોસાયટી તરફ વળ્યો. તમને ખબર હતી કુ. ચિંતન કે એ બાઈક ચાલક પણ એ જ બંગલામાં જવાનો છે જ્યાંથી હજુ હમણાં જ તમે વિદાય લીધી છે. તમે તેને નામથી ઓળખતા હતા. એ યુવાન હતો અભિજીત મહેતા.

એક જ બંગલામાં આવન-જાવન કરતા કું. ચિંતન તમારા અને અભિજીત વચ્ચે સીધો કોઈ જ સંબંધ ન હતો. છતાં પણ એક તાર્કિક સંબંધ હતો, જે નકારી શકાય તેવો તો નહતો જ. તમે બંને, એ બંગલાના માલિક અને અમદાવાદ શહેરના નાસ્તા બજારમાં જેમનું આગવું નામ છે તેવા શેઠ શ્રી ધીરજલાલ પુરોહિતના બંને બાળકોને ભણાવવા આવતા પ્રોફેશનલ ટીચર્સ હતા, એટલે તમે બંને એ નાતે પ્રોફેશનલ કલીગ હતા. ફરક એટલો જ હતો, કુ. ચિંતન કે તમે શેઠ ધીરજલાલની નાની દિકરી મનસ્વીને ભણાવતા આવતા હતા, જ્યારે અભિજીત મહેતા ધીરજલાલ શેઠના મોટા દિકરા હર્ષલને ભણાવવા આવતો હતો. સોસાયટીના દરવાજે પરસ્પર ક્રોસ થતા એક બીજાને જોયા ન જોયા કરીને પોત-પોતાની દિશાઓમાં જતા રહેવું એ તમારો એક દૈનિક ક્રમ બની ગયો હતો, કુ. ચિંતન.

તમે કુ. ચિંતન, ઘરમાં મદદરૂપ થવાના હેતુથી કોલેજના બીજા વર્ષથી જ પ્રાયમરી ધોરણોના ટ્યુશન કરતા હતા અને શેઠ ધીરજલાલના ઘરે પણ મહિને રૂપિયા પાંચસોની ફી લઈ તમે લગભગ દરરોજ તેમની લાડલીને ભણાવવા જતા હતા અને હજુ પણ કામની શોધમાં હતા.

એજ બંગલાના કંપાઉન્ડમાં અનાયાસે થયેલી કેટલીક તમારી અને અભિજીત મહેતાની મુલાકાતો દરમ્યાન કુ. ચિંતન અભિજીતે તમને હંમેશા, અાત્મીયતાથી જોજનો દૂર એવા "પ્રોફેશનલ સ્માઈલ"થી વિશેષ કાંઈ જ નહતું આપ્યું અને કોઈ જ વાત નહતી કરી. તેમ છતાં તમે કુ. ચિંતન એટલું તો જાણતા જ હતા કે અભિજીત મહેતા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના ખ્યાતનામ ક્લાસીસમાં મેનેજર છે અને આજ બંગલમાં અઠવાડિયામાં ચાર જ દિવસ ટ્યુશન માટે આવવાની એની ફી લગભગ તમારી ફી કરતાં બમણી છે અને અભિજીત પ્રોફેશનલ ફીલ્ડનો એક પ્રોફેશનલ એવો વ્યક્તિ છે, જે કામ અને દામ વચ્ચેનો જ સંબંધ જુએ છે.

કામની જરૂરીયાતવાળા તમને કુ. ચિંતન ઘણી વખત ઈચ્છા થઈ આવી હતી કે તમને ક્લાસીસમાં કામ આપવાની તમે અભિજીતને રીક્વેસ્ટ કરો. પરંતુ અભિજીતના પ્રોફેશનલ સ્વભાવે તમને રોકી રાખ્યા હતા. એક વખત જરૂરિયાતથી મજબૂર થઈને તમે શેઠ ધીરજલાલના દિકરા હર્ષલ પાસેથી તેના સર અભિજીત મહેતાનો મોબાઈલ નંબર લીધો અને તમારા ઘરે થી તે જ સાંજે તમે અભિજીતને ફોન કરવા માટે ટેલીફોનનું રીસીવર ઉપાડ્યું અને અચાનક અટકી ગયા.

પણ, કુ. ચિંતન તમે નથી જાણતા કે પ્રોફેશનલ વ્યક્તિઓ કામની સામે દામ ચૂકવી જ આપે છે અને જેમ તમને કામની જરૂર છે તેમ સારા શિક્ષકોની જરૂર અભિજીતને પણ છે. તમારી જરૂરિયાતો પરસ્પર પૂરક છે. તેથી સહેજ પણ ગભરાયા વિના તમે અભિજીત સાથે વાત કરો. આખરે એ પણ માણસ જ છે અને દરેક માણસને થાડા ઘણાં અંશે લાગણીોઓ હોય જ છે.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, November 25, 2009

તલાશ

શાયદ આફતાબ રૂઠા હૈ, ઈન્સાનીયત ખો ગઈ હૈ,
જજબાતોં કે બીખરનેસે, હૈ હર ઓર વિરાન અંધેરા,
એસે આલમમેં ઉજાલે કી મુઝે તલાશ હૈ,

માના કી છુપ ગયા હૈ કાલે બાદલોમેં મેરા ચાંદ,
પર અબ ભી ઈન કાલી અંધેરી રાતોંમે,
ચાંદનીકી મુઝે તલાશ હૈ,

ભાવનાએ કીસી એક કોને મેં રો રહી હૈ,
મહોબત કીસી મોડ પર તન્હા પડી હૈ,
ફીર ભી કીસી ચાહનેવાલે કી મુઝે તલાશ હૈ,

દોસ્તી કી કશ્તી ડૂબી, ભ્રમ થી મેરી આસ્થા
,
બીચ ભંવરમેં બીન સહારે હસ્તી તબાહ હુઈ મેરી,
એસે જહાન મેં કીસી દોસ્ત કી મુઝે તલાશ હૈ
,

કોઈ તો હો જો સિર્ફ ચાહે મુઝે,
મેરા દર્દ બાંટ સકે, મેરા સાથ નિભા સકે,
ગૈરોંકી ઈસ દુનિયા મેં અપને કી મુઝે તાલશ હૈ,

એક સાથી હો જો મેહસુસ કરે મુઝે,
એક હમરાહી હો જો પેહચાન સકે મુઝે,
સંગદિલોંકી ભીડ મેં દિલવાલે કી મુઝે તલાશ હૈ,

બુરાઈયાં હી દેખી સબને, અચ્છાઈ શાયદ ના હો મુઝમેં,
ફીર ભી ઈસ દિલ કી ગહરાઈ કો પહેચાને કોઈ,
માના કી યે મુમકીન નહીં ફીર ભી મુઝે તલાશ હૈ,

જજબાતોં સે મેરે ખેલા યહાં હર કોઈ,
મેરી મહોબ્બત કા બલાત્કાર કીયા મેરે હી મહેબુબને,
જહાં સાથી ભી ના દે સાથ વહાં સાથી કી મુઝે તલાશ હૈ,

સદિયાં બીત ગઈ હૈ મેરી તલાશ અબ ભી જારી હૈ,
હર રાત અભ ભી દેખતા એક ખ્વાબ મેં,
શાયદ કલ સુબહ 'રાહે'કી તલાશ પુરી હો જાયે.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, November 21, 2009

મહેફિલ

એક રાતે એકાંતમાં મહેફિલ જમાવી બેઠો હતો,
પડછાયાને મિત્ર બનાવી વાતો કરતો બેઠો હતો,
ખાટી-મીઠી ઘણી યાદો ફરી તાજી કરતો હતો,
આવતા-જતા લોકો કહેતા હતા હું બકતો હતો,
કોઈના માટે ગાંડો કોઈના માટે નશામાં હતો,
પડછાયો મારો જાણતો હતો કે હું વ્યથામાં હતો,
વિતેલા ભૂતકાળથી આવનાર ભવિષ્યની ચિંતામાં હતો,
પ્રબળ ઈચ્છા છતાં કશું જ બદલવા અસમર્થ હતો,
હોવા છતાં ચમનમાં હું જાણે વેરાનમાં હતો,
લોકોની ભીડમાં પણ મનથી એકાંતમાં હતો,
અજાણતા થઈ ગયેલા ગુનાનું પરિણામ ભોગવતો હતો,
ગંભીર ન હોવા છતાં એ ગંભીર ગુનો ગણતો હતો,
અવાસ્તવિકતાને પ્રેમ કરવાનો ગુનો કર્યો હતો,
એટલે જ આશિષ તૂટેલા દિલને લઈને બેઠો હતો.

કવિઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, November 11, 2009

મહેંદી

સુંદર દેખાતા બાગમાં નજાકત આપે છે મહેંદી;
લીલા પાનથી અવનવા આકારમાં શોભે છે મહેંદી,
ઠંડી છાંય અને સુગંધ વાતાવરણને આપે છે મહેંદી;
બની વાડ પ્રેમી પંખીડાને આપે છે ઓથ મહેંદી,
પિસાઈ જાય તો રંગ લાલ આપે છે મહેંદી;
સુંદર હાથોમાં ફેલાઈને વધુ સુંદરતા આપે છે મહેંદી,
પિયુની યાદ બની હાથોમાં રચાય છે મહેંદી;
દિલની અગાધ લાગણીને આપે છે આકાર મહેંદી,
કંઈજ ન બોલવા છતાં ઘણું કહી જાય છે મહેંદી;
આશિષ જગતને કંઈક આપવાની શીખ આપે છે મહેંદી.

કવિઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, November 7, 2009

"વાત કરવાને હું અને એ છીએ તત્પર પણ, વાત કરવાની કોણ ભલા શરૂઆત કરે?"

ઘડીયાળમાં એક ટકોરો પડ્યો અને તમે એક નજર ઘડીયાળ તરફ નાખી. બપોરના સાડા ત્રણનો સમય દર્શાવતી ઘડીયાળ તરફથી નજર પરત ફેરવી તમારી સામેની દિવાલ પર લટકતા કેલેન્ડર પર તમારી નજર આપોઆપ જ પડી. કેલેન્ડર આજે સોમવારનો દિવસ બતાવતું હતું અને પંક્તિ એક સ્મિત તમારા ચહેરા પર આવી ગયું. દરેક સોમવારનો તમને બહદ ઈંતજાર રહેતો હતો, કુમારી પંક્તિ ઉપાધ્યાય.

અમદાવાદ શહેરની એસ.વી. કોલેજ કેમ્પસની ઈવનીંગ લાૅ કોલેજના મોસ્ટ રેગ્યુલર વિદ્યાર્થીની તરીકે તમારી એક આગવી પ્રતિષ્ઠા કોલેજના તમારા સાથી-મિત્રો, સહઅભ્યાસુઓ અને પ્રાદ્યાપકોમાં હતી. જેવી તમારી રેગ્યુલારીટી હતી તેવી જ તમારી ઈન્ટેલીજન્સી પણ હતી. આથી જ એલએલ.બી.ના પ્રથમ અને દ્વિતીય વર્ષમાં તમે કોલેજ ફર્સ્ટ રહ્યા હતા. પણ તમારા સિવાય તમારા મિત્ર વર્તૃળમાં કોઈને જરાય ખબર ન હતી કે શા માટે તમને સોમવારનો આટલો ઈંતજાર રહેતો હતો? જે લાૅ કોલેજના પ્રથમ વર્ષના પ્રથમ સત્રથી આજ સુધી એવો જ જળવાયો હતો.

આજે પણ તમે કોલેજ જવા કંઈક વિશિષ્ટ તૈયાર થયા. બહુ જ સુંદર નહિં, પરંતુ સામાન્ય કદ અને દેખાવ ધરાવતા પંક્તિ ઉપાદ્યાય તમે હળવો મેક-અપ કરીને તમારા પ્રતિબિંબને તમારા રૂમના આદમ કદ અરિસામાં નીરખી રહ્યા હતા. થોડી વાર આમ જ પોતાના પ્રતિબિંબને નીરખી રહ્યા બાદ, તમે પંક્તિ તમારૂં સ્કુટી સ્ટાર્ટ કરી શાહપુરના ગીચ વિસ્તાર, રસ્તા અને ભીડ વચ્ચેથી નીકળી, તમારી કોલેજ તરફ આગળ વધી રહ્યા હતા અને તમારા મનમાં ઉઠતા અનેક વિચારો પણ એજ દિશામાં ઝડપથી આગળ વધતા હતા. વિચારો-વિચારોમાં રસ્તો ક્યાં કપાઈ ગયો એનો તમને અણસાર પણ ન આવ્યો અને તમે તમારી કોલેજના કેમ્પસમાં પહોંચી ગયા. તમારી આંખો કોઈને શોધી રહી હતી. પણ કોને?

લાૅ કોલેજના પ્રથમ વર્ષથી જ કોલેજમાં માત્ર હાજરી પૂરાવવા જ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ આવતા, પરંતુ દર સોમવારે નિયમીત રીતે આવતા, મજબુત બાંધો, મધ્યમ દેખાવ અને અન-ક્લીન શેવ્ડ ચહેરો ધરાવતા યુવાન પ્રમેશ પંડ્યાનું વ્યક્તિત્વ જ કંઈક અનેરૂં હતું. અત્યંત વાચાળ અને બોલકો સ્વભાવ ધરાવનાર પ્રમેશ કોલેજ કેમ્પસમાં આવે તેટલો સમય સદાય સિનીયર-જુનીયર મિત્રોથી ઘેરાયેલો રહેતો, પરંતુ પ્રમેશનું એક ખાસ વિશિષ્ટ લક્ષણ એ હતું કે તેના મિત્ર વર્તૃળમાં માત્ર અને માત્ર પુરૂષ મિત્રો જ રહેતા.

પંક્તિ ઉપાદ્યાય એ તો માત્ર તમે અને તમે જ જાણતા હતા કે તમને ઈંતજાર સોમવારનો નહિં પરંતુ ખરા અર્થમાં પ્રમેશનો રહેતો. કારણ કે તમારી નજરોમાં તે તમારો કટ્ટર પ્રતિસ્પર્ધી તથા અન્ય સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખતો એક સારો સહાદ્યાયી મિત્ર પણ હતો. પંક્તિ તમે જો લાૅ કોલેજના બંને વર્ષમાં કોલેજ ફર્સ્ટ રહ્યા હતા તો પ્રમેશ તમારાથી થોડા જ અંતરે કોલેજ સેકન્ડ રહેલ હતો. તમારી એક ઈચ્છા હતી પંક્તિ કે પ્રમેશ સાથે સાચા અર્થમાં એક સહાદ્યાયી મિત્ર તરીકે મિત્રતાનો સંબંધ પ્રસ્થાપિત થાય, પરંતુ તમને થોડીક નિરાશા અને થોડીક ચીડ એ વાતની હતી કે પ્રમેશ ક્યારેય છોકરીઓ સાથે વાત કરતો ન હતો.

પંક્તિ ઉપાદ્યાય, નિરાશ ન થશો. કોણ જાણે એવું પણ હોય કે જેવી સારી મિત્રતા તમે ઈચ્છો છો એવીજ પ્રમેશ પણ ઈચ્છતો હોય. આજે સોમવાર છે. પંક્તિ, મિત્રતાની પહેલ કરો.....

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, November 4, 2009

"એક ચિનગારી હજુ છે રાખના ઢગમાં, બેઠી છે એ પવનની લહેરના ઈંતજારમાં"

રોજની જેમ જ તમે આજે તમારા વર્ષો જુના સ્કુટર પર તમારા એજ્યુકેશન ક્લાસીસ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં એક હોર્ડિંગ પર અનાયાસે તમારી નજર પડી અને તમે સમસમી ઉઠ્યા એકાંત પાઠક. આમ તો એ હોર્ડિંગમાં એવું કાંઈ વિશેષ ન હતું કે સામાન્ય માણસ સમસમી ઉઠે. પરંતુ, તમે કાંઈ સામાન્ય માણસ થોડા જ છો?

એકાંત પાઠક, અમદાવાદના પરા વિસ્તાર સમા ચાંદખેડા ગામમાં રૂઢિચુસ્ત એવા અંબાપ્રસાદ પાઠકના ઘરે તમારો જન્મ થયો હતો. ત્રિકાળ સંધ્યા અને કર્મકાંડમાં પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા તમારા પિતા અંબાપ્રસાદે સમાજના નીતિ-નિયમ અને રીત-રીવાજ મુજબ સાત વર્ષની વયે તમને યજ્ઞોપવિત સંસ્કાર આપી તમને પણ તેમના માર્ગે કર્મકાંડ શીખવવાની શરૂઆત કરી હતી. બાળપણથી જ તમને વાંચનનો વિશેષ શોખ હતો અને પંદર વર્ષની વયે તમારા પર ખરેખર વિદ્યાની દેવી મહેરબાન થઈ ગઈ જ્યારે તમે દસમા ધોરણમાં પ્રથમ વર્ગમાં પાસ થયા. પરંતુ આ દરમ્યાન તમારા અને તમારા પિતા અંબાપ્રસાદના ધર્મ અંગેના વિચારો-મંતવ્યોમાં એક અંતર, એક ખીણ સર્જાવાની શરૂ થઈ ગઈ હતી અને બાવીસ વર્ષની યુવાન વયે જ્યારે તમે બી.કોમ.ની ડીગ્રી મેળવી તે સમયગાળામાં તો વિચારોની આ ખીણ ક્યારેય ન પૂરી શકાય તેવી થઈ ગઈ હતી.

તમારા પિતાના મતે ધર્મ એટલે પૂજા-પાઠ, ઉપાસના, આરાધના, જપ, તપ, વ્રત, ધૂપ, દિવા કરવા, માળા કરવી, મંદિર-મહાદેવ, સંસારના કર્મ પ્રત્યેની ઉદાસીનતા, પ્રારબ્ધવાદ, વગેરે. જ્યારે એકાંત તમારા મત મુજબ ધર્મનો અર્થ આ બધાથી કાંઈક જુદો જ કાંઈક અલગ જ હતો. તમારા મત મુજબ એકાંત, ધર્મ એટલે તમને સોંપવામાં આવેલું તમારી ફરજના ભાગ રૂપ એવું તમારૂં કાર્ય યોગ્ય સમયમાં, સારામાં સારી રીતે, નિષ્ઠાપૂર્વક અને પ્રામાણીકતાથી કરવું તે. તમારી માન્યતા મુજબ વિદ્યાર્થીનો ધર્મ સારામાં સારી રીતે અભ્યાસ કરવાનો, સૈનિકનો ધર્મ પ્રાણના ભોગે પણ દેશ સેવા કરવાનો, સ્ત્રીનો ધર્મ ઘર-પરિવારના સભ્યોની કાળજી રાખવાનો, પુત્રનો ધર્મ પિતાને સારા કાર્યોમાં મદદરૂપ થવાનો હતો.

તમારા પિતા અંબાપ્રસાદ જ્યાં ચુસ્ત પ્રારબ્ધવાદી હતા, ત્યાં એકાંત તમે ચુસ્ત કર્મવાદી હતા. વધુમાં, તમે એમ પણ કહેતા કે, "આવા બની બેઠેલા ધર્મગુરૂઓ, સંતો, મહાત્માઓએ ભારત દેશનું વિભાજન કરવાનું કાર્ય કર્યું છે. કોઈકે વિભાજન માટે મંદિર-મસ્જિદનો આધાર લીધો છે તો કોઈકે શીવ અને રામ-કૃષ્ણનો. મંદિરોમાં દિવા કરવામાં જેટલું ઘી-તેલ વપરાય છે, તેટલું ભૂખ્યા પેટમાં જાય એનાથી ઉત્તમ બીજો કોઈ ધર્મ હોઈ શકે? મંદિર-મસ્જિદ-ગુરૂદ્વારાના બાંધકામમાં વપરાતો રૂપિયો જો ઔદ્યોગીક વિકાસમાં વાપરવામાં આવે તો ભારતમાં કોઈ બેકાર હોત? ચુસ્ત બુધ્ધ ધર્મ પાળતા જાપાનમાં જેટલી કંપનીઓ સ્થપાઈ છે તેના સોમા ભાગના પણ બૌધ્ધ મંદિરો નથી. ચુસ્ત ઈસ્લામીક દેશોમાં પણ દેશના વિકાસ માટે મસ્જિદ-મકબરાનું સ્થળાંતર કરવામાં આવે છે. ત્યારે આપણા દેશમાં આવા ધર્મથી વિમુખ થયેલા બાહ્યાડંબરમાં રાચતા બની બેઠેલા ધર્મગુરૂઓ વિરાટને વામનમાં સમાવવાની ચેષ્ટા કરી રહ્યા છે. રામ, કૃષ્ણ, ઈસા મસીહ કે મહંમદ પયંગબર સાહેબે ક્યાં કહ્યું છે કે તેમની પૂજા કરો? મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા બંધાવો? તે બધાનો તો એક જ ઉપદેશ છે કે નીતિના માર્ગે ચાલો, પ્રામાણિક જીવન જીવો, નિષ્કામ ભાવે તમારૂં કર્મ કરો."

આજે એકાંત પાઠક, તમે અાવા જ એક ધર્મગુરૂના પ્રવચનનો સમય-સ્થળ દર્શાવતું વિરાટ હોર્ડિંગ જોયું અને તમે સમસમી ગયા. પણ તમે માત્ર સમસમીને બેસી રહો છો તે ખોટું છે. તમારા આ વિચારોને યોગ્ય માધ્યમ દ્વારા પ્રજા સમક્ષ રજુ કરો. આજે ભારતને તમારા જેવા વૈચારિક ક્રાંતિ ધરાવતા નવયુવાનની જરૂર છે. પ્રયત્ન કરો અને તમારા આ ક્રાંતિકારી વિચારોથી આગળ વધો અલ્લાહના આશીર્વાદ અને ભગવાનની રહેમત તમારી સાથે છે, એકાંત પાઠક.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ