Saturday, November 21, 2020

નિર્ણય સાચો કે ખોટો?

"હવે બોલો સાહેબ, મારો નિર્ણય સાચો કે ખોટો?"

વકીલાતના વ્યવસાયમાં રોજે રોજ અલગ અલગ વિચારધારાવાળા વ્યક્તિઓને મળવાનું થાય એ સ્વાભાવિક છે. દરેકના અલગ અલગ દ્રષ્ટિકોણ હોય, અલગ અલગ મુદ્દા અને સમસ્યા હોય. કેટલાક વ્યક્તિઓને સમાધાન આપ્યું હોય તો કોઈકને સલાહ આપી હોય, પણ કેટલાક એવા પણ હોય જે આપણને નવો દ્રષ્ટિકોણ આપી જાય.

મારી, એટલે કે એડવોકેટ આશિષ મેહતાની ઓફિસમાં આજે એવી જ એક વ્યક્તિ સાથે મુલાકાત થઇ. એક વૃદ્ધ સ્ત્રીએ મને કામ સોંપેલ, "સાહેબ, મારી છોકરીને સમજાવો ને કે લગ્ન કરી લે." મેં ખાલી કહેવા ખાતર કહેલ કે, "એને કહજો કે મને ઓફિસે મળી જાય." અને તેમને મેં મારૂં વિઝિટિંગ કાર્ડ આપ્યું.

એ વાતને દશેક દિવસ થયા હતા, અને આજે બપોરે એક અજાણ્યા નંબર ઉપરથી ફોને આવેલ, "સર, હું કાનન બોલું છું. સાંજે તમે ફ્રી છો? હું તમને મળવા માંગુ છું."

"ઓકે, સાંજે 5.00 વાગે મળીએ મારી ઓફિસે"

સાંજે બરાબર 5.00 વાગે કાનન આવી. ઉંમર આશરે 35 વર્ષની હશે. પણ 35 વર્ષે પણ સારા એવા પ્રમાણમાં ખુબસુરત દેખાતી હતી. મારી સામેની ચેર પર બેસતાની સાથે જ એણે કહયું, "મારા મમ્મીએ કહ્યું એટલે તમને મળવા આવી છું."

મને વાતનો તાળો મળ્યો નહીં એટલે મેં પૂછ્યું, "તમારા મમ્મી એટલે?"

"પુષ્પામાસી. તમારા કાકાના ઘરની સામે રહે છે એ." મને તરત જ ઝબકારો થયો. કાનન એટલે, પુષ્પામાસીની દીકરી જે મારા કાકાના ઘરની સામે રહે છે અને આને જ લગ્ન કરવા સમજાવવાની છે.

મેં ફોર્મલ વાતથી શરૂઆત કરી. કેમ છો? કેવી છે માસીની તબિયત? વગેરે વગેરે..... મારી અપેક્ષાથી વિપરીત એણે સીધું જ કહ્યું, "મમ્મીએ તેમને મળવાનું કહ્યું છે, એટલે આવી છું. તમને કેમ મળવાનું એ નથી જણાવ્યું. તમે સીધી વાત કરશો તો મને વધારે ગમશે."

તો સીધી વાત એ છે કે, "તમે શા માટે હજુ સુધી લગ્ન નથી કર્યા? બસ, મારે એટલું જ જાણીને તમારા મમ્મીને કહેવાનું છે."

"સર, કેટલો સમય છે તમારી પાસે મને સાંભળવા માટે?"

"સમયની તો સદાય ખેંચ રહે જ છે, પણ તમે જણાવો. મને એવું લાગે છે કે મને આજે કંઇક નવું જાણવા મળશે."

"સર, મારા મમ્મી અને પપ્પાનું હું સૌથી મોટું સંતાન. મારા પછી મારે એક ભાઈ અને એના પછી એક નાની બહેન. હું દશમા ધોરણમાં હતી અને મારા પપ્પા ગુજરી ગયા. મમ્મીએ સીવણના સંચા પર ઘર ચલાવ્યું. મેં બારમું ધોરણ ભણીને ઘરની પરિસ્થિતિના કારણે અભ્યાસ છોડી દીધો અને એક બ્યુટી પાર્લરમાં નોકરી લાગી ગઈ. ત્યાં જ કામ શીખી અને પૈસા ભેગા કર્યા અને પછી બાર ધોરણ પાસના આધારે અને બ્યુટી પાર્લરના અનુભવને આધારે સર્ટિફાઈડ બ્યુટિશિયનનો કોર્સ કર્યો અને એક વેલનોન સલૂનમાં નોકરી લાગી. બસ પછી મેં મારી જિંદગીનો ધ્યેય બદલી નાંખ્યો. આવક સારી થઇ એમાંથી નાના ભાઈ-બહેનને ભણાવ્યા, નાનું પણ પોતાનું મકાન લીધું, ભાઈને યુ.કે. મોકલ્યો અને બહેનને સારું ઘર જોઈને પરણાવી અને આજે એ પણ કેનેડા એના પરિવાર સાથે વેલ સેટ છે."

કાનને એની વાતમાં એક વિરામ લીધો અને મેં એને પૂછ્યું, "આ તો થઇ પરિવાર માટેની વાત. તમે સારા પાત્ર સાથે લગ્ન કરીને પણ આ બધું જ કામ તમારા પરિવાર માટે કરી શકતા હતા અને હજુ પણ કરી જ શકશો."

કોફી આવી ગઈ હતી. મેં એક સીપ લઈને કપ ટેબલ ઉપર મુક્યો અને કાનનની સામે જોયું. હાથમાં કોફીનો કપ લઈને એણે જાણે કે મજાક કરતી હોય એ રીતે સ્માઈલ આપ્યું અને પૂછ્યું, "સાહેબ, તમે તમારા સાસુ-સસરાનું રોજે રોજ ધ્યાન રાખો છો?" સવાલ એનો પર્સનલ હતો. પણ, મારા અંતર મને જવાબ નકારાત્મક આપ્યો. એટલે હું શાંતિથી એ આગળ શું કહેશે એ સાંભળવા માટે રાહ જોઈ રહ્યો.

કોફી પૂરી કરીને એણે કપ ટેબલ પર મુક્યો અને વાતનો દોર આગળ વધાર્યો. "સાહેબ, મારી માંને મેં સિલાઈ કામ કરતા જોઈ છે અને એના તરફ લોલુપતાથી જોનારાઓને પણ જોયા છે. મને પુરૂષ જાતથી નફરત થઇ ગઈ છે. એ સમયે હું બેહદ ખૂબસૂરત દેખાતી હતી. જો મેં લગ્ન કરવાનું એ સમયે વિચાર્યું હોત તો મારા પણ લગ્ન થઇ ગયા હોત. પણ સાહેબ, લગ્ન કરવા માટે થઈને છોકરાઓ બધી જ વાતમાં-શરતમાં હા પાડી દે અને લગ્ન થઇ ગયા પછી જો એ એનું કહયું ના કરે તો?, લગ્ન કરી લો પછી શરૂ થાય "જી" સિરીઝ. પપ્પાજી, મમ્મીજી એ બધાની કચકચ. તેં આમ નથી કર્યું અને તેમ નથી કર્યું. ઘરમાં ધ્યાન આપો અને વારંવાર હવે પિયર શું જવાનું? વગેરે જેવી માથાકૂટ અને થોડાક વર્ષોમાં હવે અમને દાદા-દાદી ક્યારે બનાવો છો? જેવા ફાલતુ સવાલ. અને પછી આ બધી પરિસ્થિતિમાં મારા ભાઈ-બહેન અને મારી માનું શું થાય? સાહેબ, હું નોકરી કરું અને એ આવક મારે મારા પરિવાર માટે વાપરતા પહેલાં મારા પતિને પૂછવાનું? મારે મારા પરિવાર માટે જીવવું હતું." 

"તમારા પરિવાર માટે જીવવાનો નિર્ણય ઠીક છે, પણ તમારૂં શું?"

કાનને મને પર્સનલાઈઝ સવાલ પૂછ્યો હતો એટલે મેં પણ એને પર્સનલાઈઝ સવાલ પૂછી નાખ્યો.

"સર, આઈ હેવ અ બોયફ્રેન્ડ. અમે લાસ્ટ 8 યરથી સ્ટેબલ છીએ. એનો પરિવાર પણ છે, પત્ની છે, બે બાળકો છે. પણ અમારા રિલેશનના કારણે ક્યારેય એમને કોઈ તકલીફ નથી પડી કે એમના કારણે મને કોઈ તકલીફ નથી અને હવે તમે પૂછો કે, "પાછલી જિંદગીનું શું?" તો એ પહેલાં જ કહી દઉં કે, હું દર મહિને એક વૃદ્ધાશ્રમમાં જાઉં છું. મારાથી થાય એટલી આર્થિક સેવા કરું છું અને મારી પાછલી જિંદગી માટે ફાઈનાન્સીયલ પ્લાનિંગ કરી રાખેલ છે. જોબમાંથી નિવૃત થયા પછી મમ્મીની સાથે ઘરે અને જયારે મમ્મી ના હોય ત્યારે વૃદ્ધાશ્રમમાં. સાહેબ, જો હું છોકરી ના બદલે છોકરો હોત તો મારી માને મારી આટલી ચિંતા ના હોત. હું અત્યારે મારા માટે પણ જીવી રહી છું અને મારા પરિવાર માટે પણ. અને હવે પાંત્રીસી વટાવ્યા પછી શા માટે સમાધાન કહેવાય એવા લગ્ન કરવાના? હવે બોલો સાહેબ, મારો નિર્ણય સાચો કે ખોટો?"

એક ઊંડો શ્વાસ લઇ મેં એને કહ્યું, "તારી જગ્યા એ તું સાચી છે."

થોડી વાર પછી કાનન વિદાય થઇ. સાંજે હું એના દ્રષ્ટિકોણ પર વિચાર કરી રહ્યો હતો. ઘણાખરા અંશે એ મને સાચી લાગી. રૂઢિચુસ્ત સમાજની નજરે એ કદાચ સ્વછંદી હોઈ શકે, પરંતુ એણે એના જીવનનો જે ધ્યેય નક્કી કર્યો હતો એ માટે તો એ સાચી જ હતી.


આશિષ એ. મહેતા


Creative Commons Licenseનિર્ણય સાચો કે ખોટો? by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

1 comment: