Saturday, November 14, 2020

જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં શબ્દોની અભિવ્યક્તિની જરૂર નથી હોતી.....

"આપણો હવે પછીનો કાર્યક્રમ શું છે, આરતી?" કૈંક અલગ અવાજમાં પુછાયેલ આ સવાલની પાછળની માર્મિકતા સમજીને આરતીએ તરત જ તમને, અમ્રિતા નગરશેઠને, કહ્યું, "મેડમ આપણે ઘણું જ મોડું થઇ ગયું છે." અમ્રિતા નગરશેઠ, છેલ્લા 20 વર્ષથી આરતી ભટ્ટ તમારી પર્સનલ સેક્રેટરી હતી અને જાણે કે તમારો પડછાયો જ હતી. એની પાસેથી આ જ જવાબની અપેક્ષા હોય એમ તમે તરત જ ઉભા થઇ ગયા અને રૂમમાં બેઠેલા સર્વે ને બે હાથ જોડીને નમસ્કાર કરી વિદાય લીધી. સહેજ ઉચાટ સાથે અને પરાણે મનની વ્યગ્રતાને કાબુમાં રાખીને તમે અમ્રિતા નગરશેઠ તમારી ગાડીમાં ગોઠવાયા અને તમારી બાજુમાં તમારી પર્સનલ સેક્રેટરી આરતી ગોઠવાઈ ગઈ અને ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરી અને રાબેતા મુજબ કાર ડેકમાં તમારી પસંદની ગુજરાતી ગઝલ પ્લે કરી. પણ આજે અમ્રિતા નગરશેઠ તમે પ્રથમ વખત કદાચ તમારા ડ્રાઈવરને મ્યુઝિક બંધ કરવાનું કહ્યું અને આંખો બંધ કરી જાણે ભૂતકાળમાં સરી ગયા.

ઉંમરના પાંચ દાયકા પુરા કરી ચૂકેલ, અમ્રિતા નગરશેઠ, સુરત જેવા શહેરમાં સામાજિક પ્રવૃતિઓ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલું એક આદરથી લેવાતું નામ. અમ્રિતા નગરશેઠ એટલે એક એવું નામ, એક એવું વ્યક્તિત્વ કે જેના સ્વચ્છ વ્યક્તિત્વ અને સ્પષ્ટવક્તા તરીકેની છબીને રાજકીય વ્યક્તિઓ તેમજ પોલીસ બેડામાં પણ આદરથી જોવામાં આવતું.

બંધ આંખે જ તમે અમ્રિતા, આરતીને કહ્યું કે, "આજની હવે બાકીની મિટિંગો રદ થાય એમ હોય તો કરી દે." ક્યારેય વિચલિત ન થનાર તમને આજે વિચલિત જોઈને આરતીએ બાકીની બંને મિટિંગો રદ કરીને ડ્રાઇવરને કાર સીધી જ ઓફિસ લેવાની સૂચના આપી.

અને કારના ઠંડકભર્યા વાતાવરણમાં બંધ આંખે તમે અમ્રિતા તમારા અતીતમાં સરી ગયા અને પહોંચી ગયા તમારા બાળપણમાં, તમારા મોસાળ રાજપારડીમાં. તમારી ઉંમર માત્ર 5 વર્ષની હતી અને વિધાતાએ તમારા માથેથી પિતાની છત્રછાયા છીનવી લીધી અને તમે અમ્રિતા શાહ, અમી, તમારા સગા મામા પારસ શાહના ઘરે તમારા માતા સાથે રહેવા આવી ગયા. એક સામાન્ય કારકુન તરીકેની નોકરી કરતા તમારા મામાએ તમારી અને તમારી માતાની જવાબદારી પ્રેમથી ઉઠાવી લીધી, પણ મામીને એ જરાય ગમતું ન હતું. ગામની શાળામાં અભ્યાસ કરવાની સાથે તમે નાની ઉંમરથી જ તમારા માતાને ઘરકામમાં મદદ કરાવતા થઇ ગયા હતા. પાંચીકા રમવાની ઉંમરે વાસણ ધોતા થઇ ગયા હતા. બાળપણ વીત્યું અને કિશોરાવસ્થા આવી ત્યાં સુધીમાં તો તમે ઘરના તમામ કામ શીખી ગયા હતા ને કરતા થઇ ગયા હતા. દિવસભરના કામકાજ અને મામીની કચકચ વચ્ચે જો કોઈ વાતનો તમને આનંદ હોય તો એ કે, ઘરની બાજુમાં આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરે સાંજે થતી આરતીમાં જોડાવું અને આરતી પતે પછી તમારા હમઉમ્ર રાકેશ જાની, મંદિરના પૂજારીનો સીધો સાદો એકનો એક છોકરો, એની સાથે વાતો કરવી. રાકેશની ગણના ગામના સીધા અને હોશિયાર છોકરામાં થતી અને તમને અમ્રિતા રાકેશે ઘણી વખત તમારા અભ્યાસમાં મદદ પણ કરેલ. તમારી અને રાકેશની વચ્ચે એક નામ વગરનો લાગણીનો સંબંધ હતો.

એક નાનકડા જર્ક સાથે કાર ઉભી રહી અને તમે વર્તમાનમાં આવી ગયા. કારમાંથી ઉતરી તમારી ઓફિસમાં ગયા. તમારી પર્સનલ સેક્રેટરી આરતીએ નોંધ્યું કે, ટટ્ટાર ગર્દનથી એક ખુમારી સાથે કાયમ ચાલતા આજે તમે એક અસહ્ય ગમગીની સાથે શૂન્યમનસ્ક ચાલી રહેલ છો. પણ તમારા સ્વભાવથી પરિચિત હોઈ તમને અત્યારે એકાંતની જરૂર છે એમ જાણતા હોવાથી આજે આરતી ભટ્ટ પણ તમારી ઓફિસમાં દાખલ થવાના બદલે બહારની ચેમ્બરમાં ગોઠવાઈ ગઈ અને છેલ્લે એટેન્ડ કરેલ કાર્યક્રમની તમામ ઘટનાઓને મનમાં વાગોળવા માંડ્યા તમે. અમ્રિતા નગરશેઠ તમે પાછા તમારા અતીતમાં પહોંચી ગયા. કિશોરાવસ્થા હજુ માંડ પૂરી થઇ બારમા ધોરણથી આગળનો અભ્યાસ બંધ થયો, તમારું  સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું અને ઓગણીસ વર્ષની ઉંમરે તમારા લગ્ન સુરત શહેરના નગરશેઠ પરિવારના નાના પુત્ર પરિમલ સાથે થઇ ગયા. લગ્નના નામે એક સોદો હતો. પરિમલ નગરશેઠ એક હાથે અને એક પગે લકવાગ્રસ્ત વ્યક્તિ અને તમે આર્થિક તકલીફ ધરાવતા પરિવારની સૌંદર્યવાન છોકરી. તમારા લગ્ન અંગે ના તો તમારી સંમતિ લેવામાં આવી ના તો તમને પૂછવામાં આવ્યું અને તમારી અનિચ્છાએ થયેલ લગ્ન બાદ તમે સુરત આવી ગયા. બાળપણથી જ પરિસ્થિતિમાં ગોઠવાઈ જવાની તમારી આવડતના કારણે થોડાક જ સમયમાં નગરશેઠ પરિવારના લાડકા વહુ બની ગયા અને ઘરની તમામ જવાબદારી માથે ઉઠાવી લીધી. તમારી આવડત જોઈને તમારા સસરાએ તમને ધીમે ધીમે ધંધાકીય જવાબદારીઓ સોંપવાની શરૂ કરી અને તમે થોડા જ વર્ષોમાં ઘર અને ધંધાની જવાબદારી નિભાવતા થઇ ગયા. લગ્ન જીવન દરમ્યાન તમે એક પુત્ર નામે સિદ્ધાર્થ ને જન્મ આપ્યો અને તમે ઘર, વેપાર-ધંધા અને સિદ્ધાર્થની પરવરિશમાં લાગી ગયા. જિંદગી ગોઠવાઈ ગઈ હતી. પરંતુ, લગ્નના 15 માં વર્ષે કુદરતે તમને પણ વૈધવ્યની સફેદ સાડી પહેરવા મજબુર કરી દીધા. એક સવારે પરિમલ નગરશેઠ ઉઠયા જ નહીં અને ઊંઘમાં જ આવેલા હાર્ટ એટેકના કારણે તેઓ આ ફાની દુનિયા છોડી ગયા. ફરી એક વખત જિંદગીએ તમને થપાટ મારી અને સંઘર્ષ ફરી તમારી જિન્દગાની ઉપર સવાર થયો. કાળક્રમે તમારા માતા, મામા અને માતા-પિતા તુલ્ય સાસુ-સસરા પણ સ્વર્ગએ સિધાવ્યા અને આ દુનિયામાં રહી ગયા માત્ર તમે અને તમારો પુત્ર સિદ્ધાર્થ. તમારી કોઠાસુઝના કારણે ધંધો દિનપ્રતિદિન વધતો ગયો. લક્ષ્મીની કૃપા તમારા ઉપર અવિરત વરસતી ગઈ અને તમે ધંધાની સાથે સાથે સમાજસેવાની શરૂઆત કરી અને સુરત શહેરમાં એક આગવી નામના મેળવી. સમય સમયનું કામ કરતો રહ્યો. અનેક જગ્યાએ તમને ચીફ ગૅસ્ટના આમંત્રણ મળવા લાગ્યા.

આજે પણ એક ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થે યોજાયેલ કાર્યક્રમમાં તમે હાજરી આપવા આવેલા. કાર્યક્રમ પત્યા પછી ટ્રસ્ટીઓએ તમને મળી શકાય એ હેતુ તમારો સમય લઇ રાખેલો હતો. કાર્યક્રમ બાદના સમયમાં ચા-નાસ્તા સાથેની મિટિંગ આમ તો તમારા માટે રૂટિન જ હતી. પણ આજે, એ મિટિંગમાં ટ્રસ્ટના ટ્રસ્ટીએ "જાની" નામથી બૂમ મારી અને એક નિસ્તેજ ચહેરાવાળો તમારી ઉંમરનો વ્યકતિ હાથમાં નાસ્તાની ટ્રે લઈને આવ્યો અને તમારી સામેની ટિપોઈ પર નાસ્તાની ટ્રે મૂકી. અનાયાસે તમારી અને એની નજર એક થઇ અને એણે એકદમ ધીમા અવાજે તમને પૂછ્યું અમ્રિતા નગરશેઠ, "મજામાં અમી?" તમારા બાળપણનું નામ, એક પરિચિત અવાજ, બોલવાનો એ જ લહેકો, કોણ છે આ જાની? 

વર્ષોના પોપડા માનસપટ પરથી હટી ગયા. જાનીના ચહેરા પરથી જાણે કે ઉંમરની અસર દૂર કરતા હોવ એમ તમે ધ્યાનથી જોયું તો એ જ ચીર પરિચિત નાક નકશો, એ જ અવાજ. જાની એટલે એ જ તમારો બાળપણનો મિત્ર રાકેશ જાની. તમને ઊંડે ઊંડે મનમાં હતું કે જિંદગીમાં એક વખત તો તમે અને રાકેશ મળશો જ. પણ સાવ આવી પરિસ્થિતિમાં રાકેશ તમને મળશે એ તમે સ્વપ્નમાં પણ નહતું વિચાર્યું. વિચલિત થઈને તમે વધુ સમય ત્યાં રોકાયા વગર નીકળી ગયા અને રાકેશ માટે શું થઇ શકે એમ છે એ વિચારવા લાગ્યા.

બસ આજ પળે, જેની સાથે તમે તમારી તમામ સુખદુઃખની વાતો શેર કરતા આવ્યા હતા એ તમારી સેક્રેટરી આરતીના મગજમાં પણ "જાની" સાથેની એક પળની મુલાકાત અને પછી તરત જ તમારામાં આવેલ બદલાવ જોઈ આરતી ભટ્ટ સમજી ગઈ કે આ જાની એટલે રાકેશ જાની જ હોવો જોઈએ. એણે તરત જ ટ્રસ્ટીને ફોન કરી કન્ફ્રર્મ કર્યું અને રાકેશ જાનીનો પૂરો ડેટા લઇ લીધો. તમારી ભરૂચ ખાતેની ફેક્ટરીમાં એક મેનેજરની જગ્યા ખાલી હતી જ. અમ્રિતા નગરશેઠ, તમે ઇન્ટર કોમ પર આરતી જોડે વાત કરી એને બોલાવી અને સૂચના આપી કે રાકેશ જાનીનો ડેટા ચેક કરી યોગ્ય લાગે તો એને ક્યાંક સારી જગ્યાએ ગોઠવી દે. એક આત્મવિશ્વાસી સ્મિત સાથે આરતી "જી, મેડમ" કહીને વિદાય થઇ.

આ તરફ સમય અને પરિસ્થિતિથી હારેલો, આ ફાની દુનિયામાં એકલો પડી ગયેલો, રાકેશ પણ ભોળાનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે, "આ દંભી લાલચુ ટ્રસ્ટીઓથી છૂટવું છે. અમીને મારી ઓળખાણ પડી હોય તો સારું. જિંદગીના છેલ્લા વર્ષો શાંતિથી પસાર થાય."

કોઈએ સાચું જ કહ્યું છે, "જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં શબ્દોની અભિવ્યક્તિની જરૂર નથી હોતી."



આશિષ એ. મહેતા



Creative Commons License




જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં શબ્દોની અભિવ્યક્તિની જરૂર નથી હોતી..... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment