Thursday, July 12, 2018

શું કાશ્મીરમાં શાંતિ સ્થપાશે?

"નાઉ શૂટ ધ બાસ્ટર્ડસ એન્ડ શૂટ ધેમ ટુ  કિલ. આઈ વીલ ફેસ ધ ઈન્કવાયરી."
ભારતીય સેનાની નોર્ધન કમાન્ડની કમાન સાંભળી રહ્યા હતા જનરલ જે.ડી. જાડેજા.

સમગ્ર વિશ્વમાં સિંહ બે જ જગ્યાએ જોવા મળે છે. એક આફ્રિકામાં અને બીજા ગરવી ગુજરાતના સોરઠ પંથકમાં. સોરઠમાંથી જ આવેલ સિંહ જેવી મર્દાનગી ધરાવતો નરવીર એટલે જોરાવરસિંહ દલપતસિંહ જાડેજા.

પુત્રના લક્ષણ પારણામાં અને એમાં પણ આ તો સુર્યવંશી રાજપૂત કોમનો પુત્ર, બાળપણથી જ દેશ સેવાનું ઝનૂન. શરીરમાં રાજપૂતી ગરમ લોહીની સાથે સાથે દેશ પ્રેમ અને ખુમારી વહી રહી હતી. શાળામાં એન.સી.સી. જોઈન કરી યુવાન વયે ભારતીય સેનામાં ભરતી થયા અને ટ્રેનિંગ પૂર્ણ કરી સેનામાં સેકન્ડ લેફટનન્ટ તરીકે ચાર્જ સાંભળ્યો.

પ્રથમ પોસ્ટિંગ રાજસ્થાન બોર્ડર. ભારતનો અવ્વલ નંબરનો શત્રુ દેશ પાકિસ્તાન, દેશની બરબાદીનો સામાન, હથિયાર, નશીલી દવાઓ અને એના આતંકીઓ, જાસૂસો રાજસ્થાન બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરાવે. સેકન્ડ લેફટન્ટ તરીકે  જે.ડી. જાડેજાએ પોતાના દોઢ વર્ષના પોસ્ટિંગ દરમ્યાન 30 થી વધુ ઘુસણખોરોને ચીર શાંતિ આપી દીધી હતી અને દેશમાં ગેરકાયદે ઘુસાડવામાં આવતા હથિયારો અને નશીલી દવાના અનેક કન્સાઇમેન્ટ પકડ્યા. એમની આવી બહાદુરીના કારણે સેકન્ડ લેફટનન્ટમાંથી લેફટન્ટ તરીકે પ્રમોશન મળ્યું અને આ જ પ્રમોશનનો દોર આગળ વધતો ગયો અને આજે ભારતીય સેનાની નોર્ધન કમાન્ડના જનરલ તરીકે કાર્યરત હતા જોરાવરસિંહ દલપતસિંહ જાડેજા, જનરલ જે.ડી. જાડેજા.

આઝાદ ભારતનો સૌ પ્રથમ, આજ સુધી નહીં ઉકેલાયેલ અને વિવાદિત પ્રશ્ન એટલે કાશ્મીર. એક સમયે ધરતી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર આજે નરકથી પણ બદતર સ્થિતિમાં છે. જનરલ જે.ડી. જાડેજાને ભારતના વડા પ્રધાનશ્રીએ, ફિલ્ડ માર્શલ અને રાષ્ટ્રપતિની સલાહ અને મંજુરીથી ખાસ કિસ્સામાં કોઈ પણ ભોગે શાંતિ સ્થાપિત કરવાની જવાબદારી સોંપી હતી. પી.એમ.ઓ. કાર્યાલયમાં ગણતરીના જ જવાબદાર વ્યક્તિઓની હાજરીમાં જનરલ જે.ડી. જાડેજાને ઓફિસીયલી તેમની જવાબદારી સોંપવામાં આવી અને આજે પંચાવને પહોંચેલ જનરલ જે.ડી. જાડેજાએ એક યુવાનની સ્ફૂર્તિથી સેલ્યુટ મારી પોતાની જવાબદારી સ્વીકારી.  રૂમમાંથી બહાર નીકળતા ફિલ્ડ માર્શલે કહ્યું, "માય બોય ટેક કેર, યુ આર નાઉ ઈન કશ્મીર. વહાં હમેં હમારે આપનોં કે સાથ લડના હૈ, હાથોં મેં હથિયાર હોને કે બાદ ભી પથ્થર ખાને હૈ, એક ભી આદમી તુમ્હારી ગોલી સે મરા તો ઈન્કવાયરી હોગી. જો ભી કદમ ઉઠાઓ સોચ સમઝ કર ઉઠાના. તુમ્હેં વહાં 18 રાજપૂતાના રાઈફલ્સ કે લેફ્ટનન્ટ મોહનસીંગ ચૌહાણ ઔર 15 જે. એન્ડ કે. કા કેપ્ટ્ન અફઝલખાન મિલેંગે."

"યસ સર" એક ટૂંકો જવાબ આપી સેલ્યુટ કરી જનરલ જે.ડી. જાડેજા જીપમાં બેઠા અને બીજા દિવસે સાંજે કાશ્મીર પોસ્ટ પર પહોંચી ગયા. ત્યાંના જવાનો પાસેથી બોર્ડરના લોકેશન અને પોઝિશનની નાનામાં નાની માહિતી લીધી. કઈ પોસ્ટ પર કયા ઓફિસર કેટલા જવાન સાથે છે અને તેમની પાસે ખોરાક અને હથિયારોનો કેટલો જથ્થો છે એની માહિતી લીધી. મોડી રાત સુધી મળેલ માહિતીનો અભ્યાસ કર્યો. જનરલ જે.ડી. જાડેજા બોર્ડરની માહિતીનો અભ્યાસ કરી જરૂરી સૂચનો અને ફેરફારની યાદી તૈયાર કરી લેફટનન્ટ મોહનસિંગ ચૌહાણને આપી. લેફટનન્ટ મોહનસીંગ ચૌહાણે જણાવ્યું, "બોર્ડર તો અભી ફિલહાલ શાંત હૈ લેકિન ઘાટી મેં રોજ કી દિક્કત હૈ."

કાશ્મીરમાં ત્રણ વર્ષ પહેલા ચૂંટણી પતી હતી. બે અલગ-અલગ વિચારધારાવાળા રાજકીય પક્ષોના ગઠબંધનવાળી સરકાર હતી. સક્ષમ નેતૃત્વ અને નિર્ણય શક્તિના અભાવવાળી સરકારથી સરકારી તંત્ર ત્રસ્ત હતું. સરકારની હાલત "શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી" એવી હતી. હજુ બે વર્ષ પહેલાં જ આવેલ ભયંકર પૂરના સમયે સંવેદનશીલ અને દેશભક્ત પ્રધાનમંત્રીએ સેનાને આદેશ આપેલ કે, "કાશ્મીર એ ભારતનો જ ભાગ છે અને કાશ્મીરી લોકો ભારતીયો જ છે. તમામને બચાવી લો. રેસ્ક્યુ ઓપરેશન માટે જે કોઈ મદદની જરૂર હોય દિલ્હીની સરકાર તૈયાર છે." એ સમયે પોતાનો જીવ જોખમમાં નાખીને પણ સેનાએ કાશ્મીરના લોકોને બચાવ્યા હતા. પણ, ગઠબંધનની સરકાર આવતા સીમા પારના આકાઓના ઈશારે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ નિરંકુશ બન્યા હતા. એહસાન ફરામોશ લોકોએ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવામાં કંઇ જ બાકી નહોતું રાખ્યું. કાશ્મીરમાં સેના પર પથ્થરમારો, પાકિસ્તાનનો ઘ્વજ ફરકાવવો, "કાશ્મીર કી આઝાદી તક જંગ ચલેગી" જેવા નારા રોજિંદી બાબતો બની ગઈ હતી અને ભાગલાવાદી નેતાઓને પેઈડ મીડિયા પબ્લિસિટી આપી રહ્યું હતું. ત્રણ વર્ષના અંતે દિલ્હીની સરકારે જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષને આપેલ ટેકો પરત ખેંચી લીધો અને ગવર્નર શાસન લાગુ પડ્યું. એ સમયે કાશ્મીરમાં કડક હાથે કામ લેવાનું નક્કી કરવામાં આવ્યું અને એ જવાબદારી સોંપાઈ જનરલ જે.ડી. જાડેજાને.

મુસ્લિમો માટેનો સૌથી પવિત્ર ગણાતો રમઝાન મહિનો ચાલી રહ્યો હતો. દેશભરના વતન પરસ્ત મુસ્લિમ બિરાદરો ભારતના અમન અને આબાદીની દુઆઓ માંગતા હતા. એવા સમયે કાશ્મીરમાં ભાગલાવાદી નેતાઓના ઈશારે સેના પર આતંકી હુમલાઓ થઇ રહ્યા હતા. જનરલ જે.ડી. જાડેજાએ લેફ્ટનન્ટ મોહનસીંગ ચૌહાણ અને કેપ્ટ્ન અફઝલખાનને બોલાવ્યા અને એક નિર્ણય લીધો. કેપ્ટ્ન અફઝલખાન 25 વર્ષનો સોહામણો કાશ્મીરી યુવાન, સ્થાનિક જબાન અને પરિસ્થતિથી માહિતગાર હોવાના કારણે સર્ચ ઓપરેશનની જવાબદારી કેપ્ટ્ન અફઝલખાન અને એમની ટીમને સોંપી. અફઝલખાને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સતત ચાર દિવસ સુંધી સંદિગ્ધ વ્યક્તિઓને શોધી પકડી પડ્યા. પરંતુ, પાંચમાં દિવસે આતંકીઓએ મોટા પાયે હુમલો કર્યો. 4 જવાનો શહીદ થઇ ગયા. કેપ્ટ્ન અફઝલખાન એકલા હાથે આતંકીઓની સામે લડતા રહ્યા. પાંચ આતંકવાદીઓને મારીને કેપ્ટ્ન અફઝલખાન શહીદ થયા. કેપ્ટ્ન અફઝલખાનનું મૃત શરીર આર્મી હેડક્વાટરમાં લાવવામાં આવ્યું. અફઝલખાનના પાર્થિવ દેહને જોઈને જનરલ જે.ડી. જાડેજાના શરીરમાં વહેતું રૂધિર આંખોમાં ધસી આવ્યું. રમઝાન પતવાને આરે હતો. બે દિવસ પૂરા થયા અને ચાંદની ગવાહી થઇ અને ઈદ આવી. ઈદના બીજા દિવસે સવારે જનરલ જે.ડી. જાડેજાએ બધા જ કમાન્ડિંગ ઓફિસરની મિટિંગ બોલાવી અને ઓર્ડર કર્યો, "નાઉ શૂટ ધ બાસ્ટર્ડસ એન્ડ શૂટ ધેમ ટુ  કિલ. આઈ વીલ ફેસ ધ ઈન્કવાયરી."

ત્રણ વર્ષથી સહન કરતા આર્મીના જવાનો જાણે કે આવા જ કોઈ આદેશની રાહ જોતા હોય એમ બે દિવસમાં તો કાશ્મીરના ત્રણ મોટા ભાગલાવાદી નેતાઓને પકડી પાડ્યા અને 8 આતંકવાદીઓને ઢાળી દીધા. આતંકવાદીઓને મદદ કરતા લોકોની ધરપકડ કરવામાં આવી અને સેનાએ પણ પથ્થર મારો કરતા લોકોની સામે ગોળી ચલાવવાની છૂટ આપી હોઈ પથ્થરમારો બંધ થઇ ગયો.

પ્રેસ કૉન્ફરન્સમાં જનરલ જે.ડી. જાડેજાએ સીધું જ કહ્યું, "પંજાબમાંથી આતંકવાદ બુલેટ (ગોળી) ના ડરથી દૂર થયો, નહિ કે આતંકવાદીઓ અને એમના આકાઓ સાથેની મંત્રણાથી. કાશ્મીર ભારતનો ભાગ છે અને રહેશે. આતંકવાદીઓને, તેમની મદદ કરનારને અને પાકિસ્તાનમાં બેઠેલ આકાઓના ઈશારે કામ કરતા કોઈને પણ છોડવામાં નહિ આવે."

આજે  કાશ્મીરમાં સેનાનું વર્ચસ્વ છે. સેના પરનો પથ્થરમારો બંધ છે.

વાચક મિત્રો, નથી લાગતું કે કેટલાક પ્રશ્નોનું સમાધાન સેના દ્વારા જ થવું જોઈએ? સમસ્યાનું સમાધાન જલ્દી થઇ જશે.

આશિષ એ. મહેતા

Creative Commons License
શું કાશ્મીરમાં શાંતિ સ્થપાશે? by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

No comments:

Post a Comment