Saturday, May 8, 2021

હા, આજની દુનિયા મોબાઈલ અને ઇન્ટનેટની છે.....

"તને ખબર છે? જો તારી ગણતરી કે અનુમાન મુજબનો રિપોર્ટ ના આવ્યો તો પછીની તારી પરિસ્થિતિ શું હશે?" સાંજના આશરે સાત-સાડા સાતનો સમય, થલતેજ વિસ્તારમાં રિંગ રોડ પાસેની એક ચાની કીટલી પાસે બેઠેલ બે મિત્રો, ઉમર આશરે 30 વર્ષની આસપાસ. તેમની વચ્ચેનો ચાલી રહેલો સંવાદ અને શ્રોતા તરીકે ધ્યાનથી સાંભળું રહેલો હું. બસ બીજા કોઈ વ્યક્તિની હાજરી નહિ અને મારી હાજરીની જાણે એમને ફિકર નહિ.

"દોસ્ત આ મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયા દુષણથી ભરપૂર છે.આજના સમયમાં નરી આંખે જોયેલું હોય તો પણ સાચું નહિ માનવાનું. તો જ શાંતિથી જીવી શકાય. યાર, આપણે બધા દિવસના 12-12 કલાક નોકરી-ધંધામાં આપીએ છીએ, આપવા પડે છે. ઘરે માંડ સમય આપી શકીએ છીએ."

એ બંને મિત્રો વચ્ચેની વાતચીત પરથી મને અંદાજ આવી ગયો કે લગ્નેત્તર સંબંધોની વાત હશે. વાત કંઈક આવી હતી.

એ બે મિત્રોમાં જે શાંતિથી સાંભળતો હતો એનું નામ તેજસ અને જે સમજાવી રહ્યો હતો એનું નામ શ્રેયાંશ. બંને બાળપણના મિત્રો. સૌરાષ્ટ્રના નાના ગામમાંથી આવીને અમદાવાદના મહાનગરમાં સેટ થવા મથી રહ્યા હતા. બંનેએ સાથે જ અભ્યાસ કર્યો હતો અને એ સમયે બંને રૂમ પાર્ટનર પણ હતા. નોકરી લાગ્યા પછી તેજસે અમદાવાદમાં એના જ સમાજની પારૂલ નામની છોકરી સાથે લગ્ન કર્યા અને લોન લઇ ગોતા બાજુ એક ફ્લેટ ખરીદી તેમાં સંસારની શરૂઆત કરી. પતિ-પત્ની બંને નોકરી કરે. પહેલી નજરે ચકા-ચકીની વાર્તા જેવું લાગે પણ પેલી ઉક્તિ છેને કે, "સીધા દેખાય છે જ્યાં રસ્તા, ત્યાં જ નાજુક વળાંક આવે છે." એવું જ થયું.

કોર્પોરેટ ક્લચરમાં પારૂલનો પગ ક્યારે લપસી ગયો એની ખુદ પારૂલને પણ ખબર ના રહી. પારૂલ એની સાથે જ ઓફિસમાં કામ કરતા એક છેલબટાઉ યુવક આનંદના પરિચયમાં આવી અને આનંદે પરિચયને ગણતરી પૂર્વક આગળ વધાર્યો. ફ્લર્ટિંગના માસ્ટર આનંદે પારૂલને કોફી શોપ, ડિનર, શોપિંગ અને ગિફ્ટથી આકર્ષિત કરી અને એક યોજના બનાવી.

એક બપોરે તેજસે પારૂલની ઓફિસમાં કોઈ કારણસર ફોન કર્યો તો જાણવા મળ્યું કે, "આજે તો પારૂલ મેડમ રજા ઉપર છે." તેજસે તરત પારૂલના મોબાઈલ ઉપર ફોન કર્યો ખુબ જ રિંગ વાગી પછી ફોન રિસીવ થયો અને પારૂલે જવાબ આપ્યો, "ઓફિસમાં મિટિંગમાં છું, પછી ફોન કરું." આટલું કહી ફોન કાપી નાખ્યો. તેજસનું મગજ તરત કામે લાગી ગયું. સાંજે પારૂલ ઘરે આવી અને ફ્રેશ થવા ગઈ એટલા સમયમાં તેજસે પારૂલના મોબાઈલમાં એક એપ્લિકેશન નાખી દીધી. પારૂલના મોબાઈલનું લોકેશન, પારૂલના મોબાઈલ પરથી આવતા અને જતા બધા જ મેસેજ, ફોન કોલ અને વોટ્સએપ મેસેજની તેજસને પુરેપુરી માહિતી મળવા લાગી. તેજસને બીજા જ દિવસે એ સમજાઈ ગયું  કે પાંચ દિવસ પહેલા પારૂલ કઈ મિટિંગમાં વ્યસ્ત હતી અને કોની સાથે હતી.

આજે રવિવારની સવારે તેજસ પારૂલથી છૂટાછેડા લેવા વિચારી રહ્યો હતો અને પારૂલને તે અંગે પુરાવા સહિતની માહિતી આપવાનો હતો. એ જ સમયે પારૂલે તેજસને ગરમાગરમ ચાનો કપ હાથમાં આપતા સસ્મિત સમાચાર આપ્યા, "તેજસ, આઈ એમ પ્રેગ્નન્ટ."

તેજસ નક્કી નહતો કરી શકતો કે ખુશી વ્યક્ત કરવી કે તેનો નિર્ણય જણાવવો? તે બાળકનો ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનું વિચારી રહ્યો હતો. સામ પક્ષે શ્રેયાંશે બહુ જ વ્યવહારિક ઉકેલ બતાવ્યો, "તેજસ, તું પારૂલ જોડે પુરાવાના આધારે ચર્ચા જરૂર કર. પણ ડી.એન.એ. ટેસ્ટનું ના વિચારીશ. કારણ, જો તારી ધારણા મુજબ આ બાળક તારું ના નીકળે તો કોઈ વાંધો નહિ આવે પણ જો બાળક તારું જ હોય તો પારૂલ બાકીની આખી જિંદગી તારી ઉપર દાદાગીરી કરશે અને તું એને કશું નહિ કહી શકે..

હું પણ સાંભળી રહ્યો હતો. એક હદે મને પણ શ્રેયાંશનો ઉપાય વ્યવહારિક લાગ્યો અને હા, આજની દુનિયા મોબાઈલ અને ઇન્ટરનેટની છે અને ટેક્નોલોજી જેટલી સારી એટલી જ ખરાબ છે.

(સત્ય ઘટના પર આધારિત)



આશિષ એ. મહેતા



Creative Commons License



હા, આજની દુનિયા મોબાઈલ અને ઇન્ટનેટની છે.....   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment