Saturday, October 24, 2020

કારગિલ યુદ્ધની એક યાદ

અંધારી રાત પૃથ્વી પર એનો અંધકાર પાથરતી જતી હતી. ગામના ચોકિયાતો અને શેરીના કુતરાઓ પણ પરાણે જાગી રહ્યાં હતા. એવા ટાણે જોરાવરસિંહ બાપુની આંખોમાંથી ઊંઘ વેરાન થઇ ગઈ હતી, જાણે કે રણમાંથી નદી ગાયબ થઇ ગઈ હોય. જોરાવરસિંહ બાપુ એમની ડેલીમાં, બંને હાથ પાછળની તરફ એકબીજામાં ભેરવીને આમથી તેમ આંટા મારી રહ્યા હતાં. એમના પ્રભાવશાળી ચહેરા પર આજે એમના દિલમાં રહેલી ચિંતા ચાડી ખાઈ રહી હતી. રાત્રિનો બીજો પહેર પૂરો થવાની અણી પર હતો અને પસાર થતા સમયની સાથે જોરાવરસિંહ બાપુની ચિંતા પણ વધતી જતી હતી.

આજનું ભાવનગર જે પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું. તેનું એક નાનું પણ રળિયામણું ગામ વરતેજ. વરતેજ ગામના વર્તમાન સમયના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રભાવી વ્યક્તિ એટલે જોરાવરસિંહ ગોહિલ બાપુ. ગોહિલ વંશનો પ્રભાવ વ્યક્ત કરતો પ્રભાવશાળી ચહેરો, પૂરૂં છ ફૂટનું કદ, ઉભું ઓળેલું માથું, પહોળી છાતી, મજબૂત બાંધો, સહેજ ચપટું નાક, પ્રમાણસરની વળ ચઢાવેલી મૂછો અને સામેવાળાને એક પળમાં માપી લેતી પાણીદાર આંખોના સ્વામી એટલે જોરાવરસિંહ ગોહિલ બાપુ. પોતે રાજ્યના પોલીસ ખાતામાંથી એસ.પી. તરીકે નિવૃત્ત થયા હતા અને ખેતીવાડી પણ સારી એટલે પૈસાની કોઈ ચિંતા નહીં. કહેવાય છે કે "રાજપૂતનો જન્મ દેશની રક્ષા કાજે મરવા માટે જ થાય છે." આ ઉક્તિને સાચો પાડતો પરિવાર એટલે જોરાવરસિંહ ગોહિલ બાપુનો પરિવાર. બાપુ પોતે રાજ્યના એસ.પી. તરીકે નિવૃત્ત થયા હતા અને એમના બંને પુત્રો રાજવીરસિંહ ગોહિલ અને જયવીરસિંહ ગોહિલ ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવામાં હતા. મોટા પુત્ર રાજવીરસિંહ ગોહિલ મેજર હતા અને નાના પુત્ર જયવીરસિંહ કેપ્ટન તરીકે સેવા આપતા હતા. જોરાવરસિંહ ગોહિલ બાપુનો નિવૃત્તિનો સમય સામાન્ય રીતે તો ખેતીવાડીમાં, ગામના વિકાસની કામગીરીમાં અને પોતાના બંને પુત્રોના પુત્રો એટલે કે મૂડીના વ્યાજ રાજેન્દ્રસિંહ અને કૃણાલસિંહને રમાડવામાં પસાર થઇ જતો હતો.

1999 નું વર્ષ હતું. મે મહિનામાં ભારતીય સેનાના ધ્યાનમાં આવ્યું કે કારગિલ સીમા પર નાપાક ઈરાદો ધરાવતા પાકિસ્તાની સૈનિકો દ્વારા ઘૂસણખોરી થઇ છે. ભારતીય સેનાને કારગિલ સેક્ટરમાં મૂવ કરવામાં આવી. હવાઈ સેનાએ અને થલ સેનાની અલગ અલગ રેજિમેન્ટ કારગિલ સેક્ટર તરફ આગળ વધતી હતી. આયોજનબદ્ધ હવાઈ હુમલા પછી થલ સેના માથે સેનાની ચોકી કબજે કરવાની જવાબદારી હતી. તત્કાલીન પ્રાધાનમંત્રી શ્રીએ યુદ્ધ જેવી પરિસ્થિતિની ઘોષણા કરી હતી અને ભારતીય સેનાએ એને "ઓપરેશન વિજય" એવું નામ આપ્યું હતું. 

રોજે રોજ સમાચાર આવતા હતા, ભારતીય સેનાએ એક પછી એક પોતાની ચોકીઓ પરનો કબજો પરત મેળવવાની શરૂઆત કરી અને એ ચોકી પરત મેળવવા માટે પોતાના જાંબાઝ સૈનિકો, અફસરોની કુરબાની પણ આપી. દેશ માટે ક્યારેક બંગાળનો ટાઇગર, ક્યારેક પંજાબનો શેર, ક્યારેક રાજસ્થાનનો રણબંકો, ગરમ ખૂનનો ગુરખો, શિવાજીનો ભક્ત મરાઠા તો ક્યારેક દક્ષિણ ભારતનો તેજતરાર યુવાન શહિદ થયાના સમાચાર આવતા રહેતા હતા. જોરાવરસિંહ ગોહિલ બાપુના બંને પુત્રો જે રેજિમેન્ટમાં હતા એ રેજિમેન્ટને ભારતીય સેના માટે મહત્વની કહી શકાય એવી ટાઇગર હિલ ચોકી કબજે કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. દુશ્મન ભૌગોલિક પરિસ્થિતિનો ફાયદો લઇ લડી રહ્યા હતા અને આપણા સૈનિકો વિપરીત અને વિષમ પરિસ્થિતિમાં  પણ દુશ્મનોને હંફાવી રહ્યા હતા.

જૂન મહિનાનો છેલ્લો દિવસ હતો. ટાઇગર હિલ ચોકી કેપ્ચર કરવાનો પ્રયાસ જારી હતો. દિવસના ઉજાસમાં આગળ વધવું એ આત્મહત્યા સમાન હતું. ભારતીય નરબંકાઓ રાતના અંધારાનો લાભ લઈને આગળ વધી રહ્યા હતા. અલગ અલગ ટીમ અલગ અલગ રસ્તે આગળ વધતી હતી. એક ટીમની કમાન મેજર રાજવીરસિંહ ગોહિલના હાથમાં હતી, તો બીજી ટીમની કમાન કેપ્ટ્ન જયવીરસિંહ ગોહિલના હાથમાં હતી. 02-07-1999 રાત્રીના 11.00 વાગ્યા હશે. અંધારાનો લાભ લઈને ભારતીય સેનાની ટુકડીઓ ધીમે-ધીમે આગળ વધી રહી હતી. ઉપર ટોચ પર બેઠેલ પાકિસ્તાનીઓએ લાઈટ ફાયર કર્યું. થોડાક સમય માટે કૃત્રિમ અજવાળું પથરાઈ ગયું. ભારતીય સૈનિકોની પોઝિશનનો અંદાજ આવી ગયો. સામસામે ધાણીફૂટ ફાયરિંગ શરૂ થયું. મોર્ટર શેલ ફાયર થયા. દુશ્મનોને જડબાતોડ જવાબ અપાઈ રહ્યો હતો. એવા સમયે કેપ્ટ્ન જયવીરસિંહે દુશ્મન ચોકીનું લોકેશન ભારતીય આર્ટિલરી ટીમને સ્પોટ કર્યું. આર્ટિલરી ટીમે એ સ્પોટ પર નિશાન સાધીને હુમલો કર્યો અને દુશ્મન ચોકી ધ્વસ્ત થઇ. બીજી બાજુ મેજર રાજવીરસિંહે બીજી ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો અને એ ચોકી પણ ધ્વસ્ત. બંને નરસિંહો એમની ટીમ સાથે એમને સોંપેલ લક્ષ સિદ્ધ કરવામાં સફળ થયા. બીજા દિવસે પથ્થરોની આડશમાં જે જ્યાં હતા ત્યાં જ સંતાઈ રહ્યા. ફરી રાત્રીના અંધકારે પોતાની કાળાશ પથારી અને ફરીથી ફાયરિંગ શરૂ થયું. પાકિસ્તાની સૈનિકો એક પછી એક પાકા ફળની જેમ ખરી રહ્યા હતા. પણ આજે મૃત્યુ દુલ્હન બનીને આવ્યું હતું કોઈ ખાસ માટે.. ટાઇગર હિલ ચોકી ભારતીય સેનાએ કબજે કરી લીધી.

મોડી રાત્રે જોરાવરસિંહને ફોન દ્વારા સમાચાર મળી ગયા અને ધીમે ધીમે આખા વરતેજ પંથકમાં ફેલાઈ ગયા. જોરાવરસિંહ બાપુ સિવાય ઘરમાં કોઈને અણસાર ન હતો. વહેલી સવારથી જ વરતેજ ગામના લોકો જોરાવરસિંહ બાપુની ડહેલીએ ભેગા થવા લાગ્યા. બાપુને પ્રણામ કરી સૌ આઘાપાછા ક્યાંક ઉભા રહી ગયા. ફળિયાની પરિસ્થિતિ જોઈને જોરાવરસિંહ બાપુના ધર્મપત્ની રાજલબાને તથા બંને પુત્રવધૂઓને કંઈક અમંગળના અણસાર આવી ગયા. બી.એસ.એફ.ની ટ્રક ગામમાં આવી અને બાપુની ડહેલી પાસે ઉભી રહી. અંદરથી વર્દીમાં સજ્જ જવાન બહાર આવ્યા અને એક પછી એક એમ બે તિરંગામાં લપેટાયેલા કોફીન ખભે કરી પુરી અદબથી ડહેલીમાં લાવ્યા. બંને કોફીન ડહેલીમાં મૂકી બધા જ જવાનોએ જોરાવરસિંહ બાપુ અને ઘરના સર્વેને સેલ્યુટ કરી. દુશ્મનો માટે મોત બનીને ત્રાટકેલા મેજર રાજવીરસિંહ ગોહિલ અને કેપ્ટ્ન જયવીરસિંહ ગોહિલ મૃત્યૃ દેવીને પસંદ પડી ગયા હતા. ત્રીજી જુલાઈ, 1999 ની રાત્રે દુશ્મનોએ મોર્ટર ફાયર કર્યો જે બંને ટીમની ખુબ જ નજીક પડ્યો, પણ ફૂટ્યો નહિ. મેજર રાજવીરસિંહે બંને ટીમને પાછળ ખસવા સૂચન કર્યું અને પોતે મોર્ટર શેલને ઉઠાવી દૂર ફેંકવા આગળ વધ્યા. એ જ સમયે દુશ્મનોએ ગોળી ચલાવી અને સીધી જ મેજર રાજવીરસિંહની છાતી વીંધાઈ ગઈ. મોટા ભાઈનું બાકીનું કામ નાના ભાઈ કેપ્ટ્ન જયવીરસિંહે પૂરું કર્યું. મોર્ટર શેલ ઉઠાવીને પાછો દુશ્મન ચોકી તરફ ફેંક્યો. પણ એ પણ દુશ્મનની ગોળીથી વીંધાઈ ગયા અને ટીમના બાકીના સાથીઓને બચાવવા જતાં બંને ભાઈઓ વીરગતિને પ્રાપ્ત થયા. વરતેજ ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો. બધાની આંખો ભીની હતી સિવાય જોરાવરસિંહ બાપુની. રાજલબા ભીની આંખે પણ સ્વસ્થતા પૂર્વક બહાર આવ્યા અને પોતાના બંને પુત્રોના માથે હાથ ફેરવ્યો. બંને શહીદવીરની પત્નીઓ આક્રંદ કરી રહી હતી. નાના રાજેન્દ્રસિંહ અને કૃણાલસિંહ એક ખૂણામાં ઉભા હતા.

કંઈક વિચારીને જોરાવરસિંહ રાજલબા પાસે આવ્યા અને આજે પહેલી વખત એમણે રાજલબાનો હાથ જાહેરમાં પકડ્યો. એ સમયે રાજલબાએ કહ્યું, "બાપુ, માતાજીએ મને હજુ એક પુત્ર આપ્યો હોત તો આજે એને પણ દેશની સેવામાં હું મૂકી શકી હોત." એક રાજપૂતાણીને છાજે એવું વેણ સાંભળીને બંને પુત્રવધૂઓનું આક્રંદ ડૂસકામાં બદલાઈ ગયું અને પાછલી આખી રાતથી ચિંતામાં રહેલ જોરાવરસિંહ ગોહિલ બાપુના મુખ પર શહિદવીરોનાં પિતા તરીકેની ચમક પથરાઈ ગઈ.

વાચક મિત્રો વાર્તા મારી કાલ્પનિક છે. આપ આપનો અભિપ્રાય જણાવશો.


આશિષ એ. મહેતા


Creative Commons License



કારગિલ યુદ્ધની એક યાદ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment