Saturday, October 17, 2020

મારી કેસ ડાયરી : અભિજાત

પ્રિય વાંચકમિત્રો,સાંજના ૬.૪૫ નો સમય થવા આવ્યો હતો અને ચિંતને એડવોકેટ અજય પટેલની ઓફિસમાં પ્રવેશ કર્યો અને પંક્તિને સસ્મિત “હાય” કર્યું. પંકિત એક ફોન પર વ્યસ્ત હોવાથી સ્માઈલ આપી ચિંતનને બેસવાનો ઈશારો કર્યો અને ચિંતને ઓફીસના વેઈટીંગ એરિયામાં બેઠક લીધી. ફોન પૂરો કરીને પંક્તિએ ઇન્ટરકોમ પર એડવોકેટ અજય પટેલને ચિંતનના આગમનની જાણ કરી અને "ઓકે સર" કહી ઇશારાથી ચિંતનને અંદર જવા જણાવ્યું.

ફૂલ સાઇઝનો ગ્લાસ ડોર ખોલી ચિંતન એડવોકેટ અજય પટેલની ચેમ્બરમાં દાખલ થયો. આજે ચેમ્બરમાં અભિજાત શુક્લાની ગેરહાજરી પહેલી વખત એણે જોઈ. ઇશારાથી સામે બેસવા ચિંતનને જણાવી અજય પટેલે એમના લેપટોપમાં એમનું કામ ચાલુ રાખ્યું. પાંચેક મિનીટ પછી લેપટોપ શટડાઉન કર્યું અને ઇન્ટરકોમ પર બે કોફી મોકલાવવા કહ્યું અને પંક્તિને કોઈ કામ ના હોય તો નીકળવાની સુચના આપી. થોડી વારમાં ઓફીસબોય રામજી બે કોફી મૂકી ગયો.

“સાહેબ, એક સવાલ પૂછું?” ચિંતને પૂછ્યું.
“બોલ” ટૂંકો જવાબ આપી અજયભાઈએ કોફીનો એક સીપ લીધો.
“આજે પહેલી વખત તમને ચેમ્બરમાં એકલા જોયા. અભિજાતસર બહારગામ છે કે કોઈ સાજુ-માંદુ છે?”
“લે, આજે તેં અજાણતાં જ વાર્તાનો એક મુદ્દો આપી દીધો. આજે તને અભિજાતની જ વાત કહું.”

“હું અને અભિજાત સ્કુલ સમયના મિત્રો. આમ તો અભિજાતના પિતાના હાથ નીચે હું ભણતો અને એ રીતે અમે બારમા ધોરણમાં ભણતા હતા ત્યારથી એક બીજાના પરિચયમાં. બંનેનું એડમીશન એક જ કોલેજમાં થયું. ત્યારે ખબર ન હતી કે અમે એક જ કોલેજમાં છીએ. આ તો જયારે કોલેજ ચાલુ થઇ અને એક જ ક્લાસમાં નંબર આવ્યો ત્યારે ખબર પડી. પછી તો રોજ જોડે જ બેસવાનું. કોલેજથી પાછા જોડે જ આવીએ. કોલેજના ત્રીજા વર્ષમાં તો અભિજાતે ટ્યુશન કરાવવાના શરૂ કરી દીધા અને કોલેજ પત્યા બાદ અમે અલગ થઇ ગયા. મેં લૉ કોલેજ જોઈન કરી અને અભિજાતે એમ.કોમ.માં એડમીશન લીધું. સાઈડમાં ટ્યુશન ક્લાસ ચાલુ. એનો ધ્યેય એના પપ્પાની જેમ શિક્ષક બનવાનો હતો. એમ.કોમ. પૂરું થયા પછી એને બી.એડ.માં ફ્રી સીટ પર એડમિશન ના મળ્યું. એણે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા અને એ સમયે મેં જુનિયરશીપ ચાલુ કરેલ. અમારૂં મળવાનું નિયમિત રહેતું. એ સમયે અભિજાતની આવક ઘણી જ સારી. અમે મિત્રો ભેગા થઈએ ત્યારે ચા-પાણીના ખર્ચા અભિજાત કરે. અભિજાત મજાની લાઈફ જીવતો.

એ સમયે, એની સાથે જ એક વ્યક્તિ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ કરે. નામ સમીર શાહ, એ ગણિત અને વિજ્ઞાન ભણાવે. એક વખત એ ટ્યુશન જવા ઘરેથી નીકળ્યો અને એક સાધન-સંપન્ન પરિવારના નબીરાની ગાડી સાથે સમીર શાહનો અકસ્માત થયો. એ બિચારાના બંને પગ તૂટી ગયા. પુરા બે વર્ષ પથારીમાં નીકળી ગયા. ટ્યુશન ક્લાસ છૂટી ગયા અને બચત પૂરી થઇને એના માથે મોટું દેવું થઇ ગયું. બસ, આ ઘટનાએ અભિજાતને નવેસરથી વિચારવા મજબૂર કરી દીધો. એ વિચારવા લાગ્યો, “એવી કઈ લાઈન છે જેમાં જો આપડે કોઈ સંજોગોમાં પથારી પકડી લઈએ તો પણ કમાઈ શકાય. એણે મારી સાથે આ અંગે ચર્ચા કરી અને મેં એને લૉ કોલેજમાં એડમીશન લઇ લેવા જણાવ્યું. એણે મારી સલાહ માની અને કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને મારી સાથે પ્રેક્ટીસમાં જોડાઈ ગયો. તને ખબર જ હશે કે વકીલાતના વ્યવસાયમાં શરૂઆતના પાંચેક વર્ષ તો ઘરના રોટલા ખાવા પડે અને અભિજાતની માનસિક પરિસ્થિતિ એ સમયે બહુ જ ખરાબ થઇ ગઈ હતી, કારણ કે ટ્યુશનની લાઈનમાં એની આવક ખુબ જ સારી હતી અને એમાંથી વકીલાતમાં આવ્યો એટલે ફરીથી શૂન્ય પર. એકડ એકથી નવી શરૂઆત કરવી પડી. ખર્ચા તો ઘટે નહિ, હાથ તંગ રહે, વળી એને તો એક દીકરી પણ ખરી. જ્યાં ત્યાં શરૂના વર્ષો કાઢ્યા અને એનું સર્કલ સારું એટલે ધીમે ધીમે કામ મળવા લાગ્યું અને વધવા પણ લાગ્યું. આજે ભગવાનની કૃપા છે. અભિજાત સામાજિક થોડો વધુ એક્ટીવ છે એટલે એને ઘણા બધા કામ હોય અને સામેથી કારણ વગરની જવાબદારી લેવાનો એનો સ્વભાવ થઇ ગયો છે. હું પણ એને કાંઈ કહેતો નથી. એ પણ આ લાઈનથી ખુશ છે. હા, ક્યારેક વાત કરે કે જો સમીર શાહનો અકસ્માત ના થયો હોત અને એ સમયે એને લાઈન બદલવાનો વિચાર ના આવ્યો હોત તો?

પણ પછી એ જાતે જ કહે, “માણસને એનો રોટલો અને ઓટલો સમય થાય એટલે બોલાવી જ લે.”

લે ચાલ, આજે બહુ મોડું થઇ ગયું. હવે નીકળીએ ઘરે જવા.”

“ચાલો સાહેબ, મળીએ પછી.” ચિંતને પ્રત્યુત્તર આપ્યો.

“રામજી, ઓફીસ વસ્તી કરી ચાવી મને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આપી જાવ. હું પાર્કિંગમાંથી કાર લઈને આવું છું.” અજયભાઈએ ઉભા થતા રામજીને સુચના આપી અને એ અને ચિંતન લીફ્ટમાં ગોઠવાઈ ગયા.


આશિષ એ. મહેતા


********************************************************************************************
********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : અભિજાત by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment