Saturday, January 2, 2021

મારી કેસ ડાયરી : રીમા-તરૂણ

પ્રિય વાંચકમિત્રો,શનિવારની સાંજ હતી અને આશરે ૪.૦૦ વાગે ચિંતન એડવોકેટ અજયભાઈની ઓફિસમાં દાખલ થયો. એઝ યુઝઅલ પંક્તિએ સસ્મિત એને આવકાર આપ્યો અને વેઈટીંગ એરીયામાં બેસવા કહ્યું. વેઈટીંગ એરીયામાં બેઠા બેઠા જ ચિંતને નોંધ્યું કે ચેમ્બરમાં લાઈટ બંધ છે અને કોન્ફરન્સ રૂમમાં બહુ બધા લોકો બેઠા હોય એમ લાગ્યું.

પંક્તિ સામે જોઇને ચિંતને એના ચીરપરિચિત સ્મિત સાથે કીધું, “પંક્તિ, આજે મારું નસીબ ખુલી ગયું.”

“કેવી રીતે?” પંક્તિએ સામે સવાલ પૂછ્યો.

“આજે તારી સાથે કોફી પીવા મળશે એટલે.” હસીને ચિંતને જવાબ આપ્યો અને સામે પંક્તિએ પણ સ્માઈલ કરી ઓફીસ બોય રામજીને બે કોફી લાવવા કીધું. થોડી જ વારમાં કોફી આવી ગઈ અને પંક્તિ અને ચિંતને કોફીને ન્યાય આપ્યો. લગભગ એકાદ કલાક પસાર થઇ ગયો અને કોન્ફરન્સ રૂમનો દરવાજો ખોલી અજયભાઈ અને અભિજાત બહાર આવ્યા. અજયભાઈએ ચિંતનને જોઈને એને આવકાર આપ્યો અને થોડી વાર બેસવા કહ્યું. એમની પાછળ જ બીજા એક વકીલ અને ચાર-પાંચ જણ બહાર આવ્યા, જેમને હસીને અજયભાઈએ વિદાય આપી અને ચિંતનને પોતાની જોડે આવવાનો ઈશારો કર્યો. ચિંતન, અભિજાત અને અજયભાઈ ચેમ્બરમાં દાખલ થયા. હંમેશની જેમ પોતાની ચેર પર બેસવાના બદલે આજે અજયભાઈએ સામે ગોઠવેલ સોફા પર સ્થાન લીધું અને એમને અનુસરીને અભિજાત અને ચિંતન પણ સોફામાં જ બેઠા.

“આજે બહુ રાહ જોવી પડી નહીં? પણ, એક કામ પત્યું. એક એક કપ કોફી થઇ જાય.” અજયભાઈએ જણાવ્યું અને ઇન્ટરકોમ પર રામજીને ત્રણ કોફીની સુચના આપી.

“આજે કોઈ બહુ જ અગત્યની મીટીંગ હતી એવું લાગ્યું.” ચિંતને એની સ્વાભાવિક જીજ્ઞાશાવૃતિને અનુસરીને પૂછ્યું.

“હા, એક ફેમીલી કેસ હતો. આ લગ્નજીવન પણ અજીબ છે. જેને ફળે એને જ ફળે. આજના કિસ્સામાં પણ એવું જ હતું. છોકરીનું નામ રીમા, એની મમ્મી સાથે રહે. બીજા કોઈ સગા-સંબંધી નહીં. જ્ઞાતિની લગ્નવિષયક પુસ્તકમાંથી એક છોકરો પસંદ કર્યો, નામ તરૂણ. બંને પક્ષે આર્થિક સ્થિતિ સામાન્ય. ગણતરીના વ્યક્તિઓની હાજરીમાં સદાઈથી લગ્ન થઇ ગયા અને રીમા તરૂણના ઘરે રહેવા આવી ગઈ. લગ્નજીવન ખુબ જ સારી રીતે ચાલ્યું અને એમને એક બાળકી પણ થઇ. બીજી બાજુ તરૂણ બેંકની પરીક્ષાની તૈયારી કરતો હતો. એની મહેનતે એનું નસીબ ખુલી ગયું અને એક બેંકમાં નોકરી લાગી ગઈ. સુરત પાસેના એક નાના ગામમાં એને નોકરી મળી. પગાર સારો, શરૂમાં તરૂણ એકલો ત્યાં ગયો અને મકાન શોધી રીમા અને એની દીકરી બંનેને લઇ ગયો. એક વર્ષ ત્યાં નીકળી ગયું અને એ પછી મહેસાણા પાસેના એક ગામમાં એની ટ્રાન્સફર થઇ. ફરીથી આ કાફલો ત્યાં ચાલ્યો ગયો અને કદાચ ત્યાંથી જ મતભેદની શરૂઆત થઇ. બાળકી (કેરા) નું સ્કુલમાં એડમીશન લીધું અને બે વર્ષ થયા અને ફરી ટ્રાન્સફર આવી. એ સમયે રીમાની મમ્મીની તબિયત પણ સારી-નરસી રહેવા લાગી. ટ્રાન્સફરને લઈને રીમા અને તરૂણ બંને જીદ પર આવી ગયા. તરૂણનું પ્રમોશન પણ આ ટ્રાન્સફર સાથે હતું અને ટ્રાન્સફર ભરૂચ ખાતે થઇ હતી. રીમાની માંગણી હતી કે કેરાનું વર્ષ ના બગડે એટલે હાલ પુરતું તરૂણ પ્રમોશન ના સ્વીકારે. જે તરૂણને મંજુર ન હતું. બસ વાત વધી પડી. અબોલા થઇ ગયા. તરૂણ ભરૂચ જતો રહ્યો. બસ, બંને પોતાની જીદ પર આવી ગયા અને છુટાછેડા સુધી વાત પંહોચી ગઈ. આપણે તરૂણ તરફે હાજર થયા. સામે પક્ષેના વકીલ સાહેબને સમાધાનની શક્યતા અંગે પૂછ્યું. એમણે કહ્યું જીદ પર વાત છે, બાકી કોઈ મુદ્દો તકરારનો નથી. બસ, આપણી ઓફિસમાં આજે બધાને ભેગા કર્યા અને રસ્તો કાઢ્યો. રીમા એની દીકરી કેરા અને એના મમ્મી સાથે અહીં અમદાવાદમાં રહે, તરૂણ નોકરીના દિવસોમાં ભરૂચ રહે, શનિવારે અમદાવાદ આવી જાય. શનિવાર અને રવિવાર અહીંયા પરિવાર સાથે વિતાવે અને આગામી ત્રણ વર્ષમાં પોતાની બદલી અમદાવાદ કરાવી દે. તરૂણ માની ગયો અને પોતાની મમ્મી સાથે રહેવાની વાત આવી એટલે રીમા પણ. બસ, ઝગડાનો સુખદ અંત આવ્યો."

ખાલી થઇ ગયેલી કોફીનો કપ સામેની ટીપોઈ પર મુકતાં અજયભાઈએ ઘડિયાળ જોઈ અને અભિજાતની સામે જોયું. અભિજાતે કીધું, “હવે આજે કોઈની એપોઇન્ટમેન્ટ નથી.”

“સરસ તો ચાલો આપણે પણ આજે વહેલા જઈએ, પરિવાર જોડે સમય પસાર કરવા.” હસીને અજયભાઈએ કીધું અને રામજીને ઓફીસ વસ્તી કરવાની સુચના આપી જણાવ્યું, "હું બહાર ફોયરમાં છું. મારી બેગ, કારની ચાવી અને ઓફિસની ચાવી મને ત્યાં આપી જજો." એટલું કહી અજયભાઈ કોમન ફોયર તરફ ગયા અને ચિંતન તથા અભિજાત સાથે હસી-મજાકની વાત કરવા લાગ્યા.આશિષ એ. મહેતા********************************************************************************************
********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : રીમા-તરૂણ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment