Saturday, January 16, 2021

મારી કેસ ડાયરી : બાબા સાહેબ

પ્રિય વાંચકમિત્રો,


શનિવારની સાંજ હતી અને આશરે ૬.૩૦ વાગ્યાની આસપાસ ચિંતન એડવોકેટ અજયભાઈની ઓફિસમાં દાખલ થયો. પંક્તિએ એના પરિચિત સ્માઈલથી ચિંતનનું સ્વાગત કર્યું. સામે જ અજયભાઈ અને અભિજાત એમની ચેમ્બરમાંથી બહાર આવ્યા.

“આવ ચિંતન, સરસ સમય પર આવી ગયો તું. ફ્રી છે કે કોઈ કામ છે?” અજયભાઈએ આવકાર આપતા પૂછ્યું. 

“તમે બોલો સાહેબ, શું હતું?” ચિંતને જવાબ આપ્યો.

“કંઈ ખાસ નહીં. ચલ, એક જગ્યાએ પાર્ટીમાં જવાનું છે. તને અનુકુળતા હોય તો આવ સાથે. આજે અભિજાતને જોડે આવવાની અનુકુળતા નથી. તું આવે તો કંપની રહે.”

“ઓકે સાહેબ, હું આવું છું. કેટલા વાગે જવું છે?” ચિંતને પૂછ્યું.

“બસ, નીકળીએ.”

“સાહેબ, પાંચેક મિનીટ. હું જરા ફ્રેશ થઇ જાઉં.” ચિંતને જણાવ્યું.

“ઓકે.”

લગભગ દશેક મિનીટ પછી અજયભાઈ એમની સફેદ ફોર્ચ્યુનર કારની ડ્રાઈવીંગ સીટ પર હતા. બાજુમાં ચિંતન હતો અને કાર નારોલ સર્કલ તરફ આગળ વધી રહી હતી.

નારોલ વટવા રોડ પરની એક હોટલમાં પાર્ટી હતી. પાર્ટીના આયોજક હતા અજયભાઈના એક કલાયન્ટ સલીમભાઈ કોટાવાલા. કારમાં અજયભાઈ અને ચિંતને નક્કી કર્યું હતું કે માત્ર હાજરી આપી નીકળી જવાનું અને પરત આવતા કોઈ સારી રેસ્ટોરેન્ટમાં ડીનર લઇ લેવાનું. ચિંતન અને અજયભાઈ બને પાર્ટી હોલમાં દાખલ થયા. સલીમભાઈએ એમનું ખુબ ઉમળકાભેર સ્વાગત કર્યું અને એમના પરિવાર સાથે પરિચય કરાવ્યો, “યે વહી વકીલ સાહબ હૈ જિન્હોને હમેં હમારી સીટીવાલી મિલકત કા કેસ જીતાયા.”

વાત સાચી હતી. લગભગ પાંચેક મિનીટ પછી પાંચ સાત વ્યક્તિઓ એક સાથે દાખલ થયા. સલીમભાઇએ એમને પૂરી અદબથી આવકાર્યા. “આઇએ બાબા સાહબ.” અજયભાઈની નજર એ બાબા સાહેબ પર પડી અને પછી બાબા સાહેબની અને અજયભાઈની નજર એક થઇ. અજયભાઈના ચહેરા પર એક સ્મિત આવી ગયું અને એ બાબા સાહેબના ચહેરા પર ભયની એક લહેરખી આવી અને ચાલી ગઈ. સલીમભાઈ બાબા સાહેબને  અજયભાઈ પાસે લઇ આવ્યા અને અજયભાઈને જણાવ્યું, “યે હમારે બાબા સાહબ, બડે ઈલ્મી હૈ.” અને બાબા સાહેબને અજયભાઈનો પરિચય આપવા જતા હતા ત્યાં જ બાબા સાહેબ બોલ્યા, “ઇન્હેં કોન નહીં જાનતા, મશહુર વકીલ સાહબ હૈ. યે કિસી પરિચય કે મોહતાજ નહીં હૈ. એક ઔર બાત બતાતા હું આપકા યે બાબા સાહબ ભી ઉનકે અહેસનો કે બોજ તલે દબા હુઆ હૈ.”

અજયભાઈએ નમસ્કારની મુદ્રામાં હાથ જોડી એટલું કહ્યું, “ઉપરવાળાની મહેરબાની છે જે મારા પ્રયત્નોને સફળતા આપે છે. સલીમભાઈ અમે રજા લઈએ એક તાત્કાલીક કામ આવ્યું છે.”

“જેસી આપકી મરજી, આપ આયે યે હમારા ખુશનસીબ હૈ.” સલીમભાઈએ જણાવ્યું અને અજયભાઈએ ચિંતન સાથે રજા લીધી.

બંને જણા અજયભાઈની ગાડીમાં ગોઠવાયા અને અજયભાઈ હસી પડયા. ચિંતને પૂછ્યું, “શું થયું સાહેબ? અને પેલા બાબા સાહેબને જોઈને તમે કેમ હસતા હતા?”

“એ બાબા સાહેબ પર જ હાલ પણ હસી રહ્યો છું.” અજયભાઈએ કહ્યું.

“થવા દો સાહેબ વિસ્તૃતમાં.” ઉત્સાહિત ચિંતને કહ્યું.

“એ બાબા સાહેબનું નામ છે ફિરોઝ. કોઈ એક સમયે અમે કોલેજમાં જોડે હતા. એને જાદુવિદ્યા શીખવાનો શોખ હતો અને એ કોલેજ સમયે નાના મોટા જાદુના ખેલ કરતો હતો. અમે ખાસ મિત્ર હતા. એ સમયે મારો ધ્યેય વકીલાત કરવાનો હતો, જયારે એ શોર્ટ કટમાં માનતો. મેં વકીલાત શરુ કરી એ પછી શરૂના દિવસોમાં એકાદ બે વખત એ મને મળેલો પણ ખરો. એણે મને વિનંતી કરી કે જાદુ શીખવું છે યાર, કંઈક કરાવી આપ. એટલે મેં મારા એક જાદુગર મિત્ર છે જેઓ ગુજરાતના રહેવાસી છે અને ભારતભરમાં એમના શો કરે છે એમને વિનંતી કરી અને પછી ફિરોઝ એમની પાસેથી નાની-મોટી મેજીક ટ્રીક શીખી પણ ગયો. બસ પછી એ ગાયબ થઇ ગયો અને આજે મળ્યો બાબા સાહેબ તરીકે. એક વાત છે યાર, લોકોને આજના વૈજ્ઞાનિક યુગમાં પણ વિજ્ઞાન અને કર્મ કરતાં વધારે વિશ્વાસ આવા બની બેઠેલા બાબા સાહેબો પર અને એમના જાદુ પર છે. પહેલેથી જ ફિરોઝનો હેતુ લોકોને બેવકુફ બનાવી છેતરીને પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો હતો અને જાદુના નાના મોટા પ્રયોગો બતાવી અભણ અને નાદાન લોકોનો બાબા સાહેબ બની બેઠો. પોતાની પોલ ખુલી ના જાય એ માટે જ એણે સલીમભાઇની સામે મારી તારીફ કરી. પણ છોડ એ બધું, ચાલ આજે સંકલ્પના ઢોંસાની જયાફત ઉડાવીએ." એમ કહી અજયભાઈએ ગાડી નહેરુનગર સંકલ્પ તરફ વાળી.
આશિષ એ. મહેતા********************************************************************************************
********************************************************************************************Creative Commons Licenseમારી કેસ ડાયરી : બાબા સાહેબ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment