Saturday, September 18, 2021

મારી કેસ ડાયરી – રમણીકભાઈ

 પ્રિય વાંચકમિત્રો,

“સાહેબ, કોઈ રમણીકભાઈ કરીને આવ્યા છે. આપને મળવા માંગે છે.”

વર્કિંગ દિવસની એક સાંજે અજયભાઈની ચેમ્બરનો ઇન્ટરકોમ રણકી ઉઠ્યો અને સામા છેડેથી પંક્તિએ માહિતી આપી.

“એમને બેસાડ થોડી વાર, હું બોલવું છું.”

અજયભાઈએ સુચના આપી. અભિજાત આગામી દિવસની કોર્ટ કેસની ફાઈલો પર આખરી નજર નાખી રહ્યો હતો અને સામે સોફામાં ચિંતન એના લેપટોપ પર એનું કામ કરી રહ્યો હતો. થોડીવારમાં અભિજાતનું કામ પૂરું થતા અજયભાઈએ ઇન્ટરકોમ પર પંક્તિને સુચના આપી કે રમણીકભાઈને અંદર મોકલો. એની થોડી જ સેકંડોમાં એક આશરે ૫૫-૫૮ વર્ષની ઉંમરના એક વ્યક્તિએ ચેમ્બરમાં પ્રવેશ કર્યો.

“આ બાજુથી નીકળ્યો હતો તો થયું કે સાહેબને મળે બહુ સમય થઇ ગયો, લાવો મળતો જાઉં.” કોઈ જ પ્રકારની ફોર્માલીટી વગર આવનારે વાતની શરૂઆત કરી.

“શું નવા જૂની સાહેબ? મજામાં ને ઘરે બધા?” જાણે કેટલીય આત્મીયતા હોય એ રીતે રમણીકભાઈએ પોતાની વાત આગળ ચલાવી અને આવી રીતે એમને વાત કરતા સાંભળી ચિંતને એનું લેપટોપ સ્ટેન્ડબાય કરી વાતમાં ધ્યાન આપવાનું શરુ કર્યું.

“બસ રમણીકભાઈ, જુઓને પ્રભુ કૃપા છે. બધા મજામાં છીએ. તમે જણાવો, શું ચાલે છે આજકાલ?” અજયભાઈએ જવાબ આપવાની સાથે જ ઇન્ટરકોમનું રીસીવર ઉઠાવી રામજીને કોફીની સુચના આપી.

“અમારે તો શું હોય સાહેબ, આંટાફેરા અને કાગળિયાંની હેરફેર.”

રામજી કોફી મૂકી ગયો અને અજયભાઈએ અભિજાતને અને રમણીકભાઈને કોફી આપી રામજીએ ચિંતનને કોફી આપી.

“સાહેબ, એક જમીન આવી છે. ડખા વાળી છે પણ સમજોને કે તમારાથી એ ડખો દૂર થઇ જ જાય. તમે પડો એ જમીનમાં એટલે બધું ક્લીયર અને બજાર કરતા અડધી કિંમતે માલ મળી જાય એમ છે. ખેડૂત આપણે કહીએ એ બધા જ પેપરમાં સહિ કરી આપે.”

“હમમ, પછી” જાણે કે આવી જ કોઈ વાતનો અંદાજ હોય એમ અજયભાઈએ ટૂંકો પ્રત્યુત્તર આપ્યો.

“એમાં એવું છે ને કે જમીન અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચેના એક ગામની છે. મંદિર ટ્રસ્ટના નામ પર છે. ટ્રસ્ટીઓએ જમીન બીજાને ખેડવા આપી હતી અને ગણોતીયાએ વારસાઈ કરાવી. બીજી બાજુ મંદિરના જીર્ણોધ્ધાર માટે પૈસાની જરૂર હતી એટલે ટ્રસ્ટીઓએ એ જમીનના બે ચાર ચિઠ્ઠા કર્યા અને પૈસા લીધા. હવે એ ટ્રસ્ટીઓ આપણને પાવર ઓફ એટર્ની આપવા અને જમીનનું બાનાખત કરી આપવા તૈયાર છે. બજાર કિંમતના અડધા પૈસા આપવાના, બાકી બધા લઠ્ઠા આપણે ઉકેલવાના. જમીનના સાત-બાર લાવ્યો જ છું.”

“સરસ, એક કામ કરો, તમે સાત-બાર રામજીભાઈને આપી દો, એ ઝેરોક્સ કરી લેશે અને હું અનુકુળતાએ જોઈ લઈશ અને કોઈ ખરીદનાર હશે તો ચોક્કસ જણાવીશ.” કોફીનો કપ પૂરો કરી અજયભાઈએ જાણે વાત પણ પૂરી કરી હોય એમ બેલ મારી રામજીને બોલાવ્યો અને રામજીને રમણીકભાઈ પાસેથી પેપર લઇ એની ઝેરોક્સ કરી ફાઈલ કરવાની સુચના આપી.

“તો સાહેબ હું રજા લઉં. આમાં મહેનત કરીએ તો મળે એવું છે. થોડું ધ્યાન રાખજો.” ઉભા થતા થતા રમણીકભાઈ બોલ્યા અને રામજીની પાછળ ચાલ્યા.

અજયભાઈએ એક નજર અભિજાત તરફ અને ચિંતન તરફ કરી.

થોડાક અણગમા સાથે અભિજાત બોલ્યો, “આની પાસે ક્યારેય કોઈ ક્લીયર જમીનની વાત નથી હોતી, તો પણ તમે એને સમય ફાળવો છો.”

“જો ભાઈ, આવા લોકો જ માર્કેટમાં આપણી જાહેરાત કરે. કામ કરવું કે નહિ એ આપણે નક્કી કરવાનું ને. પણ જો એને બહારથી જ વિદાય કરીએ તો એ બીજાના ત્યાં જઈ આપણી નેગેટીવ ઈમેજ ઉભી કરે. હાલના સમયમાં કામ એ માર્કેટમાં આપણી જે ઈમેજ હોય એના કારણે આવે છે અને કામનું પરિણામ આપણી મહેનતના કારણે આવે. ક્યારેક એવું પણ બને કે કોઈક એવો માણસ પણ મળે જેને આવી તકરારી મિલકત ખરીદવામાં જ રસ હોય. ત્યારે આવા વ્યક્તિ આપણા કામમાં આવે. ચાલે રાખે.”

“સાહેબ, તમે લો ની સાથે એમબીએ માર્કેટિંગ પણ કર્યું છે કે શું?” ચિંતને હસતા હસતા પૂછ્યું.

“ના, પણ અનુભવે માર્કેટિંગના બેઝીક સિદ્ધાંતો પણ ખબર પડી ગયા.” હસીને અજયભાઈએ જવાબ આપ્યો અને અભિજાતને પૂછ્યું, “તારૂં કામ પતિ ગયું હોય તો નીકળીએ.”

“હા” અભિજાતે એના સ્વભાવ મુજબ ટૂંકમાં ઉત્તર આપ્યો અને અજયભાઈએ રામજીને ઓફીસ વસ્તી કરવાની સુચના આપી.



આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : લોક ડાઉન    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

No comments:

Post a Comment