Sunday, November 27, 2022

બીરજુ બીરવા ભાગ-18

 

 બીરજુ બીરવા ભાગ-18

મારો આ નિર્ણય વ્યક્તિગત છે પણ એના દૂરોગામી પરિણામો મને અને આપણે બધાને સારા મળશે એવું મારૂં માનવું છે. પોતાના નિર્ણય અંગેનો ખુલાસો કરતા બીરજુએ એના પિતા મંગા સહિત બધાને જણાવ્યું અને આગળ કહ્યું, આપણે આ ધંધો શેના માટે કરીએ છીએ પૈસા માટે બરાબરને? પણ આપણું ભવિષ્ય શું? કાયદો દિવસે દિવસે વધુને વધુ કડક થઈ રહ્યો છે. આ છેલ્લી ઘટના જ જોઈ લો. કેટકેટલી લેટેસ્ટ ટેકનોલોજી વાળા સાધનો આવી ગયા છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના કારણે એક જગ્યાની માહિતી બીજી જગ્યાએ સેકંડમાં પહોંચી જાય છે. આ બધા મુદ્દા જોઈએ તો આપણી પકડાવવાની શક્યતા દિવસે અને દિવસે વધતી જાય છે. પહેલાં હતુ કે ગામ બદલી નાખીએ નામ બદલી નાખીએ તો પકડાવવાની બીક નહિ, પણ હવે, સીસીટીવી, મોબાઈલ, ઈન્ટરનેટ, જીપીએસ, સેટેલાઈટ લાઈવ ફૂટેજ આ બધામાં પકડાઈ જવાની શક્યતા વધી ગઈ છે. રહી વાત પૈસાની તો ભગવાનની દયા અને આપણા બધાની મહેનત અને આયોજનના કારણે છેલ્લા કામમાં આપણને ઘણું મળી ગયું છે. મારી પાસે આગળની યોજના પણ તૈયાર છે જ.

જગા અને મંગાએ એક બીજાની સામે જોયું. થોડીવાર મૌન છવાઈ રહ્યું. આખરે જગાએ કહ્યં, વિચારીએ આવતીકાલે રાત્રે મળીને નિર્ણય લઈશું. કહીને જગો પોતાના ખાટલા ઉપરથી ઉભો થઈ ગયો. ઈશારો સ્પષ્ટ હતો બધાને વિખેરાઈ જવાની સૂચના હતી. બીરજુએ પોતાના રૂમમાં જઈને એક બેગ ખોલી એમાં એક કી પેડ વાળો ફોન હતો. જેની બેટરી અલગ કરીને મૂકેલી હતી. બેટરી મોબાઈલમાં ઈનસર્ટ કરી ફોન સ્વીચઓન કર્યો. થોડી વારમાં એક મેસેજ બ્લીન્ક થયો, વેનીશ એવરીથીંગ એન્ડ ફાસ્ટ. મોબાઈલ સ્વીચઓફ કરી બેટરી બહાર કાઢી મૂકી દીધી. બેડ ઉપરથી ઉઠીને બીરજુ ચિંતાથી આમથી તેમ આંટા મારવા લાગી.

સવારે શીરામણથી પરવારીને બીરજુએ કુંદન, રઘો અને એની ઉંમરના વ્યક્તિઓ બીરજુના રૂમમાં બેઠા હતા. બધાએ પોતાના નવા સરદાર તરીકે બીરજુને સ્વીકારી લીધેલ એટલે બીજા કોઈ મતમતાંતરની શક્યતા ન હતી. બીરજુએ સીધુ જ કીધું, આપણે આ જગ્યા આવતીકાલે ખાલી કરી નાખવાની છે. સો પેકઅપ ફાસ્ટ એન્ડ ટુ ડે. પણ સરદાર અને બાકીનાને કેવી રીતે સમજાવીશું. હું મળી લઉ છું. એમને.  વાત પૂરી કરી બીરજુ એના પિતા અને ટોળીના જુના સરદાર મંગાને મળવા એના રૂમમાં ગઈ. લગભગ અડધો કલાક ચર્ચા ચાલી હશે એ પછી મંગાએ જગાને બોલાવવા સૂચના આપી એટલે જગો પણ મંગાના રૂમમાં આવ્યો. બંધ બારણે વાત થઈ પણ એ પછી ઘરની કામગીરીમાં વેગ આવી ગયો. સાંજે જમવાનું પતાવીને બધા ચોકમાં ભેગા થયા. કોઈપણ પ્રકારની પ્રસ્તાવના કે પૂર્વભૂમિકા વગર, જગાએ સીધો જ આદેશાત્મક સ્વરે નિર્ણય જણાવ્યો. આવતીકાલ સવારે અંહિથી નીકળી જવાનું છે. સહુ થી છેલ્લે હું અને મંગાનો પરિવાર નીકળીશું. બાકી તમારે બધાએ કેવી રીતે કયારે નીકળવાનું અને ક્યાં ભેગા થવાનું તે તમને બીરજુ કહી દેશે. કહીને જગાએ બીરજુની સામે જોયું. બીરજુએ એની ઉંમરના દરેક વ્યક્તિને એક ફોલ્ડર આપ્યું અને કહ્યું, આમાં તમારા બધાને ક્યારે નીકળવાનું અને ક્યાં ભેગા થવાનું અને શું લઈને જવાનું તેની બધી જ માહિતી છે. પંદર દિવસ પછી પાછા બધા જ ભેગા થઈશું.  નવી પેઢીના છોકરાઓની કાર્ય પધ્ધતિ જગા અને મંગાની પેઢીના લોકોને સમજણમાં બહુ આવતી નહિ. પણ નવી પેઢીના છોકરાઓ જે રીતે સરળતાથી મોટા મોટા કામ કરી રહ્યા હતા તે જોતા એ લોકો નવી પેઢીના વ્યક્તિઓના કામમાં પૂરો સહકાર આપતી હતી. કુંદન, રઘો, વંદના બધા જ પોતપોતાના કામમાં લાગી ગયા હતા.

એ પછીના પંદર દિવસમાં હડિયોલનું એ ઘર ધીમે ધીમે ખાલી થવા લાગ્યું. મકાન માલિક એક ઉંમર લાયક પટેલ હતા. એમની સાથે જગાએ ભાડાનો હિસાબ પતાવ્યો. મકાન માલિકે આમ ઓચિંતુ મકાન ખાલી કરવાનું કારણ પૂછ્યું તો જગાએ જણાવ્યું કે એમના વતન માતાનો મોટો અવસર છે અને એ પછી અમે ત્યાં જ રહેવા વિચારીએ છીએ. મકાન માલિકને એક મહિનાનું ભાડું વધારે ચૂકવીના રામ રામ કર્યા.

બીરજુના પ્લાન મુજબ અલગ અલગ સમયે હડિયોલથી નીકળેલ ગ્રુપના સભ્યો પૂરા પંદર દિવસ પછી બીરજુએ કહેલ જગ્યાએ ભેગા થયા હતા.

બીજા દશેક દિવસ પછી ફરીથી રાત્રે જમવાનું પરવારીને મંગો, જગો, બીરજુ, રઘો, કુંદન, વંદના અને બીજા બધા જ ભેગા થયા હતા. જગાએ બીરજુને જણાવ્યું કે, અમે પણ હવે નથી ઈચ્છતા કે, આ ધંધો આગળ વધારીએ. પણ બીજુ શું કરીશું તે પણ અમને ખબર નથી.

બીરજુએ એક સ્મિત કર્યું અને કહ્યું, આપણું એક ટ્રસ્ટ શરૂ થવા જઈ રહ્યું છે.તમામ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ હવે બંધ અને સમાજના જરૂરીયાતવાળા વ્યક્તિઓને મદદ કરવાનું શરૂ સાથે સાથે આપણી આવક પણ થતી રહેશે.

જગાને આ વાતમાં કોઈ જ ખબર પડી નહિ એટલે એણે પૂછ્યું આ શું કહેવાય

કાકા, જુઓ તમે અમને બધાને ભણવા દીધા. અમારામાંથી બધા અલગ અલગ વિષયોમાં ભણ્યા અને તૈયાર થયા. અમારા ભણતરની પાછળનો તમારો સમય અને નાણાં ખોટા નથી ગયા તે અમે સાબિત પણ કરી આપ્યું. પૈસાની હવે આપણને કોઈ ખાસ જરૂર નથી. હવે આપણે સરકારની પરવાનગી લઈ એક ટ્રસ્ટ સાદી ભાષામાં કહીએ તો એક મંડળ બનાવવું છે. જરૂરીયાત વાળા વ્યક્તિઓને મદદ કરવાનું કામ કરીશું. જે છોકરાઓને ભણવું હોય તેમને ભણાવીશું. જગાએ કહ્યું, આ બધું તો બરાબર પણ આમાં આવક ક્યાંથી આવી. જુઓ કચ્છમાં કચ્છી ભરતકામ કરતી બહેનો છે. જેમની પાસે કારીગરી છે. કચ્છની આ કારીગરીને ઈન્ટરનેટના માધ્યમથી દૂરદેશમાં ફેલાવી આવી કારીગરી વાળી વસ્તુઓનું વેચાણ કરી તેના દ્વારા આવક મેળવીશું.  બીરજુએ પોતાની યોજના ટુંકમાં કહી સમજાવી.  

No comments:

Post a Comment