Saturday, April 2, 2022

મારી કેસ ડાયરી : નિશીતા

 પ્રિય વાંચકમિત્રો,

તારે જે લખાણ તૈયાર કરવુ હોય તે રીતે કર, પણ મારી એક વાત ધ્યાન રાખજે, હું આ દુનિયામાં ન હોઉ ત્યારે આ નાલાયક માણસને મારી મિલકતમાંથી એકપણ રૂપિયો મળવો ન જોઈએ.

શનિવારની સાંજ હતી. લોક ડાઉન હજુ સંપૂર્ણપણે ખુલ્યુ ન હતું. કોર્ટ કાર્યવાહી ઓન-લાઈન ચાલી રહેલ હતી. અજયભાઈ એમની ઓફિસમાં હતા. ચિંતન એની આદત મુજબ જ અજયભાઈની ચેમ્બરમાં દાખલ થયો અને એને આ વાક્ય સાંભળ્યુ. એના માન્યામાં ન હતું આવતું કે, અજયભાઈને એમની જ ચેમ્બરમાં કોઈ તુકારો કરીને વાત કરતું હોય અને તો પણ અજયભાઈ શાંતિથી હસતા ચહેરે સાંભળી રહ્યા હોય. ચિંતનને જોઈ અભિજાત એની ચેરમાંથી ઊભો થયો અને ચિંતન અંદર દાખલ થાય તે પહેલા એને બહાર લઈ ગયો.

લગભગ અડધો કલાક પછી અજયભાઈ એમની ચેમ્બરમાંથી બહાર આવ્યા, સાથે એમની જ ઉંમરની લગભગ 40-42 ની આસપાસની એક સ્ત્રી હતી. ઉંમરના પ્રમાણમાં ફિટનેસ સારી હતી અને પહેરવેશ પરથી આર્થિક રીતે સુખી સંપન્ન જણાઈ આવતી હતી. અજયભાઈએ ચિંતનનો પરિચય કરાવ્યો ફોર્મલ હાય કરીને એણે અજયભાઈને પૂછયુ, અજય, તારી ફી કેટલી એ મને જણાવી દે જે.

સારૂ કહી દઈશ. બસ પણ તું મગજ ઠંડુ રાખ. અજયભાઈએ સામે જવાબ આપ્યો.

ઓકે બાય, ભાઈ, અને ધ્યાન રાખજે તારૂ અને ઘરે બધાનું.

હા માતા, આવજે.”

અજયભાઈ અને સામેની સ્ત્રી બંનેના ચહેરા ઉપર એક લાગણીસભર સ્મિત આવી ગયું અને અજયભાઈએ આવનારને વિદાય કરી વેઈટીંગ રૂમમાં બેઠેલા ચિંતન અને અભિજાતને કોન્ફરન્સ રૂમમાં આવવા જણાવ્યું અને પંક્તિને સૂચના આપી કે, બાજુમાંથી કેયુરને બોલાવી લો, જોડે કોફી પીવા.

થોડીવારમાં રામજી કોફી લઈને આવ્યો અને એ જ સમયે કેયુર પણ. કોન્ફરન્સ રૂમમાં કોફીની એરોમા ફેલાઈ રહી હતી અજયભાઈએ એમનો કપ ઉઠાવ્યો અને ચિંતનની સામે જોઈને એક સ્મિત કર્યું.

સાહેબ, હવે તમને ખબર જ છે કે મને વાતો જાણવાની ઈંતેજારી હંમેશા રહે છે, તો જલ્દી કહોને.

હમ્મ..,”

સાંભળ, આ જે મને મારી ચેમ્બરમાં તું કારો કરીને બોલાવતી હતી એ મારા ગામની ભાણી-નિશી - નિશીતા, અમે ખૂબ સારા મિત્રો, એના મમ્મી મારા પપ્પાને રાખડી બાંધે અને એ મને. મારુ ઘર અને એનું મોસાળ એક જ દિવાલે. અભ્યાસ ધોરણ 12 સુધીનો, આગળ ભણવું હતું પણ ઘરનાએ લગ્ન કરાવી દીધા, એ પછી અનેક વર્ષ સુધી કોઈ જ સંપર્ક ન થયો. બે વર્ષ પહેલા સોશીયલ મીડીયા દ્વારા ફરીથી અમે મળ્યા. ત્યારે જાણ્યું કે, પોતાની જાત કમાણીથી અમદાવાદમાં બે મકાન લીધા છે. એના શ્રીમાન છે તો ખરા, પણ કમાવવાની બાબત હોય કે વ્યવહારની બાબત કે અન્ય કોઈ, કોઈ જ કામના નહિ. હમણાં ઘરમાં કંઈક માથાકૂટ થઈ છે. એટલે, એનું વીલ બનાવવા માંગે છે કે એ આ દુનિયામાં ન હોય તો એની બધી જ સ્થાવર જંગમ મિલકત એના એકના એક દિકરા કેતવને મળે અને એના શ્રીમાનને કંઈ જ મળવું ન જોઈએ.

તો હવે ભાઈ તમે શું કરશો?” ચિંતનની બાજુમાં બેઠેલા કેયુરે ચિંતનની જેમ જ ઉત્સુકતાવશ પૂછ્યું.

સબંધ અને ધંધો બંને વચ્ચે સમતુલા જાળવીશ.

કંઈક સમજાય એવું બોલોને ભાઈ.

જો એ સબંધની રીતે બહેન છે એટલે ફી વાજબી લેવાની અને કામ એની ઈચ્છા મરજી મુજબનું કરી આપવાનું. સિમ્પલ કોફીનો ખાલી કપ ટેબલ ઉપર મૂકતા અજયભાઈએ કીધું.

ચાલો, બેક ટુ વર્ક થઈએ. અજયભાઈ ઉભા થયા અને એમની ચેમ્બરમાં ગયા. કેયુર એની ઓફિસમાં, ચિંતન એના કામમાં અને અભિજાત એની સુટેવ મુજબ બીજા દિવસના કેસની ફાઈલો ગોઠવવામાં લાગ્યો.

 

આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons License


મારી કેસ ડાયરી : નિશીતા     by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment