Saturday, March 26, 2022

મારી કેસ ડાયરી : ભૂપત

પ્રિય વાંચકમિત્રો,

વર્કિંગ દિવસની એક સાંજે ઓફીસનો મેઈન ડોર ખુલ્યો અને એક પડછંદ વ્યક્તિ ઓફીસમાં દાખલ થયો. પંક્તિને કીધું, “બટા, તારા સાહેબને કે ભૂપત ભારાડી આયો સે.” અશુદ્ધ ગુજરાતી અને બોલવાની સાવ ગામઠી શૈલી.

પંક્તિએ આગંતુકની સામે જોતા અને નિરીક્ષણ કરતા-કરતા ઇન્ટરકોમ પર અજયભાઈને જાણ કરી, “સર, કોઈ ભૂપતભાઈ કરીને આપને મળવા આવેલ છે.” બંને હાથે કોણી સુધી વાળેલું સફેદ ઓપન શર્ટ અને સફેદ કોટન પેન્ટ, ઉભું ઓળેલું માથું, કપાળમાં લાલ ઉભો ચાંદલો, આંકડા ચઢાવેલ મોટી કાળા-ધોળા વાળ વાળી મૂછો અને એવા જ ખીચડી વાળ. ઉમર આશરે ૬૦ વર્ષ જેટલી. ગામડુ જાણે શહેરમાં આવી ગયું હોય એવું લાગી રહ્યું હતું.

“એમને, કોન્ફરન્સ રૂમમાં બેસાડો અને કોફી આપો. રામજીને અંદર ચેમ્બરમાં મોકલો.” અજયભાઈએ સુચના આપી.

“સર, આપને સાહેબે અંદર બેસવાનું કહ્યું છે. આપ અંદર બેસો.” કહી પંક્તિ આવનારને કોન્ફરન્સ રૂમમાં લઇ બેસાડયા. એ જ સમયે, રામજી અજયભાઇની ચેમ્બરમાં દાખલ થયો અને રામજીને અજયભાઈએ બધા માટે નાસ્તો લાવવાનું જણાવ્યું.

ઓચિંતા નાસ્તાની વાત આવી એટલે ચિંતન અને કેયુરની આંખોમાં એક ચમક આવી. કોન્ફરન્સ રૂમમાં અજયભાઈ, અભિજાત, ચિંતન અને કેયુર લગભગ જોડે જ દાખલ થયા.

“આવો, આવો, ભૂપતસિંહ. જય માતાજી, કેમ છો?” પુરા આદર સાથે અજયભાઈએ આવનારનું સ્વાગત કર્યું.

“બસ, માતાજીની દયા સે. ઓણ વરહાદ સારો થ્યો તે ખેતી પણ સારી થઇ.”

“ઘરે બધા મજામાં?” અજયભાઈએ પૂછ્યું.

“હોવ, મોજ છે. મોટાની ઘરવાળીનો ખોળો મહિના પહેલા ભર્યો અને નાનાના લગ્ન નક્કી કર્યા છે.”

રામજી નાસ્તો લઇને આવી ગયો. ગરમાગરમ મેથીના ગોટા, ગાંઠિયા અને જલેબીની સુગંધ આખા કોન્ફરન્સ રૂમમાં ફેલાઈ ગઈ. નાસ્તો અને બીજી આડી અવળી વાતો થઇ અને ભૂપતસિંહે વિદાય લીધી.

અજયભાઈ ચેમ્બરની બહાર સુધી વળાવવા ગયા અને ફરી આવવાનું જણાવ્યું.

“જેવી માતાજીની મરજી. એની મોજ હશે તો ફરી મળીશું.” કહી ભુપતસિંહે વિદાય લીધી.

“સાહેબ, આ ભૂપતસિંહ કોણ? કઈ ખ્યાલ ના આવ્યો અને કોઈ જ કોર્ટ કેસની વાત ના થઇ.” ચિંતને એના સ્વભાવ મુજબ પૂછ્યું.

“હતું જ કે તું કંઇક આવું જ પૂછીશ.” અજયભાઈએ જવાબ આપ્યો અને અભિજાત સામે જોયું અને અભિજાત પણ હસ્યો.

“આ ભૂપતસિંહ સૌરાષ્ટ્રના એક નાના ગામના વતની. અમારો પરિચય થયો ત્યારે હું જુનિયર તરીકે હતો અને આમના પર ખૂન કેસ ચાલુ હતો. એક કે બે વ્યક્તિના નહિ, પણ ચાર વ્યક્તિની હત્યાનો કેસ અને કોર્ટે સજા પણ કરી ચૌદ વર્ષ કેદ. કેદની સજા પૂરી કરીને જયારે આ ભૂપત કેદમાંથી બહાર આવ્યો ત્યારે આખું ગામ એને હાર-તોરા કરવા આવેલ. હું જેલમાં એને ઘણી વખત મળેલો. કેસની વિગત જાણ્યા પછી એમના પ્રત્યે માન થયું હતું.

વાત એવી હતી કે ભૂપતસિંહ એમના ગામના તત્કાલીન સરપંચશ્રીના ખાસ નજીકના વ્યક્તિ. એ સમયે સરપંચ તરીકે વખતસિંહ બાપુ હતા જો હું નામ ભૂલતો ના હોઉ તો અને એમના ઘરેથી જે હતા એ ભૂપતસિંહને પોતાનો ભાઈ માનતા. વખતસિંહની દીકરી રાજવીબા ભણવામાં ખુબ હોશિયાર એટલે અમદાવાદ સાયન્સ કોલેજમાં એડમીશન લીધું હતું અને વખતસિંહબાપુની સુચનાથી ભૂપતસિંહ રાજવીબાની જોડે જ અમદવાદ આવ્યા હતા. એ સમયે એમની ઉમર કદાચ ૩૫ આસપાસ હશે. રાજવીબા કોલેજના બીજા વર્ષમાં હતા અને એ સમયે જ આ ઘટના બની હતી. આપણા દેશમાં એક લઘુમતી સમુદાય છે, જેમના બહુ જ અલ્પ સંખ્યાના લોકો દેશના નાગરિક તરીકેની ફરજ બજાવે છે, બાકીના ન્યુસન્સ ક્રિએટ કરે છે. આ જ સમુદાયના બે છોકરાઓ રાજવીબાની પાછળ પડી ગયા. શરૂ શરૂમાં તો રાજવીબાએ આ નમૂનાઓને અવગણ્યા, પણ પછી એમનો ત્રાસ વધતો ગયો અને રાજવીબાએ આ વાત ભૂપતસિંહને કરી. ભૂપતસિંહે રાજવીબાની જોડે જ કોલેજ જવા અને આવવાનું શરૂ કર્યું. બે-ત્રણ દિવસ બરાબર ચાલ્યું, પણ કુતરાની પૂંછડી સીધી ના જ થાય એમ પેલા બે નમૂનાઓ પણ બે-ત્રણ દિવસ પછી પોતાની જાત પર આવી ગયા. શનિવારનો દિવસ હતો અને કોલેજ છુટવાનો સમય હતો અને રાજવીબા કોલેજથી છૂટીને મેઈન ગેટથી બહાર આવી રહ્યા હતા. એ સમયે પેલા બંને નામુનાઓએ રાજવીબાનો હાથ પકડી લીધો. રાજવીબાએ એના ગાલ ઉપર એક થપ્પડ રસીદ કરી. જાહેરમાં આવું સન્માન થવાથી એમાંનો એક નમુનો ઉશ્કેરાઈ ગયો અને એની બાઈકની ડેકીમાંથી એક કાચની બોટલ કાઢી અને બુચ ખોલ્યો. ગેટની સામે ઉભેલ ભુપતસિંહે આ જોયું એને એસીડ એટકનો અંદાજ આવી ગયો. એ દોડીને પેલા એસીડની બોટલ જેના હાથમાં હતી એની નજીક ગયા અને પેલા નમુનાઓને એક ધોલ રસીદ કરી, એસીડની બોટલ રોડ ઉપર ઢોળાઈ ગઈ. આ બનાવ જોઈ આ નમૂનાઓની મદદે બીજા બે નમૂનાઓ આવી ને ઉભા રહ્યા. એમાંના એકે ભૂપતસિંહને મા સમી ગાળ દીધી અને એણે એની જિંદગીની છેલ્લી ભૂલ કરી. દરબારી લોહી, ખેત મજુરી કરીને કસાયેલ શરીર, એક જ લાત પાંસળીમાં મારી અને પાંસળીનું પાંજરું તૂટી ગયું અને ફેફસા કાણાં થઇ ગયા. પિક્ચરના પડદે જોવા મળતો જંગ જાહેરમાં જામ્યો અને એ જંગમાં ભૂપતસિંહના હાથે ચારે ચાર નમૂનાઓ આ દુનિયામાંથી વિદાય થયા. ભૂપતસિંહનો કેસ એ વખતના ક્રિમીનલના બેસ્ટ વકીલે હાથમાં લીધો. એમની જ ઓફિસમાં કોઈ એક સમયના મારા સીનીયર મદદનીશ વકીલ તરીકે હતા. કાયદામાં કોઈ પણ કાર્ય કે ગુના પાછળ ઈરાદો શું હતો, એ ધ્યાને લેવાય છે. એ મુજબ ભૂપતસિંહનો ઈરાદો ધ્યાને લેતા કોર્ટે ૧૪ વર્ષ કેદની સજા ફટકારી. એ ઘટના પછી કોલેજમાં, આવા નમૂનાઓનું ન્યુસન્સ ઓછુ થઇ ગયું.

આ છે ભૂપતસિંહની હકીકત.” અજયભાઈએ વાત પૂરી કરી અને આગળ કહ્યું, “ચાલો લેટ થઇ ગયા. રામજી વસ્તી કરો.” કહી ઉભા થયા અને એમની વ્હાઈટ ફોર્ચ્યુનર ગાડીની ચાવી લઇ ઓફીસની બહાર નીકળ્યા અને સાથે સાથે ચિંતન, કેયુર અને અભિજાત પણ.


આશિષ એ. મહેતા********************************************************************************************Creative Commons License


મારી કેસ ડાયરી : ભૂપત     by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment