Sunday, November 6, 2022

બીરજુ - બીરવા ભાગ - 13

 

ભાગ -13

 

ઉદેપુરના એક નાના ગેસ્ટ હાઉસમાં એક રૂમમાં પાંચ જણ બેઠા હતા. બીરજુ સિવાયના તમામના ચહેરા ઉપર અસ્વસ્થતા હતી. જ્યારે માત્ર બીરજુ જ પોતે શાંત અને સ્વસ્થ બેસેલ હતી. તારી જ ભૂલ છે સરમણ, તારી જવાબદારી હતી ડી વી આરનો ડેટા ઈરેઝ કરવાની. જો તે ડેટા ઈરેઝ કરી નાખ્યો હોત તો આપણા ફોટો ગ્રાફ પોલીસને મળ્યા જ ન હોત. રધાએ કહ્યું

શાંત રઘા, સરમણનો વાંક કાઢવાની જરૂર નથી. એણે પ્રયત્ન તો કર્યો જ હશે. પણ આપણો ડેટા તો પોલીસને મળી જ રહેત. આપણી ગણતરી એવી હતી કે, આપણને રોકડા ધરમશીની પેઢીમાંથી જ મળી જશે પણ ધરમશીએ આંગળિયા પેઢી દ્વારા ચૂકવ્યા એટલે આંગળિયા પેઢીમાંથી ડેટા ઈરેઝ થવાનો તો હતો જ નહિ. એટલે આપણો ડેટા તો પોલીસને મળી જ જાત. પણ પ્રશ્ન એ છે કે, અમરેલીની તપાસ સુરત કેવી રીતે પહોંચી?” શાંત અને સ્વસ્થ અવાજે બીરજુએ એના સાથીઓને કહ્યું.

તો હવે ?”

હવે હાલ કોઈ જ કાંડ નહિ. આપણી પાસે પૂરતી રકમ છે કે આપણને એક વર્ષ સુધી કોઈ વાંધો ન આવે. નવો પ્લાન કરીએ અને કંઈક મોટો હાથ મારીએ. બીરજુએ કહ્યું.

બે ત્રણ દિવસ બીરજુ અને એના સાથીઓએ ઉદેપુરમાં પસાર કર્યા. એ પછીની એક સાંજે સહેલીઓ કી બાડી જોઈને પરત આવતા એક રોડ સાઈડની હોટલ ઉપર બીરજુ અને એના સાથીઓ જમવા બેઠા. તેમની પાછળના ટેબલ ઉપર બે વેપારી જમી રહ્યા હતા. એમની વચ્ચે ધીમા અવાજે થતી વાત-ચીતથી બીરજુના કાન સરવા થયા. લક્ષ્મી-નારાયણની મૂર્તિ છે. લગભગ છસો વર્ષ પુરાણી છે. કુંવર ઓમકાર સિંહ જીને વેચવી છે. એક જણ બીજાને કહી રહ્યો હતો.

તો એમાં તકલીફ શું છે.?” બીજાએ કહ્યું

તકલીફ એ છે કે, ગ્રે માર્કેટમાં એની કિંમત કરોડોની છે એટલે સરકારની નજરમાં આવ્યા વગર આ કામ કરવાનું છે. ઓમકાર સિંહ હાલ તો ઓસ્ટ્રેલિયા છે છ મહિના પછી જયપુર આવે ત્યારે વાત.

બીરજુએ વાત નોંધી લીધી, કુંવર ઓમકાર સિંહ, જયપુર, લક્ષ્મી-નારાયણની મૂર્તિ અને છસો વર્ષ જુની એન્ટીક. ચહેરા ઉપરના કોઈ જ ભાવ બદલ્યા વગર જમી લીધું અને જમ્યા પછી તરત જ આદેશાત્મક સ્વરે સાથીઓને કહ્યું, કાલે સવારે પરત જવાનું છે. સામાન પેક કરી લે જો.

બીરજુની વયના બધા જ સભ્યોએ નવા સરદાર તરીકે બીરજુને સ્વીકારી જ લીધી હતી એટલે એની વાત ઉથામવાની કે એની વાતમાં શંકા કરવાની કોઈ જ શક્યતા ન હતી. જમીને બીરજુ અને એના સાથીઓ ગેસ્ટ હાઉસમાં પરત આવ્યા અને સામાન પેક કરવા લાગ્યા.

----------------------------------

સર જ્હોન્સન વિલિયમના આઈ ડીમાં ફોટો મોર્ફ કરવામાં આવ્યો છે અને બહુ સિફતથી આ કામ કરવામાં આવ્યું છે. ઝેરોક્ષ માં જે બ્લર ફોટો છે તેને ક્લીયર કર્યો તો આવો ચહેરો દેખાય છે. કેતવે એ.સી.પી. અજય શેલતને માહિતી આપી અને સાથે સાથે એક પ્રિન્ટ આઉટ આપી. અને બીજી એક વાત સર, આ ફોટોગ્રાફમાં રહેલ વ્યક્તિનો નાક નકશો સુરત વાળા સંજય શાહ અને અમરેલી વાળા સુબ્રમણ્યમને ઘણા અંશે મળતો આવે છે. એટલે આ વ્યક્તિ જ સંજય શાહ અને સુબ્રમણ્યમ હોઈ શકે અથવા આ વ્યક્તિ અને સંજય શાહ ઉર્ફે સુબ્રમણ્યમના વચ્ચે લોહીનો કોઈ સંબંધ હોય. એ.સી.પી. અજય શેલત જ્યારે ફોટોગ્રાફ ધ્યાનથી જોઈ રહ્યા હતા ત્યારે કેતવે લેપટોપની સ્ક્રીન એ.સી.પી. અજય શેલત તરફ ફેરવી. સ્કીન ઉપર બે ફોટોગ્રાફ હતા એક સંજય શાહનો અને એક જેની પ્રિન્ટ આઉટ એ.સી.પી. અજય શેલતના હાથમાં હતી તેનો અને એક સોફ્ટવેર તે બંને ફોટા વચ્ચેના ફેસ મેચિંગની ટકાવારીનો આંકડો દર્શાવી રહ્યું હતું. વેરી ગુડ જોબ કેતવ, બટ સ્ટીલ વી ડોન્ટ હેવ એની ક્લુ ઓફ ધીઝ સંજય ઓર સુબ્રમણ્યમ. એ.સી.પી. અજય શેલતે કેતવના કામને વખાણવાની સાથે વાસ્તવિક પરિસ્થીતીનો અણસાર પણ આપી દીધો.

સર, એક રસ્તો થાય, સ્ટેટ હાઈવેના દરેક ચેક પોસ્ટ, ટોલ ટેક્સના સી સી ટીવી ફુટેજ મેળવવામાં આવે તો શક્ય છે કે સંજય શાહ ઉર્ફે સુબ્રમણ્યમને ટ્રેસ કરી શકાય.

એ પ્રોસેસ ચાલુ જ છે. પણ, આટલા બધા ટોલટેક્સના ફુટેજ ચેક કરવા અને પ્રાઈવેટ વ્હિકલમાં શોધવું સરળ છે પણ જો સરકારી વાહનમાં મુસાફરી કરી હોય તો ઈટ્સ ટુ ટફ. એ.સી.પી. અજય શેલતે પરિસ્થિતીનો ચિતાર આપવાની સાથે પોતાની અકળામણ રજૂ કરી.

------------------

 ઉદેપુરથી આબુ જતી ટ્રેનના જનરલ ડબામાં ઉદેપુરથી પાંચેક મુસાફરો ચઢ્યા. સાવ સાદા કપડા અને પોતાનો સામાન પોટલું વાળીને રાખેલો. જ્યાં જગ્યા મળી ત્યાં પોટલું મૂકી એના ઉપર ગોઠવાઈ ગયા. આબુ ઉતરી ત્યાંથી લોકલ જીપમાં અંબાજી આવ્યા અને એક સામાન્ય ગેસ્ટ હાઉસમાં રોકાયા.

આ ખબર નથી પડતી કે તું આમ કાયમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ યુઝ કરવાનું કેમ કહે છે.?” રાતની નીરવ શાંતિમાં કોઈ જ સાંભળતું નથી તેની ખાતરી કર્યા બાદ બીરજુને રઘાએ પૂછ્યું.

તારા અને મારા ફોટોગ્રાફ મામાના હાથમાં આવી ગયા છે એટલે આપણા ફોટોગ્રાફ લગભગ દરેક ચેક પોસ્ટ અને ટોલટેક્સ બુથ ઉપર પહોંચી જ ગયા હશે. આવામાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સલામત રહે આટલું તો વિચાર. બીરજુએ કંઈક નારાજગીથી રઘાને સમજાવ્યો.

તો આમ ક્યાં સુધી રહેવાનું.?”

હમણાં તો શાંતિ જ રાખ અને એસાઈનમેન્ટ વિચારેલું જ છે. સમય આવે ત્યારે તને અને બાકીના બધાને જાણ કરીશ. બીરજુએ કહ્યું. અને હા આવતીકાલે ઘરે જવા નીકળીએ છીએ.

 

દશ દિવસ બાદ હડિયોલ ગામના બીરજુના મકાનના ફળિયામાં બીરજુ, રઘો, સરમણ, મંગો, જગો, અને બીરજુની ઉંમરના બીજા સાત-આઠ વ્યક્તિઓ બેઠા હતા. બીરજુના પ્લાનીંગ અને આવડત ઉપર ભરોસો રાખીને બધાએ એને આગામી સરદાર તરીકે સ્વીકારી લીધી હતી એટલે એની વાત ઉપર શંકા કરવાનો કોઈ સ્વપ્નમાં પણ વિચારતું નહિ.

આ પ્રિન્ટ આઉટ લઈ લો. દરેકના ઉપર જે તે સભ્યનું નામ લખેલ છે અને કોને શું રોલ ભજવવાનો છે તેની રજેરજની માહિતી. રઘા તારા અને મારા ફોટોગ્રાફ મામા  (પોલીસ)ના હાથ લાગ્યા છે એટલે આપણે બંને અને સરમણ આ ઓપરેશનમાં પડદા પાછળ રહીશું. આ છે કુંવર ઓમકાર સિંહ, કહીને બીરજુએ પોતાના લેપટોપ ઉપરની સ્ક્રીન બધાની સામે કરી. સ્ક્રીન ઉપર એક જાજરમાન યુવા વ્યક્તિત્વ દેખાઈ રહ્યું હતું.

તમને આપવામાં આવેલ પ્રિન્ટ આઉટમાં આમના વિશેની તમામ માહિતી છે. આજે રાત્રે બધાએ વાંચી લેવાની છે અને આવતીકાલે સવારે ચા-નાસ્તા બાદ ફરીથી મળીએ ત્યારે આગળની યોજના જણાવીશ. આટલું કહી બીરજુ એ પોતાનાથી બે વર્ષ નાની સરમણની બહેન –વંદના તરફ જોઈને કહ્યું, વંદના તારા કોમ્પ્યુટરની ડિગ્રીનો કમાલ બતાવવાનો તને આ વખતે મોકો મળશે અને કુંદન તને તારા અભિનય દર્શાવવાની તક પણ, ચાલો જય માતાજી, શુભ રાત્રી. કહીને એ એક સ્મિત કરીને પોતાના રૂમમાં જવા લાગી.

---------------------------------------

લગભગ એ જ સમયે અમદાવાદની ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં એ.સી.પી. અજય શેલત અને કેતવ અમરેલી અને સુરત કેસના પેપરની ફાઈલો બંધ કરી રહ્યા હતા. કોઈ જ નક્કર પૂરાવા કે અન્ય માહિતી મળી ન હતી. ફાઈલ બંધ કરતા કેતવે કહ્યું, સર આ જે કોઈપણ ગેંગ છે એનો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી. અમરેલી કેસના સ્ટેટમેન્ટ જોઈએ તો આ લોકો સારૂ એવું ભણેલા છે અને ટેકનોલોજીના જાણકાર પણ. સુરતના કેસમાં ધરમશીને જે કાચા હિરી આપ્યા તે કાર્બોનાઈઝ્ડ હતા એટલી સીફતથી હિરા કાર્બોનાઈઝ્ડ પ્રોસેસ કરવામાં આવ્યા હતા કે ધરમશીને પણ ખબર ન પડી કે આ હિરા ફિનીશીંગ પ્રોસેસમાં તૂટી જશે. સર, મારું માનવું છે કે આ ગેંગ બહુ લાંબો સમય સુધી શાંત નહિ રહે. હાલ એમણે કોઈ નવી યોજના ઉપર કામ શરૂ કરી જ દીધું હશે અને ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય પણ ક્યાંક તો ભૂલ કરી જ બેસે છે.

કેતવ ધેટ ઓલ આઈ નો બટ આ ગેંગ હવે શું કરવાની છે તેનો કોઈ જ ક્લુ નથી. વ્હોટ કેન વી ડુ?” કંઈક કંટાળા સાથે એ.સી.પી. અજય શેલતે કહ્યું.

સર વેઈટ, ઓબ્ઝર્વ એન્ડ વોચ.” કેતવે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.

ઓકે ડુ વ્હોટ એવર યુ થીંક ચેરમાંથી ઉભા થતા એ.સી.પી.અજય શેલતે સૂચના આપી.

No comments:

Post a Comment