Sunday, February 5, 2023

કાળચક્ર ભાગ ૨

 

 કાળચક્ર ભાગ ૨

એ જ વાક્ય હતું ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ. એ સાથે એનું મન થોડું ખાટું થઈ ગયું પણ મનના વિચારોને ખંખેરીને એ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો.

મુંબઈ ભારત દેશની આર્થિક રાજધાની. કહેવાય છે કે, માતા મુમ્બાદેવીના નામ ઉપરથી આ શહેરનું નામ કાળક્રમે મુંબઈ પડ્યું જેનું અંગ્રેજોએ બોમ્બે કરી નાખ્યું. મુંબઈનું એક નામ મોહમયી પણ છે અને મુંબઈ શહેર ખરેખર મોહ પમાડે તેવું જ છે.  સ્ટોક માર્કેટના કિંગ પણ મુંબઈમાં છે તો અંધારી આલમના ડોન પણ મુંબઈમાં છે. રોજે રોજ કેટલાય યુવાનો પોતાની આંખોમાં સફળતા થવાના શમણાં લઈને મુંબઈમાં આવે છે, સંઘર્ષ કરે છે અને પોતાની રીતે જીવવાનો પ્રયત્ન  કરે છે. પણ મુંબઈમાં આવનારા દરેક સફળ નથી થતા. જો ટકાવારની દ્રષ્ટિએ જોઈએ તો પોતાની આંખોમાં સફળતાના શમણાં લઈને આવનારાઓ પૈકી કદાચ પાંચ ટકા લોકો જ સફળ થતા હશે. બાકીના લોકો મુંબઈની ભાગદોડ ભરી જીંદગીથી ટેવાઈને યુઝ ટુ થઈ જાય છે અને મુંબઈમાં જ સ્થાયી થઈ જાય છે. નાની નાની ઓરડીઓની જેને સ્થાનીક બોલીમાં ખોલી કહે છે તેવી ઓરડીઓની ચાલીમાં વસી જાય છે તો કેટલાક પોતાનું કિસ્મત અંહિયા નહિ લખ્યું હોય તેમ માનીને પોતાના વતન ભેગા થઈ જાય છે. મુંબઈમાં રોજેરોજ આવું આવાગમન ચાલુ જ રહે છે. મુંબઈ એની ચોપાટી માટે ફેમસ છે અને બંગલામાંથી બીચ દેખાય તેવા દરિયા કિનારે આવેલા બંગલાઓ માટે પણ.

જુહુ... મુંબઈનો એક આર્થિક સમૃધ્ધ વ્યક્તિઓની વસાહત વાળો વિસ્તાર. આ વિસ્તારને ચીરીને એક રોડ આગળ બીચ તરફ જઈને બીચને પેરેલલ વળતો હતો. આ જ રસ્તા ઉપર છેલ્લે એક આલિશાન બંગલો હતો. ત્રિવેદી મેન્શન. રોડ ઉપર આગળ વધતા જનાર વ્યક્તિને ડ્રાઈવર સાઈડ બીચ તરફ એક બંગલો દૂરથી જ દેખાઈ જાય. લગભગ બાર ફૂટની લાલ ઈંટો વડે ચણેલી એક દિવાલ દેખાય એ જ ત્રિવેદી મેન્શન. જેમ નજીક આવો એમ ખબર પડે કે આ દિવાલ સાધારણ દિવાલ નથી. પણ દિવાલ ઉપર કલાત્મક કોતરણી કરવામાં આવી છે અને સાથે સાથે દિવાલની ઉપર તરફ બે ફૂટની તાર ફેન્સીંગ કરેલી છે. એક બોર્ડ મારેલુ છે એ દિવાલની ફેન્સીંગ ઉપર, લાઈવ વાયર જે સૂચવે છે કે આ તારની ફેન્સીંગમાં ઈલેક્ટ્રીક કરંટ ચાલુ છે. દિવાલની ઉપર નિયત અંતરે નાઈટ વિઝન સાથેના સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરેલ છે. જેનું મોનેટરીંગ દિવાલની અંદર તરફ આવેલ સિક્યોરીટી કેબીનમાંથી કરવામાં આવે છે. કેમેરા પણ એટલા આધુનિક છે કે, ફૂલ સ્પીડમાં પસાર થતી ગાડીનીનંબર પ્લેટ અને તેમાં આગળ અને પાછળ બંગલાની દિવાલ સાઈડ બેઠેલ વ્યક્તિના ચહેરા સ્પષ્ટ દેખી શકાય. રોડની પેરેલલ લગભગ ૩૦ ફૂટ સુધી આ દિવાલ ચાલી રહી હતી. દિવાલની મધ્યમાં એક વિશાળ કમાન આકારનો ગેટ હતો. લગભગ બાર ફૂટની ઉંચાઈ અને આઠ ફૂટની પહોળાઈ વાળો લોખંડનો ગેટ હતો. ગેટમાં સામાન્ય અવર જવર માટે વચ્ચેથી એક નાનો દરવાજો હતો જેમાંથી ટુ વ્હીલર સાથે સરળતાથી અંદર આવી અથવા બહાર નીકળી શકાય તેવી વ્યવસ્થા હતી. એક વોચમેન ગેટ ઉપર કાયમ હાજર રહેતો હતો. અને એની પ્રાથમિક જરૂરીયાતો માટે ગેટની અંદર ડાબી તરફ બનાવેલ સિક્યોરીટી કેબીનમાં વોશરૂમની સગવડ હતી અને એક નાના રેસ્ટ રૂમની પણ. સિક્યોરીટી કેબીનમાં આખા બંગલામાં બહારની તરફ નાંખવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાનું મોનેટરીંગ અને રેકોર્ડીંગ થતું હતું. ગાડીઓના આવવા-જવા માટે વિશાળ ગેટના વચ્ચેની તરફથી બંને તરફના પહેલા પહેલા હિસ્સા ખોલવામાં આવતા હતા.  ગેટ તરફથી અંદર આવો એટલે બંને તરફ સુંદર ગાર્ડન આવે અને ગાર્ડનને ચિરતો એક રસ્તો બંગલા તરફ આગળ વધે અને બંગલાના પોર્ચ એરીયા તરફથી આગળ વધી ડાબી તરફ વળીને બંગલાની નીચેના ભાગે બનાવવામાં આવેલ પાર્કિગ એરીયા તરફ આગળ વધે. પોર્ચ એરીયાની જમણી તરફ સ્ટાફ ક્વાટર્સ તરફ જતો રસ્તો હતો. રસ્તાની બાજુમાં પેરેલલ સ્ટાફ ક્વાર્ટર હતા અને સ્ટાફ ક્વાટર્ર પૂરા થાય તે પછી ગાર્ડન આવતું હતું.  બંગલાના રહેવાસીઓ અને આમાંત્રિતો પોર્ચ પાસે આવી ત્યાંથી સીધા બે પગથીયા ઉપર ચઢે એટલે ત્રિવેદી મેન્શનના પ્રથમ ફોયર આવે, માર્બલ ફ્લોરીંગ મઢેલું રાઉન્ડ શેપનું ફોયર જે રસ્તાથી બંગલાના દરવાજા તરફના સીધા રસ્તે ખુલ્લુ હતું અને એ ફોયરના સર્વન્ટ ક્વાટર તરફ જતા રસ્તાની તરફના ભાગે માર્બલનો ઓટલો બનાવવામાં આવ્યા હતા જેની ઉપર ગાદી મૂકવામાં આવી હતી. અને પાર્કિંગ તરફ જતા ભાગે હિંચકો હતો જેની સામે એક ટીપોઈ અને બે આરામ ખુરશી હતી. ગોઠવણી સ્પષ્ટ હતી જે મહેમાનોને બંગલાની અંદર બોલાવવાના ન હોય તેમની સાથે આ ફોયરમાં જ મુલાકાત કરવામાં આવતી હતી. એ પછી એક પગથિયું ઉપર તરફ બંગલાનો મેઈન દરવાજો આવે. આઠ ફુટની હાઈટનો સીસમના લાકડાનો દરવાજો અને એ દરવાજા ઉપરનું નકશીકામ બંગલાના વૈભવની ઝાંખી કરાવતું હતું. એ દરવાજામાંથી અંદર પ્રવેશો એટલે ડાબી બાજુ એક નાનો પેસેજ આવે જેમાં ગોઠવવામાં આવેલ એક શુ રેકમાં ઘરના સભ્યોના બહાર પહેરવાના અને ઘરમાં પહેરવાના જૂતાની ગોઠવણી કરવામાં આવેલ હતી અને જમણી તરફ એક નાનો વોશ એરીયા હતો. એટલે ઘરમાં દાખલ થતા પહેલા હાથ પગ ધોવાની સગવડ કરવામાં આવી હતી એ પછી આગળ ઘરનો વિશાળ ડ્રોઈંગરૂમ આવે. લગભગ વીસ વ્યક્તિઓ સહેલાઈથી બેસી શકે તેવી ગોઠવણી વાળા એ ડ્રોંઈગરૂમની મધ્યમાં ઉપર તરફ વિશાળ રજવાડી ઝુમ્મર લગાવવામાં આવ્યું હતું. મરૂન, બ્લ્યુ અને ક્રીમ કલરના પડદા બારીઓ ઉપર લગાવેલા હતા જે ઘરને રજવાડી લુક આપતા હતા. ડ્રોઈંગ રૂમની ભવ્યતા પૂરી થાય ત્યાં જ વિશાળ ડાઈનીંગ ટેબલ જેની બંને તરફ રજવાડી નકશી કામ કરેલી આઠ આઠ ખુરશીઓ હતી અને સામ સામેના છેડે આવી જ એક એક એમ કુલ અઢાર વ્યક્તિ એક સાથે જમી શકે તેવું ડાઈનીંગ ટેબલ. એના પછી કિચન વીથ સ્ટોર રૂમ એક સામાન્ય માણસનું ઘર હોય તેટલું મોટુ  કિચન હતું. કિચન કમ સ્ટોરની બાજુમાં પૂજા રૂમ હતો. જેમાં સેવનના લાકડાનું મંદિર હતું. મંદિરમાં મધ્યમાં મા અંબાની આરસની પ્રતિમા હતી સાથે શિવજી, ગણપતિજી, ભૈરવ અને હનુમાનજી મહારાજની પ્રતિમા હતી. કિચન કમ સ્ટોરની બાજુમાં એક દરવાજો હતો જે પાર્કિંગ રેમ્પ પૂરો થાય તે બાજુ ખૂલતો હતો અને જેમાંથી સ્ટાફને આવવા-જવાની પરવાનગી હતી. ડ્રોઈંગ રૂમ પૂરો થાય અને ડાઈનીંગ એરીયા શરૂ થાય તે જગ્યાએ એક સીડી હતી જે પહેલા માળ ઉપર જતી હતી. સીડીની નીચે એક નાનો વોશ એરીયા બનાવવામાં આવ્યો હતો. પહેલા માળ ઉપર કુલ ચાર બેડરૂમ હતા. સીડી પૂરી થાય તેની બાજુમાં એક સીડીની સામેની તરફ એક અને વચ્ચેના ભાગે ફોયર પછી બાજુ બાજુમાં બે. વચ્ચેના બે બેડરૂમમાંથી ડાબી તરફનો બેડરૂમ એટલે સંયમ ત્રિવેદીનો પર્સનલ બેડરૂમ કમ સ્ટડી રૂમ અને તેની બાજુનો બેડરૂમ એ સંયમ અને તેના પત્ની સ્મિતાનો રૂમ. સંયમ ત્રિવેદીના પર્સનલ બેડરૂમમાંથી તેના અને સ્મિતાના બેડરૂમમાં જઈ શકાતું હતું. સીડીની બાજુનો બેડરૂમ એ સંયમ અને સ્મિતાના પુત્ર શ્યામનો અને સામેનો બેડરૂમ એ સંયમ અને સ્મિતાની પુત્રી વિશ્વાનો. શ્યામના રૂમની બાજુમાંથી સેકન્ડ ફ્લોર ઉપર જવા માટેની સીડી હતી. સેકન્ડ ફ્લોર ઉપર  બે ગેસ્ટરૂમ, પર્સનલ જીમ અને લાયબ્રેરીની વ્યવસ્થા હતી. તેની ઉપર ટેરેસ હતું.

ફરી એલાર્મ વાગ્યું એટલે સંયમે શાવર કોક બંધ કરી ટર્કીશ ટોવેલથી પોતાનું શરીર સ્વચ્છ કરવાનું શરૂ કર્યું. બહાર આવીને એલાર્મ બંધ કર્યું ફરીથી એના કાનમાં પેલા શબ્દો ગુંજી ઉઠ્યા, ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ. મનમાં આવેલા વિચારોને ખંખેરીને સંયમ ત્રિવેદીએ પૂજા માટેનું પિતાંબર ધારણ કર્યું, મોબાઈલ ચાર્જમાં મૂક્યો, અને ઉપર ઉપવસ્ત્ર અને પોતાના રૂમમાંથી બહાર આવી નીચે પૂજાના રૂમમાં ગયો.

No comments:

Post a Comment