Sunday, February 12, 2023

કાળચક્ર ભાગ – 3

 

કાળચક્ર ભાગ – 3

મનમાં આવેલા વિચારોને ખંખેરીને સંયમ ત્રિવેદીએ પૂજા માટેનું પિતાંબર ધારણ કર્યું અને ઉપર ઉપવસ્ત્ર અને પોતાના રૂમમાંથી બહાર આવી નીચે પૂજાના રૂમમાં ગયો.

પૂજાના રૂમમાં જોશી કાકા રોજના નિયમ મુજબ હાજર જ હતા. રોજના નિયમ મુજબ મોગરાના ફૂલ થાળીમાં તૈયાર રાખેલ હતા. ગંગાજળનો લોટો ભરેલો હતો અને પૂજાની થાળી તૈયાર હતી.  સંયમ ત્રિવેદીએ પૂજાના રૂમમાં દાખલ થતા જ સંયમે જોશી કાકાને સ્મિત સાથે કહ્યું, જય અંબે કાકા, તમે હવે રોજ આટલા વહેલા ન ઉઠો તો ચાલે.

અરે બેટા, આ જ તો કામ હવે મારા ભાગે રહ્યું છે. બાકી તો તે મને બધા જ કામ અને જવાબદારીમાંથી નિવૃત કરી નાખ્યો છે. કહીને જોશી કાકા પણ હસી પડ્યા.

પૂજાના રૂમમાં દાખલ થઈને સંયમ ત્રિવેદીએ એની રોજીંદી પૂજાની શરૂઆત કરી. સમસ્ત નદીઓના પવિત્ર જળનું ધ્યાન ધરીને, ગંગાજળ ભરેલા તાંબાના લોટા ઉપર જમણો હાથ ઢાંકી, તેનું આહ્વાન કર્યું,

ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી નર્મદા............કુર્યાત સદા મંગલમ્

ત્યારબાદ, સ્થળ અને દેહ શુધ્ધિ મંત્ર ..ઓમ્ અપવિત્ર પવિત્રો વા......ભ્યન્તરઃશુચિ... નો જાપ કરી પોતાના દેહ અને સ્થળ ઉપર પાણીનો છંટકાવ કર્યો. એ પછી રોજીંદા નિયમ મુજબ  ભગવાનને સ્નાન કરાવી નવા વસ્ત્રો અર્પણ કર્યા. ગણેશ વંદના, હનુમાન ચાલીસાના પાઠ કર્યા, શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરી છેલ્લે પોતાના કૂળદેવી આરાધ્ય મા અંબાની પૂજાની શરૂઆત કરી. સપ્ત શ્લોકી દૂર્ગાપાઠ, ભગવતી સ્તુતી અને સિદ્ધ કુંજિકા સ્ત્રોતના પાઠ કર્યા. એ પછી માતાજીના ચરણ ફરીથી ગંગાજળથી ધોઈ તે પાણીને પોતાની બંને આખોમાં આંજીને પોતાના સ્થાન ઉપર પદ્માસન લગાવી શ્વાસોશ્વાસ નિયંત્રિત કરીને રોજના ક્રમ મુજબ ધ્યાન સાધનાની શરૂઆત કરી. થોડીક જ મિનીટો પસાર થઈ હશે અને ફરીથી સવારે જોયેલા દ્રશ્યો દેખાવા લાગ્યા. એ જ  બધી ગંદકી, એમાંથી ઉપર ઉઠવું ફરી નીચે જોવું ફરી ઉપર તરફ ગતિ કરવી, એ જ સુંદર બાગ બગીચા, ઝરણા, એ જ દૂધમલ સફેદ હંસો ફરીથી એ જ મોતી હાથમાં લેવા અને એને ફરીથી એ જ બુલંદ અવાજ સંભળાયો ચિંતા ન કરીશ સંયમનાથ હું તને લેવા આવીશ.. સંયમ ત્રિવેદીની ધ્યાન સમાધિ ખૂલી ગઈ. આસન છોડીને એ ભગવાનને પગે લાગીને બહાર આવ્યો અને પોતાના રૂમમાં ગયો અને પૂજાના વસ્ત્રો બદલીને ટ્રેક પેન્ટ અને ટી શર્ટ ધારણ કર્યા. બંગલાના સેકન્ડ ફ્લોર ઉપર આવેલ આવેલા પર્સનલ જીમમાં વર્ક આઉટ શરૂ કર્યું. અડધો કલાક પરસેવો પાડ્યા પછી ફરીથી પોતાના રૂમમાં આવી કપડા ચેન્જ કરી ફરીથી ફ્રેશ થઈને કમરથી નીચે ટોવેલ વીંટીને બહાર આવ્યો. પૂરા કદના અરીસાની સામે તૈયાર થવા ઉભો રહ્યો. અઠ્ઠાવન વર્ષે પણ, નિયમીત કસરત યોગ અને પ્રાણાયામના કારણે શરીર સૌષ્ઠવ જળવાઈ રહ્યું હતું. ૩૪ ઈંચની કમર અને  ૫૬ ઈંચની છાતી શરીરને પરફેક્ટ વી શેપ આપતી હતી. છાતી ઉપરના વાળ એની મર્દાનગીમાં વધારો કરતા હતા. ડાબા ખભા ઉપરથી જમણી તરફ ઉતરતી જનોઈ એની દિક્ષિત બ્રાહ્મણ તરીકેની ઓળખ આપતી હતી. પૂરા ચાર આંગળ મોટું કપાળ, અણિયાળુ નાક, હોઠ અને નાકની વચ્ચેની ઘાટી મૂછો જેમાંના થોડાક વાળ સફેદ થઈ ગયા હતા જે વધતી જતી ઉંમરના પૂરાવા રૂપ હતા. પાણીદાર આંખો, ચહેરા ઉપર એક ચુંબકીય સ્મિત રમતું રહેતું છતાં પણ એનો ચહેરો એના ગંભીર સ્વભાવની ચાડી ખાઈ આપતો હતો. કાન પાસેના વાળ અને માથાના ઘટતા જતા વાળમાં પણ સફેદી દેખાઈ આવતી હતી. પોતાના શરીરને નિહાળાતા સહજ પણે જ એનું ધ્યાન  એની છાતીના ડાબા ભાગ તરફના લાખા (બર્થ માર્ક) તરફ ગયું. જન્મથી જ એના શરીરે છાતીના ભાગે આ લાખું હતું એક વિશીષ્ઠ આકારનું લાખું ડાબી તરફ જાણે કે અડધું ત્રિશુળ હોય અને જમણી તરફ અડધો શંખ હોય તેવો આકાર હતો. જેમ જેમ સંયમ મોટો થતો ગયો તેમ તે આ આકાર પણ સ્પષ્ટ થતા ગયા હતા. સહેજભાવે એ લાખા ઉપર સંયમે હાથ ફેરવ્યો અને પછી ફોર્મલ પેન્ટ શર્ટ પહેરી, મોબાઈલનું ચાર્જિંગ બંધ કરી, મોબાઈલ હાથમાં લઈ, બ્રેકફાસ્ટ કરવા માટે નીચે ઉતર્યો ત્યારે ઘડિયાળમાં સવારના આઠ વાગ્યાના ટકોરા પડ્યા હતા. નીચે એનો પૂરો પરિવાર અને જોશી કાકા હાજર હતા. નીચે આવીને એણે સહુથી પહેલા જોશી કાકાને ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા. આજે એનો જન્મદિવસ જે હતો. જોશી કાકાએ એના માથે હાથ મૂકીને અંતરથી આશીર્વાદ આપતા કહ્યું, ઈશ્વર તારું કલ્યાણ કરે ભાઈ. ત્યારબાદ સ્મિતાએ સંયમને એક હગ આપી અને કહ્યું, વીશ યુ મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે માય લવ હેપી બર્થ ડે. થેંક્યુ માય સ્વીટહાર્ટ કહીને સંયમે સ્મિતાના કપાળમાં એક ચુંબન કર્યું બંને બાળકો, પુત્ર શ્યામ અને પુત્રી વિશ્વાએ પણ એમના પિતા સંયમને પગે લાગીને જન્મદિવસની શુભેચ્છા પાઠવા જવાબમાં સંયમે બંનેને પોતાની છાતી સરસા ચાંપીને બંનેનો આભાર વ્યક્ત કર્યો અને પછી સંયમે ડાઈનીંગ ટેબલ ઉપર રોજના નિયમ મુજબ સંયમે હેડ ઓફ ધ ફેમીલીની ચેર ઉપર બેઠક લીધી એના જમણા હાથે સ્મિતા અને ડાબા હાથે એનો અને સ્મિતાનો મોટો પુત્ર શ્યામ અને એના પછી નાની દિકરી વિશ્વા અને વિશ્વાની સામે અને સ્મિતાના જમણા હાથે જોશી કાકા, ત્રિવેદી પરિવારના જૂના અને વિશ્વાસુ મેનેજર અને હવે વડીલ. જોશી કાકાએ મહારાજ એવી બુમ પાડી જે પરિવારના મહારાજ (કૂક) માટે સંદેશો હતો કે બ્રેકફાસ્ટ સર્વ કરો. સામેથી કિચનમાંથી અવાજ આવ્યો જી કાકા અને એ અવાજની પાછળ પાછળ, મહારાજ પણ દેખાયા ટ્રોલીમાં પરિવાર માટે હળદર ઈલાયચી વાળું નવશેકું દુધ, ચા અને ગરમા ગરમ બટાકાપૌંઆના નાસ્તા સાથે. પરિવારનો નિયમ હતો કે સવારે દરેકે નાસ્તામાં હુંફાળુ દુધ લેવું વિશ્વાને દુધ પીવું ગમતું ન હતું તો પણ પિતા તરીકે સંયમે આ નિયમ બનાવ્યો હતો જે દરેક માટે ફરજીયાત હતો. એટલે વિશ્વા મોઢું બગાડીને પણ રોજ દુધ પી લેતી હતી. બ્રેકફાસ્ટ પતાવી સંયમે એના મોબાઈલમાં સ્ટોક માર્કેટની એપ્લીકેશન ખોલી, વોચલીસ્ટ, પોર્ટ ફોલિયો અને ફંડ ચેક કર્યા. ડાઈનીંગ ટેબલ ઉપર બેઠા બેઠા જ એણે એપ્લીકેશન થ્રુ કેટલાક સોદા નાખ્યા અને ગણતરી કરી. જો એનો અંદાજ આજે પણ સાચો પડે તો આજે અઢીથી ત્રણ લાખનો ફાયદો થશે તેવું એનું અનુમાન હતું. બ્રેકફાસ્ટ પતાવીને શ્યામ અને વિશ્વા એમના રૂમમાં ચાલ્યા ગયા સંયમે સ્મિતાને કહ્યું, સાંજની તૈયારી શું છે? આજે માત્ર આપણા પરિવારજનો અને આપણા સ્ટાફ સાથે પાર્ટી કરવી છે. જો ગીફ્ટ લાવવાની બાકી હોય  તો તું દરેક માટે આજે ભૂલ્યા વગર ગીફ્ટ લાવી દેજે. સ્મિતાએ પણ સ્મિત કરીને કહ્યુ, બધું જ તૈયાર છે અને તમે આ જ સૂચના આજે પહેલા પણ ત્રણ વખત આપી ચૂક્યા છો. સાંજે તમે સમયસર આવી જજો. કહીને સ્મિતા ઉભી થઈ અને સંયમની બ્રીફકેસ લેવા ગઈ. ઓકે ડાર્લીગ કહીને સંયમ પણ ઊભો થયો અને ડ્રોઈંગ રૂમમાં આવી ડ્રાઈવર રાજેશને ફોન કર્યો. ત્રિવેદી મેન્શનમાં કામ કરતા દરેક વ્યક્તિને તેના પરિવાર સાથે રહેવાની સગવડ ત્રિવેદી મેન્શનના સર્વંટ ક્વાટરમાં કરવામાં આવી હતી અને આ ક્વાટરમાં કામ કરનાર પરિવારના દરેક સભ્યને માથે ત્રિવેદી મેન્શનના કોઈના કોઈ કામની જવાબદારી હતી.  સ્મિતા બ્રીફકેસ લઈને આવી અને સંયમને હાથમાં આપી. સંયમે સ્મિતાને એક હગ કરી બાય જયઅંબે કહ્યું અને ડ્રોઈંગરૂમમાંથી બહાર આવી એના ઓફિસ શુઝ પહેરી પોર્ચમાં આવ્યો ત્યારે ડ્રાઈવર રાજેશ ગાડી લઈને આવી ગયો હતો. આર્થિક રીતે તો કોઈપણ ગાડી એના માટે પરવડે એવી હતી પણ મુંબઈના ટ્રાફિકમાં સરળતાથી ફરી શકાય તે માટે સંયમ વેગન આર ગાડી વાપરતો હતો મીલ્કી વ્હાઈટ વેગન આર સી.એન.જી. મોડલ.. સંયમની ગાડી ગેટની બહાર નીકળી અને સામે જ સંયમને ગયા વર્ષે એને જન્મ દિવસે જે સાધુ-સંન્યાસી દેખાયા હતા. સંયમને જતો જોઈને જાણે તે હસી રહ્યા હોય તેવું સંયમને લાગ્યું એ કંઈક બોલ્યા પણ ખરા. ગાડીના કાચ બંધ હતા તો પણ સંયમને એવું લાગ્યું કે જાણે એ સન્યાસી કહી રહ્યા હતા, બંધ આંખે જે દેખાય છે તે સત્ય છે અને ખુલ્લી આંખે જે દેખાય છે તે ભ્રમ છે. હું આવી ગયો છું સંયમનાથ.... ગેટની બહાર ગાડી એના નિયત રસ્તે આગળ વધી ગઈ હતી. સંયમે પાછળ જોયું પણ ત્યાં પેલા સંન્યાસી  ન હતા. આટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયા હશે....? સંયમ વિચારતો રહ્યો અને વળી પાછું સંન્યાસીનું કહેલું વાક્ય એના કાનમાં ગુંજી ઉઠ્યું... બંધ આંખે જે દેખાય છે તે સત્ય છે અને ખુલ્લી આંખે જે દેખાય છે તે ભ્રમ છે. હું આવી ગયો છું સંયમનાથ....

No comments:

Post a Comment