Friday, July 26, 2013

દિશા એ જ છે અને દશા એ જ છે, પ્રાચીનથી અર્વાચીન કથા એ જ છે

રોજની જેમ જ આજે પણ તમે સાંજના સાતેક વાગ્યાથી એની રાહ જોઈ રહ્યા હતા, વેદપ્રકાશ અને તમારી સાથેના બારએટેન્ડરે તમને આ રીતે કોઈની રાહ જોતા આજ સુધી ક્યારેય ન જોયા હોવાથી એ બિચારો નવયુવાન સુરેશ અકળાયો હતો. જીવનમાં પાંચ દાયકાની મજલ પસાર કરીને ચોપ્પનમા વર્ષમાં પ્રવેશી ચુકેલા તમે વેદપ્રકાશ આશરે છેલ્લા ત્રીસેક વર્ષથી તો માયાનગરી મુંબઈના પરા સમા બોરીવલ્લીમાં આવેલ "ઈગલ બાર"માં બાર મેનેજરની નોકરી કરતા હતા અને તમે ઈગલ બારને જ તમારું નિવાસ સ્થાન બનાવી રાખ્યું હતું. તમારા સિવાય તમારા ભૂતકાળની કદાચ આખા મુંબઈમાં કોઈને કશી જ ખબર ન હતી અને હવે તો તમે પોતે પણ તમારો ભૂતકાળ લગભગ ભૂલી જ ગયા હતા. પરંતુ, હમણાં હમણાંથી આશરે આઠેક વાગે નિયમિત રીતે આવતો એ નવો યુવાન ગ્રાહક, કોણ જાણે કેમ? તમારા વિચારોનું કેન્દ્ર બિંદુ બની ગયો હતો. રોજ આંઠ વાગે આવવું, એ જ ખૂણાના ટેબલ ઉપર બેસવું, એકાદ ગ્લાસનો ઓર્ડર આપવો અને જાણે કેટલાય વિચારોના વમળમાંથી બહાર આવવા મથતો હોય તેમ સિગરેટના કશ છોડેલા ધુંવામાંથી એકીટશે સામેની દીવાલને તાકી રહેવું અને આશરે સાડા નવના સુમારે બીલ પે કરીને નીકળી જવું. બસ, આ જ એનો નિત્યક્રમ બની ગયેલો અને આથી જ, તમે વેદપ્રકાશ આજે નક્કી કરીને રાખ્યું હતું કે, આજે તો એની સાથે વાત કરાવી જ છે.

અને તમારા કાંડે બાંધેલી રિસ્ટવોચમાં આંઠ વાગ્યા અને તમારી નજર ઈગલ બારના દરવાજા પર પડી અને તમે જેની રાહ જોતા હતા તે ઈગલ બારમાં દાખલ થઈને તેના નિયત ટેબલ પર ગોઠવાઈ ગયો અને રોજની જેમ જ તમારા બાર એટેન્ડન્ટ સુરેશે એની પસંદગીનો ગ્લાસ ભરી દીધો અને સર્વ કરવા માટે બાર બોયને આપી દીધો. થોડીક મિનીટો જવા દઈને તમે વેદપ્રકાશ તમારા આસિસ્ટંટને કાઉન્ટરની જવાબદારી સોંપીને ખૂણાના ટેબલ તરફ જવા ઉપડ્યા અને તમને આમ આજે અચાનક પોતાના ટેબલની આટલી નજીક આવેલા જોઇને તેની આંખોમાં એક અજીબ પ્રકારનો ભાવ દેખાયો અને ઉંમરના અનુભવે તમે વેદપ્રકાશ જાણી લીધું કે, "એને એના એકાંતમાં તમારા આવવાથી ખલેલ પહોંચી છે." પરંતુ, અત્યંત પ્રેમાળપણે તમે એને પૂછ્યું, "શું હું અહિયાં આજે તમારી સાથે બેસી શકું છું?" અને એની સંમતિની રાહ જોયા વગર જ, તમે એની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા અને એનું બારીકાઈથી નિરીક્ષણ તમારી અનુભવી આંખે કરવાનું શરુ કરી દીધું. સારા અને મધ્યમ વર્ગનો લાગતો એ યુવાન ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ ન હતો. પરંતુ, સાવ સામાન્ય પણ ન હતો. સારા કહી શકાય તેવા ઓફિસવેર પહેરેલા હતા, પગમાં લોકલ બ્રાંડના શુ સારી રીતે પોલીશ કરેલ હતા, ક્લીન શેવ ચહેરો અને આંખમાં કંઈક અજંપો. આટલું માર્કિંગ કાર્યા પછી તમે એને સીધું જ પૂછ્યું, "તમે રોજ આ જ સમયે અહી આવો છો અને રોજ એ જ ઓર્ડરનું રીપીટેશન કરો છો. કંઈક તકલીફમાં છો? જો તમારો જવાબ હા હોય તો મને એક મિત્ર ગણીને કહી શકો છો." અને જાણે આવી કોઈ ક્ષણની રાહ જોઇને બેઠો હોય તેમ એની આંખમાં પાણી ભરાઈ આવ્યા અને મહામહેનતે રુદન દબાવી રાખીને એને તમારી સાથે એની અંગત વાત શેર કરી, અને સમય સમયનું કામ કરતો ગયો અને તમે વેદપ્રકાશ એની "કહાની" સાંભળતા ગયા. ઘડિયાળ ક્યારનીય સાડા નવનો સમય બતાવી ચુકી હતી અને હવે તો બારમાં ગ્રાહકોનું આવવાનું પણ બંધ થઇ ગયું હતું અને એ યુવાનની સંપૂર્ણ વાત જયારે તમે પૂરી ધ્યાનથી સાંભળી ત્યારે સાડા દશ થવા આવ્યા હતા અને એની વાત શાંતિથી સંભાળીને તમે બહુ જ પ્રેમપૂર્વક એના ખભે હાથ મુકીને દિલાસો આપ્યો કે, "મિત્ર આ કાંઈ મોટી વાત નથી. સંસારમાં આવું ચાલ્યા જ કરે અને આમ જો તું રોજ તારા ઘરે મોડો જ જઈશ તો તારી પત્ની તારા પર વહેમ કરશે જ. દોસ્ત, સ્ત્રીને તો પૂરી રીતે ભગવાન જ સમજી, સમજાવી શકે. આપણે તો માત્ર સ્ત્રીને સમજાવવાનો પ્રયત્ન જ કરી શકાય. પણ દોસ્ત જે સ્ત્રીને તેં તારી પત્ની તરીકે સ્વીકારીને જેની સાથે તેં જીવન જીવવાનું નક્કી કર્યું  છે એને રોજ કહેવા જેવું તમામ સાચું જ કહી દેવાનું અને એને દિલથી પ્રેમ કરવાનો. એ તને પ્રેમ કરે છે કે નહિ એ નહિ વિચારવાનું. તારી પત્ની તારા પરિવારને સાચવે છે ને. બસ, ક્યારેક વધારે પડતો પ્રેમ પણ ઝઘડાનું કારણ બને છે. દોસ્ત, કાલથી ઓફીસથી સીધો જ ઘરે જજે અને તારા પરિવાર સાથે સમય પસાર કરજે. થોડા દિવસોમાં તારી પત્નીને તારાથી કોઈ જ ફરિયાદ નહિ રહે અને એક વાત યાદ રાખ, પ્રેમ કરો તો પ્રેમને અભિવ્યક્ત કરવો પણ જરૂરી છે. જા દોસ્ત, આ બાર તારા જેવા માણસ માટે નથી. જા દોસ્ત તારા પરિવાર સાથે મજા કર."

અને તમે, વેદપ્રકાશ એને વિદાય આપીને પાછા તમારા ભૂતકાળમાં ખોવાઈ ગયા અને કોઈ શાયરની પંક્તિ યાદ આવી ગઈ,

"દિશા એ જ છે અને દશા એ જ છે, પ્રાચીનથી અર્વાચીન કથા એ જ છે."

વેદપ્રકાશ, એ વાત તો માત્ર તમે જ જાણો છો કે જે દિલાસો અને સલાહ તમે તમારા હાલ જ બનેલા મિત્ર અનુભવને આપી જો એ જ વાત આજથી ત્રીસ વર્ષ પહેલા તમે તમારી જાતને આપી હોત તો કદાચ આજે, આ માયાનગરી મુંબઈમાં તમે એકલા ન હોત અને તમારા વતનમાં તમારા પરિવાર સાથે હોત અને જો કદાચ આજે તમારો દિકરો હોત તો એ પણ આજે આટલી જ ઉમરનો અનુભવ જેવો જ હોત. પણ જો, તમે આજથી ત્રીસ વર્ષ પહેલા તમારી પત્નીની રોજની કચકચથી કંટાળીને તમારું ઘર છોડીને મુંબઈ આવ્યા ન હોત તો.

બસ બાર બંધ થવાનો સમય થયો અને તમને આજે ત્રીસ વર્ષ પછી તમારા ઘરની યાદ આવી અને આંખ છલકાઈ ગઈ અને તમે વિચારવા લાગ્યા શું આજે પણ મારો પરિવાર, મારી પત્ની મને યાદ કરતા હશે? કે પછી મને મૃત્યુ પામેલ ગણીને મને ભૂલી ગયા હશે?

વેદપ્રકાશ, હજુ પણ ખાસ મોડું નથી થયું, તપાસ કરો કદાચ હજુ પણ તમારી પત્ની તમારી રાહ જોતી હોય? કદાચ સમયની સાથે તમારી પત્નીને પણ એની ભૂલનો અહેસાસ થયો હોય.....


આશિષ એ. મહેતા



Creative Commons License
દિશા એ જ છે અને દશા એ જ છે, પ્રાચીનથી અર્વાચીન કથા એ જ છે by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.

No comments:

Post a Comment