Saturday, August 10, 2013

જીવનકા સફર ચાલતા હી રહેગા, જીંદગીકો હમેશા બદલતા હી રહેગા

સામાન્ય સંજોગોમાં પંખી પણ પ્રવેશી ના શકે તેવી અભેદ સુરક્ષા વચ્ચે આલીશાન કમરામાં મરણ પથારીએ પડેલા તમે રજની કવિશ્વર ઉર્ફે રજની ડોન તમારા મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા હતા. છેલ્લા કંઈક કેટલાય દિવસથી અસહ્ય દર્દ અને પીડા તમે સહન કરી રહ્યા હતા. બીમારીના શરૂઆતના દિવસોમાં તો દર્દ સહન નહિ થતા તમે રજની ડોન સાંભળી પણ ના શકાય તેવી ચીસો પડતા હતા. બંને ફેફસા પૂરી રીતે ખલાસ થઇ ગયા હતા, બંને કીડનીઓ ખતમ થઇ ચૂકી હતી, લીવરમાં ઇન્ફેક્સન ફેલાઈ ગયું હતુ. પરંતુ, ધીરે ધીરે તમે દર્દથી આદી બની ગયા અને હવે તો તમે રજની કવિશ્વર ચીસો પડવાનું પણ બંધ કરી ધીધુ હતું. ડૉકટરે તો ક્યારનુંય જણાવી દીધું હતું કે બસ હવે જીવનના થોડા દિવસો છે. જે કંઈ કરવું હોય તે જલ્દીથી કરી લો. અત્યંત ધીમા અવાજે તમે તમારી બાજુમાં ઉભેલા તમારા ખાસ મિત્ર અને તમારા પડછાયા તરીકેની ઓળખ ધરાવતા તમારા ખાસ વિશ્વાસુ એવા પ્રદીપ તરફ જોઈને એકદમ ધીમા અવાજે કહ્યું, "એ પ્રદીપ, આજે છેલ્લી સિગારેટ પીવડાવી દે, દોસ્ત." અને આંખમાં આવેલા અંસુઓને પરાણે રોકી રાખીને પ્રદીપે તમને તમારી પસંદગીની ત્રિપલ 5 સિગારેટ સળગાવીને ધ્રુજતા હાથે તમારા મોઢામાં મૂકી અને તમે રાજની ડોન પ્રયત્નપૂર્વક સિગારેટનો એક ઊંડો કાશ ખેંચ્યો અને ઉધરસ ચડતા પ્રદીપે સિગારેટ લઇ લીધી અને ખાંસતા ખાંસતા જ તમે હાલ જ છોડેલા યા તો એમ કહો કે છૂટી ગયેલા સિગારેટના ધુમાડાથી રચાયેલા ક્ષણિક વાદળની આરપાર તમે તમારો વિતેલો પૂરો જીવનકાળ જોઈ રહ્યા હતા.

ગુજરાતના મોટા શહેરોમાંના એક શહેરના મધ્યમવર્ગીય વિસ્તારમાં યુવાન વયે ઇલેક્ટ્રોનીક્સનો સામાન વેચવા તથા રીપેરીંગની દુકાન ખોલીને તમે ઈમાનદારીથી જીવન જીવવાની શરૂઆત કરી હતી અને તમે તમારી આવડતથી ખુબ જ ટૂંકા સમયગાળામાં બહુ જ સારું કહી શકાય એવું નામ મેળવી ચુક્યા હતા અને આજુબાજુના વિસ્તારમાં રજની ઈલેક્ટ્રીશિયન તરીકે ઓળખાવા લાગેલ અને એ દિવસો શાંતિથી પસાર થઇ રહ્યા હતા. પરંતુ જો તે દિવસે એ ગોઝારી ઘટના ના બની હોત તો આજે તમે રાજની ડોન તરીકે ના ઓળખાતા હોત. નિયમિત પૂજાપાઠ કરવાના નિયમ વાળા ચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ તમે એકંદરે શાંતિપ્રિય વ્યક્તિ હતા અને એ દિવસે તમે તમારી દુકાને હજુ હમણાં જ આવ્યા હતા અને દિવાબત્તી કરીને તમે હાલમાં જ ફ્રી થયા હતા અને તમારી દુકાને એક અજાણ્યો વ્યક્તિ આવી ગયો અને અબે-તબેની ભાષામાં વાતની શરૂઆત કરતા એક ટેપરેકોર્ડર રીપેર કરવા આપ્યું. તમે રજની બહુ વિનમ્રતાથી જણાવ્યું કે, "સાહેબ, આમાં રીપેરીંગનો ખર્ચો માથે પડે તેમ છે." બસ તમારી એટલી જ સાચી વાત કહેવી અને તે આગંતુકે તમને માં સામે ગંદી ગાળ આપી અને એક ધોલ મારી દીધી અને વાત વધી પડી. તમે માં સામેની ગાળ સહન ના કરી શક્યા અને તમે એ આગંતુકની ફેંટ પકડી અને તેને વળતી ધોલ રસીદ કરી દીધી. આમ તો દીખીતી રીતે હિસાબ બરાબર થઇ ગયો હતો. પણ, એ આગંતુકે ખીસામાંથી છરો કાઢ્યો અને તમારા ઉપર વાર કર્યો પણ તમારી ચપળતાએ તમને બચાવી લીધા અને આ ઝપાઝપીમાં અનાયાસે જ સ્વબચાવમાં તમારા હાથે એ અજાણ્યો આગંતુક તમારી દુકાનના ઓટલા ઉપર મરી ગયો. બસ પછી અતુટ નિયમ મુજબ ઘટના બની ગયા પછી ડંડા પછાડતી પોલીસ આવી અને તમને પકડીને લઇ ગઈ ત્યારે તમને ખબર પડી કે તે અજાણ્યો માણસ આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટરનો વંઠેલ દીકરો હતો અને આ આખા વિસ્તારના તમામ ખરાબ ધંધા તેના જ ઈશારા ઉપર અને તેના પોલીસ પિતાની મહેરબાનીથી ચાલતા હતા. તમને પોલીસે પોલીસ સ્ટેશનમાં બેરહમીથી માર્યા બાદ તમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તમને દશ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા. આ દશ દિવસના પોલીસ રિમાન્ડ દરમ્યાન પણ તમારા ઉપર બેસીતમ જુલ્મ ગુજારવામાં આવ્યા. ત્યારબાદ, કોર્ટે તમને જેલમાં મોકલી આપ્યા. જેલના કારાવાસે તમને ઘરમૂળથી બદલી નાખ્યા. એ જ સમયગાળામાં એક સ્થાનિક રાજકિય આગેવાન તમારી મદદે આવ્યા. પછી અનેક રાજકીય ખટપટો બાદ નવ મહિનાના જેલવાસ બાદ તમને જામીન મળ્યા અને તમે જેલમાંથી બહાર આવ્યા ત્યારે "ક્લ્લુ માંથી કાલીયા" બની ચુક્યા હતા. જેલમાં ગયો હતો રજની ઈલેક્ટ્રીશિયન અને બહાર આવ્યો હતો રજની ભાઈ. જેલમાંથી બહાર નીકળીને તમે તમારા ઘરે આવ્યા ત્યારે તમને એ જાણવા મળ્યું કે તમારા જેલવાસ દરમ્યાન તમારા ઘર-પરિવારની તમામ જવાબદારી તમારા ખાસ મિત્ર પ્રદીપે ઉપાડી લીધી હતી.

ઘરે આવ્યાના બીજા જ દિવસે તમે તે સ્થાનિક રાજકીય અગ્રણીને મળવા અને તેમનો આભાર માનવા તેમના ઘરે ગયા. તમને ઘરના દરવાજે આવેલા જોઇને તે રાજકીય આગેવાન ઉભા થઈને દરવાજા સુધી તમને લેવા આવ્યા અને તમે આભારવશ થઇ તેમને પગે લાગવા જતા હતા પણ તેણે તમને રોકી લીધા અને તે રાજકીય આગેવાને તમારા હાથમાં દશ હજારનું બંડલ પકડાવી દીધું અને કહ્યું હાલ કંઈ પણ બોલ્યા વગર રાખી લે ઘરમાં જે ઉધાર ઉછીના લીધા હોય તે પરત કરી દે અને કાલે શાંતિથી સાંજે મળવા આવ. રજની તમે એ રાજકીય આગેવાન પ્રત્યે એક અલગ જ લાગણી ધરાવતા થઇ ગયા હતા. એ દિવસે તમે તમારી દુકાને ગયા પણ કામમાં મન લાગતું નહતું અને બનેલી એ ઘટના તમારી આંખ સામેથી હટતી નહતી. બસ જ્યાં-ત્યાં દિવસ પસાર કર્યો પણ તમે એક વસ્તુની નોંધ જરૂર લીધી કે આજુબાજુના દુકાનદારો તમને રજનીની જગ્યાએ "ભાઈ" કહીને બોલાવતા થઇ ગયા હતા. મોડી સાંજે તમને પ્રદીપે સમાચાર આપ્યા કે, "રજની, તારી ઓળખ "ઈલેક્ટ્રીશિયન" થી બદલાઈને રજની "ભાઈ" ની થઇ ચુકી છે. તમારા હાથે અકસ્માતે જેનું ખૂન થઇ ગયેલું તેનો ત્રાસ દૂર થવાથી આખા વિસ્તારનાં તમામ રહીશો ખૂબ જ ખુશ હતા. બીજા દિવસે સાંજે તમે પેલા રાજકીય અગ્રણીને મળવા ગયા ત્યારે તેના ઘરના મેઈન હોલમાં તમે, પ્રદીપ અને તે રાજકારણી સિવાય કોઈ ન હતું. તે રાજકારણી વ્યક્તિએ તમને સીધું જ જણાવ્યું કે, "રજની, તું મારા માટે કામ કર. મારે તારા જેવા માણસની જરૂર છે." અને તમે તેમને ના ન કહી શક્યા. બસ બીજા જ દિવસથી તમે તે રાજકીય વ્યક્તિ માટે કામ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆત કન્સ્ટ્રકશનના ધંધા  રાખવાથી કરી અને થોડા જ સમયગાળામાં તમે રજની તેના ખાસ માણસ બની ગયા.

બસ, એ પછીની નવરાત્રીમાં તમે જાહેર ગરબાનું આયોજન કર્યું અને લગભગ ચારેક રાત શાંતિથી ભક્તિમય રીતે વિના વિધ્ને પસાર થઇ ગઈ. પણ, પાંચમા નોરતાની રાતે ચોક્કસ કોમના કેટલાક છોકરાઓએ ગરબા રમતી છોકરીઓ પૈકીની એક છોકરીની મશ્કરી કરી અને એ છોકરી રડતી રડતી દોડીને તમારી પાસે આવી. તમે ઈશારાથી પ્રદીપને તે છોકારાઓને શાંતિથી જતા રહેવા સમજાવવાનું કહ્યું અને પ્રદીપ તેમને સમજાવવા ગયો. પણ તે લબરમૂછિયા પૈકીના એકે પ્રદીપની સામે હાથ ઉગામ્યો અને રજની તમારો પિત્તો છટક્યો. પરંતુ, માતાજીના નોરતા ના બગડે એ હેતુ માત્રથી તમે એ છોકારાઓને ચાલ્યા જવાનું જણાવ્યું અને નોરતા પત્યા પછી તમે એ તમામ છોકરાઓને શોધીને જે જગ્યાએ ગરબા રાખ્યા હતા તે જ જગ્યાએ ઊંધા લટકાવીને માર્યા. ફરી પાછો પોલીસ કેસ થયો પણ આ વખતે પોલીસે તમને હાથ પણ ના લગાડ્યો અને પૂરી અદબથી માનભેર કોર્ટમાં રજૂ કર્યા અને તમને ફરીથી કોર્ટે જેલમાં મોકલ્યા. આ વખતે જેલમાં જેલરથી લઈને વોર્ડન સુધીના તમામે તમને સલામ ભરી. બસ એ દરમ્યાન તમારા માતા-પિતાનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું. જામીન પર બહાર આવી તમે તમારા માતા-પિતાની અંતિમક્રિયા પતાવી અને પાછા ધંધે લાગ્યા અને તમે તમારા ખબરીઓ દ્વારા જાણી લીધું કે તે કાર અકસ્માત આયોજનપૂર્વક કરાવવામાં આવ્યો હતો. થોડા સમયબાદ તમે તમારા માતા-પિતાના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિઓને શોધી નાખ્યા અને તેમને પણ આ દુઃખ ભરી દુનિયામાંથી છૂટકારો અપાવી દીધો.

સમય પસાર થતો ગયો, રાજકીય વગ, તમારી આવડત અને જીગરના કારણે તમે અંધારી આલમમાં એક મોટું નામ બની ગયા હતા અને તમારી ધાક વાગતી હતી. કાયદેસરના અને ગેરકાયદેસરના તમામ ધંધા તમારા ઈશારે ચાલતા હતા. બસ, આ જ સમયગાળામાં તમે જે ક્યારેક જ પીતા હતા તે ત્રિપલ 5 સિગારેટના તમે ચેઈન સ્મોકર બની ગયા. તમે પેલા રાજકીય વ્યક્તિને અનેક વખત ઇલેકશનમાં જીતાડ્યા અને એ સામાન્ય રાજકીય આગેવાન મંત્રીના પદ સુધી પહોંચી ગયા અને ઉમરની અવસ્થાએ તે પણ સ્વર્ગે સિધાવ્યા ત્યારે તમે ખૂબ જ રડ્યા હતા. પણ મન મક્કમ કરીને ફરીથી ધંધે લાગી ગયા હતા.

હમણાં જ બે મહિના પહેલા તમને કફમાં લોહી પડ્યું ત્યારે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યો ત્યારે તમને ખબર પડી કે તમને ફેફસાનું લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને બંને ફેફસા પૂરી રીતે  ખલાસ થઇ ગયા હતા તેમજ બંને કીડની ખતમ થઇ ચૂકી હતી, લીવરમાં ઇન્ફેક્સન ફેલાઈ ગયું હતું. બચવાની કોઈ જ આશા નથી. પ્રદીપે તમારા માટે તમારા રૂમમાં જ મીની-હોસ્પિટલ બનાવી દીધી હતી અને પ્રદીપ તથા એના જેવા જ તમારા ખાસ વિશ્વાસુ ચોવીસ કલાક તમારી પડખે કેટલાય દિવસથી ઊભા હતા. તમને તમારો જીવન કાળ યાદ આવી જતા તમારા જુના મિત્ર અજયની શાયરી યાદ આવી ગઈ.....

"જીવનકા સફર ચાલતા હી રહેગા, જીંદગીકો હમેશા બદલતા હી રહેગા,
ચાલના પડેગા તુમકો, બીના રુકે બીના થકે આખરી પડાવ આને તક."

તમારી ખાંસી અટકી જતા તમે ધીમા અવાજે કહ્યું, "પ્રદીપ, બધું સાચવી લે જે." અને એક ડચકુ ખાઈ ગયા.

અને પછી તમે જોતા હતા કે પ્રદીપ અને તમારા બીજા ખાસ માણસો રડી રહ્યા હતા. ડોકટરે ચાદર મોઢા ઉપર ઓઢાડી દીધી. તમે જોઈ રહ્યા હતા એક નિશ્ચેતન શરીર કે જેણે રજની કવિશ્વર તરીકે જન્મ લીધો, રજની ઈલેક્ટ્રીશિયન તરીકે જિંદગી શરૂ કરી, રજની ભાઈ તરીકે ઓળખાયો અને રજની ડોન તરીકે મૃત્યુ પામ્યો.


આશિષ એ. મહેતા

Creative Commons License
જીવનકા સફર ચાલતા હી રહેગા, જીંદગીકો હમેશા બદલતા હી રહેગા by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.

2 comments:

 1. its good to read in gujarati


  anupam shroff

  ReplyDelete
  Replies
  1. Dear Anupam, we like your feedback.... We are publishing new post on every Saturday, so, kindly visit our site regularly for new posts....

   Delete