Saturday, June 7, 2014

સરકતો જતો સમય

ઘડિયાળનો સેકંડ કાંટો રાજધાનીની ઝડપે ચાલી રહ્યો હતો અને સમય જાણે કે નદીની રેતની જેમ હાથમાંથી સરકતો જતો હતો. પસાર થતા સમયને આંબાવા મથી રહ્યો હોઉ તેમ હું ઝડપથી યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ માત્ર પ્રયત્ન, પરિણામ કદાચ જોજનો દૂર હતું. મને મારી જ આળસ નડી રહી હતી.

કોલેજ શરુ થઇ ત્યારથી જ મમ્મી અને પપ્પા કેહતા હતા કે, "ભાઈ, કોલેજનું છેલ્લું વર્ષ છે. આગળનાં બંને વર્ષની એ.ટી.કે.ટી. ક્લીયર કરવાની છે. રોજ નિયમિત વાંચ, રોજનું કામ રોજ કર, કામ ને ભેગું કરવાની તારી આ આદત ક્યારેક તને બહુ જ ભારે પડી જશે." પણ, ત્યારે સમજણ નહતી પડતી અને મમ્મી-પપ્પાની સલાહ માને કોણ? મમ્મી અને પપ્પા કહી કહી ને થાક્યા અને થાકીને સલાહ આપવાનું પણ બંધ કરી દીધું. સમય એની ગતિએ પસાર થતો રહ્યો, દિવસો વીત્યા અને અઠવાડિયા થયા, અઠવાડિયા વીત્યા અને મહિના થયા. કોલેજની ફર્સ્ટ ટર્મની પરીક્ષા પૂરી થઇ અને પરિણામ આવ્યું, આપણને તો પેહલાથી ખબર તો હતી જ કે આપણું પરિણામ શું આવશે. વાંચ્યું હોય તો કાઈક આવડે ને? અને કાઈક આવડે તો કાઈક સાચું લખીએ અને કાઈક સાચું લખ્યું હોય તો સાહેબ તપાસી ને માર્ક આપે. પણ, આપડે તો બાપુ, રોલ નંબર સિવાય બધું જ ગપ્પાં મારેલા. ક્યાંથી પાસ થવાના હતા? ભાઈબંધ દોસ્તારોની જોડે ચાની કીટલીએ ટાઇમ પાસ કરવામાંથી નવરા ન'તા પડતા અને પરિણામ આવ્યા પછીએ ક્યાં આપણા વર્તનમાં સુધારો આવ્યો?

બીજી ટર્મ પૂરી થઇ ગઈ અને છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા આવીને ઉભી રહી ગઈ. પરીસ્થીતીની ગંભીરતાનું ભાન થયું. ફર્સ્ટ યર, સેકન્ડ યર અને લાસ્ટ યરની થઇને કુલ બાર વિષયના પેપરમાં પાસ થવાનું હતું. જે વ્યક્તિ સાત વિષયમાં પાસ ના થઇ શક્યો હોય તે એક સાથે ત્રણ અલગ અલગ વર્ષના કુલ બાર વિષયોમાં એક સાથે કેવી રીતે પાસ થઇ શકશે? આજ સવાલ હું પોતાને પૂછતો હતો અને તેનો મને જવાબ નહતો મળતો.

જેમ તેમ કરીને વાંચવાનું શરૂ કર્યું અને દસ વિષયોની પરીક્ષા આપી દીધી. હવે ફક્ત બે જ પેપર બાકી હતા અને આજની રાત છેલ્લી રાત હતી. કાલનાં બંને પેપરનું આઈ.એમ.પી. આવી ગયેલ, બસ હવે એટલું જ તૈયાર કરવાનું હતું. સ્ટડી ટેબલ ના ખાના ફેંદવાના શરૂ કર્યા. પણ બૂક મળતી ન હતી. રાતના દસ વાગવાની તૈયારીમાં હતા. મમ્મી અને પપ્પા મારી સમું જોઈ રહ્યા હતા. તેમનો ગુસ્સો તેમની આંખોમાં દેખાતો હતો. મારા સ્ટડી ટેબલનાં ખાનાઓમાંથી ઘણી બધી નકામી વસ્તુઓ નીચે ઢગલો થઇ રહી હતી. મને મળેલી ગીફ્ટો, મારા મોજાં, ફિલ્મની ટિકિટો, રેસ્ટોરેન્ટનાં બીલો, નાના ભાઈનો ખોવાઈ ગયેલો બૂટ અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ. બસ નહતી મળતી તો કાલની બંને પરીક્ષાની ચોપડીઓ. મારા બધા ખાના ફેંદી નાખ્યા, પપ્પાના કબાટમાં પણ નજર નાખી દીધી, પણ કંઈ મળ્યું નહિ. બસ નિરાશ થઇને નીચે બેસી ગયો. લાગ્યું કે, કાલની પરીક્ષામાં નાપાસ થઈશું અને ફરીથી ત્રણ વર્ષ કોલેજ કરવી પડશે. બે હાથની વચ્ચે મોઢું ઢાંકીને વીતેલા સમય અને મમ્મી-પપ્પાની સલાહ ના માનવાનો અફસોસ કરી રહ્યો હતો અને ત્યાં અચાનક મારા કાન પાસે તીણો અવાજ સંભળાયો. આંખો ખોલીને જોયું ચારે તરફ અંધારું હતું. ડીમ લાઈટ ચાલુ હતી. મોબાઈલમાં એલાર્મ વાગી રહ્યું હતું. એલાર્મ બંધ કરી પથારીમાંથી ઉભો થયો, વોશબેસીનમાં મોઢું ધોઈ ડ્રોઈંગ રૂમમાં નજર કરી, બધું જ બરાબર હતું. કબાટના ખાના બંધ હતા, હા, રાત્રે દીકરીને ભણાવવા બેસેલ તેની બૂક બહાર હતી, સહેજ હસવું આવી ગયું, ક્યારેક જે મારૂ સ્ટડી ટેબલ હતું તે હવે મારી દીકરીનું થઇ ગયું હતું અને જે ક્યારેક મારા પપ્પાનું કબાટ હતું તે આજે મારૂ કબાટ હતું, કબાટ ખોલીને મારી ઓફિસની અને અગત્યની ફાઈલો પર નજર કરી, હજુ પણ મન માનવા તૈયાર નહતું કે મેં સ્વપ્નું જોયું હતું।...


આશિષ એ. મહેતા


Creative Commons License
સરકતો જતો સમય by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.

No comments:

Post a Comment